અંધારું થાય છે ત્યારે એ કોઈ ભીરુ પ્રાણીની જેમ દરમાં ભરાઈ જવા ઇચ્છે છે. અંધારું વીંટાળવાને માટે જાણે કોઈક એને કોકડાની જેમ વાપરે છે. આવે વખતે એ એકલો રહેવા નથી ઇચ્છતો. એકલવાયાપણું તેજાબની તીવ્ર દાહકતાથી ત્યારે એને બાળે છે. એથી એની ઉપરનાં બાર વર્ષોનાં અબરખનાં પડ ઓગળી જતાં લાગે છે ને એની સાચી ઓળખાણ આપતી એના પર આંકેલી લિપિના અક્ષર છતા થઈ જશે એવી એને ભીતિ લાગે છે. આથી એ દર શોધતો ફરે છે, ભીડ વચ્ચે ખોવાઈ જાય છે, રસ્તા પરના દીવાને ગણવા નીકળી પડે છે, કોઈકનો પીછો પકડીને એની પાછળ વિના કારણે ઘસડાતો જાય છે, અથવા તો કોઈ રેસ્ટોરાંની કૃત્રિમતાને તળિયે ડૂબકી મારી જાય છે…
…બહાર નિયોનલાઇટનાં સાપોલિયાંનો સળવળાટ, અંદર ધૂર્ત માણસની દૃષ્ટિના જેવા ખંધા દીવા, સિગારેટના ધુમાડાનું તરવરતું આચ્છાદન, રેસ્ટોરાંના અર્ધા ખાલી અવકાશમાં સૂની નજર નાખીને ઇશ્કી ગાણું નખરાં સાથે ગાતી યૂરેઝિયન યુવતી, દીવાલ પર સમયના હાડપિંજર જેવું ઘડિયાળ, હિંસક પક્ષીની તરાપ મારવા તૈયાર ચાંચના જેવા એના બે કાંટા, ખૂણાઓમાંનો રહસ્યભર્યો અન્ધકાર, ને અન્ધકારમાંથી ઊપસી આવતો આકૃતિઓનો આછો આભાસ – એ જાણે નરી રૂપરેખા છે, એમાં એ ધારે તે વીગતો પૂરી શકે છે, મનમાં આવે ત્યારે એ બધું ભૂંસી નાખી શકે છે; ને તેથી જ તો એનાથી બીજે છેડેની બેઠક પર મીટ માંડીને એ બેઠો છે. સૌથી પહેલાં એક હાથની રૂપરેખા એ જુએ છે, એક આંગળી પરની વીંટીનો હીરો ચળકે છે, આંગળીઓ થોડી વાર સુધી ધોળા ટેબલક્લોથ પર કોઈ ચાલ્યા ગયેલા પંખીનાં પગલાંની જેમ પડી રહી છે; પછી એકાએક જાણે એનામાં જીવ આવે છે, એ બધી આંધળી હોય તેમ એકબીજાને શોધે છે ને પછી જાણે એમની વચ્ચે ધીમો વાર્તાલાપ શરૂ થાય છે. એ કાન સરવા કરીને એને સાંભળવા મથે છે. એ પાંચેય આગળીઓ એના પર એક દૃઢ છાપ મૂકી જાય છે: એ આંગળીઓ કશું યાદ રાખવા માગતી નથી, પોતાની વચ્ચેના પોલાણમાંથી એ બધું સરી જવા દે છે, કોઈની દૃઢ પકડનો ઉઝરડો એના પર પડ્યો નથી કે પછી કશું એનાથી દૃઢતાથી પકડી શકાયું નથી? જે એની પકડમાંથી સરી ગયું છે તેની પાછળ રહી ગયેલો રિક્ત અવકાશ જ એ સાચવી રાખવા મથે છે? એ રિક્તતાના ખજાના ઉપર બેઠેલા નાગના મણિ જેવો પેલો હીરો ચળકી રહ્યો છે?
એ હાથ હોઠ તરફ વળે છે ને એની નજર પણ હોઠ તરફ વળે છે. શબ્દો ઉચ્ચાર્યા પછી થોડી વધુ વાર સુધી છેલ્લો અક્ષર બોલતાં જે આકાર થયો હોય તેને સાચવી રાખવાની એ હોઠોને ટેવ છે. આથી દૂરથી એ એના ‘ઓહો’ બોલીને સાંકડા વર્તુળાકારને પામેલા હોઠને જોઈ રહે છે. એ વર્તુળની અંદર એણે જાણે થોડા તોફાની શબ્દોને ગોંધી રાખ્યા છે, ડોકિયું કરતાં એ શબ્દો અલપઝલપ દેખાઈ જાય છે. પાણી પીવાને એ ગ્લાસ ઊંચું કરે છે, પીવાની અપેક્ષામાં એના હોઠો નવી મુદ્રા ધારણ કરે છે. એ જાણે પાણી પીવા નથી જતી પણ ચુમ્બન કરવા તત્પર બની હોય એવું લાગે છે. એની ઉષ્ણ ઉચ્છ્વાસભરી કામુકતા સાન્દ્ર નિબિડ સ્પર્શને ઝંખે છે. ને એની નજર આંખો તરફ વળે છે. વિદ્યાર્થીના આલ્બમની અંદર ટાંકણીથી વીંધીને જડી દીધેલા પતંગિયાની કરુણતા એનામાં છે. એની પાંપણો ઢળેલી જ રહે છે, સહેજેય ફરકતી નથી. ખીલું ખીલું થતી પોયણીની પાંખડીની જેમ એ જાણે કશાક નવા ચન્દ્રોદયને ઝંખી રહી છે. એકાએક એનો હાથ ઊંચો થઈને એની ગરદન પરની રુવાંટી તરફ વળે છે. એ વળેલા હાથની વચ્ચેના પોલાણમાં નહીં થઈ શકેલા આલંગિનોનું ઇંગિત છે. થોડી વાર સુધી હાથ એ ને એ સ્થિતિમાં રહે છે, પછી એ વક્ષ:સ્થળ પરની માળાના મણકાને ગણવાનો જાણે આદેશ થયો હોય તેમ એ તરફ વળે છે. ડાબી તરફના સુપુષ્ટ સ્તનના ગોલાર્ધની ઉપર થઈ ને સાડીની કોર વિષુવવૃત્તની જેમ દોડી જાય છે. એ સુપુષ્ટતામાં કશીક ભંગુરતા રહેલી છે, સ્પર્શ થતાંની સાથે જ એ કણકણ થઈને વિખેરાઈ જાય એવું એમાં કશુંક રહ્યું છે.
એ બેઠી છે પણ એના પગ અસ્વસ્થ બનીને ક્યાંક ચાલી નીકળવાને તત્પર બન્યા છે. એની પાંપણ ઢળેલી આંખો અને આ પગને જાણે કશો સમ્બન્ધ જ નથી. આ વિસંવાદમાં જ કદાચ એના આકર્ષણનું ને એને જોતાં થતા વિષાદનું કારણ રહેલું છે. ઊંડા કૂવામાં નાખેલા કાંકરાથી થતા તરંગો જેમ સાંકડા વર્તુળને કારણે અથડાઈને પાછા ફરે તેમ એના દેહમાં અવરુદ્ધ જીવનપ્રવાહના તરંગો પળે પળે અથડાઈને પાછા ફરતા હોય એવું એના અંગવિન્યાસને જોતાં લાગે છે.
આ અવરુદ્ધ દશામાંથી મુક્ત થવા કે અસ્થિર-અધીર ચરણોની ભ્રમણોત્સુકતાને વશ થઈને એ ઊભી થઈ. આજુબાજુના રહસ્યમય અન્ધકાર પાસેથી પોતાની લુપ્ત રેખાઓને જાણે પાછી લઈ લીધી અને સાથે સાથે પોતાની થોડી ગૂઢતા એને થાપણ રૂપે રાખવાને સોંપી પણ દીધી, અને એણે ડગલાં ભર્યા. એને ચાલતી જોઈ ત્યારે એને લાગ્યું કે એણે શરીર પર પહેરેલાં વસ્ત્ર તૂટી ગયેલો નખ આંગળીએ વળગી રહે તેમ એને વળગી રહ્યાં હતાં. એ વસ્ત્ર જાણે એણે પહેર્યાં નહોતાં, પણ ચાલતાંચાલતાં ક્યાંકથી ઝાંખરાંની જેમ એને બાઝી ગયાં હતાં. આથી એ ચાલતી હતી ત્યારે એમાં વસ્ત્રને કારણે ઊભો થતો અન્તરાય જ ખાસ ધ્યાન ખેંચતો હતો.
કાઉન્ટર પરની ફૂલદાનીમાંના કેનિયાની પાંખડીને એ એની આંગળીનાં ટેરવાથી થોડી વાર સુધી રમાડતી રહી, પછી પાસેના ઘડિયાળ તરફ એણે જોયું ને ફરી એક વાર પોતે બેઠી હતી તે ખૂણાંમાં એક દૃષ્ટિપાત કરીને એણે બહાર નીકળવાને બારણું ખોલ્યું. અર્ધું બારણું ખોલતાં બહારના નિયોન દીવાના રંગબેરંગી લિસોટાઓની ઝાંય એના પર રમવા લાગી. આથી એનામાં એક પ્રકારની અપાથિર્વતા દેખાઈ. એકાએક કશીક અધીરાઈ અનુભવતો એ ઊઠ્યો. એ દૃષ્ટિમર્યાદાની બહાર નીકળી જાય તે પહેલાં એને પકડી પાડવાને એ બહાર આવ્યો. દસેક ડગલાં જેટલે છેટે એ એની આગળ ચાલતી હતી. એના ચાલવાથી થતાં ગતિનાં આવર્તનોનું કેન્દ્ર ક્યાં રહ્યું છે તે એ શોધવા લાગ્યો. પણ એ આવર્તનોનાં વિસ્તરતાં જતાં વર્તુળોની વચ્ચે એ પોતે જ ઘેરાઈ ગયો. એમાં ઘૂમરી ખાતાં એ જાણે જન્મ પછી જન્મનાં પડ વીંધતો નીચે ને નીચે ઊતરવા લાગ્યો. બર્બરતા પર ચઢાવેલાં આચ્છાદનો એક પછી એક ઉશેટાતાં ગયાં. એક આદિમ જલદ ક્ષુધા એને પીડા રહી, ઉશ્કેરી રહી.
એને થયું: આ અવસ્થા ટકી રહે તો સારું. ઘણી વાર આવી પરિસ્થિતિમાં એ હોય ત્યારે, એ દરમિયાન જ, એની પછીની આવનારી પળનો પડછાયો વર્તમાનની એ ક્ષણને ઢાંકી દેતો. વળી એ જ નીરસતા, ક્ષણ પછી ક્ષણના સર્યે જતા મણકા, ને એનો એકધારો કર્કશ અવાજ. આથી આ વખતે એ કેવળ એક જ ક્ષણને એકસાથે જોવા ઇચ્છતો હતો. એક ક્ષણ સાથે બીજી ક્ષણને સાંધીને કશું અખણ્ડ રચવાની એને સ્પૃહા નહોતી. કદાચ એવા કશા અખણ્ડનો ભાર ઉપાડે એવું એનું કાઠું પણ રહ્યું નહોતું. આથી એની આગળ ચાલી જતી આકૃતિને એ આકૃતિરૂપે જોતો નો’તો, કેવળ વિશૃંખલ રેખાઓ રૂપે જોતો હતો. જે જોતો હતો તેને અખણ્ડ બનાવવા માટે એમાં પોતાની સળંગ ચેતનાને એ અનુસ્યૂત કરતો નો’તો. ને છતાં, પોતે જે કરી રહ્યો હતો તેનો સળંગ ચિતાર તો એ જોતો જ જતો હતો. ક્ષુધાની તીક્ષ્ણતા એને છેદીને ખણ્ડખણ્ડ કરી નાખતી હતી. છિન્ન થવાના આ સુખને, એમાં રહેલી હળવાશને એ અનુભવી રહ્યો હતો.
ઘડીભર એ પેલી આકૃતિને ખોઈ બેઠો. શેરીની ગલીકૂંચીના કાટખૂણામાં લપાઈ રહેલા અન્ધકારના કોઈક પડદા પાછળ એ એકાએક સરી ગઈ હશે એમ એને લાગ્યું. એણે શોધ ચાલુ રાખી. એ પહેલી જ ગલીમાં વળ્યો. અન્ધકારથી એની આંખ ટેવાઈ ગઈ, ને એણે જોયું તો એનાથી થોડેક જ છેટે તર્જનીસંકેત કરીને એ એને બોલાવી રહી હતી. એ તર્જની જાણે ભૂતકાળની કોઈક વણઉકેલાયેલી લિપિમાંના ખૂટતા સંકેત જેવી હતી. એ સંકેત પારખીને એ આગળ વધ્યો. નજીક જતાં એની આંગળીઓ પોતાની આંગળી સાથે ગુંથાઈ ગઈ. અનેક વાર ખોદવા છતાં જેની જડ પૂરી નીકળે નહીં એવા ઘાસની જડ જેવી એની પકડ હતી. એ પકડ વચ્ચે એણે પોતાની આંગળીઓને ઓગળી જવા દીધી. ઉમ્બર વટાવીને એ અંદર પ્રવેશી. અંદર અંધારું હતું. એણે એક ટેબલલૅમ્પ સળગાવ્યો. એના આછા આભાસની ઓથે એ આકૃતિનું રહસ્ય સંગોપાઈ રહ્યું. એ જોવા લાગ્યો. એ હડપચીનો ઢાળ – એ જાણે સરતાં આંસુ માટે નહોતો; એ ગોળ ખભા – એના પર વિષના ભારથી ઝૂકેલા કોઈ મસ્તકનો દાબ નહોતો, એ નીચી ઢળેલી આંખો – એમાં થઈને એની પેલી પાર કોઈ ગયું હોય એનો એમાં અણસાર નો’તો, એ હથેળીની માંસલ ગાદી – કોઈને મરણિયા બનીને બાઝી પડ્યાનો એમાં સ્પર્શ નો’તો.
આછા અન્ધકારમાં એણે જોયું તો અન્ધકારનુ આચ્છાદન પણ જાણે એ પોતાના અંગ પરથી અળગું કરી રહી હતી. નદીનાં ઝાંખરાંથી છવાયેલા કાંઠાની વચ્ચે ક્યાંક થોડી સાફ જગ્યા દેખાય તેના જેવી એ ચારે બાજુની અસ્તવ્યસ્તતા વચ્ચે દેખાતી હતી. એકાએક એને કશીક ભીતિનો અનુભવ થયો. ક્ષુધા પોતે જ એને ગળી જવા માટે જીભ પ્રસારતી હોય એવું એને લાગ્યું. બહાર નીકળીને લોકોનાં ટોળાં વચ્ચે અટવાઈ જવાનીય એનામાં હિંમત નહોતી રહી. આથી એ પેલા તર્જનીસંકેતને અનુસર્યો. પેટેચાલતા સાપની જેમ લપાઈને એ સરવા લાગ્યો. દૂરથી ઝગઝગી રહેલો એની આંગળીની વીંટી પરનો હીરો એની દૃષ્ટિને જાણે મન્ત્રથી બાંધી લઈને એને દોરી રહ્યો હતો. કોઈ એના પર એકાએક ત્રાટકી નહીં પડે એની કાળજી રાખતો એ પાણીના રેલાની જેમ સરીને આગળ વધવા લાગ્યો. ગાઢ અરણ્યની વચ્ચે, હિંસક પશુઓની તગતગતી આંખોથી ભાગતો એ ક્યાંક કોઈ દર શોધીને એના ઊંડાણમાં લપાઈ જવાનું ઇચ્છવા લાગ્યો. ત્યાં બે હાથ એને વીંટળાઈ વળ્યા ને એ કોઈક દરમાં ઊંડે ને ઊંડે ઊતરી ગયો.