પાંચ

સાંજે શાંતાફૈબા ઓટલે છીંકણીની ડબ્બી લઈને બેઠાં હોય.

સમુડીય એમની પાસે બેસે ને છીંકણીની ડબ્બી સામે કુતૂહલથી જોઈ રહે. શાંતાફૈબા સૂંઉઉઉ… સૂંઉઉઉ… કરીને છીંકણી તાણે ને પછી પાલવના છેડાથી નસકોરાંનો નીચેનો ભાગ લૂછે ત્યારે સમુડી એકીટશે એમને જોયા કરે. એની મુગ્ધ આંખોમાંથી નર્યું કુતૂહલ છલકષ છલકષ છલકાતું હોય.

‘મનેય શોંતાફૈબા’, સમુડી પૂછે, ‘ચપટી છેંકણી તોંણવા આલો ક.’

પછી છીંકણીનો ટેસ્ટ કરી જુએ. ત્યાં તો ‘હા…કષ છી!’

ચોમાસાનો પહેલો વરસાદ આવવાનો હોય કે માવઠું થવાનું હોય ત્યારે પહેલાં તો ઠંડો, વરસાદની સુંગધવાળો પવન આવે. સમુડી બેય નસકોરાં ફુલાવી ફુલાવીને એ પવન શ્વાસમાં લે, શ્વાસ મઘમઘે; ને બેય આંખો પહોળી કરી, ભમ્મરો અધ્ધર ચડાવીને બોલે, ‘શોંતાફૈબા, શોંતાફૈબા, ચ્યોંક વરહાદ પડ હ.’

એના મોં પર એવો તો આનંદ થનગને કે વર્ણન જ ન થઈ શકે. પવન ફૂંકાશે, વરસાદ પડશે. આંબાની લચેલી શાખો પરથી ટપ્ ટપ્ ટપ્ કરતીક કેરીઓ પડશે. પોતે વરસાદમાં જ એ વીણવા નીકળી પડશે – વગેરે વગેરે કંઈક કેટલાય વિચારો ઊભરાય. એની મુગ્ધ આંખો બારી બહાર પવન આવતો હોય એ દિશામાં જોઈ રહે. બધાંય વૃક્ષો પરનાં પાંદડાંની ચમક ઝાંખી થઈ ગઈ હોય. વાતાવરણ ધૂંધળું બની ગયું હોય. વસંતૠતુ પૂરી થયા પછી તડકાની તીવ્રતા વધે. તાજાં ફૂટેલાં પાંદડાંવાળાં વૃક્ષો તડકામાં જુદાં જ તરી આવે. તાજાં ફૂટેલાં પાંદડાં સૌથી વધુ ચમકતા હોય એથી સ્તો. તડકાથી ચમકતાં પાંદડાઓના ચળકાટની તીવ્રતા વૃક્ષે વૃક્ષે જુદી જુદી હોય. પણ ધૂળ ઉડાડતો પવન અને વાદળો બધાંય પાંદડાંને ઝાંખાં કરી મૂકે. એમાંય વરસાદી પવન તો બધાંય વૃક્ષોને વગડાની ધૂળથી પીઠી ચોળે!

આમ તો દરેકેદરેક વૃક્ષનાં પાંદડાંના રંગ પણ જુદા જુદા હોય. આછો લીલો, પોપટી, ઘેરો લીલો, ભૂરાશ પડતો લીલો, પીળાશ પડતો લીલો, લાલાશ પડતો જાંબલી, પીળો, ભૂખરો વગેરે વગેરે. પણ આ વરસાદી પવન સહેજવારમાં તો આવા બધાય રંગભેદ ભૂંસી નાખે! વગડાની ધૂળથી બધાંય વૃક્ષોને પીઠી ચોળીને સ્તો. આખોય વગડો આનંદથી ઝૂમી ઊઠે. થોડીવારમાં તો બધાં જ વૃક્ષોનો ને થોરની વાડનો ને ખેતરોનો જ નહિ પણ બધાં જ ફૂલોનો રંગ સુધ્ધાં એક જ બની જાય! એ રંગ એટલે વગડાની ધૂળનો રંગ! એ પછી વર્ષારાણી વાદળોના ઘડેઘડાં ભરી ભરીને આખાય ગામને, સીમને, પાંદડેપાંદડાને, ધૂળની રજેરજને નવડાવે. આવું બધું ચિત્ર વરસાદી પવનની મહેકમાત્રથી જ સમુડીના મનમાં ઊભરાવા લાગે.

ત્યાં તો ખરેખર અચાનક જ પવનનો વેગ વધે ને ફટષ ફટ્ટાક સટષ સટ્ટાક કરતાં બારીબારણાં ધડધડાધડ પછડાવા લાગે. ને વરસાદી પવન સીમની ધૂળના ગોટેગોટ ગામનાં ઘરોમાં ઠાલવવા લાગે. સમુડીને બારીબારણાં બંધ કરવાનું મન તો ન થાય. વરસાદી પવન સીમની ધૂળ લઈને, સીમ આખીયને પીઠી ચોળ્યા પછી ગામમાં આપણાં ઘરોને પીઠી ચોળવા માટે અતિ ઉત્સાહથી હૂહૂહૂ કરતો, આનંદની સિસોટીઓ વગાડતો ધસી આવતો હોય ને આપણે એને આવકારવાને બદલે ફટ્ટાક કરતાં બારીબારણાં બંધ કરી દઈએ તો એ વરસાદી પવનને કેવું લાગે?! ફટ્ટાક દઈને બંધ કરેલું બારણું પવનના લમણામાં ન વાગે?!

આવું બધું સમુડીના મનમાં થાય પણ શાંતાફૈબાના કહેવાથી નાછૂટકે બધી બારીઓ બંધ કરી ‘ઇસ્ટાપરી’ ભરાવી દે. પણ બારીની તિરાડ પાસે કાન માંડીને ઊભી રહે. સુંઉઉઉ… સુંઉઉઉ… કરીને આવતા પવનના સૂસવાટાથી ને તિરાડમાંથીયે ધસી આવતી સીમની ધૂળની બારીક રજકણોથી સમુડીના કાનમાં જાણે ગલગલિયાં થાય. સમુડીને આમ બારીની તિરાડ પાસે કાન માંડીને, વાંકી વળીને ધ્યાનથી ઊભી રહેલી જોઈ શાંતાફૈબાના મનમાંય કુતૂહલ થાય કે સમુડી કેમ આમ ઊભી છે?

‘લી સમુડી,’ તેઓ પૂછે, ‘ચ્યમ ક્યારની ઓંમ ઊભી સ?’

‘આ પવન કોંક બોલ હ. મીંકું ક લાય હોંભળું. પણ બળ્યું કોંય હમજાતું જ નહ.’ સમુડી જવાબ આપે.

વાતવાતમાં ‘મીંકું મીંકું બોલવાની ટેવ. જેમ કે, ‘મીંકું ક પે’લા વાહણ મોંજી કાઢું, પસઅષ કપડોં.’

ઉત્તર ગુજરાતનાં ગામડાંમાં લાંબાં ઘર. ઘરમાં, એક જ રેખામાં એક પછી એક રૂમ આવે. છેલ્લા રૂમને ‘ઓરડો’ કહે. ઘણુંખરું ચાર રૂમ હોય – ખડકી, ચૉક, પરસાળ અને છેલ્લો ઓરડો; ‘ઓરડા’માં ખડીથી ધોળેલી કોઠીઓ હોય, કાચના નાના નાના ટુકડાઓ ચોડીને શણગારેલી! કોઠીઓમાં અનાજ ભર્યું હોય. આ કોઠીઓની ઉપર એક ઉપર એક એમ તાંબાપિત્તળનાં બેડાં મૂક્યાં હોય. કોઠી ઉપર મૂકેલી બેડાંની આવી ઊભી હરોળને ‘લૉગ’ કહે. દરેક લૉગ ઉપર વાસણ ખરાબ ન થાય માટે સીવેલું કપડું ચડાવ્યું હોય. બધી જ ભીંતો પર લાકડાની અભરાઈ. અભરાઈ પર તપેલીઓ ગોઠવી હોય ને તપેલીઓની પાછળ ભીંતને અઢેલીને પિત્તળની થાળીઓ. અભરાઈની કિનારી પર મીણથી પિત્તળની નાની નાની છલૂડીઓ લાઇનસર ચોંટાડેલી હોય.

દિવાળી વખતે આ બધાં જ વાસણો માંજવાનાં. આથી દિવાળીમાં તો તાંબા-પિત્તળનાં ચકચકતાં વાસણોથી ભરેલો ઓરડો ઝગમગે! ‘ઓરડા’નાં વાસણ માંજવાના હોય ત્યારે એ માટે આમલી પલાળી હોય. આમલી જોઈને તો સમુડી રાજી રાજી. વાસણ માંજવાની કાળી આમલીય એ મોંમાં મૂકે ને કચૂકા તો બધાય છેડે બાંધીને લઈ જાય. સોપારીના કટકાની જેમ શેકેલો કચૂકો મોંમાં મૂકે ને એ પછી જોઈ લ્યો કામમાં સમુડીનો ઝપાટો!

સમુડી ગમે તેવા કામમાં ડૂબી હોય પણ જો વરસાદ શરૂ થયો તો બધાંય કામ રહે બાજુ પર ને દોટ મૂકીને એ બહાર જાય. વરસાદમાં નહાવા જ સ્તો! ને વરસાદમાં નહાતાં નહાતાં સાવ નાનાં નાનાં ટાબરિયાં ભેગી એય ગાવા લાગે –

આવ રે વરસાદ

ઢેપલિયો પરસાદ

ઊની ઊની રોટલી

ને કારેલાનું શાક…

હર્ષદ પણ વરસતા વરસાદમાં નહાવા નીકળી પડયો હોય. સમુડીની છાતીને સ્તન ફૂટયાની ખબર પણ હર્ષદને એક સાંજના વરસાદે જ આપી હતી ને!

સમુ ભીની ભીની વરસાદી માટીને હાથમાં લઈ, નસકોરાં ફુલાવી ફુલાવી સૂંઘે ને પછી તો સમુડીથી ‘રૅવરાય’ જ નહિ. થોડી માટી લઈને બરફીના ચોસલાની જેમ આરોગે!

‘લી સમુડી, મેર મૂઈ…’ આ જોઈ શાંતાફૈબા તાડૂકે, ‘રોંડ આવડી મોટી ભફલા જેવડી થઈ તોય માટી ખાય સ? ગોંડી?’

‘ના, ના, શોંતાફૈબા,’ ખાંડની જેમ જ માટી ચાવતાં ચાવતાં સમુડી બોલે, ‘ખાતી નહિ, ચાખું સું.’

License

સમુડી Copyright © by યોગેશ જોષી. All Rights Reserved.