‘સબ તીર્થ બાર બાર ગંગાસાગર એક બાર’ – આવી એક લોકોક્તિ ભાવિક જાત્રાળુઓને મોંએ ક્યારેક સાંભળવા મળે. તેનો અર્થ એવો લાગે છે કે મુમુક્ષુઓએ મોક્ષ માટે બીજાં તીર્થો તો વારંવાર સેવવાં પડે, પણ ગંગાસાગર તો એક વાર જાય એટલે તે એક ફેરામાં જ તેને મોક્ષ મળી જાય. આ કહેતી ગંગાસાગરને સૌ તીર્થો કરતાં ચઢિયાતું ગણે છે. કૃષ્ણને ખબર હોત તો તેમણે ગીતામાં કહ્યું હોત કે તીર્થોમાં હું ગંગાસાગર છું.
પતિતપાવની ગંગાએ તે સ્થળે સૌપ્રથમ પોતાના વિશેષણને સિદ્ધ કર્યું હતું. આ એ સ્થળ છે જ્યાં કપિલ મુનિના ક્રોધથી ભસ્મ બની અવગતિયા થયેલા સગર રાજાના સાઠ હજાર પુત્રોનો ભગીરથે સ્વર્ગમાંથી પૃથ્વી પર અવતરિત કરેલી ગંગાએ ઉદ્ધાર કર્યો હતો. અહીં, જ્યાં ગંગા સમુદ્રને મળે છે, તે સ્થળ, એટલે વધારે પવિત્ર માનવામાં આવતું હશે.
હું મુમુક્ષુ નથી કે નથી ઉદ્ધારનો આકાંક્ષી, છતાં ગંગાસાગર પહોંચી ગયો. પહોંચતાં સુધીમાં પેલી કહેતીનો નવો અર્થ જડ્યો. બીજાં તીર્થો વારંવાર જઈ શકાય તેટલાં સુ-ગમ છે, પણ ગંગાસાગર દુર્ગમ છે. એક વાર જઈ આવ્યા પછી માણસ બીજી વાર જવાનો વિચાર ન કરે.
નકશામાં આ સ્થળ રોમહર્ષ જગાવે તેવું છે. ઉન્નત હિમાદ્રિમાંથી નીકળેલી અધોધો આ ગંગા અનેકમુખી થઈ બંગાળના ઉપસાગરને જઈને મળે છે. ગંગાસાગર દ્વન્દ્વસમાસ છે, એટલે કે ગંગા અને સાગર. એક રીતે આ પ્રસિદ્ધ સુંદરવનનો વિસ્તાર છે. તેને સુંદરીનું વન પણ કહે છે. સુંદરી એટલે એ નામનું વૃક્ષ.
કલકત્તાથી જ્યારે નીકળ્યો ત્યારે ખબર નહોતી કે ગંગાસાગર હું આ રીતે પહોંચીશ, આ સમયે પહોંચીશ. મારા એક માત્ર સહયાત્રી હતા રતનબાબુ. આ ભાવિક બંગાળી આ દેશ અને દિશાના પરિચિત હતા. અમારો ખ્યાલ સાંજ પહેલાં ગંગાસાગર પહોંચી જવાનો હતો, પણ કલકત્તાથી ડાયમંડ હારબરની ગાડી પકડતાં જ મોડું થઈ ગયું.
બંગાળની ‘સુજલા સુફલા શસ્યશ્યામલા’ ભૂમિનો પરિચય તો આ માર્ગે થાય. ડાયમંડ હારબર એવું વિદેશી નામ ગમે કે ન ગમે પણ સ્થળ તો અવશ્ય ગમી જાય. અહીં રૂપનારાયણ નદી ગંગા એટલે કે ભાગીરથીને મળે છે. ક્યાંય આરોઓવારો દેખાય જ નહીં. દૂરસુદર માત્ર સંગમનાં વિસ્તરેલાં જળ.
અહીંથી હવે બસ પકડીને કાકદ્વીપ જવાનું. ત્યાંથી હોડી કે લૉંચ મારફતે સાગરદ્વીપ જવાનું. ત્યાંથી પાછી બસ પકડીને ગંગાસાગર અથવા સાગરસંગમે પહોંચવાનું. આ નવીન પ્રદેશો આંખોને આકર્ષણરૂપ હતા. પણ બસમાં ભીડ માય નહીં. કાકદ્વીપ પહોંચ્યા ત્યાં તો સાંજ પડવામાં થોડી વાર હતી. અહીં નદી ઓળંગવાની હતી. ‘નદી’ કહેવાથી એના વિપુલ જલરાશિનો ખ્યાલ નહીં આવે. જલરાશિની વચ્ચે અનેક હર્યાભર્યા દ્વીપ.
ત્યાં રતનદાએ વાતવાતમાં પોતાનો પરિચય જમાવી દીધો એક મોટી વયની કન્યા સાથે, નિશાળમાં તે ભણાવતી હતી. ભાગીરથીને કાંઠે અમે સૌ હોડીની રાહ જોતા હતા. બંગાળનો વિશિષ્ટ આ લેન્ડસ્કેપ હતો. તેમાં રતનદાએ જે રીતે પેલી કન્યાને ‘દિદિમણિ’ ‘દિદિમણિ’ કહી સાગરદ્વીપમાં બસ ના મળે તો રાત તેને ઘેર રહેવાનું ગોઠવી દીધું – એ જોતાં જાણે શરદચંદ્રની નવલકથાનાં પાનાં ખૂલતાં જતાં હતાં.
ભાગીરથને આ કાંઠે ખાસ ભીડ નહોતી. સૂર્યાસ્તની વેળાનું મનોરમ દૃશ્ય હતું. પણ મારા મનમાં ભારે ઉદ્વેગ હતો. અત્યારે હવે ક્યાં જઈશું? રતનબાબુ તો હવે ‘દિદિમણિ’ સાથે એકદમ વાતોમાં ડૂબેલા હતા. દિદિમણિનું ઘર સાગરદ્વીપમાં હતું. તેણેય ઉત્સાહથી કહેવા માંડ્યું કે મારે ઘેર જ આવજો. પણ મને એમ કે ત્યાંથી મોડી મોડીયે બસ મળી જાય તો સારું.
સૂર્યાસ્તની લાલ આભામાં અમે જે રીતે હોડીમાં નદી પાર કરતાં હતાં, તે કદાચ કાંઠે ઊભેલાઓને તો અપૂર્વ ચિત્રસમ જ લાગે. સાગરદ્વીપ પહોંચતાં એવું થયું કે જાણે કોઈ જુદી જ વસ્તીમાં આવી પહોંચ્યો છું. આ પણ બંગાળ જ, પરંતુ મન માને નહીં. દિદિમણિના આગ્રહને ટાળી અમે એક હોટલમાં ચા પીવા ગયા. એનું આગ્રહાંકિત મોં હજી યાદ આવે છે. કદાચ ગયા હોત!
પરંતુ બસ મળે તેમ હતું. છતાં ઠેરના ઠેર. હોટલવાળા રતનબાબુના ઓળખીતા નીકળ્યા કે પછી રતનબાબુએ તેને ઓળખીતા બનાવી દીધા તેની ખબર પડે તે પહેલાં રાત તેને ત્યાં ગાળવી એવું રતનબાબુએ ઠરાવી દીધું. મારું મન તો વળી માને નહીં. બસ જવા દીધી. પછી તો પેલા બે મિત્રોએ ભોજનની સાથે ‘મદ’ (દારૂ) પણ ‘ખાધો.’ બંગાળીમાં ‘પીવું’ એને ‘ખાવું’ જ કહે છે.
ત્યાં ખબર પડી કે અહીંથી થોડે દૂર એક પલ્લીમાં ‘જાત્રા’ છે. જાત્રા એટલે ધંધાદારી બંગાળી નાટક. ભાંગવાડી થિયેટરનાં નાટકો જેવાં નાટક. મને થયું કે અહીં મચ્છર-અનુરણિત આ ગામ્ય હોટલના બાંકડા પર રાત કાઢવી એના કરતાં જાત્રા જોવી તો સારી જ. પેલા હોટલવાળા પણ સાથે જોડાયા. એને અને રતનબાબુને – બંનેને થોડો નશો ચઢ્યો હતો. કલકત્તાથી આખે રસ્તે મારી સાથે બંગાળીમાં બોલતાં રતનદા હવે લગભગ ‘અંગ્રેજી’માં બોલતા હતા!
એક ખુલ્લા મેદાનમાં મંડપ બાંધીને જાત્રા થતી હતી. ટિકિટ હતી. સાગરદ્વીપની આસપાસની વસ્તીઓમાંથી લોકો આવતા-જતા હતા. ગામડાગામની વસ્તી લાગે. માઈક પરથી જાહેરાતો થતી હતી. હું ક્યાં છું – તે હું ભૂલી ગયો. રાતે અગિયાર વાગે તો ‘જાત્રા’ શરૂ થઈ.
ગિરીશ ઘોષનું એક જાણીતું નાટક ‘પ્રોફુલ્લો’ (પ્રફુલ્લ) ભજવાયું. એકદમ મેલોડ્રામા. અહીં એકઠા થયેલા પ્રેક્ષકો તન્મય બનીને જોતા હતા. પેટ્રોમૅક્સને અજવાળે નાટક ચાલે. પડદા નહીં.
રાત્રે અઢી વાગ્યે નાટક પૂરું થયું. હવે? જુદી જુદી દિશામાં વાહનો જવા લાગ્યાં. એક ટ્રક સાગરસંગમ તરફ જતી હતી. રતનબાબુનો નશો ઊતરી ગયો હતો. કહે હોટલમાં જવાને બદલે હવે સાગરસંગમ ભણી જ જઈએ. અમે ટ્રકમાં બેસી ગયા. અસ્તમિત થતા ચંદ્રની આછી ચાંદની હતી.
અમુક સ્થળે પહોંચ્યા પછી ટ્રકમાં ત્રણ પૅસેન્જર રહ્યા. ટ્રકવાળાએ કહ્યું – હવે ગાડી આગળ નહીં જાય. તારું ભલું થાય! હવે અમારે આગળ ક્યાં જવું? ટૂકવાળાએ કહ્યું – ‘આ રસ્તે સીધાસીધા ચાલ્યા જાઓ, ત્રણ-ચાર માઈલ પછી ગંગાસાગર આવશે.’ આછા અજવાળામાં હું કે રતનબાબુ એકબીજાના મનોભાવ વાંચી શકતા નહોતા. પણ અમને બંનેને ભય લાગ્યો હતો. છતાં ચાલ્યા.
રસ્તો એકદમ નિર્જન — સુમસામ રસ્તાની બંને બાજુ ‘ખાલ’નાં પાણી. ખાલ એટલે નહેર કે વરસાદ પડે ત્યારે બનતા વહેણનો માર્ગ. એ તો પછી ખબર પડી કે એ પાણીમાં ભયાનક મગર રહેતા હોય છે. સર્પોનો પણ આ ભેજવાળો વિસ્તાર. અહીં લૂંટફાટનો ભય પણ ખરો જ. પણ અમે તો ચાલતા રહ્યા. રસ્તાની ધારે માછીમારોની સુપ્ત વસ્તી આવે અને કૂતરાં ભસી ઊઠે. ભય દાબવા હું અને રતનબાબુ મોટે મોટેથી વાતો કરીએ, ગળામાં કફ વિના જ અમસ્તા ખોંખારા કરીએ અને રસ્તો કાપીએ. હવે મને ‘દિદિમણિ’ યાદ આવતી હતી.
સારું છે કે અહીં સવાર વહેલી પડે છે. નહીંતર ભયમાં પતિતપાવની ગંગા અને ગંગાસાગરનું બધું માહાત્મ્ય ભૂલી ગયા હોત. પ્હો ફાટતી જતી હતી. પરોઢિયાનું અજવાળું અનુભવાતું હતું. ક્યાંક એકાદ જણ હવે સામું મળવા માંડ્યું. ગંગાસાગર હજી કેટલે દૂર હશે?
ત્યાં સમુદ્રની રેતીનો વિસ્તાર શરૂ થયો, અને એકાએક સવારના ઉજાસમાં જોયો આક્ષિતિજ વિસ્તીર્ણ જલરાશિ. આ તે ખૂલતું સવાર? આ જ ગંગાસાગર, આ જ સાગરસંગમ. અહીં ગંગા અને સાગર એક થઈ ગયાં છે. આમ ઉત્તરથી વહી આવતી ગંગા અને સાગર એકાકાર છે! સાગરમાંથી મોજાં પર મોજા ઊછળતાં આવી રહ્યાં છે, અને એનો ઘુઘવાટ સંભળાય છે.
આ સવારમાં અમે ત્રણ માત્ર અહીં હતાં. હું, રતનબાબુ અને ગંગાસાગર. ક્યાં ગંગા અને ક્યાં સાગર એ કહેવું મુશ્કેલ, પણ ચિત્ત હવે પ્રસન્ન પ્રસન્ન હતું. ‘ઘોરરજની’ વીતી ગઈ હતી. હવે આ પ્રભાત, આ સાગર. ગંગાસાગરમાં સ્નાન કરવું પડશે.
અહીં મકરસંક્રાન્તિને દિવસે તો લાખ્ખો જાત્રાળુઓ ઊતરી પડે છે. તે દિવસે ગંગાસાગરના સ્નાનનો મહિમા છે. પણ આજે આ નિર્જન વિરાટની સંનિધિમાં મારી ચેતના બૃહત્નો સંસ્પર્શ અનુભવતી હતી. છેક હિમાદ્રિના ગૌમુખ ગંગોત્રીથી સગર રાજાના શપ્ત પુત્રોનો ઉદ્ધાર કરવા ભગીરથને પગલે પગલે નીકળેલી ગંગાનાં વિવિધ રૂપ સ્મરતો હું ગંગાસાગરમાં નહાતો હતો. ત્યાં પૂર્વમાં સમુદ્ર પર સૂર્ય ઊગ્યો, ના સાગરના જળમાંથી ઉપર આવ્યો. અમે ત્રણમાં એક ચોથો જણ.
પણ હવે પછીની પરમ વિસ્મય અને આત્મવિસ્મૃતિની કેટલીક પળોની વાત કહેવા શબ્દો ક્યાંથી લાવું?
અમદાવાદ
૨૬-૮-૮૧