પદ્મા, હું તને તિરસ્કારું છું. તારા મુખની રેખાએ રેખા મને યાદ છે, કારણ કે એને ભૂંસી નાખવાનો હું પ્રયત્ન કર્યા કરું છું. તારી આંખમાં આંસુ તો છે, પણ સારેલાં આંસુ બહુ હળવાં હોય છે, એ નથી સાર્યાં હોતાં ત્યારે જ બહુ ભારે હોય છે. આથી હું તારી પાસે આંસુ પડાવવા નથી ઇચ્છતો. છો ને રહ્યો આંસુનો ભાર. તું હળવી થઈ જાય તો તો ઊડી જ જાય, ને પદ્મા, હું તો ઇચ્છું છું કે તારે ડૂબી જવું જોઈએ – ખૂબ ઊંડાં જળમાં; પણ ડૂબવાને માટે ભાર જોઈએ.
જાણું છું કે અત્યારે તું નોકરચાકર અને સગાંવહાલાંથી ઘેરાઈને બેઠી છે. સાંજે છ વાગે પેકાર્ડ હાજર. શોપિંગ કે પછી જસ્ટ અ સ્ટ્રોલ. ઘણી વાર તું તારા સૌન્દર્યની પ્રશંસા સાંભળીને મલકાતી હોય છે. પણ પદ્મા, એ બધી વાત ખોટી છે. તને એમાં રસ નથી તે હું જાણું છું. તારી વયની ધનિક કુટુમ્બની કન્યા જે કાંઈ કરે તે બધું તું ખંતપૂર્વક કરવા મથી રહી છે, જેથી તારી સાધારણતા જ તારું રક્ષાકવચ બને. પણ એ રક્ષાકવચને હું ભેદીશ. ને પદ્મા, અગ્નિ ભયંકર વસ્તુ છે, પૃથ્વી પણ કઠોર છે. જળ જ સારું. મારા હૃદય જેટલું એ કદાચ ઊંડું નહિ હોય, પણ એમાં નિશ્ચિતપણે ડૂબી શકાય. ડૂબીને તું તળિયે બેસી રહે એમ નથી ઇચ્છતો. તું તરતી તરતી વહ્યે જાય તે જ સારું.
ને દરિયો નહિ પદ્મા, નદી સારી. કાંઠે ઊંચી કરાડ નહીં. મને એ નથી ગમતી. નદીમાં વચ્ચે વચ્ચે પથ્થરો હોય તે સારું. એ પથ્થરો તને ઘડીભર રોકે, તારો એકાદ હાથ ભેરવાઈ રહે, પગ ઘૂમરાતા પાણીમાં નાચવા લાગે, વાળની લટ પાણીમાં પ્રસરે ને એનો કાળો વેગીલો પ્રવાહ હું જોઈ રહું – પછી પાણીનો વેગ વધે, તને એક ધક્કો વાગે, ને મોડું થતું હોય તેમ તું બમણા વેગથી વહેવા લાગે. નદી જ સારી, પથરાળ નદી જ સારી.
કેવી આનન્દની વાત – આખોય વખત ચાલ્યા કરશે તારું ને જળનું કૂજન. કાન દઈને હું સાંભળ્યા કરીશ. એમાં કોઈને સંદેશો નહિ, કોઈને સમ્બોધન નહીં, આગલી-પાછલી વાતનું સાંધણ નહિ, અવિરત ને અસ્ખલિત કૂજન, જન્મોજન્મની અનિન્દ્રાનેય ઘેનથી પરવશ કરી નાખે એવું કૂજન. પદ્મા, તને પૃથ્વી પર બોલતાં જ નહોતું આવડ્યું. તારી એ ભાષા જ નહોતી. હવે બુદ્બુદના ઉદ્ગાર તું જલદી શીખી લઈ શકીશ. જળમાં બહુ પ્રશ્નો નથી હોતા, ને તનેય ક્યાં પ્રશ્નો ગમતા હતા? ચન્દ્ર હોય કે નહિ હોય – એ કાંઈ મહત્ત્વનું નથી. જળને તળિયે બેસવાને બધાં જ મુહૂર્ત સરખાં છે. ના, જળમાં ઊતરતી વેળાએ બે હાથ જોડીશ નહિ, તારાં ચરણ જળની હથેળીમાં ઊંચકાઈ જશે, જળની કાયા તને વીંટળાઈ વળશે, તું જળમાં પૂરી પ્રવેશી જશે, જળ આનન્દના બુદ્બુદ પ્રકટ કરશે – એક બુદ્બુદ એટલે એક વિશ્વ, જાણું છું, તારામાં ઘણાં વિશ્વ હતાં. એના ધ્રુવ સુધીની મને ખબર છે. હું ક્ષણેક્ષણે તારા વિશ્વનું માપ કાઢતો હતો – મારામાં તારો પ્રલય થઈ શકે કે નહિ તેનો હું ક્યાસ કાઢતો હતો. ખરાબે ચઢેલા વહાણની જેમ નહિ, પણ અક્ષત અખણ્ડ તું મારામાં એકાકાર થઈ જાય… પણ પદ્મા, જળમાં કશો ભય નથી, ને તારે તળિયે બેસી રહેવાની જરૂર નથી. તું જળવિહાર કરતી રહેજે.
ના પદ્મા, હું ખોટું નથી બોલતો. જળને દાંત નથી, નહોર નથી. તું પૃથ્વીની ને પૃથ્વીના લોકોની વાત ભૂલી જા. જાણું છું કે ઘણાય દન્તક્ષત ને નખક્ષત તારી ગુપ્ત કાયાના પર અંકાયા છે. પણ જળની આંગળીઓ ધીમે ધીમે એ બધું ભૂંસી નાખશે. ફરી તારી કાયા બની જશે સાવ નિષ્કલંક, આ દન્તક્ષત ને નખક્ષત જ તારું રહસ્ય છે એમ તું માનતી હતી. એ રહસ્ય જળને સોંપી દે. જળનું રહસ્ય પારદર્શી હોય છે. તારું રહસ્ય પણ પારદર્શી બની રહો. પદ્મા, આ પૃથ્વી પર આપણું રહસ્ય જ આપણને રૂંધે છે, કારણ કે એ રહસ્ય એકલાનું જ હોય છે. જળનું રહસ્ય સર્વવ્યાપી છે. તારામાં રહેલી પૃથ્વીને જળ ગમે તેટલી માંજી નાખે તોય એ પારદર્શી તો નહિ બને, પણ જળ ધીમે ધીમે પૃથ્વીને ઘસી નાખશે, પછી ત્વચાનો ઢાંકપિછોડો, શિરાઓનો ફાંસો રહેશે નહિ. બે આંખની સાંકડી ગલીનો અન્ત આવશે. પૃથ્વી હોય તો જ પગ, જળમાં પગની જરૂર શી? આમ તારો ધીમે ધીમે મોક્ષ થશે, ને છતાં રહી જશે તારું કૂજન – કાંઠે કાંઠે કાન દઈને હું તારું એ અવિરત કૂજન સાંભળ્યા કરીશ.
આ સમુદ્ર નથી, એટલે અહીં વડવાગ્નિ નથી. તું નાની હતી ત્યારે તેં બાળકબુદ્ધિથી ધગધગતો સોનેરી અંગારો હાથમાં રમવા લીધો હતો. જિંદગીભર તારી એ બાળકબુદ્ધિ ગઈ નહીં. ક્યાંય પણ છુપાયેલા અગ્નિને શોધવાની તને ટેવ છે. તારો એ અગ્નિસંચય (ને તેં બીજો શેનો સંચય કર્યો છે વારુ?)જળને સોંપી દેજે. વન્ય પશુઓથી બચવા વનવાસીઓ ગોળાકારે તાપણું કરે ને વચ્ચે રાતવેળા સૂઈ રહે. પણ અગ્નિ પોતે જ પશુ તેની તો તને ખબર નહિ. તારે હાથે અગ્નિની જિહ્વા પર તારું માંસ મૂકતી રહી. જે અગ્નિને અર્પ્યું તે જળ નહિ સ્વીકારે એમ માનીશ નહિ. પણ અગ્નિ પોતે જ જળમાં લોપ પામશે, ને હવે કટકે કટકે અર્પણ નહિ, એકી સાથે સમસ્તનું નૈવેદ્ય. પદ્મા, જળની અંજલિ કોઈ પણ દાનથીય વિશાળ. તારો કશો શેષ નહિ રહે, જે વધે તેનો હિસાબ, જે નિ:શેષ તેનો કોઈ આંકડો નહિ માંડે. પદ્મા, તું નિશ્ચિત રહેજે.
ના પદ્મા, તારી રમત તું ભૂલી જઈશ નહિ. ક્રીડા કરવી ને કરાવવી એ તો જળનો સ્વભાવ જ છે. રાતે જળ તારાના પાંચીકા એકઠા કરે ત્યારે પાંચીકા ઉછાળીને રમજે; સૂરજ ચાંદાના દડા ઉછાળજે; કૃષ્ણનો ખોવાઈ ગયેલો દડો હજી જડ્યો નથી. ખોટી છે કાલીયમર્દનની વાતો; કૃષ્ણ શોધે છે એ દડો. પણ પૃથ્વી પરથી જે જળમાં ગયું તે પૃથ્વી પર પાછું જાય નહિ. પૃથ્વી પરના સૌ ખોઈ બેસે છે કશુંક જળમાં – જો કશુંક ખોવું હોય તો જળમાં ખોઈ નાખવું. શેવાળ તારી આંખોને ઢાંકી દઈને સંતાકૂકડી રમાડશે; હજારો કાંકરાઓ રમતના સાથીદાર બનશે. પવનની લહરી, વૃક્ષોની છાયા, આકાશની નીલિમા – ગોઠિયાઓની ખોટ નથી. જીવવું એટલે જ ક્રીડા – એવું હોય છે જળનું જીવન, માટે તો કહું છું પદ્મા, જળ જ સારું.
પદ્મા, કોણ ઓળખવાનું હતું તારા મર્મને? જળનો મર્મ ને તારો મર્મ એક છે. જે મર્મ જેટલો પોતાનો વિસ્તાર કરે નહિ તે મર્મને શી રીતે પામે? આ તારો મર્મ જ પૃથ્વીનો શાપ. શાથી ઘડાયો છે એ મર્મ? કોઈની લોલુપ નજર, કોઈની આજીજી – પણ પદ્મા, એ બધું ઊણું પડે, ઘણું ઊણું – જળ જ પૂર્ણ. તારા મર્મને જળાકાર કરી નાખ. જળની વાત તું પૃથ્વીની જીભે બોલવા આવી માટે તો તારા પર મને રોષ છે. જળને કાળ નથી, ને તું કાળની ભીંસ વચ્ચે રહેંસાઈ જવા શા માટે આવી? તારી બે આંખોમાં બે પંખી – એક દિવસનું, બીજું રાતનું. એ પિંજરમાં કેવો કરુણ એનો વિલાપ! માટે તો કહું છું, છોડી દે દિવસને, છોડી દે રાતને. સૂરજ કે ચાંદો ઊતરી ઊતરીને જળમાં કેટલેક ઊંડે ઊતરવાના હતા? ને સમય તો ચાંદાસૂરજની પાવડી – એ તો જળ ઉતારી જ લે. પદ્મા, માટે તો કહું છું કે વ્યાપી જા જળમાં.
પદ્મા, પૃથ્વીને કશી સ્મૃતિ નથી, એ તો નક્કર છે, સ્મૃતિને સંઘરવા જેટલું શૂન્ય એની પાસે ક્યાં છે? માટે તો પૃથ્વી અન્ધ છે. સૂરજચાંદાની ઉછીની આંખે એ કેટલું જોઈ શકે? પણ જળ તો સાક્ષાત્ નેત્ર. જળ જોયા જ કરે, જળ નિષ્પલક નેત્ર. જળ જ આપશે આંખ તારી અન્ધ સ્મૃતિને, ને કેટલું બધું ખોઈ નાખ્યું હતું તેં તારી સ્મૃતિમાં! એ બધું જ તને પાછું મળી જશે. પણ જળમાં કશો લોભ નહિ. બધું જ જળનું જળમય. પૃથક્ સ્મૃતિ કાંટો બની જાય છે, એની ધારા કેવળ લોહીની ધારા, અગ્નિના સ્ફુલ્લંગિ. પણ જળાકાર સ્મૃતિ કશું કોરું રાખે નહિ, સ્મૃતિ વિના તું કેવી અધૂરી લાગતી હતી! ને જે આદિ કાળમાં આપણે બે કેવળ જળના તરંગરૂપે સાથે હતાં તેની સ્મૃતિ પણ હજી ત્યાં એવી ને એવી અખણ્ડ છે. કોઈ કોઈને અખણ્ડ રૂપે પામે જળમાં, કારણ કે જળ કદી ખણ્ડિત થાય નહિ, એ સદા વહે. માટે તો કહું છું પદ્મા, કે તું વહ્યે જા, જળમાં જળ બની વહ્યે જા.
પદ્મા, તું દ્વિધામાં રહીશ નહિ. જળને હોય છે કશી દ્વિધા? તેં ઘણા વિકલ્પોનો વિચાર કર્યો, વિકલ્પ આગળ તું અટકી ગઈ. દરેક વિકલ્પ તારું કશુંક હણી ગયો. આથી જ તો મેં જ્યારે તને જોઈ ત્યારે તું હતી કોઈ પ્રાચીન ખણ્ડિત શિલ્પના જેવી. દ્વિધા જ જીર્ણ કરે છે આપણને, એ તારાં અંગને છેદે એ તું શી રીતે સહન કરી શકી? માટે જ તો તારા પર મને રોષ છે. હું વિકલ્પ બનીને તારી સામે ઊભો રહેવા ઇચ્છતો નથી, કારણ કે હું તને છેદવાનું સાધન માત્ર રહું તો કેવો ન્યૂન બની જાઉં! જળ વિક્લ્પને ડુબાડી દઈને આગળ વધે છે, પણ તું વિકલ્પને સામે જોઈને ફંટાઈ જાય છે – કેટલી વેદના રહી જાય છે પાછળ, તને ખ્યાલ છે? એ બધી જ વેદના મેં સંઘરી રાખી છે. એથી તો હું તારી આગળ આવીને ઊભો રહ્યો નથી. તારી પાછળ રહી ગયેલી વેદના સંચિત કરવા હું સદા પાછળ રહ્યો છું. એથી જ તો તું મને ઓળખતી નથી. પણ જળ ભાર માગે છે, એ હોય તો જળ આપણને સ્વીકારે છે. તારે એ ભારની શોધમાં જવું નહિ પડે; ને એ મારું અર્પણ નથી, તારી જ વેદનાનો ભાર તને સોંપું છું. પદ્મા, જળ તારી પ્રતીક્ષા કરે છે. કશું જ છોડીને આવીશ નહિ. બાળપણમાં પહેલા દાંત આવ્યા ત્યારે કરડવાની ચળથી તેં તારી જ આંગળીને બચકું ભર્યું હતું તેનું તારી આંગળી પરનું ચિહ્ન સુધ્ધાં લેતી આવજે. ઘરના સૂના મેડા પરના ધૂંધળા ખંધા સંકુચિત પરિવેશની આડશે જીવનનું પ્રથમ ચુમ્બન તારા હોઠ પર જે દાંત બેસાડી ગયું તેના ઘાને પણ સાથે રાખજે. છેતરામણી પ્રતીક્ષા, રસ્તાનો નિર્જન વળાંક, એની રેખાશૂન્યતા તારા ગાલ પર આંસુની જે રેખાઓ આંકી ગઈ તે પણ સાથે લાવજે. ચોરીછૂપીથી જે નામને મર્મસ્થાને રાખીને પોષ્યું ને આખરે એની કઠોરતાથી હૃદયના કોમળ મર્મને વીંધાવા દીધો તેના ઘાને પણ સાથે લાવજે. વળી વધ્યાં હશે થોડાંક ફૂલ, જે મૂતિર્ પરથી બાજુએ સરી પડ્યાં હશે – જળ એનેય સ્વીકારશે, માટે એની અવગતિ થવા દઈશ નહિ.
તો પદ્મા, આરમ્ભી દે તારો અન્તિમ અભિસાર. ના, ઘાટ નથી, પગથિયાં નથી, નથી કોઈનો ઇશારો – અણસારો. ધીમે ધીમે ઊતરજે; કોઈની આંખોમાં ઊતરતી હોય, કોઈના હૃદયમાં ઊતરતી હોય તેમ નહિ – ભારે હોય છે એનો ઠાઠ પણ પદ્મા, હવે ઠાઠની જરૂર નથી. ઉતારી નાખ ઝાંઝર, ઉતારી નાખ વસ્ત્ર, ગળામાં હાર નહીં. હાથે વલય નહીં, કાને કર્ણફૂલ નહિ. ના, સૌભાગ્યનું ચિહ્ન સુધ્ધાં નહિ. જળ જ પરમ સૌભાગ્ય, જળની નગ્નતા ને તારી નગ્નતાનો સંગમ થવા દે. સૂરજથી સંતાવું ઘટે, ચન્દ્રથી સંતાવું ઘટે પણ જળમાં નર્યો સ્પર્શ. એ અન્તરાય સહે નહિ. તારી નગ્નતા જ તારી કાયાના પ્રવાહની બંકિમ ગતિને પ્રગટ કરશે.
ના પદ્મા, જળમાં નથી એકાન્ત. પાંદડાં પરથી ઝાકળ સરીને વનની વાત કહેશે; વર્ષાની ધારા આકાશને સાગરની વાતો કહેશે; ઓગણપચાસ વાયુનો પ્રલાપ તારે કાને પડશે; દૂરથી મન્દિરની ધજાનો તર્જનીસંકેત તું જોશે, સાંજે છેલ્લી શમી જતી પગલીઓ તારા કૂજનને તળિયે ડૂબી જશે – બધો સંસાર થાક્યોપાક્યો તારા કૂજનને ખોળે ઢળવા આવશે. સ્મશાનની રાખ ઊડીને આવશે, એને ટાઢક વળે એવાં બે વેણ કહેજે; કાંઠાંનાં વૃક્ષોની ઘટા ઝૂકીને તારું મુખ જુએ તો જોવા દેજે, તું બીજી જ ક્ષણે વહીને દૂર ચાલી જશે, માટે દ્વિધા રાખીશ નહીં. બધો ભાર ધીમે ધીમે ધોઈને જળના કણમાં વિખેરી દેજે, તું જળમાં લય પામશે એટલે હુંય હળવો થઈ જઈશ, પછી જ મારો મોક્ષ, માટે પદ્મા, તું હવે જળમાં ઊતરી જા, જો જળની હથેળી ઝીલી લે છે તારાં ચરણ…
નવભારત: નવેમ્બર, 1966
જો મેં હંમેશાં ‘લોપ’ શબ્દનો વિરોધ કર્યો છે, મેં શબ્દ જે વાપરેલો તે ‘તિરોધાન’, એમાં લોપ નથી આવતો. પણ તમે, જે લોકો ઘટના પર મદાર બાંધે, તે લોકો-કોના જેવા છે-એરિસ્ટોટલે કહ્યું છે એ લોકો કોના જેવા છે? કે સોનાનો ગઠ્ઠો હોય ને, એમાં આટલા કિલોનું સોનું છે, એ કિલો જુએ, બરાબર? એટલે એવો આટલું મળ્યું એમ એ હિસાબ માંડે! જ્યારે કોઈએ નાની સરખી નથ પહેરી હોય તો એના પર વારી જનારો વધારે રસિકજન કહેવાય. જ્યારે જે લોકો ઘટના પર મદાર બાંધીને લખે કે દોસ્તોએવ્સ્કી, ‘ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ’માં મર્ડરની વાતથી શરૂઆત કરે છે, પણ એ મર્ડર એવી જગ્યાએ લાવીને મૂકે જે કે જ્યારે તમે એ વાત બિલકુલ ભૂલી જ ગયા હો. એણે આખી યોજના કરી હોય ‘ક્રાઇમ એન્ડ પનીશમેન્ટ’માં, એ પ્રમાણે કશું બનતું જ નથી! અને એ બધા જ પ્રસંગો એવા લે છે, પણ છતાં તમે જુઓ છો કે એમાંથી, આખી, એની જ ડેન્ઝીટી… તે ઓગાળી નાખે છે.
સુરેશ જોષી