ચોમાસાના ચાર મહિનામાં ભલે આસો માસની ગણતરી થતી હોય, પણ આસો બેસે ન બેસે એટલામાં તો આકાશ અને ધરતીનો સ્વભાવ બદલાવા માંડે છે. આકાશ એકદમ ભૂરું દેખાય છે. તેમાં તરતા હોય છે શુભ્રશ્વેત વાદળ. એ જ વાદળો સાંજે તો અદ્ભુત રંગો ધારણ કરે. આસોની સંધ્યાઓ રમણીય લાગે છે. પણ રાત્રિઓ તો એકદમ રળિયાત બની રહે છે.
આ દિવસોમાં ખેતરો પાકવા આવેલા સોનેરી ધાનથી શોભતાં હોય છે. નદી-જળાશયોમાં પાણી ઠરીને નીતરાં બની આકાશના દર્પણનું કામ કરે છે. આકાશ ધરતીની આ બદલાતી પ્રકૃતિ જેવા માણસની પ્રકૃતિનેય બદલે છે. એની નિશાની એક એકે તે એકલો એકલો પણ કોઈ જૂના વિસ્મૃત ગીતની લીટીઓ ગણગણવા આતુર થાય. અને ચાર જણા ભેગા થાય તો ગાવા પણ લાગે. સૌનું મન ઉત્સવી બની જાય.
શું શહેર કે શું ગામ – આ ઉત્સવની આંઝોટમાં આવી જાય. આસો માસ એટલે ઉત્સવોનો માસ. અલબત્ત આજ ઉત્સવોનું પરંપરાગત રૂપ બદલાતું જાય છે. આજે અત્યારે શહેરના નિવાસના મારા એક ઓરડામાં બેસીને લખું છું ત્યારે દૂરથી નવરાત્રિના ગવાતા ગરબાઓનો માઇક પરથી અવાજ અહીં આવે છે. બેઠો બેઠો કલ્પના કરું છું કે આ અવાજનો જ્યાં ઉત્સવ છે ત્યાં રોશનીની ઝાકમઝાળ હશે. યૌવન હેલે ચડ્યું હશે. રાસની રંગત જામી હશે. પણ કોણ જાણે કેમ ‘આ આધુનિક’ ગરબાઓની સુરાવલિ કાનને અળખામણી લાગે છે.
મને મારા ગામના ગરબા યાદ આવે છે. હું વાત તો મારા એક ગામની કરું છું, પણ વત્તેઓછે અંશે એ સૌ ગામોની છે. જોકે આપણાં બધાં ગામના ચહેરા ભલે એકસરખા લાગે, પણ માણસોના ચહેરાઓની જેમ દરેકનું આગવાપણું હોય છે.
મારું ઉત્તર ગુજરાતમાં આવેલું સોજા ગામ. આમ તો આસપાસનાં સૌ ગામ જેવું. પણ એનું આગવાપણું તે આસો મહિનાની અજવાળી ચૌદશે ઊજવાતા ગરબા છે. બાજુના ગામ રૂપાલની પલ્લી આસો સુદ નોમની હોય. અમારા થોડા માઈલોના પંથકમાં રૂપાલની પલ્લી અને સોજાના ગરબા કહો એટલે થઈ રહ્યું.
સામાન્ય રીતે આપણે ગરબાની વાત કરીએ એટલે બે અર્થ સમજાય. એક તો ગાવાનો ગરબો – ગીત અને બીજો તે અંદર ઘીનો દીવો રાખેલી કાણાવાળી માટલી – જેને અમે ઘડૂલિયો કહીએ છીએ. તોપણ અમારી બાજુ ગરબા કહીએ એટલે એક ત્રીજોય ખ્યાલ બંધાય. આ ગરબો એટલે એક જંગમ કાષ્ઠમંદિર જ સમજી લો.
ભારે મોટી વજનદાર લાકડાની માંચી પર તેનું મંડાણ થાય. વીસથી પચ્ચીસ ફૂટ ઊંચો ગરબો હોય, છેક ઉપર ત્રણ ફૂટની દીવી હોય. નીચેથી ઉપર જતાં વ્યાસ સાંકડો થતો જાય. ઉપરથી જુઓ તો મોરના કોઈ વિરાટ ઈંડાના આકારમાં ગોળ થતો આવે. ગરબાને બહુ શોખથી શણગારવામાં આવે. એની શોભાનો ખ્યાલ એક વાર જોયા વિના આવે તેમ નથી. ઉત્તર ગુજરાતના વિસ્તારમાં ગામફેરે થોડો થોડો આકારફેર લઈને આવા ગરબા થતા હોય છે. એમાં સોજાના ગરબાનો પહેલો નંબર.
ગરબા અમારા ગામનો મુખ્ય સ્થાનિક તહેવાર છે. દિવાળી અને નવા વર્ષના પહેલા દિવસ કરતાંય એનો મહિમા વધારે. અમારા ગામમાં વરસના ત્રણસો સાઠ દિવસના કેન્દ્રમાં આસો સુદ ચૌદશનો દિવસ. બધા દિવસ તેની આસપાસ જાણે ગોઠવાય. કોઈ લેણદેણની વાત હોય તો કહેશે – ‘ભાઈ ગરબા આવવા દો.’ નવી વહુવારુઓનું આણું કરવાનું હોય તો કહેશે – ‘ગરબા આવવા દો.’ દેશાવર રહેતા ગામના વતનીઓને ગામ આવવાની ઇચ્છા હોય તો કહેશે – ‘ગરબે જઈશું.’ પ્રેમીઓને મળવાની અનુકૂળતા જોઈતી હોય તો કહેશે – ‘સોજાના ગરબામાં મળીશું.’ નવાં કપડાં સિવડાવવાની વાત આવે તોય કહેશે – ‘હવે તો ગરબે વાત.’ ગામનું આખું જીવનચક્ર ચૌદશના આ ગરબાની આસપાસ ફરે છે.
આસો મહિનો એટલે અમારે ત્યાં એક બાજુ ખેતરમાં કાપણી અને લણણીની મોસમ અને બીજી બાજુ આ વેરાઈ માતાના ગરબાની તૈયારીના દિવસ. ગરબા એટલે ગામ આખાનો તહેવાર. ગરીબ-તવંગર સૌ એમાં જોડાય. કોઈ અભાગિયો જ આઘો રહે.
ગરબાના દિવસે સવારમાં સુથાર આવે. માંચી ઠીકઠાક કરી ગરબાનું પાંજરું ઊભું કરી દે. પછી ગામના જુવાનિયા ઘરડેરાઓની દોરવણી નીચે વાંસ બાંધી તેને આકાર આપવા લાગે. ખેડૂતો પોતાના ખેતરમાં ઊગેલાં, ‘લાંબડી’ નામે અમે જેને ઓળખીએ છીએ, તે ફૂલઘાસ કાપી લાવે. ઓટલે બેસી નાનાં છોકરાં ફૂલ તોડીને છૂટાં કરી આપે અને વૃદ્ધો તેના હાર બનાવી દડા વાળતા જાય. ગામના કુંભાર ઘડૂલિયા લઈ આવે. ઘાંચી દીવા પૂરી જાય. રાવળ ઢોલ વગાડી જાય. ગામમાં પાંચ સ્થળે આવા ગરબા થાય એટલે ગામનાં બધાં ઘરને તેમાં જોડાવાનું થાય.
આ દિવસે લાજના ઘૂમટા ખેંચી, નવું આણું કરીને આવેલી ‘બાલિકા વધૂઓ’ શેરીઓમાં કૌતુક પ્રેરતી દેખાય. આ દિવસે આજુબાજુનાં સૌ ગામોના રસ્તા મારા ગામભણી જતા હોય.
સાંજ પડે એટલે ગરબાને શણગારવાનું શરૂ થાય. પહેલા પાંચ હાર તો પેલાં લાંબડીનાં ફૂલોના જ. પ્રકૃતિ સાથેનું એટલું આ ઉત્સવનું તાદાત્મ્ય બાકી છે. હવે તો ઘણુંખરું શહેરના કારીગરોએ તૈયાર કરેલા કાગળના હાર ચઢે છે. પચીસ ફૂટથીય લાંબા એ હાર ચઢાવવાની પ્રક્રિયા પણ જોવી ગમે. મોરના ઈંડાના આકારનો ગરબો શોભાના ભારથી લચી લચી જાય. તેમાં પછી પ્રકટે દીવા.
પછી તો આ બાજુ પૂર્વના આકાશમાં ચૌદશનો ચંદ્ર ઊગે અને આ બાજુ ઢોલીડાનો ઢોલ ઢમકવા લાગે. ઘેરઘેરથી કન્યાઓ અને વહુવારોઓ સજીધજીને ઝાંઝરના ઝમકારે ગાવા નીકળી પડે. હવે તેમનો વારો. તેમને માટે તો આબાલવૃદ્ધ પુરુષોએ ગરબો શણગારી આપ્યો. એ ગરબાની આસપાસ સ્ત્રીઓ હવે ગાશે અને શરદઋતુની ચૌદશની આ રાતને ખરેખરની રઢિયાળી રાત બનાવી દેશે.
ઢોલીડાનો ઢોલ પર ડંકો પડે ને કન્યાઓ – વધૂઓના પગમાં નર્તન જાગે અને એમના કંઠમાં સપ્ત સૂર સળવળી ઊઠે. એ આખી રાત ઢોલીડો રાજાપાઠમાં હોય. થાક્યા વિના સવાર સુધી ઊછળી ઊછળીને ઢોલ વગાડતો હોય. એને પોરસ ચઢે એવો ગરબો શરૂ થાયઃ ‘ભાઈ રે ઢોલીડા તને વેંધવું (વિનવું)..’ એ ગીતમાં તો પછી સુથાર, ઘાંચી, માળી, કુંભાર એ સૌને વિનંતી કરીને ગરબો સજાવવાનું કહેવામાં આવે.
અને પછી ગરબાની આસપાસ એક પછી એક ગરબા ગવાતા જાયઃ ‘મારી તો કાળકા કાગળ મોકલે રે વેરાઈમા ગરબે રમવા આવો ને…’ ‘તારે માથે તાંબાનું બેડું લવારણ ડંકો વાગ્યો રળિયામણો…’, ‘રંગતાળી રંગતાળી રે રંગમાં રંગતાળી…’, ‘આસો માસો શરદપૂનમની રાત જો.’ પૂનમને તો હજી એક દિવસની વાર છે, પણ પૂર્ણિમાપ્રકલ્પ ચૌદશનો ચંદ્રમા બરાબર ચોક વચ્ચે ઉપર આભમાં હોય. મધરાત થાય ત્યારે ‘ઓતરા અભેમાન’નો રાસડો શરૂ થાયઃ
‘મને મારીને રથડા ખેડ રે બાળા રાજા રે
મને જુદ્ધે તે સાથે તેડ રે બાળા રાજા રે
કે મને જુદ્ધ જોયાના ઘણા કોડ રે બાળા રાજા રે
કે અમને પાટા બાંધીને પરણાવ્યા રે બાળા રાજા રે
કે મને શાનાં પ્રાયાશન લાગ્યાં રે બાળા રાજા રે…’
સ્તબ્ધતામાં ગવાતો આ ગરબો ઉત્તરા-અભિમન્યુના સંવાદરૂપ લીટીએ લીટીએ કાળજાસોંસરવો ઊતરતો જાય.
વચ્ચે એક વાર ગામનો ભૂવો ધૂણી જાય. ડાકલાના હાકલાપડકારા વચ્ચે તલવારથી પોતાની જીભ પર છેદ કરી માતાજીના દીવામાં લોહી પૂરે. એક ક્ષણ આશંકા અને ભયકંપિત ચુપકીદી છવાય. ભૂવો ધ્રૂજતી વાણીમાં ગામના ભવિષ્યનો વરતારો કરે, સૌ હાથ જોડી સાંભળી રહે. આ વેળા મેદની તો માય નહીં
આખી આપણી ગ્રામસંસ્કૃતિના ધબકાર આ ઉત્સવમાં મેં સાંભળ્યા છે. સામૂહિક ગામચેતનાનું મહોરેલું રૂપ આ ગરબાની ઉજવણીમાં જોયું છે. આ ગરબા પહેલાંના થોડા દિવસો એટલે ગ્રામજનો માટે, વિશેષ ખેતી સાથે સંકળાયેલા લોકો માટે સખત પરિશ્રમના દિવસો. ‘ઓતરાચિતરા’ (ઉત્તર ચિત્રા નક્ષત્ર)ના તાપની મહેનત પછી (એ મહેનત એવી આકરી કે કણબીના છોકરા ‘બાવા’ થઈ જાય) આસોની શીતળ ચાંદનીમાં અભાવગ્રસ્ત ગામડાંઓને ઉત્સવઘેલાં જોયાં છે. સામાન્યમાં સામાન્યજનને આ તહેવાર પોતાનો લાગ્યો છે. કોઈ ને કોઈ રીતે એમાં એની સંડોવણી હોય.
— આમ ને આમ પ્હો ફાટવા થાય. ન ઢોલીડો થાકે. ન ગાનાર કંઠ અને ફરતા પગ. શેરીઓ પણ ભરેલી હોય. ઘરડેરાં પણ ઓટલે બેસી જાગતાં હોય. નાનાં બાળ એમને ખોળે ત્યાં ને ત્યાં ઊંઘી ગયાં હોય. કોઈ ઘરડું પાકું પાન કહેતું પણ હોય – ‘હવે જીવીશું તો પોર ગરબા જોઈશું.’
સવાર થાય એટલે ગરબો વળાવવાનું ગીત શરૂ થાય—
‘વેરાઈ મા, પોઢ્યાં હોય તો જાગજો રે
માતા ઘડૂલિયો રે આવ્યો…’
ગામના બધા ગરબા ભાગોળે માતાને ચઢાવવામાં આવે. સવારમાં આખું ગામ ત્યાં હોય (હા, હવે ગરબા ભાગોળે જતા નથી. વીજળીના તાર નડે છે ને એટલે! જ્યાં ઊભા હોય ત્યાંથી જ ચઢેલા માની લેવામાં આવે.) સૂરજ આમ ઊગે અને ગરબા વળાવી આમ સૌ ઘરભણી વળે.
આ બધું બરાબર મને યાદ છે. આજે દૂર રહ્યે રહ્યે પણ મારા ગામના અને એ નિમિત્તે સૌ ગામોના જીવતા રહેલા તહેવારનું સ્મરણ કરું છું. આમ, અત્યારે તો આ નવરાત્રિના ગવાતા ગરબાની પંક્તિ મને દૂર ખેંચી ગઈ અને એક પાવન પર્વનું ચિંતવન કરાવી ગઈ.
જાણું છું કે ગરબાનું એ પર્વ અને એની ઉજવણીમાં ફેરફાર થઈ ગયો હશે. એને પણ ‘આધુનિક’ સંસ્પર્શ થયો હશે. છતાં મારા મનમાં તો એના અસલ રૂપની જે સ્મૃતિ કંડારાયેલી છે, તે જ આજે તો આસોની આ રઢિયાળી રાતે પ્રકટી રહે છે.
અમદાવાદ
૧૪-૧-૮૧