નાહ્યા પછી હર્ષદ મેડા પરની બારી પાસે બેઠેલો. શેરીના વળાંક પાસેના ઘરમાં કોક કન્યા પોતાં કરતી હતી. ચણિયો ઢીંચણથીયે ઊંચો ચડાવેલો. પોતાં કરવાની રીત બરાબર સમુડી જેવી જ હતી!
ડાબો હાથ ફર્શ પર ટેકવીને જમણા હાથે મોટું અર્ધવતુર્ળાકાર પોતું વજન દઈને ફેરવતી. ભીનું અર્ધવતુર્ળ બારણામંથી આવતા અજવાળામાં થોડીક ક્ષણ ચળકતું ને સુકાઈ જતું. ‘ચકી ચકી પાણી પી જજે’ એમ બોલતાં વાર જેમ પાટીમાંનું પાણી સુકાઈ જાય ને એમ! પછી એ બહાર ઓટલા પર આવી, ડોલમાંના રહ્યાસહ્યા ગંદા પાણીમાં છેલ્લી વાર કપડું બોળીને ઓટલે ફેરવ્યું ને પછી એ કપડું ઓટલા પાસેની કપડાં ધોવા માટેની બનાવેલી ચોકડીમાં મૂકીને અંદર ચાલી ગઈ.
શેરીના વળાંક આગળ એક સુકલકડી ગાય આવીને ઊભી રહી. એક શીંગડું કોણ જાણે શાથી અડધું જ હતું. ચોકડીમાં પડેલા પોતું કરવા માટેના ભીના કકડા તરફ નજર જતાં જ એ ગાય દોડી, ભીનું પોતું મોંમાં લઈને વાગોળવા માંડી.
હર્ષદને નવાઈ લાગી. ગાયને કાગળ ખાતી તો ઘણીવાર જોયેલી. પણ આ શું? પોતું કર્યા પછીનો મેલો-ગંદો કકડો સુધ્ધાં?! કદાચ એ કકડાથી રસોડંુય ધોયું હોય ને એમાંથી દાળ-શાકની વાસ આવતી હોય. પણ થોડી ક્ષણ પછી જ ગાયે એ કકડો મોંમાંથી બહાર કાઢી નાખ્યો. પોતું કરેલો એ ભીનો કકડો લગભગ સુકાઈ ગયેલો! આ જોઈ થયું, ગાય કેટલી તરસી હશે! એથી જ એ ભીનો કકડો બરાબર ચાવી ચાવીને એમાંથી જે કંઈ પાણી મળ્યું એ પીધું (!) હશે. નેપછી એ કકડો મોંમાંથી કાઢી નાખ્યો હશે.
આ ગામમાં પાણીનો ત્રાસ તો પહેલેથી જ. એમાંય છેલ્લા ચારેક દિવસથી તો મોટર બળી ગઈ હોવાથી નળ પણ નથી આવતા. દરેકેદરેક ઘરમાં પાણીની જ ‘રામાયણ’ ચાલતી હોય. આના કરતાં તો નળ નહોતા ત્યારે સારું હતું. ગામનું તળાવ ભલે સુકાઈ ગયું હોય પણ કૂવાઓમાંથી નાવા-પીવા માટેનું પાણી તો મળી રહેતું. પણ નળ આવ્યા પછી તો માંડ બે-ત્રણ કૂવાઓ બચ્યા છે! અત્યારેય એ કૂવાઓ તો પીવાનું પાણી પૂરું પાડે છે. હા, થોડુંક ડહોળું હોય પણ પીધે મીઠું લાગે. તળાવનું પાણી તો નર્યા કાદવવાળું જ. નરી આંખેય એમાં પુષ્કળ જીવાત તરતી દેખાય. જો વધારે દિવસ નળ બંધ રહે તો એ કાદવ પીધે જ છૂટકો.
શાંતાફૈબા હર્ષદને કહેતાં, ‘તારા હાહરાના ગોંમમોં તો પોંણીનો એવો ત્રાસ કે પોંણીય ચોખ્ખા ઘીની જેમ વાપરવું પડઅષ!’
સાચે, ગામ આખુંયે ખૂબ જ કરકસરથી પાણી વાપરતું. મોટર ન બળી ગઈ હોય તોય પાણીનો ત્રાસ તો દર ઉનાળામાં, નળમાંય પાણીનો ફોસર્ એટલો બધો ઓછો કે ઊંચાણવાળા વિસ્તારોમાં તો પાણી ચકલી સુધીય ચડે નહિ. આથી બધાય ઘરના આંગણામાં ખાડા ખોદ્યા હોય ને નળ આવે ત્યારે આવા ખાડામાં ઊતરી, કૉક ખોલી નાખી, પાણી ભરવાનું. જોકે, નયના રહેતી તે વિસ્તારમાં તો ફોસર્ સારો રહેતો.
પેલી ગાય હજીયે વળાંક પાસેના ઘરની ચોકડીમાં, સિમેન્ટની કિનારી પાસે પાણીનો રેલો વળગેલો એ ચાટતી હતી. એની ભૂરી ભૂરી જીભ સાવ સુક્કી અને ફૂલી ગયેલી દેખાતી. જીભ પર પણ ભીનાશનું નામનિશાન નહોતું જણાતું. એના મોંમાંથી લાળ સુધ્ધાં સુકાઈ ગઈ હશે. જીભ પરની વાદળી નસો તો કેવી ફૂલી ગયેલી!
એ ગાયને ક્યારથી પાણી નહિ મળ્યું હોય? સવારે ચોકડીઓમાં કપડાં ધોતી સ્ત્રીઓમાંથી કોઈનેય દયા નહિ આવી હોય? ચોકડીમાં પડેલી ડોલમાં મોંઢું નાખવા દોડતી આવતી ગાયને શું બધાંએ હાંકી કાઢી હશે? લાવ, હું નયનાને બૂમ પાડીને કહું કે ગાયને પાણી પાય.
આમ વિચારી હર્ષદ નયનાને બૂમ પાડવા જતો હતો ત્યાં જ નયના ઘરમાંથી બહાર આવી. જાજરૂ જવા માટેની નાની પ્લાસ્ટીકની ડોલ ચોકડીમાં, ટાંકીના નળની નીચે મૂકીને અંદર ગઈ. ટાંકીની ચકલીમાંથી પાણી દદડતું દેખી પેલી ગાય દોડતી ધસી આવી. ડોલમાં મોં નાખીને સહેજ સહેજ ભરાયેલા પાણી ઉપર એની ભૂરી ભૂરી, ફૂલી ફૂલીને દડો થઈ ગયેલી જીભ ફેરવવા લાગી.
આ જોઈ હર્ષદે નયનાને બૂમ પાડવાનો વિચાર માંડી વાળ્યો. ડોલમાં પાણી ભરાતું જશે ને ગાય પીતી જશે. ત્યાં તો ફટાક કરતો લોખંડની જાળી ખોલવાનો અવાજ આવ્યો. નયના બહાર નીકળી. ગાયના મોં પાસેથી ડોલ ઝૂંટવી લીધી અને ગાયને હાંકી કાઢી.
બિચારી ગાય સહેજે ગુસ્સો કર્યા વગર, તૂટેલું શીંગડું હવામાંય વીંઝ્યા વગર, ચાલી ગઈ નિસાસા નાખતી…
‘નયના’, પછી હર્ષદે ભીના સાદે કહ્યું પણ હતું, ‘ગાયને થોડુંક પાણી પીવા દીધું હોત તો?’
‘પીવાના માટલામાં પાંચ લોટા જ પાણી છે, ખબર છે?’
‘હું પીવાના માટલામાંથી ગાયને પાણી પાવાનું નથી કહેતો. જાજરૂ જવા માટેની ડોલમાં, તળાવમાંથી ભરી લાવેલું ડહોળું પાણી ભરાતું હતું એની વાત કરું છું.’
‘તે હજી એ પાણીથી ધોવાના કેટલાં કપડાં પડયાં છે?’ આજે તો ઓશીકાનાં કવર ને ચાદર પણ ધોવાં કાઢયાં છે.’
‘નયના, તેં ગાયને પાણી ન પાયું હોત તો હજી સમજાત પણ તરસી ગાયના મોંમાંથી પાણી ઝૂંટવી લેવાનું કામ તો સાવ નિર્દય હોય એ જ કરે.’
‘હા, ભલે રહ્યાં અમે નિર્દય. ખબર છે તમે બહુ દયાળુ છો તે!’
‘નૈના,’ હર્ષદે કઠોર અવાજે ગુસ્સાથી કહ્યું, ‘ખબર છે? લોકો પરબો બંધાવે છે.’
‘મારે પરબ બંધાવીને પુણ્ય નથી કમાવું.’
‘બોળચોથના દિવસે તો તું કંકુ ચોખા લઈને ગાયની, વાછરડાની પૂજા કરે છે, નહિ?’ હર્ષદે નયનાને સમજાવવાનો પ્રયત્ન કર્યો.
‘હા. એ તો કરવી જ પડે ને! બધાંય કરે છે!’
‘અને ગાય તરસે મરતી હોય તો એને પાણી નહિ પાવાનું?’
‘ના, નહિ પાવાનું. સાડી સત્તર વાર નહિ પાવાનું?’ તમારે આ બધી શી પંચાત? તમે તમારું કામ કરો ને!’
‘માબાપ તરફથી તને કોઈ જાતના સંસ્કાર જ નથી મળ્યા.’
‘માબાપને વચમાં ન લાવશો, કહી દઉં છું હા! અને સામેના ઘરમાં પેલી પોતું કરતી જમનીને ટીકી ટીકીને જોયા કરવી એ સારા સંસ્કાર કહેવાય, ખરું ને?’
હર્ષદને થયું કે આની જોડે જીભાજોડી કરવા કરતાં તો સામે ટીંગાડેલા દર્પણ પરની ધૂળ સાફ કરવી સારી.