જીવન કોઈ વાર એકાએક સીમાને ઉલ્લંઘી જાય છે ને એવા પ્રદેશમાં જઈ ચઢે છે જે નથી હોતો જીવનનો કે નથી હોતો મરણનો. ત્યારે ભાવપ્રતિભાવ, ક્રિયાપ્રતિક્રિયા – આ બધી જ જટાજાળનો અન્ત આવી જાય છે. કશાની અપેક્ષા રહેતી નથી. ‘વેઇટિંગ ફોર ગોદો’નાં બે પાત્રોની જેમ બે સરહદ વચ્ચે સ્થગિત થઈને હું ઊભો રહી જાઉં છું. પણ મને કોઈ સરહદ પાર કરાવશે એવી કશી અપેક્ષા રહેતી નથી.
પણ આ દરમિયાન રોજંદાિ વહેવારના સ્તર પર તો રહેવું જ પડે છે. પણ મેં જોયું છે કે આપણી અવેજીમાં જીવતે જીવ કોઈ આપણો જીવવાનો વેપલો સંભાળી લે, ને તે પણ આપણામાં જ વસીને, એવી ભગવાને વ્યવસ્થા કરી હોય છે. ઘણી વાર મારી શૂન્યમનસ્કતા પકડાઈ જાય છે, ત્યારે થોડો ઠપકો સાંભળી લઉં છું.
ઘરમાં કોઈ વાર ગૃહિણી હોય નહિ, બધું અસ્તવ્યસ્ત પડ્યું રહે – પ્રમાદને કારણે નહિ પણ બાઘાઈને કારણે, પછી પાછી આવીને ગૃહિણી પોતાની અનિવાર્યતાનો ગૌરવપૂર્વક અનુભવ કરીને કૃત્રિમ રોષથી બધું સરખું ગોઠવતી જાય, બેચાર કાચનાં વાસણ ફોડ્યાં હોય તે વાત બહાર આવે, ટપાલમાં આવેલો એકાદ ચેક રદ્દી કાગળો ભેગો ફાડીને ફેંકી દીધો હોય તે પણ પકડાઈ જાય ત્યારે બધું થાળે પડવાની રાહ ઊંચે જીવે જોયા કરું તેમ હમણાં હમણાંનું ઘણી વાર થાય છે. ઘણો બધો સમય વપરાયા વિનાનો, સરખો ગોઠવ્યા વિનાનો પડી રહ્યો છે. એના તન્તુઓ ગૂંચવાઈ ગયા છે. કોઈક વાર એવો ભય લાગે છે કે એ બધું સાફસૂથરું ગોઠવવાનો કદાચ સમય નહિ મળે. આમ વળી મૂંઝવણમાંથી બહાર નીકળવાના પ્રયત્નો જ મને વધારે ગૂંચવી મારે છે.
એક વિલક્ષણ અનુભવ થાય છે તે અહીં નોંધવો જોઈએ. ઘણી વાર બહુ આસાનીથી હું મને પોતાને એક બાહ્ય પદાર્થ લેખે જોતો થઈ જાઉં છું. ઘણી વાર મને પોતાને થતી લાગણીથી એકાએક હું દૂર સરી જાઉં છું. કેટલીક વાર બોલાતા શબ્દો વચ્ચેથી હું સરકી જાઉં છું. આમ મને લાગે છે કે કદાચ જે બધું ‘હું’ના પથારાથી ભરેલું હતું તે હવે સાવ ખાલી થઈ જશે. એ શૂન્યની આબોહવા મને સ્પર્શશે ત્યારે હું એને જીરવી શકીશ તો ખરો ને?
મારી ધૂર્ત બુદ્ધિ મને સમજાવે છે : આ ન હોવાનો ભય, ઠાલાપણાનો ભાવ છે ત્યાં સુધી ‘હું’નો વિલય થયો નથી એ નક્કી, કારણ કે મમતાને ખોળે જ ભય ઊછરે છે. આ તો બધી ‘હું’ની જ માયાની પ્રપંચજાળ છે. એ પોતાનાં અનેક રૂપો બતાવ્યા કરે છે. છેલ્લા શ્વાસે પણ આપણે જગતનું નહિ, ભગવાનનું નહીં, આપણું જ રૂપ જોઈને જવાના!
આ જ તો કુતૂહલનો વિષય છે. આથી જ તો જેને આપણે એકાન્ત કહીએ છીએ એમાંય આપણે એકલા નથી હોતા. મને કોઈક વાર લાગે છે કે સૌથી વધુ આત્મપ્રિય માનવી જ એકાન્તમાં રહેવાની બડાશ મારતો હોય છે. પોતાને વિશે જેને મમતા છે તે અનેક ભેગો રહે છે, પોતાના ચહેરાને ભૂંસતો રહે છે. કેટલીક વાર એવું બને છે કે આવા માનવીને એકાએક પોતાની યાદ આવતાં એ પોતાને શોધવા માંડે છે, પણ આ બધા સમય દરમિયાન એણે પોતાનું નામસરનામું ખોઈ નાખ્યું હોય છે. છેલ્લે પોતાને ઠેકાણે પાછો ફર્યા વિના જ એ આખરી વિદાય લઈ લે છે!
સદ્ગુણો કેળવવા તો આપણે સૌ મથીએ છીએ, પણ એને પામ્યા વિના સદ્ગુણી હોવાનો દાવો કરવો એ બાલિશતા છે. વળી ક્યારે શેનું મહત્ત્વ હશે તે આપણે જ ક્યાં કહી શકીએ છીએ. જ્યારે કશાની જ ખોટ હોતી નથી, આપણી પાસે બધું જ હોય છે, ત્યારે જ વિરક્તિ અને વિરતિનો અભિનય આપણને પરવડે છે. આથી જ તો શૈશવ, યૌવન અને જરા – એવી જીવનની ત્રણ અવસ્થાના વિભાગ મને માન્ય નથી. આપણી બે જ અવસ્થા છે. અભિનય કરવાની અને અભિનય વિના ચલાવી લેવાની!
ભગવાને આપણને અવેજી પર જીવનારાં પ્રાણી બનાવી દીધાં છે. પદાર્થો સાથે આપણો પરોક્ષ સમ્બન્ધ છે, અપરોક્ષ સમ્બન્ધ નથી. પદાર્થ વિશે શબ્દો વડે જ વાત કરી શકાય. શબ્દ એક બહુ મોટું વ્યવધાન છે. ભાષા વિના આપણે ક્યાંય પહોંચી શકતા નથી. શબ્દને નિકટતા અનિવાર્ય નથી. જ્યારે ભાષા નહિ હશે, ત્યારે સ્પર્શની નિકટતા વિના કશો વ્યવહાર શક્ય જ નહિ હશે. પણ ભાષાએ આપણને સ્પર્શજડ બનાવી દીધા છે. હું ઈશ્વરાધીન છું કે નહિ તે તો કોણ જાણે, પણ હું શબ્દાધીન તો છું જ. કોઈક વાર મનમાં જે ભાવ હોય તેનાથી ઊંધો જ શબ્દ હોઠે ચઢે, પછી કોઈનું મન દુભાય અને આપણે ખુલાસો કરવા જઈએ તો કોઈ માને ખરું? માટે જ ડાહ્યાઓ શબ્દબ્રહ્મની જ આરાધના કરે.
18-6-78