શરૂશરૂમાં તો હર્ષદને થતું, બાળપણથી જ પોતાના મનમાં જે કપોલકિલ્પત કન્યા ઘડાતી આવી છે એ જ નયના.
બાળપણમાં ક્યારેક હર્ષદના લગ્નની વાત નીકળતી ને મજાક-મશ્કરીઓ ઊડતી ત્યારે બધા વડીલોની હાજરીમાં એક વાર સમુડીએ પૂછેલું, ‘તમોંનં હરસદભૈ, ચેવી સોડી ગમઅષ?’
ને શરમાઈ જઈ હર્ષદ બીજા ઓરડામાં જતો રહ્યો ત્યારે તો વડીલોના ખડખડાટ હાસ્યથી ઘર આખુંયે ગુંજી ઊઠેલું.
પલંગમાં સૂતાં સૂતાં હર્ષદ કોઈ ચોપડી વાંચતો હોય. થોડુંક વાંચે ને ‘પોતીકી’ કલ્પનાસૃિષ્ટમાં ખોવાઈ જાય. ખુલ્લી ચોપડી છાતી ઉપર ઊંધી મૂકી હોય. સ્વપ્નદર્શી આંખોય અરધી મીંચાયેલી હોય. હોઠ પણ સહેજ અધખૂલા રહી ગયા હોય. ને હર્ષદ ખોવાઈ ગયો હોય દીવાસ્વપ્નોમાં –
પોષની ચાંદનીના થીજેલા રૂપે આખાયે જંગલને જાણે સોનાથી મઢયું છે. પોતે અને નયના હાથમાં હાથ પરોવીને આખાયે જંગલમાં વિહરે છે ને દશેય ઇદ્રિયોથી અરણ્યનું પાન કરે છે…
અચાનક જ દૂરથી સુક્કાં પાંદડાંઓના કચડાવાનો અવાજ આવે છે. થોડી ક્ષણોમાં જ ગાયો, હરણાં ને સસલાં જીવ બચાવીને ગીચ ઝાડી-ઝાંખરાંને ખૂંદતાં ચાંદનીના અજવાળાનેય કચડીને દોડતાં નજરે પડે છે. અચાનક જ દૂરથી આવતી ગાયની ચીસથી આખુંય જંગલ જાણે ચિરાઈ જાય છે. ચીસ આવી એ દિશામાં દૂર દૂર ચાંદનીના અજવાળામાં વાઘની ચામડીનો ચળકાટ દેખાય છે ને નયના ભયભીત થઈને, એકદમ હર્ષદને ચોંટી પડે છે. એનું રૂંવાડે રૂંવાડું ખડું થઈ ગયું છે. આંખો મીંચીને માથું, શાહમૃગની જેમ, હર્ષદની છાતીમાં નાખી દીધું છે. છાતી પરથી પાલવ સરી પડયો છે. પુષ્ટ સ્તનો જોરજોરથી ઊંચાં-નીચાં થાય છે. મન ચીસ પાડવા ઇય્છે છે પણ બીકને લીધે અવાજ નીકળતો જ નથી. ગળામાં જાણે કશુંક બાઝી ગયું છે. ધ્રૈજતા દેહનો રંગ સફેદ પૂણી જેવો થઈ ગયો છે.
નયનાના છુટ્ટા કેશમાં ગૂંચવાયેલી ચાંદનીમાં આંગળીઓ ફેરવતો હર્ષદ કહે છે, ‘અરે! તું તો સાવ ડરી ગઈ?! મધરાત વેળાના જંગલને આસ્વાદવા તો આપણે નીકળ્યાં છીએ.’
હર્ષદના શ્વાસનો વેગ વધે. છાતી પર ઊંધી મૂકેલી ચોપડી ઊંચીનીચી થાય… વળી પાછાં થોડાંક પાનાં વાંચે ને કશુંક અદ્ભુત આવતાં જ ખુલ્લી ચોપડી છાતી પર ઊંધી મુકાઈ જાય ને વળી કલ્પનાસૃિષ્ટમાં ખોવાઈ જવાય…
ઘણીયે વાર હર્ષદ વિચારતો કે હનીમુન માટે તો ચૌદ વરસનો વનવાસ જ જોઈએ. ગાઢ અરણ્યથી ઓછું કશુંયે ન ખપે.
બાળપણથી જ હર્ષદને જંગલોમાં ફરવું તો ખૂબ ગમતું. સમુડીય સમય મળે કે તરત જ અભિસારિકાની જેમ વગડા ભણી દોડી જ હોય. કદાચ, સતયુગવેળાના કોક જન્મમાં સમુડી અરણ્યની દીકરી હશે? ન જાને!
હર્ષદ પણ, મોટો થયો એ પછીય જ્યારે જ્યારે અસ્વસ્થ હોય ત્યારે ત્યારે જંગલોમાં ફરવા નીકળી પડે. ભયા€ ભયા€ જંગલો જ હર્ષદને સ્વસ્થતા ને હળવાશનું છૂટે હાથે દાન કરે. વળી, એની કપોલકિલ્પત કન્યાય એની સાથે જ હોય! એટલું જ નહિ, પણ એ કપોલકિલ્પત કન્યા સાથે એનું મન જાતજાતના સંવાદોય રચતું હોય! પણ વિવાહ થયા પછી તો એને સતત લાગતું કે બાળપણથી જ એના મનમાં જે કપોલકિલ્પત કન્યા રચાતી આવી છે એ જ નયના – એના એકાન્તવનને જાળવનારી, એના ભર્યા ભર્યા અરણ્યને સંભાળનારી, કોઈનીય લાગણીને સહેજ લસરકો સરખોય ન પડે એનુંય ધ્યાન રાખનારી, અત્યંત સંવેદનશીલ, સ્વચ્છ ઝરણા જેવી જ ચંચળ, પારદર્શક, નિર્દોષ… મુલાયમ પીંછાના સ્પર્શથીય ઉઝરડો પડે એવી સુકોમળ, તાજા તાજા માખણ જેવી સ્નિગ્ધ, માણસો જ નહિ પણ પશુપંખીઓ ને વનરાજિની લાગણીય ક્યારેય ન દુભાય એનોય ખ્યાલ રાખનારી એની કપોલકિલ્પત કન્યા એટલે નયના, હા, નયના જ.
હર્ષદ નયનાને બગીચામાં લઈ ગયો ત્યારે કહેલું, ‘ચાલ નૈનુ, અહીં ઘાસમાં જ બેસીએ.’
‘ના, હર્ષ, તાજું જ ફૂટેલું કૂણું ઘાસ એથી દબાઈ જશે.’
ત્યારે હર્ષદને થયેલું કે નયના તાજા કૂણા ઘાસનીય કેવી સંભાળ રાખે છે! તો પોતાને તો કેવોય જાળવશે!
પહેલેથી જ હર્ષદનો સ્વભાવ અંતમુર્ખી. માણસો સાથે એનું કમ્યુનિકેશન જ અઘરું. પણ જંગલોનાં વૃક્ષેવૃક્ષ સાથે, પાનેપાન સાથે, તૃણેતૃણ સાથે, ઝરણાની દરેકે દરેક લહર સાથે, વરસાદના દરેકે દરેક ટીપા સાથે એનો સંવાદ અત્યંત સરળ અને સાહજિક.
બાળપણથી જ જ્યાં માણસોની ભીડ હોય ત્યાં હર્ષદ જઈ જ ન શકે. નાનો હતો ને રિસાઈને ચાલ્યો જતો ત્યારે એને શોધવા શાંતાફૈબાને છેક સીમના તળાવ પાછળના વગડામાં જવું પડતું. કો’ક બાવળ નીચે હર્ષદ સૂતેલો દેખાય શાંતાફૈબા એને જોઈને બૂમ પાડે. પણ હર્ષદનો લાંબો-પાતળો દેહ ન હાલે કે ન ચાલે. નજીક જઈને શાંતાફૈબા જુએ તો સાત વરસનો હર્ષદ ઘસઘસાટ ઊંઘતો હોય, બાવળની થાગડથીંગડ છાયાની પથારીમાં, પોપચાં પર અરધાં સુકાયેલાં આંસુ હોય. ભીની કાળી પાંપણો બાવળમાંથી ચળાઈને આવતા તડકામાં ચળકતી હોય.
કંઈ પણ થાય છતાં હર્ષદ ક્યારેય કોઈના દેખતાં ન રડે. ઘરમાં હોય ત્યારે મેડી પર ડામચિયામાં મોં છુપાવી રડી લે. ઘણી વાર સમુડી એને આમ છાનોછપનો રડતાં જોઈ જાય ને કશુંય બોલ્યા વગર હર્ષદના ખભા પર હાથ મૂકે.
ઘણીય વાર હર્ષદ સીમના એકાન્તમાં કો’ક બાવળની છાયાના ખોળામાં રડી પડે ને હળવો થઈ જાય! સીમની એકાન્તભૂમિ ને એના મનની એકાન્તભૂમિ વય્ચે કશોક આદિ સંબંધ. ને ખૂબ રડવાના કારણે એ ત્યાં જ ઊંઘી જાય, ઘસઘસાટ.
પાંપણ પરનાં આંસુઓ લૂછવાનું કામ પણ બાવળના કાંટામાથી વીંધાઈને, ઉઝરડાઈને આવતો તડકો જ કરે! ક્યારેક ક્યારેક તો બાવળ પરનું કોઈ પંખી ઘસઘસાટ ઊંઘતા હર્ષદ પર ચરકી જાય ને ઊંઘ ફુર્રર્રર્ર કરતી ઊડી જાય.