રાત પડે છે, દીવાલ પરનું ઘડિયાળ બોલે છે કંઈક અને કરે છે કંઈક. દસ વાગ્યા છે, છતાં એ છ ટકોરા પાડે છે. એ સમય બતાવતું નથી. સમયનો લવારો કરે છે. એમ તો મારા કાંડા પર સમયનો ચોકીપહેરો છે જ. ઘરમાં જૂની ‘એન્કાઉન્ટર’ની બાંધેલી ફાઇલ પર ખિસકોલી ક્યારની ઊંઘી ગઈ છે. કિશોરી આમોનકરે જોનપુરી ગાઈ લીધો છે. મારી આંખ ઘેરાવા લાગી છે. આજુબાજુ બધાં વાતો કરે છે. હું થોડી ક્ષણ તન્દ્રાની સ્થિતિમાં સરી જાઉં છું. જાગૃતિમાં દીઠેલું જગત વેશ બદલીને જુદે જ રૂપે દેખાવા માંડે છે. દિવાસ્વપ્નો, દુ:સ્વપ્નો અને ઓથારની સ્થિતિમાં આપણે ચૌદ ભુવનમાં ફરી આવીએ છીએ.
પવન થમ્ભી ગયો હતો. બહારના આકાશમાં ચન્દ્રનો આભાસમાત્ર હતો. દેડકાં અને તમરાંની જુગલબંદી શરૂ થઈ ગઈ હતી. જે દિવસ વીતી ચૂક્યો હતો તેની વેરવિખેર ઘટનાઓની દૃશ્યાવલિ મનશ્ચક્ષુ આગળ ઝાંખી થતી જતી હતી. મારી ચેતનાનો એક અંશ જાગૃત રહીને આ નિદ્રાના લપસણા ઢાળ પરથી સર્યે જવાની સ્થિતિની નોંધ લેતો હતો. જાગૃતિ સિવાયની એક નવી વાસ્તવિકતાનું રાજ્ય શરૂ થઈ ચૂક્યું હતું. બધું કોઈક નવી જ રીતે ગોઠવાતું જતું હતું. મારા બધા જન્મોની વાસ્તવિકતાની સેળભેળ થઈ ગઈ હતી. મારાં જ અનેક રૂપો વચ્ચે ખોવાઈ ગયો હતો.
પછી ધીમે ધીમે ક્યારે શૂન્યાવકાશમાં સરકી ગયો તેની સંજ્ઞા રહી નહિ. સમય લુપ્ત થઈ ગયો. સ્થળની રેખા ભુંસાઈ ગઈ. ભૌમિતિક બિન્દુ જેટલી પણ અસ્મિતા બચી નહિ. ત્યાં એકાએક આવી ચઢેલા આંસુ જેવું ચોંકાવનારું મને સ્પર્શી ગયું. સફાળા જાગીને મેં જોયું તો છતમાંથી ટીપાં ટપકતાં હતાં. મને રાજા ગોપીચન્દ યાદ આવી ગયો. મને લાગ્યું કે કોઈ ગત સ્વજન એનાં આંસુથી મને જગાડી રહ્યું હતું. હવે જાણે નિદ્રામાંય કાલક્ષેપ કરવો પરવડે એમ નથી. ચારે બાજુ ફરી વળેલાં નિદ્રાનાં જળ વચ્ચે હું આ ટપકતાં ટીપાંના અવાજને સાંભળતો ભર્તૃહરિના વૈરાગ્યશતકના સો શ્લોકોનાં સોપાન ચઢતો ચઢતો આ બધું વિચારી રહ્યો હતો.
એ ટીપાં તો વરસાદ થમ્ભી ગયા પછી બે દિવસ બાદ પણ સતત ટપકતાં રહ્યાં. સમય દર્શાવતા બીજા ઘડિયાળ જેવો એનો નિયમિત ટપ ટપ અવાજ હું સાંભળતો રહ્યો. આખાય દિવસ દરમિયાન વૃષ્ટિમલિન આકાશની મન્દ દ્યુતિ ગ્લાનિ અને વિરતિના ભાવને પોષતી રહી.
પવિત્રતાને ઓળખવાનો મારો દાવો નથી. ઉન્માદ મેં અનુભવ્યો છે. આ જીવનનો રસ શિરાએ શિરાએ વહેતો વહેતો બધું ડહોળી નાખે છે. નિસ્તરંગ શાન્તિની વાત મેં સાંભળી છે, પણ એ તો કપોલકલ્પિત છે. કોઈ વાર આવી નિ:શબ્દતામાં ઘેરાઈ જાઉં છું કે પાંપણનો પલકારો અથવા હૃદયનો ધબકારો પણ મને એમાંથી મુક્ત કરી શકતા નથી. શબ્દો ભેગા મળીને કાવતરું કરીને એક સામટા ભાગી છૂટે છે. કોઈક મને આશ્વાસન આપીને કહે છે, ‘આ તો આધ્યાત્મિક વિકાસની નિશાની છે. કુણ્ડલિની જાગૃત થવાની પૂર્વભૂમિકા છે.’ પણ મારો છંછેડાયેલો વિષાદ જ બ્રહ્મરન્ધ્ર તરફ આગળ વધી રહ્યો છે તે માત્ર હું જાણું છું.
ઘણી વાર ચાલતાં ચાલતાં એકાએક દિશા બદલી નાખવાનું મન થાય છે. મારું પોતાનું મન કોઈ અપરિચિત સહયાત્રીની જેમ મૂગું મૂગું મારી સાથે ઢસડાયા કરે છે. ધોળે દિવસે એકાએક કોઈક વાર અન્ધકારના બુગદામાં પ્રવેશી જાઉં છું ત્યારે મારું મન કશી દ્યુતિ દાખવતું નથી. જેવો હું શબ્દ બોલવાનો શરૂ કરું છું કે તરત જ મન પાછું એની જાળ કાંતવા માંડે છે. થોડી ક્ષણો સુધી તો હું તેની જ આ પ્રવૃત્તિને નિલિર્પ્ત બનીને જોઈ રહું છું પણ અસાવધતાની પળે એના તન્તુ મને ઘેરી વળે છે.
કોઈ વાર સાવ એકલો એકલો ચાલું છું. કોઈ વાર તો પવન સુધ્ધાં પાછળ રહી જાય છે. એકાદ વૃક્ષ આવે છે તો ઘડી થમ્ભી જઈને પવનની રાહ જોઉં છું. ચાલવાથી જ કશુંક રચાતું આવે છે એવી ભ્રમણા મને ચલાવ્યે રાખે છે. ગન્તવ્ય સ્થાનોનું ગણિત મારું કાચું જ રહ્યું છે. કોઈક સ્થળે જઈ ચઢ્યા પછી ભૂલ સમજાય છે. ઘણી વાર ભૂલનો આવો સમ્બન્ધ પાકો થઈ જવાની અણી પર હોય છે ને હું સાવધ બની જાઉં છું. પણ એ સાવધાની મને હંમેશાં બચાવી જ લે છે એવું નથી.
આ રચવા-બચવાની વાત પણ વળગણ બની બેસે તે પહેલાં એમાંથી છૂટી જવું જોઈએ, આંખો કેવળ જુએ, કાન કેવળ સાંભળે, એમાંથી કશું સારવે સાચવે નહિ તો કેવા હળવા થઈને જીવી શકાય! પણ રાતે બધું ઠરીઠામ થાય ત્યારે જોઉં તો કેટલી બધી જંજાળ વધી ચૂકી હોય છે! આથી મને એવા લોકોનો સંગ ગમે છે જેમની આંખોમાં પ્રશ્ન નથી હોતો, જેમના શ્વાસમાં કોઈ રહસ્યનો ભાર નથી હોતો, જેઓ એવું બોલે છે જે ન બોલ્યા જેવું જ નિરર્થક રહી શકે છે.
હું મને જે ભાર વળગ્યો છે તેને ચોરની જેમ સંતાડતો ફરું છું. લોકો ગ્લાનિનું જ ગૌરવ કરે છે એ વાત મારે ઉજ્જ્વળ સૂર્યની સાક્ષીએ ખોટી ઠેરવવી જ છે. ઘણી વાર મારા મૌને મારી ખોટી ચાડી ખાધી છે, ઘણી વાર મારી આંખો જ મારી વિરુદ્ધ ખોટી સાક્ષી આપી આવી છે. હાથ જે માગવાનું નથી તે માગવા માટે મારી જાણ બહાર લંબાયા છે. આ બધા કાવતરાખોરોથી ઘેરાઈને જીવવું એ જેવું તેવું સાહસ નથી!
પોતાની સાથે તન્મય થઈને રહેવું એ જ સૌથી અઘરી વાત છે. ઘણાં આત્મસંજ્ઞાનો લય સાધવો એને આધ્યાત્મિકતા કહે છે. હું તો લય કરતાં વિસ્તારને જ ઇષ્ટ ગણું. એ પ્રકારની ગતિ આપણને મૂંઝવે છે. આપણે જગતમાં બહાર છીએ ને વળી જેટલું ભેગું થયું તેટલું લઈને પાછા પોતાનામાં આવી જઈએ છીએ. આ બંને પ્રવૃત્તિ હંમેશાં સુસંગતિપૂર્ણ હોતી નથી. મોટે ભાગે બહિર્મુખ થવું આપણને રુચે એમ છે. પોતા તરફ પાછા વળવું એ જ ઘણી મુશ્કેલીનું કારણ બની રહે છે. સર્જકોને જે રોમેન્ટિક ઉદ્વેગ થતો હોય તેના મૂળમાં આ પરિસ્થિતિ જ રહેલી છે.
જાગતાંની સાથે જ આપણી આજુબાજુનું જગત આપણે ફરીથી રચી લેવાનું રહે છે. આથી બહારના લીમડા સાથે હું ફરીથી ઊગું છું. મારી ચેતનામાંથી નવા દિવસનું આકાશ હું રચી કાઢું છું. જેનું મૂળ મારામાં નથી તે જ પરાયું લાગે છે અને તે જ બધી સમસ્યા ઊભી કરે છે. આમ મારે ક્યાંક ઘનિષ્ઠ રીતે બહાર અને અન્દર સન્ધિસ્થાન રચવાનું રહે છે. છતાં બહાર અને અન્દર એ બે એક અને અભિન્ન બની જતાં નથી. તેથી જ તો કળા અને ધર્મને અવકાશ રહ્યો છે. બહાર નહિ જોયેલા એવા ભૂમિભાગો મારામાં ઊપસી આવે છે, નકશામાં જોયો નથી એવો પર્વત મારામાં માથું ઊંચકે છે, ચિદાકાશ થોડાં નવાં નક્ષત્રોની દ્યુતિથી ચમકતું દેખાય છે. આ બધું કેવળ મનમાં જ સમાઈને રહે તેવું હોતું નથી. એનાં પરિમાણો વિસ્તરે છે. આથી જ તો કવિતાની પંક્તિએ પંક્તિએ એક નવું જગત રચાતું આવે છે. આથી જ તો કવિતા વાંચતી વેળાએ આપણે પણ ચૌદ ભુવનના સ્વામીના જેવી સ્થિતિને અનુભવીએ છીએ.
જે માનવીએ કદી પોતાનું મુખ જોઈને ઓળખ્યું નથી તે મુખ મારામાં પ્રગટે છે. એ મુખ પછી હું એને જ પાછું સોંપું છું એવું નથી. જગતને પણ સોંપું છું. ઘણાંને જીવનભર શબ્દો જડતા જ નથી. મારી વાણીમાં એઓ એમના વણઉચ્ચારેલા શબ્દોનો રણકાર સાંભળે તો એક નવી આત્મીયતાની ભૂમિકા રચાય. આ રચવાની માયા આથી જ તો મિથ્યા કરીને ટાળી દઈ શકાય એવી વસ્તુ નથી.
હું જગતને લોભથી જોતો નથી. લોભનો દાબ વસ્તુને વરવી બનાવે છે. તેમ છતાં જગતના જે અંશ સાથે મારું સન્ધાન થતું નથી તે અંશ મારામાં થોડું, પોતાના અભાવનું શૂન્ય વિસ્તારી જાય છે. આવા વિસ્તરતા જતા શૂન્યને ભરી દેવાની અનિવાર્યતા જ મને કશુંક રચવાને પ્રેરે છે. પણ મારું રચેલું જે જગત મારામાં આત્મસાત્ થયા વિનાનું રહી ગયું છે તેની અવેજીમાં એ ચાલી જાય એવું હોતું નથી.
છતમાંથી ટીપાં હજી ટપક ટપક ટપકે છે. સિમેન્ટનાં ધાબાંવાળાં ઘરોમાં નેવ તો હોઈ શકે નહિ. કદાચ ભવિષ્યમાં આ ‘નેવ’ શબ્દ જ ભુંસાઈ જશે. ઘણી વાર હું મારા બાળપણની ભાષાના જગતમાં જઈને ઊભો રહું છું. જોઉં છું તો કેટલાક પરિચિત હવે અપરિચિત બની ગયા છે એટલે અંશે હું મારામાંથી જ બહિષ્કૃત થઈ ગયો એવું લાગે છે.
લીમડાઓની સ્નિગ્ધ સઘન ઘટા વાદળની મેદુરતાને ઘૂંટે છે. ઘાસનો રંગ ઘેરી લીલાશ પકડતો જાય છે. સૂર્ય કોઈ દેવકવિના વિષાદગ્રસ્ત ચિત્તમાંના પ્રકટ થવા મથી રહેલ શબ્દ જેવો લાગે છે. બે વૃષ્ટિ વચ્ચેનો આ ગાળો વિહ્વળ કરી મૂકે એવો છે. આગમનના ભણકારા વાગે છે. પવનને કાન સરવા કરીને સાંભળું છું, રખે ને ઈંગિતને ઓળખી નહિ શકાય! વાતાવરણમાં કશીક અસહ્ય સજાગતા છે જે કશાક નવા આરમ્ભની ભૂમિકા રચે છે.
11-8-80