પુસ્તકોની થપ્પી પર થપ્પી નીકળે છે ને બંડલો બંધાતાં જાય છે. ધૂળ ઊડે તેથી હું પાસે જતો નથી. દૂરથી જોયા કરું છું. એકાદ પુસ્તકને હાથમાં લઈને પાનાં ફેરવવાનું મન થાય છે. એમાં રવીન્દ્ર રચનાવલિના ખણ્ડો છે. માણિક બન્દોપાધ્યાય અને સુનીલ ગંગોપાધ્યાયની નવલકથા છે. બંગાળના નવા વાર્તાકારો બિમલ કર અને ગૌરમોહન ઘોષે સ્વાક્ષર ભેટ આપેલી એમની કૃતિઓ છે. આ બધાં પુસ્તકો સાથે જુદાં જુદાં સ્થળોની, અનેક પ્રસંગોની, અનેક વ્યક્તિઓની સ્મૃતિ સંકળાયેલી છે. એક રીતે કહું તો એક પુસ્તક એટલે એક નોખું બ્રહ્માંડ.
દાદા આદિવાસીઓના ‘ધાણકા વસતિગૃહ’ના આચાર્ય, છાત્રપતિ અને ગ્રંથપાલ પણ ખરા. નવાં પુસ્તકો એપ્રિલમાં આવીને પડ્યાં હોય, પરીક્ષા તો થઈ ચૂકી હોય. પણ દાદા જે વાંચવાની સંમતિ આપે તે જ વાંચવાનું. નવલકથાને અડવાનું સુધ્ધાં નહિ! આથી, દાદાનો લાંબો સ્નાન અને પૂજાવિધિ ચાલતો હોય એ દરમિયાન, ડાહ્યાભાઈ જાગીરદાર, જદુરાય ખંધાડિયા, સત્યેન્દ્રપ્રસાદ સાંકળેશ્વર મહેતા વગેરેની નવલકથાઓ વંચાતી જાય. નવાં નક્કોર પુસ્તકોને ફૂલની જેમ સૂંઘીને કાળાં પૂઠાં પરનાં સોનેરી અક્ષરોને સૂરજના પ્રકાશમાં ધરીને જોઈએ. પુસ્તકપ્રીતિનું એ પ્રથમ પર્વ ખરેખર અદ્ભુત હતું.
ઘર બદલવાનો પ્રસંગ આવ્યો ને ફરી મારામાં રહેલો એ ઘણાં વર્ષ પહેલાંનો કિશોર મારામાંથી ઊછળી પડે છે. દાદાની બદલી નવસારી થઈ. બત્રીસ વર્ષ સોનગઢમાં ગાળેલાં. વતન કહો કે જે કહો તે એમને માટે તો સોનગઢ. સોનગઢના મુખ્ય તો બે ભાગ : નવાગામ ને જૂનાગામ. કહે છે કે નવાગામ હવે તો છેક દશેરાબારીની ટેકરીઓ સુધી વિકસ્યું છે, પેપર મિલ્સ છે આથી જ સોનગઢ જવાની હિંમત કરી શકતો નથી. અમે તો બે ગામની વચ્ચે સહેજ ઊંચા ભાગ પર બોડિર્ંગને નામે ઓળખાતા વસતિગૃહમાં રહેતા. વ્યારા વાલોડના અમારી ઉમ્મરના કિશોરો અમને ‘બોડિર્ંગિયા’ કહીને અમારી મશ્કરી ઉડાવતા. અમે જંગલના પ્રદેશમાં આદિવાસીઓ વચ્ચે રહીએ એટલે અમને એ લોકો જંગલી જ ગણતા.
સોનગઢના એ ફાગણ-ચૈત્ર ભુલાતા નથી. લીમડાની મંજરીની મહેક અને મોગરાની સુવાસથી હવા તરબતર હોય. આદિવાસી વિદ્યાર્થીઓ તો રજા પડવાથી પોતપોતાને ગામ ગયા હોય. નાની વયમાં સો વિદ્યાર્થીઓ માટેનું એ છાત્રાલય ખૂબ મોટું લાગતું. ત્યાં વીજળીના દીવા નહિ. ચૈત્રના અંધારિયામાં વાઘની સંવનનની ઋતુ ચાલે ત્યારે આખી રાત વાઘની ત્રાડ સંભળાયા કરે, ઊંઘમાંથી ઝબકીને જાગી જવાય. દિવસ આખો ખૂબ આનન્દમાં જાય. કૂવાના થાળામાં કોશથી ઠલવાતા પાણીમાં નિરાંતે નાહવું, મરવા ખાવા, કિલ્લાની તળેટીમાં રખડવું અથવા મધુમાલતીના મણ્ડપ નીચે કોણ જાણે શાની કલ્પનામાં રાચતા દિવાસ્વપ્નો જોતાં બેસી રહેવું – સમય એમ સરી જતો પણ સાંજ ઢળે ને મન ભયભીત થઈ જાય. દાદાનો તો એક દિવસ નવાગામ ને એક દિવસ જૂનાગામ જવાનો ક્રમ. સાંજે નીકળે. નવા ગામમાં ચુની જીવણને ત્યાં જાય ને જૂનાગામમાં નાનુભાઈ અંબાઈદાસ કે રણછોડ બહેચરને ત્યાં જાય. રાતે દસ કે અગિયારે રામજી કે રણછોડ ફાનસ લઈને તેડવા ગયા હોય તેની સાથે લાકડી ઠોકતા ઠોકતા ફરે. બોડિર્ંગ આગળના વડ નીચે ઘણી વાર પાણી પીવા આવેલો વાઘ બેઠો હોય. દાદાને કશો ભય નહિ. બારેક વાગ્યા સુધી તો એમનો રેંટિયો ગુંજે એટલે ધરપત રહે. પણ પછી અમેય ગાઢ નિદ્રામાં સરી પડીએ. કોઈ વાર સોગઠાંબાજી જામે. ચોમાસામાં વલ્લભ ભટ્ટનું મહાભારત વંચાય. પણ વાર્તાના દોરમાં અમારી નિદ્રાના તન્તુ પરોવાઈ જાય.
મારી બારી પાસે ચમ્પો છે. નવા ઘરમાં તો હજી કશો વનસ્પતિ પરિવાર છે નહિ. અહીંના ઘેઘૂર લીમડાઓ પણ ત્યાં નથી. સોનગઢ છોડ્યું ત્યારે કિશોર મન ખૂબ દુ:ખી થઈ ગયેલું. ગંગાધરા ભણતા ને બારડોલીથી ગાડીમાં આવજાવ કરતાં ત્યારેય શનિ-રવિ તો સોનગઢ પહોંચી જતા. ખુલ્લામાં ખીલેલા મોગરાની પાસે વિશાળ બહેડાના ઝાડ નીચે હીંચકા પર ઝૂલવાનો આનન્દ તો ત્યાર પછી ક્યાંય માણ્યો નથી. જેનાં નામ નહોતો જાણતો તે વૃક્ષોની પણ ગજબની માયા હતી. હજી અહીં રાતે જૂના એન્જિનનો પાવો વાગે છે ત્યારે હું સોનગઢના ઓરડામાં જ સૂતો હોઉં એવી ભ્રાન્તિ થાય છે.
સોનગઢમાં હતો ત્યારથી જ જોડકણાં રચવા માંડેલાં. દાદાને મારો એ છન્દ રુચતો નહોતો. આથી કાવ્યલેખન એ મારી ત્યારની ભૂગર્ભ પ્રવૃત્તિ હતી. દાદાનો સ્વભાવ આકરો. આખા દિવસમાં ભાગ્યે જ એમને સાંભળીએ. ટાઢિયો તાવ વારે વારે આવે ત્યારે તેઓ પાસે આવીને બેસે, નહિ તો અમારાથી દૂર જ રહે, એમનો ઓરડો પણ જુદા મકાનમાં. સોનગઢ છોડ્યું ને બાળપણની એ આખી અદ્ભુત ભયાનક રસભરી સૃષ્ટિને પણ વિદાય આપી.
હવે કદાચ મારું આ છેલ્લું સ્થળાન્તર. પુસ્તકો જોઉં છું ને આંખનાં અણિયાળાં ભીનાં થાય છે. કેટલાંક પુસ્તકોમાં મારી કિશોરની મુગ્ધ આંખો હજી સચવાયેલી છે, કેટલાંકમાં શિશુના ચંચળ અસ્થિર હાથે લખાયેલા વાંકાચૂંકા અક્ષરો છે. કોઈ ઢગલામાંથી ખોવાઈ ગયેલા કવિનો એકાએક ભેટો થાય છે. યુવાવસ્થાની રમ્યમધુર સ્મૃતિઓ જાગે છે. આ પુસ્તકોના ગંજને જોઉં છું ને મારું મન વિષાદથી ભરાઈ જાય છે. એમાંનાં કેટલાંક તો ખરીદવાનું ગજું નહોતું છતાં ખરીદ્યાં હતાં. કેટલાંક કરાંચીમાંના મારા પ્રથમ એકાન્તવાસનાં સાથી હતાં. કેટલાંક કોલેજમાં મળેલા ઇનામરૂપ હતાં. હવે એ બધાં સ્વજનો જોડે ફરી મારી દૃષ્ટોદૃષ્ટ થશે ખરી?
તો ડેરાતંબૂ ઉઠાવ્યા છે. આ ઘરમાં દક્ષિણ તરફની ને પૂર્વ બારી પાસે બેસીને જે સૃષ્ટિ નિનિર્મેષ દૃષ્ટિએ જોયા કરી છે તેનાં ઘણાં ચિત્રો આંકવાનાં રહી ગયાં છે. પાસે ફૂલથી ભરેલી લતાઓ હોવાને કારણે મધમાખીઓ હિમ્મત કરીને ઘરમાં મધપૂડો પણ બાંધે. ચકલાચકલીનો સંસાર અને એમની કેટલીય પેઢીઓ હું જોયા કરું, ખિસકોલી ઉપનિષદ્ કાતરી ખાય. આડોશીપાડોશીનાં બાળકો ચોપડીના કબાટ પાસે બેસીને ચોપડી કાઢી ત્યાં ને ત્યાં જ વાંચવા બેસી જાય. બારી પાસેનો ખાટલો જ મારું સિંહાસન, અહીં જ દમથી કષ્ટાતાં હું લખતો રહ્યો. નવું ઘર અંદર ફરીને જોયું છે, પણ એ મને અંદર જ પૂરી દેશે એવો ભય રહે છે. વૃક્ષો તો જઈને ઉછેરવાં પડશે. બોરસલી છે, પણ હજી બાલ્યાવસ્થામાં. એમ તો ચન્દન પણ રોપ્યું છે. પારિજાત તો ખરું જ. પપૈયાં છે, પણ એ તો વાંદરાઓ સાથે અધભાગે. કેસર કેરીનો આંબો રોપેલો પણ ઊછર્યો નહિ. દીકરાએ મારે માટે ‘સ્ટડી’ની વ્યવસ્થા કરી છે ને એ બહાને ફરજિયાત શિસ્તપાલન કરવું પડે એવી એની દાનત છે, પણ અત્યારથી જ ઘરમાં બધાં કહે છે કે સ્ટડીરૂમમાં હું રહેવાનો જ નથી. બૅડરૂમમાં હું સૂવાનો નથી. મારો આરણ્યક જીવ આવી નાગર વ્યવસ્થાને ગાંઠે એવો નથી. મન અવઢવમાં છે. જો નવા ઘરમાં નહિ જ ગોઠે તો? મને આડોશીપાડોશીને ત્યાં ગપસપ લડાવવાની ઝાઝી ટેવ નથી. પણ આ નવું ઘર તો મને બંગાળની કુલવધૂઓની જેમ સાવ અસૂર્યમ્પશ્ય જ બનાવી દેશે એવો ભય રહે છે. કોઈ વૃક્ષરાજને જોઈને આંખ ઠરે એવું નથી. છતાં બાગકામ કરવાનો શોખ પોષી શકાશે ખરો. ઘરને બહાર જોડે ઝાઝો સમ્બન્ધ નથી. એ તો પોતે પોતાનામાં જ સંગોપાઈને બેઠું છે.
ઘરના ખૂણાઓ, બેસવા, ઊઠવાનાં સ્થાનો, અગાશીઓ – આ બધાં જોડે મેળ જામશે કે નહિ તે જાણતો નથી. ‘મારું ઘર’ એવું મમત્વ થતું નથી. જાણું છું કે એમાં સંતાનો જ વસશે, મારે તો એમાં ઝાઝો સમય ગાળવાનો નથી. તેમ છતાં જે વર્ષો હવે રહ્યાં છે તે તો એમાં જ વીતશે. ઘરમાં બેઠા બેઠા આકાશ નહિ દેખાય તો અગાશીમાં જવું જ પડશે. ઘરના વાડામાં ખુરશી નાખીને ઊછરતા વૃક્ષની છાયામાં બેઠો બેઠો દિવાનિદ્રા માણીશ કે વાંચીશ – આવું બધું કલ્પું છું. પણ ત્યાં શિરીષની ઘટા નહિ હોય, મેદાનનો ખુલ્લો અવકાશ નહિ હોય. અહીં તો બાદશાહ, પચનક, પતરંગો, હુદહુદ, પીળક, દૈયડ, શોબીંગો, મુનિયા, કાળિયો કોશી, ભારદ્વાજ ને કોઈક વાર ચાસને પણ જોતો. એ મહેફિલ ત્યાં જામવાની નથી. વાંચવા લખવાનું કેમ ચાલશે તેની પણ ચિન્તા છે. છતાં અત્યારે તો ઘરવખરી ઉઠાવવા માંડી છે. ચૈત્ર બરાબર ચચરી ઊઠ્યો છે. અહીંના પવનને ત્યાં આવવાને વિનવવો પડશે. સ્થળાન્તર ખરેખર તો જન્માન્તર જેવું જ લાગે છે. વળી એક નવા પર્વમાં પ્રવેશું છું. નવાં સુખદુ:ખ જોડે મેળ પાડવા તત્પર થાઉં છું.
20-4-81