૧૧

એ આખરી મુલાકાત માટે તૈયાર હતો. જે પ્રશ્નો પૂછવામાં આવે તે વિશે એણે કશી ચિન્તા કરી નહોતી. હવે કશું ગાંઠે બાંધી રાખવા જોગું ભવિષ્ય જ બચ્યું નહોતું. આથી સમ્પૂર્ણ વિસર્જનની પૂરેપૂરી તૈયારી હતી. એ હજુ મનમાં આ વાત પૂરી ગોઠવી નહિ રહ્યો ત્યાં પ્રશ્ન આવ્યો: ‘સૌથી વધુ ભય શેનો લાગ્યો?’

નિર્ભયતાની આ પળે ભૂતકાળના ભયની સ્મૃતિને સ્વચ્છ કરીને જોતાં એને થોડો સમય લાગ્યો. આથી પ્રશ્નની દિશામાંથી જ જવાબ આવ્યો: ‘સમયનો અને નારીનો, ખરું ને?’

એણે કહ્યું: ‘હા. કાળ અને નારી – બંનેનાં સ્વરૂપ એક જ. બંને રહસ્યમય, બંને વિનાશકારી.’ એને યાદ આવ્યું. બાળપણમાં દાદાએ એને એક ખિસ્સાઘડિયાળ આપ્યું હતું, કાળી દોરીથી બટનના ગાજ સાથે બાંધીને ખિસ્સામાં ગોઠવી આપતા. એનો ટક્ ટક્ અવાજ એ સાંભળ્યા કરતો, કેમ જાણે કઈ ઘડીએ એ એકધારા અવાજમાંથી જ કોઈ જાદુઈ મન્ત્ર નહિ ઉચ્ચારાવાનો હોય! આખરે અધીરાઈને વશ થઈને એણે એ બે લુચ્ચા કાંટાઓનું ગોળગોળ બોલવું, એ ચંદાની ખંધી સફેદાઈ – એ બંનેને પથ્થર સાથે પછાડ્યા. એક બચેલો કાંટો લંગડાતો લંગડાતો તોય ફરતો જ રહ્યો. આથી ગાડીના પાટા પર ઘડિયાળ મૂકીને એ આવતો રહ્યો, સાંજે જઈને જોયું તો સાવ ચપટું બની ગયેલું એનું હાડપિંજર જ ત્યાં હતું.

‘કેમ શો વિચાર કરે છે? મારો જવાબ સાચો છે ને?’

એણે એકાક્ષરી જવાબ આપ્યો: ‘હા.’

પ્રશ્ન આવ્યો: ‘કોઈ સુખદ ઘડી, કોઈ સુખદ નારી?’

પાણીમાં પાણીનું ટીપું સરે તેમ નિદ્રામાં સરી પડવાની સુખદ ઘડી, ને સુખદ નારી?

‘તારું નામ સુખદા રાખું તો?’

‘કેમ, મેં એટલું બધું સુખ આપ્યું છે ખરું?’

‘અરે તું તો નર્યા સુખની ખાણ છે.’

એ બોલતો હતો ત્યારે સુખદાની આંખમાંથી આંસુ સરતાં હતાં તે જોઈને એણે પૂછ્યું: ‘કેમ, આંસુ પાડે છે?’

‘એ તો આનંદનાં આંસુ!’

એ જવાબમાં રહેલું જૂઠાણું વરતી ગયો. એના મુખ પરનો ભાવ કળી જઈને એ બોલી: ‘તને આપેલું સુખ એ મારા મારી સાથેના વેરનું પરિણામ હતું.’

એણે કહ્યું: ‘મારે તો પરિણામ સાથે જ નિસ્બત છે ને!’ પણ એ કહેતાં કહેતાં જ, વાક્ય પૂરું થાય તે પહેલાં, એ વાક્યનો સ્વાદ એના મોંમાંથી ઊડી ગયો હતો!

ફરી પ્રશ્ન આવ્યો: સુખદ નારી? કોઈ હતી ખરી?

જે હતી તેણે એનો પૂરો ચહેરો કદી બતાવ્યો નહોતો, એનાં આંસુનો સ્પર્શ એણે જાણ્યો છે, એના હાથનો નહીં. એની દૂરતાની એની ખબર છે, એના ઉચ્છ્વાસની હૂંફ પામવા જેટલો એ નિકટ જઈ શક્યો નથી. ને છતાં એ જવાબમાં ‘ના’ કહી શકે એમ નથી. જે સ્ત્રી એને પામતાં પહેલાં પામી જવાની ભીતિથી જ ખોઈ નાખવા મથી હતી તેનો ચહેરો પણ એણે ક્યાં જોયો છે? ને કેટલીક તો અન્ધકારની જેમ એના ચિત્તના શૂન્યમાં જ એકાકાર નથી થઈ ગઈ? ને છતાં…

‘હું તને ઝંખું છું, ને છતાં…’

‘ને છતાં શું?’

‘ને છતાં તારાથી દૂર રહેવા ઝંખું છું.’

‘કેટલે દૂર?’

‘મારા મનની માયા ને મારી આંખનું જૂઠાણું – એ બે વચ્ચેના અન્તર જેટલે દૂર.’

‘તારી દૂરતાનું એ માપ મને સમજાયું નહીં.’

‘માટે જ તો તું મને નિકટ માને છે.’

‘એ તારી ભ્રાન્તિ કેમ નહિ હોય?’

‘તારા શબ્દો જે રીતે મને શોધતા આવે છે, તારો સ્પર્શ જે રીતે મને વળગી પડે છે, તારી આંખો જે રીતે જલની માછલીની જેમ મારા પગને ઘેરી વળે છે…’

‘બસ, બસ, હાર કબૂલું છું.’

‘પુરુષ હાર કબૂલતો હોય છે ત્યારે જ એ જીતવાનો નવો દાવ ખેલવાની તૈયારી કરતો હોય છે.’

‘એની તને શી ખબર?’

‘પુરુષના ચિત્તમાં પ્રવેશીને સ્ત્રીને આ બધું જાણી લેવું પડે છે.’

‘મારું ચિત્ત – એમાં તો શૂન્ય બનીને જ વ્યાપી જવું પડે.’

‘એક આંસુના ટીપામાં એથી વધારે ઘેરું શૂન્ય હોય છે.’

પ્રશ્ન આવ્યો: ‘સ્મૃતિ?’

ઝડપથી – દવ લાગેલા વનમાંથી નાસતાં હરણની ફાળે એનું મન દોડવા લાગ્યું. બાળપણનો પગમાં વાગેલો બોરડીનો કાંટો, ફાટેલી ચોપડી સાંધતો ટબૂકડો હાથ, આંખ પરનાં ઝુલ્ફાં ઊંચાં લેતો હાથ, વંડી ઠેકવામાં ટેકો આપતો હાથ, બોમ્બ ફેંકતો હાથ, લોહી લૂછતો હાથ, અંધ ભિખારીના ચહેરા જેવો નિશ્ચિહ્ન હાથ, માછલી પકડવાની જાળના તાંતણાનીજેમ બીજા હાથને વળગી રહેવા મથતો હાથ, સ્મશાનમાં અસ્થિ એકઠાં કરતો હાથ, ચાલતી ગાડીના બારણા આગળના સળિયાને ઝાલતો હાથ, બારણાંને તાળું વાસતો હાથ, હવાની આંગળી ઝાલીને ભટકતો હાથ – એ હાથ હસવાનું જાણતો નથી, આંસુ પાડવાનું જાણતો નથી, એ હાથ વડે ભૂંસેલી સ્મૃતિઓને ફરીથી આંકી બતાવવાનું એ હાથને આવડે ખરું? એણે હાથ ઊંચો કર્યો – મૂઠીભર રાખ હવામાં ઊડી ગઈ.

પ્રશ્ન આવ્યો: ‘પશ્ચાત્તાપ?’

‘હવે તું પસ્તાય છે, ખરું ને?’

‘જા જા, મેં શું પાપ કર્યું છે તે–’

‘જો ને, એટલું બોલતાં તો ધ્રૂજી ઊઠે છે.’

‘ધ્રૂજે મારી બલા. હું શા સારુ ધ્રૂજું?’

‘હોઠ કંપે છે, પાંપણને કિનારે આંસુ ધ્રૂજે છે. મારા હાથમાંથી સરી જવા મથતી આંગળી ધ્રૂજે છે ને –’

‘તારે મને રડાવવી જ છે?’

‘તને પસ્તાવો થતો નથી તો તું રડે શા માટે?’

‘વારુ, પસ્તાવો થાય છે, પાપ વગરનો પ્રેમ ક્યાં છે? ને કયાં આંસુએ એ પાપને ધોઈ નથી નાખ્યું, ને છતાં એની ઝાળ સદાય દઝાડ્યા જ નથી કરતી?’

‘તો છોડી દે મારો હાથ.’

‘તારો હાથ વહી જઈને કેટલો બધો તો મારામાં ભળી ગયો છે કે હવે –’

‘કોણે શીખવી આવી કવિતાઈ – સાવ નકલી!’

‘મેં કહ્યું તો ખરું – પસ્તાવો ને કવિતા બે તો પ્રેમનાં સહોદર.’

‘એ કુટુમ્બના વિસ્તારને તું સારી પેઠે ઓળખતી લાગે છે.’

‘તારું અજ્ઞાન તો અનાદિ ને અનન્ત છે, નહિ?’

‘ના, જ્યાં તારો આદિ ત્યાં એનો અન્ત.’

પ્રશ્ન: ‘હવે?’

નિર્જન નદીના તટ પરની દેખાતી ક્ષિતિજ પરની છેલ્લી રેખા કોઈએ ઉતાવળે કશુંક લખ્યું હોય ને એ વંચાતાં પકડાઈ જવાની બીકે ભૂંસી નાખવાનો પ્રયત્ન કર્યો હોય એ રીતે વિલાઈ જતી હતી. પંખીની હારની લિપિનો છેલ્લો અક્ષર પણ ભુંસાઈ જવાની તૈયારીમાં હતો, ડૂબતા સૂર્ય સાથે દિવસનો છેલ્લો પ્રશ્ન પણ ડૂબી ચૂક્યો હતો, અન્ધકાર ઈશ્વરની સર્વવ્યાપકતા સાથે સ્પર્ધામાં ઊતરી ચૂક્યો હતો. નાનું બાળક દીવાને અજવાળે શબ્દો ઉકેલતું હતું, ધીમે ધીમે ગોઠવીને, વચ્ચે ખાસ્સું અન્તર રાખીને: મરચાંનો મ, રથનો ર, ફેણનો ણ. મરચાં, રથ અને ફેણની ભેગી છબિ કે મ, ર ને ણ નો સમ્બન્ધ એ જોડી જોતું નહોતું. એની આંખમાં ‘હવે’નો પ્રશ્ન હતો, પણ તે ચિન્તાનો નહીં, કુતૂહલનો હતો, ને એણેય હવે સમ્બન્ધના અંકોડા છોડી નહોતા નાખ્યા? પણ છૂટા ફેંકેલા શબ્દોને એના પડઘા સાંધી નથી દેતા? એથી ‘હવે?’નો પડઘેા ‘હવે’ જ એનો જવાબ બનીને એને સંભળાયો.

License

કથાચક્ર Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.