મનોહરપુરીમાં ગુણસુંદરીના ઉતારાનું મકાન ગામડાના પ્રમાણમાં મ્હોટું અને સોઇવાળું હતું. માનચતુરને વાસ્તે, સુંદરગૌરીને વાસ્તે, ગુણસુંદરીને વાસ્તે, અને ચંદ્રકાંતને વાસ્તે, સોઇદાર જુદા જુદા ઓરડા હતા. તે શીવાય રસોડાનો ખંડ, જમવાનો ખંડ, પાણીનો તથા ન્હાવાનો ખંડ, એ પણ નીરનીરાળા હતા. વળી પાછળ એક વાડો અને આગળની ઓસરી એ તો જુદાં જ હતાં.
જે વખતે સરસ્વતીચંદ્ર અર્થદાસની સાથે ઘાસમાં પડ્યો હતો તે વખતથી તે છેક સંધ્યાકાળ સુધી ગુણસુંદરી, ઓસરીના ઓટલાપર એક આડી વળી સીડી દીધેલી હતી તેને અઠીંગી, રસ્તાપર નજર કરતી, ઉભી હતી. હજી દિવસ બરાબર આથમ્યો ન હતો અને ગામ બ્હાર આઘે ઉંચાં ઝાડના શિખરઉપર સૂર્યનાં કિરણ પાછાં પગલાં ભરતાં જણાતાં હતાં. નીચે આવતી જતી વસ્તીના છુટા છુટા પ્રશ્નને તે ભાંગ્યા તુટ્યા ઉત્તર આપતી હતી પણ તેનું ચિત્ત ભાગોળ ભણીનો માર્ગ અને પોતાના કુટુંબનો ભૂતકાળ બેની વચ્ચે ફેરા ખાતું હતું. છેક સાયંકાળ પડ્યો અને ચારે પાસ અંધારાની પછેડી પથરાવા લાગી ત્યારે ગામને પાધરેથી બે સ્વાર દોડતા દોડતા આવતા જણાયા ને ગુણસુંદરીની આંખ ચમકી હોય તેમ તેમની જોડે દોડવા લાગી અને પોતાની પાસે પાસે આવવા લાગી. બધે ઠેકાણે માર્ગ મેળવી, સઉનું કૌતુક ખેંચતા ખેંચતા, એ સ્વાર આવી પ્હોચ્યા; અને પ્રથમ તેમના પોશાક ઉપરથી અને આખરે નજરે નજર મળતાં તેઓ ઓળખાયા. એ સ્વાર સુવર્ણપુર મોકલેલા અબદુલ્લા અને ફતેહસિંગજી હતા; છેક ઓસરી આગળ આવી ઘોડાપરથી જ ફતેહસિંગજીએ ગુણસુંદરીના હાથમાં ચીઠ્ઠી મુકી તે તેણે એકદમ ફોડી અને વાંચી.
“તીર્થરૂપ અખંડ સૌભાગ્યવતી માતુશ્રી,
“હું આજ સંધ્યાકાળે નીકળી કાલ સવારે આપના ચરણારવિંદને ભેટીશ. સઉ સમાચાર સ્વારો ક્હેશે તેથી જાણજો. અત્રે મ્હારા તીર્થરૂપ શ્વસુરજી કારભારી થયા છે અને જુના કારભારી બદલાયા છે. મ્હારાં સાસુજીએ તથા નણંદે આપને બહુ બહુ બોલાવ્યાં છે. હું અત્રે છું તો સુખી, પણ મ્હારું હૈયું આજ ભરાઈ આવે છે તે કાલ તમને મળીશ ત્યારે ખાલી કરીશ. વડીલને અને કાકીને મ્હારા દંડવત્ પ્રણામ ક્હેજો અને બ્હેનને આશીર્વાદ, પિતાજી તો રત્નનગરીમાં હશે.”
“લા૰ ચરણરજ કુમદના દં. પ્ર.”
“ચૈત્ર સુદ બીજ.”
કાગળ વાંચે છે એટલામાં માનચતુર, સુંદરગૌરી, કુસુમસુંદરી, ચંદ્રકાંત વગેરે મંડળ ભરાઈ ગયું; કાગળ લેઈ ફરી ફરી કુસુમસુંદરીએ મ્હોટેથી વાંચ્યો, અને એક પછી એક એમ સઉએ વાંચી જોયો. ચંદ્રકાંતે પણ હાથમાં લીધો, અને આ અક્ષર સરસ્વતીચંદ્રના હાથમાં જોવાનો અભ્યાસ સરત આવતાં ઉકળતા અંત:કરણમાં નિઃશ્વાસ નાંખી, પાછો આપ્યો. તેટલામાં ગુણસુંદરી એક પાસથી “હૈયું ભરાઈ આવે છે તે ખાલી કરીશ” એ શબ્દો મનમાં ફરી ફરીને આણી હજાર તર્ક કરવા લાગી, અને બીજી પાસથી સ્વારોને સુવર્ણપુરના, વ્હેવાઈના, જમાઈના, અને દીકરીના સમાચાર પુછવા લાગી. અંતે સ્વાર રજા લઈ ચાલ્યા ગયા, રાત્રિ એકદમ જગત ઉપર તુટી પડી, ઠેકાણે ઠેકાણે દીવાઓમાં તેજ આવ્યું અને તેનો છિન્નભિન્ન પ્રકાશ સ્ફુરવા લાગ્યો. ચારપાસની વસ્તી ધીમે ધીમે રજા લઈ વેરાવા લાગી અને પોતપોતાના ઘરભણી પ્રધાનપત્નીની સુજનતાની વાતો કરતી વળી. તેમનો અને છોકરાંનો કોલાહલ અંધકારમાં પળવાર ગાજી રહ્યો, અને થોડાકમાં શાંત થયો. રાત્રિ એકલી જ રહી લાગી. વાળુનો વખત થયો અને માનચતુરે આજ્ઞા કરી કે આજ તો સ્ત્રીમંડળે પણ મ્હારી સાથે જ બેસવું કે ઘણે દિવસે એકઠાં જમવાનો લાભ મળે. સઉ વાળુ કરવા બેઠાં. એક ગરીબ માબાપ વગરની છોકરી ગુણસુંદરીએ ઉછેરી મનહરપુરીમાં મ્હોટી કરી હતી તે પણ પાસે બેઠી. માનચતુરને ગામડાનાં ગીતોનો રસ હતો તેથી તેણે કહ્યું એટલે વાળુની સાથે તે છોકરીએ ગીત ગાવા માંડ્યું તેમાં સઉ લીન થઈ ગયાં.
“ગુણસુંદરીબા, સાંભળજો, દીકરી સાસરેથી સંદેશો ક્હાવે છે.
“જઈ ક્હેજો મા ને બાપ, દીકરી તમારી રે,
“મરી ગઈ સાસરિયામાંય પરદેશ નાંખી રે; જઈ૰ 1
“નણદી દેછે મ્હેણાં રોજ, સાસુ સંતાપે રે,
“મ્હારો માવડિયો ભર્તાર કાળજ કાપે રે; જઈ૰ 2
“ક્હાડું અંતરની હો વરાળ કોની પાસે રે?
“કરું હું કુવો કે તળાવ? મન મુઝાયે રે જઈ૰ 3
“મ્હારો જીવવામાં નથી જીવ; પણ ઓ માડી રે!
“તને મળવા તલસે જીવ, નથી તું જતી છાંડી રે જઈ૰” 4
કુમુદસુંદરીનો કાગળ મન આગળ તરતો હતો તેવી ઘડિયે આ ગીત ગુણસુંદરીને ચિત્તવેધક થયું. તેની આંખ સુધી આંસુ ઉભરાયાં અને બ્હેબાકળી જેવી તે થઈ ગઈ, “પરદેશ નાંખેલી દીકરીની આ દશા! કોઈની પાસે મનની વરાળ ક્હાડવાની નહીં! સુંદરભાભી, કુમુદનો કાગળ વાંચ્યા પછી મારું કાળજું કહ્યું નથી કરતું. ગા, છોકરી, ગા.” છોકરીએ જરા વધારે લ્હેંકારી બીજું ગીત ગાવા માંડ્યું અને તેની સાથે ગુણસુંદરીનું હૃદય વલોવાઈ જવા લાગ્યું, વીંધાઈ જવા લાગ્યું, અને તે શુમ્ભ જેવી બની સાંભળવા લાગી. અન્નનો કોળિયો તેના હાથમાંને હાથમાં જ રહી ગયો. છોકરી બોલી. “માવડી! એક છોડી સાસરાની બારિયે એકલી બેઠી બેઠી પિયરની વાટ ભણી જોઈ જોઈ નીસાસો મુકે છે ને રસ્તામાં જનાર સાથે ક્હાવે છે.
“મ્હારા પિયરનો આ પંથ, નજર ન પ્હોચે રે,
“મહારું હૈયું ઘડીમાં આજ પિયર ભણી દોડે રે. મ્હારા. 1
“ઓ આ મારગ જાનાર! પિયર મ્હારે જાજે રે,
“જઈ ક્હેજે મા ને બાપ, દીકરી સંભારે રે! મ્હારા. 2
ગુણસુંદરીએ નિઃશ્વાસ ઉપર નિ:શ્વાસ મુકવા માંડ્યા.
“ઓ વાદળના ઉડનાર! પંખી! ઉડજે રે,
“મ્હારે પિયર પરવડી ત્યાં જ જઈ ક્ષણું ર્હેજે રે મ્હારા. 3
“પંખી બેસજે પિયરને મોભ મ્હોટે મળસ્કે રે,
“મ્હારાં માબાપ ચોકની મધ્ય ઉભાં હોશે રે. મ્હારા.”4
ગુણસુંદરી ગળામાં રોતી સંભળાઈ.
“મ્હારા બાપ તે ચૌટે જાય, માવડી પુછે રે—
“પુછતા આવજો નક્કી આજ કે દીકરી સુખી છે રે? મ્હારા.5
“પુછી પુછી એવું મ્હારી માત ધ્રુશ્કે રોશે રે!”
ગુણસુંદરીથી રોવાઈ જ ગયું.
“પંખી અબોલડા! એવું જોઈ તુંયે રોજે રે. મ્હારા. 6
“ગુણુસુદરી બા! હું અને કુમુદબહેન પણે ઓસરીમાં બેશી પ્હોર રોજ સાંજે આ ગાતાં’તાં ને હું એમને ક્હેતી હતી કે તમારે યે આ મુંબાઈ જવાનું આવશે ને માવતરથી નોખાં પડવાનુ થશે.”
કરુણરસની સીમા આવી. દીકરીની મા પરદેશમાં શી દશા હશે તે વિચાર સાથે સરસ્વતીચંદ્ર જેવા વરની હાનિ ગુણસુંદરીના મનમાં તરી આવી અને છોકરી પાસે છેલ્લી બે કડિયો વારંવાર ગવરાવી અને તેની સાથે પોતે રોવાયું એટલું રોઈ.
કુસુમસુંદરી માની જોડે જમવા બેઠી હતી. આજસુધી દાદા જોડે બેસતી, પણ હવે એને બારમું વર્ષ ચાલતું હતું અને શરીર કન્યાવયમાંથી બ્હાર નીકળવા લાગ્યું તેમ તેમ મન પણ વધારે સમજણું થતું ગયું. આટલું વય થતા સુધી—કન્યાકાળ થવા આવતાં સુધી—એનું લગ્ન થવા વારો આવ્યો નહીં અને તેને લીધે યુવાવસ્થાના પ્રભાતે તેનાં શરીર- શિખરને સ્પર્શ કર્યાવિનાનાં રાખ્યાં હોય એવું કંઈ થયું નહીં. તેને માબાપે વિદ્યાદાન દીધું હતું છતાં મદને પોતાની કળાઓ એને શીખવવામાં રજપણ વિલંબ કર્યો નહીં. પોતે મદનને શોધતી ન હતી, દીઠે ઓળખતી પણ ન હતી, તેની કળાઓ શાને ક્હેવી તે જાણતી પણ ન હતી, છતાં અણદીઠો અણપરખ્યો મદન એની નાડિયે નાડીમાં અને રુવે રુવામાં અગોપ્ય તનમનાટ નિરંતર મચાવી મુકતો હતો. મુગ્ધ શૃંગારનાં પડે પડ એમનાં એમ ર્હેવા છતાં તેની અંદરથી આ તનમનાટ પ્રકાશ મારી ર્હેતો હતો. પરંતુ હજી સુધી સઉ ભુલાવો ખાતાં અને કુસુમસુંદરી ન્હાનપણમાં જેવી મસ્તીખોર, ઉચ્છૃંખલ, અને સ્વતંત્ર હતી, વગર શીખવી કળાઓ શીખવાની ખંતીલી હતી, અને ઉઘાડી અથવા ગુપ્તરીતે એ ખંતને લીધે હરેક નવી વાત જોતામાં, સાંભળતામાં, અનુકરણ કરતામાં, વિચારતામાં અને અનુભવી જોતામાં, શીખી જતી ત્યારે જ જંપતી તેમ હાલ પણ કુસુમસુંદરી નવે રૂપે એ જુના જ ગુણો જાળવી રહી છે અને તેનામાં કંઈ નવું દૈવત આવ્યું નથી એવી જ સઉને ભ્રાંતિ ર્હેતી. પરંતુ એ મદનદૈવત ચકોર કુસુમના કુમળા શિરમાં ભરાઈ ર્હેતું, એની પાસે સોડિયું વળાવતું, વધતાં અંગ સંકોચાવતું, લજજારૂપી હાથવડે એનો હાથ ઝાલી એને પાછો ખેંચી રાખતું અને એના શબ્દમાં મિતાક્ષરતાને અને ચેષ્ટામાં મર્યાદાને ભરતું. જોનારનો અભિપ્રાય પણ છેક ખોટો ન હતો, કારણ મદને એને ઝાલવા માંડી હતી તેમ પોતાના બાળપણને હજી એણે ઝાલી રાખ્યું હતું, અને તે ઉભયની સાંકળોને આધારે એ હીંચકા ખાતી હતી,
ગીતની અસરથી રોતી ગુણસુંદરીને દેખી, તેની અને સુંદરની વચ્ચે ભરાઈ બેઠેલી કુસુમસુંદરી ડોકું સઉથી દેખાય એમ બ્હાર ક્હાડી બોલી ઉઠી: “દાદાજી, જોયું કે? ગુણિયલની આંખમાં આંસુ આવ્યાં ને રુવે છે!”
અચિંત્યા આ પ્રશ્નથી સઉની એકાગ્રતામાં વિક્ષેપ પડ્યો, અને વૃદ્ધ માનચતુર વ્હાલી પૌત્રીના ઓઠમાંથી અક્ષર પડતાં મલકાઈ ગયા અને બોલ્યા: “બ્હેન, એ તો ત્હારી જ આબરુ ગઈ કે તું પાસે છતાં રુવે છે!” સઉ હસી પડ્યાં.
“ના, ના, એ તો એમ નહીં જુવો, એ તો રત્નનગરીમાં સરસ્વતીચંદ્રનું વાંકું બોલતી હતી ને ક્હેતી હતી કે બાપે બે બોલ કહ્યા તેટલા ઉપરથી આટલો રોષ ચ્હડાવવો એ તો છોકરવાદી છે. ત્યારે સાસુનણંદનાં મ્હેણાં ન સંભળાયાં અને વહુને ઓછું આવ્યું એવું ગીત સાંભળતાં જ આવડાં મ્હોટાં ગુણિયલ રોઈ પડ્યાં ત્યારે એ છોકરવાદી નહીં? સરસ્વતીચંદ્રને તો જાતે વેઠવું પડ્યું અને આને આ તો આટલાથી જ રોજ આવ્યું! મ્હેં તે દિવસે ગુણિયલને કહ્યું કે સરસ્વતીચંદ્રને ઠપકો દેતાં પ્હેલાં વિચાર કરજો કે આપણે પોતે એને ઠેકાણે હઇયે તે કેવું લાગે?”
“ત્યારે તે એમ ક્હેને કે તું જીતી ને ત્હારાં ગુણિયલ હાર્યા?”
“હાસ્તો. એક વાર નહીં ને હજાર વાર.”
“બ્હેન, માને જીતાય નહીં, હોં!”—સુંદરગૌરી એને માથે હાથ ફેરવતી ફેરવતી બોલી.
“ના, કાકી, મ્હોટાં આગળ તો ન્હાનાં જ જીતે. જુવો ને તમે જ વાતો કરોછો કની કે ગુણિયલે ઘરમાં બધાંને એવાં જીતી લીધાં હતાં કે દાદાજી, મ્હોટાં મા, બે ફોઇયો, અને તમે બે કાકિયો—કોઇનાથી ગુણિયલ આગળ બોલાય નહીં, એણે તમને બધાંને જીત્યાં ત્યારે હું એને ન જીતું?”
ચંદ્રકાંત સુદ્ધાંત સર્વને હસવું આવ્યું. ચંદ્રકાંતને પણ એની સાથે બોલવાનું મન થયું, અને સ્મિત કરી બોલ્યોઃ
“બ્હેન, તમારાં માતુઃશ્રી જેનો વાંક ક્હાડે તેનો પક્ષપાત તમારાથી કેમ થાય?”
દીવાનું અજવાળું કુસુમસુંદરીના અર્ધા મુખ ઉપર પડતું હતું, અને અર્ધો ભાગ ગુણસુંદરીની છાયામાં ઢંકાયો હતો. અજવાળાવાળા ભાગ ઉપર ચંદ્રકાંત ઉત્તર સાંભળવાને નિમિત્તે જોઈ રહ્યો, અને સરસ્વતીચંદ્રનો પક્ષપાત કરનારી કન્યાના મુખપરની સાદાઈ અને પ્રસન્નતા ઉપર થઇને આવતા જતા ગુંચવારાવાળા વિકાર કલ્પવા લાગ્યો: સરસ્વતીચંદ્ર, કુમુદસુંદરી ગરીબ સ્વભાવની છે—પણ ત્હારે યોગ્ય તો આ જ છે—કારણ એ ત્હારા માથાની નીવડશે અને ત્હારા સદાના ગંભીર અને આડા સ્વભાવને પાંશરો કરશે—પણ—એ દિન કયાં?” નિઃશ્વાસ મુકી, મનમાં આમ બોલી, ચંદ્રકાંત જોઈ રહ્યો.
પરભાર્યા જેવા ચંદ્રકાંતની સાથે બોલવાનો પ્રસંગ આવી વાતમાં આમ અચિંત્યો આવવાથી કુસુમસુંદરી પળવાર ગુંચવાઈ, જરીક શરમાઈ, કંઈક નીચું જોઈ રહી, આખરે ગંભીર ઠરેલ માણસનો આકાર ધારી ભાષણ કરતી હોય તેમ બોલી: “ચંદ્રકાંત ભાઈ, જ્યારે એમ હોય ત્યારે તો સરસ્વતીચંદ્રે મ્હારી બ્હેનનો ત્યાગ કર્યો છે તે બ્હેનના કુટુંબ ઉપર તમ જેવા એમના મિત્રની મમતા કેમ હોય? જેવો તમે અમારા ઉપર પક્ષપાત રાખો છે તેવો અમે સરસ્વતીચંદ્ર ઉપર રાખિએ એ અંતઃકરણનો સંબંધ.”
“ખરી વાત, બ્હેન, એવું રોજ રાખજો.” ચંદ્રકાંત મ્હાત થયો, અને, સરસ્વતીચંદ્રનો વિચાર કરી ફરી નિઃશ્વાસ મુકી, ગદ્ગદ થયો અને બોલતો બંધ પડ્યો. માત્ર મનમાં જ બોલ્યો: “મ્હારે તો આ જ જોઈયે—પણ—તું ક્યાં?”
“સુન્દર પાસે કુમુદ ઉછરી અને મનોહરી પાસે કુસુમ ઉછરી. મનોહરી બોલતાં હારે તો કુસુમ હારે!—કેમ કુસુમ?” ડોસાએ હસીને પ્રશ્ન પુછયો ગુણસુંદરીએ બીજી વાતો ક્હાડી. સુવર્ણપુરમાં વ્હેવાઈનો કારભાર થયાના સમાચાર—એ મ્હોટી નવાજુની હતી; સરસ્વતીચંદ્ર સુવર્ણપુર છોડી નીકળ્યો તે ક્યાં ગયો હશે તેની કલ્પનાઓ થવા લાગી અને ચંદ્રકાંતને ચિંતાતુર બનાવવા લાગી. બ્હારવટિયાઓની વાતો, અને કાલે કુમુદસુંદરી આવવાની, એ સંધિ ભય ઉપજાવવા લાગ્યો. વાતોમાં ને વાતોમાં સર્વ જમી રહ્યાં, ઉઠ્યાં, અને પોતપોતાના શયનખંડમાં જવા વેરાયાં.
ચંદ્રકાંત અને માનચતુર એક ખંડમાં સુવાના હતા ત્યાં સુતા સુતા પરસ્પર વાતો કરવા લાગ્યા. માનચતુરે સરસ્વતીચંદ્ર શાથી ઘર છોડી નીકળ્યો એ વાતની સર્વ વીગત પુછી લીધી, અને તે વીગત પુરી પાડતાં પાડતાં ચંદ્રકાંતનો મિત્રભાવ અંતર્માંથી ખીલ્યો. સરસ્વતીચંદ્રનું નામ—એના ગુણની કથા—એની કીર્તિ—એ સર્વનો પ્રસંગ આવતો તેમ તેમ એની જીભ ઉપર આનંદની ઊર્મિઓ ઉછળતી; લક્ષ્મીનંદનના મનની નિર્બળતા, ગુમાનની સ્ત્રીબુદ્ધિ, ધૂર્તલાલની નિન્દા, અને અંતે સર્વ કથાનું અતિકરુણ પરિણામ, એ પ્રસંગે એ એના ઓઠમાંથી તિરસ્કારના ફુવારા ઉરાડ્યા અને છેવટ અત્યંત શોકની ત્હાડ આણી દીધી. વિદ્યાચતુરે સરસ્વતીચંદ્રનો દોષ ક્હાડ્યો હતો એ વાત પણ સવિસ્તર આવી ગઈ; અને વિદ્યાચતુરનો બાપ જ એ વાત સાંભળે છે તેની પરવા રાખ્યા વિના સરસ્વતીચંદ્રના અત્યંત સ્નેહી સ્નેહપરવશ મિત્રે વિદ્યાચતુરના મતનું ખંડન રસથી, છટાથી, અને જુસ્સાથી, કરવા માંડ્યું અને મુંબાઈની સભાઓમાં તે મહાપ્રયાસ કરતાં પણ ખીલી શકતો ન હતો એટલા વેગથી અત્યારે તે ખીલ્યો, અને ગુણસુંદરી સામે આવી બેઠી હતી તે પણ ધુનમાંને ધુનમાં જોઈ શક્યો નહીં, મિત્રભાવે અત્યારે એનામાં મહાન વક્તાની શક્તિ મુકી દીધી, અને સરસ્વતીચંદ્ર જેવા મહાત્મા આગળ રજવાડાના રાજ્યાધિકારિયો પાણી ભરે એટલો મ્હોટો મ્હારો મિત્ર છે એવા વિષયનું વિવેચન કરતાં કરતાં, માનચતુર, ગુણસુંદરી, અને બીજું મંડળ ધીમે ધીમે ભરાયું હતું તે સઉનાં અંત:કરણને ચંદ્રકાંત ટકોરા મારવા લાગ્યો, અને ન્યાયાધીશની પાસે પક્ષવાદ કરવાની પોતાની કળાની સીમા પ્રત્યક્ષ કરાવવા લાગ્યો.
વિદ્યાચતુરે ચંદ્રકાંત પાસે સરસ્વતીચંદ્રનો દોષ ક્હાડ્યો હતો તે સારુ ગુણસુંદરી મનમાં પસ્તાવા લાગી; ન્હાની કુસુમ સુંદરગૌરીને ખભે પછવાડેથી વળગી ઓઠ કરડતી શ્વાસ સરખો લીધા વગર સઉ સાંભળી રહી અને પોતાના ઉંધા મુકેલા પગ અંધારામાં પૃથ્વીપર કંઈક પછાડવા લાગી; અને અનુભવી માનચતુર, દંશ પામેલા સ્નેહને આશ્વાસન દેવું એ પોતાનો ધર્મ સમજી, સરસ્વતીચંદ્રને નિર્દોષ ઠરાવવા પોતાના પુત્ર વિદ્યાચતુરનો ફેંસલો ફેરવવા, પોતાના જ પાછલા અનુભવનો આધાર બતાવા લાગ્યો, એ જ અનુભવના બાંધેલા કાયદાના સિદ્ધાંતોનું સ્પષ્ટીકરણ કરવા લાગ્યો, અને ચંદ્રકાંતે કરેલી વકીલાતને સફળ કરી, એની મિત્રતાને ધન્યવાદ આપતાં આપતાં, પોતે બોલ્યો હતો તેનો ઉપસાંહાર કરી બોલ્યો.
“ચંદ્રકાંત, સરસ્વતીચંદ્રનો વિચાર બધું જોતા ખોટો ન હતો. કુમુદસુંદરી ગુમાનબા સાથે રહી સુખી ન થાત એમાં કાંઈ વાંધો નથી. વિદ્યાચતુર એ વાત ન સમજે. એને ભાગ્ય અમારાં આ ગુણસુંદરી મળી ગયાં છે અને ગુણસુંદરિયે એને જગતનો માર જણાવા દીધો નથી એટલે એવો માર કેવી વસ્તુ છે એની એને કલ્પના જ નથી. આજ તો ગુણસુંદરી ભૂલી ગયાં હશે પણ એમની બાવીશ ત્રેવીશ વર્ષની અવસ્થા હતી, અને અમારા ઘરમાં તો સંપ હતો છતાં કેવાં કેવાં નાટક થતાં હતાં અને એમણે એટલી ન્હાની ઉમ્મરે કેવી રીતે સઉ શાંત કરી દીધું તે મને સરત છે. બાવીશ ત્રેવીશ વર્ષની છોકરિયે મ્હારા આખા ઘરનો મ્હોટાંને કચરી નાંખે એવો ભાર ફુલની પેઠે માથે ઝીલી લીધો હતો, અને ન્હાનું ન્હાનું શરીર રુપાની આરતી પેઠે આખા ઘરમાં ફરી વળે અને જ્યાં ફરે ત્યાં એના અજવાળાનો ઝાત્કાર; તેમ એની શાંતિને ધન્ય ક્હો કે મ્હારા જેવા વૃદ્ધથી મીજાજ જળવાય નહીં ત્યાં એના મ્હોંમાંથી શબ્દ સરખો નીકળે નહીં, ને જો નીકળે તો કેવો? શાંત ધીમો, અને સઉને ત્હાડાં પાડી દે એવો. એટલું જ નહીં પણ એના મનમા યે કંઈ લગાડે નહીં. કેટલાંક એવાં હોય છે કે મનમાં તો લાગ્યા વગર ન ર્હે પણ બ્હાર ન જણવે, અને આ તો એવું કે એને કોઈ ખાવા ધાય તો તેના ઉપર એ ન્હાની સરખી છોકરી ઉલટી પ્રીતિ રાખે અને સામાની સાથે સામી ન થતાં તેને અનુકૂળ થઈ જઈ તેને એવું તો વશ કરે કે કંઈ વાત નહીં.!”
પોતના દેખતાં પોતાની સ્તુતિ થતી જોઈ ગુણસુંદરી શરમાઈ જઈ ગુંચવારામાં પડી કંઈક વિનયસૂચિત ઉત્તર દેવાનું કરતી હતી. માનચતુર તે ચેતી ગયો અને તેને બોલતી અટકાવવા, હસતો હસતો એના સામું જોઈ બોલ્યો:
“ગુણસુંદરી, ઉતાવળ ન કરશો. આ કંઈ તમારી પોતાની સ્તુતિ છે એમ સમજી ફુલાઈ ન જશો હોં! આ તો તમારી નામરાશિ છોકરી આપણા ઘરમાં કેટલાંક વર્ષ ઉપર હતી તેની વાત છે, એ છોકરીને તો તમે દીઠેલીએ નહીં. ક્હો—તમારી આંખે તમે એને દીઠેલી?—હા—બાકી ચાટલામાં જોઈ હશે.” સઉ હસી પડ્યા.
“તમારી તો હવે મ્હારે નિન્દા કરવાની છે, તે તમારે સાંભળવી પડશે—વડીલ નિન્દા કરે તે તો સાંભળવી જ જોઈયે કની?”
ડોસાએ પોતાનું કથાસૂત્ર ફરી ઝાલ્યું, “ચંદ્રકાંત, શી કહિયે વાત? મ્હારા ભર્યા ભાદર્યા ઘરમાં કોઈ કંઈ બોલ્યું હશે, કોઈએ કાંઈ મ્હેણાં દીધાં હશે, કોઈએ પાડ ઉલાળ ગણ્યો નહીં હોય, કોઈ ખડક્યામાંથી ખશી ગયું હશે, કોઇનું નચાવ્યું નાચવું પડ્યું હશે, પોતાને વાસ્તે આણેલી સારી ચીજ કોઈ પટકાવી પડ્યું હશે, કોઈએ કાયર કાયર કરી મુક્યાં હશે, અને આવાં આવાં કેટલાંક વર્ષ ગયાં હશે, પણ ગુણસુંદરીનો નથી ઓઠ ફરફડ્યો કે નથી એમણે મ્હારા વિદ્યાચતુરને કાંઈ જાણવા દીધું! વિદ્યાચતુરને તો એમણે રોજ પોતાની હરકતોથી અજાણ્યો જ રાખ્યો છે, એમનાં દુઃખ સુખ એ કદી જાણવા પામ્યો જ નથી, ને કુટુંબનાં દુઃખ કેવાં હોય છે તેનો તો એ બીચારાને અનુભવ જ થવા દીધો નથી—સ્વપ્ન સરખું પણ આવવા દીધું નથી!! કેવી વાત? આ તે કંઈ સ્ત્રીનું સ્ત્રીપણું? બીજી કોઈ સ્ત્રી એમની દશામાં હોય તો રોઈ રોઈને ધણીને નીરાંતે સુવા ન દે અને સંસારનું દુઃખ શું છે ને પરણીને પસ્તાવું તે શું તેનો પુરેપુરો અનુભવ કરાવી દે. એનું નામ તે સ્ત્રી કે પોતાના દુઃખનો પતિને ભાગિયો કરી દે. અને આ અમારા ગુણસુંદરી તો એકલપેટાં જ! બધું દુઃખ જાતે વેઠ્યું, કોઈને કહ્યું પણ નહીં, સૌ વાતમાં ઘુંટડા ગળી ગયાં, પોતાના દુઃખમાં કંઈ ભાગ વિદ્યાચતુરને આપ્યો નહીં અને સૌ દુઃખ જાતેજ વેઠી લેવું—સૌ જાતે જ એકલાં લેવું—સમજ્યાં! મ્હારા વિદ્યાભાઈ દુઃખના અનુભવ વગરના રહ્યા, અને સરસ્વતીચંદ્રને ઓરમાન માના હાથમાં ગયેલા બાપના બોલનો ચાટકો કેમ લાગ્યો હશે તે અમારા અનુભવ વગરના વિદ્યાભાઈના સમજ્યામાં ન આવ્યું તેનું કારણ અમારાં આ ગુણિયલ!—જો, આ વાત કરું છું ત્યારે કેવાં શરમાઈ જાય છે?—પોતાનો વાંક કોને ક્હે? એમણે મ્હારા વિદ્યાને એકલું સુખ આપ્યું છે ને દુઃખનું નામ સમજવા દીધું નથી એવું કામ કોઈ સજાત સ્ત્રીએ કરવું નહીં! ધણીને દુઃખનો અનુભવ ન કરાવે પોતાનાં દુઃખનાં રોદણાં રોઈ રોઈ કાયર ન કરે—એ તે સ્ત્રીની જાત? માટે ચંદ્રકાંત, તમારે મ્હારા પુત્રનાં વચન સામું જોવું નહીં અને ગુણસુંદરીનો જ વાંક્ ક્હાડવો કે વિદ્યાના કાનમાં સુખ વગર બીજો શબ્દ આવવા ન દીધો!”
“આટલો દોષ એમનો. મ્હારા પુત્રનો દોષ એટલો કે એણે એમ જાણ્યું કે આખા જગતમાં ઘેર ઘેર ગુણસુંદરિયો જ વસતી હશે ને ગુણસુંદરી થવું તે રમતવાત હશે. ઘેબર ખાનાર જાર ખાનારની કથા ક્યાંથી જાણે? પણ હું તો જાણું છું. સરસ્વતીચંદ્રને લક્ષ્મીનંદનનાં વેણ વસમાં લાગ્યાં તે લાગે જ. એ કુમળું ફુલ! એ તે હિમના કડકાનો માર કેમ સહી શકે? એનું શું ગજું? એણ ધાર્યું તે ખોટું નહીં; મ્હારી ગરીબડી કુમુદ ગુમાનના હાથ નીચે એકલી એકલી કચરાઈ રીબાઈ મરી જાત! ગુમાનના સામાં તો મ્હારાં ગુણિયલ પણ ન ટકે તો કુમુદ તે કોણ માત્ર? ગુમાનને તો સામું લાંઠ માણસ જોઈયે—મ્હારી કુસુમના જેવું—કેમ કુસુમ? ગુમાનને તું પાંશરી કરે કે તને ગુમાન પાંશરી કરે?”
“હા, તે અમે એવાં પક્કાં હઇશું?” કુસુમ સુંદરને ખભેથી ઉતરી આઘી બેસી બોલી: “દાદાજી, તમે જ પક્કા છો; ગુણિયલનો વાંક ક્હાડવાનું નામ દેઈ વખાણ કર્યાં!”
“શું પક્કાઈમાં કાંઈ ખોટું છે?”
“ના, શું કરવા? દાદા પક્કા ત્યારે દીકરી પણ પક્કી જ હોય કની? લ્યો, તમારી વાત કરો—આડી વાત ક્યાં ક્હાડી?”
માનચતુર પાછો વાતમાં પડ્યો “ચાલો ત્યારે, હવે ત્હારી માનાં વખાણે નહીં કરિયે ને વાંકે નહીં ક્હાડિયે. ચંદ્રકાંત, સરસ્વતીચંદ્રને રોગ પરખતાં આવડ્યો પણ ઔષધ આવડ્યું નહીં એમાં તે તમે પણ ના નહીં ક્હો. એમણે કુટુંબ છોડી વનવાસ લીધો એટલી બુદ્ધિ ઓછી. લક્ષ્મીનંદનથી જુદાં ર્હેવામાં કંઈ બાધ ન હતો. ખરું પુછો તો મને સાહેબલોકનો ચાલ ઘણો ડાહ્યો લાગે છે કે પરણે ક્યારે કે જુદા ર્હેવાની તાકાત આવે ત્યારે જ, અને પરણે એટલે જુદાં જ ર્હેવું. આપણો ચાલ પણ ખોટો નથી, પણ તે ક્યાં સુધી કે બધાંની આંખમાં અમીદૃષ્ટિ હોય ને બધાંમાં સંપ હોય ત્યાંસુધી. સાહેબલોકને હુતો ને હુતીનું સુખ—પણ આપણાં કુટુંબનું સુખ તેઓ સમજતા નથી. આ મ્હારી આશપાશ આ બધો વિસ્તાર ભરાઈ બેઠો છે ને જે આનંદની રેલ આપણે ચાલે છે, ને હું જાણું છું કે મ્હારાં ગુણસુંદરી અને ગુણસુંદરી જાણે છે કે મ્હારા વડીલ, એ સુખનું સાહેબલોકને સ્વપ્ન પણ નહીં હોં! સાહેબલોકમાં દીકરાને ઘેર સાસુ ને સાળી પોસાય અને ઘરડાં માબાપ એકલાં પગ ઘસે! આપણાં કુટુંબમાં તો ક્હો કે મ્હારો અને આ મ્હારી અનાથ ગરીબડી સુંદરગૌરી બેનો વગર ઉતરાવ્યે વીમો ઉતરાવ્યો છે, અને અમારી આશિષ્ છે તે ગુણસુંદરીને આનંદ જ ર્હેવાનો. અમારાં જેવાં ઘરડાં, લુલાંલંગડાં, અને નિરુદ્યમી, ગુણસુંદરીની માથે પડ્યાં છિયે અને વિદ્યાચતુરની ટુંકી કમાઈના દિવસ હતા ત્યારથી એનું લોહી ચુસી લેતાં આવ્યાં છિયે –
“શું વડીલ, શું બોલો છો? કંઈક તો અમારા ઉપર દયા રાખો!” ગુણસુંદરી બોલી ઉઠી.
“સાંભળો તો ખરાં. આમ છે તે છતાં અમે પણ એમને કોઈ વખત કામે લાગ્યાં હઇશું અને આજ અમારાથી લોકમાં અને પરલોકમાં એમને સુકીર્તિ છે. પણ આ વખત આવતા સુધી ટકી ર્હે એવા ગુણસુંદરી મ્હારા જ ઘરમાં છે, બીજે કોઈ ઠેકાણે નથી. ગરીબ અને પગ ઘસતા દીકરાઓની કમાઈ ઉપર ડબાણ મુકવું, ડાહી અને મ્હેનતુ વહુરોને મજુરી કરાવી કચડવી, તેમને જુવાનીનું સુખ અને જુવાનીનો ઉમંગ જોવા વારો જ ન આવે તેમ એમની પાસે રહી એમને કેદ રાખવાં, તેમના ઉગતા ડ્હાપણને અને તેમની નવી બુદ્ધિને પોતાના કોહ્યાપણામાં છેક પરતંત્ર કરી નાંખવા—એનાથી વધારે નિર્દયતા કેઈ હશે? અને જાણ્યે અથવા અજાણ્યે અને સમજ્યે અથવા અણસમજ્યે કેટલાં માબાપ અને કેટલાં સાસુસસરા આવાં નિર્દય થાય છે, તેનો મને અનુભવ છે. બોલનારી અને લ્હડનારી વહુરોનાં દુઃખ બધે ગવાય છે અને કપુત દીકરાઓનાં પરાક્રમ જગતજાણીતાં છે; પણ ડાહ્યો દીકરો દેશાવર ભોગવે અને ડાહી વહુ રાંધણાં રાંધે એ ક્હેવત પ્રમાણે, ન બોલનારા દીકરાઓ અને ન બોલનારી વહુરોની ખબર કોને છે? માબાપ અને સાસુ—સસરાઓનો ધર્મ એ છે કે આવાં બાળકની દાઝ પોતાની મેળે જાણવી અને ન બોલે તેને બેવડો માર ન મારવો અને મીઠાં ઝાડનાં મૂળ ન કાપવાં. કોઈ માબાપ જાણી જોઈને માર મારતાં નથી, પણ જાણી જોઈને કે અજાણ્યે કચરાય ત્હોયે ફુલ તો ચોળાય જ! માટે મ્હારો અનુભવ એવું ક્હે છે કે ઘરડાંઓનો તેમ ભાઈભાંડુઓનો ધર્મ એવો છે કે પોતે છુટાં થવાય કે ન થવાય તો પણ સામાને છુટાં થવા દેવા અવસર આવે એવી રીતે પોતે જાતે જ ખસતાં ર્હેવું. સરસ્વતીચંદ્ર મ્હોટા થયા ત્યાંથી જ એમને લક્ષ્મીનંદને ભેગા ને ભેગા અને છુટા ને છુટા એમ રાખ્યા હત તો આ વખત ન આવત. કુસંપ થવા પ્હેલાં સંપને વખતે જ પોતે છુટાં થવું અને સામાને છુટું કરવું એમાં માણસની દીર્ધદૃષ્ટિ છે, ડ્હાપણ છે, ચકોરતા છે, અને એ જ એનો ધર્મ છે. એ વાતમાં લોકલજ્જાનો પ્રતિબંધ ગણવો એ મૂર્ખતા છે. જ્યારે મોડું વ્હેલું પ્હેડિયે બે પ્હેડિયે જુદું પડ્યા વિના છુટકો નથી ત્યારે સમય સમજી જાતે છુટાં પડવું એ તો સંસારવ્યવહારની પ્રવીણતા રાખવા જેવું છે. માબાપથી કેમ જુદાં ર્હેવાય? એવો વિચાર સરસ્વતીચંદ્ર દૂર ન કરી શક્યા તે એટલું જ બતાવે છે કે એ ભણ્યા પણ ગણ્યા નહીં. એમાં શી મ્હોટી વાત હતી?—જુદું ર્હેવું એ સંસારનો રસ્તો છે તો તેમાં ઓસંગાવું શી બાબત? સરસ્વતીચંદ્રને એ વાતમાં લાજ લાગી જાય તેનું કારણ એ જ કે હજી એ બાળક છે. મ્હેં તો કેટલાક સિદ્ધાંત જ કરી મુકેલા છે તેમાં એક તો એ કે બે બઇરાંને એક ઘરમાં ર્હેવા ન દેવાં અને બીજું—ક્યાં પુરુષ કે ક્યાં સ્ત્રી—સૌને છુટાં ર્હેવાં દેવાં, અને મ્હારે જાતે કેટલું કરવું કે સૂર્ય પોતે પૃથ્વીથી દૂર અને છુટો રહી આપણને પ્રકાશ અને તાપ બે વાનાં આપે છે અને લોકનાં ઢાંકેલાં છાપરાં તળે અને ખુણેખોચલે શું થાય છે તે જોતો નથી અને તેની ચિંતા કરતો નથી તેમ મ્હારે પણ કુટુંબમાં એ સૂર્યની પેઠે ર્હેવું; તેમાં સૌને સુખ છે, અને સઉનું કલ્યાણ છે. કુટુંબમાં વૃદ્ધજનોનો ધર્મ આ છે અને તે સઉ વૃદ્ધોએ પાળવો જોઈએ છિયે—જો પોતાના કુટુંબ ઉપર પ્રીતિ હોય અને જો સઉનું સુખ વાંછતા હઇયે તો. તેમ હોય તો વૃદ્ધાવસ્થા મને સુખરૂપ છે તેવી થવાની; તેમ નહીં હોય તો તેવા વૃદ્ધોયે છોકરાંને ગાળો દેઈ ગાવું કે, “ઘડપણ કોણે મોકલ્યું?” તમે સર્વ વૃદ્ધ થશો માટે આટલું કહી મુકું છું, અને આજને વાસ્તે તો એટલું કહું છું કે સઉના સુખને વાસ્તે ઘરમાં કે કુટુંબમાં કાંઈ કરવાનું આવશ્યક લાગે તો બાયડીઓની પેઠે અને સરસ્વતીચંદ્રની પેઠે આમ કેમ થાય?—કરી લજવાશો નહીં, પણ જે ઠીક લાગ્યું—તે ધૈર્યથી અને ખબડદારીથી કરી દેવું જ અને રજ પણ આશંકા ન ગણવી. आहारे व्यवहारे च स्पष्टवक्ता सुखी भवेत्”
આ સર્વ વાર્તાપ્રસંગમાં શ્વશુર પાસે મર્યાદા રાખવાના સ્વભાવવાળી ગુણસુંદરી કંઈ બોલ્યા ચાલ્યા વિના બેસી રહી હતી તે માનચતુરનું ભાષણ થઈ રહ્યું એટલે મ્હોં મલકાવી ધીમે રહી બોલી: “ત્યારે મ્હારા આગ્રહનો તિરસ્કાર કરી મ્હારા જેઠને જુદા રાખ્યા અને પાણીફેરનું નિમિત ક્હાડી આપ અહિંયા ર્હેવા આવ્યા તેનો મર્મ પણ આ જ કે,?”
ડોકું ઉંચું કરી, આંખો વિકસાવી, મુછે તાલ દેઈ, વક્ર મુખે હસી પડી, આડંબર કરી, ડોસાએ એકદમ ઉત્તર દીધો: “હાસ્તો વળી!” મિતાક્ષર અને વેગભર્યો ઉત્તર સાંભળી ગુણસુંદરી ચુપ થઈ ગઈ.
વિદ્યાચતુરની વાતથી ચંદ્રકાંત જેટલો મીજાજ ખોઈ બેઠો હતો તેટલા જ પ્રમાણમાં માનચતુરની કંઈક અસંબદ્ધ પણ વેગવાળી અને અનુભવી વાતચીતથી તે ઠંડોગાર થઈ ગયો, અને રત્નનગરીના પ્રધાન કરતાં પ્રધાનના પિતાની બુદ્ધિ આટલી વયે આવી ઉત્તેજિત જોઈ ચકિત થઈ જોઈ રહ્યો—સાંભળી જ રહ્યો.
રાત ઘણી ગઈ હતી અને સર્વ પોતપોતાના શયનખંડ ભણી વેરાયાં. સર્વને મોડી વ્હેલી નિદ્રા આવી. માત્ર ગુણસુંદરી ઉઘાડી આંખે સુતી. તેનું સ્વાભાવિક ધૈર્ય આજ કુમુદસુંદરીના વિચારથી, અનિષ્ટ શંકાઓથી, અને ઉદ્વેગકારક તર્કોથી, ખસી ગયું હતું. થોડીક વારે સુંદરગૌરીની આંખ સ્હેજ ઉઘડી જતાં એણે ગુણસુંદરીને જાગતી અને રોતી જોઈ, અને જોતામાં જ તે જાગૃત બની પુછવા લાગી: “ગુણિયલ ભાભી, શું થાય છે? કેમ રુવો છો?” ગુણસુંદરી બેઠી થઈ અને સુંદરની છાતી ઉપર માથું નાંખી રોઈ પડી: “સુંદર ભાભી, આજ મને કંઈ કંઈ વિચાર થયાં કરે છે અને રોવાઈ જવાય છે; તેમાં કુમુદનો કાગળ સાંભરું ત્યારે કોણ જાણે શું દોહ્યલું મને ભરાઈ આવેછે ને ર્હેવાતું નથી.” આટલી વાતચીત થાય છે એટલાથી ચકોર કુસુમ ઉઠી ઉભી થઈ, અને તે ઉભી થઈ નથી એટલામાં બારણે કોઈ કડું ઠોકતું અને ધીમેથી બોલાવતું સંભળાયું: “ગુણસુંદરીબા, ગુણસુંદરીબા; જરી ઉઘાડો!” સઉએ કાન માંડ્યા; કુસુમ બોલી ઉઠી “ફતેહસંગનો સ્વર! ગુણિયલ ઉઘાડું?” હાનો ઉત્તર મળતાં એ ઉઠી અને બારણું ઉઘાડતાં ફતેહસંગ હાથમાં ફાનસ લેઈ દાખલ થયો; અને ફાનસ પાસે મુકી ગુણાસુંદરીનાથી કંઇથી છેટે બેસી, તરવાર ઉભી રાખી, તેની મુઠ ઉપર હાથ મુકી, બોલ્યો.
“બધાં વચ્ચે ક્હેવાય નહીં એવી વાત હતી એટલે તે વખત કહી નહીં; તે હવે ક્હેવા આવ્યો છું.”
સૌ આતુરતા વધી. ફતેહસંગે કુમુદસુંદરીએ સરસ્વતીચંદ્ર વીશે ક્હાવેલ સમાચાર કહ્યા અને બ્હારવટિયા એને ખેંચી ગયા ત્યાંસુધી અથ-ઇતિ કહી બવાવ્યું. છેવટે વધારે પત્તો મેળવવા હરભમજી ગયો હતો તે પણ કહ્યું.
ગુણસુંદરી અકળાઈ. “હેં, શું સરસ્વતીચંદ્ર જડ્યા એ ખરા ને ખોવાયા પણ ખરા? શું એને બ્હારવટિયા ખેંચી ગયા? અરેરે!—સુંદર એમનો ઉતારો બુદ્ધિધનને ઘેર હતો—કુમુદના પત્રનો અર્થ સમજ્યાં કની? હૈયું ખાલી કરવાનું એ લખે છે તે એ જ—બીજું શું?—વડીલને અને ચંદ્રકાંતને ઉઠાડી સમાચાર કહીશું?”
“નાજી, શું કામ છે તેમને અત્યારે મોડી રાત્રે જગાડીને?” ફતેહસંગ બોલ્યો.
ચંદ્રકાંત નામના સરસ્વતીચંદ્રના ભાઈબંધ છે તે બીચારા એમને જ શોધવા આવ્યા છે.” સુંદર બોલી.
ગુણસુંદરી કંઈક શાંત થઈ, વિચારમાં પડી, નિ:શ્વાસ મુકી બોલી: શા સારા સમાચાર ક્હેવાના છે? દુઃખના માર્યા અને થાક્યા પાક્યા બીચારા અત્યારે જ સુતા છે તે સુવા દ્યો. જાગીને શું કરવાના હતા? સમાચાર જાણશે એટલે આખી રાતની ઉંઘ ખોશે ને હરભમ આવ્યા સુધી કંઈ કરવાનું નથી. જા, ભાઈ ફતેહસંગ, સવારે જ સઉને જગાડીશું. પણ હરભમ આવે એટલે તરત એને લાવજે ને અમને જગાડજે.” ફતેહસંગ, બારણું વાસી ગયો, કુસુમે સાંકળ વાસી,અને ગુણસુંદરી બોલી: “સવાર સુધીમાં વળી કોણ જાણે શાયે સમચાર આવશે. ચંદ્રકાંતને ભાઈબંધનો દોષ ન વસે, પણ આવી દશામાં આવી પડવાનું સરસ્વતીચંદ્રને શું એવું કારણ હતું?”
સુંદર બોલી: “ભાવિમાં લખેલું તે એ પણ શું કરે?”
કુસુમ ગાતી ગાતી ગણગણી: “લખ્યા લેખ મિથ્યા ન થાયે લગારે.”
સુંદરગૌરીએ કુસુમને ખેંચી કેડ સરસી ચાંપી.
ફરી બારણું ખખડ્યું, સઉ ચમક્યાં, અને કાન માંડ્યા.
“કોણ?” ગુણસુંદરી બોલી અને તેને બોલે રાત્રિ ભેદાઈ.
ફતેહસંગ ઘરમાંથી નીકળ્યો અને તરત અંધારામાં સામાં બે માણસના આકર આવતા દેખાયા. તે આકાર ચોરના છે કે શાહુકારના, ભૂતના કે માણસના, શત્રુના કે મિત્રના, તે સમજાયું નહીં ત્યાં સુધી ફતેહસંઘ કમર બાંધી, સજ્જ થઈ સામો ચાલ્યો અને ખોંખારી, ઉંડા અંધકારમાં પડઘા કરાવતો, બોલ્યો: “ખમા મહારાજ મણિરાજને! કોણ આવે છે એ?”
ઉંડાણમાંથી બે મુખમાંથી એકઠો ઉત્તર મળ્યો: “ખમા મહારાજ મણિરાજને!”
સૌ એકઠા થયા અને સ્વરથી સઉયે એકબીજાને ઓળખ્યા. રાત્રિના પ્રથમ પ્હોરમાં ગામના ત્રિભેટામાં બ્હારવટિયાઓનું રાવણું મળ્યું હતું તે સર્વ વાત ઝાડની ડાળમાં બેસી પ્રત્યક્ષ કરી, રાવણું વેરાયા પછી ઉતાવળે પગલે ગામમાં આવી, મુખી પટેલને મળી, એને સાથે લેઈ, ગુણસુંદરીને અને માનચતુરને સમાચાર ક્હેવા, ઝડપથી હરભમજી આવતો હતો તે ફતેહસંગને મળ્યો. અંધારામાં મુખ અને કાન વચ્ચે વાત ચાલી.
“કોણ? હરભમજી?”
“એ જ. કોણ? ફતેહસંગજી?”
“એ જ. પાછળ કોણ છે?”
“મુખી પટેલ.”
“ઠીક થયું, ચાલો ગુણસુંદરીબા વાટ જ જુવે છે.” ફતેહસંગ સઉમાં આગળ ચાલ્યો, બારણું ઠોક્યું, અને ગુણસુંદરીના “કોણ” એ પ્રશ્નને, પ્રશ્ન નીકળતાં જ, ઉત્તર દેવા લાગ્યો. “બા ઉઘાડો, એ તો હું ફતેહસંગ અને હરભમજી.”
ઉત્તર પુરો થતાં પ્હેલાં બારણું ઉઘડ્યું અને કુસુમના હાથમાં ફાનસ હતું તેનું અજવાળું ત્રણે પુરુષોના મુખ પર બરોબર પડ્યું. બારણાં વાસી સર્વ અંદર આવ્યાં. ગુણસુંદરી અને સુંદર ખાટલામાં બેઠાં, કુસુમ તે બેની વચ્ચે ભરાઈ ગઈ, મ્હોં આગળ ખાટલાં પાસે ફાનસ મુક્યું, થોડે છેટે સામા પુરુષો બેઠા, અને તેમાં જરાક આગળ ઉંધે પગે બેસી હરભમજી ખોંખારતો ખોંખારતો સમાચાર ક્હેવા લાગ્યો. અથથી ઇતિ સુધી બ્હારવટિયાઓની કથા અને કુમુદસુંદરીને પકડવા તેમણે કરેલો સંકેત આખર કહી બતાવ્યો, અને ક્હેતો ક્હેતો બોલ્યો:
“બા રજ પણ ગભરાશો નહીં. એક પાસ બુદ્ધિધન ભાઈની હાક વાગે છે અને બીજી પાસ મહારાજ મણિરાજના નામથી જગત કંપે છે. વિદ્યાચતુર ભાઈનાં છોરુ ઉપર હાથ ઉપાડનારનું ભવિષ્ય ફરી વળ્યું સમજવું!”
સુંદરગૌરી રોઈ પડી, કુસુમ કંપવા લાગી, અને ગુણસુંદરી સજડ થઈ ગઈ: ફતેહસંગ, એકદમ વડીલને જગાડ”—સઉ માનચતુરના શયનખંડ ભણી દોડ્યાં.
સઉના પગના ઘસારાથી જ, વગર ઉઠાડ્યા માનચતુર અને ચંદ્રકાંત જાગી ઉઠ્યા અને બારણું ઉઘાડી બ્હાર આવ્યા અને ગભરાયલા જેવા પુછવા લાગ્યા: “શું છે? શું છે?”
ગુણસુંદરીએ ઉતાવળથી સર્વ સમાચાર કહી દીધા. સરસ્વતીચંદ્ર બ્હારવટિયાઓના હાથમાં ગયો સાંભળતાં જ ચંદ્રકાંત નરમ બની ગયો. એનું તો જે થયું તે થયું—તરત તો કુમુદસુંદરીને બચાવવાના વિચારની વધારે અગત્ય હતી—પ્રધાનની બાળાના ઉગ્ર ભાવિના શીઘ્ર કર્તવ્ય આગળ સરસ્વતીચંદ્રના સમાચાર, ભૂતકાળના સમાચાર જેવા બની, પ્રાતઃકાળના ચંદ્રોદય પ્રસંગે ચંદ્ર દેખાતામાં જ સૂર્યપ્રકાશમાં લીન થાય તેમ થયા. માત્ર ચંદ્રકાંત જ એ સમાચારથી અંતર્માં દાઝતો રહ્યો, અને ખીજવાતો ગયો; સરસ્વતીચંદ્રના હઠાગ્રહને ગાળો દેવા લાગ્યો તેમ જ પોતાની પણ મૂર્ખતાને ગાળો દેવા લાગ્યો. “મ્હેં આ ડ્હાપણ કરી પત્ર લખ્યો તે સુવર્ણપુર પ્હોચેલો તેમાં જ એણે સુવર્ણપુર પણ્ છોડ્યું.” દીન બની વિચારવા લાગ્યો, “હવે મ્હારે તેને ક્યાં ખોળવો?—મને એ પત્ર લખવો ક્યાં સુઝ્યો?—કુમુદસુંદરી હેમક્ષેમ ગુણાસુંદરીને મળે ત્યાં સુધી હવે સરસ્વતીચંદ્રના શોધની વાત તે હું શી રીતે એમના આગળ કરવાનો હતો?” આ સર્વ પ્રશ્નોત્તર એના મનમાં જ થયા. બાહ્યપ્રસંગ કુમુદસુંદરી બાબતની ગભરામણનો સાક્ષી રહ્યો.
સર્વ વાત ગુણસુંદરીએ પુરી કરી, એટલે માનચતુરે હરભમજી સાથે કેટલાક પ્રશ્નોત્તર કર્યા, અને હવે શું કરવું તે વીશે તેની સાથે તેમજ મુખીની સાથે ટુંકી ગોષ્ઠી જેવું કંઈક કર્યું. આખરે મુખી અને સ્વારોને સૂચનાઓ ઉપર સુધારા વધારા અને વિચાર કરી, પળવાર શાંત વિચારમાં પડી, વીજળી ઝબુકે તેમ કંઈ વિચાર સુઝી આવતાં, માનચતુરે ત્વરાથી આજ્ઞા આપી:
“મુખી પટેલ, તમારા ક્હેવા ઉપરથી એમ જણાય છે કે ગામમાં ચાળીશેક સ્વાર અત્યારે તૈયાર છે—એ બહુ સારો જોગ બન્યો છે; હવે જુવો આ પ્રમાણે વ્યવસ્થા કરો. આપણા ચાળીશ સ્વારોમાંથી પાંચ તુકડીઓ કરી દેવી. જ્યાં કુમુદને અટકાવવાની ધારી છે ત્યાં આગળ વધારેમાં વધારે માણસની તુકડી રાખવી. એક તુકડી આ ગામમાં જ ર્હે; બીજી તુકડીએ ત્રિભેટાના વડની પાસેથી વાઘજી ફરતો હોય તેની પણ પેલી પાસ સુધી ફરવું. નદીના પુલ પાસે—આ પાર—બ્હારવટિયાઓની ઢોલ હોય તેની અને નદીનાં કોતર બેની વચ્ચે ત્રીજી તુકડી ર્હે; ચોથી તુકડીને ક્યાં રાખીશું?—હા, સુભદ્રાનદીની પેલી તીરે, જ્યાં આગળ રસ્તો બે વનની વચ્ચે પેંસી આવે છે તેની પણ પેલી પાર, સુવર્ણપુરના રસ્તા ઉપર સુવર્ણપુરભણીની દિશામાં બને તેટલું વધારે,—એ રસ્તા પરજ ચોથી તુકડીએ ર્હેવું. પાંચમી તુકડીએ સૌ તુકડીઓને મુકી કુમુદ આવવની છે તે રસ્તે જઈ તેને મળે. લઈ જવા લાવવા ફરે.”
“વળી જુવો. બીજું સરત રાખવાનું છે. મુખી પટેલ સઉ રસ્તાના ભોમિયા છે માટે એણે વડ પાસે રહી વડથી નદી સુધી બધે રસ્તે હેરાફેરા કરવા. પટેલ, તમારે રુઆબબંધ દોડાદોડ કરી મુકવી અને તમારી ખબડદારીથી અંજાશે તો લુચ્ચાઓની તાકાત નથી કે ચેંચું કરવાની હીમ્મત કરે. મ્હારી ખાતરી છે કે ચંદનદાસ અને વાઘજી એ બે જણને ત્હારાથી સચવાશે. મનહરપુરીમાં તુકડી રાખવાની છે તે તો ગમે તે સાધારણ પણ સાવચેત માણસને સોંપજો” હરભમ બોલી ઉઠ્યો:- “હા જી, બરોબર છે. વિદ્યાચતુરભાઈના બંદોબસ્તમાં કોઈની આંગળી ખુંપે એમ નથી અને મણિરાજ મહારાજની આણથી બધો મુલક થરથરે છે—તે ત્યાં વગર ફોજે ફોજ છે. આ ગામમાં માણસો ર્હે તે તો ઠીક. ગમે તેને રાખો.”
પુત્રની સ્તુતિથી ઉત્કર્ષ પામતો ડોસો બોલ્યો: “હરભમ, મુખી વડથી તે નદી સુધીનો રસ્તો સાચવી શકાશે, એમાં વાંધો નથી.” હરભમનો મત માગતો હોય, અને મુખીની હીમ્મત નાણી જોતો હોય તેમ ડોસો તેમના સામું જોઈ રહ્યો. મુખીએ તરવારપર હાથ મુકી દાંત પીસ્યા તે દીવાને અજવાળે ચળક્યા. શુભ શકુન ગણી ડોસો બોલવા લાગ્યો.
“ફતેહસંગ, ત્હારે પુલ આગળ અને કોતરોમાં ર્હેવું અને ભીમજીને અને પ્રતાપને આંચમાં રાખવા. એ તો તને આવડશે.” ફતેહસંગે પોતાની મુછો આમળી.
હરભમ હસ્યો: “ગાજ્યો મેહુલો વરસે નહીં, માટે ગાજ્યું કાંઈ વધારે છે?”
ડોસો:- “ઠીક ત્યારે, વરસો. અત્યારે ને અત્યારે ત્હારે સુરસંગનો પત્તો ખોળી ક્હાડવો અને ચોથી તુકડી લેઈ એવી રીતે ર્હેવું કે એના સાથી એની સાથે મળવા કે સંદેશો પ્હોંચાડાવા પામે નહીં અને ભાઈસાહેબ નદી કે રસ્તો ઓળંગી પેલી પાસ જવા પામે નહીં અને જ્યાં જાય ત્યાં તને જ સામો દેખે!”
હરભમ આ મ્હોટા કામથી ખુશ થઈ બોલ્યો: “બસ, એ તો થયું સમજો. પણ હજી એક તુકડી રહી.”
ડોસો: “ત્હારા મનમાં ધીરજ નથી તે બોલવા સરખું ક્યાં દે છે જે? એ તુકડી અબ્દુલ્લાને સોંપું છું.”
“અબ્દુલ્લો તરવાર બ્હાદુર છે પણ ત્યાં તો બુદ્ધિવાળું કપાળ જોઈએ. કુમુદબ્હેનને આવવાનું ત્યાં આગળ પરતાપ પણ પાસે રખડવાનો; તે કપટ કરવાનો એ નક્કી. અબ્દુલ્લો એને નહીં પ્હોચે” હરભમ બોલ્યો.
ડોસો બોલ્યો: “હું જઇશની અબ્દુલ્લા જોડે જ!” ડોસો છાતી ક્હાડી બોલ્યો. હરભમ: “ત્યારે તો ઉત્તમ.”
“ના, ના, વડીલ, તમારે એ જોખમમાં પડવાનું નહીં. વૃદ્ધ શરીર અને આપણો ધંધો નહીં!” ગુણસુંદરી બોલી ઉઠી.
ડોસો હસ્યોઃ “વારુ, ગુણસુંદરી, ડોસાને પણ જુવો તો ખરાં! તમારો તો જન્મ પણ ન હતો અને આ બધા દેશમાં સાહેબલોક નવા આવતા હતા તે વખત તમારો વડીલ તરવાર બાંધી રજપુતો ભેગો દોડતો હતો. શું કુમુદને માથે હરકત આવે ને હું જોઈ રહું? જો એમ થાય તે મ્હારો અવતાર નિષ્ફળ જ. જો હરભમ, હું અને અબ્દુલો અમારી તુકડી લઈ અત્યારે નીકળીશું તે સુભદ્રા ઓળંગી આગળ ચાલ્યા જઇશું તે જ્યારે કુમુદ મળશે ત્યારે અટકીશું અને એને લઈ આવીશું. એની સાથે પણ માણસો હશે તેને સાવધાન કરી આગળ પાછળ ચાલીશું. જાવ, મુખી અને હરભમ, તમે કહ્યા પ્રમાણે તૈયારી કરી પલકારામાં પાછા આવો; અને ગુણસુંદરી, તમે જરા મ્હારાં જુનાં કપડાંમાંથી પાયજામો ક્હડાવો અને બીજાં કપડાં કહું તે ક્હડાવો. ફતેહસંગ, તું મ્હારે સારુ તમારા બધાંમાંથી કોઈની તરવાર સારી જોઈને લાવ, બંધુક પણ લાવજે, અને….”
ડોસો વધારે બોલવા માંડે છે એટલામાં તે સર્વ શૂરમંડળ તેના હુકમને અમલ કરવા વેરાઈ ગયું.
સ્ત્રીમંડળ ડોસાનાં કપડાં લેવા ગયું. જુના કાળમાં જ્યારે ઇંગ્રેજી રાજ્યનો અમલ બેઠો ન હતો અને બધે દેશ લુટારા લોકના ત્રાસથી બારે માસ હથિયારથી સજ્જ ર્હેતો હતો, જ્યારે બ્રાહ્મણોને અને સ્ત્રિયોને પણ પોતાનું રક્ષણ કરવા જેટલી તત્પરતા રાખવી પડતી હતી, તેવા ભયંકર સમયમાં જેની જુવાનીનો મુખ્ય ભાગ ગયો હતો તે માનચતુર હથિયારના ઉપયોગમાં પાવરધો હતો, અને તેના હાથને એવી રીતે કસાવાના પ્રસંગ પણ ઘણા મળ્યા હતા. નાનાસાહેબના બંડ પછી દેશ અશસ્ત્ર થયો છતાં, સશસ્ત્ર અવસ્થાનું શુરાતન, બળ, અને આવડ માનચતુરમાંથી અદૃશ્ય થયાં ન હતાં અને ઘણે વર્ષે પ્રસંગ આવ્યે સુતેલો સિંહ જાગ્યા પછી પણ સિંહ જ હોય છે તેમ માનચતુર આજ શૂર જનની ઉરકેરાયેલી અવસ્થા અનુભવવા લાગ્યો.
“ચંદ્રકાંત, તમે તે ઘેર જ ર્હેજો—બધી સ્ત્રિયોનું રક્ષણ થશે તે ભેગું તમારું પણ થશે. ખમા ઇંગ્રેજ બહાદુરને કે હથિયાર લેઈ લીધાં અને સ્ત્રિયોની તેમ જ તમારા જેવા પુરુષોની સઉ ચિંતા ઉપાડી લીધી!”
પોતાની ચિંતામાં પડેલો ચંદ્રકાંત આ વાકયથી સાવધાન થયો, આભો બન્યો, અને દેશને અશસ્ત્ર કરનાર ધારાના વિચારમાં પડી સરકાર ઉપર મનમાં ખીજવાયો.
માનચતુર બોલ્યો: “મુંઝાશો નહીં; આ ઉતાવળને પ્રસંગે વાદવિવાદ કરવાનો નથી. તમથી કાંઈ અમારી સાથે આવી નીપજે એમ નથી. કાયદાની તકરારો બ્હારવટિયા સાંભળે એમ નથી. હું તમને બંધુક આપું પણ દારુગોળાને ઠેકાણે કાંઈ તેમાં ચોપડીઓ ભરાય એવું નથી. મને વાત કરવા વખત નથી. હું હથિયાર બાંધી જાઉં છું. પાછો આવું એટલામાં આ વાત ઉપર એક નિબંધ લખી ક્હાડજો.”
માનચતુર ઉત્તર સાંભળવા ઉભો ન રહ્યો પણ બીજા ખંડમાં ચાલ્યો ગયો. ચંદ્રકાંત શરમાઈ, ખીજવાઈ, સજડ થઈ જઈ, બેસી જ રહ્યો. થોડીવારમાં ઘર બ્હાર થતા પગરવથી, કોલાહલથી, એકદમ આવતા જતા મસાલોના અજવાળાથી અને પાછાં થઈ જતા અંધારાથી, અસ્પષ્ટ સંભળાતા ઘણાક જનના ગભરાયલા ઉતાવળા બોલથી, ઘોડાઓની ખરીઓના પડઘાથી, હથિયારોના ખડખડાટથી, સઉને અંતે “ચાલો ચાલો” એવા માનચતુરના દૂર જતા રહી જતા તીવ્ર શબ્દથી, અને આખરે એ સઉને ઠેકાણે થઈ જતાં અંધકાર અને નિ:શબ્દતાથી, સઉ લશ્કરનું પ્રયાણ થયું અને પોતે એકલો રહ્યો એવું ગુંચવાયલો ચંદ્રકાંત સમજી ગયો, અને વિચારમાં ને વિચારમાં બેઠો હતો ત્યાં ને ત્યાં એમનો એમ રાત્રિના ત્રણ વાગતાં ઉંઘી ગયો.