Home is where one starts from
ટી. એસ. ઇલિયટ
ગામડામાંથી શહેરમાં સ્થિર થયા પછી, લગભગ બંધ રહેતું અમારું એ ગામડાગામનું જૂનું ઘર કાઢી નાખવાનો વિચાર આવ્યો. જે વાસમાં અમારું ઘર હતું ત્યાંના જૂના પાડોશીઓ પણ હવે શહેરમાં રહેતા થઈ ગયા હતા. મોટાભાગનાએ તો પોતાનાં ઘર કાઢી પણ નાંખ્યાં હતાં. એટલે પરણમરણ જેવા કોઈ સામાજિક પ્રસંગે કે લાંબી રજાઓમાં ગામડાના એ ઘરમાં થોડા દિવસ રહેવા જતા ત્યારે ઘણું અડવું પણ લાગતું. નવા પાડોશીઓ આવી ગયા હોય અને તેમની સાથે નાતો બંધાયો જ ન હોય. અમને પણ તેઓ જાણે આગંતુક જ ગણે. એટલે હવે એ ઘર રાખી રાખવાનું કોઈ આકર્ષણ રહ્યું નહોતું.
વળી બંધ રહેવાને કારણે જૂનું ઘર વધારે જીરણ બનતું જતું હતું. ચોમાસું ભારે હોય તો પતરાંના છાપરામાંથી પણ પાણી અંદર ઊતરે. પરિણામે એક કરામાં થોડી તિરાડ જેવું પડી ગયું છે. ખુલ્લી અરક્ષિત ઓસરી અને આંગણામાં કચરાના થર જામ્યા કરે. એટલે ઘરડી બાની સંમતિ લઈ ઘર કાઢી નાખવાનો વિચાર પાકો કર્યો. યોગ્ય ઘરાક મળે તો વેચવા માટે ગામમાં રહેતા અમારા એક વ્યવહારકુશળ મિત્રને ભલામણ કરી શહેર ચાલ્યા આવ્યા. પછી એક દિવસ ‘ઑફર’ આવી પણ ખરી. ઑફર વાજબી હતી. ઑફર કરનાર માણસ પણ સારો અને ભરોસાપાત્ર હતો, એટલે હવે વિલંબ કે આનાકાનીનો પ્રશ્ન નહોતો.
પણ એ જ ક્ષણેથી મનમાં વ્યથા જાગી રહી, રહી રહીને વ્યગ્ર કરતો વિચાર આવવા લાગ્યો કે શા માટે બાપદાદાનું ઘર કાઢી નાખવું. ત્રણચાર પેઢીથી ચાલ્યા આવતા માટીના ખોરડાને સ્થાને ત્યાં આ ઘર, ઈંટોનું પાકું ઘર મારા બાપાએ બંધાવેલું, કહો કે ઘણીખરી મજૂરી ઘરનાં સૌએ જાતે કરીને બાંધેલું. તે માટે પોતાના બળદગાડામાં ઈટો તાણી લાવેલા. ચણતર માટે ગાર કરવા ગામના આંબાતળાવની ચીકણી માટી જાતે ગોડી લાવેલા. લાકડા માટે અમારા ખેતરના જૂના લીમડા પાડેલા. છેક મોભારા સુધી ગારનાં તગારાં મારી બાએ ઉપર ચઢાવેલાં. પછી શહેરમાં અમે છોકરાઓએ જ્યારે નવાં ઘર બંધાવવા માંડ્યાં ત્યારે પોતાના દીકરાઓનાં એ મકાનો નોકરિયાત સુપરવાઇઝરોની દેખરેખ નીચે મજૂરો દ્વારા બંધાતાં જોઈ, મનમાં થોડું રાજી થતાં બા-બાપા ઘણી વાર ગામડાગામનું અસલવારીનું એ ઘર કેવું નવેસરથી જાતમહેનતથી પોતે બાંધેલું તેની ભાવુકતાથી વાત કરતાં.
એ ઘરમાં જ અમે સૌ ભાઈ-ભાંડુઓનો જન્મ થયેલો. એટલું જ નહિ, એ જ ઓરડામાં અમારા દામ્પત્યજીવનનો આરંભ થયેલો. અને એ જ ઓરડામાં મારાં સંતાનોનો જન્મ પણ થયો. અનેક સારામાઠા પ્રસંગો જીવનમાં આવ્યા, આ ઘર તેનું સાક્ષી.
ઘરના આંગણામાં કેટલું રમેલા! એક દિવસ એ આંગણું વટાવી ખભે થેલી ભરાવી ગામની નિશાળે ભણવા બેઠેલા. એક દિવસ એ જ આંગણું વટાવી દૂર પરગામ સુધી ભણવા ગયા. એક દિવસ એ જ આંગણું વટાવી શહેરમાં જઈ વસ્યા. એ ઘરના આંગણામાં અમારી બહેનોના અને અમ ભાઈઓના લગ્નમંડપો બંધાયેલા. ત્યાં જ્ઞાતિજનો સાથે ઝઘડાઓ અને સ્નેહમિલનો થયેલાં. ત્યાં પાડોશીઓ સાથે ઊંચા અવાજે બોલાચાલી અને શિયાળામાં તાપણાની આસપાસ મધુર વિશ્રંભકથાઓ થયેલી. એ જ આંગણામાં અમારા પરિવારના અબોલ સભ્યો બંધાતા – ભેંસ, પાડરાં, બળદ, રેલ્લા.
એ ઘરની ઓસરીમાં મારાં દાદી અને પછી દાદાનો ચોકો થયેલો. અને થોડાં વર્ષો પર મારા બાપાનો.
અમારા એ ઘરની બંને બાજુએ બીજાં ઘર છે. એક ઘર છે મારા ખરેખરનાં આજન્મ સાથીનું. તે પણ બંધ છે. મારો મિત્ર રોટલો રળવા દેશનાં અનેક સ્થળોએ ફરી ગૃહભંગ થઈ હવે અમદાવાદમાં રહે છે. તે પછીના મકાનમાં કાશીફોઈ રહેતાં. તેમને ઊઠી ગયે તો વર્ષો થયાં. જ્યાં વર્ષો સુધી રેતની કલાકની શીશી લઈને રોજ સામાયિક કરતાં તે ઓસરીમાં હવે ફાંદવાળાં એક બારોટ સૂતા જોવા મળે. સામેના ઘરનો માલિક પ્રૌઢ વયે, પણ કુંવારો જ ઊઠી ગયો. તે પછી જેણે મકાન લીધું તેણે આંગણાના ઝઘડાઓથી પાડોશી હક સ્થાપેલો. એ ઘર પણ એક દિવસ પડી ગયું અને નવી દિશાને બારણે નવું થયું છે.
આમ બધું બદલાઈ ગયું છે. છતાં થવા માંડ્યું કે શા માટે અમારે અમારું એ ઘર વેચી નાંખવું. જૂનું તોયે બાપદાદાનું ઘર. એ ઘર છે, માત્ર ચાર દીવાલો ને છાપરાનું મકાન નથી. મકાન પૈસાથી ખરીદી શકાય, બાંધી શકાય, પૈસા લઈ વેચી શકાય, પણ ‘ઘર’? ઘર એ તો ભાવના છે. ઘર ના હોય તોયે ઘરની ભાવના પણ ભલી. એ માત્ર પૈસાથી ખરીદી કે બાંધી શકાય નહીં. એટલે થવા માંડ્યું કે ભલે ઘર જૂનું થાય, જીરણ થાય, ભલે પડી જાય, પણ ઘર છો રહેતું.
બીજી બાજુ પાછું મન તર્ક કરે કે આ બધા લાગણીવેડા છે. જો ગામમાં જવાનું જ ના હોય તો ત્યાં ઘર રાખી રાખવાનો શો અર્થ છે? સારા પૈસા ઊપજે છે. એટલા પૈસા ફિક્સ્ડ ડિપોઝીટમાં મૂકો ને, તોય…
છેવટે ઘર કાઢી નાખવાનો વિચાર રહ્યો. પણ અમે બધા ભાઈઓએ છેલ્લે છેલ્લે સપરિવાર બાપદાદાના એ ઘરમાં સાથે રહેવાનો વિચાર કર્યો. કાયમ માટે કાઢી નાખવાનું છે, તો એ ઘરમાં બધાં સાથે રહી લઈએ.
વળી પાછું ઘણા વખતનું બંધ ઘર ખૂલ્યું.
જોતજોતામાં તો નાનાંમોટાં પરિવારજનોથી એ સૂનું ઘર ગાજતું- ગુંજતું થઈ ગયું. મારા એક નગરવાસી મિત્રને પણ આ વેળા તો ગામડાગામનું ઘર જોવા સાથે લઈ ગયો. પુરાણા દિવસો પાછા આવ્યા હતા. બાપાના મૃત્યુ પછી મારી બા લગભગ ઉદાસીન રહેતી. ઘરના પ્રસંગોમાં રસ લેતી નહીં પણ તે પણ અહીં આવીને સૌની વચ્ચે પ્રસન્ન લાગી.
પરંતુ હવે ઘરની પ્રત્યેક દીવાલ મને ઠપકો આપવા લાગી. ઓસરીમાં જ્યાં હું હંમેશાં બેસતો, જ્યાં બેસીને પહેલો એકડો ઘૂંટેલો અને જ્યાં બેસીને પછી દરેક રજાઓમાં ઉચ્ચ અભ્યાસના ગ્રંથો ઉથલાવતો ત્યાં બેઠો. ત્યાં ભીંતે ટેકો દેતાં જ તે મને અંદરથી હચમચાવી રહી. મેં પાછા વળી તેના પર હાથ ફેરવ્યો, તે કહી રહી, ‘આટલે દહાડે આવ્યા અને હવે બસ…’
હું વ્યગ્ર બની ગયો. આંગણામાં ખાટલો ઢાળીને બેઠો. હવે ત્યાં ગમાણ ખાલી હતી, ખીલા હતા પણ ઢોરઢાંખર નહોતાં. પરંતુ એ બધાં જ જાણે એ તરફ નજર જતાં એકસાથે ભાંભરી ઊઠ્યાં. હું એકદમ ઊભો થઈ ગયો. શૂન્ય આંખે ભરાયેલું આંગણું જોતો રહ્યો. ઘરનાં આ નેવાં. કેટલાં બધાં ચોમાસાં એનું સંગીત, સાંભળ્યું છે! અહીં તોરણ નીચે મારી બહેનો પરણવા બેઠી હતી અને અહીં દાદી, દાદા અને બાપુની નનામીઓ બંધાઈ હતી. ગળે ડૂમો ભરાવા જેવું થયું.
ઘરના ઓરડામાં ગયો. બંધ જીરણ ઓરડો વધારે મુખર લાગ્યો. પછીતની એક નાની જાળીમાંથી થોડું અજવાળું આવતું હતું. આ ઓરડો એક વેળા કોઠીઓ-કોઠલાઓથી ભરેલો રહેતો. એ બધું ક્યારનુંય કાઢી નાખ્યું છે, પણ ત્યાં હજી ખૂણામાં વલોણાની મોટી ગોળી અને ખીંટીએ મોટો રવૈયા લટકે છે. અહીં હું જન્મેલો, મારાં સંતાનો પણ… હવે?
વચલા ખંડમાં, જ્યાં અમે સૌ જમતાં, ત્યાં થઈ ફરીવાર ઓસરીમાં આવું છું. બા એકલી બેઠી છે. અત્યારે સૌ આઘાંપાછાં છે. જોઉં છું તો ઘરડી બા રડતી હતી. બાને ઓછું ભળાય છે, ઓછું સંભળાય છે. હવે ઝાઝું કાઢે એમ પણ નથી. મેં પાસે જઈ પૂછ્યું, ‘આ શું? તું રડે છે બા?’
અને એનાથી મોટેથી રડાઈ ગયું. ‘આ ઘર…’ એટલું માંડ આંસુ અને હીબકાં સાથે બોલી. બાપુજીના અવસાન વખતે નહોતી રડી એટલું બા રડી રહી હતી. ધીરે ધીરે હીબકાં વચ્ચે એણે કહ્યું, ‘આ ઘર, હું જીવું છું ત્યાં સુધી ના કાઢશો. હવે હું ઝાઝા દિવસ નથી. પછી તમતમારે..’
‘પણ બા, તેં કહ્યું હતું ને?’
‘કહ્યું હશે. પણ હવે પાછાં અહીં આવ્યાં પછી… ના, તમે ના કાઢશો.’ એનું રડવાનું અટકતું નહોતું.
બાને રડતી જોઈ મને દુઃખ તો થયું પણ વિશેષ આનંદ થયો. થયું કે એનું હૃદય હજી જીવતુંજાગતું છે. એને હજી જગતમાં – જીવનમાં રસ છે. અમે તો માનતા હતા કે બા માત્ર દહાડા કાઢે છે. પણ ઘર માટેનો આ રાગ…
મારા મનમાં પણ ઊંડે ઊંડે અપરાધભાવ તો હતો ઘર કાઢવાની વાતથી. પણ હવે તો રીતસરનો સણકો ઊપડ્યો. ઘર સૌની સંમતિથી વેચવાનું વિચારેલું. બાનાખત પણ થઈ ગયું હતું. જોકે તે દિવસથી દરેક જણ ઘરની વાત આવતાં મૂગું બની જતું.
એટલામાં નાનો ભાઈ મકાન ખરીદનારની સાથે આવ્યો. ઘરનાં બીજાં સૌ પણ ભેગાં થઈ બાની આસપાસ બેસી ગયાં હતાં. બાને સમજાવવાનો પ્રયત્ન કરવા લાગ્યાં, ‘આપણે નવું સગવડોવાળું મકાન આ ગામમાં જ બંધાવીશું, આ જ ઘરના પૈસામાંથી, તમે કહેશો તેવું…’
બા કહે, ‘આ ઘરને મોભે મેં ઈટો ચઢાવી છે. તમારા બાપે કેટલી હોંશથી બાંધ્યું છે! એટલે તમતમારે મારા ગયા પછી ભગવાન કરે ને મહેલ ચણાવજો. પણ આ ઘર તો… નાનો ભાઈ સ્થિતિ પામી ગયો. એણે મકાન ખરીદનારને કહ્યું, ‘ભાઈ, હમણાં ખમી જાઓ. આ ઘર આપીશું ત્યારે તમને જ આપીશું.’
મેં જોયું કે અમ સૌની છાતી પરથી પથ્થર ઊતરી ગયો હતો. વરસાદ પછી ખૂલેલા આકાશ જેવું બાનું મોઢું જોઈને જાણે જીરણ ઘર હસી રહ્યું હતું. અદૃષ્ટ ગૃહદેવતાની પ્રસન્નતાનો સૌને સ્પર્શ થયો હતો.
અમદાવાદ
પ-૮-૮૧