સાત માળનું તોતિંગ મકાન. મહેલ નથી, બાદશાહી હોટેલ નથી, છે ફેક્ટરી. રાક્ષસી કોમ્પ્રેસર ધણધણી ઊઠ્યાં છે. મોટાં મોટાં ચક્રો ફરે છે. રાસાયણિક પદાર્થોની ગન્ધ ગૂંગળાવી નાખે છે. એક્કેય માણસ નથી. રેકોર્ડર પરનો ધ્રૂજતો કાંટો તર્જનીસંકેત કરીને જાણે ‘ના ના’ કહી રહ્યો છે! મકાનમાં કોમ્પ્રેસરના ઘોંઘાટના પડઘા ગાજે છે. ક્યાંક પારદર્શી નળીઓની અંદર ટીપે ટીપે પીળો તેજાબ ટપકે છે, ઝમે છે, વહે છે. એમાંથી વરાળ નીકળે છે. ‘આ તેજાબ બહુ જલદ હોય છે. જો દાઝી જાઓ તો ઠંડા પાણીથી એક સરખું દાઝેલી ચામડીને ધોયા કરજો.’ ટીપે ટીપે થતાં તેજાબના વહનને હું જોયા કરું છું. આછી લીલા રંગની પારદર્શી બરણીમાં તેજાબ ભરાતો જાય છે – ટીપે ટીપે.
ત્યાં જોઉં છું તો એક ટીપું કંઈક દ્વિધામાં પડી ગયું લાગે છે, એ અટકી ગયું છે, વરાળ સિસોટી વગાડે છે. કોમ્પ્રેસરો ધૂંધવાય છે. જાણે પેલા નાના ટીપાને સૌ ધક્કો મારે છે, પણ એ ટીપું ખસતું નથી, ખસતું નથી.
મારી છાતી ધણધણી ઊઠી. હું ગૂંગળાઈ ગયો. આંખ તેજાબની વરાળમાં બફાઈ ગઈ. હું હાથ વીંઝતો આગળ વધ્યો, દોડ્યો. સાતમો માળ, છઠ્ઠો માળ, પાંચમો માળ… ને છેક નીચે. પણ બહાર જવાનું બારણું દેખાતું નથી, બારણું શું હતું જ નહિ? હું હવામાં હાથ વીંઝું છું. મારી છાતી જ જાણે એ બંધ બારણું હોય તેમ મારી છાતી પર જ એ મુક્કા વાગે છે. ધીમે ધીમે બધો ઘોંઘાટ શમે છે, નથી તેજાબ, નથી વરાળ… ને હું?
કદાચ રસ્તો મોટો હશે. મારી જ નજીકમાં ક્યાંક ચાલી જતાં લોકોનાં ટોળાંનો અસ્પષ્ટ અવાજ સંભળાય છે, મોટરના હોર્ન સંભળાય છે, કોઈ એકાએક બ્રેક મારે છે, ચીસ સંભળાય છે. શું થયું તે જોવા હું દોડી જાઉં છું, પણ મારા કાનમાં મારાં પગલાંના જ પડઘા ગાજે છે. થંભી જઈને ચારે બાજુ જોઉં છું. એક અત્યન્ત પરિચિત સુવાસ મને ઘેરી વળે છે, મને ઢંઢોળે છે, અનુનય કરે છે. પૂછે છે: ‘ઓળખે છે ને? ઓળખે છે ને?’ હું દ્વિધામાં પડી જાઉં છું. સહેજ થંભી જાઉં છું. મને ઘસાઈને એક પડછાયો દોડી જાય છે. હવામાં પડઘા ગાજે છે: ‘રસ્તો રોકીને કેમ ઊભા છો? રસ્તો છોડો, રસ્તો છોડો.’
આ શી સુગન્ધ? ના, અજાણી નથી ને છતાં એ સુગન્ધને કોઈ નામ જોડે, સ્થળ જોડે, પ્રસંગ જોડે સાંકળી શકતો નથી.
મારી ચારે બાજુ ટોળું છે. કોઈ કશું બોલતું નથી. આ શું કોઈ સરઘસ હશે? સ્મશાનયાત્રા હશે? હું અહીં શા માટે છું? ના, અહીં હોઈ શકું જ નહિ. કોઈ અકળાઈને મને ધક્કો મારે છે. કશુંક બોલે છે. હું પણ કશુંક બોલું છું. પણ એ અવાજ છે, શબ્દ નથી એવું મને લાગે છે. કશુંક પારદર્શી જાળું મને ઘેરી વળે છે. હું એને અળગું કરવા મથું છું.
ના, હું રસ્તા પર નહોતો. નિમ્મુ, સ્વીચ ક્યાં છે? હા, જાણું છું તું ગુસ્સે છે. મોડો આવું છું તે તને નથી ગમતું તે સમજું છું . પણ હમણાં હમણાંનું કશું ગોઠતું નથી; દીવાલ વચ્ચે, છાપરાં નીચે ઊભા રહેવાતું નથી. શ્વાસ રૂંધાય છે. ચાલ્યા કરું છું તો ઠીક લાગે છે, આથી ફરું છું. ના, હું કોઈને મળવા નથી જતો: નથી કશી મસલત, નથી ગુફતેગો – હા, કોઈ મારા કાનમાં કશુંક ધીમે ધીમે બોલતું હોય એવો મને ભાસ થાય છે. એના આ એકસરખા અવાજથી હું મૂગો થઈ જાઉં છું. નિમ્મુ, તારી જોડે નથી બોલવાનું ગમતું એવું નથી, પણ જાણે બોલવાનો સમય જ નથી મળતો. નિમ્મુ, તું રોષથી ધૂંધવાય છે તે હું જાણું છું. અત્યારે કદાચ તું મારી બાજુમાં જ સૂતી છે. કશાંક દુ:સ્વપ્નથી તારા શ્વાસ વેગીલા બને છે. તારા સ્વપ્નમાં એક જ વાત – હું ભાગી જાઉં છું, અદૃશ્ય થઈ જાઉં છું. ના, નિમ્મુ – રાતે અંધારામાં તારા ગાલ પર હાથ ફેરવું છું. મારી આંગળીઓ ભીની થઈ જાય છે. મારું પ્રેત તારી પાસે સૂતું હોય તેમ તું જાણે મારો જ શોક કરી રહી છે. મને છાતીએ બળતરા થાય છે, તેજાબનું ટીપું ખસતું નથી, અટકી ગયું છે, એની વરાળની બાફથી મારી આંખ છવાઈ જાય છે. નિમ્મુ, તો શું હું નથી? ડાહી થઈ જા, લાઇટ કર, ફ્રીજમાંથી ઠંડું પાણી લાવ, મને બળતરા થાય છે… નિમ્મુ, હું ઘડીભર નહિ બોલું તો અકળાઈશ નહિ. શબ્દનો શિલાભાર ઠેલું છું. ને ખસતો નથી. શું? પ્રેમ? ના, મને કશી ખબર નથી. ધીમે ધીમે આપણને કોઈ ખસેડી મૂકે છે, આપણે સ્થાને કશુંક આવીને બેસી જાય છે. ચહેરોમહોરો સરખો, પણ એની જોડે વહેવાર ચાલે નહિ, એટલે તો કહું છું: ત્યારે તું સાવધ કેમ નહિ રહી? તેં કેમ એવું થવા દીધું? નિમ્મુ, ચાલ, આપણે સાથે ફરીએ. ઘર નથી ગમતું. કબાટનો કાચ મને ગળી જાય છે. બારીબારણાંનાં ચોકઠાં ફાંસીના માંચડા બની જાય છે. તું મને સ્પર્શે છે ને જાણે બધું જ એવું તો આળું બની ગયું છે કે હું લગભગ ચીસ પાડી ઊઠું છું, પણ તું ચોંકી ઊઠે તેથી ચીસને રૂંધી રાખું છું… કોમ્પ્રેસર ધણધણી ઊઠે છે, સાત માળનું મકાન હાલી ઊઠે છે… આથી હું ભાગું છું, હવામાં હાથ વીંઝતો … નિમ્મુ, મારા હાથ ઝાલી લે, તો હું થોભી જઈશ. ભલે તારા સ્વપ્નમાં તું મને તને મૂકીને ભાગતો જુએ, પણ નિમ્મુ, પણ … તને ખબર છે શાથી આ બધી સેળભેળ શરૂ થાય છે? પહેલાં હિંડોળો હતો, દૃષ્ટિના દોરથી બાંધેલો – કેવાં ઝૂલતાં હતાં આપણે! અને હવે ફરે છે ચક્ર – રાત અને દિવસ. ખબર છે તને… હૃદયના એકસરખા ધબકારા સાંભળીને ત્રાસી ઊઠું છું. ભાંગેલાં રમકડાં વચ્ચેથી રસ્તો કરીને ચાલવા મથતા બાળકની જેમ ચાલવાનું મને નથી ગમતું. કોઈ મને પડતો જુએ તે ય મને નથી ગમતું. નિમ્મુ, તેજાબની વરાળની જેમ તું મને વીંટળાઈ વળીશ નહિ, સમ્ભવ છે કે હું પાંખ શોધી લાવીશ, તારે માટે ને મારે માટે. મારી આંખ સાબૂત રહેવા દેજે. સીસું ઢાળીને ભરેલાં બીબાંની જેમ હું ભારે થતો જાઉં છું, માટે મને પાંખ શોધવા દેજે…નિમ્મુ, તારી પાસે તો ઘણું કહેવાનું છે, તું બોલ્યે જા – મારી દુષ્ટતા, મારી બર્બરતા, મારી ઉદાસીનતા – તારી આખી યાદી પૂરી કર, હું સાંભળું છું. ડૂબનાર પોતાના ઉગારનારને જ ભેટી પડીને જળસમાધિ લેવડાવે તેવું તું કરીશ નહિ. ડૂબનારાઓનું આલિંગન મને ગમતું નથી, માટે નિમ્મુ, મારા બે હાથ છૂટા રહેવા દેજે, તો જ મને દોડવું ફાવશે…. તું કંઈક સાદી વાત લઈને એમાં તારી જાતને પરોવી દે ને! ફોટા પરની ધૂળ, ફાડ્યા વગરના કાગળ, બારીના પડદા – રાતે એ ખસેડી નાખીશું, આકાશમાંનંુ કૃત્તિકાનું ઝૂમખું જોઈશું, ચાલી જતી ટ્રકનું લાલ ટપકું જોઈશું, પછી તારી આંખ ઊંઘથી બીડાઈ જશે, મારા હાથને આધારે તારું માથું. ને મારો હાથ વળી તારાં આંસુથી ભીનો થશે – તારું સ્વપ્ન ને મારી જાગૃતિ…ના, નિમ્મુ, નથી સાંધી શકાતાં એ બે…
‘શેઠ, આવવું છે કે?’
‘ક્યાં લઈ જઈશ?’
‘કેમ, તમને નથી ખબર? તો આ બધું લોક ક્યાં દોડી રહ્યું છે? ચાલો, બેસી જાઓ.’
ઘોડાગાડી દોડે છે. ચારે બાજુ ટોળાંનો આભાસ છે. ચાબૂક હવામાં વીંઝાય છે, મારા કાન ચમચમી ઊઠે છે. ઘોડો દોડે છે. એના મોઢામાંથી ફીણ ઊડે છે; વેગ વધે છે. કોઈનો હાથ પૈંડામાં ભેરવાઈને તૂટીને આંટા ફરતો થઈ જાય છે. હાથ પર ઘડિયાળ છે. એ હાથને પકડી લઈને રોકવાનું મન થાય છે, ત્યાં બીજું કશુંક આવીને મારા પગ આગળ આવીને પડે છે – કપાયેલી બે આંગળીઓ. એક પર વીંટી છે, હીરો ચમકે છે, ફાટેલી આંખે મારી તરફ તાકી રહે છે. ધીમે ધીમે હું છિન્ન અંગોથી ઘેરાઈ જાઉં છું. ઘોડાગાડીનો વેગ વધે છે. હું ગભરાઈ જાઉં છું. હાંકનારને કશુંક કહેવા જાઉં છું, પણ ઘોડાના ડાબલામાં મને મારો અવાજ સંભળાતો નથી. હું બહાર નજર કરું છું. દૂર ક્યાંક ચકડોળ ફરે છે, થોડાંક ઝાંખા માણસો ઉપર જાય છે, નીચે આવે છે. ફુગ્ગાઓ ઊડે છે, પિપૂડી વાગે છે; તે છતાં ચારે બાજુ જાણે નરી નિર્જનતા છે. કશીક પારદર્શી દીવાલની બીજી બાજુ આ બધું બની રહ્યું છે. કપાયેલી આંગળીઓ સળવળે છે, જાણે પડખું બદલે છે, હીરાની ફાટેલી આંખ બીડાઈ જાય છે; ચક્રાકારે ફરતો તૂટેલો હાથ દરેક આંટે ‘આવ, આવ’નો જાણે અણસાર કરે છે. ડાબલાના અવાજ ‘આવું છું, આવું છું’ના પડઘા પાડે છે.
ક્યાંકથી ફૂલો આવીને પડે છે, જાણે માથું પટકી પટકીને મરે છે, ઢળી પડે છે. મારા પગ બંને ઢંકાઈ જાય છે. પાંખડી પર ઝિલાયેલું ઝાકળ મારા પગ ભીંજવી દે છે, ઘીમે ધીમે પગ પર ભાર વધતો જાય છે. હું પગ ઊંચો કરું છું. હવાની એક લહેર આવે છે, ફાડી નાખેલા કાગળની કાપલીઓની જેમ ફૂલની પાંખડીઓ ઊડવા લાગે છે, પછી બધું અદૃશ્ય થાય છે. એકાએક ચારે કોર સૂનકાર છવાઈ જાય છે. હું અન્ધકારમાં તાકી રહું છું. ત્યાં ટ્રાફિક સિગ્નલનો લાલ દીવો દેખાય છે, ઘોડાગાડી ઊભી રહે છે ને હું કશું કહ્યા કર્યા વગર ઊતરી જાઉં છું.
રસ્તાની બંને બાજુના લાઇટના થાંભલા પર ધજાપતાકા ફરફરતા હતા. દૂર ક્યાંક બેન્ડ વાગતું હતું. કશોક સમારમ્ભ હતો. હું ભીડમાંથી રસ્તો કરીને જતો હતો, પણ કોઈનો ચહેરો નોંધી શકતો નહોતો. ત્યાં એક કાળી મોટર સામેના મોટા મકાન આગળ આવીને ઊભી રહી ગઈ. બારણું ખોલીને બે અંગરક્ષક જેવા લાગતા પડછંદ માણસો ઊભા રહી ગયા. અંદરથી કોઈ માણસ નીકળ્યો નહીં, એને બદલે નીકળી સુખડની લાંબી પેટી, એને ઉપાડીને બે માણસ ચાલવા લાગ્યા. કુતૂહલથી હું એ દિશામાં વળ્યો. એ મોટા મકાનમાં દાખલ થયો. હાંડીઝુમ્મર લટકતાં હતાં, માણસોની ભીડ હતી. ત્યાં એકાએક પેલી પરિચિત સુગન્ધ મને ઘેરી વળી. મેં આજુબાજુ નજર કરી. ટોળું દૂર દૂર સુધી ફેલાયું હતું. ત્યાં દૂરથી કોઈ રૂમાલ હલાવીને મને બોલાવી રહ્યું હતું.
‘મૃણાલ, ગાંડી જ છે સાવ. આમ દૂરથી તું મને બૂમ પાડે છે, રૂમાલ હલાવીને સંકેત કરે છે તે…’
‘કેમ, તને શરમ આવે છે? તો તો હું ખાસ એવું કરીશ.’
‘તારી હઠ તને વહાલી છે કે પ્રેમ?’
‘હઠ, મરી જઈશ ત્યારેય હઠ નહિ છોડું. હું ત્યારેય દૂરથી રૂમાલ હલાવીને તને બોલાવીશ.’
મૃણાલ… હું એ દિશામાં આગળ વધું છું. કોઈનો હાથ મારા હાથમાં ભેરવાઈ જાય છે. રબરની ઢીંગલીનો હાથ હોય તેમ એ મારા કોટના ખિસ્સામાં ભેરવાઈ રહે છે, એને ખંખેરીને હું આગળ વધું છું. કોઈની આંખો ચોંટી જાય છે, મારા ગાલ પર. એને ઉખેડીને ફગાવી દઉં છું. દીવાલ પર જઈને એ ચોંટી જાય છે, ને પછી તાકી રહે છે.
આ બધાં વચ્ચેથી રસ્તો કરતો હું આગળ વધું છું. મૃણાલ ઊભી છે, હસે છે, રૂમાલ ફરકાવે છે, લુચ્ચાઈભરી બે આંખો – હું જોયા કરું છું. કેટલુંય મને વળગતું જાય છે; એક હાથ ગળે ભેરવાય છે, એને પાસેની ખીંટીએ ભેરવી દઉં છું. આગળ વધું છું પણ મૃણાલ, તું તો ચાલતી જ નથી, હઠીલી મૃણાલ તું દોડતી નથી … વારુ, હું દોડું છું, આવું છું… નિમ્મુ, તેજાબની વરાળની જેમ તું મને વીંટળાઈશ નહિ, કારણ કે મૃણાલ હઠ છોડતી નથી.
નવભારત: નવેમ્બર, 1966