બાર

દિવાળી પર નયના આવી ત્યારે એણે શાંતાફૈબા પાસેથી, ‘સાડી પહેરીને કામ કરતાં નથી ફાવતું.’ કહીને ડ્રેસ પહેરવાની પરવાનગી મેળવેલી ને બીજા દિવસે ફરવા જતાં અત્યંત મોટા કૉલરવાળું આછું ગુલાબી ટૉપ પહેરુેલું. તે સમુડીને તો ફેશનવાળા આટલા મોટા કૉલર જોઈને એવો તો અચંબો થયો કે કૉલર પકડીને હલાવ્યા નહિ ત્યાં સુધી એનાથી ‘રૅવરાયું’ જ નહિ. અતિશય મોટા કૉલર હલાવતાં એ ખડખડાટ હસીને કટલા વિસ્મયથી બોલી હતી! –

‘આ મારું બેટું હાથીના કોંન જેવું ચેવું હ? નૈં ભાભી?’

નયનાને ખૂબ જ ચીડ ચડતી. પણ શાંતાફૈબા જ સમુડીને આટલા લાડથી રાખતાં હોવાથી બિચારી ગુસ્સો મનમાં ને મનમાં જ દાબી દેતી. પણ હા, ત્રાંસી નજરે એ સમુડી સામે એવું તો જોતી કે જાણે કશી ચેતવણી ન આપતી હોય! પણ સમુડીનું તો એ તરફ ધ્યાન જ ક્યાંથી હોય?! એ તો પેટ પકડીને ખડખડાટ હસવામાં જ ગરકાવ થઈ ગઈ હોય. એના મુક્ત હાસ્યના રણકારથી ઘર આખુંયે ગુંજી ઊઠતું; પિત્તળના ઘંટના રણકારની જેમ! એ રણકારનાં મોજાં હર્ષદના ચિત્તની અજ્ઞાત સપાટી પર પાણીની અનંત લહેરોની જેમ કો’ક અણજાણા કિનારા ભણી સરતાં! જેનો હર્ષદને પોતાનેય કશો અણસાર ન હતો! પણ હા, હમણાં હમણાંથી નયનાનું હાસ્ય એને કંઈક અંશે બનાવટી લાગતું.

ગભરુ હરણી જેવી લાગતી નયના આટલી હદે ઘાતકી ને ક્રૂર હશે એ હર્ષદ કલ્પી જ કઈ રીતે શકે? પત્રોમાં તો એ કેવીય મોટી મોટી વાતો લખતી! શું એ બધો દંભ હશે? શું એનામાં ઝરણા જેવું કશુંય સહજ નહિ હોય! બધું જ જાણે કૃત્રિમ, માપેલું, જોખેલું, ચોંટાડેલું, પોલું, બોદું, ખંધું… ‘શો’ કરવા માટેનું માત્ર? શું એનામાં લાગણી કે સંવેદના જેવું કશુંય હશે જ નહિ?!

સારું છે હજી લગ્ન નથી થયાં. ના પાડી દેવી હોય તો હજીય વખત છે. નાતફયાત જાય ચૂલામાં. જાણીબૂઝીને તે કંઈ કૂવામાં પડાય? આવા આવા અનેક વિચારો સુખડના ઝાડ પર લટકતા સર્પોની જેમ હર્ષદના મનમાં લટકતા.

સમુડીએ કેવી એના બાપાને ચોક્ખી ‘ના’ પાડી દીધેલી!

‘શોંતાફૈબા, મીં તો બાપાનં કઈ દીધું ક મું ઈની હારે નંઈ પૈણું.’

‘પસઅષ?’

‘પસઅષ હું? બાપા કોંય બોલ્યા નૈં તે મીં તો એય કઈ દીધું કે જીવલીના લગન વખતે જાેંન આઈ’તી ઈમોં અણવર બન્યો’તો એ સોકરો મનં ગમઅષ હ.’

સમુડીના બાપાએ નાત સામે લડીને, પોતાનો જાન આપી દઈનેય એની ઇચ્છા પ્રમાણે જ પરણાવેલી.

સમુડીની જેમ તડ ને ફડ કરી જ દેવું જોઈએ. ક્યાં સુધી ઊભા રહેવું ઉબરા પર?

હર્ષદે વિવાહ માટે ‘હા’ પાડી એ પછી, ‘નારિયેળ-રૂપિયો’ આપવાની વિધિ વખતે સસરાએ અચકાતાં અચકાતાં પૂછેલું, ‘આજકાલ ઘણા છોકરા લગ્ન નક્કી થયા પછી, સાથે હર્યાફર્યાંપછીયે ના પાડી દેતા હોય છે. તમે તો હર્ષદકુમાર…’

‘શું તમે મનેય એવા છોકરાઓ જેવો જ ધારી લીધો?’

પણ રૂપિયો જ ખોટો નીકળે તો? ઘણીવાર હર્ષદ વિચારે છે –

‘સસરાની ને ન્યાતની તો એસીતેસી. પોતે ક્યાં ‘બ્રાહ્મણ’ છે?! પોતે તો ગૌરવભેર મિત્રોને કહેતો ફરે છે, ‘હું બ્રાહ્મણ નથી, હું તો માણસ છું.’

કોઈ વતન પૂછે તોય એ જવાબ આપે, ‘મને તો આખીય પૃથ્વી વતન જેટલી જ વહાલી લાગે છે.’ ને એ જ હર્ષદ આજે વિવાહની જાળમાંથી બહાર નીકળવા તરફડે છે! ના પાડી દેવાની એનામં સહેજે હિંમત ક્યાં છે? ના, કોઈનાયે બાપની એને બીક નથી. પણ ચિંતા એ છે કે ના પાડી દેવાથી પિતાને કેટલો આઘાત લાગશે?

એકવાર હા પાડયા પછી, ચાંલ્લાય થઈ ગયા પછી, સાથે થિયેટરોમાં ને હૉટેલોમાં હર્યાફર્યાંપછી હવે ના કેવી રીતે પડાય? એમ તો હજીય એ ફટ્ટાક દઈને ના પાડી દે. પણ બીક માત્ર એટલી જ છે કે કદાચ ના પાડી દીધા પછી પિતાને કંઈક થઈ ગયું તો? આમેય બ્લડપ્રેશરની તકલીફ તો છે. પિતા આત્મહત્યા તો કદીય ન કરે પણ પછી જીવતેજીવ, ચૂપચાપ અંદર ને અંદર મરવા લાગે…

હર્ષદ પિતાને બરાબર ઓળખે છે. એમના જેવું પાણીપોચું હૈયું બીજા કોઈનુંય નહિ. હર્ષદ મેટ્રિકમાં નાપાસ થયો ત્યારે એના પિતા ગામમાં બહાર નીકળી શકતા નહિ. કોઈ પૂછે કે હર્ષદનું રિઝલ્ટ આવ્યું તો શો જવાબ આપવો? નાપાસ થયો એમ બોલતાં પહેલાં તો જાણે ગળામાં ડૂમો જ બાઝી જાય… આટલી અમથી વાતના કારણેય ગામમાં ન નીકળી શકનાર, જો પોતે ‘ના’ પાડી દે તો ક્યારેય ઘરની બહાર નીકળી શકે?!

બીજે વર્ષે પાસ થયા પછી કૉલેજ કરવા શહેરની હૉસ્ટેલમાં જવાનું થયું. તે દિવસેય પિતાની પાંપણો સહેજ ભીની થયેલી. બાએ પણ સાડલાના છેડાથી આંખો લૂછી દીધેલી. પણ સમુડી છેક સુધી, વિદાયની ક્ષણ સુધી હસતી-બોલતી રહી હતી.

‘હરસદભૈ,’ સમુડીએ કહ્યું હતું, ‘ભણીગણીનં મો…ટ્ટા સાહેબ થજો. હાચવીનં રૅ’જો. શરીર હાચવજો. શરદીનો કોઠો હ તે વરહાદમોં બા’ર નોં જશો.’

કેવું તો દોઢડહાપણ કરતી હતી!

‘હા, સમુફૈબા,’ હર્ષદે જવાબ આપ્યો હતો, ‘બીજું કંઈ કહેવું છે?’

પણ ‘આવજો’ કહીને હર્ષદ જ્યાં બસમાં ચડયો, ત્યારે સમુડી ગળગળા સાદે, ડૂસકામાં અરધા ડૂબી ગયેલાં અવાજે બોલી, ‘મનં નીં ગમઅષ, શોંતાફૈ…’

ત્યાં તો બંધ તૂટી જ પડયો. શાંતાફૈબાને વળગીને એ મોટેથી રડી પડી.

‘લે ગોંડી,’ શાંતાફૈબા બોલ્યાં, ‘તું તો હરસદ છોડી હોય અને હાહર વળાવાની હોય ઈમ કર સ ક! છોંની રૅ, હેંડ.’

એ વખતે પિતા રડયા તો નહોતા પણ એમનો આખોય ચહેરો થીજેલા આંસુ જેવો થઈ ગયેલો!

પિતાને દુ:ખી કરવા કરતાં તો પોતે દુ:ખી થવું એ જ કદાચ હર્ષદ માટે વધુ સુખદ હતું. પણ પિતાજીને પાંસઠ વર્ષ તો થયાં… જ્યારે પોતાને તો જિંદગ આખીનો સવાલ છે. જાણીબૂઝીને આમ કૂવામાં પડવાનું? આવી છોકરી સાથે લગ્ન કરવા કરતાં તો જિંદગી આખી કુંવારા રહેવું સારું… હર્ષદ આવું બધું વિચારતો એનુંય કારણ છે –

એક-બે પ્રસંગોના કારણે હર્ષદે મનમાં ને મનમાં નયના વિષે જે કિલ્લો રચેલો તે એક ક્ષણમાં જ ભાંગીને ભુક્કો થઈ ગયેલો.

હર્ષદનો સાસરેથી અવારનવાર આમંત્રણ મળતું. એકવાર એ સાસરે ગયો હતો.

શેરીમાં દાખલ થતાં જ, ચણિયો-બુશશર્ટ પહેરેલી નયનાનું રૂપ જોતાં જ એ મુગ્ધ થઈ ગયો.

નયના કેટલી નાની ને કેવી તો મુક્ત દેખાતી! સાડી પહેર્યા પછી નયનાના હાથપગ બંધાઈ જતા! સાડી નહિ પણ જાણે ‘ટેન્શન’ પહેર્યું હોય! દિવાળી વખતે ‘ડ્રેસ’ પહેરવાને કારણે નયના ગામમાં ચર્ચાનો વિષય થઈ ગયેલી.

‘આય હાય! વિ’વા થ્યા કેડી તે બળ્યું આવું પેરાય?‘

એ પછી, નયનાની મમ્મીએ કહ્યું હોય કે પછી કોણ જાણે કેમ પણ એ સાડી જ પહેરતી. આંગણામાં હર્ષદને જોતાં જ નયના દોડતી ઘરમાં પેસી ગઈ!

ઘર આખાયમાં ‘હર્ષદકુમાર આવ્યા. હર્ષદકુમાર આવ્યા’ થઈ ગયું. હર્ષદ સોફા પર બેઠો. સાસુએ પાણી આપ્યું. તર્જની પાણીમાં બોળાયેલી રહે એ રીતે સ્ટીલનો ચકચકતો ગ્લાસ જમણા હાથમાં પકડયો હતો ને ડાબા હાથમાં સ્ટીલનો લોટો. ખબર-અંતર પૂછયાં. બોર થઈ જવાય એવી બધી એમનાં સગાંઓની વાતો કરી. એ પછી બરાબર એક કલાકે નયનાકુંવરી ઓરડો ખોલીને રાજકુમારીની અદાથી બહાર આવ્યાં; સાડીમાં સજ્જ થઈને!

હર્ષદના મનમાં થયું, મને મળવાની નયનાને શું સહેજે ઉતાવળ નથી? ! પત્રોમાં તો એ કેવું કેવું લખતી! મને મળવાની આતુરતા અગત્યની કે સાડીમાં સજ્જ થવાનું? હર્ષદ સમુડીના લગ્નમાં ગયેલો ત્યારે…

કૉલેજમાં વર્ગો પત્યા પછી સાંજની બસમાં જ ગામડે, સમુડીના લગ્નમાં જવાનું નક્કી કરેલું. સમુડીના લગ્નમાં ગયા વિના છૂટકો જ નહિ ને! નહિતર એ જીવ લીધા વિના ન છોડે. રાત્રે લગભગ આઠેક વાગે હર્ષદ ગામડે પહોંચ્યો –

સમુડીના આંગણમાં વીજળીનો ઓક મોટો બલ્બ ઝગારા મારતો હતો. બે-ત્રણ પોલીસ પણ ત્યાં ઊભા હતા. કંઈ કેટલાંય રેશમી લૂગડાં ભેગાં કરીને, સમુડીએ જાતે સીવેલો અને રબારી ભરત ભરેલો ચંદરવો પવનનાં મોજાંઓના તાલે તાલે ઝૂલતો, ને રબારી ભરતમાં ગૂંથેલાં આભલાં ઝગારા મારતાં.

મેડી ઉપરથી સમુડી અને એની સહિયરોનો અવાજ બારીમાંથી ધોધની જેમ ધસી આવતો. સમુડી સહિયરોથી ઘેરાયેલી, બારી પાસે બેઠેલી; હથેળી સહિયરની સામે ધરીને મેંદીની ‘અસ્સલ’ ડિઝાઈન મુકાઈ રહી’તી ત્યાં તો સમુડી એક ઝાટકે ઊભી થઈ ગઈ ને ધડ ધડ ધડ કરતી લાકડાનો દાદરો ઊતરી!

બધાં ચોંકી ઊઠયા કે સમુડી ગાંડી થઈ કે શું? ત્યાં તો સમુડી દોડતી આંગણામાં ગઈ ને હર્ષદના હાથમાંથી બેગ લઈ લીધી; મેંદીની અધૂરી ડિઝાઈન મૂકેલા હાથે! બધી ડિઝાઈન ફેંદાઈ ગઈ.

‘ચ્યમ હરસદભૈ,’ એકીશ્વાસે દાદર ઊતરવાથી સમુડીને શ્વાસ ચડી ગયેલો તે એક ક્ષણ શ્વાસ લઈને પછી બોલી, ‘ચ્યમ આટલા મોડા આયા?’

‘અરે… અરે! બેગ ભલે રહી મારી પાસે. તારી મેંદીની અધૂરી ડિઝાઈન ખરાબ થશે.’

‘તેં ઈમોં હું? અવઅષ બેય હાથે મેંદીનો લપેડો કરી દૈશું.’

નયનામાં શું મને મળવાની જરીયે ઉત્સુકતા જ નહિ હોય?!

License

સમુડી Copyright © by યોગેશ જોષી. All Rights Reserved.