પરિવર્તનોની લીલા

હું જાણું છું કે અત્યારે ઇતિહાસની મહાન ઘટનાઓ બની રહી છે. મહાન ઘટનાઓ બનતી હતી તે દરમિયાન અને વિભૂતિઓના સમકાલીન બનીને આપણામાંનાં ઘણાં જીવી રહ્યાં છીએ. તેમ છતાં, જેમ જેમ સમય વીતતો જાય છે તેમ તેમ, મને જે ક્ષણિક છે તેમાં વધારે રસ પડતો જાય છે. ઊગમણી બારીના શિરીષની ડાળ પર ઘડીક બેસીને ઊડી જતો સક્કરખોર, વાડમાં લહેકાતો લહેકાતો ચાલતો ભારદ્વાજ મારું ધ્યાન ખેંચે છે. મારા હાથમાં પીળાં પડી ગયેલાં પાનાંવાળી ચોપડી છે. એમાં ગઈ સદીના એક કવિની કવિતા છે તે હું વાંચતો હતો. પણ સક્કરખોરના ઊડવા સાથે એ પીળાં પાનાં પરની કવિતાની પંક્તિઓને પણ જાણે પાંખ આવી. એ પંક્તિઓ પણ ઊડી ગઈ.

ઘણી વાર જે ક્ષણિક છે તે જ મને કશીક સમાધિની સ્થિતિમાં મૂકી દે છે. એથી કશાક બૃહત્ સાથે મારું અનુસન્ધાન થાય છે એવો મારો દાવો નથી. નાહવાની ઓરડીમાં હું નળને જોઈ રહ્યો હતો. નળ બંધ હતો ત્યાં ધીમે ધીમે શ્રમિકના કપાળે પરસેવાનું ટીપું ઝમે તેમ, એના મુખ આગળ એક ટીપું બંધાયું. ટીપાંનો પારદર્શક દેહ બંધાયો કે તરત જ સૂર્ય એમાં વસવા ઊતરી આવ્યો, પાસેની બારી પણ એ ટીપામાં ખુલી ગઈ. ત્યાં તરત જ એ ટીપું ભાંગી ગયું. સૂર્ય ભાગી છૂટ્યો, બારી એને સ્થાને યથાવત્ સ્થિર થઈ ગઈ પણ આ બધું બન્યું તે દરમિયાનની એ એક ક્ષણમાં હું પૂરો ઓતપ્રોત થઈ ગયો. એટલી ક્ષણ પૂરતો હું જે બનતું હતું તેની સાથે પૂરેપૂરો તદાકાર થઈ ગયો. એક માર્ગ છે ઔદાસીન્યનો. તમે જે કાંઈ બની રહ્યું છે તેનાથી નિલિર્પ્ત બની રહો. પણ બીજો માર્ગ છે તાદાત્મ્યનો – એમાં દિલચોરી નહીં, જે બને છે તેમાં પૂરેપૂરા અનુસ્યૂત થઈને રહેવું. મને બીજો માર્ગ વધારે ફાવે છે. જેમ બધાંમાં ઓતપ્રોત થતા જઈએ તેમ અહંકારની માત્રા પણ ઘટતી જાય, સ્વનો અનુચિત દાબ પણ ઘટતો જાય, એક પ્રકારની હળવાશનો સુખદ અનુભવ થાય.

જીવનમાં રસ લઈએ તો જ આપણો આપણે વિશેનો પણ સાચો રસ જાગે. પણ ફિલસૂફીનો કે દાર્શનિકતાનો એક દુરુપયોગ આપણા સમાજમાં થઈ રહ્યો છે. એથી જીવનને આપણે તુચ્છ ગણતાં થઈ જઈએ છીએ. એમાં પ્રવૃત્ત થવાનું જાણે અનિષ્ટકર છે એમ આપણે માનીએ છીએ. આથી જ્ઞાન વધતું હશે, પણ રસ વધતો નથી. જીવન શુષ્ક બની જાય છે. આથી અકાળે બધા વેગળા થઈને બેસે છે. પણ આ વેગળાપણું હમેશાં નિલિર્પ્તતાનું દ્યોતક હોતું નથી. ઊલટાનું, મોટે ભાગે એ પ્રમાદનું જ કારણ હોય છે.

મોટી પ્રાપ્તિ, મોટું કાર્ય, ઝાઝો લાભ, ઝાઝી કીર્તિ અને આ બધાંને અન્તે અમરતા – આ આખો ઉદ્યમ સરવાળે તો ક્લેશકર નીવડે છે. એનો ભાર ઉતારી નાખવા જેટલી નિ:સ્પૃહતા કેળવવી ઘટે. આથી ફૂલને ખીલતું જોવું એ એક મહાકાવ્ય રચવા જેટલું જ ઉત્તમ કાર્ય છે એમ હું માનું છું… મારી ઓરડીની ભીંત પર જૂઈની વેલના પડછાયાની ભાત, પવનથી ફરફરતી ચકલીની પાંખ, તાર પર બેઠેલા પતરંગાની એકાગ્રતા – આ મારે મન તો એકસરખી ઘટનાઓ. મહાન ઘટનાઓની પાછળ જ દોટ મૂકવાથી આપણે જીવનમાંનું ઘણું બધું જોઈ જ શકતા નથી. એ બધું જીવનમાંથી બાદ થઈ જાય છે અને એની ખોટ પણ આપણે અનુભવતા નથી. એટલે અંશે આપણે જીવનને જ ખોઈ બેસીએ છીએ. દરરોજ સૂર્ય ઊગે છે, છતાં પૂર્વમાં દરરોજ એનો નવો સમારમ્ભ યોજાય છે. એનો એ પવન દરરોજ વાય છે, પણ ક્ષણે ક્ષણે એના સ્પર્શનું સુખ બદલાયા કરે છે. ક્ષણે ક્ષણે તડકાછાયાની ભાત બદલાયા કરે છે. આકાશ શૂન્યાકાર છે. છતાં એની મુદ્રા પણ બદલાયા કરે છે.

આ પરિવર્તનોની લીલા જ આપણી પૃથ્વીનું વ્યાવર્તક તત્ત્વ છે. સ્વર્ગમાં તો બધું સદા એક જ સ્થિતિમાં રહે છે. આપણા લોહીમાં શાશ્વત માટેનો લોભ ઈશ્વરે મૂકી દીધો છે. એથી આપણે ઈશ્વરસદૃશ થવાની ઘેલછાને વશ થઈએ છીએ. પણ પૃથ્વીમાં તો પરિવર્તનના લયનું જ સંગીત રેલાઈ રહ્યું છે. ત્યાં કૂટસ્થ અવિકારી અવ્યયનો મહિમા કરવાનો કશો અર્થ ખરો?

અવિચલિત ગમ્ભીર માનવીને જોઉં છું ત્યારે મને સુખ થતું નથી. ક્યાંક કશો ભાર એને પીડી રહ્યો હશે એવી હું કલ્પના કરું છું. એ ભાર આખરે અમરતાનો લોભ બને છે, એમાંથી મૃત્યુનો ભય ઊભો થાય છે. ‘પ્રકૃતિને જો જોતા રહીએ તો આ વિભીષિકામાંથી મુક્ત થઈ જઈએ. લીમડાંનાં પીળાં પાંદડાં ખરે છે, ક્યાંય કશો નિ:શ્વાસ સંભળાતો નથી. પવનમાં સેલારા મારીને એ નીચે નિ:શબ્દ બનીને પડે છે. એ જોવામાં હું મગ્ન થઈ જાઉં છું. પાણીમાં પાણીનું બિન્દુ અશબ્દ બનીને ભળી જાય છે. એ જોવું ખરેખર મને રોમાંચક લાગે છે. બારીમાંથી દૂરનું દેખાતું ક્ષિતિજવલય જોઈ રહેવું એ પણ એક અદ્ભુત અનુભવ છે. જુદા જુદા પ્રકારના માનવીઓની ચેષ્ટાઓ જોયા કરવી, એમની ચાલવાની શૈલીની વિભિન્નતાઓ નોંધવી, એમના શબ્દો સાંભળ્યા વિના એમની બદલાતી મુખમુદ્રાઓને જોઈ રહેવું – આ ભારે રસભરી પ્રવૃત્તિ છે.

ભૂમિભારને હળવેથી ખસેડીને આકાશ સાથે દૃષ્ટોદૃષ્ટ મેળવવા મથી રહેલું તૃણાંકુર અને રાત વેળાએ આકાશમાં ઝગી રહેલું નક્ષત્ર – આ બે વચ્ચેનું સમસ્ત વિશ્વ મારા આશ્ચર્યનો વિષય છે. જળનો જુદો જુદો સ્પર્શાનુભવ કરવો, વૃક્ષોની પવન સાથેની સમ્બન્ધલીલાને જોયા કરવી, પંખીઓની પ્રવૃત્તિઓને નિહાળવી, અરે, જન્તુઓના ઉદ્યમનું નિરીક્ષણ કરવું – આમાંનું કશું તુચ્છ નથી. ભગવાનને ‘રસો વૈ સ:’ એમ કહીને વર્ણવ્યો છે. મારો વૈષ્ણવ કે શૈવ સમ્પ્રદાય નથી, હું કેવળ રસસંપ્રદાયનો જ છું.

લીમડાનાં પાંદડાંમાંથી ચળાઈને આવતી ચાંદનીની ભાત મારી કાયા પર પડે છે અને હું એકાએક કોઈ અલૌકિક પદાર્થ બની રહું છું. એક અજાણ્યો હર્ષાવેશ મને પુલકિત કરી જાય છે. આવી જ રીતે નીરન્ધ્ર અન્ધકારની સઘનતાને દૃષ્ટિથી ભેદીને જોવાનો પ્રયત્ન મને આનન્દ આપે છે. આવી કશીક હઠીલી આનન્દપ્રિયતા જીવનના પ્રત્યેક દિવસને ઉત્સવ બનાવી મૂકે છે.

24-12-77

License

પ્રથમ પુરુષ એકવચન Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.