કોઈ વાર એવું લાગે છે કે જાણે આખો દેશ મારામાં ઊગી નીકળે છે. વિષુવવૃત્તના કોઈ પણ અરણ્યથી વધુ નિબિડ હું બની ઊઠું છું. મન્દિરોનાં શિખરો અને ગોપુરમ્ મારામાં ઊંચે ઊંચે વધ્યે જાય છે. મારા શ્વાસોચ્છ્વાસમાં આરતી ટાણેના ઘણ્ટારવ રણકી ઊઠે છે. શતાબ્દીઓની સળ મારામાં ઉખેળાતી આવે છે. અનેક યુદ્ધોની રણભેરી મારામાં ગાજી ઊઠે છે. સંસ્કૃતિના ઉત્થાનપતનનાં આન્દોલનોથી હું વિક્ષુબ્ધ બની જાઉં છું .
બીજી જ ક્ષણે એ બધા ભવ્ય મહાલયોના ભંગારથી હું છવાઈ ગયેલો દેખાઉં છું. તુલસીક્યારામાંની તુલસી સુકાઈ ગઈ છે. દીવો બુઝાઈ ગયો છે. મન્દિરના ઘણ્ટમાં તડ પડી છે. દેવોના એ મહિમાન્વિત સ્થાનની જ પાસે સદીઓથી એ દેવોથી જ શોષાઈ ગયેલો ગંદો-ગોબરો, હાડપાંસળાં દેખાય એવો સુકલકડી માનવી હું જોઉં છું.
સમ્રાટોના મુકુટો રોળાઈ ગયા છે, મયૂરાસનો કાટથી ખવાઈ ગયાં છે. ક્યાંક ખણ્ડેર બનેલા કોઈ કિલ્લાની રાંગમાં પડેલી ફાંટમાંથી પીપળો ઊગી નીકળ્યો છે. એટલામાં જ ક્યાંક નિષ્પલક આંખે એકાદ ઘુવડ બેઠું બેઠું જોયા કરે છે. મારા શ્વાસને કદીક એનો પડછાયો સ્પર્શી જાય છે. હજીય ક્યાંક દૂરથી ગાયત્રી મન્ત્રના અપભ્રંશ ઉચ્ચારને ભ્રષ્ટ બાહ્મણોના મુખેથી હું સાંભળું છું . કોહી ગયેલા ફળ અને ચન્દનના ધૂપની ગન્ધથી હું ગૂંગળાઈ ઊઠું છું. એક સાથે અનેક પોથીઓનાં પાનાંઓને હું ઝંઝાવાતમાં ઊડતા જોઉં છું. કોઈકમાં મન્ત્રદ્રષ્ટા ઋષિની ઋચા છે તો કોઈકમાં મનુ ભગવાને કરેલી નારીનિન્દા છે; કોઈકમાં ભગવદ્ગીતાની સમન્વયવાણી છે તો કોઈકમાં કૌટિલ્યની કૂટ નીતિ છે. રાજવી ઐશ્વર્યના છાયડામાં ઊગેલી કવિતાની નાજુક લતાને ક્યારેક જોઉં છું, તો કોઈક વાર કાલપ્રિયનાથના મેળામાં ભવિષ્ય તરફ મીટ માંડીને એકલાઅટૂલા ઊભેલા, સમાનધર્માને શોધતા, ભવભૂતિને જોઉં છું. એ બધી વિદિશાઓ અને વસતીઓનો ભાર મારે ખભે ચંપાયેલો છે.
શબ્દોનાં અડાબીડ અરણ્યોને વીંધતો હું મહાદેવના ડમરુનાદ ભણી ધસ્યે જાઉં છું. સરસ્વતીનેય મેં મન્દિરમાં પૂરી દીધી છે. ત્યાં ન્યૂટનઆઇન્સ્ટાઇન કે સાર્ત્રકેમ્યૂને મેં પેસવા દીધા નથી. પોથી વાંચવાને બદલે મેં એને સરસ રેશમી વસ્ત્રમાં બાંધીને સાચવી રાખી છે. જૂનામાં જૂની પોથી કઈ છે તેની મને ખબર છે. હું કંકુ છાંટીને એની પૂજા કરું છું.
હિમાલયની ઉત્તુંગતાથી મેં મારા ગૌરવને દલિત થતું જોયું છે. કેટલીક વાર દીનથી પણ દીન અને હીનથી પણ હીન થવામાં મેં ગૌરવ અનુભવ્યું છે. ઈશ્વર સાથેનો સમ્બન્ધ સદીઓથી મેં દાતા અને યાચકનો જ રાખ્યો છે. ઈશ્વરનો મહિમા, એનું ઐશ્વર્ય મારી અકિંચિત્કરતાથી જ વધે છે એમ હું માનતો રહ્યો છું. હાસ્યને મેં ભક્તિનો પ્રકાર લેખ્યો છે.
રાજાઓની સવારી જોવાને, નેતાઓનું અભિવાદન કરવાને, મહન્તો અને મઠાધીશોની પાલખી ઊંચકવાને, મેં પડાપડી કરી છે. કોઈ પંગુનો મેં હાથ ઝાલ્યો નથી, કોઈ અન્ધને મેં દિશા બતાવી નથી. ભોંયરામાંના એક પટારામાં ખંભાતી તાળું મારીને મેં શું સાચવી રાખ્યું છે તેની મને ખબર નથી, પણ એને સાચવવાનો મારો પરમ ધર્મ સમજું છું.
લોકશાહીથી હું અકળાયો છું, વિપ્લવનો ધ્વજ ઝાલીને હું કદી સૂરજના અજવાળામાં ઊભો નથી. આતતાયીને સ્થાપવા માટે મેં ષડયન્ત્રો રચ્યાં છે ખરાં. જે સ્થાને હોઈશ ત્યાં મેં મારું વર્ચસ્ સ્થાપવાનો જ પ્રયત્ન કર્યો છે. શરણાગતિ સ્વીકાર્યા પછી મારી બુદ્ધિને સ્વતન્ત્રતાથી વિહરવા દીધી નથી. જ્ઞાનના વિપુલ જલરાશિ વચ્ચે, પૂર્વજોના તપનાં પુણ્યે કરીને, હું નિલિર્પ્ત રહી શક્યો છું. ષડ્દર્શનમાંથી જ્યારે જે વધુ અનુકૂળ લાગે છે તેને હું સ્વીકારું છું. કોઈ વાર ચાર્વાકને જ મેં મહાન ગણ્યો છે, તો કોઈક વાર અક્ષપાદ ગૌતમને.
દેવોની સંખ્યાને પણ હું વધારતો રહ્યો છું. નગરેનગરે મેં સન્તોને વસાવ્યા છે. કાલજયી મૃત્યુંજયની આરાધના કરવાને કારણે સમયના પરિવર્તનથી મારામાં કશું પરિવર્તન મેં થવા દીધું નથી. હું બુદ્ધ જેવો કૂટસ્થ અને અવિકારી છું. શબ્દના અર્થને હું માયાવી પ્રપંચ ગણું છું. મેં જ્ઞાન કરતાં નિષ્ઠા વધારવાને જ વધુ યોગ્ય ગણી છે.
મહાદેવ જો મને એમના પ્રાંગણમાં પોઠિયો બનાવીને બેસાડી દે તો સદીઓ સુધી હું બેસી રહેવા તૈયાર છું. સમુદ્રો અને પર્વતો ઓળંગવા માટે નથી એમ હું માનું છું. બિલીપત્ર, તુલસી, પીપળો, આસોપાલવ, આંબો – આ બધામાંથી મને ધર્મની મહેંક તરબતર કરી દે છે. એવું કશું પાપ નથી જેને ગંગોદકથી ધોઈ નાખી શકાય નહિ. હું રાખને અંગે ચોળવાને અને ચરણરજને માથે ચઢાવવાને ટેવાયેલો છું. પંખીઓના ટહુકામાં હું સામગાન સાંભળું છું. મારી ભક્તિ એવી છે કે તૃણાંકુર જોઈને પણ હું ગદ્ગદ થઈ જાઉં છું.
વિચાર નામે વિકાર છે, આથી વિચારહીન અવસ્થા મારે માટે કાવ્ય છે. જે બુદ્ધિ પરિચિત છે અને પરમ તત્ત્વનો તાગ કાઢી શકતી નથી તે બુદ્ધિવિકાસ મિથ્યા પુરુષાર્થ જ બની નથી રહેતો? વિદ્યાલયમાં કલાકના કલાક બેસીને ઉછીની આણેલી વિદ્યાનો જ્ઞાનદમ્ભીઓને મોઢે થતો શુકપાઠ સાંભળવા કરતાં મન્દિરના પવિત્ર વાતાવરણમાં પાંચ ક્ષણ બેસવું તે મારે મન વધુ મૂલ્યવાન છે.
દરિદ્રતાનાં હું રોદણાં રડતો નથી, ભગવાન માયામાંથી મુક્ત કરવા માટે જ દરિદ્રતા અને પ્રમાદનું વરદાન આપે છે. જેને શતાબ્દીઓ જૂની પરમ્પરાઓનું સમર્થન નથી તેના પર હું વિશ્વાસ શી રીતે રાખી શકું? વ્યક્તિવાદમાં હું માનતો નથી. સમષ્ટિમાં જ વ્યષ્ટિનો લય થવો જોઈએ. શબ્દ ઉદ્ભવે છે અને એની પરિણતિ, એનું પર્યવસાન લયમાં થાય છે. મન્ત્રનું રટણ એ લયની નિકટ લઈ જાય છે. આજે મારામાં મારો પુરાણપ્રાચીન દેશ આળસ મરડીને બેઠો થયો છે.
15-7-78