પ્રકરણ ૩ : ઘાસના બીડમાં પડેલો

“વિયોગીને યોગી કરવાનો છે આ પ્રયત્ન માંડ્યો;
“જુવે તું તે સઉ, ત્હોય મૂર્ખ બની આમ રુવે છે પાછો!
“માયાગ્રહથી મુકાવો વિભુશું મેળવવા કર સ્હાયો;
“જુવે તું તે સઉ, ત્હોય મૂર્ખ બની આમ રુવે છે પાછો!”

– ચિતા,

ચન્દનદાસનાં માણસ સરસ્વતીચંદ્ર અને વાણિયાને ઘાસમાં પડતા નાંખી ચાલ્યાં ગયાં હતાં. તે સમયે સરસ્વતીચંદ્રના હાથમાંથી લોહી વહેતું હતું અને એ મૂર્છાવશ હતો. પણ પક્કા વાણિયાનો વાળ વાંકો થવા પામ્યો ન હતો.

એ વાણિયો રત્નનગરીનો રહેવાસી હતો. મૂળ તેને ઘેર ગાંધીનું હાટ હતું, પણ સટ્ટો કરવામાં પ્રથમ લાભ મળ્યાથી તે જ બાબતનો ચડસ પડ્યો હતો અને તેમાંથી ચાળીસ પચાસ હજારનો જીવ થયો હતો. દિવસ ફર્યો એટલે મેળવેલું ગયું અને કરજ થયું. મુંબાઈમાં નસીબ અજમાવ્યું પણ ફાવ્યું નહીં. બીજે ઘણે ઠેકાણે ઘણી ઘણી જાતના પ્રયત્ન કર્યા તે વ્યર્થ ગયા. એનું નામ અર્થદાસ હતું અને શ્રીમંતાઈ બે દિવસ આવી એટલે ધનકોર નામની કાળી કન્યા સાથે લગ્ન થયું. પોતાનું કુળ ઉંચું નહીં એટલે આઠેક હજાર ધનકોરના બાપને આપવા પડ્યા; અને ધણીને ફોલી ફોસલાવી, છેતરી, માગી, ચોરી તથા હજાર યુક્તિઓ વડે ધનકોરે આઠેક હજારનો માલ એકઠો કર્યો હતો તેમાં અર્થદાસની આંગળી સરખી પેસવા પામતી ન હતી. અધુરામાં પૂરું આજ તો ધનકોર શેઠાણી પણ ખોવાયાં‌—તે પણ શરીરપર દાગીના સાથે! જ્યારે સરસ્વતીચંદ્ર મૂર્ચ્છાવશ હતો ત્યારે અર્થદાસ આ બધું સંભારી હજાર સુખદુઃખના વિચારમાં લીન થતો હતો. ધનકોર તેને પરણી ત્યારે સાત આઠ વર્ષની હતી; તેને ઘેર આવી ત્યારે અગિયારેક વર્ષની કાચી વયની હતી. ન્હાનપણમાંથી તે વગદી અને વલકુડી હતી. ધણી પણ યોગ્ય જ હતો. ભાઈ દોકડો ખાવા ન આપે ત્યારે બાઈ બે દોકડા સંતાડે. અર્થદાસને તેની ખબર પડે ત્યારે ધમકાવે પણ મનમાં રાજી થાય કે “રાંડ હોંશિયાર ખરી, મને છેતરે એવી ખબડદાર નીકળી. છો રાંડ ચોરતી ને સંતાડતી. લેણદાર બધું જપ્ત કરશે ત્યારે એ માલ ર્‌હેશે.” પણ ધનકોર તો એવી ખબડદાર નીકળી કે ધણીને મરવા વખત આવે ત્હોયે ધનકારપાસેથી ફુટી બદામ કેવી નીકળે જે? અર્થદાસ ઘણું ઘણું ફોસલાવે‌—પણ આખરે હારે અને હારતાં હારતાં સંતોષ માને કે “રાંડ માથાની મળી‌—જેવી જોઈએ તેવી‌—જોડ‌—મળી.” કરકસરમાં પણ ધનકોર એવી જ ચતુર હતી. ઘરમાં પણ સઉને એ કાયર કરતી. સાસુને રોવડાવે, નણંદને ઉમ્મર ન દેખાડે, જેઠાણીને ફજેત કરે, દેરાણી પાસે દળણું દળાવે, જેઠ દિયરને જોઈને હડકાઈ કુતરી પેઠે ભસે, ધણીની આગળ પોશ આંસુ પાડી રુવે, અને મનમાં ને ઘરમાં મુકાદમ. ધનકોરનામાં એક ગુણ હતો. તેનામાં કચાલ ન હતી. વગદાપણાને લીધે છેક ન્હાનપણમાં તેની ચાલ બગડે એવો વખત આવ્યો હતો, પણ એ વગદાપણાને વધવાને રસ્તે અર્થદાસે ઘરમાં જ એટલો બધો સવડ ભરેલો ને મોકળો કરી આપ્યો હતો કે હળવે હળવે આખો દિવસ ઘરમાં જ ગુંથાઈ રહેવાની તેને ટેવ પડી હતી અને એમ કરતાં કરતાં વિષયવાસના ધનના લોભ આગળ નિર્મળ જેવી થઈ ગઈ હતી. આથી ધનકોર બીજી રીતે કર્કશા જેવી હોવા છતાં ઘરમાં તેને મોભો રહ્યો હતો અને સઉ કોઈ તે કહે તે વેઠતાં. કારણ ખરેખરી બાબતમાં ધનકોરવહુ કોઈને નમ્યું આપે એમ ન હતું. “મોઈ રાંડ, કોણ જાણે કયાંએ હશે ને શરીર પર દાગીના છે!” “મનહરપુરી પાસે છે એટલે હરકત નથી;” “બાઈડીની જાત‌—કાયા ને માયા બેનો ભો;” “રાંડ, આજ ઠીક પાંશરી થશે;” “કયાં આ બ્હારવટિયાઓમાં રોતી રખડતી હશે?” “બધાને પૂરી પડે એવી છે;” “કાચી માયા છે?” “મોઈ રાંડ” “એનું શું થશે? હેં‌—મને એના જેવી બીજી નહીં મળે!” “છો રાંડ અથડાતી‌—ગાંઠ કરીને બેઠી છે તે મને ઝેર ખાવાને યે કામમાં નથી લાગતી;” “હશે, એના તે એના પણ એ દાગીના એટલા રહ્યા છે તે યે જશે!” “ગમે તેવી ત્હોયે બાઈ માણસ તે બાળક જ કેની?” “એ મ્હારા બાપરે!”‌—એમ કરી કરી અર્થદાસ રોતો રોતો ચારે પાસે જોતો જોતો ઉઠ્યો અને બે હાથને છેટે સરસ્વતીચંદ્રને પડેલો દીઠો. એની કાંતિ તથા દશા જોઈ દયા આવી અને ઉઠાડવા તથા સ્વસ્થ કરવા ધાર્યું. વળી વિચાર થયો‌—“મુવો હશે કે જીવતો હશે! ઘેર જ ન જાઉં? બીજા લુટારા આવશે! હું ક્યાં બલા વ્હોરું?” ધનકોરની વ્હાર કરતાં સરસ્વતીચંદ્રની આ દશા થઈ હતી તે સાંભરી અને ઉપકારને દૃષ્ટાંતે સ્વાર્થવૃત્તિને જીતી. વાણિયા બ્રાહ્મણપાસે ગયો અને તેના અંત:કરણમાં શુદ્ધ દયા વસી.

સરસ્વતીચંદ્રને લોહી ઘણું નીકળ્યું હતું, પણ કંઈક કારણથી બંધ થયેલું જણાયું. થોડેક છેટે તળાવ હતું ત્યાંથી અર્થદાસ પાણી લેઈ આવ્યો એને સુતેલાના મ્હોંપર છાંટી તેને જગાડ્યો. સરસ્વતીચંદ્ર જાગ્યો, ચારેપાસ નવીન સ્થળ જોવા લાગ્યો; ચકિત થયો; તાવ, ઘાની નબળાઈ, થાક, ભુખ, અને સ્થળ તથા સમયની ઉપજાવેલી વૃત્તિઓથી દીન દેખાવા લાગ્યો. પિતાના વચનથી ઓછું આવ્યું હતું; કુમુદસુન્દરીની નિન્દા સહી શકાઈ ન હતી; ચંદ્રકાન્ત પાસે રોવું આવ્યું હતું; અઢળક દ્રવ્ય અને વૈભવ એક ઘડીમાં છોડી દેતાં કંપારીસરખી ખાધી ન હતી; કુમુદસુન્દરીના રણકારથી કમ્પી ર્‌હેતો પ્રેમસતાર તોડી નાંખતાં પોતાનું આખું હૃદયતંત્ર ચીરાયું‌—ચુર થયું અને તે છતાં વૈરાગ્યનાં શિખરભણી દોડતા વિચારે તે જોયું પણ નહીં હતું, ઈશ્વરપરેની આસ્થાએ ‘કુમુદસુન્દરીનું શું થશે’ એ વિચાર કર્તવ્ય સરખો પણ ગણ્યો ન હતો અને બાલ્યાવસ્થામાં જન્મ પામેલો વૈરાગ્ય આર્ય વિદ્યાથી દૃઢ થઈ અને પાશ્ચાત્ય વિદ્યાથી વિધિવિહીન બની સ્વતંત્રમાની થયો હતો. આ વૈરાગ્યને તેની ગર્ભશ્રીમંતાઈયે એવો તો ઉત્કટ બનાવ્યો હતો કે એના અનુભવવિનાના જગતને તે ઉદ્ધત લાગ્યા વિના ર્‌હેતો નહીં. મ્હોટા દ્રવ્યવાન શેઠિયાઓ અને મ્હોટા તેમજ વિસ્તારી પક્ષવાળા ગૃહસ્થો, તેને મન, મ્હોટા મ્હેલોની ચોકી કરનાર અથવા તો મ્હોટા ઇંગ્રેજો પાસે વાતચીત કરવાનો હક ધરાવનાર સીપાઈઓ જેવા વસતા. ગણિકાઓ પાસે દ્રવ્ય અને પક્ષ ઉભય જોઈ, તે પોતાના દ્રવ્યથી કે પક્ષથી પોતાને તસુ પણ મ્હોટો થયો માની શકતો ન હતો. મ્હોટા મ્હોટા ઈંગ્રેજ અમલદારો‌—ગવ્હર્નરો અને રાજકુમારો સહિત‌—“કાળબળનાં બનાવ્યાં ‘પુતળાં’ છે એવું તે લખતો. વર્તમાનપત્રો અને ગ્રન્થકારોને તે “સુધારાના ભાટચારણો” ની ઉપમા આપતો અને તેમનું ઉપયોગીપણું છે તેવું જ સ્વીકારતો, પરંતુ કોઈ પણ સામાન્ય માણસ અથવા મિત્ર અથવા વાત કરનારના મતને જેટલું માન ઘટે તેથી જરી પણ વધારે માન આપવાની સ્પષ્ટ ના કહેતો. જગતની દૃષ્ટિએ સાહસ લાગનાર પોતાના કૃત્યનો ન્યાય જુનો તથા સુધરેલો સર્વ વર્ગ કેવો કરશે તે તેણે સ્પષ્ટ જોયું હતું‌—ચંદ્રકાંતે સમજાવ્યું હતું‌—તે છતાં તેણે પોતાનો વિચાર જ કાયમ રાખ્યો હતો તે આપણે જાણિયે છિયે અને એ પણ જાણતો હતો. પરંતુ કાળ-કુંભારની ઘડેલી સમ વિષમ અવસ્થાઓ ભિન્ન ભિન્ન માનવીમાં ભિન્ન ભિન્ન ન્યૂનતા ઉત્પન્ન કરે છે અને તે ન્યૂનતાના પ્રમાણમાં ન્યૂનદષ્ટિ બાહ્ય સંસારના ભિન્ન ભિન્ન પરિમાણનું ભાન ધરે છે‌—આવું સરસ્વતીચંદ્રનું ધારવું હતું. આ જગતમાં કોઈ પણ ઠેકાણે‌—કોઈ પણ અવસ્થામાં “હું અવસ્થિત છું” એ ભાન ન હોય ત્યાં પોતાની ન્યૂનતાનું અથવા પારકાના પરિમાણનું ભાન થવા વારો ર્‌હેતો નથી અને મ્હારે પણ એવું છે: જે એકથી મ્હોટો તે બીજાથી ન્હાનો, જેનો કોઈ પણ રીતે અવચ્છેદ તેમાં ન્યૂનતા; મૂળથી તે અંત સુધી જેનું મન પોતાની મેળેજ ભરેલું હોય તે ગર્ભશ્રીમાન્: આ વિચાર સરસ્વતીચંદ્રે ન્હાનપણમાં કલ્પ્યા હતા અને વય તથા વિદ્યા વધતાં વધાર્યા હતા. “જ્યાં ન્યૂનતાનું ભાન હોય ત્યાં ગર્ભશ્રીમત્તા સંભવે જ નહીં” એ‌—વિચાર તેની વિદ્યાએ‌—તેના કવિત્વ‌—તેના કુલસંસ્કારે‌—અને તેની સ્થિતિએ વણી ક્‌હાડ્યો હતો. “જગતના પદાર્થને, પ્રાણીઓને, અને બનાવોને મ્હોટા ન્હાના ગણવા એ જ ન્યૂનતા, અને ભાન તથા આનંદનો પોતાના જ નેત્રમાં સમાવેશ કરવો તેનું નામ ગર્ભશ્રીમત્તા”‌—આ વ્યાખ્યાએ સરસ્વતીચંદ્રની આંખ આંજી હતી અને તે જ અંજનને બળે આ કાળીચઉદશ જેવી વિપત્તિમાં તે જાતે ઘસડાઈ આવ્યો હતો. આપણી શાળાઓ અને પાઠશાળાઓ આમ કેવાં કેવાં અને કેટલાં કેટલાં અંજન આંજે છે તેની કલ્પના કરાવનાર અવતાર પ્રકટ થવાને હજી વાર છે અને તેટલા કાળમાં પડદા બહારના લોકને પડદામાં આવજાવ કરનારની ઝાંખી છાયાથી ચમત્કાર લાગે તે તે કાંઈ નવાઈ નથી. આજની રાત્રિરૂપ સૂત્રધારે આવતી કાલના પડદા પાછળ કેવા વેશ ભજવનાર ગોઠવી રાખ્યા છે તેની કલ્પના પણ રાત્રે ઉંઘતું જગત શી રીતે કરે? એ વેશધરોના વર્ણનને તેઓ કાલ્પનિક ગણે નહીં તો જ નવાઈ. પડદો ઉપડે અને રંગભૂમિ ઉપર નવો ખેલ જામે ત્યાંસુધી તે જોનારની કલ્પનામાં સર્વ કાલ્પનિકજ! જે જે દેશમાં આ પડદાઓ ઉપડ્યા છે ત્યાં ત્યાં વિચિત્ર વેશ દેખાયા છે અને આ દેશમાં પણ તેમ જ દેખાશે! સંસ્કૃત અને ઇંગ્રેજી વિદ્યાના વિજાતીય લગ્નથી આ વિચિત્ર અનુભવવાળા દેશમાં કેવું બાળક જન્મશે અને કેવું થશે તે તો ઈશ્વર જાણે પણ સરસ્વતીચંદ્ર આત્મપરીક્ષા કરતાં પોતાને એક આવું જ બાળક કલ્પતો. એની વિચિત્ર ગર્ભશ્રીમત્તાને બળે એણે વિચિત્ર કામ કર્યું. પ્રથમ જેને એ વૈરાગ્ય ક્‌હેતો તેને પાછળથી “ગર્ભશ્રીમત્તા” ક્‌હેવા લાગ્યો હતો. વૈરાગ્ય છતાં રસમાં પલોટાવું, રસમાં પલોટાઈ ત્યાગી થવું, ત્યાગી થઈ પોતાના વૈરાગ્યબળની પરીક્ષા કરવા‌—“ચંદ્રવિરહી કાળ રાત્રિરૂપ તજી સૂર્યના કિરણયોગે દિનરૂપ ધરશે” અર્થાત કુમુદ નવી અવસ્થાને અનુકૂળ બની ભૂતકાળ વીસરી સુખી થશે એ પોતાની કલ્પના ખરી પડી જોવા અને સુસ્થ થવા સુવર્ણપુર આવવું:– એ સર્વ છતાં પોતાની ગર્ભશ્રીમત્તા ર્‌હે છે કે નષ્ટ થાય છે તેનો એ અનુભવ કરતો હતો. સુવર્ણપુરમાં આવી કુમુદસુન્દરીની દૃષ્ટિએ પડી તેના દુ:ખનું સાધન થવું એ તેનો હેતુ ન હતો‌—એ તો અકસ્માત થયું. “મ્હેં આટલાં માણસને દુ:ખી કર્યા,‌—મદન આટલો દુર્જેય છે,” ઈત્યાદિ અનુભવથી તેના મનમાં એટલું વસ્યું કે “હું મૂર્ખ છું‌—મ્હારી ગર્ભશ્રીમત્તામાં ન્યૂનતા છે‌—માનવ નિર્બળ છે.” ઘર છોડતી વખત ઘણાક વિકારોનો અનુભવ થવા છતાં, રાગદ્વેષ હોવા છતાં, ક્રોધ ચ્હડવા છતાં, સરસ્વતીચંદ્રનો અંત:સંન્યાસ જ તેના બાહ્ય સંન્યાસનું મૂળ હતું અને તેથી જ અત્યાર સુધી શોક છતાં દીનતા તેણે અનુભવી ન હતી. મૂર્છા જતાં તે દીનતા અત્યારે તેણે અનુભવી અને ઉપર આકાશ ને નીચે ધરતી બેની વચ્ચે જડ ઝાડો વિના કોઈનો સાથ ન દેખાતાં, કુમુદસુંદરી સાંભરી આવતાં, જન્મમાં પ્રથમ વિયોગ એને દેખાયો‌—વિપત્તિનું પ્રથમ દર્શન થયું. શરીરયંત્રનાં સર્વ ચક્ર આર્તનાદ કરવા લાગ્યાં અને “મનની ગર્ભશ્રીમત્તા” ધૂમાડા જેવી લાગવા માંડી.

“એ તો જ્ઞાન મને ગમતું નથી, ઋષિરાયજી રે
“લાવો, બાળક માગે અન્ન, લાગું પાયજી રે”

સુદામાની સ્ત્રીનું આ બોલવું ખરેખરું સમજાયું અને પોતાના ઘા ભણી દૃષ્ટિ ફેરવતો, ક્ષુધાર્ત, તાવવાળો, નબળો, થાકેલો, દુ:ખી પુરુષ દીન વદનથી અર્થદાસના સામું જોઈ રહ્યો અને

“હાથનાં કર્યો તે વાગ્યાં હૈયે”

એ શબ્દ વાણિયો ક્‌હેતો હોય એવો ખાલી પડી ગયેલા મસ્તિકને આભાસ થયો. પોતાના ઉપર કોઈને દયા સરખી પણ શી બાબત આવે અથવા આવવી જોઈએ એ વિચારથી મસ્તિક ફરી ગયું અને આટલા મ્હોટા આકાશમાંથી મને ઉગારવા કોઈ આવી શકે એમ નથી એ વિચારથી ઈશ્વર જે કોઈક ઠેકાણે હોય તો તે પણ મ્હારો નથી એ વિચારે શોકસીમા ઉત્પન્ન કરી.

આ જ સમયે ઇંગ્રેજ કવિનું મર્મચ્છેદક વાકય1 સાંભરી આવ્યું;

“પલટાતાં દશા વસી જાતી ઉરે!
પલટાય દશા, દીન ઉર ઝુરે!
નહીં પાસ સખા વ્રણ2 રુઝવવા-
જડતા ન ઉરે વ્રણ ભુલવવા!
કવિ કોણ શક્યો સઉ એ કથવા?”

કુબેરના જેટલો ભંડાર, ઇંદ્રના જેવો વૈભવ, વિદ્વાનોમાં માન અને મુંબાઇનગરીમાં પ્રતિષ્ઠા; ચન્દ્રકાંત જેવા મિત્રને સતત સહવાસ અને કુમુદની દિવ્ય સુગન્ધ; વૈરાગ્યનું દૃઢ બળ અને પ્રીતિરસનું ઉત્કૃષ્ટ કોમલ ગાન; આ સર્વ વચ્ચે જે એક વાર હતો તે અત્યારે કેવો હતો? માગવાનું પણ ઠામ નહીં તેથી ભીખારીથી પણ ભીખારી; બાવાની પણ ત્હાડડતડકાથી રક્ષણ કરનારી વિભૂતિ વિનાનો, મૂર્ખમાં પણ માનહીન અને જંગલમાં પણ પ્રતિષ્ઠાહીન‌—કે મરેલા શિયાળની પઠે અંહી નંખાવું પડ્યું; મિત્રને સ્થળે વાણિયો અને કુમુદને ઠેકાણે વિયોગથી ભરેલું અનુકુંપાહીન ઘોર અરણ્ય; વૈરાગ્યને ઠેકાણે તન અને મન ઉભયની અનાથતા અને પ્રીતિરસને ઠેકાણે હૃદય ચીરતો પશ્ચાત્તાપ; આ સર્વ વિપર્યયના વિચારે સરસ્વતીચન્દ્રનું મસ્તિક ચકડોળે ચ્હડાવ્યું. “કીટ્સ! કીટ્સ! ત્હેં ખરું કહ્યું છે! તને આ અનુભવ ક્યાં મળ્યો?” આ સ્વર મ્હોટેથી થઈ ગયો અને વાણિયો હબક્યો.

વાણિયો ધીમે રહી સરસ્વતીચંદ્રને ઉઠાડવા લાગ્યો અને ઉઠાડી બેઠો કર્યો, “તમને આ બ્હારવટિયા ઓળખે છે કે શું?‌—પેલો સંન્યાસી જેવો તમને તમારું નામ દેઈ બોલાવતો હતો”. આમ ક્‌હેતો ક્‌હેતો અર્થદાસ સરસ્વતીચંદ્રનો ઘા તપાસવા લાગ્યો અને ત્યાંથી લોહી વહેતું બંધ થયું હતું ત્યાં આગળથી રૂ જેવું કાંઈ હાથમાં લેઈ આંખો ચળકાવી સુરસંગે ચંદરભાઈ નામ કહ્યું હતું તે સંભારી, વધારે અપભ્રંશ કરી બોલ્યો. “ચાંદાભાઈ, જુવો તો ખરા આ ઠાકોરજીની માયા! તમારો ઘા રુઝી ગયો સમજવો‌—લ્યો આ.”

રુઝતા ઘાની કલ્પનાથી જ બળવાન્ થઈ ગયેલા મનવાળો બની પોતાનું ત્રીજો અપભ્રંશ પામેલું નામ સાંભળી ચમકી સરસ્વતીચંદ્ર ટટ્ટાર થયોઃ “એ શું છે, ભાઈ?”

વાણિયો બોલ્યો; “આનું નામ ઘાબાજરિયું; તમે આ ઘાસમાં પડ્યા હતા તે ઘાસ ભેગું ઉગેલું તમારા લોહીથી ઘામાં એ વળગી ગયું અને લોહી બંધ થઈ ગયું.”

“તે એમાં કાંઈ ગુણ છે?”

“હા, એથી ઘા રુઝે છે. આ તમારો ઘા રુઝ્યો હવે તમારે! સમજવો; તમેજ જુવો ને‌—હવે કાંઈ દરદ છે?”

“ના, છે તો નહીઃ” સરસ્વતીચંદ્ર પળવાર નીચું જોઈ રહ્યો, વિચારમાં પડ્યો, અને ગળગળો થઈ, છાતી પર હાથ મુકી ભીંની આંખવડે આકાશભણી જોઈ મનમાં બોલ્યો.

“પ્રભુ, આમ જ આપદ તું હરતો!–
“અમ મૂર્ખપણું ઉર ના ધરતો,
“વનમાં વણ-ભાન પડી હું રહ્યો-
“તૃણદ્વાર વીશે, પ્રભુ, ત્યાં તું ઉભો!!”

આ સ્તવન જાતે જ થઈ ગયું અને નવા ઉત્કંપમાં, અચિંત્યા રોમાંચમાં, દુ:ખી આંખમાં, દીન હૃદયમાં, અને ઉશ્કેરાયેલાં મસ્તિકમાં, ઈશ્વર પ્રત્યક્ષ થતો લાગ્યો.

પ્રથમ ઈશ્વરદર્શન કરાવનાર વિપત્તિનો અર્થ એના મનમાં આજ સાકાર થયો, કારણ પુસ્તકોમાં, સમાજોમાં, અને મન્દિરોમાં, પ્રાર્થનાઓ તેને કેવળ શુષ્ક અને નિરર્થક લાગી હતી. આર્દ્ર હૃદય અને લોચનથી તે વાણિયાના સામું ઉપકૃત દૃષ્ટિથી જોઈ રહ્યો, તૃણનું ભાન કરાવનાર તે વાણિયો હતો એ સાંભર્યું, અને આ ઈશ્વરોપદેશ કરનાર મ્હારો ગુરુ, આ વાણિયો છે એ નિશ્ચય સર્વાંગે આ દત્તાત્રેય જેવાને ચિત્તવશ થયો. વાણિયા ભણી જોઈ તે બોલ્યો: “ભાઈ, તમારું નામ શું?” तालीमपी न दद्यात् એ સંપ્રદાયના વણિકને આ પ્રશ્ન વસમો પડ્યો. “પેલો સંન્યાસી આનું નામ જાણતો હતો‌—મ્હારો વ્હાલો આયે બ્હારવટિયો હશે ત્યારે? નામ બામ આપે એવો કાંઈ અર્થદાસ કાચો નથી,” એ વિચાર મનમાં કરી વાણિયો હસી પડ્યો, અને ઉત્તર ઉડાવી સામે પ્રશ્ન પુછવા લાગ્યો: “હેં! હેં! હા! ચાંદાભાઈ, વારુ, ત્યારે તમે આ લોકમાં ક્યાંથી આવી પડ્યા, તમે શો ધંધો કરો છો? તમારૂં ગામ કિયું ને ક્યાં જવાનું છે?‌—હવે તો તમને જરુર કરાર વળશે‌—જરા વાર તો લાગશે સ્તો.”

“હું ક્યાંથી આવું છું તે તમે જાણો છો અને આ લોકમાં શાથી આવી પડ્યો તે તમે જાતે નજરે જોયું છે.”

“પણ તમે ધંધો શો કરો છો?”–

“ધંધો? –ખાવું, પીવું, ને ફરવું.”

“એમ કે?”‌—વધારે વ્હેમમાં પડેલો અર્થદાસ હૃદયમાં ધ્રુજતો વળી પુછવા લાગ્યો. “ને જાવ છો કયાં?”

“ભાગ્ય લેઈ જાય ત્યાં‌—તમે લેઈ જાવ તો તમારે ત્યાં આવું‌—ભુખ મને ને તમને સરખી લાગી હશે.”

અર્થદાસ મનમાં બોલ્યોઃ “જો બ્હારવટિયો ખરો! મ્હારે ઘેર આવવું છે, ત્યારે પેલીને બચાવવા શું કરવા લ્હડ્યો ને ઘવાયો? કોણ જાણે. બ્હારવટિયાઓનો ભેદુ થઈ એમ કર્યું કેમ ન હોય?” સ્વાર્થજળના માછલાએ પરમાર્થબુદ્ધિની કલ્પના ન કરાઈ.

સરસ્વતીચંદ્રે ફરી પુછયું: “ભાઈ, તમારે ઘેર મને લેઈ જશો? હું તમને કામ લાગીશ. આ દેશનો હું ભોમિયો નથી ને તમે સઉ રસ્તાના ભોમિયા હશો.”

“મ્હારે ઘેર તે મરવાને લેઈ જાય?‌—અર્થદાસ પણ ખરો કે તને પણ ચપટીમાં લે!” એટલું મનમાં બોલી મ્હોટેથી બોલ્યો; “હા‌—શા વાસ્તે નહીં? પણ એટલી સરતે જો કે મ્હારી ઘરવાળી પાછી આપવી!”

“ભાઈ, તે તો હું શી રીતે કરું? પણ તમારે ઘેર ચાલો એટલે હું તપાસ કરવા લાગીશ.”

“જો લુચ્ચો!” અર્થદાસ આટલું મનમાં કહી વળી મ્હોટેથી બોલ્યો, “વારુ ભાઈ ચાંદાભાઈ! આપણે અહિયાં ક્યાં સુધી પડી રહીશું? ચાલો ગામભણી જઈએ!”‌—મનમાં બોલ્યોઃ– “પોલીસમાં પ્હોંચાડું‌—પછી એ તો રત્નનગરીની પોલીસ છે ને વાણિયા સાથે કામ છે.”

બે જણ ઉઠ્યા અને મનહરપુરી ભણી ચાલવા લાગ્યા. ચાલતાં ચાલતાં અર્થદાસે ખેલ માંડ્યો. અચિંત્યો રસ્તાવચ્ચે બેઠો અને રોવા લાગ્યો:

“ઓ મ્હારી મા રે! ત્હારું શું થશે? ઓ”–

સરસ્વતીચંદ્ર અચકી આભો બની આસનાવાસના કરતો બોલ્યો; “શું છે?‌—તમારી માને શું થયું?”

“અરે મ્હારી બાયડીને પેલા લઈ ગયા‌—બીચારી રવડી મરશે‌—ઓ મ્હારી મા રે‌—બાયડી રે!”

“ધીરજ ધરો, ભાઈ, ગામમાં ચાલો અને રસ્તો કરીશું.”

“પણ એની પાસે દાગીના છે તે! –એ તો મ્હારું સર્વસ્વ! હવે હું ખાઈશ શું? મ્હારા ઘરમાં તો ઝેર ખાવા જેટલી ફુટી બદામ નથી! ઘરવાળાને ભાડું કયાંથી આપીશ! મ્હારાં તો હાંલ્લા ને લાકડાં બે વેચાશે!‌—ને હું મોદીને શું આપીશ ને બાયડી ખોળવા સરકારમાં શું આપીશ?‌—ઓ ચાંદાભાઈ, હું તો અંહિયાં જ મરીશ.”

ઘણું સમજાવ્યો પણ અર્થદાસ ઉઠ્યો નહીં. આખરે. આંખો ફાડી રોઈ બોલ્યો, “હું તો હવે ફાંસો ખાઈ મરવાનો. દૈવે મને બ્રાહ્મણ પણ ન ઘડ્યો કે લોટ માગી પેટ ભરું. મ્હારા તે પેટમાં ગુંચળાં વળે છે‌—ઉઠાતુંએ નથી ને બોલાતુંએ નથી ઓ ચાંદાભાઈ!‌—અબબબબ!”‌—જીભ અટકી હોય એમ અર્થદાસ લાંબો થઈ સુઈ ગયો, આંખો ચગાવવા લાગ્યો, ને મ્હોમાંથી ફીણના પરપોટા ક્‌હાડવા લાગ્યો.

સરસ્વતીચંદ્રને અત્યંત દયા આવી ને વિચારવશ થઈ ગળગળો થઈ ગયો. “ઓ ઈશ્વર, હું બીચારાને દુઃખથી છોડવવા શું કરું? આનાં દુઃખમાં મ્હારી ભુખ તો મરી ગઈ, આને સ્ત્રીનું દુ:ખ નથી પણ પઈસાનું દુ:ખ છે એનું દુ:ખ ભાંગવા જેટલો પઈસો તો મ્હારી પાસે હતો, તે મ્હેં છોડ્યો. દ્રવ્યનો આવા પ્રસંગે ઉપયોગ હશે તેનું મને ભાન ન રહ્યું. આને ઈશ્વરે વિદ્યા આપી નથી‌—ગર્ભશ્રીમંત પણ નથી નથી! મ્હારી ગર્ભશ્રીમત્તાપર ધુળ વળી! આનું ઔષધ દ્રવ્ય તે હું ક્યાંથી આપું? દ્રવ્ય છોડ્યું ન હત તો આ પ્રસંગ ન આવત!” વળી અર્થદાસના સામું જોઈને શાંત પડી વિચાર્યું, “દ્રવ્ય છોડ્યું ન હત તો અર્થદાસના દુઃખ જેવાં દુ:ખ લોકને થતાં હશે એ હું કેમ જાણત?”

શાન્તિએ સ્મરણને સ્ફુરવા દીધું અને પોતાને જનોઈએ બાંધેલી મણિમુદ્રા સાંભરી આવી. સાંભરી આવતાં મુખપર આનંદ અને ઉત્સાહ દીપવા લાગ્યા; “હા! આના ઉદ્ધારનો માર્ગ સુઝ્યો.” મણિમુદ્રા છોડી હાથમાં લઈ તે પર જોઈ રહ્યોઃ “મણિમુદ્રા! કુમુદસુંદરીની લલિત આંગળિયે વસવા‌—તેના ચિત્તને આનંદ આપવા મ્હેં તને આટલા મોહથી ઘડાવી હતી! તે સર્વ હવે વ્યર્થ થયું. આ દીન વણિકને આનંદનું સાધન તું હવે થા! આ ક્ષિતિજરેખા ઉપર સૂર્યમંડળ શોભે છે તેમ તું કુમુદની આંગળી પર દીપત! સૂર્ય હવણાં ક્ષિતિજથી ભ્રષ્ટ થશે!‌—હું અને તું કુમુદથી ભ્રષ્ટ થયાં! તું હજી ગરીબનું ઘર ઉઘાડશે!‌—એ ત્હારું ભાગ્ય!‌—પણ ક્યાં કુમુદ અને ક્યાં આ વણિક?‌—પણ હું તો ત્હારા યોગ્ય નથી જ! દુષ્ટને છોડી, ગરીબનું ઘર ઉઘાડ! મણિમુદ્રા! લક્ષ્મીના છેલ્લા અવશેષ! પ્રિય કુમુદની સ્મારક એકલી એક મ્હારી જોડે રહેલી છેલ્લી બ્હેન! મ્હારા પિતાના વૈભવના છેલ્લા પ્રસાદ! પ્રિય કુમુદના આજ ચીરાઈ જતાં અંત:કરણમાં રસળતો મ્હારો દુષ્ટ હાથ ત્હારે યોગ્ય નથી! મ્હારું જનોઈ ભ્રષ્ટ છે‌—મ્હારું શરીર દુરાત્માનું ઘર છે! મણિમુદ્રા! લક્ષ્મીના છેલ્લા અવશેષ! પ્રિયતમ પિતાના વૈભવના છેલ્લા પ્રસાદ! પ્રિયતમ કુમુદની પ્રિયતમ બ્હેન! મ્હારા સ્નેહની સ્મશાનવિભૂતિ! મ્હારા આંસુથી કલંકિત કર્યા શીવાય તને તજું છું! જા! ગરીબનું ઘર દીપાવ!” સરસ્વતીચંદ્ર અર્થદાસની પાસે બેઠો‌—તેની આંગળિયે મુદ્રા પહેરાવી;‌—અને ભુખથી, દુઃખથી, દયાથી, વિરહથી, નબળો પડેલો વિકલ અને ગ‌દ્ગદ બનતો તરુણ ઢળી પડ્યો.

સરસ્વતીચંદ્રને બ્હારવટિયો કલ્પતો, ઘડીકમાં તેને રત્નનગરીની પોલીસને વશ કરવા યુક્તિ શોધતો, ઘડીકમાં તેની પાસેથી છુટો થવા ઈચ્છતો અને આખરે છેલી ઈચ્છાને વશ થતા અર્થદાસ નિર્ધનતા અને દુ:ખનો ઢોંગ લેઈ પડ્યો હતો તે એવું ધારી કે એને નિર્માલ્ય ગણી બ્હારવટિયો પોતાની મેળે પોતાને રસ્તે પડે, તેમ કરતાં આ તો નવું નાટક નીકળ્યું. ચગાવેલી દેખાતી આંખો વડે તે મુદ્રા જોઈ, મુદ્રામણિની પરીક્ષા કરી, નજર આગળનો દેખાવ સમજ્યો નહીં, અને મુદ્રા આંગળીમાં બેઠી અને સરસ્વતીચંદ્ર ઢળી પડ્યો કે એકદમ વીજળીની ત્વરાથી ઉભો થઈ ચોર ચિત્તવાળો પોતાને સમયસૂચક ગણતો, પાછું જોયા વગર અને વિચાર કરવા ઉભા રહ્યા વગર, મુઠી વાળી નાઠો.

1 કીટ્સ કવિનું કરેલું.

2 વ્રણ=ઘા.

License

સરસ્વતીચંદ્ર - ભાગ - ૨ Copyright © by ગોવર્ધનરામ ત્રિપાઠી. All Rights Reserved.