દાહોદની નવજીવન કૉલેજમાં આંતરરાષ્ટ્રીય નવલકથા વિશે પરિસંવાદ ચાલતો હતો. રશિયન નવલકથાકાર ફિયોદોર દોસ્તોયવસ્કી, જર્મન નવલકથાકાર ફ્રાન્ઝ કાફ્કા, ફ્રેંચ નવલકથાકાર આલ્બર કામૂ, અમેરિકન નવલકથાકાર અર્નેસ્ટ હેમિંગ્વે વગેરેની અવનવીન કથાસૃષ્ટિમાં બે દિવસથી મન ભમતું હતું. બેઠા તો અમે હતા ગુજરાત અને મધ્યપ્રદેશના સીમાડે આવેલા એટલે કે જ્યાં બે રાજ્યોની (સર) હદ મળે છે તે ‘દાહોદ’ – દાહોદના આદિવાસી વનાંચલથી વીંટળાયેલા શહેરની કૉલેજના એક સભાખંડમાં. પણ મનને તો છૂટું મૂકી દીધું હતું. ક્યારેક સાઇબેરિયાના બરફીસ્તાનમાં તો ક્યારેક ક્યૂબાના અતલાંત મહાસાગરના જળમાં તે ખોવાઈ જતું. ક્યારેક કોઈ બંધ નગરની આસપાસ અંદર પ્રવેશવા આંટાફેરા કરતું, ક્યારેક વૈરાગ્ય આવી જાય કે ઊબકો આવી જાય એવી ઘરડાઘરમાં વસતાં વૃદ્ધોની દુનિયામાં જઈ આવતું. પણ વધારે તો ખોવાઈ જતું, વિસ્મિત થઈ જતું ચિત્રવિચિત્ર મનુષ્યલોકમાં.
ક્યાં ક્યાંનો મનુષ્યલોક?
મનુષ્યો સૌ આપણા જેવા અને છતાં આપણાથી કેટલા જુદા? ના, જુદા નહીં, એવું લાગે એટલું. પણ હા, વિભિન્ન માનવસ્વભાવની અપરંપાર વિચિત્રતાઓ જોઈ, એની ઉદારતા અને એની કૃપણતા જોઈ, એની મહાનતા અને એની ક્ષુદ્રતા જોઈ, એનો ઉલ્લાસ અને એનો વિષાદ, એનો પ્રેમ અને એનો વિદ્વેષ – સદ્અસદ્ની સંકુલ લીલા જોઈ. હેમિંગ્વના પેલા બૂઢા માછીમારે ઊંડા સાગરમાંથી જેમ મહા મત્સ્ય પકડ્યું હતું, તેમ આ બધા સર્જકોએ સાગરથીય ઊંડા માનવમનના રહસ્યનાં કેવાં કેવાં મત્સ્યો પકડ્યાં હતાં!
મનુષ્યને ‘મહાન’ થવું છે, પણ એ કરે છે અપરાધ, પણ તે પછી તાવણીમાં તવાય છે. નાનપણમાં ગામડાના એક નિરક્ષર ખેડુને મોંએ એક કહેવત સાંભળેલી – ‘દુઃખ ખમે માનવી અને ભૂખ ખમે ઢોર.’ હા, માનવી જેટલાં દુઃખો કોઈ ખમી શકે નહીં. પેલા ખેડુએ કોઈને મોંએ એ સાંભળી હશે કે એના અનુભવમાંથી નીકળી હશે એ વાત – એની ખબર નથી. પણ વાત સાચી છે. માણસને ‘મન’ મળ્યું છે, એની તો બધી તકલીફ છે! ‘દુઃખ, દુઃખ આ બધું’ એમ ગૌતમે કહ્યું હતું. પણ એ વાત જુદી અને આ વાત જુદી. માણસ અપરાધ કરે અને પછી એ અપરાધની સામે ચાલીને સજા વહોરે. આ સમગ્ર પ્રક્રિયામાં ‘પ્રેમ’ નામનું અદ્ભુત રસાયણ તેનું ધારક બળ બને. સમર્પણશીલા સ્ત્રીના પ્રેમમાં કેટલી મોટી શક્તિ છે? દોસ્તોયવસ્કીની સોનિયા શરતચંદ્રની નવલકથાઓનાં પાનાંમાંથી પ્રકટતી કોઈ નારી લાગી.
પછી મને થયું કે બંધ દુર્ગની આસપાસ ભમતો તે હું તો નથી ને? કાફ્કાનો જોસેફ. તે હું તો નથી ને? કોઈ પણ અપરાધ કર્યા વિના જ અપરાધના બચાવની માનસિકતા ગૂંગળાવી રહી. વિના ગુનાએ ગુનેગારની જેમ જીવવાની વાત માણસની ચિર અસહાયતા, એકલતાની વાત છે. માણસ આમ બાહ્ય બળો સામે, દુરિત સામે પરાજિત થવા નિર્માયો છે?
ત્યાં હેમિંગ્વનો બૂઢો માછીમાર – સિંહનાં સ્વપ્નાં જોતો માછીમાર દેખાય. માણસને તહસનહસ કરી શકાય, હરાવી શકાય નહીં. વિજીગીષુ માણસની દર્પભરી મુદ્રાએ બધો વિષાદ ખંખેરી નાંખ્યો. પણ ત્યાં આવી વાત ફ્રેંચ કથાકાર કામૂની. આપણે જે જીવન જીવીએ છીએ તેનો કંઈ અર્થ છે? રોજેરોજ એની એ ઘરેડમાં જિવાતા જતાં જીવનમાં તાજગી ક્યાં છે? ઝાડ પરથી સૂકું પાંદડું ખરી પડવાની વાત કરતો હોય તેમ એની કથાનો નાયક મરસોલ પોતાની માના મરણના સમાચારથી પોતાની વાત શરૂ કરે છે – ‘મા આજે મરી ગઈ.’ જાણે એને કોઈ લેવાદેવા નથી, એને જણનારી સાથે.
એની સાથે જ નહીં, કોઈની સાથે કોઈ લેવાદેવા નથી. તે એટલે સુધી કે આ એક ‘સુસંસ્કૃત’ ગણાતો માણસ એક ધોળે દહાડે એક આરબનું ખૂન કરી નાખે છે. કારણ? કારણ કે તે દહાડે બહુ ગરમી હતી. પણ બહુ ગરમી લાગે એટલે શું? કોઈ નિરપરાધનું ખૂન કરી નાખવાનું?
વાત સાંભળતાં સાંભળતાં મનમાં સતત વિચાર ચાલતો હતો. માણસ આવું કેમ કરતો હશે? એના પોતાના જીવનનો કોઈ અર્થ દેખાતો નહોતો એટલે? અતિ સંસ્કૃતતાનું આ પરિણામ છે? આ ‘કંટાળો’ ક્યાંથી આવ્યો છે? મરસોલ પર કોર્ટમાં કેસ ચાલે છે, ત્યારેય જાણે પોતાને કંઈ લેવાદેવા નથી એમ જ વર્તે છે. ફાંસીની સજા એ રીતે સાંભળી જાણે ફાંસી કોઈ બીજાને થવાની હોય.
માણસ શું ખરેખરો આટલો સંવેદનજડ બની જાય? આજના પાશ્ચાત્ય જગતની કથાના નાયકોની આ વાત છે. વાસ્તવિક જગતમાં પણ આવા નમૂનાઓ તો હશે જ ને? ‘એકલતા’, ‘વિચ્છિન્નતા’, ‘અર્થહીનતા’ – આ બધી સંજ્ઞાઓ આપણે ત્યાં પણ વપરાવા લાગી છે. પણ ગરમી જરા વધારે પડી, હવામાનની સમતુલા જરા આઘીપાછી થઈ ગઈ તેથી માણસ માણસ જેવા માણસની હત્યા કરી દેવી! મા જેવી મા મરી જાય ત્યારે કીડી ચટકો ભરે તેટલીય વેદના ના થાય? આપણી કાલ્પનિક નવલકથાઓમાં કે આપણા વાસ્તવિક દેશમાં આવા માણસો અડફેટે ચઢે ખરા? કે પછી મરતોલ કામૂનો વિભાવિત નાયકમાત્ર જ છે?
મારી નજર એટલામાં સભાખંડની બારી બહાર ગઈ. દૂર સુધી ખેતરો પથરાયેલાં હતાં, ઊંચાંનીચાં ઢોળાવવાળાં. પહેલાં અહીં વગડો જ હશે. હું પરદેશી ભૂમિમાંથી દેશની ભૂમિ પર આવી ગયો. બધું જુદું જુદું લાગવા માંડ્યું. સભાખંડનો બૌદ્ધિક પરિવેશ અને સભાખંડની બારી બહારનો આ પ્રાકૃતિક પરિવેશ એ બે જોડાતાં નહોતાં.
એટલામાં ત્રણચાર અર્ધ વસ્ત્રાવૃત આદિવાસી સ્ત્રીપુરુષોને ખેતરને શેઢે ખભે કોદાળી, પાવડા લઈ ચાલી જતાં જોયાં. મને થયું ક્યાં અમારી આંતરરાષ્ટ્રીય ચર્ચા અને ક્યાં આ આદિવાસીઓ? આ જ ખરું ‘ઍબ્સર્ડ’! કામૂના મરસોલની વાત એમને કરીએ તો?
એ સાથે જ એક વાત મારા મનમાં ઝબકી જાગી. આ આદિમ, આરણ્યક જીવન જીવતાં આદિવાસીઓમાં પણ કામુની કથાના નાયક જેવો માણસ મળી આવે ખરો?
એક વર્ષ પહેલાં અહીં દાહોદથી આચાર્ય શ્રી ચંદ્રકાન્ત ટોપીવાળાની સાથે મધ્યપ્રદેશમાં આવેલી પ્રાચીન બાઘગુફાઓ જોવા જતાં ઊંડાણના આદિવાસી વિસ્તારો વચ્ચે થઈને જવાનું આવ્યું હતું. જંગલ વચ્ચે નાનાંમોટાં નદીઝરણાં આવે. ત્યાં આદિવાસી કન્યાઓ, સ્ત્રીઓ નિઃસંકોચ નહાતી જોવા મળે. ક્યાંક પુરુષો હાથમાં તીરકામઠાં અને ભાલો લઈ ફરતા જોવા મળે. અમે સૌ મિત્રો કુતૂહલથી જોતા હતા. જીપમાં ફાધર મંગલમ્ હતા. તેઓ આદિવાસી વિસ્તારમાં સેવાકાર્ય કરતા હતા, એટલે આ લોકોનાં જીવન વિશે ઘણી વાતો કરતા જતા હતા. તેમણે એક વાત આવી કહી હતીઃ
એક આદિવાસી યુવક શત્રુ સામે વેરનો બદલો લેવા માગતો હતો. એણે નક્કી કર્યું કે હું એને કુહાડાથી મારી નાખીશ. એક વહેલી સવારથી શત્રુને જવાના રસ્તા પાસેની ઝાડીમાં સંતાઈ બેઠો. સવાર વીતી ગઈ, બપોર વીતી ગઈ, પણ તે દિવસે પેલો શત્રુ એ માર્ગે દેખાયો જ નહીં. આ યુવક હવે રઘવાયો થતો જતો હતો. એનો ક્રોધ વધતો જતો હતો. પછી તો સાંજ પડી, તોય પેલો શત્રુ તો દેખાયો નહીં. પણ એટલામાં એ યુવકનો પોતાનો બાપ એ માર્ગે નીકળ્યો. બદલો લેવા રઘવાયા બનેલા યુવકે પછી તો શત્રુ ના આવ્યો તો શત્રુને બદલે બાપને જ કુહાડાથી હણી નાખ્યો! પોતાનો શત્રુ ના આવ્યો તો શત્રુનો બાપ! એણે પોતાની હણવાની ચળ – જિજ્ઞાસા તૃપ્ત કરી.
જરા વધારે ગરમીને કારણે આરબનું ખૂન કરનાર પેલો પરદેશી કથાનાયક અને અહીં કશીક અકળામણથી બાપને હણનાર આદિવાસી યુવક – આ બંને વચ્ચેની તુલના મારા મનમાં ચાલવા લાગી. એક ભલે કલ્પનાના જગતનું પાત્ર હોય અને એક ભલે જીવતુંજાગતું. વળી એ પરદેશી કથાનાયકની ‘નાગરિક’ માનસિકતા અને આદિવાસી યુવકની ‘આદિમ’ માનસિકતા જુદી જ બાબતો છે. પણ આ જિજ્ઞાસાની વૃત્તિમાં કોઈ સામ્ય છે?
એ સાથે તાજેતરમાં જોયેલો ‘આક્રોશ’ ફિલ્મનો આદિવાસી નાયક સ્મરણમાં આવ્યો. તેણે અંતમાં જતાં પોતાની બહેનને હણી નાખી હતી. પણ એ હત્યાનું પ્રયોજન તો કેટલું બધું જુદું છે?
મનમાં એવો વિચાર આવવા લાગ્યો કે આપણે ત્યાં એવો નવલકથાકાર ક્યારે આવશે, જે પેલા આદિવાસીની માનસિકતાને કેન્દ્રમાં રાખી એક પ્રમાણભૂત નવલકથા રચવાનો પ્રયત્ન કરે. કેવડો મોટો વિષય સામે પડ્યો છે? આપણે મરસોલના ‘સહોદરો’ શોધવા કે સર્જવા નીકળીએ છીએ.
બારી બહાર ખેતરને શેઢે દેખાયેલા પેલા આદિવાસીઓ તો ક્યારનાય જતા રહ્યા હતા. હું ફરી પાછો આંતરરાષ્ટ્રીય આબોહવામાં શ્વાસ લેવા લાગ્યો. પરંતુ હવે હું પેલા ફ્રેંચ કથાનાયકની પાસે જ પેલા આદિવાસી યુવકને પણ ઊભેલો જોવા લાગ્યો (એના પર પણ કેસ ચાલ્યો જ હશે.). ફરક એટલો જ હતો કે એક બોલ્યું જાય છે અને બીજો પ્રશ્નોની ઝડી વચ્ચે પોતાનો હોઠ સખ્ત રીતે ભીડીને ચૂપ ઊભો છે.
અમદાવાદ
૨૫-૧૨-૮૧