અનુકથન

દેશ-વિદેશની દૃશ્યાવલી રજૂ કરતાં આનંદ થાય છે. પહેલાં શીર્ષક સૂઝ્યું હતું – ‘પદક્ષેપ’. પદક્ષેપમાં ચાલવાનો અભિપ્રાય નિહિત છે. ચાલવું હંમેશાં ગમે છે. રોજના પરિચિત માર્ગો પર અને એકદમ અપરિચિત માર્ગો અને પ્રદેશો પર, જ્યાં પહેલી અને કદાચ છેલ્લી વાર જતા હોઈએ. મનમાં કોઈ સ્થળ વસી જાય કે કહીએ – ‘ફરી આવીશું’ – પણ ભાગ્યે જ ત્યાં ફરી જવાય છે અને તેમ છતાં ચિર જીવનની દોસ્તી એ સ્થળ સાથે બની રહે છે, માત્ર સ્થળ સાથે નહીં – વ્યક્તિઓ સાથે પણ. પહેલી વાર મળીએ અને લાગે કે જૂની ઓળખ છે. ફરી ફરી વાર મળવાની આકાંક્ષા જન્મે એવી થોડી નિકટની ક્ષણો અનુભવાય અને છતાં ફરી મળવાનું જ ન થાય. માત્ર ચિરંતન સ્મૃતિલોકમાં એનો વાસ રહે.

કૌસાની ગયા ત્યારે સ્વામી આનંદનું પાવનસ્મરણ લઈને. સ્વામી જે ઘરની પરસાળમાંથી હિમશિખરોનાં દર્શન કરતા, તે ઘર શોધવામાં અમે સફળ ન થયાં. અનાસક્તિ આશ્રમમાં એમની ગીતાનો પાઠ કરી મન મનાવ્યું, પણ લાગ્યું કે અમારી યાત્રા અધૂરી રહી. આ એક શિખર તો જોવાનું રહી ગયું! ‘અખંડ આનંદ’માં કુમાઉંના પહાડોની સફર વિષે લખ્યું, તેમાં એ અતૃપ્ત વાસનાનો નિર્દેશ હતો.

એ પછી થોડા સમય બાદ કચ્છથી એક અજાણ્યા પ્રવાસી પ્રફુલ્લ ચંદારાણાનો પત્ર આવ્યો. પત્ર અક્ષરશઃ આપું તો યોગ્ય જ થશે. એ પણ ભ્રમણરસથી ભરપૂર છે:

૧૫ ફેબ્રુ. ’૯૯

“ ‘અખંડ આનંદ’માં પલ પલ પરિવર્તિત પ્રકૃતિવેશ ‘કુમાઉં’ના પહાડોમાં, ૧, ૨, ૩ વાંચ્યા. આપનાં હિમાલયનાં વર્ણનો વાંચવાં ગમે છે અને એમાંય જો આપે વર્ણન કરેલું સ્થળ હમણાં હમણાં જ જોયું હોય તો શું વાત કરવી? ત્રીજા હપ્તાની આતુરતાપૂર્વક રાહ જોતો હતો. જાણતો હતો એમાં સ્વામી આનંદ આવશે જ. કૌસાનીમાં સ્વામી આનંદની ખોજ જ્યાં તમે પૂરી કરી ત્યાંથી અમે શરૂ કરી હતી. થયું, લાવ તમારી સાથે share કરું.

૨૦-૨૮ ડિસેમ્બર ‘૯૮ દરમિયાન એક ટ્રૅકિંગ કૅમ્પ attend કરી નૈનીતાલ-અલ્મોડા થઈ ૩૧ ડિસેમ્બરના રોજ અમે કૌસાનીમાં હતા – હું અને એક મિત્ર. અનાસક્તિ આશ્રમ, સાંધ્ય પ્રાર્થના, સ્વામી આનંદનાં રહેઠાણ વિષે શ્રી દુબેજીનું અજ્ઞાન – બધું એવું જ અનુભવ્યું જાણે rehearsal જ. હા, ગાંધીજીના થોડા અલભ્ય ફોટોગ્રાફ્સ અમારી નાનકડી ટૉર્ચના અજવાળે જોયા. એક અજીબ ઉદાસીન-કર્કશ અવાજે ‘વૈષ્ણવ જન તો તેને..’ ગવાતું હતું. સાંધ્ય પ્રાર્થના દરમિયાન પણ અમારી દરમિયાનગીરી કેવળ એ કર્કશતાને વધારે એવી જ શક્યતા હતી, તેથી ચૂપ રહ્યા.

અનાસક્તિ આશ્રમમાંથી સ્વામીજીના રહેઠાણ વિષે કંઈ માહિતી નહીં મળતાં અમે રાત્રે આઠ વાગ્યે હાડ થીજવી દે એવી ઠંડીમાં – એક તરફ ઉત્સવઘેલા પર્યટકો – ૩૧ ડિસેમ્બરની ધાંધલધમાલ – ‘બોલો તા..રા…રા..રા..’ની પોપધૂન ઉપર શરાબ પીને મહાલી રહ્યા હતા, ત્યારે અમે ‘સરેરાહ’ સ્વામી આનંદનાં ચિહ્નો શોધવા નીકળ્યા. રસ્તે જે કોઈ થોડીઘણીય ‘સભ્ય’ લાગે એવી વ્યક્તિને જોઈને પૂછી લેતાઃ યહાં કોઈ સ્વામી આનંદ રહતે થે, કઈ સાલ પહલે… અરે લાકડાના બનેલા પહાડી મકાનોના અધખુલ્લાં બારણાંઓ ઠોકીઠોકીને આ સવાલ દોહરાવતા ગયા અને અંતે વિનોદ મહેરાનું ઘર ખખડાવ્યું – એક રિટાયર્ડ આર્મિ ઑફિસરનું ઘર, ફરી એ જ સવાલ અને અમારા આશ્ચર્ય વચ્ચે એણે સામે, અમારી પાછળની દિશામાં આંગળી ચીંધી – ‘સ્વામીજી ઉસ મકાન મેં રહતે થે, લેકિન.’ આ લેકિનનો જવાબ અમને એ મકાનમાંથી આવી રહેલા દલેર મહેંદીના ઘોંઘાટિયા પોપ મ્યુઝિકે આપી દીધો. એ મકાનમાં હવે હોટલ ખૂલી ગઈ છે. પહેલો માળ, ઉપર પહોંચવા માટે લાકડાની સીડી, લાકડાંની ઓસરી, ગૅલેરી- કઠેડાઓ… સ્વામીજીની એક ચોપડીમાં એમની પર્ણકુટીનું જોયેલું ચિત્ર યાદ આવી ગયું. પણ કંઈ જૂનું બચવા નથી પામ્યું. બધા પર દલેર મહેંદીએ આક્રમણ કરી દીધું છે! ભાઈશ્રી વિનોદભાઈએ ઘરમાં બોલાવ્યા અને ઘણી વાતો કરી – કામની, નકામી – ‘મારા દાદાએ સ્વામીજીને જોયેલા’ – સાંભળીને અમારા કાન ચમક્યા.

‘એવું કોઈ હયાત ખરું, જેણે સ્વામીજીને જોયા હોય?’ પૂછ્યું. અને અમારી મુલાકાત થઈ સ્વામીજી હયાત હતા ત્યારે સ્વામીજીના ઘરમાં નીચલે માળે રહેતાં (શ્રીમતી) દેવકી મહેરા સાથે. આશરે ૬૫-૭૦ વર્ષનાં એક માજી તૂટ્યાંફૂટ્યાં મકાનમાં ફાયરપ્લેસમાં ચીડનાં ફૂલ સળગાવતાં હતાં અને સામે દીવાલ ઉપર સ્વામી આનંદનો મઢાવેલો ફોટો લટકતો હતો! આ દેવકી મહેરા એટલે સુમિત્રાનંદન પંતનાં શિષ્યા. જેમની અનેક પ્રકાશિત કૃતિઓ પૈકી એક ‘स्वाति’ વિષે બે જણ Ph.D. કરી ચૂક્યા છે એવાં દેવકી મહેરા! પછી તો અમેય ફાયરપ્લેસ સામે ગોઠવાઈ ગયા અને રાત્રે બાર વાગ્યા સુધી દેવકી મહેરાની કવિતાઓનું પઠન સાંભળ્યું. બહાર ઠંડી કહે મારું કામ. એક તરફ હતા હોટલના સેન્ટ્રલી હિરેડ બૉલ રૂમ્સ, ડિસ્કો, ભાંગડા, દારૂ, ૩૧ ડિસે. નવું વર્ષ, બીજી તરફ હતું લાકડાંનું તૂટ્યુંફૂટ્યું મકાન, જૂનું ફાયરપ્લેસ, ચીડનાં ફૂલનાં બળવાની વાસ – અને કવિતા! આ હતી અમારી ૧૯૯૮ની છેલ્લી રાત્રી અને નવા વર્ષનું અનુસંધાન સંધાઈ ચૂક્યું હતું.

કૌસાનીમાં તમે કંઈક ચૂકી ગયા, ભોળાભાઈ.

— પ્રફુલ્લ

પત્ર સાથે પ્રફુલ્લભાઈએ સ્વામીનો મઢાવેલો ફોટો લટકાવેલી દીવાલની પૃષ્ઠભૂમિમાં દેવકી મહેરાનો અને બે ખંડનો ફોટો પણ મોકલ્યો છે. શ્રી પ્રફુલ્લ ચંદારાણાએ એમના આ પત્રથી અમારી કૌસાની યાત્રાની ખૂટતી કડી જોડી આપી એનો આનંદ અને આભાર વ્યક્ત કરું છું.

અમેરિકન દૃશ્યાવલી વિભાગમાં અગાઉ ગ્રંથસ્થ થયેલ કેટલાક અંશ અહીં ફરી લીધા છે, એક પૂરું દૃશ્યપટ રચાય એ માટે.

‘દૃશ્યાવલી’માં મારા પદક્ષેપ સાથે અનેક મારા સહયાત્રીઓના પદક્ષેપનો પણ ધ્વનિ સંભળાયા કરશે આ પૃષ્ઠો પર. અને જ્યાં અનેક અનેક પદક્ષેપ થાય એ સ્થળ યાત્રાધામ બની જાય છે.

— ભોળાભાઈ પટેલ

License

દૃશ્યાવલી Copyright © by ભોળાભાઈ પટેલ. All Rights Reserved.