એક

‘આઈબરો… આઈબરો…’ એમ ગોખતી સમુડીમાં આટલો બધો ફેરફાર થાય એ કોઈનાય માન્યામાં આવે?!

‘હર્ષદભૈ…’ હર્ષદ પોતાના વિવાહ તોડવાના વિચારમાં હતો ત્યાં જ કોઈએ બૂમ પાડી, ‘ઓ… હર્ષદભૈ…’

અવાજ પરિચિત લાગ્યો. હર્ષદે જોયું તો –

સમુડી!

એના પતિ સાથે ઊભી થતી! ક્ષણભર તો શંકા થઈ કે શું આ ખરેખર સમુડી જ છે?!

‘કેમ છો હર્ષદભૈ? અમે…’ સહેજ શરમાતાં એ બોલી, ‘અમે પિક્ચર જોવા આવેલાં.’

અરે! શું આ સમુડી જ બોલે છે! સાચેસાચ સમુડી જ! હર્ષદના કાન પર સમુડીના ગાવાના અવાજની જાણે આછી વાછટ આવી :

‘માડી તારા જમઈનો કાગળ આયો સે

એડણ જાવું સે…’

સમુડી વાસણ માંજતાં આ એકની એક જ લીટી ગાયા કરે. આથી હર્ષદે પૂછેલું,

‘પણ પછી આગળ શું?’

‘આગળ મારી બુન કાળીનં આવડ હ.’

હર્ષદને હરસદભૈ ને પિક્ચરને પિચ્ચર ને લક્ષ્મીપૂજાને લસમી-પૂજા કહેતી ઉત્તર ગુજરાતના ગામડાગામની સમુડી! એક વરસમાં તો કેટલી બદલાઈ ગઈ છે! કે પછી ભગવાને સમુડીને નવેસરથી ઘડી કે શું?!

લઘરવઘર ઘાઘરીપોલકું પહેરીને ખેતરોમાંથી સમીસાંજે પાછા ફરતા ગાડામાં, લદાયેલા પાકની આડશ લઈને ગાડા પાછળ લટકતી સમુડી આજે સાડી પહેરીને ઊભી છે! સાડીય કેવી વ્યવસ્થિત! પાટલી વ્યવસ્થિત વાળી છે! ખભા પાછળ લટકતો છેડોય વધુ પડતો ઊંચો કે નીચો નથી! નયના તો હજુય બે-ત્રણ વાર પાટલી ન વાળે ત્યાં સુધી બરાબર વળતી જ નથી! ને સાડી પહેરી લીધા પછીયે કોકને કહેવું પડે કે અલી, પાછળની કિનારી સહેજ ખેંચ તો! ને આ સમુડી એક વરસમાં તો કેટલી બદલાઈ ગઈ! એવું તે કયું બળ છે કે જેણે સમુડીને નવેસરથી ઘડી! એનામાં પહેલાંની ‘સમુડી’ જાણે કે છે જ નહિ!

ક્યાં ગઈ પહેલાંની એ સમુડી?! ક્યાં!

ગામ આખાયમાં ખરા બપોરે ઉઘાડા પગે રખડતી ને ખેતરોમાંથી તુવેરની શીંગો ને વરિયાળી ચોરી લાવતી સમુડી આજે ઊંચી એડીનાં ચંપલ પહેરીને ઊભી છે! શાતાફૈંબાએ એમનાં જૂનાં ચંપલ આપેલાં તે છતાંય ઉઘાડા પગે જ ફરતી ને કહેતી, ‘ચંપલ-બંપલ આપડોનં નોં ફાવઅષ. કોઈએ જાેંણઅષ બેય ટોંટીયા ઝાલી રાખ્યા હોય ઈમ લાગ હ.’

સુક્કા ઘાસના ભારામાંથી વેરાયેલી અસંખ્ય ઝીણીઝીણી સોનેરી કરચોવાળી રેશમી ધૂળમાં ચાલવાથી પગને કેવું પોચું લાગે! પાણી પોયેલાં ખેતરોમાં ઉઘાડા પગે ફરવાથી પગના તળિયાને કેવું મઝાનું ઠંડું ભીનું ભીનું લાગે! સ્પર્શનું આવું આહ્લાદક સુખ જતું કરીને સમુડી શું ચંપલ પહેરવાની હતી? ઉનાળામાં ય એકાદ મહિનો માંડ ચંપલ પગમાં ખોસનારી સમુડી આજે ઊંચી એડીનાં ચંપલ પહેરીને ઊભી છે! વય્ચે પાંથી પાડી, સહેજ સિંદૂર પૂરી, કોરા વાળ રાખીને વ્યવસ્થિત રીતે એક ઢીલો ચોટલો લીધો છે!

આ એ જ સમુડી જેના વાળની ગૂંચ કાઢતાં કાંસકો ય તૂટી જતો! જૂ અને લીખો તો પાર વગરની. એણે આજે કમર સુધી આવતો એક ઢીલો ચોટલો લીધો છે ને ચોટલાને છેડે રિબીનના ફૂમતાને બદલે ખાલી રબર જ નાખ્યું છે! આ એ જ સમુડી જે તેલ નાખતી ત્યારે એનું આખુંયે કપાળ ને બે કાન સુધ્ધાં તેલના લપેડાથી ચક ચક થતાં! એણે આજે કોરા વાળ રાખ્યા છે! હેરપીન પણ ચોટલાની બંને બાજુએ સાવ નજીક નજીક ન નાખતાં, બંને કાનના ઉપરના ભાગમાં ખોેસી છે; શહેરની છોકરીઓ ખોસે ને એમ!

પહેલાં તો એના વાળ કેવા ગંદા રહેતા! વાળનો રંગ જ ન દેખાય! એના વાળમાં સીમ આખીયની ધૂળ હોય. વંટોળિયા પણ પોતે ઉડાડેલી ધૂળનો એના શિરે જ અભિષેક કરે. વાળ મેલા ને ચીકણા થઈ જવાથી એકમેકને ચોંટી ગયા  હોય. છી! છી! કોને ખબર કેટલા દિવસે વાળ ધોતી હશે! પણ અત્યારે તો વાળ બિલકુલ સ્વચ્છ! કદાચ શેમ્પુથી પણ ધોયા હોય!

હર્ષદને તો સહેજ નજીક જઈ એના સ્વચ્છ ચળકતા કાળા વાળ સૂંઘી જોવાનુંય મન થઈ આવ્યું.

સીમમાંથી કાચી કેરીઓ ચોરી લાવતી સમુડી, આંબલી પર ઢેખાળા ફેંકીને કાતરા પાડતી સમુડી, જ્યારે આંબલીને નવાં કૂણાં કૂણાં પાંદડાં ફૂટે ત્યારે તો એ પાંદડાં સુધ્ધાં ધરાઈ ધરાઈને ખાતી સમુડી, ને ક્યારેક તો ઘાઘરી કૅડમાં સહેજ ઊંચી ખોસી સડસડાટ ખિસકોલીની જેમ આંબલી પર ચઢી જતી સમુડી આજે આટલી સુઘડ અને સ્વચ્છ!

સમુડીને જલદી ન ઓળખી શકવાનું કારણ હર્ષદને છેક હવે સમજાયું. પહેલાં તો સમુડીની બેય ભમ્મરો કપાળમાં એકમેકને જોડાયેલી રહેતી. પણ અત્યારે તો આય-બ્રો સરખી કરાવેલી! કોઈ ચિત્રકારે જાણે હમણાં તાજી જ ન ચીતરી હોય! કદાચ આય-બ્રો પેિન્સલ પણ થૂંકવાળી કરીને બરાબરની ઘસી લાગે છે!

હર્ષદના વિવાહ થયા પછી એ કન્યા – નયનાને ‘દિવાળી કરવા’ બોલાવી હતી. સમુડી હર્ષદના ઘેર કામ કરવા આવે ને જ્યારથી હર્ષદના વિવાહ થયા ત્યારથી સમુડીને તાલાવેલી લાગેલી –  ‘ચ્યાણ હરસદભૈની વઉ ઑય આવઅષ નં ચ્યાણ મું ઈનં દેખું!’

જ્યારે નયના આવી ત્યારે સમુડીએ તો એના પર જુલમ ગુજારી દીધેલો. હાથ અડકાડી અડકાડીને નયનાને જુએ! પેલી બિચારી અકળાઈ ઊઠે પણ શરમની મારી નીચું જ જોઈ રહે. પણ સમુડી તો ચિબુક પકડીને એનો ચહેરો સહેજ ઊંચો કરે. હસતી વખતે નયનાના ગાલમાં પડતાં ખંજન પણ તર્જની અડકાડીને જુએ! ગળામાંનો હાર, નથ વગેરે ઘરેણાંય અડકી અડકીને જોયાં ને તાજી જ સરખી કરાવેલી આય-બ્રો જોઈને તો સમુડીની આંખો પહોળી જ રહી ગઈ! ઊંચે ચડેલી ભમ્મરો અધ્ધર જ રહી ગઈ! ભમ્મરોનો આવો સરસ વળાંક અને ઘાટ! ભમ્મરોનેય સમુડીએ તર્જની ફેરવી ફેરવીને જોઈ. (બનાવટી તો નથી ચોંટાડી ને? ટાલવાળા શહેરી લોકો બનાવટી વાળ લગાવે એવું તો સાંભળ્યું’તું.)

પછી શું બોલવું એ સૂઝયું નહિ તોય પૂછયું, ‘ચ્યમ નૈનાભાભી, તમારી ભમ્મરો આવી હ?’ પછી પોપચાં પહોળાં કરી, પોતાની એકમેકને જોડાયેલી ભરાવદાર ભમ્મરો અધ્ધર ચડાવી દઈ ઉમેર્યું, ‘ભમ્મરો આવી અસ્સલ શી’તી બનઅષ?!’

નયનાએ જવાબ આપ્યો, ‘એ તો મેં આય-બ્રો સરખી કરાવેલી.’

અને પછી જ્યારે સમુડીએ જાણ્યું કે ભમ્મરોને ઘાટ આપવાની ય તે દુકાન હોય ને કેટલીક ‘બાઇડીઓ’ આ બધું કામ કરતી હોય ત્યારે તો એ દંગ જ થઈ ગઈ!

ભમ્મરને અંગ્રેજીમાં આય-બ્રો કહેવાય એવી ખબર પડયા પછી એ ગોખ્યા કરતી – આઈબરો… આઈબરો…. આઈબરો… આઈબરો…

License

સમુડી Copyright © by યોગેશ જોષી. All Rights Reserved.