બ્રહ્મક્ષેત્ર, ચૂલી અને ચંપા

પ્રિય…

આજે હમણાં જ દૂરદર્શન પરથી ‘હિમાલય વૉચ’ નામે કાર્યક્રમમાં હિમાલયનાં બરફ-આચ્છાદિત ભવ્ય શિખરોની પાર્શ્વભૂમાં ત્યાંનાં સર, સરોવરો, સરિતાઓ; ત્યાં આવી જતાં પંખીઓ અને ત્યાંના પહાડી વિસ્તારોમાં વસતાં ભૂંસાઈ જવાને આરે આવેલાં કેટલાંક વન્ય પ્રાણીઓ; તેમાંય લદ્દાખ વિસ્તારની પ્રજા, પ્રકૃતિ અને પ્રાચીન પુરાતન બૌદ્ધ ધર્મ પરંપરા સાચવતી ગોમ્ફાઓ જોઈ પ્રભાવિત છું. હિમાલયના એક વિસ્તારનો આ એક પ્રેક્ષણીય વિસ્તાર જોતાં જોતાં મને થયું કે, આપણા દેશને વિવિધ રૂપે ઓળખવાની કેટલી બધી સંભાવનાઓ છે! એમ થાય કે, ત્યાં પહોંચી જવાય તો કેવું? પિંજરમાં રહેલા પંખીની જેમ મન છટ્પટ્ કરીને રહી જાય છે.

પણ પછી મન વાળ્યું. છેક હિમાલય નહિ તો અહીં નજીકના બ્રહ્મક્ષેત્રના વિસ્તારના ડુંગરાઓ, જંગલો, નદીઓ અને વિલુપ્ત થયેલા ભવ્ય જૈન, શૈવ અને આદિમ સંસ્કૃતિના અવશેષો અને એવું બધું જોવામાં લગભગ એક આખું અઠવાડિયું પસાર થયું છે તે પણ કંઈ ઓછું નથી. એ વિસ્તાર મન પર એવો છવાયો છે કે, થયુંઃ તને કંઈક એની ઝાંકી કરાવું.

તને થશે કે, આ બ્રહ્મક્ષેત્ર વળી કયો વિસ્તાર? નામ સાંભળ્યું નથી. પણ જ્યારે કહીશ કે, બ્રહ્મક્ષેત્ર એટલે આપણું ઈડર પાસેનું ખેડબ્રહ્મા, ત્યારે તારું વિસ્મયઃ ‘ઓહો, ખેડબ્રહ્માની તે વળી શી વાત?’ એવા ઉદ્ગાર સાથે વિલુપ્ત થઈ જશે. અંબાજી જનાર યાત્રિકો માટે જતી બસો એ ખેડબ્રહ્મામાં ખાસ થોડો વધારે સમય ઊભી રહે છે, જેથી એ યાત્રિકો દોડતા જઈ નાનાં અંબાજીનાં દર્શન કરી, શ્રીફળ વધેરી કોપરું ખાતા ખાતા પાછા આવી બસમાં બેસી જાય. એક જાત્રામાં બે જાત્રાનો લાભ!

પરંતુ હરણાવ, કોશામ્બી અને ભીમાક્ષી નામની નદીઓના ત્રિવેણી- સંગમે વસેલું ખેડબ્રહ્મા છેક દેવો-દાનવો કે ઋષિમુનિઓના કાળમાં લઈ જાય એટલું પ્રાચીન હોવાની અનુભૂતિ ટેકરા પર વસેલા આજના ખેડબ્રહ્મા ગામમાં ફરતાં પણ થાય. આ ટેકરાની નીચે કેટલાય સ્તરો હશે, જેમાં કેટલાંય પ્રાચીન નગરોનો અવશેષો હશે. એની જો કોઈ સાક્ષી આપી શકે એમ હોય તો સ્વયં બ્રહ્માજી.

આપણાં પુરાણોમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ ત્રિદેવમાં બ્રહ્માજી જ ‘પુરાણપુરુષ’ ગણાય. આ પૃથ્વીનું સર્જન કરનાર દેવતા એટલે બ્રહ્મા. એમને વિશેની વાતોથી પુરાણો ભરેલાં છે. પણ એ બ્રહ્માજીનાં મંદિરો આખા દેશમાં ગણો તો બે જ. એક અજમેર પાસેના પુષ્કર તીર્થ પર આવેલા બ્રહ્મા; અને બીજા આ ખેડબ્રહ્મામાં આવેલા બ્રહ્મા.

હા, આ ખેડબ્રહ્માના બ્રહ્મા પણ પ્રાચીન છે, મંદિર પાસેની વાવ અને પ્રાચીન વડ જોતાં એ સમજાય, બ્રહ્માજીની મૂર્તિને તો મંદિરના ટ્રસ્ટીઓએ, રંગરોગાન કરી એકદમ ‘અર્વાચીન’ બનાવી દીધી છે. આવી રીતે પ્રાચીન પવિત્ર મૂર્તિને રંગ કરવો તે મૂર્તિખંડન જેવું જ અપરાધકૃત્ય મને તો લાગે છે. દક્ષિણ ભારતનાં પ્રાચીન મંદિરો પણ આવાં રંગરોગાનથી ‘અર્વાચીન’ લાગે છે. જર્મન ભાષામાં ખરાબ કળા – bad art – માટે એક શબ્દ છે – kitsch – કિશ. આપણાં કેટલાંક મંદિરોમાં ચિત્રકામ કે રંગરોગાન જોતાં એ સંજ્ઞા યાદ આવી જાય છે.

ખેડબ્રહ્મા કૉલેજના ગુજરાતીના અધ્યાપક ડૉ. દીપક રાવલે લખેલા એક લેખમાં, આ બ્રહ્મક્ષેત્રના માહાત્મ્યની કથા અને બ્રહ્માજીએ વિશ્વકર્મા દ્વારા નગર વસાવ્યાનો અને એટલે બ્રહ્મક્ષેત્ર નામાભિધાન થયાનો ઉલ્લેખ છે. એમ તો આપણી ઘણીબધી પ્રાચીન નગરીઓની સ્થાપનાઓ આ રીતે થયાની પુરાણકથાઓ મળવાની. ભલે બ્રહ્માએ સ્વયં આ નગર ન વસાવ્યું હોય, પણ એક અત્યંત પૌરાણિક પ્રાચીન નગર આ ત્રિવેણીસંગમ પર એક કાળે સમૃદ્ધિ ભોગવતું હશે એવું તો લાગે જ.

આજે જ્યાં કૉલેજની કલાત્મક ઇમારત બંધાઈ છે, તે ત્રિવેણી સંગમ પાસેની પહાડીઓમાં એક સ્થળે ભૃગુ આશ્રમ છે, અને ક્ષીરજામ્બા દેવીનું મંદિર છે. એ પણ પ્રાચીન છે. અહીંની કે. ટી. શાળાના નિવૃત્ત આચાર્ય જોશીસાહેબ આ બધા વિસ્તારના જાણકાર. કૉલેજના આચાર્ય ઊજમ પટેલ સાથે અમે ત્રણે આ વિસ્તારમાં, અને પછી હરણાવ નદીના પથરાળ વહેણવાળી નદીશૈયા પર, એક સાંજ રખડવામાં ગાળી.

હરણાવને તો હું કવિ ઉમાશંકરની નદી કહું છું, એમની કવિતામાં હરણાવ નદીને ઘહુંઆવ ડુંગર આવે છે, તે આ નદી અને અહીંથી પૂર્વમાં સામે દેખાતો પેલો ડુંગરો તે ઘહુંઆવ. હરણાવ આદિવાસી નામ હોઈ શકે, પણ પુરાણોમાં તેનું સુંદર નામ હિરણ્યા છે. આ હરણાવને કાંઠે કાંઠે એક વિલુપ્ત સંસ્કૃતિની કથાનાં ખોવાયેલાં પાનાં શોધી શકાય એવા સંકેતો મળે છે.

કૉલેજની ટેકરી પરથી પૂર્વમાં જોઈએ તો આ નદીતટ અને પૂર્વમાં પહાડનો આકાર બોલાવી રહે. મને આશ્ચર્ય એ વાતનું છે કે, એક વેળા આ તથાકથિત બ્રહ્મક્ષેત્ર વિસ્તાર જૈન અને બ્રાહ્મણ સંસ્કૃતિનું કેન્દ્ર હતો ત્યાં જૈનો અને બ્રાહ્મણો છે. ભલે! પણ આખો વિસ્તાર વધારે તો આદિવાસી ડુંગરી ભીલોના વસવાટવાળો છે. અહીંની શાળામાં એક શિક્ષક ડૉ. ભગવાનદાસ પટેલ છે. એ આપણા વિસ્તારનું એક વિદ્યારત્ન છે. તેમણે અહીંના આદિવાસીઓની ભાષાસંસ્કૃતિનું તલસ્પર્શી અધ્યયનસંશોધન કરી તેને વિશે ગ્રંથો લખ્યા છે. એ માટે ગામેગામ આદિવાસી સમાજો વચ્ચે જઈને રહ્યા છે. એમનો વિશ્વાસ સંપાદિત કર્યો છે. ભીલી રામાયણ અને ભીલી મહાભારત એમની બોલીમાં જ ઉતારી લઈ ‘સભ્ય સમાજ’ સમક્ષ રજૂ કર્યાં છે. ભારત મહોત્સવમાં તે અહીંના આદિવાસી રામકથાના ગાયકોને ફ્રાન્સ સુધી લઈ ગયા છે.

એક સાંજે અમે અકબરબાપુએ શરૂ કરેલા સનાલી સર્વોદય આશ્રમ થઈને આરાસુરના પહાડો વચ્ચે વહેતી ચૂલી નદીના ખડકાળ વહેણ વિસ્તારમાં જવાનું ગોઠવ્યું. ભગવાનદાસ અહીંના આદિવાસી વિસ્તારોમાં આદિવાસીઓની જ ટીમ દ્વારા દૂરના અંતરિયાળ ગામોમાં નાટક-વેશ રજૂ કરી આદિવાસીઓને એમની જીવનરીતિમાં જે સાચવવા જેવું છે તે સાચવવાનું અને ડાકણ-શાકણના વહેમ વગેરે જે તજવા જેવું છે તે તજવાનું સમજાવે છે. આ સનાલી સર્વોદય આશ્રમની વાતનું તો જુદું પ્રકરણ થાય. પણ રસ્તે જતાં એના આચાર્યશ્રી પંચાલે અકબરબાપુની જ વાતો કરી, તેથી તો થયું કે આદિવાસીઓ વચ્ચે આવી સંસ્થા ઊભી કરનાર આ નિસ્પૃહી સંત સમા પુરુષનું જીવનચરિત્ર લખાવું જોઈએ. આશ્રમ સુંદર સ્થળે છે – બે નાનકડી નદીઓના સંગમે. નદીનાં નામ? તો કહે, કીડી-મંકોડી. આ તળ આદિવાસી નામ કહેવાય. પાતળી ધારવાળી નદીઓ તે એક કીડી ને બીજી મંકોડી. અત્યારે તો નિર્જળા હતી. આ ચોમાસે અહીં વરસાદ ઓછો થયો છે. ભગવાનદાસે એમની નાટકમંડળીના વાહનમાં આ વિસ્તારનાં દર્શન કરાવી, અહીંના આદિવાસી સમાજના રીત-રિવાજોની ઘણીબધી વાતો કરી. અમારી સાથે સર્વોદય આશ્રમના એક આદિવાસી અધ્યાપક પણ – એકદમ સંકોચશીલ, પણ પ્રેમથી બધું કહેતા જાય. એમનું નામ સ્મરણમાં આવતું નથી. જોશીસાહેબ અને ઊજમ પટેલ પણ સાથે.

ભગવાનદાસ કહે : ચૂલી નદીનું વહેણ જોવા જેવું છે. અમે એ દિશામાં ઊપડ્યા. આ ડુંગરાળ વિસ્તારોમાં જમીનો સરખી કરી હવે ખેતી કરવામાં આવે છે. એક સમય હતો, જ્યારે આદિવાસીઓ ભાગ્યે જ ખેતી કરતા. સમા જેવું હલકું ધાન, જે ઊગે છે અને શિકાર વગેરેથી ગુજરાન ચલાવતા. અહીં પાણી માટે બહુ ઊંડાઈએ જવું પડતું નથી. એક કાળે ગાઢ જંગલોવાળો વિસ્તાર અત્યારે વેરાન છે. માત્ર એક ઢોળાવ પર પીપળાનું ઊંચું સોટા જેવું વૃક્ષ ઊભું હતું. આદિવાસીઓ પીપળાને પૂજે છે, એટલે એ કાપતા નથી. ત્યાં બીજો પીપળોય જોયો. બાકી બધે વેરાન.

પણ હવે શરૂ થયાં ચૂલીનાં ખડકાળ કોતરો. હવે અમારે ચાલીને જવાનું હતું. સાંજનો તડકો શિયાળામાંય આકરો લાગતો હતો. પહેલાં તો ચૂલીના પ્રવાહનો રેતાળ પથરાળ પટ જોયો – પણ પ્રવાહ અહીંતહીં ખંડિત. વળી પાછી એ જ કીડી-મંકોડીની વાત. આ વરસે ચોમાસું બહુ વરસ્યું નહિ આ વિસ્તારમાં. નહિતર ચૂલીના જળમાં સ્નાન કરવાનો આનંદ ઓર હોય છે. પંચાલસાહેબે કહ્યું.

કીડી, મંકોડી અને પછી ચૂલી – એવું આ નદીનું નામ વિચિત્ર તો લાગતું હતું પણ એ નામ એ નદીના આકારે અપાવ્યું છે. અમે ખડકો ચઢતા-ઊતરતા નદીના પ્રવાહને કાંઠે ચાલતા હતા. આ ખડકોનું સૌંદર્ય ચૂલીના વેગવંત પ્રવાહ ઉપજાવેલી આકૃતિઓને કારણે હતું. નિર્જન એકાંતમાં તે જાણે અમારા જેવા આગંતુકોની રાહ જોતું હતું. કદાચ એ તો મારો પ્રક્ષેપ. અહીંના આદિવાસીઓ તો એને નિત્ય નિહાળનારા છે.

એક સ્થળે કેટલાક આદિવાસીઓ નહાતા, કપડાં ધોતા હતા. અમે ખડકો ઓળંગતા આગળ વધ્યા. મને મહેશ્વર પાસે નર્મદા કાંઠાની કાળી શિલાઓ યાદ આવતી હતી. પણ અહીં ચૂલીમાં તો છેક ખડકો વચ્ચે ઊંડાં નીર સ્થિર થઈને પડ્યાં હતાં. ભગવાનદાસ કહે : જ્યારે ચૂલીમાં પૂર આવ્યાં હોય ત્યારે આદિવાસી કન્યાઓ અને કિશોરો આ ખડકો પરથી ભૂસકા મારીને નહાય છે. ત્યાં બરાબર બે દિશામાંથી બે ખડકો એવા ગોઠવાયેલા જોયા કે જાણે એક વિરાટ ચૂલો. એટલે જ નદીનું નામ પડી ગયું છે ચૂલી. તારે સંસ્કૃત નામ જોઈતું હોય તો કહું કે ‘ચુલ્લિકા’. ‘ચૂલી’ જરા ઉત્તર ગુજરાતી ઢબે બોલવાનું. અહીં ચૂલીના બે ખડકો નીચેનાં સ્થિર શાંત પાણી એના કાળા રંગને લીધે ઊંડાં હશે એનું અનુમાન કરી શકાતું હતું. આ ચૂલી, આગળ જતાં સાબરમતીમાં ભળી જાય છે.

હવે આ ચૂલીને તો આ ચોમાસામાં મળવા આવવું પડશે. એના પ્રવાહમાં ભૂસકા મારવા પડશે. અત્યારે તો ચૂલીના ઊંચા ખડકોના છાંયડે ચઢતા-ઊતરતા અમે પાછા વળ્યા. પણ આ ચૂલીએ મનમાં કોતરો રચી દીધાં છે.

ભગવાનદાસની ઇચ્છા અમને પોશીનાં જંગલોના અને ડુંગરાઓના વિસ્તારમાં વસતા ડુંગરી ભીલોના વિસ્તારોમાં અને તેમાં છેક ગુજરાતને છેવાડે રાજસ્થાનની સીમાને અડકીને આવેલા મામાપીપળા ગામે લઈ જવાની હતી. ચૂલીના એકાંત વિસ્તારમાં ફરી પાછા અંબાજી હાઈ-વે ઓળંગી અમે પોશીના જંગલોવાળા વિસ્તારમાં પ્રવેશ્યા. સાંજ પડવામાં હતી. પ્રવાસીની આંખે બધું રમણીય લાગે એવું હતું. આથમણી તરફના પહાડોની છાયાના વિસ્તારમાંથી સડક જતી હતી. આખો આદિવાસી પટ્ટો. પણ, જોયું: અહીં છેક સુધી સડકો બનતી ગઈ છે, શાળાઓ ખૂલતી ગઈ છે. ના, ના, કરતાં પણ આ વિસ્તારમાં ઘણી સુવિધાઓ વધી છે. લોકોમાં જાગૃતિ આવી છે. જંગલઅધિકારીઓ વિશે જે કહો તે, પણ એમનું કામ અહીં જોઈ શકાય છે.

રસ્તે આખે અવરજવર ઓછી, પણ ક્યાંક કોઈને ઝડપથી જતાં આવતાં જોઈ શકાય. વચ્ચે ગામ આવે. ત્યાં નાનકડું બજાર હોય. અહીં પણ બધાં વિદેશી છાપવાળાં ‘પીણાં’ આવી ગયાં છે.

સૂર્યાસ્ત વેળાએ અમે મામાપીપળા ગામે પહોંચી ગયાં.

ભગવાનદાસને બધા ઓળખે. એમની સાથે સંકોચ વિના બહેનો ને માવડીઓ વાતો કરે. અહીં ગામ એટલે થોડાં થોડાં ઘરનાં છૂટાં-છવાયાં ઝૂમખાં. ક્યાંક ખેતર વચ્ચે એક ઘર હોય. અમે પહોંચ્યાં એટલે મામાપીપળાનાં કેટલાંક વૃદ્ધ, તરુણ ભેગાં થઈ ગયાં. મુખીને મળવાનું ગમત, પણ તે બહાર ગયા હતા. મેં ઇચ્છા વ્યક્ત કરી કે, એકાદ ઘરમાં જઈએ. એવી રીતે કોઈના ઘરમાં ન જવાય. એ ખરું. એક ઘરના બારણે એક કિશોરી અને એની પાછળ ઘૂમટો ખેંચીને એની જ ઉંમરની એની ભાભી (ભાભી જ હશે!) ઊભી હતી. ભગવાનદાસે એની સાથે વાતો કરી. અમે બે, નળિયાંવાળા નાનકડા ઘરમાં ગયા. બકરાં પણ એક બાજુએ ઘરમાં બાંધેલાં હતાં. ભીંતો સ્વચ્છ અને લીંપેલી. આશ્ચર્ય તો એ થયું કે, ઘરમાં વીજળીનો દીવો હતો! ગુજરાતના આ છેવાડા આદિવાસી ગામના ઝૂંપડી જેવા ઘરમાં પણ વીજળી? કહેવું પડે! ગુજરાત ઘણું આગળ છે. અહીંથી ખેતરવા છેટે શરૂ થતા રાજસ્થાનના ગામમાં વીજળીની વાત કેવી?

ભીંતના સ્વચ્છ લીંપણ પર નામ લખેલું હતું: ચંપા. પેલી કિશોરીનું એ નામ હતું. ચંપાને પૂછ્યું : શું ભણે છે? સાતમીમાં ભણતી હતી. પૂછવામાં આવતાં એણે કહ્યું : હજી પોતે આગળ ભણશે. એની ભાભી પાછળ ઘૂમટામાંથી હસતી હતી. એ ભણે છે? એણે નકારમાં માથું હલાવ્યું. ચંપામાં એક આત્મવિશ્વાસ પણ જોયો. ભગવાનદાસને તો તે ઓળખતી, પણ અમ અજાણ્યાઓને પણ એ સંકોચરહિત જવાબ આપતી હતી. મનમાં પ્રસન્નતા થઈ. આ આદિવાસી કન્યાના ચહેરા પર કેળવણીના પરોઢનો ઉજાસ જોઈ શકાતો હતો. બાજુના ચોતરા પર કેટલાક મોટા છોકરાઓ હતા. તેમની જોડેની વાતચીત પરથી લાગ્યું કે તેઓ નિશાળે જતા નથી. ગયા નથી.

અમે પછી વાહનમાં ગોઠવાયાં. પણ એના ઘરને બારણે ઊભેલી આત્મવિશ્વાસસભર ચંપાની છબી ભવિષ્ય માટે આસ્થા જગવતી હતી. અમે બ્રહ્મક્ષેત્ર તરફ પાછાં વળ્યાં. હજી તો તને પેલી હિરણ્યા ઉર્ફે હરણાવની અને એને કાંઠેના વનોની ને વિલુપ્ત સંસ્કૃતિની વાત લખવાની છે. પણ અત્યારે તો બસ કરું છું.

[૨૩-૨-૯૭]

License

દૃશ્યાવલી Copyright © by ભોળાભાઈ પટેલ. All Rights Reserved.