પંદર

એ પછી બીજે દિવસે જે બન્યું એ જોઈને તો હર્ષદ જાણે અંદરથી ચિરાઈ ગયો.

મેડી પર, બારી પાસે ખુરશી નાખી, હાથમાં છાપું લઈને હર્ષદ બેઠો હતો. છાપું જોઈ લીધા પછી આંગણામાં ચણતાં કબૂતરોને વિસ્મયથી જોઈ રહેલો.

સવારના નવશેકા તડકામાં કબૂતરોની લીલી-જાંબલી ગરદન કેવી ચળકતી! રેતીમાં કબૂતરોનાં પગલાંની કેવી ભાત રચાતી હતી! ત્યાં જ અચાનક જ ફડફડ ફડફડ પાંખો ફફડાવતું કબૂતરોનું ટોળું ઊડી ગયું. નયના દોડતી ઘરની બહાર નીકળી. નયનાની આગળ એક ઝીણી ઉંદરડી જીવ લઈને નાસતી હતી. અને નયનાના જમણા હાથમાં હતી ઈંટ!

હર્ષદ ચોંકી ઊઠયો! બાપ રે! આ શું?!

ત્યાં તો નયનાએ ધબ્ કરતી ઈંટ જોરથી પછાડી. એ ઈંટ જાણે હર્ષદની છાતી પર વાગી! ઈંટના બે ટુકડા થઈ ગયા. કિરમજી લાલ રંગનો થોડોક કરકરો ભૂકો રેતીમાં વેરાયો. ને સહેજમાં બચી ગયેલી ઉંદરડી વળી જીવ લઈને નાઠી. પણ એકાદ ક્ષણમાં તો ઈંટનો અડધો ટુકડો ફટ્ટાક કરતો બરાબર એ ઉંદરડીના કુમળા, ચંચળ, શ્યામળા દેહ પર પડયો. ઉંદરડીના ગળામાં અટકી ગયેલી ચીસ સુધ્ધાં છૂંદાઈ ગઈ.

નયનાના ચહેરા પર વિજયનું સ્મિત ફરકી રહ્યું! કદાચ હિટલરના ચહેરા ઉપર પણ આવું જ સ્મિત ફરકતું હશે?

ઈંટનો ટુકડો ફેંકી દઈને, હાથ ખંખેરીને જાણે કંઈ જ બન્યું ન હોય એમ, ખભા પરથી સરકી ગયેલો  પાલવ સરખો ગોઠવતી, કમર લચકાવતી, કશાક મૂડમાં બે હાથ ઉલાળતી ઉલાળતી નયના પાછી ઘરમાં ગઈ.

બિચારી ઉંદરડીનો તો છૂંદો જ થઈ ગયેલો. ઈંટના ટુકડાના કિરમજી રંગ ઉપર ઉંદરડીના તાજા જ લોહીના ડાઘા તડકામાં ચમકી ચમકીને જાણે નયનાના ભયંકર ઘાતકી રૂપની ચાડી ખાતી હતા. તાજા લોહીની ગંધ આવવાથી થોડી સેંકડોમાં તો એક કુરકુરિયું દોડતું આવ્યું ને છૂંદો થઈ ગયેલી ઉંદરડીને મોંમાં લઈને દોડયું; શેરીના વળાંક આગળ વધી ગયું.

એ ક્ષણે તો હર્ષદ એવો થઈ ગયેલો કે કાપો તો લોહી ન નીકળે!

નયના આટલી નિર્દય? આવી ઘાતકી? એની નયના આટલી ક્રૂર? ઉંદર મારવાની દવાનો ઉપયોગ કર્યો હોત તો હજી જુદી વાત હતી. પણ આ તો…

હર્ષદ માટે આ અસહ્ય થઈ પડયું. બાળપણમાં સાંભળેલી વાતોમાંની જીવતી ડાકણ યાદ આવી ગઈ.

સમુડી તપેલીમાં લોટ મૂકીને કેવી ઉંદરડી પકડતી! ફટ્ટ દઈને તાસક ઢાંકતાં પૂંછડીને કંઈ થાય નહિ એનોય કેવો ખ્યાલ રાખતી!

ના, નયના સાથે લગ્ન ન કરાય. આવી લાગણીહીન, સંવેદન વગરની, નિર્દય, ક્રૂર, ઘાતકી છોકરી જો ભટકાઈ ગઈ તો?! ધાર્યું’તું કે નયના તો પોતે કÍપેલી પરી જેવી! પણ… પણ આ તો? –

સૌ પ્રથમવાર જ્યારે સમુડી પાદર પેલી તરફની ટેકરી પર પોતાને લઈ ગયેલી ત્યારે એક આંબલીનું ઝાડ બતાવીને કહેલું, ‘જે પંખી આ ઓંમલી પર હૂઈ જવા આવઅષ એ બધોંય પંખીનું ગળું એ ડાકણ દબાવી દે નં પસઅષ ખઈ જાય. જુઓ હરસદભૈ, તમોં તો એક્કે પંખી બેઠું નહિ આ ઓંમલી પર.’

હર્ષદ ધ્યાનથી જોવા લાગ્યો તો સાચે જ એકેય પંખી નહોતું એ આંબલી પર. ત્યાં તો આંબલીની ટોચ ઉપરની ડાળખીઓમાં કશોક સળવળાટ થયો ને હર્ષદને એવી તો બીક લાગી… રૂંવાડે રૂંવાડું ખડું થઈ ગયેલું. ને, ‘સમુ’ કહીને એ સમુડીને વળગી જ પડેલો.

‘હરસદભૈ, હરસદભૈ…’ સમુ બોલી હતી.

પણ હર્ષદ એવો તો ડરી ગયેલો કે થોડીક ક્ષણ સુધી તો એના ગળામાંથી અવાજ જ ન નીકળ્યો. એવું જ લાગ્યું કે જીવતી ડાકણે જ ગળું દબાવી રાખ્યું છે, એથી જ અવાજ નથી નીકળતો.’

પણ થોડી ક્ષણો પછી બોલ્યો’તો, ‘મન્ બીક લાગઅષ સ, સમુ!’

–ત્યારે હર્ષદ હતો નવ-દસ વર્ષનો. એ દિવસે તો ટેકરી પરથી પાછા ફર્યાંત્યારેય હર્ષદે જોરથી પકડી રાખ્યો હતો સમુનો હાથ. ને કેટલાય મહિનાઓ સુધી હર્ષદ એ ટેકરી તરફ ગયો ન હતો. સમુડીએ હર્ષદને સમજાવવાનીય ઘણી કોશિશ કરેલી કે, ‘એ જીવતી ડાકણ નોંનોં સોંકરોંનં તો કોંય નોં કરઅષ.’

એ ઘટના પછી તો હર્ષદને વાર્તાઓ વાંચવામાં રસ પડવા માંડેલો ને જીવતી ડાકણની ને ત્રણ શીંગડાવાળા રાક્ષસની, ને શરદપૂનમની રાતે આકાશમાંથી ઊતરી આવતી પરીની ને એવી કંઈ કેટલીય વાતો વાંચી નાખેલી. પોતે જે વાત વાંચી હોય એ પાછી સમુડીનેય કહેવાની. સમુડી બેય આંખો ફાડીને બધું સાંભળ્યા કરે ને વિચારે, ‘હરસદભૈ ચેટલું બધું જાેંણઅષ હ!’

એ પછી તો જ્યારે જ્યારે એ બંને ટેકરી પર જતાં ત્યારે વાતોનો દોર હર્ષદના હાથમાં જ રહેતો.

‘સમુડી,’ રાતરાણીનો એક છોડ બતાવીને હર્ષદે કહેલું, ‘આ છોડ સ નં એ રોજ રાત પડઅષ એટલઅષ પરી બની જાય સ. અનં સુગંધ બનીનં ઊડાઊડ કરઅષ સ. પરીનં તો જાતજાતના મંત્રો આવડઅષ એ મંત્રો બોલીનં તો રાક્ષસ જેવા રાક્ષસનંય ઘડીકવારમોં મચ્છર બનાઈ દે!

‘પેલો પેંપળો સ ન? એ પેંપળા પર એક ઓંખવાળી ડાકણ રૅ સ. ઘઈડા પોપટનુ ંરૂપ લઈનં એનં ડાળ પર બેઠેલી તો મીં નજરોનજર ભાળી’તી. હા, ઈનો પડછાયો ન’તો પડતો એટલઅષ મનં ખબર પડી ગઈ ક નક્કી આ ઘઈડો પોપટ એ એક ઓંખવાળી ડાકણ સ.’

આવું બધું સાંભળી સમુડીને થતું, ‘હરસદ તો ચેવો હુંશિયાર હ. ગમે ત્યોં જૉવ, જો એ જોડે હોય તો વાંધો નોં આવઅષ. એ હંગાથે હોય તો મોં ફાડીનં બેઠેલી જીવતી ડાકણના મોંમોં જવામોંય વોંધો નૈં.’

બાળપણની એ સૃિષ્ટ જ જુદી હતી. એ દિવસોમાં જીવતી ડાકણનો ને રાક્ષસોનો કેવો ડર લાગતો!

જોકે, મોટા થયા પછી ડર ચાલ્યો ગયેલો. પણ આજે નયનાનું આ રૂપ જોઈ ફરીથી હર્ષદને બીક લાગવા માંડી. એક ક્ષણ તો એવોય વિચાર આવી ગયો કે ઉંદરડીની જગ્યાએ પોતાનું કુમળું હૃદય હોય તો?

આજે જ ઘેર પાછો જતો રહું ને પિતાજીને બધી વાત જણાવી દઉં કે નયના સાથે હું કદીય લગ્ન નહિ કરી શકું. બીજું કશું એનામાં ન હોય તો એ ચલાવી શકાય. પણ આ તો… પણ એમાં નયના કરતાં એના માતાપિતાનો વાંક વધુ, સાવ નાની હશે ને બાળ-સહજતાથી કોઈ જીવડું પકડતી હશે, મારતી હશે ત્યારે એનાં માતાપિતાએ વારી નહિ હોય. કદાચ પ્રોત્સાહન પણ આપ્યું હોય.

થોડીવાર પછી નયના ઉપર આવી ત્યારે હર્ષદે બારીમાંથી જોયેલા દૃશ્ય વિષે કહ્યું પણ ખરું અને ધીમા અવાજે, કોઈ બે વર્ષની બાળકીને કહેતો હોય એમ ઉમેર્યું, ‘નયનું, આપણાથી આવું કરાય?’

‘પણ એ ઉંદરડી તો અમારું લોહી પી જતી’તી.’

પોતાની જ્ઞાતિમાંય નયનાનું કુટુંબ ઊંચું ગણાય. પણ કુટુંબ આખાયમાં કોઈ જાતના સંસ્કાર જ ન હોય તો? આના કરતાં તો નીચી જ્ઞાતિમાંય કેટલાક કુટુંબોમાં અમુક સંસ્કાર જોવા મળે છે. ‘લોહી પી જતી’તી’ – સાંભળીને હર્ષદે અકળાઈને કહ્યું, ‘ઘણી માતાઓ પોતાનાં જ છોકરાં માટેય કહે છે કે મૂઆં, લોહી પી ગયાં આ તો! પણ કોઈ છોકરાંને મારી તો ન નાખે.’

‘હું હોઉં તો મારી યે નાખું.’ કહી નયના જે ખડખડાટ હસી છે! નયનાનું એ ખડખડાટ હસવું ય હર્ષદને માટે તો પોતાની છાતીને વહેરતી કરવત જેવું થઈ પડેલું.

‘નયના,’ હર્ષદે ગુસ્સે થઈને કહ્યું, ‘આ મજાક કરવાની ક્ષણ નથી.’

‘તો શું તમે અહીં બે-ચાર દિવસ મોજમઝા કરવા આવ્યા છો કે મારી સાથે ઝઘડવા?’

‘ના, કૉલસો ધોઈને સફેદ કરવા આવ્યો છું.’

આ સાંભળી મોં ચઢાવી નયના નીચે ચાલી ગઈ…

સાચે જ, આ માયા ન સુધરે, કૉલસો ધોઈને સફેદ કરવા જેવું જ છે. આવી છોકરી સાથે લગ્ન કઈ રીતે કરાય? વિવાહ થયા તેથી શું? આવી છોકરી સાથે આખીય જિંદગી… !

થીજીને ઠીકરું થઈ ગયેલા હર્ષદની મનોભૂમિ પર જાણે ભયંકર ધરતીકંપ થયો ને બાળપણથી જ એક એક પીછું એકઠું કરી કરીને અત્યાર સુધી રચેલો સ્વપ્નનો કિલ્લો કડડડ… ભૂસ! બધું જ ખંડેરમાં ફેરવાઈ ગયું. ને ખંડેરમાંથી રહી રહીને કોઈ જીવતી ડાકણના અટ્ટહાસ્યના પડઘા ઝંઝાવાતની જેમ ઊઠતા રહ્યા… ને હર્ષદના મગજને અફળાતા રહ્યા.

હર્ષદના મગજની બધી જ નસો એકદમ તંગ થઈને જાણે કે વધુ ને વધુ ફૂલી રહી હતી. ઘડીભર તો થયું, હમણાં મગજની ધોરી નસ ફાટશે. પોતાની જ મનોભૂમિ પર લહેરાતી હરિયાળી પર તીડના ટોળાની જેમ તૂટી પડેલ વિચારો કેમેય અટકતા નહોતા. આના કરતાં તો વાંઢા રહેવું સારું. પણ આવી છોકરી સાથે તો… ‘ના… ના… ના…’ – અવાજ હથોડાની જેમ હર્ષદના મગજ-હૃદય પર ઠોકાતો રહ્યો.

પણ હર્ષદે આટલી જલદી ‘હા’ નહોતી પાડી દેવી જોઈતી. આમ અજાણ્યામાં નહોતું પડવું જોઈતું. સાવ કપોલકિલ્પત દુનિયામાં નહોતું રાચવું જોઈતું. કશુંય જોયા-જાણ્યા-વિચાર્યા વગર આમ એકદમ મુગ્ધ થઈને ‘હા’ નહોતી પાડી દેવી જોઈતી…

પણ એમ તો હજીય શું બગડી ગયું છે? હજીય વખત છે. લગ્ન ક્યાં થયાં છે? પણ એની સાથે આમ આટલું બધું હર્યાફર્યા પછી કેવી રીતે ના પાડવી? હવે તો પોતાની જ્ઞાતિમાં સાથે હર્યાફર્યા પછી કંઈ કેટલાય મુરતિયાઓએ ના પાડી દીધી છે. ધારો કે પોતે ય ‘ના’ પાડી પણ દે તો એના પાણીપોચા પિતાનું શું થાય? ના, એથી કંઈ પિતા આપઘાત તો ન કરે પણ એ પછી શું મોં લઈને ગામમાં નીકળે? ગામમાં ન નીકળે તો બેસી રહે ઘરમાં ને ઘરમાંય ન રહી શકે તો ચાલ્યા જાય ગામ છોડીને, ન્યાત છોડીને…

પોતાના જ પિતા માટે કેમ આવા વિચારો આવે છે?! મારે આમ ન વિચારવું જોઈએ. પણ નયના સાથે લગ્ન તો ન જ કરાય. ભલે બાપદાદાની આબરૂ થઈ જાય ધૂળધાણી. વિવાહ તોડવા જ રહ્યા. આ તો મારી જિંદગી આખીનો સવાલ છે. પિતાને એમનું નાક વધારે વહાલું હોય કે દીકરાની જિંદગી? ઘરે જઈને, જે કંઈ બન્યું એની બધી જ વાત માને કહીશ. ને માને જ કહીશ કે બાપુને સમજાવે. ને બાપુ જ વિવાહ તોડવાની સંમતિ આપે. અને જો સંમતિ ન આપે તો?

ના, ના, બાપુ એવા કઠોર થઈ જ નશેક. નયના કેવી છે એ જાણ્યા પછી તો જરૂર સંમતિ આપે. હુંય એમનું એકનું એક સંતાન. લગ્ન પછી દશ વરસે પહેલંુ બાળક જન્મ્યું ને થોડી જ ક્ષણો જીવીને મરી ગયું. એ પછી બરાબર ત્રણ વરસે હું જન્મ્યો. કેટકેટલાં લાડકોડથી મને ઉછેર્યો! ક્યારેય કોઈ વાતની મને ના નથી પાડી. અરે! સમુડીનાં લગ્ન પણ શાંતિથી પતે એ માટેય એમણે કેવી ગોઠવણ કરેલી! ના, બાપુ સાવ જૂનવાણી તો નથી જ નથી. વિવાહ તોડવા જરૂર સંમતિ આપશે. પણ… પણ… તે છતાંય ધારો કે કદાચ સંમતિ ન આપે તો?!

તો હું ચાલ્યો જઈશ એમનું ઘર છોડીને…

સાસરેથી પાછા વળતાં, બસસ્ટેન્ડ જતાં આખાય રસ્તે હર્ષદને આવા વિચારો આવ્યે ગયા.

‘હર્ષદ’ વિચારધારા તોડતાં નયના બોલી, ‘કેમ કંઈ બોલતો નથી?’

‘શું બોલું?’

‘કંઈક તો બોલ. ક્યાં સુધી રહીશ આમ રિસાયેલો?’

હર્ષદે કોઈ જ જવાબ ન આપ્યો.

‘હર્ષદ…’ નયનાના અવાજમાં આંસુઓની ભીનાશ હતી, ‘મને માફ નહિ કરે કે?’

હર્ષદે નયનાની સામે જોયું ને પોતાના હોઠ ખેંચીને સ્મિત કરવાનો પ્રયત્ન કર્યો.

‘સમજાતું નથી… કેવી છે આ માયા?’ મનમાં જ એ બોલ્યો.

બંને સાથે સાથે ચાલતાં હતા. છતાં બંનેની વય્ચે એક દીવાલ હતી. ક્ષણો વધુ ને વધુ ભારેખમ થતી જતી.  હર્ષદનું સિત્તેર કિલોનું મૌન સહેવાતનું નહોતું નયનાથી.

‘હર્ષદ,’ નયનાએ ફરી પૂછયું, ‘ક્યાં સુધી રહીશ આમ મૂંગો? રિસામણાં આટલાં લાંબાં તે હોતાં હશે? વિદાય વેળાએ તે કદી રિસાવાય? હું તો તને ચીડવવા એવું બધું બોલી હતી. હવે એવું કશું નહિ બોલું. હવેથી મારું વર્તન એવું નહિ હોય, હર્ષદ, હર્ષ, હસીને મને આવજો તો કહીશ ને?!’

હર્ષદ ફિક્કું હસ્યો.

વાતાવરણ કંઈક હળવું થાય એ માટે નયનાએ રસ્તામાં આવતી પોતાની કૉલેજ બતાવતાં કહ્યું, ‘હર્ષદ, જો આ મારી કૉલેજ.’

હર્ષદે કૉલેજ તરફ નજર નાખી. મોટું સરસ બિલ્ડીંગ હતું. આજુબાજુ સરુનાં વૃક્ષોની હરોળ હતી. કમ્પાઉન્ડનો ઝાંપો ખોલીને અંદર દાખલ થવાના રસ્તાની બંને બાજુ સરસ બગીચો હતો. પણ એમાં વાવેલાં સૂરજમુખીય અત્યારે ઉદાસ હોય એવું લાગ્યું. કૉલેજની જમીનની હદ પૂરી થાય ત્યાં ચારેક ફૂટની દીવાલ ચણીને કમ્પાઉન્ડ બનાવેલું. ચારેક ફૂટની એ દીવાલ પાસે જ, દરવાજાની જમણી બાજુએ મુતરડી હતી. આછા પીળા ડિસ્ટેમ્પરથી રંગેલી એની દીવાલ પર કૉલસાથી બેત્રણ જગ્યાએ લખેલું હતું –

નયના + શર્મા

આ જોઈ હર્ષદ ચોંક્યો. પણ નયનાને કશું કળાવા ન દીધું.

આ દરમ્યાન નયના તો કશુંક બોÍયે જતી હતી. એના હોઠ ફફડયે જતા, વિસ્તરતા, સંકોચાતા, ગોળાકાર થતા, બિડાતા, ખૂલતા, મલકાતા… ગાલે ખંજન પડતાં… ખંજનની ઊંડાઈમાં વધઘટ થતી…

બસસ્ટેન્ડ આવી ગયું. બસની રાહ જોતાં ઊભાં રહ્યાં. એક ચોક્કસ પરિસ્થિતિ ઊભી કરવા માટે હર્ષદે ભાવુક અવાજે કહ્યું, ‘નયનું, પત્રો લખતી રહેજે, હોં!’

‘તમે પહેલાં લખજો, પછી હું લખીશ.’ નયનાએ જવાબ આપ્યો.

હા…શ! હર્ષદે ખોટું તો નથી લગાડયું એવો ભાવ નયનાના ચહેરા પર ઊછળી આવ્યો.

આ જોઈ હર્ષદે ધીમા ઘેરા અવાજે પૂછયું, ‘અને હું શું કહેતો’તો? ભૂલી ગયો પાછો!’

‘શું?’

‘હં. પે…લા અંગ્રેજીના પ્રોફેસરનું નામ શું હતું, નૈનું?’

‘વી. કે. શર્મા.’ જવાબ તો દેતાં દેવાઈ ગયો પણ તરત જ નયના ચોંકી ઊઠી. બોલી, ‘પણ અત્યારે એનું શું છે? શા માટે ફરી ફરી એ બધી વાતો યાદ કરો છો? હવેથી શર્માસાહેબ શેરી કનેથી જતા હશે તો હું ચોક્કસ બોલાવીશ, બસ?’

ત્યાં જ બસ મુકાઈ. બસ રિવસર્ આવીને સ્ટેન્ડ પર ગોઠવાય એ પહેલાં તો થોડાક લોકો ચડી ગયા. બારીમાંથી થેલીઓ, બગલથેલા, રૂમાલ, નાની બેગ… વગેરે બસની અંદર ફેંકાયું. હર્ષદને ટોળાનો ધક્કો વાગ્યો. ટોળા ભેગો ઘસડાયો. અત્યારે એનું કોઈ સ્વતંત્ર અિસ્તત્વ જ નહોતું. એ ટોળાનો એક અંશ માત્ર હતો. આખુંય ટોળું, અસંખ્ય હાથપગ ઉછાળતું એકીસાથે બસમાં ઘૂસવા પડાપડી કરતું હતું. આથી શરૂમાં તો એેકેય જણ  જલદી ઘૂસી શક્યો નહિ. પછી જંગલીપણાની શિક્તના ઊતરતા ક્રમમાં બધા ઘૂસવા માંડયાં.

હર્ષદ પણ ઢસડાયો. ધક્કામુક્કી કરીને બે-ચાર જણ તો એની આગળ નીકળી ગયાં. ‘બૈરાંને તો ચડવા દો પે’લાં, આદમી તો ભૈશાબ… કૅડમાં સોકરું ને’નું હોય એય જોતા નથી…’ વગેરે વગેરે બૂમો પાડતી, કોણીઓ વડે ધક્કા મારતી બે-ત્રણ સ્ત્રીઓય હર્ષદની આગળ નીકળી ગઈ. વળી, પાછળથી જોરદાર ધક્કો આવ્યો ને હર્ષદ પગથિયામાં. સળિયો પકડીને ઊંચે ચડવા જાય છે. પણ કમરે લટકતો બગલથેલો પાછળની ભીડમાં ભરાઈ રહેલો. જોર કરીને ખેંચવા ગયો તો પટ્ટો તૂટી ગયો. પોટકું પકડે તેમ પકડીને જોરથી ખેંચ્યો ને ઉપર ચઢી સીધો આગળ ધસ્યો. બસ ભરાઈ ગયેલી. પણ એક સીટ પર ખાલી જગ્યા જોઈ હર્ષદ ધસમસતો આગળ ગયો ને ધબ્ કરતો એ સીટ પર પડયો, પોટકાની જેમ.

હર્ષદે બહાર જોયું. નયનાની મોટી મોટી કાળી કાળી આંખો જાણે કહી રહી હતી –

મને માફ કરીશ ને?!

તાકી રહેલી નયના સામે હર્ષદે હાથ ઊંચો કર્યો ને બસ ચાલી.

બસના ચાલવાનો ઘોંઘાટ, ખોટાઘરા વિચારોનો તાપ ને ધોખધખતા તડકાને લીધે માથું ફાટી જતું હતું. એંજિન ખરાબ હોવાથી અવાજ પણ ખૂબ કરતું. બસમાંથી નીચે ઊતરી પડીને કોઈ ઝાડ નીચે જઈ સૂઈ જવાનું મન થઈ આવતું ને થતું કે સમુડીય ક્યાંથી આવી ચડે ને માથું દાબી આપે…

કેમ અત્યારે સમુડી યાદ આવી? શા માટે યાદ ન આવે? જ્યારે જ્યારે એનું માથું દુ:ખતું ત્યારે એ જ તો દાબી આપતી, બામ ઘસી આપતી.

લાલ પાટિયું હોવા છતાં બસ લોકલ જેવી  જ ચાલતી હતી. એનો અવાજ માથામાં આરપાર પેસી જ તો. રસ્તો ખરાબ હોવાને કારણે બસ અવારનવાર ઊછળતીય ખરી ને બારીઓના કાચ ખખડ ખખડ થયા કરતા. બસનું એંજિન તો માથું ફાટી જાય તેટલો અવાજ કરતુંં હતું. આથી હર્ષદને થયું, થોડીક પાછળની સીટ પર બેઠો હોત તો સારું હતું. સીટ આગળ મળે કે પાછળ. બેસવાની જગ્યા મળે એય બહુ કહેવાય.

હર્ષદનું મન રટણ કરતું – ક્યારે પોતાનું ગામ આવે? વારે વારે એ બારીમાંથી માઈલસ્ટોન જોતો. કેટલા કિલોમીટર બાકી છે હજી?

પછી કંટાળીને આગળની સીટના ટેકો દેવાના ભાગ પરના આડા સળિયા પર બેય હાથ મૂકી, એના પર માથું ટેકવીને આંખો મીંચી ઊંડો નિસાસો નાખ્યો. ઊલટી થાય એવું થતું હતું. એકાદ  એનાસીન કે કંઈ લઈને જ નીકળ્યો હોત તો સારું હતું. ફરી માઈલસ્ટોન પર જોયું. પોતાનું ગામ હજી પાંચ કિલોમીટર દૂર હતું. ચાલો હવે દશેક મિનિટમાં તો આવી જશે. રસ્તાની ધારે જ નજર માંડી રહ્યો, માઈલસ્ટોન જોતો રહ્યો. ચાર કિલોમીટર.

બસની ઝડપના કારણે રસ્તાની ધાર પરની માટીમાં દેખાતા સરકતા જતા લિસોટા જોઈ રહ્યો. નજીકનાં ઝાંખરાં, વાડ, વૃક્ષો, ખેતરો… બધું દેખાતું ને તરત જ પાછળ ચાલ્યું જતું, ને બસ આગળ નીકળી જતી. પણ દૂર દૂર દેખાતાં વૃક્ષો, એથીય દૂર ભૂખરા રંગના ધાબા જેવી વનરેખા ને એની પાછળનું ધુમ્મસ જાણે બસની સાથે ને સાથે જ આવતાં હતાં. એ ધુમ્મસમાં કોઈક ચહેરો તરતો હતો. ચહેરો ઓળખવા માટે એણે આંખો ખેંચી તો ચહેરો ધુમ્મસ પાછળ સંતાઈ ગયો. ફરી પાછી આંખો માઈલસ્ટોન આવવાની રાહ જોવા લાગી. 2 કિ.મી., 1 કિ.મી…. 0 કિ.મી.

હા…શ!

ઘરે પહોંચતાં જ તૂટેલા પટ્ટાવાળો બગલથેલો એક ખૂણે ફગાવીને હર્ષદ પલંગમા પડયો. બેય હથેળીઓ કપાળ પર દાબી ઊંધો સૂઈ રહ્યો.

‘ભાઈ હરસદ,’ આ જોઈ શાંતાફૈબા બોલ્યાં, ‘તબિયત તો હારી સ ન? હાહરાના ઘેર ફાયું’તું ક નૈં?’

‘માથું ફાટી જાય છે.’

‘લાવ, બામ ઘસી આપું નં એનાસીન લેવી સ?’

‘અરે તનં તો તાવ પણ સ! દાક્તર બોલાવવા સ?’

‘ના, એનાસીન આપી દે. ઊતરી જશે.’

તાવ ઊતર્યા પછી હર્ષદ ઊંઘી ગયો.

આમેય હર્ષદને ઊંઘમાં બોલવાની ટેવ. અને માંદો પડે ત્યારે તો ખાસ. અત્યારેય એ કશુંક અસ્પષ્ટ બોલતો હોય એવું લાગ્યું. શાંતાફૈબા એની નજીક આવ્યાં ને સાંભળ્યું તો –

‘મારે નયના સાથે નથી પરણવું, મા! તું જ બાપુને કહી નયના સાથે… સમુ, માથું દબાવી આપ ને! ક્યાં જતી રહી છે તું?’

શાંતાફૈબા મનોમન વિચારતા રહ્યાં – ‘હરસદ કેમ ઓંમ બબડઅષ સ? હાહરે ગ્યો ત્યોં હું બન્યું હશે?!’

License

સમુડી Copyright © by યોગેશ જોષી. All Rights Reserved.