સુરસિંહના મંડળ ભણી અબ્દુલ્લો, ફતેહસિંગ વગેરે ગયા અને માનચતુર થોડાં માણસ સાથે રથપાસે રહ્યો, અને આતુરતાથી, સજજતાથી, સાવધાનપણે જે દિશામાં ધીંગાણું મચવાનું હતું તેની પાસ સવિશેષ અને બીજી દિશાઓમાં વચ્ચે વચ્ચે દૃષ્ટિ ફેરવતો, શું થાય છે તેની વાટ જોતો, ઉભો. આ શૂર અને અને બુદ્ધિમાન ડોસાનાં સર્વ અંગો ફરકવા લાગ્યાં, તેના ભવ્ય કપાળમાં અપ્રમાદને દૂર રાખનારી કરચલિયો ચ્હડી આવી, તેની આંખો ઝીણી થઈ દૂરદર્શક યંત્ર જેવી બની ગઈ, ઘડી ઘડી એના દાંત ઓઠની સાથે યુદ્ધ કરી ઓઠને દળી નાંખવા લાગ્યા, તેની ધોળી મ્હોટી મુછોના કેશ અંતર્ના આવેગથી ઉભા થતા હતા અને ત્રાપ મારવા તત્પર થતા ક્રૂર સિંહની મુછો જેવા દેખાયા, એના એક હાથમાં ઘોડાની લગામ હતી. છતાં તે હાથ અસ્વસ્થ હતો અને લગામને અસ્વસ્થ કરવા મંડ્યો ત્યારે બીજો હાથ તરવારની મુઠ સાથે મારામારી કરવા મંડ્યો, અને એના પગ આંખોની આજ્ઞા શોધવા ઉંચા થતા હોય અને ઘોડાને પ્રેરવા નીચા થતા હોય તેમ ઉંચા નીચા થઈ તનમનાટ કરવા લાગ્યા.
કુમુદસુંદરી, રથના પડદામાંથી, ઘડીક પડદો આડો કરી, ઘડીક ઉંચો કરી, દાદાનું મુખ જોતી હતી અને એ મુખના વિકાર ઉપરથી આઘે શું થાય છે તેની કલ્પના કરતી હતી. દાદાને, વાત કરવા જેટલી—સમાચાર ક્હેવા જેટલી—આધીપાછી દૃષ્ટિ કરવા જેટલી—નવરાશ ન હતી. રથ પાસે ઉભેલા સ્વારોની પણ એ જ અવસ્થા હતી—કોઈ કોઈની સાથે વાત કરતું ન હતું, ગાડીવાન પણ રાશ ઝાલી જે આજ્ઞા થાય તેનો તત્પર અમલ કરવા સજ્જ થઈ રહ્યો હતો, અને ઘોડાને હઠાવે એવા ધોરી મહાન બળદ પણ એવી જ દશામાં ઉભેલા દેખાતા હતા. આ ભયસંકલ્પને કાળે, રથને આગળ લેવો તે પણ અકાર્ય, પાછળ લેવો તે પણ અકાર્ય; એને હતો ત્યાંને ત્યાં રાખી રક્ષક મંડળ આમ ઉભું હતું, અને સર્વ પુરુષોના મનમાં “બ્હારવટિયાઓનો” વિચાર સર્વવ્યાપી થઈ, બીજા વિચારને ક્હાડી મુકી, દિગ્વિવજયી થયો હતો. તે પ્રસંગે કુમુદસુંદરીનું હૃદય, પ્રમાદધનથી કાયર થઈ—નિરાશ થઈ—બ્હારવટે નીકળી પડ્યું હોય તેમ, આવા બ્હારવટિયાએ વચ્ચે આ ભયંકર પ્રદેશમાં સરસ્વતીચંદ્રનું શું થયું હશે તે જાણવા અશક્ત બની તે પુરુષને શોધી ક્હાડવા ચદ્રકાંતની જોડે નીકળી પડ્યું હોય તેમ, શ્વશુર કુટુંબમાં દુષ્ટ “કાળકા”ના કુભાંડથી પોતાની પ્રતિષ્ઠાની કેવી હત્યા થશે તેના વિચારથી બ્હારવટિયાઓયે પોતાને બેવડી રીતે પકડી લીધી હોય અને તેથી અત્યંત કંપતું હોય તેમ, એ અનાથ અબળાનું હૃદય, એકલું પડી, અનેકધા ભટકવા લાગ્યું, અસ્વસ્થ થયું, અને અનેક સંકલ્પવિકલ્પોનો આશ્રય શોધવા લાગ્યું. ઘડીક તે પડદા બ્હાર જોતી હતી, ઘડીક તે પડદા પડતા રાખી જાગતી સુઈ જતી હતી, ઘડીક બંધ-પડદે ગાડીમાં બેસી મોંએ હાથ દેઈ આંસુ પાડી રોઈ લેતી હતી, ઘડી તકિયે પડી રથની છત્રી સામું જોઈ ર્હેતી હતી, ઘડીક વનલીલાનો કાગળ વાંચતી હતી, ઘડીક પડદો ઉંચો કરી આકાશ સામું જોતી હતી, ઘડીક આઘેનાં ઝાડો જોતી હતી, ઘડીક પાસેનાં ઝાડો જોતી હતી, ઘડીક નદીનો પ્રવાહ ખળખળ થતો હતો તે સાંભળતી હતી, ઘડીક તેનાં વ્હેતાં પાણી ભણી નજર કરતી હતી, પાણીતળેનાં ઉંડાણ કલ્પતી હતી, પુલભણી જોતી હતી, નિ:શ્વાસ મુકતી હતી, અને ઘડી ઘડી વળી ધૈર્ય પણ ધરતી હતી.
“આહા! સરસ્વતીચંદ્ર! આ અત્યંત ભયાનક પ્રદેશમાં અત્યારે ક્યાં હશો? આટલું કષ્ટ શા માટે વેઠવું પડે છે? શું ધ્રુવની પેઠે તમને ઓછું આવ્યું?—પણ તમારી તપશ્ચર્યા કોઈ શ્રદ્ધાથી સંભવે? શું રોબિન્સન ક્રુઝોના જેવો અભિલાષ ધાર્યો? શું બાબર બાદશાહની પેઠે રાજ્ય જતાં કોમળ વયે વિકટ જંગલમાં કવિતા ગાવી ગમી? તમે તો ક્હો છો કે,
“પતંગો ઉડતી જેવી
“હવે મ્હારી ગતિ તેવી!
“પતંગ પૃથ્વી સાથે સૂત્રથી સંધાય છે—તમને તો તે પણ ગમતું નથી. અરેરે!”
“નહીં ઉંચે—નહીં નીચે
“મળે આધાર, ઘન હીંચે
“નિરધાર—નિરાકાર!
“હવે મ્હારીયે એ ચાલ!”
“કોને વાસ્તે આટલું બધું? હું જ મન્દભાગિની તમને આટલા બધા દુ:ખનો હેતુ થઈ પડી છું!”
“સ્ફુરે પોતે, ન દેખાય,
“કુમુદની ગંધ ગ્રહી વાય,
“અરણ્યે એકલો વાયુ,
“જીવન એ ભાવિ છે મ્હારું!
“મોઈ એ કુમુદ! પત્થર ન જન્મી! આહા! પુરુષરત્ન! નિર્માલ્ય કુમુદમાં તે શું દીઠું? એનું ટુંકું ભાગ્ય ટુંકુ રહ્યું તેમાં તમે શાનું પ્રાયશ્ચિત્ત કરો છો?—અં…હં……અરેરે!!”
“જહાંગીરી—ફકીરી એ!
“લલાટે લખાવી મ્હેં!
“અહો મ્હારા જહાંગીર!
“નુરજહાન તુજ નુર વિનાની, તે કાજ તું ટટળે શાને?
“પ્રમાદધનને પણ નથી ગમતી તે ગમતી તુજને શાને?”
મુખ ઉપર દીનતા અને નેત્રમાં આંસુ નિર્ભર ઉભરાયાં.
“જહાંગીર મુજ ધરે ફકીરી, વનચરનો સહચારી થયો.
“દુષ્ટ કુમુદને કાજ ઝુરે ને મ્હેલ છોડી વનવાસ થયો.
“હાય! હાય! હાય! હાય! હાય!”
આ વિચારમાં પળવાર નિદ્રાવશ થઈ, વળી કંઈક ચમકી ઉઠી, અને પ્રમાદધનના વિચારમાં પડી.
“ઓ મ્હારા સ્વામીનાથ! મને તે કાળે તરવારથી મારી નાંખી હત તો મ્હારા સુભાગ્યની સીમા ન ર્હેત! જે મ્હારે માટે ઝુરી ઝુરી ભટકે છે તેની હું નથી; હું મનને મારી મારી તમને વળગું છું તેના તમે નથીઃ એ શિક્ષા મને યોગ્ય જ છે—મને પુરી કરી હત તો એ શિક્ષા પુરી થાત! એટલું પણ ભાગ્ય ક્યાંથી હોય?”
“વ્હાલી વનલીલા! તને તે મ્હારી દયા શાની આવે છે?”
“એ દયાળુ બ્હારવટિયાઓ! આવા ક્રૂર કેમ થાઓ છો?—મને જીવવા કેમ દ્યો છો? અરેરે! શું તમારામાંથી એટલી પણ કળા જતી રહી કે ત્યાંથી ગોળી મારો તે આવીને બરાબર મ્હારા કાળજા વચ્ચે ન વાગે ને આ નિર્માલ્ય શરીરનો અંત ન આણે?”
રથના પડદા ઉંચા કરી આઘેનાં ઝાડ ભણી જોઈ ગણગણી: “બીગરી કોન સુધારે નાથ બિન? બીગરી કોન સુધારે રી?”—“ખરી વાત છે પણ મહારી બેવડી “બીગરી” તો નાથ પણ સુધારે એમ નથી.” વળી બીજા વિચારમાં પડી ઝાડો ભણી દૃષ્ટિ ફેંકી મનમાં બોલી:–
“પણે ઝાડોની ઘટા છે તેની પાછળ ચંદ્ર છુપાઈ રહ્યો હોય એમ પણ કેમ ન હોય—અરેરે! આ અરણ્યમાંનાં પ્રાણિયો વચ્ચે—લુટારાઓ વચ્ચે—એની શી વલે થઈ હશે? એ જે થયું હોય તે મ્હારે સારુ! એણે મ્હારે સારુ એટલું કર્યું—એને વાસ્તે હું શું કરું? હું કૃતઘ્ન છું. હું દુષ્ટ છું. હું નિર્દય છું.” રથમાં માથું ખેંચી લીધું અને પડદો પડવા દીધો. છાતી કુટી રથ વચ્ચે બેસી પડી; પાછી ટટાર થઈ ભ્રમર ચ્હડાવી. હૃદય અને મુખ ક્રોધને અપરિચિત છતાં, હૃદયમાં ક્રોધ જન્મ્યો અને કોમળ મુખ ઉપર વિકરાળ રૂપ ધરી ચ્હડી આવ્યો તેની સાથે ક્રોધથી રોવા જેવી બની બોલી: “અહો! ક્રૂર અને કૃતઘ્ન સ્ત્રી!!—તે હું જ!
21“ક્રૂર મ્હારા જેવી કોણ? સુખી જીવતાને કરવા ના મરું રે!
“ઝુરે મરે મ્હારે સારુ તેની પુઠેયે દુષ્ટ ના મરું રે!”
“ધિક્કાર આ જાત ઉપર! એને મરતાં નથી આવડતું! એને જીવવાનો લોભ લાગ્યો છે!
“પ્રિય ચંદ્ર તમે ઉપદેશ આપો છો કે,
“પડ્યું પાનું સુધારી લે
“છુટે ના તે નીભાવી લે”
“તમે એવું એવું ક્હો છે તે ઠીક છે પણ મ્હારે મ્હારા સ્વામીનાથની આજ્ઞા તમારા ઉપદેશ કરતાં વધારે છે. સ્વામીનાથનું હૃદય તો મને એવી આજ્ઞા કરે છે કે,
“અરે નિર્માલ્ય નારી રે!
“હુંનો અભિલાષ જાણી લે.
“મરી જા રે! મરી જા રે!
“મને છોડી—છુટી જા રે!
“હું એમને ઝાંખરાં જેવી વળગી છું તે છુટી જાઉં એ એમની ઇચ્છા છે. મને પણ એ ગમતી વાત છે, કારણ કે મ્હારા મરવાથી કેટલા લાભ છે?”
“જીંવતાંને સુખ થાશે જી!
“પતિને સુખ બહુ થાશે જી!
વળી,
“ચંદ્ર ઝુરે મુજ કાજે જી,
“હશે દશા શી આજે જી!
“એ સઉ મ્હારે માટે જી,
“મરીશ હું તેને સાટે જી
“વળી એથી મ્હારો કૃતઘ્નતા-દોષ છુટશે, અને મ્હારે માથે જે કલંક આણવાનું વાદળ ચ્હડ્યું છે તે ઉતરી જશે અને મ્હારાં માતા પિતા અકારણ અપયશના મહાદુઃખમાંથી ઉગરશે!!”
આનંદમાં આવતી હોય તેમ કંઈક મલકાઈ બોલી: “ખરે! આ સંસાર-સાગર દુઃખમય છે તેનો કીનારો તે મૃત્યુ, અને એ કીનારો “રુડી વૃંદાવનની કુંજગલનમાં ફરિયે રે.”—એ રાગ મુકિયે એટલે જે કોરી જમીન આવે તે મોક્ષ!—મ્હારે એ મોક્ષ શોધવો!”
આ વિચાર આમ બળવાન થાય છે તેની સાથે કાનમાં સરસ્વતીચંદ્ર બોલતો હોય એમ ભણકારો વાગ્યો: “વ્હાલી કુમુદ, તું ત્હારા આત્માને વ્યર્થ ફોસલાવે છે! સન્મૃત્યુ તે મોક્ષ છે, અપમૃત્યુ તે મોક્ષ નથી! દુ:ખમાંથી છુટવા મૃત્યુ શોધવું ને આપઘાત કરવો તે અપમૃત્યુ! જે વાટ ફુંક મારી હોલવિયે છિયે તેમાંથી ધુમાડો નીકળે છે, દુર્ગન્ધ પ્રસરે છે, ને કાળો કોયલો ર્હેછે. જે વાટ પુરેપુરી બળી જાય છે તે શાંત થાય છે અને તેનો ચૂર્ણ થયેલો અવશેષ પંચભૂતમાં જાતે જ ભળી જાયછે. ફુંકથી હોલવાયલી વાટ અપમૃત્યુ પામે છે. સમાપ્ત થયેલી વાટ ઈશ્વરેચ્છાને અનુસરી સ્વયોનિમાં ભળે છે—એનું જ નામ મોક્ષ! વ્હાલી કુમુદ! દુ:ખથી કાયર થઈ અપમૃત્યુ પામવું તે જે ધર્મ—કર્મ—અર્થે ઈશ્વરે જન્મ આપ્યો છે તેની આજ્ઞા તોડી બંડ કરવા જેવું છે.”
શરીરભયના વિચારમાંથી આવા વિચારોમાં સંક્રાંત થયેલું મન આ ક્ષણે અચિંતી બુમો સાંભળી ચમક્યું. સુરસિંહ પકડાતાં પાછું ફરતું મંડળ આઘેથી બુમો પાડતું હતું. આ બુમો બ્હારવટિયાની હશે અને તેઓ પાસે આવતા હશે એમ કલ્પી, શરીરભય સમીપ દેખી મનના વિચાર એકદમ અસ્ત થઈ જતાં ભયમાંથી બચવાનો માર્ગ શોધી રાખવા ઇચ્છતી, રથબ્હાર ડોકું ક્હાડી, મનને કાંઈ સુઝ્યું હોય એમ અચિંતી રથમાં અર્ધી ઉભી થઈ વસ્ત્રની અંદર ચણિયાનો કચ્છ વાળી, એક ન્હાનું ખંજર કેડ આગળ સંતાડેલું હતું તે ઉપર હાથ ફેરવી, સજજ થઈ, અને જેણી પાસથી બુમ આવતી હતી તેણી પાસ પડદામાંથી નજર નાંખતી કુમુદસુંદરી સાવધાન બેઠી. માનચતુર પોતાના પક્ષનો વિજય સમજી ગયો; રથની પાસે આવી પડદો ઉપાડી વ્હાલથી બોલ્યો: “બ્હેન, ભય ગયું, આપણાં માણસ જીતીને પાછાં ફરે છે.”
માનચતુરનાં માણસ ઉમંગમાં આવી ગયાં, સામેથી આવતું મંડળ ઉડી પડતું હોય એમ વેગથી ઘોડા દોડાવનું “ફતેહ! ફતેહ!” કરતું પાસે આવ્યું, અને સઉથી આગળ આવી શંકરના ઘોડાની લગામ ઝાલી અબદુલ્લો બોલી ઉઠ્યો:
“ભાઈ સાહેબ! બુદ્ધિધનભાઈકા આદમી યહ શંકર મહારાજ હૈ, ઉને સબ બ્હારવટિયેકું બ્હાદુરીસે પકડ કર ગઠડીમેં બાંધ કર સુવર્ણપુરકુ ભેજ દિયા! હા હા હા હા!” અબ્દુલ્લો ખડખડ હસવા લાગ્યો. માનચતુરે શંકરનું ઓળખાણ કર્યું. સઉ એક બીજાને ઓળખવા, સત્કાર કરવા, અને ભેટવા લાગ્યાં. આખરે શંકર માનચતુરને થયેલા બનાવનું અથ-ઇતિ વર્ણન કરવા લાગ્યો. બ્હારવટિયાઓ સાથે એણે બુદ્ધિધનની બુદ્ધિનું અને નીતિનું શુદ્ધ અનુકરણ કર્યું—બુદ્ધિધનની શાળામાં ઘડાયાની પરીક્ષામાં સફળ નીવડ્યો—यद्यदाचरति श्रेश्ठस्तत्तदेवेतरोजनः॥ મહારાણા ભૂપસિંહનો છેલ્લો શત્રુ અસ્ત થઈ ગયો. સર્વ મંડળના મુખપર પ્રસન્નતાની છાપ પડી રહી. માનચતુરે કહ્યું, “મ્હારા બહાદુર સ્વારો, હવે જરા ઘોડાપરથી ઉતરો. આખી રાતના થાકેલા ઘોડાઓને વિશ્રામ આપો અને સુભદ્રાનું તાજું પાણી પાવ, તમે પણ પાણી પી જરા સ્વસ્થ થાવ. મુખી, તમને એકલાને આ આરામમાંથી બાતલ કરવા પડશે. મનહરપુરી જાવ, અને ગુણસુંદરી ચિંતાથી સમાચારની વાટ જોતાં હશે તેમની પાસે સત્વર જઈ વધામણી ખાઓ અને કહો કે બે ચાર કલાકમાં કુમુદને લઈ અમે આવિયે છિયે.” વાક્ય પુરું થતામાં મુખી અને તેનો ઘોડો વેગભર મનહરપુરીને ભાગે અદૃશ્ય થઈ ગયા. બીજાં માણસો ઘોડાઓ ઉપરથી ઉતરી પડ્યાં, ઘોડાઓને થાબડવા, તેમની ચાકરી કરવા, તેમને પાણી પાવા, પોતે પાણી પીવા, વાતો કરવા, બીડીઓ પીવા, અને પાનસોપારી ખાવા મંડી ગયાં. માત્ર શંકર ઘોડા ઉપરથી ન ઉતરતાં ચારે પાસ ઘોડો ફેરવતો અને અને ચારે દિશામાં લાંબી નજર નાખતો એકલો ફરવા લાગ્યો.
માનચતુર ઘોડેથી ઉતરી રથ પાસે જઈ કુમુદસુંદરીને ક્હેવા લાગ્યો: “બ્હેન, સઉ વીસામો લે છે એટલામાં ગમે તો જરી ઉતરો અને નદી પાસે હરો ફરો. ફતેહસિંહ, નદી પાસે રથની જાજમ નંખાવ, બ્હેન બેસે અને પાણીબાણી પિયે.” કુમુદનો હાથ ઝાલી રથમાંથી ઉતારી, પોતાને કૃતકૃત્ય માનતો ગર્વથી ફુલતો પ્રચંડ દેખાવનો શૂરવીર ડોસો નીચો વળી ધીમે ધીમે ચાલતી નાજુક પૌત્રીને જાજમ ભણી અંત્યત વ્હાલથી દોરી ગયો, ત્યાં એને બેસાડી, પાસે પોતે બેઠો, હરભમ બેઠો, બીજા બેચાર જણ જરી છેટે બેઠા, ચારે પાસના પદાર્થો કુમુદને બતાવવા લાગ્યા, બીજી આનંદની વાતો કરવા લાગ્યા; અને એની પાસે રુપાના કળસમાં નદીનું નિર્મલ પાણી આણી ધર્યું તે એણે રુપેરી હાથે લીધું.
આ સર્વ દેખાવમાં શંકરને અસ્વસ્થ જોઈ માનચતુર ધીમે રહી ઉઠ્યો, શંકરની પાસે જઈ એના ઘોડાના ગળા ઉપર હાથ મુકી ક્હેવા લાગ્યો: “કેમ, શંકર મહારાજ, તમે કેમ ઉતરતા નથી?”
શંકર ઉતર્યો, પણ ઉતરતાં ઉતરતાં ધીરે રહીને બોલ્યોૹ “ભાઈસાહેબ, સઉ ચિંતા ગઈ, પણ સુરસિંહના બે દીકરા બચી ન્હાસી ગયા છે, તેમાંથી એકની તો ચિંતા નથી—તે શૂર છે અને હલકું કામ કરે એવો નથી. પણ બીજો દીકરો પ્રતાપ કપટી છે, દુષ્ટ છે અને નીચ છે. તેની પાસે માણસો તો હવે નથી, પણ એકલો બેઠો બેઠો પણ રાવણની પેઠે સઉની નજર ચુકાવી કપટ કરે એવો છે—તે ક્યાં હશે?—અને આપણે સ્વસ્થ થઈ બેસિયે એટલામાં એ કોઈ પણ પાસથી આવે એવું તો અત્રે નથી?—એ—હું જોઉં છું”
માનચતુર કંઈક હસ્યો: “હજી એ હીંમત કરે એવો મૂર્ખ છે?”
“એમ તિરસ્કાર કરવા જેવો નથી. કુમુદસુંદરીને પકડવાં એવી એણે પ્રતિજ્ઞા કરી છે, એનું મન દુષ્ટ છે, અને એની બુદ્ધિ કપટમાં કુશળ છે—હું એને સારી પેઠે ઓળખું છું.”
“ઠીક, એ તો આપણે સઉ પાસથી જોતા રહીશું.”
માનચતુર અને શંકર જાજમ ભણી ગયા. ચાર માણસને સઉની આસપાસ ઉભા રાખ્યા અને આજ્ઞા આપી કે ચારે પાસ અચુક દૃષ્ટિ ફેરવતાં ર્હેવું કે સઉની સ્વસ્થતાનો ખોટો લાભ લેવા કોઈ તત્પર ન થાય. અત્યારે પ્રાત:કાળના સાતેક વાગ્યા હશે પણ જંગલમાં આઠ નવ વાગ્યા જેવું લાગતું હતું. સ્વચ્છ અને ચળકતું સૂર્યબિમ્બ આકાશમાં ઉતાવળું ઉંચું ચ્હડ્યું જતું હતું અને દૃષ્ટિથી ખમાય નહીં એવું થવા માંડતું હતું. આકાશ એક મ્હોટા ચોગાન જેવું—મેદાન જેવું—લાગતું હતું અને તે ચારેપાસ તડકાથી ચળકતી ધોળી ભુરી રેતી ભરેલું દેખાતું હતું વાદળું તો હતું જ નહીં. ચારેપાસ, પૃથ્વી ઉપર, ઝાડની ડાળો ઉપર, નદીના પટ ઉપર, તડકો રેલાતો હતો. પાસે નદીનો પુલ હતો તેની નીચે થઈ પાણી અથડાતું સ્વર કરતું જોરથી ચાલ્યું જતું હતું. કુમુદસુંદરી ઉઠી, નદીના તીર ઉપર ઉભી, ને નદીના મૂળ ભણી તેમ મુખ ભણી કુતૂહલથી જોવા લાગી: “વડીલ, આ પાણી કેટલું ઉંડું હશે?” કુમુદ પાણીમાં નીચું જોવા લાગી; પાણી નિર્મળ છતાં નદીનું તળિયું દેખાતું ન હતું.
હરભમ પાસે આવી બોલી ઉઠ્યો: “બ્હેન, આ પુલ આગળ ખાડો છે ને સ્હેજ બે ત્રણ માથાં જેટલું પાણી ઉંડું હશે.” કુમુદ બોલી નહીં. નદીનાં પાણીમાં, પટમાં, તેના વિચાર લીન થઈ ગયા; “સરસ્વતીચંદ્ર, તમે સાહસ તો નથી કર્યું? આ પાણીમાં ઝંપલાવ્યું તો નથી?”
નદીમાં સરસ્વતીચંદ્રને શોધતી શોધતી પાણીના પ્રવાહપર એક સ્થળે સ્થિર દૃષ્ટિ કરી મનમાં ગણગણવા લાગી.
“જહાંગીર મુજ ધરે ફકીરી, જળચરનો સહચારો થયો!”
“દુષ્ટ કુમુદને કાજ ઝુર્યો ને મ્હેલ છેડી—જળશાયી થયો!”
“હો સુભદ્રા!
“રત્ન પડ્યું તુજ ખોળે જો, તો યત્ન કરી તું સાચવજે!”
“પુરુષરત્નને કંઠે રાખી સ્નેહ થકી તું જાળવજે!”
“અલી સુભદ્રા તું ચતુર છે?—એને નીરમાં ડુબાડીશ નહીં—એને તો કંઠે22 જ રાખજે—મ્હારે કંઠે વળગાડજે.”
“સુભદ્રા, તું આજે આટલી પ્રસન્ન કેમ છે?
“પુરુષરત્નને ઉરે ગ્રહી તું પ્રસન્ન થાય ના, તે મૂર્ખી;
“પુરુષરત્નને ધરી સમાગમ ધન્ય ધરે આવી સુરખી!”
“અલી સુભદ્રા, મ્હારા ભાગ્યની અદેખાઈ કરવાનું ત્હારે કાંઈ કારણ નથી હોં! મ્હારા સ્વામી છે તે મ્હારા ઉપર સ્નેહ નથી રાખતા; મ્હારા ઉપર સ્નેહ રાખે તે મ્હારો સ્નેહી તો ખરો જ, પણ તેના ઉપર સ્નેહ રાખવાને મને અધિકાર નથી. એટલે હું નહીં સ્વામીની ને નહીં સ્નેહીની!!”
23“સ્વામી શોધે બીજીને, તજી મને!
“સ્નેહી શોધે મને, તજીને મને!
“શોધે સ્નેહી તે વ્યર્થ, એને નહીં મળું;
“દેહ દીધો સ્વામીને પાછો ક્યમ લઉ?
“તજે સ્વામી ત્હોયે એ સ્વામી દેહનો;
“તજે નહીંજ સ્નેહ યે બંધ સ્નેહનો.
“તજું જો હું નકામા મ્હારા દેહને,.
“ભસ્મ એથી કરું હું જો આ સ્નેહને,
“સરિત! સ્નેહીનો સ્નેહ ભુલાવજે!!
“એને જીવતો ગમે તે કરી રાખજે.
“ત્હારે તીરે આવીને કદી એ રુવે,
“એનાં ઉન્હાં આંસુ, ઓ નદી, તું લ્હુવે.
“ત્હારી રેતીમાં આવી એ ઉભા રહે,
“મ્હારું નામ જપે ને આંસુડાં વહે;
“પડ્યો એકલો વિચાર મહારા એ કરે,
“રોતો રોતો રેતીમાં પડીને સુવે;
“ત્હારા પાણીમાં પેંસી ન્હાશે એ કદી,
“પડ્યો વિચારે ઘસડાશે ત્હારા વેગથી;
“નદી! દયા એવે તે સમે લાવજે,
“હૈયાસુના સ્નેહીને ઉગારજે.
“ઉભો ઉભો, નદી, એ ત્હારા નીરમાં,
“સારી આંસુ ભેળવશે ઘડીકમાં;
“લખશે આંગળિયે નીરના પ્રવાહમાં
“મ્હારા નામના અક્ષરને વિચારમાં.
“મ્હારા ઉપર એવું તે એનું વ્હાલ છે,
“મ્હારે માટે એવા તે એના હાલ છે.
“પુરો શ્રીમાન ને વિદ્વાન એ,
“મ્હારી પ્રીતમાં ખુવે છે વાન સાનને.
“શાણો મ્હારે સારુ એ ગાંડો થયો,
“કવિતા મ્હારી કરવાને વનમાં ગયો.
“નથી સાંભળી શકતી હું એની વાતને,
“માટે અથડાવે રત્ન જેવી જાતને.
“ઉભરા ક્હાડે વનેચરના કાનમાં,
“લખે પ્રેમની કવિતા ઝાડપાનમાં.
“નદી, એવું એવું હું, જાણી, જોઈ રહું,
“એનાં આંસુ વહે તે વ્હેવા દઉં,
“વ્હાલ કરું કૃતઘ્ન મ્હારા જીવને,
“લ્હાય લાગતી નથી આ શરીરને;
“શોધ કરતી નથી હું વ્હાલા સ્નેહીની,
“ઝાળ જંપાવતી નથી દિવ્ય દેહીની;
“મને લેજે, માટે, તું નિજ નીરમાં,
“વ્હેંચી દેજે શરીર-શબ મીનમાં.”24
કુમુદસુંદરીનું હૃદય આમ નિરંકુશ થઈ દ્રવતું હતું; શરીરના સ્વામીનું સામ્રાજ્ય શરીર ઉપર જ રાખી, તેણે બ્હારવટે મોકલેલું કોમળ હૃદય હૃદયના સ્વામીની પ્રીતિ અને દશાના સંકલ્પોથી આમ ઉન્માદવસ્થા ભોગવતું ઉત્કટ થતું હતું: તે કાળે તેનું શરીર તીરની ઉંચી ભેખડરૂપ આસન ઉપર અને આકાશરૂપ છત્ર નીચે દિવ્ય પ્રતિમા પેઠે સ્તબ્ધ હતું. નદી ઉપર વળેલી નેતર પેઠે—નાજુક વેલી પેઠે—તે ઘણીકવાર સુધી આમ ઉભી રહી. ચંદ્રગોળ નદી ઉપર આકાશમાં લટકી રહે તેમ એનું શોકના શાંત તેજથી તેજસ્વી અને નિશ્ચેષ્ટ મુખ અદ્ધર નીચું વળી નદીમાં પોતાના પ્રતિબિમ્બને જોતું હોય એમ લટકતું હતું. નદી ઉત્તરમાં કાંઈ સામે આલેખ પ્રતિબિમ્બરૂપે લખી રહી હોય એમ કુમુદને લાગતી હતી. નીચે આરસનાં જેવાં પગલાંને અગ્રભાગે રહેલી નખ-કળિયો, અને ઉપર ઉઘાડા રહેલા મુખની ઉજવળ દંતકળિયો, એ બે પોતાની વચ્ચેના શરીરને ઉંચકી જનારી પાંખોનાં પિચ્છાગ્ર હોય એમ, સામસામી ઉભી રહી કંઈક સંકેત કરતી દેખાતી હતી.
આ સમયે સર્વનો ઉલ્લાસ પુરો થઈ ગયો હતો; સર્વ કાંઇક શાંત થયાં હતાં; અને હવે વધવાની તૈયારી કરવાની સૂચના ક્યારે થાય છે તેની વાટ જોતાં હતાં. માનચતુર પણ એવી સૂચના કરવાના જ વિચારમાં તીર ઉપર તરવારને ટેકી ઉભો હતો. શંકર એની એક પાસ ઉભો હતો ને કુમુદસુંદરી ઉભી હતી તે જગાની નીચેની ભેખડો ભણી તાકીને જોઈ રહ્યો હતો.
આમ સઉ સ્વસ્થ અને શાંત હતાં તે વચ્ચે એકદમ શંકર કુદ્યો અને શીકારી ગરુડ પર્વતના શિખર ઉપરથી અચિંત્યો પૃથ્વી ઉપર જાય તેમ શંકર નદીમાં ઉડી પડ્યો. “શું થયું?” “શું થયું?” કરી સર્વ ત્યાં આગળ ગયાં તો નદીના પ્રવાહમાં પુલભણી ત્રણ જણ ખેંચાય!—આગળ અર્ધી ડુબતી કુમુદસુંદરી, પાછળ તરતો બ્હારવટિયો પ્રતાપ, અને તેની પાછળ લાંબા વામ ભરતે બળવાન શંકર! બીજાં એક બે માણસ પાછળ પડ્યાં, પણ નદીનો વેગ એટલો હતો કે તે પાછળ રહ્યાં ને આગળનાં ત્રણ માણસ ને તેમની વચ્ચે ઘણો અંતર પડી ગયો. માનચતુરને નદીમાં પડવાનો વિચાર વીજળી જેવી ત્વરાથી જેવો થયો તેવો જ તરત તે વિચાર ખોટો લાગતાં બંધ થઈ ગયો. આ નદીમાં પાછળ પડવાથી પાછળ પડી જવાનું નક્કી ને કુમુદ હાથમાંથી જતી ર્હેવાની. પુલની પેલી પાસ કુમુદ ખેંચાય તે પ્હેલાં ત્યાં જઈ સામેથી નદીમાં પડવા માનચતુર ઘોડા પર એકદમ સ્વાર થઈ દોડ્યો. બીજો માણસ પણ પોતપોતાની બુદ્ધિ પ્રમાણે વર્તવા દોડ્યાં. નદી અર્ધો ગાઉ સુધી વાંકી વળી પાછી વળતી હતી. તે સ્થળે સામાં પડવા બે ચાર સ્વાર દોડ્યા. બે જણ મનહરપુરી દોડ્યાં.
રથ એમનો એમ રહ્યો. ગાડીવાન સુવર્ણપુરનો હતો અને પ્રમાદધનની ખાનગી વાતોનો કંઈક ભોમિયો હતો. કુમુદસુંદરી ઉભી હતી ત્યાં એ ગયો ને ચારે પાસ તથા નીચે નદીમાં જોયું. આગળ કુમુદસુંદરી અને પાછળનાં સર્વ માણસ એક પછી એક જોતાજોતામાં પુલ તળે પાણીમાં તણાઈ અથવા તરી અદ્રશ્ય થઈ ગયાં. જ્યાં કુમુદસુંદરી ઉભી હતી ત્યાં આગળ તપાસતાં ગાડીવાનને શંકા થઈ કે ભેખડ ભાગી પડવાથી પગ સરતાં ભાભી પડી ગયાં હશે કે બ્હારવટિયે પગ ખેંચી ઘસડ્યાં હશે કે ભાઈથી કંટાળી આપઘાત કર્યો હશે? તેને કંઈ સુઝ્યું નહીં, જાજમ સંકેલી ગાડીમાં નાખી, કુમુદસુંદરીની ગાંસડી ને કાગળો એકઠા બાંધી રત્નગરીનો એક સ્વાર રથ જોડે રહ્યો હતો તેને આપ્યાં, ને કહ્યું: “આ ગુણસુંદરીને આપજો. સુવર્ણપુર લઈ જવાનું કામ નથી. આપણે પુલ આગળ વાટ જોઈએ છિયે. નદીના વેગ આગળ મને કાંઈ આશા પડતી નથી. ઈશ્વર સામું જુવે તો તો સઉ સારાં વાનાં છે તે મનહરપુરી જઇશું. જો વિપરીત થશે તો હું સુવર્ણપુર જઈશ—તમે આ ગાંસડી લઈ મનહરપુરી જજો. સમાચાર મળે ત્યાં સુધી થોભવું.”
સ્વાર આંખો લ્હોતો લ્હોતો ગાંસડી લઈ ઘોડે ચ્હડ્યો. ગાડીવાને બળદ જોડ્યા ને નિ:શ્વાસ મુકી બંને જણ પુલ આગળ રસ્તા વચ્ચે ઉભા ને કુમુદસુંદરીના ગુણ સંભારવા લાગ્યા. સ્વાર ક્હેવા લાગ્યો: “અરેરે, બ્હારવટિયાને સઉ પુરા પડ્યા ત્યારે આમ થયું! ન્હાનપણમાંથી આવું શાણપણ!—કુમુદસુંદરી તો કોક અલૌકિક કારમો જ અવતાર! એ તે મૃત્યુ લોકને કેમ છાજે! જ્યાં જાય ત્યાં એને પગલે પગલે લક્ષ્મી! બોલે તો જાણે મોતી ખરે! ભાઈ, એ તો સાક્ષાત જગદમ્બા જ! બુદ્ધિધનભાઈએ શઠરાય જેવાને મ્હાત કર્યો તે એની જ શક્તિથી!” ગાડીવાન બોલ્યોઃ “ખરી વાત છે, ભાઈ, એનામાં મહામાયાનો અંશ તો ખરો. આવાં અલકબ્હેન તે પણ ભાભીસાહેબને પગલે પગલે ભમતાં, એમણે તો ચારે પાસ કાંઈ માયાની જાળ નાંખી હોય નહીં? એમ જે એને જુવે તેનો એમના ઉપર ભાવ થઈ જતો, બુદ્ધિધનભાઈ પણ એમ જ જાણે કે કુમુદસુંદરી તે શી વાત! એનાં પગલાં તો દુધે ધોઇને પીયે એવાં! એમને પેટે તો અવતાર લઈયે એવા એમના ગુણ! જો એમનો પત્તો જ ન લાગ્યો તો ગજબ થશે. ઓ ભગવાન! એમનો વાંકો વાળ થવા દઇશ નહીં ને ગમે તે કરી હતાં એમનાં એમ અમને એ પાછાં સોંપજે, અમે પાછા જઈ શું મ્હોં દેખાડીશું?”
સરસ્વતીચંદ્રને જોગી લોક લેઈ ગયા ત્યારે કુમુદને આમ નદી લેઈ ગઈ, બેના માર્ગ જુદા હતા, દિશા એક હતી. અનેક આંખો એમની પાછળ ખેંચાતી હતી અને એમના માર્ગ શોધતી હતી. પણ દૈવની ઇચ્છા કેઈ દિશામાં દોડે છે તેની તો માત્ર કલ્પના જ હતી.