વાર્તાની વાર્તા

હું એને કહું છું એષા. એ એનું સાચું નામ નથી, કોઈ નામને ‘સાચું’ થતાં કેટલો વખત લાગતો હશે? આમ તો એ ઘણી વાર મારે ત્યાં આવે છે. છતાં મેં એની સાથે ભાગ્યે જ વાત કરી હશે. એના મોઢા પર હંમેશાં કાંઈક આવો ભાવ હોય છે: ‘હું અહીં જ છું, પણ મારા તરફ ખાસ ધ્યાન આપશો નહીં.’ કોઈ પણ સન્દર્ભની સીમાની એ બહાર રહેવા ઇચ્છે છે. પહેલી વાર એને જોઈ ત્યારથી આટલું હું સમજી ગયો છું. આથી જ આજે પહેલી વાર એણે મને કહ્યું કે ચાલો ને, એક વાર્તા લખીએ, ત્યારે ઘડીભર હું એને જોતો જ રહી ગયો. થોડી વાર તો એ પણ અસાવધ બનીને મને જોઈ રહી. પછી એ જાણે એકાએક ભાનમાં આવીને નીચું જોઈ ગઈ. નીચલા હોઠને ઉપલા હોઠથી દાબી દીધો, કોઈએ જાણે આજ્ઞા કરી હોય તેમ એના હાથમાંના રૂમાલની ગડી વાળવા લાગી, ગડી વાળીને એને ઉકેલી નાખીને ફરી ગડી વાળતી રહી. આમ કરતાં કરતાં વચમાં સહેજ આંખ ઊંચી કરીને મને જોઈ લેતી. મને એની આ અસ્વસ્થતા થોડી વાર સુધી જોઈ લેવાનો લોભ લાગ્યો. આથી હું પણ થોડી વાર સુધી કશું બોલ્યો નહીં. પછી એણે એકાએક એની કાંડાઘડિયાળ તરફ જોઈને કહ્યું: ‘સાડાત્રણે તો મારે જવાનું છે.’ મેં જોયું તો સાડાત્રણમાં પાંચેક મિનિટ બાકી હતી. હું સમજી ગયો. એ ફરી સન્દર્ભની બહાર છટકી જવા ઇચ્છે છે. મનેય કોણ જાણે શું સૂઝ્યું તે મેં એને રોકી નહીં. એ ઊઠીને ઊભી થઈ. બારીની પાળ પરની ચોપડીની થપ્પી પરની ધૂળ ઝાટકતી બોલી: ‘આ ચોપડીઓ મહિનાથી આમ ને આમ પડી છે ખરું ને’? પછી નાનું બાળક કુતૂહલથી ચિત્રો જોતું હોય તેમ એ ચોપડીનાં પાનાં ઉથલાવીને જોવા લાગી. મેં એને કહ્યું: ‘જો, સાડાત્રણ તો થઈ ગયા.’ આ સાંભળીને ચોપડી મૂકી દઈને એ મારી સામે આવીને ઊભી રહી ને બોલી: ‘તમારે મને કાઢી મૂકવી છે?’ મેં કહ્યું: ‘જો કોઈ તારી રાહ જોતું હોય તે મને ગાળ દે તો?’

એણે સામેથી પૂછયું: ‘તો?’

મેં કહ્યું: ‘હું બોલું તેનો જ પડઘો પાડવાથી વાર્તા નહિ લખાય.’

આ સાંભળી મનમાં કશોક નિશ્ચય કરીને એ બેસી પડી. પછી કહ્યું: ‘બોલો પહેલું વાક્ય.’

હું બોલ્યો: ‘એક હતો રાજા.’

હું એ રાજાની માનીતી ને અણમાનીતી રાણીઓ સુધી પહોંચું તે પહેલાં જ એણે મને અટકાવી દીધો ને જાણે મારું ખોટું વાક્ય સુધારતી હોય એવી અદાથી બોલી ઊઠી: ‘ના, એક હતી કન્યા.’ પછી મને કહ્યું: ‘હવે તમારો વારો. બોલો, એની વય કેટલી હશે?’ એ જાણે મને એની પોતાની વય વિશે જ પૂછી રહી હતી. એના મુખની રેખા પરથી વય પારખવાનો હું પ્રયત્ન કરતો હતો તે એ કળી ગઈ. આથી એ કોઈ નબળા વિદ્યાર્થીને ઠપકો આપતી હોય તેમ બોલી: ‘તમે શું ધૂળ લેખક થયા છો? એક વાક્ય ઉમેરતાં તો આટલી બધી વાર લાગે છે!’

એનો આ ટોણો સાંભળીને મને મારી શક્તિ પુરવાર કરવાની ચાનક ચઢી. આથી હું એના પર પ્રભાવ પાડવાની ઇચ્છાથી બોલ્યો: ‘એના ચરણની વય તે ઝરણાની વય, એના હૃદયની વય તે ઝંઝાવાતની વય, ને એની આંખોની વય તે એક આંસુની વય…’

આ સાંભળીને તે હસી પડી. હું સહેજ ઝાંખો પડી ગયો. એ હસવાનું માંડ ખાળીને બોલી: ‘કોઈ મૂરતિયો મારી વય વિશે પૂછે ને તમે આવો જવાબ આપો તો તો હું કુંવારી જ રહી જાઉં ને!’

મેં કંઈક સ્વસ્થ થવાનો પ્રયત્ન કરતાં કહ્યું: ‘આજ કાલના મૂરતિયાની કન્યાની વય જાણવાની રીત બહુ જુદી હોય છે.’

મારું એ વાક્ય જાણે એણે સાંભળ્યું જ નહિ હોય એમ એણે અધીરાઈથી મને કહ્યું: ‘વારુ, પછી?’ મેં કહ્યું:’કન્યા છે, એટલે યુવક તો હોવાનો જ.’

એણે કહ્યું: ‘હું તમને પ્રેમકથા લખવાની ફરજ પાડતી નથી, ને કન્યા યુવક વગર જીવી જ ન શકે એવું થોડું છે?’

આ બોલતાં બોલતાં એનો અવાજ બદલાઈ ગયો. એ અવાજમાં રોષ ન હતો, પણ બીજું કશુંક હતું. એને ‘કશુંક’ સિવાય બીજી કોઈ રીતે વર્ણવતાં મને આવડતું નથી. જો થોડી ક્ષણ વધુ મૌન રહે તો કદાચ એ પોતાના પરનો કાબૂ ખોઈ બેસે એવી બીકથી મેં આગળ ચલાવ્યું: ‘ના, મારેય તે પ્રેમ જોડે સમ્બન્ધ નથી, કથા જોડે છે. તેમ છતાં યુવકને મૂકી તો જોઈએ, જોઈએ વારુ, શું થાય છે?’ ઉદાર બનવાનો અભિનય કરતી એ બોલી: ‘લાવો યુવક, મારી મંજૂરી છે.’ મેં કહ્યું: ‘વારુ. યુવક તો હાજર જ છે. એનું કાંઈક નામ તો રાખીશું ને?’

એ જાણે હોઠ પર નામ ગોઠવતી હોય તેમ થોડી વાર સુધી બેસી રહી. પછી કહ્યું: ‘આપણે તો લક્ષણ પ્રમાણે નામ પાડીશું. પહેલાં એનાં લક્ષણ તો જણાવા દો.’

મેં કહ્યું: ‘વારુ, પણ હવે એનું વર્ણન કરવાનો તારો વારો.’ પહેલાં તો એ ઉત્સાહપૂર્વક બોલવા ગઈ: ‘એમ માની લો ને કે એ…’ પછી પોતાના ભોળપણ પર જ રોષે ભરાઈને એ અટકી પડી. માથું ધુણાવીને બોલી: ‘યુવકની વાત હું શું જાણું?’

મેં કહ્યું: ‘યુવકો વિશે નહીં, પણ યુવક વિષે તું કશું જ જાણતી નથી એમ કહેવા જેટલી બાઘાઈ મારામાં નથી. છતાં, તને વર્ણન કરતાં કરતાં જ પકડાઈ જવાની બીક હોય તો તને એવી મૂંઝવણભરી પરિસ્થિતિમાંથી બચાવી લેવા ખાતર જ હું વર્ણન કરીશ.’ આ સાંભળીને એ રોષે ભરાશે એમ મેં માનેલું, પણ એ તો અધીરાઈભર્યા વિસ્મયથી આંખો માંડીને હું શું કહું છું તે સાંભળવા તત્પર બની રહી. મેં એને ચીઢવવા ખાતર જ કહ્યું: ‘એને ગોરો તો નહિ કહી શકાય, પણ…’ એ એકદમ મને અટકાવી દઈને બોલી: ‘ના.’

મેં કહ્યું: ‘વારુ. એ ખૂબ ગોરો ગોરો હતો, પુરુષ છતાં એની કાયા નાજુક, હોઠ ગુલાબની પાંખડી જેવા, આંખમાં કાજળ…’ એ કૃત્રિમ રોષથી બોલી ઊઠી: ‘ બસ, આટલું બસ થશે. તમારી બધી કવિતા એના પર ઢોળી દેશો તો પછી પેલી બિચારી કન્યાનું શું થશે?’

મેં કહ્યું: ‘જો, આપણે આ વાર્તામાં બેથી વધારે પાત્ર લાવવા નથી. બોલ, તું કયા પાત્રની જવાબદારી લે છે?’

એ બોલી: ‘તમે મોટા લેખક થયા છો તે જવાબદારી તો તમારી જ. તમારી અણઆવડત જ્યાં ઉઘાડી પડી જતી લાગશે ત્યાં હું દયા લાવીને થોડી મદદ કરીશ.’ આ એ એવા તો ઠસ્સાથી બોલી કે હું ખરેખર સહેજ વાર તો ગભરાઈ જ ગયો. પછી મને થોડી સૂચના આપતી હોય તેમ બોલી: ‘જુઓ કોલેજની કશી વાત લાવશો નહિ. એ બધું તો ક્યારનું પતી ગયું છે.’

મેં કહ્યું: ‘તો એમનું મિલન ક્યાં ગોઠવીશું?’

એ ધૂંધવાઈને બોલી ઊઠી: ‘તમેય તે કેવી રેઢિયાળ વાત કરો છો? હું કહું છું ને કે એ બધું તો ક્યારનું પતી ગયું. હવે કન્યા અભિસારે જવા નથી નીકળતી. એ યુવક પોતે ના પાડે તે પહેલાં એને ના કહી દેવાની તૈયારી કરીને એને મળવા જવા નીકળી છે. હવે ચલાવો આગળ.’

પ્રથમ મિલનની ક્ષણની મનોરમ કલ્પનાઓ ભાંગી પડી. મારે બધી કવિતાને સંકેલી લેવી પડી. તેમ છતાં મેં શરૂ કર્યું:

‘ઉનાળાની બપોરે ઘરમાં બધાં જ આડે પડખે થયાં હતાં. થોડી વાર સુધી તો એ પણ આંખ બંધ કરીને પડી રહી. પછી અકળાઈ ઊઠીને એ બેઠી થઈ. ટેબલના ખાનામાંથી ડાયરી કાઢી… ‘

ત્યાં એકદમ મને અટકાવીને એ બોલી ઊઠી: ‘ના, ના. નબળા લેખકો જ ડાયરીનો ઉપયોગ કરીને ભૂતકાળનો ઢગલો વાળે છે. આ કન્યા ડાયરી લખતી નથી. પત્રો હતા તેનો પણ એણે નિકાલ કરી દીધો છે. હવે આગળ ચાલો.’

મારું કામ વિકટ બનતું જતું હતું. પણ હિંમત રાખીને હું આગળ વધ્યો: ‘પછી અકળાઈ ઊઠીને એ બેઠી થઈ. બારી પાસે જઈને ઊભી રહી.’ આ સાંભળીને એ હસી પડી. મેં ધૂંધવાઈને પૂછ્યું. ‘ કેમ, એમાં હસવું કેમ આવ્યું?’

એ બોલી: ‘તમારી વાર્તાની નાયિકાઓને બારી પાસે ઊભા રહેવાની બહુ ટેવ છે, નહિ?’

મેં એને ચીઢવવા માટે કહ્યું: ‘બારી અને ઝરૂખા નહિ હોય તો સ્ત્રી શું કરે? હજી એ બન્ધનમાં છે. ઉમ્બર ઓળંગતાં પહેલાં એને કેટલાય પ્રશ્નો ઓળંગવા પડતા હોય છે!’

એ ઠાવકું મોઢું રાખીને બોલી: ‘સમસ્ત નારી જાતિ વતી તમારો આભાર માનું છું. હં, પછી?’

મેં આગળ ચલાવ્યું: એ બારી પાસે જઈને ઊભી રહી. બહારના આકરા તાપથી એની આંખ ઝંખવાઈ ગઈ. એણે ગળા આગળની બ્લાઉઝની કોરને સહેજ આંગળીથી ઊંચી કરી ને સાડીના છેડાથી પવન નાખવા લાગી. પછી એ ઠંડા પાણીથી મોઢું ધોઈ આવી. દર્પણ પાસે ઊભી રહી પોતાને જોવા લાગી. એને યાદ આવ્યું. આંગળીના ટેરવાને કરડી લેવાની એને (એટલે કે યુવકને) કેવી વિચિત્ર ટેવ હતી! એ વખતે એના મોઢામાંથી હળવો સિસકારો નીકળી જતો. એ સાંભળવા ખાતર જ એ આવું કરતો. એને એમ કરતો અટકાવવા જતાં એને ઉઝરડો પડી ગયો હતો તે જોઈને એની આંખમાં કેવાં આંસુ આવી ગયાં હતાં! ત્યાર પછી એણે જીદ પકડી હતી, ને વારે વારે એ નખને ન વધારવાનું કહેતો હતો. પણ એણેય સામે એવી જ જીદ પકડીને કહ્યું હતું: ‘પુરુષોથી બચવા માટે સ્ત્રી પાસે આટલું શસ્ત્ર તો રહેવા જ દેવું જોઈએ ને!’

ઘડીભર એની વાળની લટને આંગળીએ ગૂંચવતી એ ઊભી રહી ગઈ. પછી એણે તૈયારી કરવા માંડી. સૌૈથી પહેલું કામ તો બહાર જવાને માટેનાં બહાનાંની શોધ કરવાનું હતું. એક રીતે આજે જાણે એને માથેથી મોટો ભાર ઊતરી ગયાની એ નિરાંત અનુભવતી હતી, પણ પછી તરત જ જાણી કરીને જે વેદનાનો ભાર એ વહોરી લેવાની હતી તેનો ખ્યાલ આવતાં જ…’

અહીં મને અટકાવીને એ બોલી ઊઠી: ‘જુઓ, જરા સાવધ રહેજો, નહિ તો લાગણીવેડામાં સરી પડવાનો ભય રહે છે. એને જલદી બહાનું શોધીને બહાર કાઢો ને!’

મેં ફરી હિંમત એકઠી કરીને શરૂ કર્યું:

‘એની મોટી બહેનનું મંગળસૂત્ર પહેરીને એ જતી ત્યારે એ ખૂબ અકળાતો. એક વાર એ ખૂબ રોષે ભરાયો હતો ને કારણ જાણવાની જીદ કરતો હતો ત્યારે એણે કહી દીધું હતું: ‘હું મનમાં ને મનમાં કોઈને પરણી બેઠી હોઉં તો?’ આજે પણ જાણી કરીને એણે મંગળસૂત્ર પહેર્યું. સાડી પહેરવાની અનેક રીતે એ જાણતી. અમુક રીતે પહેરતાં એ સાવ નાની લાગતી, તો કેટલીક વાર એ સાડી એવી રીતે પહેરતી કે એ ભારે ગંભીર અને ઠરેલ લાગતી. આજે કોણ જાણે શા ઉમળકાથી એ નટખટ દેખાવાને સાજ સજી રહી હતી. એ જે કહેવા જતી હતી તેને પંખીના પીછાની જેમ, ફૂલની ફોરમની જેમ એ ઉરાડી દેવા ઇચ્છતી હતી. ક્યાંય એનો સહેજ સરખો દાબ વરતાય એમ એ ઇચ્છતી નહોતી. એની આંખોને એ દિવાળી ઘોડાની જેમ નચાવતી હતી…’

એ મને વચ્ચેથી અટકાવીને બોલી: ‘કવિતાઈ ને વેવલાવેડા શરૂ થયા.’

હું મનમાં તો ચીઢાયો. પણ પછી વાત આગળ ચલાવી: ‘એ લટ ગૂંથી રહેવા આવી હતી ત્યાં જ એની બાએ પૂછ્યું; ‘કેમ, ક્યાં ઊપડી? એણે તરત જવાબ દઈ દીધો: ‘જયશ્રી કાલે મુંબઈ જવાની છે ને, એને મળવા.’ જયશ્રીના ભાઈ જોડે એના વિવાહ કરવાની પેરવીમાં જ બા હતી. એ જાણીને જ એણે આ કહ્યું. બાએ વાંધો લીધો નહિ. ત્રણ વાગે મળવાનું નક્કી કર્યું હતું. હજી પંદર મિનિટ બાકી હતી. એ નીકળી, બળબળતા બપોર હતા. લાલચટ્ટક ગુલમોર ખીલ્યા હતા. એણે ગૂંથેલી મોગરાની વેણી પણ કરમાઈ જતી હતી. એની આંખો બળતી હતી. એક વાર એણે જ વંચાવેલી પેલી પંક્તિઓ યાદ આવી: One should always end a love affair in summer, when one’s soial life is at an ebb, and the sun is shining. Sunlight provides the excuse for dark glasses to hide swollen eyelids, and permits the important events of one’s life to take place unwitnessed as in Greek tragedy. એણે વેનિટીપર્સમાંથી ગોગલ્સ કાઢ્યા. પણ ગોગલ્સ પહેરવાનું એને ગમતું નહોતું. ચારે બાજુ એક પણ વૃક્ષની છાયા વિનાનો બળબળતો વિસ્તાર હતો. એમાં એણે કલ્પનાથી એક રણદ્વીપ સરજી લીધો: શીતળ જળ, વૃક્ષની છાયા, પંખીનો ટહુકો, હૃદયનો પ્રત્યુત્તર – એ બધું ભૂલી ગઈ. વૈશાખના વંટોળને ખભે બેસીને એ ઘૂમવા લાગી. સંકેતસ્થાને એ ક્યારે આવી પહોંચી તેની પણ તેને ખબર નહિ પડી. એ પીપળાના થડને અઢેલીને ઊભી રહી ગઈ. એ મનમાં કશા વિચાર આવવા દેવા ઇચ્છતી નહોતી. આજુબાજુ જે બની રહ્યું હતું તેને ખંતપૂર્વક વિગતથી જોવાનું એણે શરૂ કર્યું. સામે જ શેરડીના રસવાળો લોખંડના સોયાથી બરફ તોડતો હતો. તૂટેલી બરફની કણી ધૂળમાં પડીને તરત બાષ્પ થઈને ઊડી જતી હતી. શેરડી પીસાતી હતી, ચક્ર ચીંચવાતું ચીંચવાતું ફરતું હતું. એકાએક એના પગમાં સીસું ભર્યું હોય એવું એને લાગ્યું. એણે સંગોપીને રાખી મૂકેલી ‘ના’ના ટુકડે-ટુકડા થઈને પેલી બરફની કણીની જેમ વેરાઈ જાય, શોષાઈ જાય, બાષ્પ બનીને ઊડી જાય તો – એ નિર્જન રસ્તાના છેડા સુધી જોવા લાગી. એની કાગળ લખવાની રીતની એ હંમેશાં ટીકા કરતો, નિર્જન રસ્તા પર ચાલ્યા જતા એકલદોકલ માણસની જેમ આજુબાજુ ઘણી બધી ખાલી જગ્યા રાખીને પંક્તિઓ કાગળના વિસ્તાર વચ્ચેથી ચાલી જતી. એ ચીઢાઈ જતો ત્યારે જવાબમાં એ હંમેશાં કહેતી: ‘શબ્દને મૌનને ખોળેથી ઉતારવાની ક્રૂરતા હું આચરી શકતી નથી!’ આવું સાંભળીને એ વધારે ચીઢાતો ને પૂછતો: ‘કોણ શીખવે છે તને આવું બધું?’

એ એને વધુ ચીઢવવા કહેતી: ‘છે એક જણ.’

એ પૂછતો: ‘એક જણનું નામ?’

એ કહેતી: ‘હું કાંઈ પોલીસચોકીએ જુબાની આપવા નથી આવી.’ આવો જવાબ સાંભળીને એના ગોરાગોરા મુખ પર લોહી દોડી જતું, એના કાનની લાળી લાલચોળ થઈ જતી, એ એના ખભા પકડીને એને હલાવી નાખતો. એની આંખમાં ખુન્નસ દેખાતું. કેટલીક વાર એ એના હાથ એટલા તો જોરથી દબાવતો કે એના નખ વાગવાથી લોહી સુધ્ધાં નીકળતું. પછી એ બીજી જ પળે એને મનાવવા લાગતો. એનો હાથ ચૂમી લેતો. થોડી વાર સુધી તો એ જરા પણ ચમક આપતી નહિ. પછી એકાએક સહેજ શરમાઈ જઈ એ એની છાતીમાં મોઢું સંતાડી દેતી. એના ખમીસ પર થોડું કંકુ છપાઈ જતું. એને એ ખિસ્સામાંથી રૂમાલ કાઢીને ખંખેરી નાખતો. આ જોઈને એ હસી પડીને કહેતી: ‘ડરપોક!’ એ ‘ડરપોક’ શબ્દ એના હોઠ પર એકાએક ધસી આવ્યો. તોફાની છોકરાને મા ફોસલાવી પટાવીને જેર કરે તેમ એ શબ્દને એણે પાછો વાળી લીધો. કોઈક ફિલ્મની જાહેરાત ભારે ઘોંઘાટથી કરતી એક ઘોડાગાડી એની આગળથી પસાર થઈ. એની આગળ એક માણસ બે દાંડીથી નગારું વગાડતો જઈ રહ્યો હતો. એના ઘોંઘાટથી ઘોડાને ભારે ત્રાસ થતો હતો. નગારા પર નાચ્યા કરતી એ દાંડી એની આંખ આગળથી ખસતી નહોતી. એ દાંડી એના હૃદય સાથે અથડાતી હોય એવું એને લાગ્યું. ઘડીભર એની આંખે અંધારાં આવી ગયાં. એ આંખ બંધ કરીને ઊભી હતી ત્યાં જ એ આવી પહોંચ્યો. એના હાથનો સ્પર્શ થતાં જ એ ચોંકી ઊઠી. આથી એ બોલ્યો. ‘કેમ, તારો હાથ આટલો બધો ઠંડો છે!’

‘આટલા બધા તાપમાં પણ ગરમ નહિ થવાનો જાદુ છે મારી પાસે…’

‘હું જાદુથી બહુ ગભરાઉં છું.’

એને કહેવાનું મન થઈ આવ્યું: ‘એટલે જ તું નાસી જવા તૈયાર થયો છે, નહિ?’

પણ એ કશું બોલી નહીં. કશું ન સૂઝતાં બંને કોફીવાન આગળ જઈને ઊભાં. લગભગ યંત્રવત્ કોફી પી ગયાં. એ પાકીટ કાઢીને પૈસા આપવા ગયો. એણે હાથ પકડી લીધો, પાકીટ જપ્ત કર્યું. આથી એનું મોઢું ધોળું પૂણી જેવું થઈ ગયું. એ જોઈને ઘડીભર તો એ ડઘાઈ જ ગઈ. એના હાથમાંથી પાકીટ નીચે સરી પડ્યું. એ જોતાં એકાએક એ જાણે પાકીટ પર તરાપ મારીને તૂટી પડ્યો…’

એણે મને આટલેથી અટકાવી દીધો ને કહ્યું: ‘તમારી તરકીબ હું સમજી ગઈ. હું તો તમને હોશિયાર માનતી હતી. તમેય આવી તકલાદી વાત..’

હું સહેજ ચીઢાયો. મેં કહ્યું: ‘પણ હું શું કહું છું તે સાંભળ્યા વિના જ…’

એ બોલી: ‘એમાં તે શું સાંભળવાનું હતું? લો, હું કહી દઉં? સાંભળો ત્યારે. એણે પાકીટ ફરી એની પાસેથી સેરવી લીધું, ને ખોલીને જોયું તો પારદર્શી પ્લાસ્ટિકની પાછળ હતી એની વાગ્દત્તાની છબિ. એણે એને ધારી ધારીને જોઈ લીધી. કપાળમાં મોટો ચાંલ્લો, આંખોમાં ભોળપણ, પુષ્ટ હોઠમાં વિલાસિતાનું સૂચન. એની આંગળીની પકડ ઢીલી પડી ગઈ. એણે પોતાને હાથે જ પાકીટ એના ખિસ્સામાં મૂકી દીધું, પછી હસી પડીને કહ્યું: ‘જોજે હં, એ તારા હૃદયના બધા ધબકારા સાંભળે છે. વારુ, હવે તમે આગળ ચલાવો.’

મારી તરકીબ પકડાઈ જવાથી મારું અભિમાન ઘવાયું. મેં કહ્યું: ‘તો પછી તું જ શા માટે વાર્તા નથી લખતી?’ જાણે મારી દયા ખાતી હોય એમ એ બોલી: ‘હવે આ વાર્તા માંડી છે તે તો પૂરી કરો.’

વાર્તા આગળ ચાલુ રાખવાનો ઉત્સાહ મને રહ્યો નહોતો, પણ હવે તો એને પૂરી કર્યો જ છૂટકો! મેં ફરી શરૂ કર્યું: ‘થોડી વાર સુધી તો એ કશું ન બોલ્યો. પછી વિવશ બનીને એણે એનો હાથ પોતાના હાથમાં લીધો. એ સાવ ઠંડો હતો. એથી એ બોલી: ‘કેમ, તારો હાથ પણ આટલો ઠંડો છે? મારા જાદુની તારા પર પણ અસર થઈ કે શું?’ આથી એ સહેજ ચીઢાયો: ‘જા, તને તો ટિખ્ખળ જ સૂઝે છે!’ આ સાંભળીને એ એકદમ ભભૂકી ઊઠી: ‘તો શું હું ઘેનની ટીકડી ગળી જાઉં!’ આનો એને કશો જવાબ જડ્યો નહિ. એને સૂનમૂન ઊભેલો જોઈ એ જ ફરીથી બોલી: ‘ના, એવી કશી ચિન્તા કરીશ નહિ. દીવાલ પરના લખેલા અપશબ્દના જેવું મારું નામ તું ભૂસી નાખજે.’ એ બોલી ગઈ પછી એને લાગ્યું કે આમ કરવાથી તો એ જે ‘ના’ને સાવ હળવી બનાવીને લાવી છે તે ભારે ને ભારે થતી જાય છે. એના ભારથી એ પોતે જ કચડાઈ જશે તો? આથી વાતને હળવી બનાવતાં એ બોલી: ‘લે હવે, એટલો બધો ગમ્ભીર શેનો થઈ જાય છે? એવું હોય તો હું કશું નહિ બોલું, બસ.’

થોડી વાર સુધી બંને કશું બોલ્યાં નહીં. પછી એ બોલ્યો: ‘મેં તને કાલે જોઈ હતી, તારું તો ધ્યાન નહોતું.’

એ બોલી: ‘ એમ, તો મારા પર દૂરથી દેખરેખ રાખવાની જૂની ટેવ તું ભૂલ્યો નથી!’

વળી એ ચૂપ થઈ ગયો. લોખંડના સોયાથી કચ્ચર કચ્ચર થતા બરફને એ જોઈ રહી. એકાએક એને લાગ્યું કે ચારે બાજુથી અન્ધકાર ઊમટી આવીને એને ઘેરી લે છે. એની સામે એને અન્ધકારના ધાબા સિવાય કશું જ દેખાતું નહોતું. એમાં એ પરવશ બનીને ખોવાઈ જવા લાગી. એવામાં એણે પ્રશ્ન પૂછ્યો: ‘શું જુએ છે?’

એણે જવાબ આપ્યો: ‘મૃગજળ.’

એની આંખો હરણફાળે એ ઝાંઝવાને વીંધીને દોડવા લાગી. આખરે થાકીને એણે ઘડીભર આંખ બંધ કરી દીધી, પર્સમાંથી ગોગલ્સ કાઢીને પહેરી લીધા. ગોગલ્સનું આવરણ મળતાં જ પાંપણને કિનારે એક આંસુ ઝમ્યું. એને પોતાના પર રોષ ચઢ્યો. આંસુનું પાતાળઝરણું ફોડીને એ તો ચાલ્યો જશે. પછી આ આંસુને ક્યાં સંતાડવાં? એ મૂંઝાઈ ગઈ. પણ એ જ પળે એનું હૃદય અવળચંડાઈ કરી બેઠું. એ બંને હાથે એને વળગી પડી ને એના ખભા પર માથું ઢાળી દીધું. પછી ટીપે ટીપે પેલી ‘ના’ને ઓગળી જવા દીધી. બધી સ્મૃતિને પણ એણે ટીપેટીપે વહી જવા દીધી. એ પોતાના હૃદય સામે રોષ એકઠો કરી શકી નહિ. એની આ ઉદ્ધતાઈને એ દૂર સરી જઈને કેવળ જોઈ રહી. એ કંઈક બોલવા ગયો, પણ હવે એણે કશું સાંભળવું નો’તું. દૂર શીમળાના ઝાડ પરથી રેશમી રૂ હવામાં ઊડતું હતું. ભારે કુતૂહલથી એ બાળકની જેમ એને જોઈ રહી. એણે અકળાઈને પૂછ્યું: ‘તો હવે ક્યારે?’ એ પ્રશ્ન જાણે પેલા ઊડતા રૂ સાથે જ વિખેરાઈ ગયો. આંખ પરથી એણે ગોગલ્સ કાઢી નાખ્યા. પછી એણે કહ્યું: ‘આવજે ત્યારે.’ એના જવાબમાં એ કશું બોલે તે પહેલાં એ ચાલી નીકળી.’ મેં આટલું કહીને એને પૂછયું: ‘બસ?’ એણે મારા હાથમાંથી પેન લઈને પાસે પડેલા કાગળ પર લખ્યું:

The lost return to us when we are lost.

ક્ષિતિજ: મે, 1964

License

ન તત્ર સૂર્યો ભાતિ Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.