એક સામટા અસંખ્ય દીવાઓ – પણ એ બધાની જ્યોત થીજી ગયેલી. એના જેવા શબ્દો જ્યારે એ બોલતી હોય છે ત્યારે જ્વાળામુખીની જેમ ફાટી ઊઠીને એ થીજેલા પ્રકાશને એ ઓગાળી-સળગાવી મૂકવા ઇચ્છે છે, પણ ઢાંકણ ઉપરનો ભાર – શતાબ્દીઓનાં મૌનનો, શૂન્યનો, રિક્ત અવકાશનો, ઉલેચી નાખેલા સૂર્યના હાડપિંજરનો, કોઈ પિશાચિનીને આવેલા સ્વપ્નના જેવા ચન્દ્રનો ભાર એ ઢાંકણને દાબી રાખે છે. આથી એ કેવળ જોઈ રહે છે એની આંખોમાં. એની આંખો – એ કશું જોતી નથી, એ જાણે કશું જોવા માટે છે જ નહીં. એની અંદર ભૂતિયા મહેલના અંધારા ભોંયરાના જેવો પોકળ અન્ધકાર છે, ને એ અન્ધકારમાં ઊંડે ઊંડે જાણે કોઈક તર્જનીસંકેતથી તમને બોલાવી રહ્યું હોય એવું લાગે છે.
એ એની ટેવ પ્રમાણે બારી આગળ અર્ધું મોઢું ફેરવીને ઊભી છે, કદીક કદીક સહેજ ફરીને એ બેઠો છે તે દિશામાં નજર કરે છે, પણ ઓરડાના અન્ધકારમાં આ આવર્તનનો કેવળ આછો રેખામય આભાસ જ દેખાય છે. એ એને પૂછી રહી છે:
‘તું તો ખાસ્સો હૃષ્ટપુષ્ટ થયો લાગે છે.’
‘હા.’
‘તો પછી તારા મોઢા પર સ્વાસ્થ્યની કાન્તિ કેમ નથી?’
‘તેની મને શી ખબર?’
‘તું તારું મોઢું કદી જોતો નથી?’
‘ના.’
‘એ કોઈક બીજાનું મોઢું છે એમ માનીનેય જોતો નથી?’
‘ના.’
એ અકળાઈ ઊઠે છે. કેવળ ‘હા’ અને ‘ના’ની યન્ત્રવત્ પુનરુક્તિ એને મૂંઝવી નાખે છે. અહીં બોલવાને માટે તૈયાર રાખેલા શબ્દોની પોટલી એણે પોતાના ઊંડાણમાં ક્યાંક ફગાવી દીધી છે, ને હવે કેવળ એનો ભાર એને વર્તાય છે. આથી એ માત્ર સાંભળ્યે જાય છે. એના શબ્દો જાણે કેટલાંય વર્ષોની મજલ કાપીને લથડતા દોડ્યા આવે છે. એ સાંભળતાં પહેલાં એના અન્વયને એ તોડી નાખે છે, એને છૂટા છૂટા કરી નાખે છે, કારણ કે એ અન્વયને સાર્થક બનાવે એવો કશો અન્વય એનામાં તો રહ્યો નથી. ને છતાં એ જે બોલ્યે જાય છે તે સાંભળવાનું એને ગમે છે. એને સ્પર્શથી નહીં, ચક્ષુથી નહીં, પણ અવાજથી જ એણે ઓળખી છે. એના શબ્દો કેટલીક વાર દિવેલના કોડિયાના થતા તેજવર્તુળની વિશ્વસ્તતાનો અનુભવ કરાવે છે, તો કેટલીક વાર કોઈક અજાણ્યું જંગલી ફળ ખાધા પછી ‘એ ઝેરી તો નહીં હોય ને!’ એવા સંશયથી ભયભીત થઈ જઈએ તેમ એ સાંભળ્યા પછી એ ભયત્રસ્ત બનીને એ શબ્દોને જાણે પાછા ફેંકી દેવા ઇચ્છે છે. એ જૂઠું બોલતી હોય છે ત્યારે પણ.
‘કેમ, આટલું બધું મોડું થયું?’
‘આવી શકી એ જ ભગવાનનો પાડ.’
‘એમ શાથી કહે છે?’
‘મને લાગે છે કે હવે આપણે નહીં મળી શકીએ.’
‘કેમ કોઈએ મના કરી છે?’
‘હા.’
‘કોણે?’
એ કંઈક બોલી નાખવા જતી હતી ત્યાં એકાએક સાવધ થઈ ગઈ. દીવાસળી સળગાવીને હાથમાં રાખી હોય ને ખ્યાલ ન રહેતાં એ છેડા સુધી સળગી જઈને લગભગ દઝાડી દે ત્યારે ગભરાઈને એને નીચે ફેંકી દઈને પગથી દાબી દેતી હોય તેમ એણે એ શબ્દોને બુઝાવી નાખ્યા, તેમ છતાં દાઝી જવાનો ભાવ એના મોઢા પરથી એ તરત ભૂંસી નાખી શકી નહીં. પોતે પકડાઈ જશે એવી ભીતિથી એ સફાળી આંખો પટપટાવીને, હોઠ પર ધૂર્તતાભર્યું સ્મિત લાવીને, બીજું વાક્ય ગોઠવવા લાગી; ‘બીજું કોણ મારી મા સ્તો!’
એ જૂઠું બોલતી હતી તે એને સમજાઈ ગયું. એની એને વેદના થવાને બદલે એ જૂઠા વાક્યની મધુરતા ચાખવાનો લોભ એ જતો કરી શક્યો નહીં, એટલું જ નહીં, આમ જૂઠું બોલવાનું એ લંબાવે એની ગણતરીથી એણે પૂછ્યું: ‘તું તારી મા સાથે મારી ઓળખાણ કેમ નથી કરાવતી?’
‘એ તને ઓળખે છે.’
‘પણ હું તો એક્કેય વાર તારે ઘરે આવ્યો નથી.’
‘મારી દ્વારા તને ઓળખે ને!’
‘તેં મને શી રીતે ઓળખાવ્યો છે?’
વળી જાણે બોલતાં એ દાઝી ગઈ હોય તેમ હોઠે આવેલું વાક્ય એણે ચાંપી દીધું. પછી કૃત્રિમ રોષમાં ગાલ ફુલાવીને બોલી: ‘જા, મારે નથી કહેવું.’ એટલું બોલીને એ લુચ્ચાઈભર્યું હસી પડી. પછી બોલી: ‘ધાર કે…’
એણે એનું શરૂ કરેલું વાક્ય જાણે કે એના મોઢામાંથી આંચકી લઈને આગળ લંબાવ્યું: ‘ધાર કે કોઈક છે, એને હું રોજ મળું છું, રોજ એક વાર નહીં, ત્રણચાર વાર મળું છું. આથી તને મળવાનો સમય હવે કાઢી શકાય એમ નથી…’
એ જાણે ઓચિંતાની પકડાઈ ગઈ હોય તેમ ઝાંખી પડી ગઈ. થોડી વાર સુધી તો કશો પ્રતિવાદ કરવાની પણ એને સાન રહી નહીં. પછી રોષે ભરાઈને બોલી: ‘તો તું મારી પાછળ જાસૂસની જેમ ફરે છે, એમ ને?’
‘હું કાંઈ જાસૂસની જેમ છુપાઈને નથી ફરતો. તારી આગળ થઈને, અરે, તને લગભગ અડીને પાસેથી જાઉં છું તોય તને ખબર પડતી નથી.’
‘વારુ, તારે શું કરવું છે?’
‘મારે તને મુક્ત કરી દેવી છે.’
‘તું મને મુક્ત કરનાર કોણ?
‘તું બંધાઈ ન હોત તો થોડો સમય ચોરીને અહીં નહીં આવી હોત.’
‘તેં મને પરવશ કરી દીધી છે એમ તું માને છે?’
‘હું કશું માનતો નથી, જોઉં છું.’
‘તો ભલે, જોયા કર…’
અન્ધકાર વડે એ દૂર રહ્યો રહ્યો એને સ્પર્શે છે. ગાઢા અન્ધકારમાં હવે એની આકૃતિનો આભાસ જ દેખાય છે, પણ દિવસના પ્રકાશમાંય એણે એના આભાસ સિવાય બીજું શું જોયું છે? એની દૃષ્ટિ જાણે મૃગજળ ફેલાવે છે. મૃગજળનું પણ કશુંક આગવું સત્ય તો હશે જ ને? એ સત્ય જે હોય તે, એ સદા મૃગજળની બહાર રહેવા મથ્યો છે, પણ એના એ પ્રયત્નમાં જ કશીક પીછેહઠ નથી રહી? ને કદાચ અણજાણપણે એ એનાથી ભાગતો રહ્યો છે, માટે જ તો એમની વચ્ચે આ મૃગજળ નથી સર્જાયું? જ્યારે તૃષા એને ખૂબ પીડે છે ત્યારે ઊંટની અંદર છૂપી પાણીની કોથળી રહી હોય છે તેવી પોતાની અંદર રહેલી કશીક કોથળીમાં રહેલા પાણીથી એણે એને તૃપ્ત કરી છે. આથી મૃગજળ એને સદી ગયું છે. એ મૃગજળની પડછે જ પોતાની વાસ્તવિકતાને સિદ્ધ કરવાની અનિવાર્યતા જાણે એને માથે આવી પડી છે. પણ રહી રહીને એ પ્રશ્ન પૂછે છે: પોતાને સિદ્ધ કરવાનો આ પરિશ્રમ શા માટે?