બાળપણમાં નથી લાગ્યો એટલો ભૂલા પડી જવાનો, ખોવાઈ જવાનો, ભય મને હવે લાગવા માંડ્યો છે. બાળપણમાં તો મારું એક જ સ્વરૂપ હતું. હવે જોઉં છું તો ધીમે ધીમે મારી આજુબાજુ મારું જ ટોળું ભેગું થઈ ગયું છે. કોઈક વાર હું લાંબા વખત સુધી કશું નથી બોલતો ત્યારે મારી સાથે વાતો કરનાર મારા આ મૌન વિશે જાતજાતની અટકળ કરતા હશે તે હું સમજી શકું છું. પણ ત્યારે મારી આજુબાજુ ઊભરાઈ ઊઠેલું મારું જ ટોળું એવો તો અશ્રુત ઘોંઘાટ કરતું હોય છે કે એ બધાં વચ્ચે હું મારો શબ્દ ઉચ્ચારવાનું સાહસ જ કરી શકતો નથી. કોઈક વાર સામે બેઠેલી વ્યક્તિને મારી આંખમાં એ ટોળાનું પ્રતિબિમ્બ દેખાતું હશે. ત્યારે હું કદાચ એને મારી ઉન્મત્તાવસ્થાના કેન્દ્રમાં પ્રતિષ્ઠિત થયેલો લાગતો હોઈશ.
આ પરિસ્થિતિને કારણે મારે મન ‘એકાન્ત’ શબ્દનો કશો અર્થ રહ્યો નથી. હું એકલો પડી જાઉં છું ત્યારે મારાં આ સ્વરૂપોથી ઘેરાઈ જાઉં છું. એ બધાંને મેં ક્યારેક ને ક્યારેક પાછળ હડસેલી દીધાં છે. જીવનમાં એવા પ્રસંગો તો ઘણા આવ્યા જ્યારે સ્વાભાવિક રીતે મારું જે સ્વરૂપ પ્રકટ થતું હોય તેને પ્રકટ થવા દેવાનું મને પરવડ્યું નહિ હોય. આ જીવન આપણને અહિંસક થવા દે એવું છે જ ક્યાં? આ જાતને જ ક્રૂરતાથી હડસેલી દઈને આગળ વધવાના પ્રસંગો તો આવ્યા જ કરે છે. મારી પ્રત્યે જ સૌથી વધુ નિષ્ઠુર બનીને મારે વર્તવું પડ્યું છે. એ હું આત્મપીડનમાં રાચું છું એટલા માટે નહિ. મારી કાયરતા પણ એને માટે કારણભૂત નથી. જગતની વ્યવસ્થા (અથવા અવ્યવસ્થા) જ એવી છે કે ખોળિયું એક અને એમાં વસનારા જીવ ઘણા! પશ્ચાદ્ભૂમિમાં ધકેલી દીધેલાં આ મારાં સ્વરૂપો એક નવો જ સમય રચે છે. આથી જ તો કેટલીક વાર ભૂતકાળની કોઈક વિદાય વેળાનાં આંસુ, હું ગમ્ભીરપણે અધિકારીની અદાથી ખુરશી પર બેઠો હોઉં છું ત્યારે આંખમાં ધસી આવે છે. કેટલીક વાર ઉચ્ચારાતા શબ્દોની પાછળ, આજે જે શબ્દોનો મારે મન પણ કશો અર્થ નથી રહ્યો એવા બીજા શબ્દોનું ટોળું ઝળુમ્બી રહ્યું હોય છે. આથી હું હેબતાઈને મૂંગો જ રહી જાઉં છું. અહીં તો જાહેર વ્યાખ્યાનમાં જ કેમ્યૂ કે સાર્ત્રનું નામ દઈને જીવનની બેહૂદી અસંગતિની વાત ઘડીભર શ્રોતાઓનું મન બહેલાવવા કરી શકાય. પણ મારે તો મારાં જ આ સ્વરૂપો ક્ષણેક્ષણે જે અસંગતિ ઊભી કરી દે તેની સામે સાવધ રહીને ઝૂઝવું પડે.
કોઈ વાર આ ટોળાંનું વજન મારા એક શબ્દ પર તોળાઈ રહે છે અને સામાન્ય સાદોસીધો શબ્દ એક પ્રચણ્ડ ઉદ્ઘોષ બની રહે છે. વર્તમાન સન્દર્ભમાં જે સાભિપ્રાય લાગે તેને એમાંથી ઊંચકીને જુદા જ સન્દર્ભમાં મૂકી દેતાં હું એકાએક વાક્ય અર્ધેથી હાંફળોફાંફળો તોડી નાખું છું, જોઉં છું તો મારા ગદ્યમાં ઘણી બખોલો છે. એ એકેએક બખોલ મોટું ભયસ્થાન છે. એમાંથી કેવા પ્રકારનું આક્રમણ થશે તે હું કલ્પી શકતો નથી. આથી જ તો ભાષા પર કડક નજર રાખ્યા કરવી પડે છે. શિસ્તનો દાબ વધતો જાય છે. પણ કોઈક વાર, અણધાર્યા જ, કોઈક અજાણી ક્ષણે, નહિ ઉચ્ચારી શકાયેલા પણ તક જોઈને તૂટી પડવા તત્પર એવા, શબ્દો અર્થ પર તરાપ મારીને તૂટી પડે છે. અર્થનાં ચીંથરાં ઉડાવી દે છે. પછી કોઈ ભોળપણથી એમાં ગુહ્યા અર્થનું આરોપણ કરે છે તો મને હસવું આવે છે. આ આક્રમણોનો ઇતિહાસ મારી ભાષા ઉપાડતી આવે છે. આથી વૃક્ષને જેમ પાંદડાં ફૂટે તેમ હવે શબ્દો ફૂટતા નથી.
કોઈ વાર બોલતો હોઉં છું આનન્દની વાત અને આંખમાં કરુણતાનો ભાવ છવાઈ જાય છે. આથી જ તો મને મારી આંખો પર પણ ભરોસો નથી. એ મને જ બતાવશે એવી વફાદારીની અપેક્ષા હવે હું એની પાસેથી રાખતો નથી. આથી આંખ નીચી રાખીને અપરાધીની જેમ બોલવાની મને ટેવ પડી ગઈ છે. કોઈ વાર ભ્રાન્તિ એવી તો પ્રબળ બની ઊઠે છે કે હું મારા સત્યની ઠેકડી ઉડાવવા ઉત્સાહિત થઈ જાઉં છું. આને લોકો મારી મારા પ્રત્યેની નિર્મમતા કહીને બિરદાવે છે!
મારી આજુબાજુ વીંટળાઈ વળેલાં મારાં જ તિરસ્કૃત સ્વરૂપનાં ટોળાને હું ધારી ધારીને જોયા કરવા સિવાય બીજી કશી પ્રવૃત્તિ કરી શકતો નથી. એથી કોઈ વાર મારા કામનો હિસાબ માગનારા મને આળસુ લેખે છે. પણ હિસાબ બધા ઊંધા વળી ગયા છે તે હું શી રીતે સમજાવું? એ ટોળામાંથી એકાદ ચહેરો મારું ધ્યાન ખેંચે છે. અત્યારે જે ચહેરો મેં ધારણ કર્યો છે તેને સ્થાને એ ચહેરો હોત તો કેવું! – એવી લાગણી પણ થાય છે. પણ કેટલીક વાર હું જ મને એવો તો અજાણ્યો લાગવા માંડું છું કે મારા જ ખોળિયામાં રહેતો હોવા છતાં, હું જાણે પારકા દેહમાં વસતો હોઉં એવી અપરાધવૃત્તિ મને પીડવા લાગે છે. મને એક જ ચિન્તા થાય છે : જ્યારે મારું અસ્તિત્વ નહિ હોય ત્યારે આ બધાનું શું થશે? એ બધાને પોતાના ગણીને આશ્રય આપનાર કોઈ હશે ખરું? પણ મારી આ ચિન્તાની પણ એ બધાં હાંસી ઉડાવે છે. આથી હું મારી ગમ્ભીરતાના ભારથી કચડાતો બેસી રહું છું.
25-5-78