રાજવૈભવના દિવસો

ચાર થીંગડાંવાળું ખાખી હાફપેન્ટ, અને બે કાણાં ખિસ્સાં – મારો બાળપણનો એ બાદશાહી ઠાઠ યાદ આવે છે. વાળ હોળવા, ટાપટીપ કરવી તે દાદાને પસંદ નહિ માટે ઘણુંખરું ટલ્લો જ કરાવેલો હોય. શિયાળાની રાતે કસોટી થાય. કઠોળ કર્યું હોય એટલે અબોટિયું પહેરવું પડે. પણ નાના છોકરાને તો અબોટિયું કેવું! રેશમી લંગોટી ‘પહેરીને’ ટાઢમાં થથરતા ઊંઘરાટાયેલી આંખે બે કોળિયા ભરીએ ન ભરીએ ને પથારીભેગા થઈ જઈએ, ત્રણ જણ વચ્ચેની ઓઢવાની રજાઈ ખેંચાખેંચમાં ક્યાંની ક્યાં દૂર રહી જાય. જોડા-ચંપલ ક્યાંય સુધી પહેર્યાં નહોતાં. વૈશાખની બપોરે ઘૂંટીભર ધૂળમાં ઉઘાડે પગે દોડતાં કશું નહોતું થતું. પગમાં કાંટા વાગે, ઘૂંટણ ને કોણી છોલાય, કોઈ વાર એવું વાગે કે ઘરે કહેવાય નહિ, એ પાકે, એના લબકારા સાંભળતાં આખી રાત પડ્યો રહું.

આમ છતાં એ રાજવૈભવના દિવસો હતા. ચારે બાજુથી કાંઈ કેટલુંય મનમાં સંચિત થતું જતું હતું. એ બધું ઓળખીને જુદું પાડવાનો પણ ક્યાં સમય હતો? આજની ફૂલેલી-ફાલેલી વેદનાનાં બીજ ત્યારે જ કદાચ અણજાણપણે રોપાયાં હશે. પણ ત્યારથી હૃદયમાં એક એવો ખૂણો મળી ગયો છે જ્યાં ચાલ્યા જઈએ પછી આ જગતનું કશું અડે જ નહિ. એ જ ગુપ્તવાસ. હજી સ્વેચ્છાએ સંસારવહેવારમાં હરતોફરતો છતાં એ ગુપ્ત વનવાસમાં ચાલ્યો જાઉં છું. ત્યારે બાળપણના એ દિવસોની મોઢામોઢ ફરી ઊભો રહું છું. ત્યારે નામ વળગ્યું જ નહોતું. દાદા ચોપડીને પહેલે પાને એ નામ લખી આપતા ત્યારે હું એને અચરજથી જોઈ રહેતો.

અકારણ શત્રુતાથી, ગેરસમજોથી આજે કોઈ વાર અકળાઈ જાઉં છું ત્યારે પાછળથી હસવું આવે છે. આ બધી અળોજણ-પળોજણ શા માટે? મારું નામ મારે માટે તો ખાલી પાત્ર જેવું જ રહ્યું છે, એમાં જુદે જુદે સમયે જુદા જુદા લોકો મનમાં જે ફાવે તે ભરતા ગયા. આથી કોઈક વાર મિત્ર ગણાયો તો કોઈક વાર શત્રુ. કોઈક વાર બહુશ્રુત વ્યુત્પન્ન વિદ્વાન તો કોઈક વાર હજી જેને ઘણા પાઠો શીખવા બાકી છે એવો અભણ, બીજા બધાં મારી આ છબિ બદલતાં રહ્યાં. મારે મન તો હું હજી કશીક ઓળખ મેળવવા ભેગું કરવા મથી રહ્યો હતો. સમજણો નહોતો ત્યારથી વેદનાની થપાટો વાગતી રહી. એને સમજવાની કોઈ ફિલસૂફીમાં મારી પહોંચ નહોતી. સમ્ભવ છે કે આ લાચારીમાંથી ક્રોધ પ્રગટતો રહ્યો. એની આંચથી દાઝતો રહ્યો. મારું અપમાન થાય ત્યારે મને એક જ વાતની ચિન્તા રહે છે; એ માણસને વધારે બહેકાવી મૂકે છે તે મેં જોયું છે. માન આપનાર કરતાં અપમાન કરનારા આ રીતે મને વધારે હાનિકર્તા લાગે છે. વિસ્તરતાં પરિમાણોથી માણસ ગભરાય છે આથી એ પોતાને વામણાં બનાવીને જ સલામતી અનુભવે છે.

એક સાથે સંવેદનશીલતા અને નિલિર્પ્તતા કેળવવાનો કીમિયો જરા અઘરો છે. આત્મસંરક્ષણની સદાની ચિન્તા જે સદા ભયભીત થઈને જીવતો હોય તેને જ હોય છે. મારી સામે ઘટા વિસ્તારતો આ લીમડો કોઈના ચોકી-પહેરા નીચે એ કરતો નથી. પણ મારા હિતચિન્તકો તો ઘણા છે. એમની અપેક્ષાઓ પણ જુદી જુદી છે. આથી કોઈનો ગમો તો કોઈનો અણગમો મળવાનો જ. આથી કટુનો પણ સ્વાદ કેળવવો જ રહે.

આમ છતાં નિર્વેદ, નિવૃત્તિ તરફ મન વળતું નથી. હજી ઘણો હર્ષ થાય છે, ઘણો વિષાદ થાય છે. હવે હવામાં વર્ષાના આગમનના ભણકારા સંભળાય છે. થોડા જ વખતમાં ધરતી મહેકી ઊઠશે. સમ્ભવ છે કે પ્રથમ વર્ષાના જ દિવસે મારું બ્લડપ્રેશર ચિન્તાજનક રીતે વધ્યું હોય. એથી ઊંઘી નહિ શકાયું હોય. નબળી ક્ષણોમાં જીવનનો છેડો દેખાવા લાગે, ને તેમ છતાં ધરતીની સોડમથી નફફટ મન તો નાચી ઊઠે. વિષાદ ને હર્ષના તાણાવાણા કંઈ અકળ રીતે ગુંથાતા જ રહ્યા છે. રાજસિક ઉત્સાહ ને અભિનિવેશ, આક્રોશ ને આવેગ ઘણા છે. વયને કારણેય ઠાવકાઈ કેળવી શકાઈ નથી.

હજી ભ્રમણની રમણા મનને પીડ્યા કરે છે. બારી પાસે બેસીને સન્તોષ માનનારો હું નથી. કોઈ બસમાં, એ ક્યાં જવાની છે તેનું પાટિયું વાંચ્યા વિના, બેસી જવાને મન લલચાય છે. મધરાતે અજાણ્યા સ્ટેશને ગાડી ઊભી હોય ત્યારે ઊતરી પડવાનું મન થાય છે. એવા અજાણ્યા સ્થળમાં કશા વળગણ વિના, જૂની ઓળખના બન્ધનમાંથી છૂટીને, જીવવાનું સાહસ કરી શકાય. પણ એ વિચાર વિષાદમાં ફેરવાઈ જાય છે ને થોડી પ્રિય કવિતાની પંક્તિને મનમાં રમાડતો બેસી રહું છું.

ઇતિહાસ, ક્રાન્તિ – આ બધું મારા ગજા બહારનું છે. છતાં એ પરત્વે યત્કંિચિત્ પ્રયત્નશીલ રહેવાનું જરૂરી ગણું છું. ઉપાડેલી પ્રવૃત્તિની નિરર્થકતા બધા હિતેચ્છુઓ બહુ સ્પષ્ટ રીતે સમજાવે છે. તેમ છતાં એમાંથી મનને પાછું વાળી શકતો નથી. ઘણા કહે છે, ‘બહુ થયું. હવે શાન્ત અને નિષ્ક્રિય બનતાં પણ શીખવું જોઈએ.’ પણ શાન્તિની ક્ષણોમાં જ નવા ઉધામા મન આરમ્ભી દે છે. કર્મ વડે કર્મનો છેદ ઉરાડવાની પ્રવૃત્તિ પણ આખરે તો કેવી અટપટી થઈ જાય છે! ઝાડના થડની બખોલમાંથી તાંબાવર્ણી કીડીઓની હાર આવી જાય છે, તાર પર બેઠેલો સક્કરખોર તડકામાં અદ્ભુત તગતગી ઊઠ્યો છે. મેદાનમાં થઈને વાદળનો પડછાયો દોડી જાય છે. શહેરના સરિયામ રસ્તા પર એક સ્કુટર પર જનાર જુવાન કોઈ રસ્તો ઓળંગતી વૃદ્ધાને બચાવવા જતાં પડી જાય છે ને પીગળતા ડામર પર બેભાન અવસ્થામાં દોઢ કલાક પડ્યો રહે છે. કોઈ એને ઉઠાવતું નથી. એને શરીરે ફંફોલા પડે છે. પાસેથી સિનેમાનું ઈશ્કી ગાણું સંભળાય છે. થોડા ડાઘુઓ શબને લઈને ગુપચુપ ચાલ્યા જાય છે. મજૂરી ન મળતાં નિરાશ થયેલાં આદિવાસી સ્ત્રીપુરુષો પાછાં ફરે છે. સવારે જે ટીકડી લેવાની હતી તે ભૂલી ગયાની ચિન્તામાં હું બેઠો છું ત્યારે મારા મનના પટ પર આ બધું પ્રસ્ફુટિત થતું આવે છે. આ બધાંમાંથી મને નોખો તારવીને હું જોઈ શકતો નથી.

અત્યારે જે સુખ અનુભવી રહ્યો છું તે ચાલ્યું જશે તો? આ ચિન્તા જ વિષાદને લઈ આવે છે. ડાહલબર્ગ કહે છે કે સમય તો નિર્વેદને તળિયે બેઠેલ કચરા જેવો છે. આવો સમય ધીમા ઝેરની જેમ આપણામાં વિષાદને પ્રસારે છે. સમયને વહેતો રાખવો જોઈએ. મને વિષાદ પ્રથમ ભારે થતી જતી ક્ષણોથી વર્તાય છે. હૃદયના બે ધબકારાની પાંખે સમયને ઊડતો રાખવો જોઈએ. પણ સમય કોઈ વાર એવો તો ખૂંતી જાય છે કે એની આજુબાજુ સારા સરખા વિષાદનો કાંપ જામી જાય છે.

ઇતિહાસને માથા પરથી ઉતારી મૂકીને ચાલીએ તો જ ભવિષ્ય તરફ તેજ ગતિએ આગળ વધી શકાય. ઘણી વાર ભૂતકાળને જ આપણે ભવિષ્યના છદ્મવેશે પાછો આવતો જોઈએ છીએ. પાછું વાળીને જોવું નહિ, પાછા ફરીને જે હતું તેને ઓળખવા માટેની નિશાનીઓને નાબૂદ કરી દેવી – આ પ્રવૃત્તિ જ આપણને ભવિષ્યથી દૂર નથી રાખતી? આપણાથી અણજાણપણે લોકો આપણો ઉપયોગ કરવાના જ, આપણું લખેલું લોકો એમની પોતાની રીતે વાંચવાના, તમને એઓ એમની પોતાની રીતે જ ઓળખવાના. આ બધાંના પર જ આધાર રાખીને જીવીએ તો આપણે જ ધીમે ધીમે આપણને અજાણ્યા લાગવા માંડીએ. આથી સ્વત્વ તો જાળવવું ઘણું અઘરું છે એવું ડહાપણડાહ્યું વાક્ય મોઢામાં મમળાવીને સન્તોષ માનવો!

આથી સુસંગતિ નહીં પણ અસંગતિ જ જીવન્તપણાની નિશાની છે એમ માનવાને હું લલચાઈ જાઉં છું. જીવનની બધી ઘટનાઓમાંથી ઠાવકાઈપૂર્વક અર્થ સંચિત કરે તેમનો ઉદ્યમ મને જચતો નથી. આથી ઉડાઉપણું જ મને તો પરવડે છે જેને જે જોઈએ તે લઈ જાય. કોઈની આપેલી કીતિર્અપકીર્તિ પર આપણો કેટલો દાવો? આજે જે આપે તે કાલે ભલે ને લઈ લે. એથી જ તો ધીમે ધીમે આપણે હળવા થતા જઈએ. પણ એટલા હળવા થઈ જઈએ કે ધરતી પર પગ ન ટકે તો તેય ખોટું માટે થોડો વિષાદ સારો, એના વજનથી ટકી રહેવાય.

ઉનાળામાં આસ્ફાલ્ટના રસ્તા પરના ડામરને જ ઓગળતો જોવો ને શિરીષની છાયાને ન જોવી, લૂ વાતી હોય તેની જ વાત કરવી પણ કોયલના ટહુકાની વાત ન કરવી; બફારાની, દુર્ગન્ધની જ વાત કરવી પણ મોગરાના મહેકવાનો ઉલ્લેખ જ ન કરવો – આ મને માન્ય નથી. અખિલાઈને સમાવવાનું આપણું કાઠું નહિ તે કબૂલ, પણ આપણે જેટલું સમાવતા જઈએ તેટલા આપણામાંથી મુક્ત થતા જઈએ. મોક્ષ અથવા મુક્તિ એ ક્રમશ: રિક્ત થતા જવાની પ્રક્રિયા છે. પણ રિક્ત થવાની પ્રક્રિયા ખૂબ જ ધીમી. ચોર્યાસી લાખ ફેરા ફરવા પડે!

આપણી પ્રજાને તો એ ફેરા ફરવાની ધીરજ છે, માટે આપણે બધું નિરાંતથી કરીએ છીએ. બધું ક્યાં આ જન્મે જ પતાવી દેવાનું છે? ઋણાનુબન્ધ છે, ભવોભવનાં લેખાં છે – એમાં આ એક જન્મ તે શા હિસાબમાં! આથી ક્ષણોને વેડફીને યુગને ખમવાનાં ખોટાં લેખાં માંડીએ છીએ. ખરું કહું તો માનવીને જે શાપ જન્મતાવેંત મળ્યો છે તે બધું જોડ્યે જવાનો છે. કવિ જોડે છે, કડિયો જોડે છે, વણકર જોડે છે, વાણિયો જોડે છે. આ બધા જોડતા જાય છે ને પોતે જોડેલામાં જ પુરાતા જાય છે. પછી એમાંથી છૂટવાની, મોક્ષ પામવાની, પ્રાર્થના કરતા ભગવાન સામે જઈને ઊભા રહે ત્યારે ભગવાનના મુખ પર પરમ તૃપ્તિનું સ્મિત હોય છે.

શરીરમાં લોહી મૂગું મૂગું ફર્યા કરે છે. હૃદયના ધબકવાનો સંકેત હું જ સમજતો નથી. આંખ બે પલકારા વચ્ચે શું કરે છે તેની મને ખબર નથી. મારાં બે ચરણ વચ્ચે શી સમજૂતી થઈ છે તેની મને ખબર નથી. મારા હાથની બધી જ પ્રવૃત્તિને હું જાણતો નથી. છતાં આ બધાં એક ‘હું’ને આશ્રયે હોવાનો દાવો કરે છે ને તેને નકારી કાઢી શકાતો નથી. પણ આપણે જ આપણે માટે કેટલા રહસ્યમય બની જઈએ છીએ! એથી જ તો આપણામાંનો આપણો રસ ઓસરી જતો નથી.

25-5-80

License

પ્રથમ પુરુષ એકવચન Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.