કેટલીક વાર કંઈક અજબ પ્રકારનું કુતૂહલ થાય છે. ક્યારે આપણી પોતાની જિન્દગી જીવીએ છીએ, ક્યારે કશુંક અપરિચિત અજાણ્યું આપણી જગ્યાએ ઠસી બેસે છે અને ક્યારે આપણે કોઈ હજી સુધી નહીં લખાયેલી કોઈ નવલકથાનું પાત્ર બનીને જીવવા લાગીએ છીએ તે એકદમ સમજાતું નથી! ક્યારેક આ પૃથ્વીનો ગ્રહ પણ અજાણ્યો લાગવા માંડે છે. જે ભાષા આજ સુધી બોલતો લખતો આવ્યો છું તે કેવળ અર્થ વગરનું ઉચ્ચારણ બની રહે છે. કોઈ બોલતું હોય છે તો સાંભળતાં સાંભળતાં જ અન્યમનસ્ક થઈ જાઉં છું. બહારથી એમ લાગે છે કે જાણે હું ખૂબ ઊંડા વિચારમાં છું!
રવીન્દ્રનાથે સિત્તેરમી વર્ષગાંઠે કહેલું, ‘હજી મારો પગ ગામ્ભીર્યના ખાડામાં પડ્યો નથી.’ મને એમની અદેખાઈ આવી હતી. જે પોતાની જાત સાથે જલદી મેળ ખવડાવી શકે છે, પોતાનાં અનેક રૂપ અને ભવિષ્યની સમ્ભવિતતાઓ સાથે પણ તાળો મેળવી શકે છે તેઓ સ્વસ્થ, નિશ્ચિત બની જાય છે. પછી એમને કશું કરવાનું રહેતું નથી. એઓ દેહ છતાં જાણે વિદેહી બની જાય છે. એમની આ સ્થિતિની મને ઈર્ષ્યા આવે છે એવું હું પ્રામાણિકપણે કહી શકું નહિ.
મારા વર્તનમાં કોઈ અસંગતિ ચીંધી બતાવે છે ત્યારે એથી બીજાને અકળાતા જોઈને હું સહેજ મૂંઝાઈ જાઉં છું ખરો, પણ એથી મને કશું અસ્વાભાવિક લાગતું નથી. ત્રણ કાળને જુદા જુદા કલ્પીને જીવવાનું હંમેશાં શક્ય બનતું નથી. એવી કૃત્રિમતા મન પર ઠોકી બેસાડવાનો જુલમ હું કરતો નથી. કેટલીક વાર કોઈક મારા વર્તનથી અકળાઈને ગુસ્સે થાય છે ત્યારે કોણ જાણે શાથી હું હસી પડું છું. ત્યારે હું સંરક્ષણની એક તરકીબ લેખે નિર્દોષ બાળકનો પાઠ ભજવતો હોઈશ? એ મેં અણજાણપણે કેળવેલી નફફટાઈનું પરિણામ હશે? આ બધા પ્રશ્નો ત્યારે થતા નથી. ત્યારે તો મારું વર્તન મને સ્વાભાવિક લાગે છે. પણ પછીથી આત્મશોધનને નામે મારામાં વસતો દોઢડાહ્યો આ પ્રશ્નોની ઝડી વરસાવે છે!
કોઈક વાર મારાપણું સર્વથા ભૂલી જઈ શકાય એવી કોઈ પ્રવૃત્તિ લઈ બેસું છું. કોઈ પ્રભાવશાળી વ્યક્તિત્વવાળા સર્જકના સાન્નિધ્યમાં જઈ પહોંચું છું. એની એકાદ કાવ્યપંક્તિ કે એકાદ વાક્ય મારે મન એક નવું વિશ્વ જ બની જાય છે. એ મને મારી ક્ષુલ્લક આળપંપાળમાંથી મુક્ત કરી દે છે. પ્રેમનું મહત્ત્વ આટલા જ માટે હશે – એ માથું ભટકાયા કરે એટલા સાંકડા પોતાપણામાંથી આપણને વિશાળ વિસ્તારમાં અને ખુશનુમા આબોહવામાં મુક્ત કરી દે છે.
આ કંઈ પોતાનામાંથી નાસી છૂટવાની પલાયનવૃત્તિ નથી. ખરું જોતાં ‘સ્વત્વ’ બની ચૂકેલી નિશ્ચિત વસ્તુ નથી. જો એ એવું કશુંક હોત તો એને મારાથી અળગું કરીને જોવાની સગવડ મને પ્રાપ્ત થઈ હોત. મારા ‘સ્વત્વ’નું આગવાપણું સુરક્ષિત રાખવાની મારી જવાબદારી થઈ પડે છે ત્યારે એ વિશેની સભાનતા જ એક ક્લેશનું કારણ બની રહે છે. આથી ઘણા આગવાપણાંનો સર્વસ્વીકૃત સિક્કો સમાજ કે સરકાર પાસેથી મેળવી લેવાની ખટપટમાં પડે છે. હું મારી જાતને મારી બહારનાં અન્ય કશાકથી પ્રમાણિત કરતો રહું એ પ્રપંચ મને ગમતો નથી. જે મારામાં તદાકાર થઈ જઈ શકે તેની સાથે જ આત્મીયતા સમ્ભવે.
માનવસન્દર્ભ અટપટો અને વિલક્ષણ છે એનું કારણ એ છે કે દરેક પોતપોતાના આગવા મનોજન્ય સમયમાં, બીજાં અનેકે ઘડી આપેલાં પરસ્પરવિરોધી સ્વત્વના ખ્યાલને આધારે, જીવતા હોય છે. મારી આજુબાજુના કેટલાક કોઈ વાર એવી રીતે વાત કરે છે કે જાણે મારી ભાવિમાં ઊભી થનારી અનુપસ્થિતિને એઓ વર્તમાનમાં નહીં ખેંચી લાવ્યા હોય! એથી હું મને સાવ અપ્રસ્તુત લાગું છું. હું મરણોત્તર અવસ્થાને અનુભવી રહ્યો હોઉં એવો મને અનુભવ થાય છે. એમાં જે હળવાશ રહી છે તે જોતાં મને એક વાતનું સુખ થાય છે : મારા મરણનો અસુખકર દાબ ક્યાંય વર્તાશે નહીં.
સૂર્ય હવે ઉત્તરનો થતો જાય છે. ઉત્તર પછી જ ઉત્તમ આવે, અને ઉત્તમને પણ તમે પુરુષોત્તમ બનાવી શકો. આ ચઢતીઊતરતી ભાંજણી, શ્રેણીભેદ એનું ગણિત મને કદી આવડ્યું નથી. હવે વયમાં આગળ વધતાં હું હળવો થતો જાઉં છું. કશાક સાચા વિષાદને રહેવા જેટલી જગ્યા મારામાં બચી હશે કે નહિ તેની ચિન્તા કરવાનું પણ મન થતું નથી.
20-6-78