વલય

મારા મનમાં કોણ જાણે શું ચાલી રહ્યું હતું? હું એકાએક બોલી ઊઠી: ‘ના, ના, ના!’ એ સાંભળીને હું કોઈ અજાણ્યાની જેમ મને જોઈ રહી. આજુબાજુમાં બેઠેલું કોઈ સાંભળી તો નથી ગયું ને! હું કોને ના કહી રહી હતી? શેની ના કહી રહી હતી? કે પછી કોઈક વાર કોઈકે કહેલી ‘ના’ના પડઘા એકાએક દૂરથી આવીને મનમાં ગાજી ઊઠ્યા હતા.

ઠક્ ઠક્ ઠક્… કોઈ દાદર ચઢે છે? કોઈ કોઈકને મળવા જાય છે? બારણું બંધ હશે કે ખુલ્લું? બંધ હશે તો? જોઉં છું તો વીસેક વર્ષની એક યુરેઝિયન યુવતી એના દોસ્તના હાથમાં હાથ ગૂંથીને ચાલી આવતી હતી. એના ઊંચી એડીના બૂટનો એ અવાજ હતો. મારી બાજુના ટેબલ આગળ કોઈક બેઠું હતું. એનું મોઢું તો હું જોઈ શકતી નહોતી. પણ એ ગ્લાસમાંના બરફના ટુકડાને સ્ટ્રોથી રમાડી રહ્યો હતો. એની પીઠ પર ગોળી છોડી હોય તો? ધડાકાનો અવાજ કેવો થાય?

મારી બાજુના કાચના પાણીથી ભરેલા કેઇસમાં માછલી તરી રહી હતી. એક મોટી માછલી એક ખૂણામાં નિષ્પલક આંખે જોતી થંભી ગઈ છે. કાળી કાળી માછલીઓ, આમથી તેમ સરે છે, રમે છે. સાવ નિ:શબ્દ એમની આ જિન્દગી હું જોઈ રહું છું. કોઈક વાર પાણીની સપાટી પર એક નાનો શો પરપોટો થાય છે ને ઘડી વારમાં ફૂટીને પાણીમાં ભળી જાય છે. હું મારા હૃદયના ધબકારા સાંભળું છું. એક પરપોટો, બીજો પરપોટો – જાણે કોઈ ડૂબી રહ્યું છે …. ઊંડે, ઊંડે, હજી ઊંડે ને પરપોટા ઊઠે છે ને ફૂટે છે. છેક તળિયે એક કાળી માછલી નિષ્પલક આંખે આ ડૂબનારની રાહ જોતી જાણે બેઠી છે.

બે ચાર અસ્પષ્ટ વાક્યો પંખીનાં ખરેલાં પીંછાંની જેમ સરતાં આવે છે. હાસ્યની છોળમાં ભીંજાઈને ખોવાઈ જાય છે. એ વાક્યોની વચ્ચેથી તાકી રહી છે નિસ્તબ્ધતા – ભારે ભારે નિસ્તબ્ધતા, મોટી મોટી મણકા જેવી એની આંખો મારા પર તોળાઈ રહે છે. હું મારા નખથી એ આંખોને ખોતરી નાખવા ઇચ્છું છું. પણ એ આંખોએ પ્રસારેલી જાળમાં હું તરફડું છું. ક્યાં ગઈ પેલી મોટી કાળી માછલી? હું એને શોધું છું. કદાચ મારી પર્સમાં હજીય એ કાગળ પડ્યો હશે. કાગળ શેનો! નાનીશી ચબરખી માત્ર. એક જ વાક્ય એમાં લખ્યું હતું: ‘હું તને શોધું છું.’ એમાં નહોતો પ્રશ્ન, નહોતો ઉદ્ગાર, નહોતો અનુનય કે નહોતો આદેશ. સુખથી શોધે છે કે દુ:ખથી તેનો પણ અણસાર નહીં. હૃદયના ગહન જળમાંથી એકાએક પરપોટો ઊંચે આવે છે, સપાટી પર આવીને બોલે છે: ‘હું તને શોધું છું.’ ને પછી ગહન જળમાં ખોવાઈ જાય છે. આ રાતદિવસ ચાલ્યા જ કરે છે. કોણ આ ડૂબી રહ્યું છે? કે પછી મને નીચે ને નીચે ખેંચી રહ્યું છે?

થોડી જ વારમાં તો ત્રણેય જણ મને વીંટળાઈ વળ્યા: દ્ધ દ્દ ક્. હાસ્યના ઇન્દ્રધનુ, ગપના ગબારા, લુચ્ચી નજરો, ધૂર્ત ઈશારાઓ, રંગીન કાગળમાં વીંટળાયેલા મીઠા મીઠા શબ્દો. હું કાન આગળ ઘડિયાળ ધરીને બેઠી હતી. એના ટક્ ટક્ અવાજને ગણતી હતી. રખેને એકાદ અવાજ ચૂકી જવાય તો! હું કેવી એકાગ્ર લાગતી હોઈશ, નહિ? વચ્ચે વચ્ચે કદીક કદીક મૂંઝાઈને હસી પડતી હતી. વાતો નહોતી સાંભળતી એમ નહીં, પણ પેલી કાળી માછલી અસ્વસ્થ બનીને અહીંથી તહીં કેમ તરી રહી હતી?

‘કેમ આંખો ઢાંકીને બેઠી છે?’ ક્યાંકથી ભટકતો ભટકતો પ્રશ્ન આવી ચઢ્યો – કોણ જાણે ક્યારથી એ પ્રશ્ન મારી તરફ આવવા નીકળ્યો હશે? એને કેટલાં પ્રકાશવર્ષ લાગ્યાં હશે અહીં આવી પહોંચતાં? મને કશું યાદ આવતું નથી. હવે તો હું આંખો ઢાંકતી નથી. જોઉં છું. દૃષ્ટિ સામેના ને દૃષ્ટિની અંદરના શૂન્યના તાણાવાણાને ગૂંચવ્યા કરું છું. દરેક ગૂંચની પણ આગવી ભાત હોય છે. પણ ઊપસી આવતી એ ભાતને જોવાનું મને કુતૂહલ નથી. માત્ર આંખો ઢાંકવાનો લોભ થઈ આવે એ બીકે આ ગૂંચ કરતી જાઉં છું. કદાચ હવે આંખોને ખોઈ નાખવાનો આથી બીજો સારો માર્ગ મને નહિ જડે.

મારાથી એકાએક કહી દેવાયું હતું: ‘બસ, તું કશું બોલીશ નહિ. તું બોલે છે ત્યારે તારું મુખ વિક્ષુબ્ધ થઈ જાય છે.’ એની આંખોમાં વિષાદ હતો, ને છતાં એમાં સ્મિત પણ હતું. એ સ્મિત એની આંખમાંથી કદી ભૂંસાતું નહોતું ને તેથી જ એ મને અકળાવી મૂકતું હતું. એ મારાં આંસુથી અકળાતો, હું એના સ્મિતથી. કોણ જાણે કેમ, અમે અમારાં આંસુ અને સ્મિતને ભેગાં થવા દેતાં નહોતાં. એને એના સ્મિત સાથે જાણે કશો સમ્બન્ધ નહોતો ને છતાં –

હું એક સાથે ઘણું લવી ગઈ હોઈશ. પણ પછીનું વાક્ય ‘ને છતાં ‘ કહીને અધૂરું મૂકી દીધું. એ પૂરું થવાની રાહ જોતો એ બેસી રહ્યો. પણ મૌન એક વાર મને ઘેરી વળે છે પછી હું લાખ પ્રયત્ને કશું બોલી શકતી નથી. આથી જ તો, દ્ધ દ્દ ક્ની સાથે હોઉં છું ત્યારે રખેને મારા મૌનને કોઈ તાકી તાકીને જોઈ રહે એ બીકે હું બોલ્યે જ જાઉં છું. પણ એની જોડે એવું નથી થતું. એણે સામો પ્રશ્ન કર્યો: ‘ને છતાં?’ મેં કંઈક કૃત્રિમ રોષથી કહી દીધું: ‘ને છતાં હું છું, તું પણ છે.’ મેં શા માટે આમ કહ્યું તેની મને જ નથી ખબર. પણ એ સાંભળીને એનો ચહેરો જ જાણે ભુંસાઈ ગયો. આંખો એની નાના બાળકના હાથમાંથી સરી પડતી લખોટીની જેમ ક્યાંની ક્યાં ગબડી ગઈ. હોઠ તૂટેલી છીપની જેમ ભૂકો થઈને વેરાઈ ગયા. શબ્દો એના કાંકરાની જેમ કોઈ નદીને તળિયે બેસી ગયા. ને છતાં હું એની સામે જોઈ જ રહી – જોઈ રહેવાથી જ જાણે લુપ્ત થઈ જવાશે એવી આશાએ.

‘તો કાલે?’ કોઈક મારી આગળ ઝૂકીને પૂછે છે. હું કહું છું: ‘ના, આજે.’ પૂછનાર અચરજથી જોઈ રહે છે. હું એનો હાથ ઝાલીને બહાર નીકળું છું, આખે રસ્તે એ હાથ છોડતી નથી. વાતો કર્યે જાઉં છું. પ્રોગ્રામ ઘડું છું. આજે આ, કાલે તે – ખૂબ ખૂબ રસ છે મને. સંગીતનો જલસો, ‘To Chase a Croocked Shadow’ પર્યટન, ગપસપમંડળ – કવિતા? ના, નથી ગમતું એવું ટાહ્યલું. કોઈ વાર વાંચું ખરી, પણ – કોણ જાણે શાથી બોલતાં અટકી જાઉં છું. સામેથી એ જ આવે છે કે પછી એનું ભૂત? આ રસ્તે અત્યારે ક્યાંથી? હતી તેથી વિશેષ આનન્દમાં હોઉં એવું દેખાડવા સહેજ સહેજમાં હસું છું. પણ અંદરથી હૃદય ફફડે છે. એ ઘણી વાર પૂછે છે: ‘તું ત્રણચારના જૂથ વચ્ચે શા માટે સંતાતી ફરે છે? તું કોનાથી ભાગે છે?’ મને જ નથી ખબર. જે સમયને ક્ષણક્ષણમાં છૂટો પાડી આપે છે તેનું હું શરણ શોધું છું. એથી તો હવે આંખમાં બે આંસુને પણ જોડી શકતી નથી, ને કદાચ આંખના બે પલકારાને પણ –

‘શું જોઈ રહ્યો છે આમ એકસરખો તાકીને?’ હું અકળાઈને પૂછી ઊઠું છું. ઘડીભર તો એ એમ ને એમ જોઈ જ રહે છે. પછી કહે છે: ‘તારી આંખના પલકારાને.’ હું હસું છું ને કહું છું: ‘એ તે કાંઈ જોવાની વસ્તુ છે?’ એ પણ હસીને કહે છે: ‘ના, ગણવાની વસ્તુ છે.’ ‘શું કરીશ એને ગણીને?’ ‘કોઈ વાર એ સરવાળો તને પાછો આપીશ.’ ‘એવું મારું શું શું તેં ભવિષ્યમાં કોઈક વાર પાછું આપવાને સંઘરી રાખ્યું છે?’ ત્યાં એ ઊઠીને એકાએક મને ગાઢ આલિંગનમાં જકડી દે છે. મારો શ્વાસ સુધ્ધાં રૂંધાઈ જાય છે પણ હું આલિંગનમાંથી છૂટવા મથતી નથી. થોડી વાર પછી મારી કાયા જાણે પ્રવાહની જેમ વહી જાય છે.’ ગાઢ અન્ધકારની ધારા. એમાંથી હવે જન્મશે સૂર્ય, ચન્દ્ર, તારા. એક બ્રહ્માણ્ડનો ભાર મારી કાયા પર તોળાઈ રહે છે. એ હું શી રીતે સહું? આથી જ તો –

માછલીઓ બધી ઘડીભર જંપી ગઈ છે. જળની સપાટી નિસ્તરંગ છે. પરપોટા દેખાતા નથી. ચકલી માળો બાંધવાને તણખલું બે ચાંચ વચ્ચે પકડી રાખે તેમ હું પણ થંભી ગયેલા કાળની આ ક્ષણને પકડીને બેઠી છું. એ ઝંઝાવાતની જેમ આવીને બધી ક્ષણ ઉઠાવી લઈ જાય છે. નારી સાચવવા ઇચ્છે છે. સંવર્ધવા ઇચ્છે છે. આથી તો હું ક્ષણોને સાચવવા મથું છું. ગણવા નથી બેસતી, સંચય પણ કરવા નથી ઇચ્છતી, આરોગવા પણ બેસતી નથી. પણ એ લાવે છે દિશાદિશાના પવનો, અદીઠ સમુદ્રની ભરતીઓ, અડાબીડ વનના ગાઢ અન્ધકારો – એમાં હું મારી ગરીબડી ક્ષણોને શી રીતે છૂટી મૂકી શકું? આથી જ તો દ્ધઢ્ઢદ્દઢ્ઢક્…

‘કોણ છે એ?’

‘મને આવા પ્રશ્ન નથી ગમતા.’

‘કેમ?’

‘કદાચ તમને આવા પ્રશ્નોના જવાબ નહિ ગમે.’

‘દયા –’

‘ક્યારેક અણજાણપણે આપણે દયા નથી યાચી બેસતા?’

એ ધૂંધવાઈ ઊઠ્યો છે તે હું જાણું છું. બહારથી કેવો શાન્ત ને સ્વસ્થ લાગે છે! મને થાય છે: લાવ, એના વાળ વિખેરી નાખું, એના ગાલ પર ઉઝરડા ભરું, એના હોઠ પર દાંત બેસાડી દઉં… પણ હું કશું કરતી નથી, જોઈ રહું છું. એકાએક એ મને કહે છે: ‘અત્યારે તું ખૂબ સુન્દર લાગે છે.’ હું કહું છું: ‘સદ્ભાગ્ય તારું કે મારી સુન્દરતાની આ ક્ષણે તું હાજર છે.’ પણ એણે કદાચ મારું વાક્ય સાંભળ્યું નથી. બધી આંગળી એ સાવ હળવેથી મારા ગાલ પર ફેરવે છે – હું બની જાઉં છું જળરાશિ. કેટલી બધી માછલીઓ જળમાં સેલારા મારી રહી છે! જળને કેવો સુખદ અનુભવ થાય છે. જળરાશિ છલકાય છે. મારી આંખમાંથી વહી જાય છે બિન્દુ પછી બિન્દુ. ટેબલના કાચ પર ટપકીને ભાંગે છે – ભાંગે છે – ભાંગે છે…

જે દિવસ એની પગલી પાડ્યા વિના ચાલી જાય તે દિવસ સારો. આથી જ તો જે કોઈ દિવસની પગલી ભૂંસી આપે તેને હું આવકારું છું – પછી એ દ્ધ હોય, દ્દ હોય, ક્ હોય. આંસુથી આપણે ભૂંસીભૂંસીને તે કેટલું ભૂંસી શકવાનાં હતાં? મને યાદ છે: એ દિવસો ખૂબ લહેરમાં જતા હતા. મારું મન વહેલી સવારથી જ ઊડું ઊડું થઈ રહેતું. વાંચવા બેસું ને અક્ષરો પંખી થઈને ઊડી જાય, ક્યાંક જવા નીકળું ને સદાનો પરિચિત રસ્તો પણ ભૂલી જાઉં, વાત કરતી હોઉં ને મારું જ આગલું વાક્ય ભૂલી જાઉં – પર્યટન, સિનેમા, રેસ્ટોરાંમાં બેસીને આઇસ્ક્રીમ ખાવો, કલાકના કલાક ઇધરતિધરની ગપ હાંકતા રસ્તા પર દ્ધ જોડે ઘૂમ્યા કરવું… દ્દની હોસ્ટેલના એન્યુઅલ ગેધરિન્ગમાં જવું, ક્ને સરસ મજાનો કાગળ લખવો… સમયના પર ભાર મૂક્યા વિના એને જુદા જુદા આકારે વાળવો – મને ગમે છે આવી રમતો. પણ એકાએક જોઉં છું તો આ બધી ક્ષણને ગૂંથીને કોઈ એનો હાર મને પહેરાવી દે છે. એનો ભાર નથી સહેવાતો, હું એને તોડી નાખું છું, હૃદયની એરણ પર એ ક્ષણોને ભાંગીને કચ્ચર કચ્ચર કરી નાખું છું. એ કચ્ચરોને એ એકઠી કરે છે, એના હાથમાંથી લોહી વહે છે. હું એને પૂછું છું, ‘શા માટે આ કચ્ચરો એકઠી કરી?’ એ તો પોતાની કલ્પિત શહીદી પર મુસ્તાક બનીને બેઠો છે. એના હાથનું લોહી જોઈને મને ખુન્નસ ચઢે છે. હું કહું છું: ‘તારું લોહી જ તારે જોવું હોય તો એના અનેક રસ્તા છે. એ માટે તું મારો શા માટે ઉપયોગ કરે છે?’ એ હસીને કહે છે: ‘તારો ઉપયોગ કોણ કરે છે તેની તને ખબર છે ખરી?’ ફરી મને થાય છે કે એને હચમચાવી નાખું . વીંખી નાખું, કાચની જેમ વીંઝીને કચ્ચર કચ્ચર કરી નાખું…

માછલીઓનો પકડદાવ ફરી શરૂ થયો છે. સ્ટ્રોથી ગ્લાસમાં બરફના ટુકડા પેલો માણસ અથડાવ્યા કરે છે. બરફ ઓગળતો નથી. સમય સરતો નથી. સમયનું તણખલું દાંત વચ્ચે દાબીને હું બેઠી છું. નજર સામે જોઉં છું એ ઓરડી, એ કબાટ – એ કહે છે, ‘જો આ દવાખાનું.’ ‘મને માંદી માનવાનું તને બહુ સુખ છે, ખરું ને?’ ‘કોઈ નિમિત્તે તારું થોડું રક્ષણ કરી શકું –’ ‘હા, દ્ધથી, દ્દથી, ક્થી.’ મને દવા પાવાને ઊંચી કરેલી ચમચી એના હાથમાં ધ્રૂજે છે. હું લગભગ ચીસ પાડી ઊઠું છું. ‘જો આ ટીપું મારી સાડી પર પડશે ને તો મારી આવી મોંઘી સાડી –’ એ સફાળો ચમચી મારા મોઢામાં ગોઠવી દે છે. પછી મારી સામું જોઈને કહે છે ; ‘કેટલી પીળી પડી ગઈ છે તું? તારી આંખમાં પહેલાંનો ચમકારો રહ્યો નથી, ને પાંસળી કેવી નીકળી આવી છે!’ હું કશું બોલતી નથી. દુ:ખથી કે પછી રોષથી એ એકાએક પૂછી ઊઠે છે: ‘તને શું થયું છે?’ હું કોણ જાણે શી ધૂનમાં કહી દઉં છું: ‘તું!’

 

‘કોણ, તું?’

‘કેમ? તું બીજા કોઈકની રાહ જોતો હતો?’

‘ના.’

‘તો?’

હજી કશું કહું તે પહેલાં એણે મારા હોઠો એના દાંત વચ્ચે દાબી દીધા. એની પકડમાંથી છૂટીને મેં કહ્યું: ‘જવાબ ન આપવો હોય ત્યારે આ યુક્તિ તને ઠીક પરવડે છે ખરું ને? ચાલાકીની ચાલાકી ને ખુશામતની ખુશામત.’

‘ઓહો, તો તું રીઝે છે ખરી?’

‘હું તારા જેટલી લોભી નથી.’

‘લોભ? જેને થોડું થોડું કટકે કટકે મળતું હોય તેને લોભ, હું તો –’

‘એટલો બધો વિશ્વાસ છે તને મને પામ્યાનો, તો પછી શા માટે…’

‘તો શા માટે તું આનન્દથી છલકાઈ ઊઠતો નથી? તારી પાસે આવું છું ત્યારે મને હંમેશાં આ ભય રહે છે. રખેને મારો આનન્દ ખોઈ બેસું તો!’

‘ને કશું પામવાનો કદી અનુભવ થતો નથી?’

‘તું હિસાબ માગે છે?’

‘એટલો બધો દરિદ્ર હું નથી.’

‘તો પછી કોઈક મારી પાસેથી એકાદ બે ક્ષણ લઈ જાય તો તારું બધું લુંટાઈ ગયું હોય તેમ..’

‘મને લૂંટાવવું ગમે છે, લુંટાઈ જવાનું નહિ.’

‘હું ને દ્ધ આજે જઈએ છીએ ‘ઓન ધ વોટર ફ્રન્ટ’માં.’

‘સાંભળીને ખુશ થયો.’

‘એમ દુણાઈને બોલવાની કાંઈ જરૂર?’

‘તારો આનન્દ તે મારો આનન્દ.’

‘ને તારો વિષાદ તે મારો વિષાદ?’

‘તું એનાથી ભાગવા ઇચ્છે છે?’

‘ભાગીને શું હું શૂન્યને ભેટવા ઇચ્છું છું?’

‘તું કદાચ મને શૂન્યવત્ કરી દેવા ઇચ્છે છે.’

‘એની તને શી ખબર?’

ઘડીવાર સુધી એ કશું બોલ્યો નહીં, પછી અણધાર્યા વિષાદથી લગભગ આંસુથી રૂંધાયેલા કણ્ઠે કહ્યું: ‘ના, મને કશી જ ખબર નથી, કશી જ ખબર નથી.’

દ્ધ કશુંક કહી રહ્યો છે. હું અર્ધું સાંભળું છું, અર્ધું સાંભળતી નથી. ત્યાં એકાએક એ કશા પ્રશ્નથી ઢંઢોળીને મને જગાડે છે: ‘બોલ ને, તને તો બધી જ ખબર છે.’ ને કોણ જાણે શાથી મારાથી બોલાઈ જવાય છે. ‘ના, મને કશી જ ખબર નથી.’ દ્ધ ‘લુચ્ચી’ કહીને મારા ગાલમાં ચૂંટી ખણે છે. મારી આંખમાં આંસુ આવી જાય છે. એકાએક ગમ્ભીર બનીને એ પૂછે છે: ‘તને થયું છે શું?’ ગમ્ભીર થવાની એની વય નથી. હું એનાથી સાત આઠ વર્ષ મોટી છું, છતાં એ મને પટાવવા ફોસલાવવા જાય છે ત્યારે મને ખૂબ મજા પડે છે. સિનેમામાં પણ જો હું એની પાસે નહીં હોઉં તો નાના બાળકની જેમ એ રિસાઈ જાય છે. હું એના ગાલમાં ટપલી મારીને કહું છું: ‘કશું જ નહીં.’ પણ એ માનતો નથી. કલાકના કલાક એ મને રોકી રાખે છે. મને હસાવવાનો એનો પ્રયત્ન જોઈને મને હસવું આવે છે. નાટકમાંનો કોઈ બાળરાજા મ્યાનમાંથી તલવાર કાઢીને મસમોટા શત્રુ સામે ઊભો થઈ જાય તેમ એ એકાએક ફૂંફાડો મારીને મને પૂછે છે: ‘કોણ છે એ? કોને કારણે તું આટલી ગમ્ભીર બની જાય છે?’ હું કંઈક બેધ્યાન બનીને એ પ્રશ્નનો પડઘો પાડું છું: ‘કોણ છે એ?’

માછલીઓની આ રમત ચાલે છે કે પછી યુદ્ધ? અહીંથી એ કાંઈ કહી શકાતું નથી. માછલીઓ તો કશું ઉશ્કેરાઈને બોલતી નથી, એની આંખોમાં ભાવ હોય છે ખરો? યુરેઝિયન યુવતી ‘માઇક’ આગળ જઈને ગાવા માંડે છે. ડ્રમ બજે છે. એના પડછંદા મારા સૂના હૃદયમાં ગાજી ઊઠે છે. ટેબલ પરની ફૂલદાનીમાં ધોળું લીલીનું ફૂલ ડોક ઢાળીને ઢળી પડ્યું છે. પાસે પેન્ટ્રીના કાઉન્ટર પર એક વેઇટર છરીથી પાઉંની સ્લાઇસ કાપે છે. એસ્પ્રેસો કોફીનું મશીન ચાલુ થયું છે. સંગીતના સૂર અહીંતહીં નમાયા બાળકની જેમ રખડે છે: દીવાલ પરના દર્પણ સાથે અફળાય છે ને એની કચ્ચર ઊડીને મારી આંખમાં પડે છે. એથી જ કદાચ એક બિન્દુ ઝમે છે. હું એને લૂછતી નથી. એ પાંપણ પર તોળાઈ રહે છે ને પછી ટેબલના કાચ પર માથું પટકીને મરી જાય છે. હવા તૂટેલા કાચની ઝીણીઝીણી કચ્ચર જેવી લાગે છે. એનો શ્વાસ લેતાં રહેંસાઈ જવાય છે. હું પર્સમાંથી કોમ્પેક્ટ કાઢીને દર્પણમાં જોઉં છું: આંખ લાલ થઈ ગઈ છે.

‘આ શું કરે છે તું? કોઈની પર્સ આમ લઈ લેવાય?’ એ કશું સાંભળતો નથી. કહે છે: ‘તારી આંખો કેટલી સુન્દર લાગે છે તે જોવી છે તારે?’

‘ના, નથી જોવું મારે કશું.’

‘પણ મારે તને બતાવવી છે.’ કહીને એ પર્સમાંથી દર્પણ કાઢી મારી સામે ધરે છે. એમાં જોઈને હું છળી મરું છું. મારી આંખમાં આ શેનો નશો, આ શો ઉન્માદ? એ કહે છે: ‘પૂનમનો ચન્દ્ર પૂર્વક્ષિતિજે પ્રથમ પ્રકટે ત્યારે કેવો રાતો હોય છે! એવી છે તારી આંખની રતાશ…’

‘ઓહો કવિતા કરવી છે?’

‘આ લાગણી સજાવવાની વાત નથી. મારી કોઈ પણ લાગણી તને કૃત્રિમ જ લાગે છે?’

‘બધી જ વાતમાં તને તો વાંકું પડે છે. સહેજ સહેજમાં તું ગમ્ભીર થઈ જાય છે એટલે જ તો હું …’

‘એટલે જ તું મારાથી ભાગતી ફરે છે?’

હું અકળાઈ ઊઠી હતી. એટલે મારાથી કહેવાઈ ગયું: ‘હા.’

એકાએક એ ઊઠીને ઊભો થઈ ગયો. પછી એ બોલ્યો: ‘જો તને ખબર હોત…’

કોઈ મેક્સિકને ટેપ ડાન્સ શરૂ કર્યા હતો. એના ઠપકારાને હું લિપિની જેમ ગોઠવીને વાંચવા મથતી હતી. માછલીઓ ગભરાઈ ગઈ હતી? કાળી મોટી માછલી દોડાદોડ કરતી હતી. પાણીમાં ખૂબ પરપોટા થતા હતા. રેસ્ટોરાંમાં ખાસ્સી ભીડ જામી હતી. હવા વધુ બરડ થતી હતી. મારો શ્વાસ રૂંધાતો હતો. ક્યાંક ઊંડે ઊંડે કોઈક ડૂબી રહ્યું હતું, તરફડી રહ્યું હતું. મને ચક્કર આવતાં હતાં. હું પર્સમાંથી સ્મેલિંગ સોલ્ટ બહાર કાઢવા મથતી હતી. જ્યુક બોક્સમાં કોઈની નવી ફરમાયેશ વાગતી હતી: Do you remember an inn, Miranda? મારા કાનમાં પડઘા પડવા લાગ્યા: Do you remember? Do you remember? આ કોણ પૂછી રહ્યું છે મને? Do you remember? We have already met before. હું આયરીન મહેતા–હા, પિકનિક પર દ્ધ સાથે, તમે ગીત ગાયું હતું…દ્ધ? ના, એણે જ મને અહીં મોકલી ….હા, આ 27 મી-એ આવશે ને? – ના, માત્ર રિસેપ્શનમાં નહીં, જો એવું કરશો તો દ્ધને ખોટું લાગશે… માછલીઓ ભાગાભાગ કરતી હતી, મારા કાનમાં આ પંક્તિ પણ કોઈ ગભરાયેલી માછલીની જેમ ભાગાભાગ કરતી હતી. Do you remember an inn, Miranda? આયરીન બોલ્યે જ જતી હતી: જો મને ખબર હોત તો …

ધ્રુવપ્રદેશની હિમાચ્છાદિત ભૂમિ, ચન્દ્ર, આંખને આંજી નાખનાર શુભ્ર વિસ્તાર. એમાં ક્યાંક છેક તળિયે અશ્મીભૂત અવશેષની જેમ હું દટાઈ ગઈ છું. હવે એક રેખા આમથી તેમ ફરવાની નથી. આ શુભ્ર વિસ્તારમાં જ પેલી કાળી માછલી હશે? કે પછી આ શુભ્ર વિસ્તાર એ કાળી માછલીના ઉદરમાં સમાઈ ગયો છે? સ્ટ્રોથી બરફના ટુકડાને ડૂબાડવા મથનાર પેલો માણસ ક્યાં છે? ક્યાં છે દ્ધઢ્ઢ દ્દઢ્ઢ ક્? ને ક્યાં છે એ?… કેટલું મોટું ટોળું ભેગું થયું હતું! બધાં પૂછતાં હતાં: ક્યાં છે એ? મિત્રો મને પૂછતાં હતાં: ક્યાં છે એ? ઘરની ખુલ્લી બારીઓ અમારી સામે તાકી રહી હતી. બારણાં રોકતાં નહોતાં, સોફા પર કોઈના બેસવાનો દાબ સુધ્ધાં હતો. પણ આખું ઘર અશ્રુત સ્વરે ‘ના’ કહી રહ્યું હતું. ટેબલ પર એક કાગળ પડ્યો હતો, કોરો, ધોળો ધોળો, અક્ષર પાડ્યા વિનાનો… એના ધોળા અન્તહીન વિસ્તારમાં મારી દૃષ્ટિ ભૂલી પડી છે. હું કોઈનો પ્રશ્ન સાંભળ્યા વિના ચાલી આવું છું. પણ મારા અશ્મીભૂત ખોખાંની અંદર જાણે એ પ્રશ્નનો ધબકાર હજી સળવળ્યા કરે છે.


License

ન તત્ર સૂર્યો ભાતિ Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.