વિચાર કરું છું તો લાગે છે કે જેને સામાન્ય સાધારણ કહીએ છીએ તેની વાત કરવી જ કેટલી અઘરી છે! ઝંઝાવાત, વીજળીના કડાકા, સમુદ્રની ગર્જના આ બધાંની વાત કરવી સહેલી છે. પણ આંખ જેને સાધારણ હોવાને કારણે જ ઉવેખે છે તેને જોવાને એક જુદી આંખ ખોલવી પડે છે. પાંપણનું બીડાવું ને ઊઘડવું, શ્વાસનું જવું ને આવવું, હાથનું કેવળ નિશ્ચેષ્ટ બનીને પડ્યા રહેવું, હોઠનું સહેજ ખૂલવું – આવું સામાન્ય જોઈને જ હું અવાચક થઈ જાઉં છું.
આ હૃદય જે મારી અંદર ધબકે છે તેને હું ક્યાં આખો દિવસ સંભારું છું! કોઈ વાર કશોક આવેગ અનુભવું છું ત્યારે નાડીમાં જાણે દોડી જતા ઘોડાના ડાબલા સંભળાય છે. કોઈ વાર ઉચ્ચારણની નજીક આવીને કોઈ શબ્દ એકાએક વિલાઈ જાય છે ત્યારે મને એ પાણીમાં ઓગળતા બરફ જેવું લાગે છે. કોઈક વાર કશીક અશક્ય આકાંક્ષા મને ઉન્મન બનાવી દે છે ત્યારે મારું હૃદય મને અગ્નિની કોઈ ગૌરવભરી શિખાની જેમ ઝળહળી ઊઠતું દેખાય છે. હું જ્યારે સાવ શાન્ત હોઉં છું ત્યારે શિરાઓ અને નસની જાળી વચ્ચે લપાઈને બેઠેલા કોઈ ભીરુ સસલા જેવું એ લાગે છે. કોઈક વાર સ્વપ્નમાં હું મારા હૃદયને મારામાંથી ગુપચુપ સરી જતું જોઉં છું. અન્ધકારમાં દરમાંથી સાપ સરી જાય તેમ, કોઈક વાર એ બાવળની શૂળમાં ફસાયેલા કોઈ પતંગિયાની જેમ ફફડ્યા કરે છે તો કોઈક વાર એ ચંચળ બની જાય છે ત્યારે એક ડાળથી બીજી ડાળે કૂદતી કોઈ ખિસકોલી જેવું બની જાય છે. કોઈક વાર એ એવું તો મીંઢું બની જાય છે કે હું એનો મર્મ કળી શકતો નથી, ત્યારે એ અશ્મિયુગના માનવીના પુરાણા ઓજાર જેવું વણવપરાયલું પડી રહે છે. મને લાગે છે કે જે સાધારણ અને સામાન્ય છે તેનું જ જતન કરતાં આપણને આવડતું નથી. અસાધારણની પાછળ લોભના માર્યા દોડતાં આપણે સાધારણને ખોઈ બેસીએ છીએ. આ સાધારણ કાંઈ વધારે જગ્યા રોકતું નથી. આખરે એ શું હોય છે? નમતે પહોરે બારીમાંથી અન્યમનસ્ક બનીને જોતા હતા તે દરમિયાન સાંભળેલો શિશુનો નરમ કોમળ અવાજ, બહારથી શિરીષની ડાળીનો બારી પર નિ:શબ્દ પડતો પડછાયો, કેશને ખભા પર વિખેરી નાખીને ઊભેલી કોઈ નારી, ઘડિયાળમાંથી રાત્રિ વેળાએ વેરાઈ ગયેલા ટિક ટિક અવાજના કણ, પાસે પડેલી મૂંગી ખુરશી પરથી લસરી પડેલો તડકો, આંખમાં આંખ મેળવવા આવેલું પણ નિરાશ થઈને ઊડી ગયેલું પંખી, બારણાંનો કાટ ખાઈ ગયેલો આગળો, ભીંત પરની શિશુનાં આંગળાંની છાપ, જાણે એકાન્તનાં જ બે ટપકાં હોય એવી આંખોવાળું કોઈ અપરિચિત માનવી, અજાણ્યા ભયથી આપણને વળગી પડતા શિશુના હાથની નિરાધારતા – આ બધું આપણે ક્યાં જોવા થંભ્યા હતા? બાળપણમાં જેમ નાસ્તા માટેના દાળિયા કાણા ખિસ્સામાંથી ગુપચુપ વેરાઈ જતા તેમ આ બધું વેરાઈ જાય છે!
હું સામ્યવાદી કે સમાજવાદી નથી, પણ મને અદના આદમીની ઘણી માયા છે. બાસ્કેટ બોલના થાંભલાને અઢેલીને બેઠેલો કોઈ શ્રમિક જોઉં છું. એની આજુબાજુ કેટલી બધી શાન્તિ છે! કોઈક વાર કોઈ વસ્તુ લેતાં કરતાં કોઈ અજાણ્યા માનવીની હથેળી મારી નજર આગળ ખુલ્લી થઈ જાય છે. ચાસ પાડેલી ઉર્વરા ભૂમિ જેવી એ લાગે છે. કોઈ ન જુએ તેમ એના મારે હાથે ચોંટેલા સ્પર્શને હું સૂંઘું છું. મારા ખોળામાં બેસીને વાર્તા કહેતું કોઈ બાળક એકાએક ઝોકું ખાઈને ઊંઘી જાય તેની નિદ્રાનો ભાર મને ગમે છે. ઊંઘ પછી આપણો ચહેરો કેટલો ચીમળાઈ જાય છે! પણ કોઈકનું મુખ ઊંઘ પછી જાસુદ જેવું ખીલી ઊઠે છે તે મેં જોયું છે. મને છકી ઊઠવાને કોઈ મોંઘા આસવની જરૂર પડતી નથી. કૂણા ઘઉંના કે મકાઈના દાણાનું દૂધ ચાખીને હું છકી ઊઠું છું. ઘરના અંધારિયા ખૂણે સંતાઈ બેઠેલા ઉંદરની અણજાણપણે બહાર લટકતી રહી ગયેલી પૂછડીને હું શિશુસહજ અચરજથી જોઈ રહું છું! ઊડતી ધૂળ જમીન પર પડીને જે ભાત રચે છે, મારી ચોપડીનાં પાનાં વચ્ચે પ્રવેશીને જે રીતે મારાં આંગળાંની છાપ ઝીલે છે તે જોવું મને ગમે છે.
કોણ જાણે શાથી આજે મારું મન મારી આંગળી વચ્ચેથી સરી ગયેલી આ સાધારણતાને માટે ઝૂર્યા કરે છે. બાળપણમાં જેને અઢેલીને ઊભા રહેતા તે પીળા ચૂનાથી ધોળેલી દીવાલ, ઘણી વાર ઘરમાં પ્રવેશવાની ઉતાવળમાં ઠોકર ખવડાવતો ઉમરો, ઘર ખોલતાંની સાથે કચવાઈને ચાડી ખાતો બારણાંનો આગળો, ઘરના છાપરાં પર ફેંકાઈ ગયેલો ને પાડી નહીં શકાયેલા ચીંથરાનો દડો. આ બધું ખોયાની ફરિયાદ કરું તો શાણી દુનિયા મને હસી કાઢે તોય કોઈક વાર એકલો પડું છું ત્યારે મારી હથેળી સૂંઘીને બે દિવસના વાસી એ જુવારના રોટલાની વાસ પામવા ઝંખું છું. હજી આજેય ગજવાં ફંફોસીને સહેજ તૂટેલી એ કાચની લખોટી શોધું છું. ધ્રૂજતા હાથે પાડેલા પ્રેમના પ્રથમ અક્ષરવાળી પેલી ચબરખી હજી સાંજના ઢળતા અંધારમાં છુપાઈને વાંચી લઉં છું.
20-2-77