એ દિવસે સમુડી કેવી તો ખુશખુશાલ હતી?!
સમુડીને ગમતો એ છોકરો કોક સગાના લગ્ન નિમિત્તે ગામમાં આવવાનો હતો. ગામમાં એ આવવાનો હોય તો સમુડી એને મળ્યા વગર રહી જ કઈ રીતે શકે? પણ જાહેરમાં તો મળી જ ન શકાય. વગડામાં છાનાંછપનાં મળે તોય કોઈનું કોઈ તો જોઈ જ જાય. ને પછી તો? –
– ‘લી હોંભળ્યું કોંય? સમુડીનં અત્તારથી ચેવા ઉલાળા થાય હ?
– પેલા તેજાનં લઈનં વગડામોં ગઈ! રોંડનં સેજે લાજ નોં આઈ?
– અરે બુન, ઓંમ ન ઓંમ તો પસઅષ ટોંટિયો સૂટો થઈ જાય.
– મોંબળી સમુડી તો પે’લેથી જ આઝાદ. પણ હાહરીના પીટયા એ કાળમુખા સોકરાનં ય ઇમ નોં થ્યું ક ચીયોક ભાળી જાહે તો…
સમુડીએ વિચાર્યું : ના, ના, ઈમ વગડામોં તો નોં જવાય. પણ ઈનં શોંતાફૈબાના ઘેર બોલાયો હોય તો?
પછી તો શાંતાફૈબાના ઘેર જ મળવાનું નક્કી થયું. માનશો? ત્રણચાર દિવસથી તો સમુડીએ શાંતાફૈબાનું ઘર સાફસૂફ કરવા માંડયું! ઘસી ઘસીને કચરા કાઢે! પોતાં કરે! બારીબારણાં પરની ધૂળ ઝાપટે ને પછી ભીનું પોતું ફેરવે! ટેબલ પર ચઢી પંખો સાફ કરે. છત પરના ખૂણેખાંચરેથી બાવાં પાડે. એટલું જ નહીં, પણ બધી જ લૉગોનાં વાસણ પણ ઘસી ઘસીને માંજ્યાં! જાણે શાંતાફૈબાના ઘેર એનું લગન જ ન હોય?!
‘મનનો માણિગર’ આવવાનો હતો એ દિવસે તો – ‘શોંતાફૈબાના ઘરે મે’મૉન આબ્બાના હ તે મનં વે’લી બોલાઈ હ.’ એમ બાપાને કહીને પરોઢ થતાં જ સમુડી થઈ ગઈ હાજર. બાથરૂમમાં જઈ ‘સિકાકૈ’થી માથું ધોઈને સ્નાન કર્યું. ખૂબ વાર સુધી માથું હોળ્યું. ઢીલો એક ચોટલો ગૂંથ્યો. મોગરાનાં ફૂલો તો એણે અગાઉથી જ લાવીને ભીના રૂમાલમાં રાખેલાં તેની વેણી ગૂંથી. પછી શાંતાફૈબાનો વેણી આપતાં કહ્યું, ‘લ્યો શોંતાફૈબા, મનં ભરઈ આલજો.’
હર્ષદ ત્યારે ઇસ્ત્રી કરતો હતો. આ જોઈ સમુડીએ એની લાલ રિબીન આપતાં કહ્યું, ‘હરસદભૈ, લગીર મારી બોપટ્ટીનં અસ્ત્રી ફેરવી આલો ક.’ પછી ચોટલામાં ‘અસ્ત્રીબંધ’ રિબીન ગૂંથી ફૂમતું વાળ્યું.
‘શોંતાફૈબા, તમારી એકાદ ભારે હાડી કાઢી આલો ક.’
નરી આંખેય સમુડીમાં શેર શેર લોહી ચડતું જોઈ શકાય.
‘શોંતાફૈબા, શોંતાફૈબા, પલંગમોં આ ચાદર હારી નહ લાગતી. તમે દિવાળીમોં પાથરો સો એ કાઢી આલો ક.’
પલંગમાં નવી ચાદર પાથરી. તકિયાનેય નવાં કવર ચઢાવ્યાં. લગ્નમાં હોય એટલી ધમાલ, ઉમંગ ને ઉત્સાહ સમુના મનમાં હતાં. એથી જ તો પતંગિયાની જેમ ઊડાઊડ કરતી હતી એ.
‘શોંતાફૈબા, ચ્યમ તમે ડોકમોં કોંય પેર્યું નહ?’ ધ્યાન જતાં જ સમુ બોલી, ‘હોનાનો પેલો દોરો પે’રો ક.’
‘અનં બારહાખોએ બોંધવા આસોપાલવનોં તોરણ નથી લાવવોં?’ ખડખડાટ હસતાં શાંતાફૈબાએ કહ્યું, ‘તેં તો ‘લી જાેંણઅષ આજ તારું લગન હોય ઈમ કરઅષ સ.’
‘હું તમેય શોંતાફૈબા…’ કહેતી સમુ દોડી ગઈ મેડા ઉપર ને બારી સહેજ અધખૂલી રાખી, આખાયે રસ્તે નજર પાથરીને બેઠી ને ગણગણવા લાગી –
હોળ વરહની કન્યા… વરરાજા…
હત્તરમાં વરસે તમને હૂંપી વરરાજા…
અચાનક સમુને મન થઈ આવ્યું કે નીચે ઓટલા ઉપર ઊભી રહે જેથી રસ્તાની બંને બાજુએ ખૂબ દૂર સુધી જોઈ શકાય. ત્યાં તો મનમાં સંવાદો શરૂ થઈ ગયા –
‘પણ ઓટલા પર બેહીનં તો શી’તી વાટ જોવાય? ચ્યોંક જીવલી ક કો’ક ભાળી જાય તો?’
‘ભાળી જાય તો હોં ક ભાળી જાય, ઓંય ચીયા નં? જોડા ભૈ નં?’
‘પણ પસ દિયોર લોક બધુંય હાચીખોટી વાતો કરઅષ તો?’
‘વાતો કરઅષ તો ખરી? મુંય કોંય જમ તમ સું? મુંય પસ એકેકનં જોઈ લઉં. કની માએ હવા શેર હૂંઠ ખાધી હ. ગોંડ પર એવો અકસર ચોંપું ક હળગી જાય. અમં કોંય અમે નેનોં નહ. ગોમમોં કુણ હું કરઅષ હ બધીય ખબેર રાખીએ સીએ, હમજ્યા?’
મનમાં આવા વિચાર ચાલતા હતા ત્યાં જ સામેથી તેજો આવતો દેખાયો ને એકીશ્વાસે ધડધડ દાદરા ઊતરી સમુડી નીચે આવી.
‘શોંતાફૈબા, શોંતાફૈબા, એ આવ હ…’
શાંતાફૈબાય જાણે પોતાનો જમાઈ આવ્યો હોય એટલાં જ હરખઘેલાં થઈને દોડયાં ને સંકોચાઈને બારણે ઊભા રહેલા જુવાનને કહ્યું, ‘આવ ભૈ, આવ અંદર, બેહ.’
‘અરે, અરે! નેંચ ક્યોં બેઠો? સોફા પર બેહ.’ શાંતાફૈબા બોલ્યાં.
સમુડીય ઉત્સાહના અતિ આવેશમાં બોલી ઊઠી, ‘સરમાય સ હું? આ તો આપડું જ ઘર હ.’
અચાનક બધાં ખડખડાટ હસી પડયાં ત્યારે જ સમુને ખ્યાલ આવ્યો કે ઘરમાં બીજાંય છે! ને એવી તો છોભીલી પડી ગઈ… એવી તો શરમાઈ ગઈ કે દોડતી જતી રહી મેડી પર.
શાંતાફૈબાએ નીચેથી બૂમો પાડી. પણ સમુ તો એવી શરમાઈ ગયેલી કે નીચે ન આવી.
‘જા, શાંતાફેબાએ હર્ષદને મોકલ્યો ઉપર, ‘સમુડીનં બોલાઈ લાય.’
હર્ષદ ઉપર ગયો ને જોયું તો –
હજીય સમુડીએ ડામચિયામાં માથું ઘાલીને ચહેરો છુપાવી રાખેલો. ક્યારેક કશા કારણસર હર્ષદને ખૂબ લાગી આવતું ત્યારે એ ય આજ ડામચિયામાં આવી જ રીતે મોં ઘાલીને રડી લેતો. ને ક્યારેક પાછળથી આવીને સમુ એના ખભે હાથ મૂકતી.
‘સમુ,’ હર્ષદે કહ્યું, ‘ચાલ નીચે.’
સમુડીએ ચહેરો ઊંચક્યો. શરમથી રાતોચોળ. પાંપણો તો ઊંચકી ઊંચકાય નહીં. કાનની બૂટ અને હોઠ તો એવા રાતા કે જાણે હમણાં લોહીની ટશર ફૂટશે. ઓઢણીનો છેડો બે દાંત વય્ચે રાખી, બે હોઠને સહેજ દાબેલા. હોઠના ખૂણેથી કશોક મર્મ છલકાતો.
‘ચાલ સમુ,’ હર્ષદે સમુનો હાથ પકડીને કહ્યું, ‘અમારા ઘરમાં વળી શરમાવાનું કેવું?’
એ સ્પર્શ હર્ષદ ક્યારય ભૂલી નથી શક્યો.
સમુડીને નહીં પણ જાણે એના રણઝણતા હૃદયને જ, સીધો જ સ્પર્શ ન કર્યો હોય!
એમ તો બંને ઘણીવાર હાથમાં હાથ લઈ પાદરની ટેકરીનો સીધો ઢાળ ઊતયા€ હશે. પણ ક્યારેય હર્ષદના મનમાંય નથી થયું કે એના હાથમાં કોઈ છોકરીનો હાથ છે.
પણ આજે? –
આજ સમુડી સમુડી નહોતી. પણ જાણે શરમનું જ મૂર્ત રૂપ બનીને ઊભી હતી! એનું આખુંય શરીર જાણે ધબકતું હૃદય બની ગયેલું! હર્ષદનેય આજે જ સમજાયો સ્પર્શ શબ્દનો અર્થ!
કેવો હતો એ અનુભવ! જાણે પાણીપોચા, કોમળ, સવારના તડકા જેવા હૂંફાળા હૂંફાળા હૃદયને સીધું જ ન સ્પશ્ર્યું હોય! એ ક્ષણે તો હર્ષદને એવું લાગેલું કે જાણે સમુડીનું હૃદય છેક પોતાના કાનના પરદા પાસે આવીને ધબકે છે – ધબકષ ધબકષ!
એ ધબકારાય કેવા ગરમલાહ્ય હતા! જાણે સાક્ષાત્ સૂર્યની સામોસામ ઊભાં હોઈએ!
નયનાનેય ઘણી વાર સ્પર્શ કર્યો, ચુંબનો ય કયા€. પણ આજના જેવી અનુભૂતિ હર્ષદને ક્યારેય નથી થઈ. ના, ક્યારેય નહીં.
આજે તો સમુના હાથને સ્પર્શતાંવેંત રૂંવાડે રૂંવાડું ખડું થઈ ગયું. અને એ પછી? –
નસેનસમાં ઓચિંતાનું જ જાણે ઘોડાપૂર ઊમટયું. પોતાની જ અંદર ઊમટેલા પ્રલયકારી ઘોડાપૂરમાં હર્ષદનું ભડભડ સળગતું શરીર તણાવા લાગ્યું. ડૂબતો માણસ તરાપો હાથ લાગતાં જ તરાપાને જોરથી બાઝી પડે એમ હર્ષદ સમુડીને બાઝી પડયો.
સમુડી તો હેબતાઈ ગઈ કે આ શું?
ત્યાં તો સમુડીને આખેઆખી સૂચી લેવા માગતા હોય એમ હર્ષદના બે હોઠ ઝનૂનથી સમુડીના હોઠને ચોંટયા… સમુડીએ જોર હતું એટલું એકઠું કરીને હર્ષદને ધક્કો માર્યો ત્યારે જ હર્ષદને ભાન આવ્યું કે પોતે –
આ… શું… કરી… બેઠો…?!
સમુડી સામે આંખ ઊંચી કરીને એ જોઈ પણ ન શક્યો. સમુને ઉપર જ રહેવા દઈ એ નીચે ઊતરી આવ્યો.
શાંતાફૈબા વાતો કરતાં હતાં –
‘અમે તો સમુડીનં પસઅષ પૂછયું ક’લી, એનું નોંમ હું સ? તો કૅ’ક નોંમ તો શી’તી દેવાય?’
‘પસઅષ મીં પૂછયું ક કયા અક્ષરથી નોંમ શરૂ થાય સ? તો કૅ’ક ‘ત’ ઉપરથી. ‘ત’ ઉપરનોં ઘણોંય નોંમ મીં ગણાયોં પણ એકેય હાચું નોં પડયું. પસઅષ સમુડી બોલી, ‘નોંમ મોટેથી તો નોં બોલાય, પણ હા, તમારા કૉનમાઁ કઉ શોંતાફૈબા?’ પસઅષ છેક મારા કોંનમોં મૂઢું નખીનં કૅ – તેજો.’
આ સાંભળી ફરી બધાં ખડખડાટ હસી પડયાં. આ દરમ્યાન હર્ષદ સ્વસ્થ થઈ ગયો. તેજાના ચહેરા પરનો સંકોચ પણ દૂર થયેલો.
મોટો ચહેરો. પહોળાં જડબાં, ભરાવદાર મૂછો. તેજીલી પાણીદાર મોટી આંખો. બરછટ ચામડી. બેય ગાલ પર ખીલ ફૂટયા પછી રહી ગયેલાં ઝીણાં ઝીણાં કાણાં જેવાં નિશાન. ઉંમર હશે વીસેક. પડછંદ કાયા. છ ફૂટ જેટલી ઊંચાઈ. પહોળા ખભા. વિશાળ છાતી. મજબૂત બાંધો, કસાયેલા સ્નાયુઓ. છ-સાત જણે તો એકલો પહોંચે. સીમ આખીને ધ્રુજાવે એવો ઘેરો બુલંદ અવાજ. એ અવાજનો રણકો જ જુદો. વારે વારે પલકતી એની પાંપણોય કેવી મોહક લાગતી!
શાંતાફૈબાને થયું, સમુડી માટે આવો જ જુવાન જોઈએ.
સમુડી નીચે ન આવી. આથી શાંતાફૈબાએ તેજાને જ ઉપર મોકલ્યો.
બટાકાપાÃઆ બનાવવા માટે સમુડીએ આવતાંવેંત પાÃઆ પલાળવા મૂકેલા. કોથમી, મરચાં, લીંબુ, ટોપરાની છીણ વગેરે તો આગલા દિવસે સાંજે જ લાવી રાખેલાં.
થોડીવાર પછી સમુડી નીચે આવીને બોલી, ‘હરસદભૈ, તમે ઘડીક ઉપર ઈમની પાહેં બેહો. ત્યાં હુદી મું બટાકાપાÃઆ બનાઈ દઉં. નં પસઅષ ચા મેકું.’
હર્ષદ તો સાવ બાઘાની જેમ સમુડી સામે જોઈ જ રહ્યો…
ત્યાં તો શાંતાફૈબાએ સમુડીનું બાવડું ઝાલ્યું, ‘તું ચમ નેંચઅષ આઈ? જા ઉપર. ચા-નાસ્તો બનાવું એવી હું નથી બેઠી?’
સમુડી તો શાંતાફૈબાની સામે જ જોઈ રહી; સગી માની આંખોમાં જોતી હોય એમ.
‘શોંતાફૈ…’ એટલું જ બોલી શકી. ‘બા’ ગળામાં ડૂમા ભેગો જ અટકી ગયો. કંઠ રૂંધાઈ ગયો ને ઓંચિતાનાં જ આંસુઓ ઊમટી આવ્યાં. મા વગરની સમુડીના હૃદયમાં એવો તો વેદનાનો ઊભરો આવ્યો કે રુદનના બધાંય બંધ એકસામટા તૂટી પડયા. શાંતાફૈબાએ સમુને છાતીએ વળગાડી થોડી ક્ષણ રડવા દીધી. પછી બોલ્યાં, ‘સમુ, આજે ઓંમ નોં રોવાય, બેટા! શું હું તારી મા નથી?!’
સમુડીએ જન્મ્યા પછી આંખો ખોલી ત્યારે તો એની મા આ દુનિયામાંથી વિદાય લઈ ચૂકી હતી.
હર્ષદ પણ સમુડીને ડૂસકાં ભરતી જોઈ ખૂબ ગંભીર થઈ ગયો. ને હર્ષદના પિતાની આંખોમાં પણ આંસુની ઝાંય ચળકતી હતી.
હર્ષદને થયું, મેડી ઉપર મારાથી જે થઈ ગયું એથી તો નહિ રડતી હોય સમુ? એણે તેજાને કશી વાત કરી હશે? બાપુને તો જાણે સમુ વાત ન કરે પણ માને વાત કરશે તો?
સમુ તો હજીય શાંતાફૈબાને વળગીને ધ્રુસકે ધ્રુસકે રડતી હતી. એનો શ્વાસ રૂંધાતો હતો.
થોડી મિનિટો પહેલાં જ ખડખડાટ હાસ્યથી ભરાઈ ગયેલું, છલકાઈ ગયેલું ઘર એકદમ કેવું તો ભારેખમ બની ગયું! કેવી ચૂપકીદી છવાઈ ગઈ!
‘સમુ, બેટા,’ સમુના માથે હાથ ફેરવતાં શાંતાફૈબા બોલ્યાં, ‘જા ઉપર, હું ચા-નાસ્તો બનાવીને લાઉં સુ.’
હર્ષદ હજીય જ્યારે વિવાહ તોડી નાખવાના વિચારો કરે છે ત્યારે પિતાનો એ ચહેરો યાદ આવે છે. સમુની આંખમાં આંસુ જોઈને સહેજ ભીની થઈ ગયેલી એમની આંખો હર્ષદને આંખ સામે જ દેખાય છે ને થાય છે, આવા પાણીપોચા પિતાને વિવાહ તોડવાની વાત કઈ રીતે કહેવી?
ક્ષણભર તો થઈ આવે છે કે વિવાહ નથી તોડવા. નયનામાં સંસ્કારનો અભાવ છે એ વાત સાચી. પણ મા-બાપે કોઈ જાતનાં સંસ્કાર સીંચ્યા જ ન હોય તો એમાં નયનાનો શો વાંક?
લગ્ન પછી, પોતાના ઘેર આવ્યા પછીય શું એ નહિ સુધરે?!