ગિરિમલ્લિકા અને ગુડલક

 – તમે અમદાવાદમાં નથી – પણ પશ્ચિમમાં જવાને બદલે પૂર્વમાં શાંતિનિકેતન પહોંચી ગયા છો એવા ખબર જાણેલા. ક્યારેક તમને પત્ર લખવા સરનામું મેળવવા ધારતો હતો પણ આજે તો હવે ગિરિમલ્લિકાને સરનામે જ તમને પત્ર રવાના કરી દઉં છું. આશા છે કે પહોંચી જશે. કદાચ ન પહોંચે તો પણ વાંધો નથી. ક્યારેક તમારા સુંદર નિબંધોનો સંગ્રહ ‘ગિરિમલ્લિકા’ નામે બહાર પડશે. ત્યારે હું સ્મરણ કરીશ તેના એ લેખને ‘પરબ’માં વાંચીને મેં માણેલો.

— મહેન્દ્ર મેઘાણી
૯ મે, ૧૯૮૩

…આ તમને વારંવાર બહાર જઈને તમારા વ્યક્તિત્વને સમૃદ્ધ કરવાની ટેવ પડી ગઈ છે પણ એ માટે ઘર છોડવાની કિંમત તો ચૂકવવી જ પડે ને? જે જીવનકાર્ય હાથમાં હોય તે વારંવાર ખોરંભે પડે તેનો વસવસો તો ભોગવવો જ પડે ને? અને કંઈ દર વખતે તો તમે શ્રી શકુબહેનને સાથે લઈ જતા. નથી! પછી આ પાર્ટટાઇમ ઘરફૂંક મસ્તીનું શું પ્રયોજન? મને લાગે છે કે તમે ‘ઘર’ની શોધમાં બહાર જાઓ છો. બહાર જાઓ ત્યારે જ તેમને ઘરની પૂરી કિંમત સમજાય છે ત્યારે જ તમને મંજુ, મધુ, આનંદ, વસંત, બકુલ વિષે નિરાંતે વિચાર કરવાનો સમય મળે છે. ત્યારે જ તમે કેટલાક સંકલ્પો કરો છો જે પાછા સહેલાઈથી તોડો છો. બોલો આમ કરો છો કે નહીં? અને એટલે તો ગુજરાતી ભાષાને સર્જનાત્મક ગદ્ય મળે છે. કલકત્તામાં પાછા તમે ભાષણો આપો છો, એ પહેલાં મુંબઈ પણ આપી આવેલા. એ બધાં પુસ્તકાકારે આવે ત્યારે ખરાં. નિબંધ રૂપે તો તમારા અનુભવની પ્રસાદી આવે જ..

ગુડલક ફૉર ટુડે, ટુ મોરો, ફૉર એવરી ડે મોરો
ફૉર ઑલ ઑફ યુ!

સમય ભલે જતો. જતાં પહેલાં તમારામાં કંઈ વાવતો જાય છે તો પછી?

— જયેન્દ્ર ત્રિવેદી
૧૩ જાન્યુ, ૧૯૮૪

License

કાંચનજંઘા Copyright © by ભોળાભાઈ પટેલ. All Rights Reserved.

Share This Book