આંધળી માછલીઓ

હું અહીં બેઠી બેઠી સાંભળું છું: આ એમનો જ અવાજ. એ મને શોધતો શોધતો આવે છે.

શરૂઆતમાં ઝરતા ઝાકળ જેવો, પછીથી ભમ્મરિયા કૂવાની બખોલમાં પોતાનો જ પડઘો સાંભળતા બેસી રહેલા અન્ધકારના જેવો. પછી મધરાતે એકાએક જાગી જતાં નીહારિકાના સ્રોતના દૂર દૂરથી વહ્યે આવતા પ્રવાહના જેવો, ને પછી એકાએક નિકટ આવીને ટહુકી જતા મારા જ કોઈ પૂર્વજન્મના શબ્દ જેવો. એ કોઈ મંડળીમાં બેસીને વાતો કરતા હોય છે ત્યારે કે કોઈ સભામાં વ્યાખ્યાન કરતા હોય છે ત્યારે કે પછી કશું બોલ્યા વિના મારી સામે જ બેઠા હોવા છતાં એકાએક અન્યમનસ્ક બનીને મને ઉલ્લંઘીને ક્યાંય દૂર આંખોને રઝળતી મૂકી દેતા હોય છે ત્યારે હું લોભથી એ અવાજને સંચિત કરું છું: ખોબો ભરીને ફૂલ. એની સુવાસ જાણે મને જન્મોજન્મથી શોધતી આવે છે. મને ઘેરી વળે છે. મારા મર્મને ભરી દે છે ને પછી વિલાઈ જાય છે, ઊંડે ઊંડે રહીને મને એકાએક વિહ્વળ બનાવી દે છે; સમથળ વહ્યે જતા જીવનનો સંવાદી લય હું ચૂકી જાઉં છું. ફરી સૃષ્ટિના આદિકાળના અરણ્યને ખોળે ખેલતો શિશુ ઝંઝાવાત એના ઉધામાથી મને હેરાન કરી મૂકે છે, અન્ધ જળની દિશાહીન વ્યાકુળતા શિરાએ શિરાએ વહી જાય છે; મારા નામના અક્ષરો ઉત્તર ધ્રુવના હિમાચ્છાદિત પ્રદેશમાં ઊડતા અજાણ્યા પંખીની ધોળી ધોળી પાંખો વચ્ચે ખોવાઈ જતાં જોઉં છું. શૂન્યના વિશાળ પ્રસારમાં એક બુદ્બુદની જેમ હું થોડી વાર તર્યા કરું છું. ને પછી વિલય પામું છું. જુગજુગનાં પાપપુણ્યનું એક ક્ષણમાં વિસર્જન થઈ જાય છે. રહી જાય છે માત્ર થોડા તરંગો. એ અવાજ સાંભળવાનો મને આનન્દ જ છે એવું નથી, ભય પણ છે – પ્રચણ્ડ ભય! ને તેથી હું મને સંભાળીને સાચવી રાખવા કેટકેટલું મથું છું! પણ બારીની બહારથી અવાજો દ્વારા આખી સૃષ્ટિ અંદર પ્રવેશવા મથી રહી હતી! બસના ડ્રાઇવરે એકાએક મારેલી બ્રેક, ઝડપથી દોડી જતી એમ્બ્યુલન્સનો ઘણ્ટ, કોઈ કિશોરે આનન્દમાં પોતાના સાથીને બોલાવવાને દીધેલો સાદ – ને આ બધાંને વીંધીને ચૂંચવાઈને ધીમે ધીમે ચાલ્યે જતા જગન્નાથના રથનો અવાજ. કેટલા મુમૂર્ષુઓ એની નીચે કચડાઈ જવા પ્રાણ પાથરે છે! હવામાં એનો ચિત્કાર છે: જગન્નાથ! જગન્નાથ!

આ અવાજના પ્રલયપૂરથી બચવા માટે હું કશાકને બાઝી પડવા ઇચ્છું છું, કોઈ પુરાણા વૃક્ષની જેમ ખૂબ ખૂબ ઊંડે મૂળ પ્રસારીને જુગજુગ સુધી વિસ્તરવા ઇચ્છું છું. કોઈકને સ્પર્શવા ઇચ્છું છું. ઝંખું છું નિબિડ સ્પર્શને, ગાઢ આલિંગનને – જે ક્યાંય સહેજસરખો શૂન્ય અવકાશ ન રાખે, સૂર્ય, ચન્દ્ર, તારા, સમુદ્ર, પર્વત, બધું એની ભીંસમાં એકાકાર થઈ જાય, પ્રસ્વેદના કણમાં ઓગળી જાય. મારી કાયામાં એક વિરાટ હિલ્લોળ જાગે છે, કાંઠા પરનાં ગામોને ડુબાડી દેતી કોઈ વન્યાના પૂર જેવો. એની ગાંડીતૂર છોળમાં ભાંગીને કણકણ થઈને હું વિખરાઈ જાઉં છું સૂર્યમાં, ચન્દ્રમાં, જળમાં, અગ્નિમાં –

‘તને ખબર છે ખરી, હું અહીં ક્યારથી ઊભો છું તે?’ હું જૂઠું બોલું છું બેધડક: ‘હા.’

‘તો તું તારી ટેવ પ્રમાણે કેમ મારો હાથ પકડી નથી લેતી? તારી આંગળીઓ મારી આંગળીમાં કેમ ગૂંથી નથી દેતી?’

હું કશો જવાબ દઉં તે પહેલાં એ રોષથી કે પછી ઉત્કટ પ્રેમથી મારી આંગળીનાં ટેરવાં પર એના દાંત દબાવે છે. મારા મુખમાંથી આછો સિત્કાર નીકળી જાય છે. હું ઠપકાભરી આંખે એને જોઈ રહું છું. એ નીચો વળીને એના બે હોઠ વચ્ચે મારી આંખને ડૂબાડી દે છે. એ બે હોઠ વચ્ચેના હૂંફના સાગર વચ્ચે મારી આંખો – આંધળી માછલીઓ – તર્યા કરે છે. પછી એ એના બે હાથ વચ્ચે મારું મોઢું, ગોઠવીને લગભગ જકડી દઈને, મને જોયા કરે છે. મારી આંખ પર એના હોઠની આર્દ્રતાની ઝાંય છે. એનું મુખ આ ઝાંયને કારણે માયાવી રૂપ ધારણ કરે છે. ‘કોણ છે એ?’ હું મારા મનને પૂછું છું. જાણું છું એનું નામ ત્રણ અક્ષરનું છે. કોઈ બારાખડીમાંથી એ ત્રણ અક્ષરો શોધવાનું કહે તો હું અબઘડી જ શોધી આપી શકું એમ છું. ને તેમ છતાં એ ત્રણ અક્ષરો અજાણ્યા છે, આ આખી સૃષ્ટિ મને અજાણી લાગે છે, હું કશાક અજાણ્યા ભયથી ધ્રૂજી ઊઠું છું. એ પૂછે છે: ‘કેમ, આટલી બધી કંપે છે કેમ?’

હું સહજ જ કહી દઉં છું: ‘આનન્દથી.’

પછી એ મારી પાસે આવીને બેસે છે. મારી લટને એની આંગળીમાં ગૂંચવે છે. એના ઉચ્છ્વાસથી મારી પાંપણો થરકી ઊઠે છે. હું આંખ ઊંચી કરતી નથી, એના મુખ તરફ જોતી નથી. એની છાતી પર માથું ટેકવીને બેસી રહું છું.

એ બોલ્યે જાય છે કાંઈ કેટલીય વાતો: સંક્રાન્તને દિવસે રંગબેરંગી પતંગોની જેમ એના શબ્દો ઊડાઊડ કરે છે. એ પૈકીના કોઈનો દોર મારે ઝાલવો નથી, એ દોર ઝાલવા જતાં જ મારી આંગળી – આંગળી જ માત્ર? – કેવી ઉઝરડાઈ ગઈ હતી!

મેં કહ્યું: ‘હં, હવે તારી પૂર્ણાની વાત કર.’

એ મારા ગાલમાં હળવી ટપલી મારીને બોલ્યો: ‘મને પામવા છતાં પામ્યાનો એને વિશ્વાસ નથી એટલે એ દર સોમવારે મારે ત્યાં આવે છે. બા ખુશખુશ થઈને એને આવકારે છે. હું ઉપરના ઓરડામાં મારી કાયદાની છેલ્લી પરીક્ષા માટે મોટાં મોટાં થોથાં ઉથામતો બેઠો હોઉં છું ત્યાં એ આવીને મારા ‘પવિત્ર’ ચરણને સ્પર્શે છે, એની ઉપર ફૂલ ચઢાવે છે. મારી આંગળીનાં ટેરવાં એની આંખને અડાડે છે ને પછી ઊભી થઈને મારી સામે મીટ માંડી રહે છે.’

એક્કી શ્વાસે એ આટલું બધું બોલી જાય છે તેથી મને હસવું આવે છે. આથી એ સહેજ ખિસિયાણો પડી જાય છે ને મને પૂછે છે: ‘કેમ, એમાં હસવા જેવું છે?’

‘આ દેવ બનવાનો પાઠ તને હવે બરાબર ફાવી ગયો લાગે છે, નહીં?’

એ કહે છે: ‘મારા દાદા – ‘

હું એને વચ્ચેથી અટકાવીને કહું છું: ‘મારા દાદા, મારા દાદા’ – બસ તારા દાદાએ શીખવ્યું તેટલું જ આવડ્યું છે. એ સિવાય દુનિયામાં બીજું બધું ઘણું છે – હું પણ છું તે તું જાણે છે ખરો?’

મારા આ આકસ્મિક ઉપાલમ્ભથી એ મુંઝાઈ જાય છે, ને કશું નહીં સૂઝતાં મારી આંગળીનાં ટેરવાં કરડવા લાગે છે. મને એની દયા આવે છે. હું એનાં ઝુલફાંમાં આંગળી ફેરવું છું, એના નાજુક હોઠ મારા હોઠથી સ્પર્શું છું. એ મારી વધુ નિકટ આવે છે. મારા ગળામાંની મોતીની સેરને ગૂંચવી નાખે છે. હું કૃત્રિમ રોષથી કહું છું. ‘સાચાં મોતીનો છે, જો તૂટશે ને તો –’

એ વળી છોભીલો પડી જાય છે. એને વધુ ચીઢવવા હું કહું છું: ‘બોલ, તું આખી જિન્દગીમાં આપી શકવાનો છે આવો એકાદ હાર?’

એ કશું કેફિયતરૂપે કહેવા જાય તે સાંભળવાનું દુ:ખ ટાળવા જ મેં જલદી જલદી બોલી નાખ્યું: ‘તેં આપ્યો જ છે તો હાર – જો ને, આ આંસુઓ પરોવ્યે જ જાઉં છું, પણ ખૂટતાં નથી.’

થોડી વાર સુધી એ નજર ઊંચી કરી શક્યો નહીં. આથી અકળાઈ જઈને મેં કહ્યું: ‘દુ:ખી તું કરે ને આશ્વાસન મારે તને આપવાનું? આ તે ક્યાંનો ન્યાય?’

છેલ્લો પ્રશ્ન પૂછતાં મારી આંખ ઝાંખી થઈ ગઈ. મારી સામેના બધા આકારોની રેખાઓ એકબીજામાં ભળી જવા લાગી. બધું એકાકાર થઈ જાય તે પહેલાં હું સાવધ થઈ ગઈ ને બોલી: ‘તારે ચરણે ધરવાને ફૂલ તો નથી, પણ ચા તો પી શકીશ ને?’

પછી અમે ચા પીધી, પૂર્ણાની વાત પણ નીકળી. એને કપાળમાં મોટો ગોળમટોળ ચાંલ્લો કરવાની ટેવ છે. એ વિશે મેં જરા મજાક કરી: ‘એનું સૌભાગ્ય કેટલા મોટા કદનું છે તેની એ જાહેરાત છે, નહીં?’

હું કદાચ અદેખાઈની મારી આવું બોલી રહી હતી એવો એને રખેને ખ્યાલ આવે ને મારી દયા ખાય એ બીકે મેં જ કહી નાખ્યું. ‘કેમ, આ વખતે કેવુંક વંચાય છે?’

બસ, પછી ચાલી બધી કોલેજની, પિકનિકની, ડિબેટની – કાંઈ કેટલી સટરપટર વાતો. નાટકમાં એનું કામ ખાસ વખણાયું. એને લીધે તો કોલેજને ઇનામ મળ્યું વગેરે વગેરે. મને ખબર ન પડી કે હું ક્યારે અન્યમનસ્ક બની ગઈ. પછી એ ગયો ત્યાં સુધી હું એક પણ અક્ષર બોલી નહીં, બહાર રસ્તા પર એ ટપકું બનીને અદૃશ્ય થઈ જાય તે પહેલાં એ ટપકાને આંગળીને ટેરવે લઈને મારી આંખમાં આંજી દીધું…

હું ગઈ ત્યારે હંમેશની જેમ એ વિચારમાં બેઠા નહોતા. એમના મુખ પર કશાક અસાધારણ આનન્દની ચમક હતી. શિયાળો હમણાં જ શરૂ થયો હતો. આખી સૃષ્ટિ જાણે મીઠી હૂંફભરી સોડ શોધતી હતી. હું હજુ તો એમની પાસે જ જતી હતી ત્યાં એમણે હાથ લંબાવીને મને એમની સાવ નજીક ખેંચી લીધી. મને એમના હાથ ગમે છે. જગતભરની કોમળતા સંચય કરવાનો એ હાથનો સ્વભાવ છે. એ હાથની બધી આંગળીઓ વચ્ચે સંપ છે. કેટલીક વાર તો એ બધી ભેગી મળીને જાણે મીઠા લહેકાથી ગીત ગાઈ રહી હોય એવું મને સંભળાય છે. આથી એ હાથને હું મારા બે હાથ વચ્ચે સંતાડી દઉં છું, કોઈનીય એના પર નજર ન પડે તો સારું એવો મને લોભ જાગે છે. એમનેય આ ગમે છે તો ખરું, પણ પછી એ કહે છે: ‘તું બહુ લુચ્ચી છે નહીં?’

હું કહું છું: ‘મારે વિશે શોધીશોધીને બસ આટલું જ શોધ્યું?’

એ કહે છે: ‘મારે ક્યાં શોધવું પડ્યું છે? આ તારા હાથ જ મને કહી દે છે!’

મેં પૂછ્યું ; ‘ શું કહી દે છે?’

એ હસતાં હસતાં બોલ્યા: ‘આ હાથને આમ જકડી લઈએ એટલે એ આગળ વધી શકે જ નહીં –’

મેં વાક્ય પૂરું કરવા દીધું જ નહીં ને રોષથી મારો હાથ પાછો ખેંચી લીધો. એટલે એમણે કહ્યું: ‘હવે તને તારી લુચ્ચાઈનો પુરાવો મળી ગયો ને? જો એવું ન હોત તો તારો હાથ આમ ધૂંધવાઈ ન ઊઠ્યો હોત.’

પછી મેં જ ફરી એમના હાથની કોમળતા જાણે આંગળીને ટેરવે હૃદયમાં સંચિત કરવા માંડી. એમની આંખમાં જે આનન્દની ચમક હતી તે ચાલી ગઈ. ધીમે ધીમે મારા હાથમાંનો એમનો હાથ શિથિલ થઈ ગયો. આથી હું ગભરાઈ ગઈ.

મેં પૂછ્યું: કેમ, ઘટા કેમ ઘેરાઈ આવી?

એમણે કહ્યું: ‘ઘટા ઘેરાયેલી જોઈને ક્યાંક તો મોર ગહેકતા હશે ને?’

વાક્યને અન્તેનો પ્રશ્ન – એમાં કુતૂહલ છે કે વિષાદ? કે પછી બન્ને? ધીમે ધીમે એમનો અવાજ મને મારાથી ખૂબ ખૂબ દૂર લઈ જવા લાગ્યો.

એ કહેતા હતા: ‘તું કોઈ મૂલ્યવાન હીરાની જેમ ખૂબ ખૂબ ઊંડે છે, ઘણા બધા અન્ધકારથી ઘેરાયેલી છે, ને એથી જ તો અન્ધકારની માયા છે. એના ગર્ભમાં જ તારું તેજ રહેલું છે. પણ મારું લોહી તો સૂર્યે માંજી માંજીને પારદર્શી બનાવી દીધું છે. જન્મના જન્મ એમાં ઉઘાડા પડી જાય છે. આ અન્ધકારના ઊંડાણને જે તાગે તેની દૃષ્ટિ જુદી જ બની જાય, વળી જે ઊંડે જવા ઇચ્છતા હોય તેની પાસે વજન જોઈએ. ખૂબખૂબ વેદનાનું વજન, જન્મોજન્મથી સંઘરેલી વેદનાનું વજન. કોઈક વાર તારા મુખ પરની ચમક જોઈને મને લાગે છે કે હવે મારે અન્ધકારને વધારે તાગવાની જરૂર નથી, આ રહ્યો મારા હાથમાં. પણ – ‘ મેં એમને અટકાવી દઈને કહ્યું: ‘બસ, હવે આગળ બોલશો નહીં.’ મેં એમની આંખ પર મારી આંખનો ભાર દાબી દીધો. ઘડીભરની એ નિ:શબ્દતામાં હું ક્યાંની ક્યાં જઈ પડી! આ એક ક્ષણ – હીરાના જેવી, એને અજવાળે મારા જુગજુગ પ્રકાશી ઊઠ્યા, પાપપુણ્ય ભસ્મ થઈ ગયાં. કોઈ શંખલાની જેમ હું આ નિ:શબ્દતાને કાંઠે પડી રહી. મારા મર્મમાં મને સાગરનું ગર્જન સંભળાવા લાગ્યું. કશાક અજાણ્યા ભયથી હું ચોંકી ઊઠી. મારી કાયા કમ્પી ઊઠી. એનો કમ્પ એમને પણ સ્પર્શી ગયો. એમણે મારી બંધ આંખ ખોલી નાખીને મારી સામે જોઈ રહીને કહ્યું: ‘આ આંખોને હું નથી ઓળખતો! એને તરવાને જે સાગર જોઈએ તે ક્યાં છે? એ કોઈ વિશાળ રણના પેટાળમાં ગરજી રહ્યો હશે?

આ સાંભળીને અણજાણપણે જ મારી આંખમાંથી આંસુ સરી જાય છે. પછી તો એની ધારાને અટકાવી શકાતી નથી. મારી આંખો ડહોળાઈ જાય છે, એમાં રતાશ તરવા લાગે છે, એ ઝાંખી બની જાય છે. વળી આકારની રેખાઓ એકબીજામાં ભળવા લાગે છે. બધું એકાકાર બની જઈને રસાતલ જાય તે પહેલાં હું બચાવી લેવા મથું છું. શોધું છું સ્પર્શને. ક્યાં છે એ? મારા હાથ એને શોધે છે; મારી આંખો એના બે હોઠના કાંઠા વચ્ચે છલકાતા હૂંફના સાગર વચ્ચે આંધળી માછલીઓ બનીને તરવા ઇચ્છે છે. મારી આ વ્યાકુળતા, જળ બહાર ફેંકાયેલી માછલીના જેવો મારો તરફડાટ જોઈને એ હેબતાઈ જઈને મને જોઈ રહે છે. મારી આંખો પર એમના હાથની કોમળતા છલકાય છે. મારા જીવમાં જીવ આવે છે. એમની આંખનાં અણિયાળાં ભીનાં થયાં હોય એવો મને ભાસ થાય છે.

એ કશું બોલે, એ અવાજ હું સાંભળું, એમાં મારા જુગજુગ ખોઈ નાખું ને નિ:શેષ લુપ્ત થઈ જાઉં એ આશાથી હું એમને પૂછું છું: ‘ કેવી લાગે છે મારી આંખો?’

જાણે મારો પ્રશ્ન સાંભળ્યો જ ન હોય ને આપમેળે જ બોલતા હોય તેમ બોલે છે: ‘એક કિલ્લો છે. ખૂબ પુરાણો. અંદર રાજારાણીના મહેલનાં ખંડિયેર છે. કરોળિયાનાં જાળાં જેવો પારદર્શી ભૂતકાળ ત્યાં બેઠો છે. એને ખૂણે ખૂણે પુરાણી આંખોની કોડીનો ઢગલો છે, ઝાંઝરના રૂમઝૂમ ઝણકારનાં પ્રેત રખડે છે. એ મહેલ પાસે છે એક કૂવો – એનાં કાળાંભમ્મર પાણી, એ પાણી કે પછી પ્રવાહી અન્ધકાર? એનાં કુંવારાં જળને નહીં સ્પર્શ સૂર્યનો કે નહીં ચન્દ્રનો. કોઈક વાર ઉનાળામાં પાણી આછાં થાય, ને ત્યારે ડોકિયું કરીએ તો પાણીને અડીને અંદર રહેલી લોખંડની દીવાલ દેખાય, એના પર હાલતાં પાણીના પડછાયાના સાપ નાચ્યા કરે, ને એની નીચે દેખાય એક મોટું તાળું. દર ઉનાળે કોઈ ને કોઈ એ તાળું ખોલીને એ દરવાજા પાછળ રહેલા લખલૂટ ઝવેરાતને પામવા કૂવામાં ઝંપલાવે ને બીજે દિવસે એના માથાનાં ઝુલફાં કૂવાની સપાટી પર તર્યા કરે – દર વર્ષે લોકો માથાં ગણે. તારી આંખ એ કૂવા જેવી લાગે છે. નથી એમાં સૂર્ય, નથી એમાં ચન્દ્ર – એમાં તરે છે એક માથું –’

મારાથી વધુ સાંભળી શકાયું નહીં. હું ઊભી થઈ ગઈ. થોડે છેટે ઊભા રહીને મેં એમને જોયા. ઢળતી સાંજને લીધે કે મારી આંખે વળેલી ઝાંખને લીધે કે પછી એમના જ અવાજના જાદુને લીધે એ જાણે ત્યાં હતા જ નહીં, સહેજ સરખો એમનો આભાસેય રહ્યો નહોતો…

ને પછી –

આંધળા કૂવામાં તરતા માથાની આંખોની બખોલમાં આંધળી માછલીઓ સંતાકૂકડી રમતી હતી.

ક્ષિતિજ: ડિસેમ્બર, 1964

License

ન તત્ર સૂર્યો ભાતિ Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.