અસબાબની વચ્ચે અસબાબ જેવા બનીને કાકા બેઠા છે, એ ઓરડીમાં પ્રવેશે છે કે તરત જ એના તરફ એમની દૃષ્ટિ મંડાય છે. ટેલિસ્કોપને ઊંચે છેડેથી જોતો હોય તેમ બધી વસ્તુના પરિણામને એઓ હ્રસ્વ કરી નાખે છે, ફાઇલિંગ કૅબિનેટની જેમ જીવવાનું જ એમને આવડ્યું છે. એમનાં મૂલ્યોનાં કોષ્ટકમાં જે નથી ગોઠવાયા તેમને માટે એમણે કશું સ્થાન રાખ્યું નથી. એ કશું સ્થાન પામવા આવ્યો નથી. એમની દૃષ્ટિ એને રબરની જેમ ભૂંસી નાખે છે. એઓ એને સંબોધીને બોલતા હોય છે ત્યારે પણ એ સ્વગતોક્તિ જ હોય છે. એમની આજુબાજુનો સંસાર એમણે લેબલ લગાડીને ઓળખી લીધો છે. પણ એમની બાજુના જ ઓરડામાં એમની બાવીસ વરસની કન્યા પ્રણયના પ્રથમ સાહસને માટે તત્પર થઈને અસ્થિર હાથે પત્રના આરમ્ભના સમ્બોધનને ઘૂંટે છે. એના શબ્દોને એક વિશાળ આકાશ, એક ગાંડાતૂર સમુદ્ર, એક રાત્રિ ભરીને નિ:સ્તબ્ધતા ને એક પાતાળ ભરીને ગૂઢતાનો ખપ છે. એ આ વિચારે છે ને એ કન્યાને એ શબ્દો શોધી આપવાનું એને મન થાય છે. ઘણી વાર એણે પોતેય એવા શબ્દોને ક્યાં નથી શોધ્યા? ને છતાં….
‘કેમ, એકલી આવી?’
‘એવી જ ‘એ’ની ઇચ્છા હતી. તું તારા મિત્રને ક્યાં નથી ઓળખતો?’
‘મેં એને કે તને ઓળખવાનો દાવો ક્યારેય કર્યો નથી, છતાં મને થોડું થોડું સમજાય છે.’
‘શું?’
‘તને એ વિશે શા માટે કુતૂહલ હોવું જોઈએ?’
‘હું એવી નિ:સ્પૃહી નથી, મેં સંન્યાસ લીધો નથી.’
‘હું જે સમજું છું તે તારી સમજથી વિરુદ્ધનું હોય તો?’
‘અનુકૂળ અને પ્રતિકૂળ – આ સંજ્ઞાઓના વ્યવહારની જે ભૂમિકા છે તેનાથી તું એટલો તો દૂર નીકળી ગયો છે કે એવી કશી ચિન્તાનો મારે માટે કશો અર્થ જ નથી રહ્યો.
‘મારે વિશે તું મારાથીય વિશેષ જાણતી લાગે છે.’
‘યાદ છે? તેં એક વાર કહેલું કે આપણે આપણને પોતાને જો અવકાશની બહાર નીકળી જઈને જોઈ શકીએ તો અસીમ દૂરતાની એ નીલિમામાં આપણાં બે ટપકાંને જુદાં પારખી શકીએ ખરાં?’
‘કોણ કોનાથી દૂર છે?’
‘અ થી દૂર બ છે તેના કરતાં થી બ અ વધારે દૂર છે.’
‘એ તારી ભૂમિતિમાં બનતું હશે.’
‘પણ આ દૂરતાનું સાચું માપ કાઢવા અ અને બ સિવાયનું એક ત્રીજું બિન્દુ ક પણ હોવું ઘટે.’
‘એ ત્રણ બિન્દુનો ત્રણ ખૂણાવાળો ત્રિકોણ જ બને એવું શા માટે?’
‘ના, એવી કશી અનિવાર્યતા નથી, એક જ દિશામાં દોડી જતી ત્રણ સમાન્તર રેખાઓ પણ બની શકે.’
‘સમાન્તર રેખાઓ – જે કેવળ મળે છે અનન્તમાં.’
‘એ અનન્તને આપણે પાસે ખેંચી લાવી શકીએ.’
‘તો પછી એ અનન્ત રહે ખરું?’
‘તો બીજી રીતે કહું: આપણે એ અનન્ત સુધી વિસ્તરી જઈએ.’
‘એ વિસ્તારમાં અ બ ક નથી રહેતા, રહે છે કેવળ શૂન્ય. જ્યાં બધું જ બધાં જોડે મળી જાય છે ત્યાં કશું રહેતું નથી.’
‘અનન્તમાં એવો લોભ ન પાલવે.’
‘આપણે બે પ્રેમીઓની જેમ વાત નથી કરતાં!’
‘વારુ, પ્રયત્ન કરીએ?’
‘તેં કોઈ દિવસ કોઈ જોડે એવી વાત કરી છે ખરી?’
‘તને પ્રેમથીય વિશેષ મજા ઊલટતપાસમાં આવે છે, ખરું ને?’
‘કોઈક શબ્દોનો ઉપયોગ નજીક આવવા માટે કરે છે, તું શબ્દોનો ઉપયોગ દૂરતા ઊભી કરવા માટે કરે છે. તારામાં પ્રાચુર્ય છે, પણ તે અનુપસ્થિતિનું, અભાવનું.’
‘આનેય કોઈ પ્રેમાલાપ ભાગ્યે જ કહેશે.’
‘મારી ભૂલ થઈ. હં, ચાલો, શરૂ કરીએ.’
‘તું એકલી કેમ આવી તે કહું?’
‘એકાએક એ તને ક્યાંથી સૂઝી આવ્યું?’
‘એકાએક સૂઝી આવ્યું નથી. હું એ કહેવા જતો હતો ત્યાં વિષયાન્તર થઈ ગયું.’
‘વારુ, ‘એ’ કેમ મારી સાથે નથી આવ્યો?’
‘એ’ જાણે છે કે તારું પૂરેપૂરું રૂપ પ્રકટ કરવામાં, એક રાસાયણિક દ્રવ્ય લેખેય, મારો ખપ છે.’
‘હં, પછી?’
‘તારો જે અંશ કેવળ મારી ઉપસ્થિતિમાં જ પ્રકટ થાય છે તેના પર એને અધિકાર મેળવવો છે.’
‘આમાં તારો અહંકાર તો નથી પોષાતો ને?’
‘ને ‘એ’ની ઈર્ષ્યા?’
‘તારે મારા પર કશો અધિકાર નથી સ્થાપવો?’
‘એમ વાત ઉડાવવાની કશી જરૂર નથી.’
‘ભલે, એ ઈર્ષ્યાનું શું?’
‘ઈર્ષ્યાના ઝબકારામાં જ તારા નહીં અજવાળાયેલા ખૂણા એની આગળ પ્રકટ થાય છે. આથી જ તો એ આપણને બંનેને એકમાં…’
‘ભાવવાચક નામથી સંસાર વસતો નથી. શબ્દો, શબ્દો, શબ્દો. લોહીમાંસની ઘડેલી કોઈ વ્યક્તિને તેં આંખો ખોલીને જોઈ છે ખરી?’
‘કોણ છે એ? એ એને મન શું છે તે હું નથી જાણતો, હું એને મન શું હોઈશ તે કોને ખબર! ને મારે મન હું શું છું તેની એને શી ખબર? રેખા નથી, કેવળ બિન્દુઓ જ છે, ને સંસાર બિન્દુવત્ છે એમ કહું તો?’
‘તો તારા નામ આગળ શ્રી શ્રી 108 મૂકવાનું જ બાકી રહે.’
‘કેટલીક વાર રોષ પ્રેમનું છદ્મરૂપ હોય છે.’
‘દાખલા તરીકે?’
‘હું પંતુજીપણું નથી કરી જાણતો.’
‘આ રોષ શેનું છદ્મ રૂપ છે?’
‘તારે સાંભળવું છે? કહું છું: અંધારા ઓરડામાં તે દિવસે હું બેઠો હતો. તને એની ખબર હતી. છતાં જાણે હું કશું જાણતી નથી એમ માનીને અંદર આવી, અજાણતાં અથડાઈ પડી હોય તેમ તું હળવી શી ચીસ પાડીને ઊભી રહી ગઈ…’
‘બાકીનું હું પૂરું કરું? મારા હાથ તને વીંટળાઈ વળ્યા…’
‘ના, ખોટું. પેલી સુપ્તોત્થિતા રાજકુંવરીની જેમ તું આળસ મરડીને બેઠી થઈ. દરેક સ્ત્રી – સ્ત્રી નહીં કહું, દરેક કુંવરી, દરેક કન્યા એના ઇચ્છેલા પુરુષને પામતી નથી ત્યાં સુધી નિદ્રામાં જ હોય છે. એ પુરુષનો સ્પર્શ થતાં જ એ જાગે છે.’
‘વારુ, હું આળસ મરડીને બેઠી થઈ, પછી?’
‘પછી પેલી રાજકુંવરીએ જે કર્યું તે તેં ન કર્યું. તું મને વળગી પડી તે મને પામવા નહીં, પણ મારા વડે ઘડીભર તારી જાતને તારી આગળ પ્રમાણિત કરવા. એ પ્રયત્નનો સ્વાદ જ તને ઇષ્ટ હતો.’
‘શબ્દો, શબ્દો, શબ્દો…’
‘હા, શબ્દો રચવા એમાં તો કશી નાનમ નથી! ઊંડી સુરંગ જેવા શબ્દો રચીને હું તને એની અંદર સંતાડવા મથ્યો છું, તો કેટલીક વાર એ શબ્દોના અન્તરાયની સામે પાર દૂર દૂર તને કેવલ અર્ધવિરામની જેમ મૂકીને હું માંડ બચી શક્યો છું. તારો હાથ પકડીને બાળપણમાં મેં જે બારાખડી ઘુંટાવેલી તેમાંના સ્વરવ્યંજન આજે આપણે એકઠા કરી શકતા નથી. બે શબ્દોને, બે અક્ષરોને ભેગા કરવા જાઉં છું ત્યાં કશુંક બોમ્બની જેમ ફાટે છે, પ્રચણ્ડ જ્વાળામાં અમળાઈને તૂટી પડતાં હિરોશીમા નાગાસાકીની જેમ અક્ષરેઅક્ષર રાખ થઈને ઊડે છે. તારી મજ્જાને એ કોરી ખાશે તો તું શું કરીશ? કયું કવચ પહેરીને તારી જાતને બચાવીશ?’
‘મારી પાસે એક જ કવચ છે. મારા પ્રત્યેની તારી પ્રથમ મુગ્ધ દૃષ્ટિનું.’
‘હવે મારે કહેવાનો વારો આવ્યો: શબ્દો, શબ્દો…’
‘મારો પડઘો પાડવા સિવાય તને આવડ્યું છે બીજું કશું?’