નિદાઘકાલોઽયમ્ ઉપાગતઃ પ્રિયે!

કવિ કાલિદાસે ઉનાળાની સાંજોને રમણીય (પરિણામરમણીયાઃ દિવસાઃ) કહી છે. ઋતુસંહારમાં ભલે ‘સર્વં પ્રિયે ચારુતર વસન્તે’ – વસંત ઋતુમાં બધું જ વધારે સુંદર લાગે છે – કહી એ ઋતુનો સર્વસ્વીકૃત મહિમા કર્યો હોય, પરંતુ એ કવિને ઉનાળોય અપ્રિય નથી – નહીંતર શાકુંતલ જેવા શાકુંતલમાં દુષ્યન્ત અને શકુંતલાનો પ્રથમ પ્રણયોન્મેષ અને માલિનીતટેની લતાકુંજોમાં એમનાં છાનાંછપનાં મિલનો માટે ઉનાળાની ઋતુ પસંદ કરત? ઉનાળો ન હોત તો લતાકુંજમાં જ્યાં શકુન્તલા પોતાની સખીઓને દુષ્યન્ત પ્રત્યે ફૂટેલા અનુરાગની વાત કરતી હતી અને પછી નખ વડે કમલપત્ર પર રાજાને સંબોધીને પત્ર લખતી હતી ત્યાં રાજાના આગમનથી અને ચતુર સખીઓના શકુન્તલાને એકલી મૂકી કોઈ ને કોઈ બહાને છટકી ગયા પછી, જ્યારે શું બોલવું ને શું ન બોલવું એમ હૈયું માત્ર ધક્ ધક્ કરતું હોય, ત્યારે દુષ્યંત કહી શક્યો હોત કે હે સુંદરી! શું શીતલ કમળપાનના પંખાથી થાક દૂર કરનારા ઠંડા પવનો તને ઢોળું?

કિં શીતલૈઃ ક્લમવિનોદિભિઃ આર્દ્રવાતૈઃ
સંચારયામિ નલિનીદલતાલવૃન્તેઃ?

દુષ્યન્ત કંઈ એટલું કહીને અટકી નહોતો ગયો. શકુંતલા ભલે એકદમ મુગ્ધા હતી, પણ દુષ્યન્ત તો પ્રણયપ્રગલ્ભ હતો. એણે ગ્રીષ્મની બપોરે એકાન્ત માલતીકુંજમાં મદનક્લાન્ત અને પ્રણયની બાબતમાં એકદમ અનભિજ્ઞ શકુંતલાની થોડી વધારે સેવા કરવાના ઉદ્દેશ્યથી કહ્યું, ‘હે સુંદરી! કે પછી ખોળામાં લઈને તને સુખ થાય તેમ તારાં પદ્મ જેવાં રાતાં ચરણોને હળવેકથી પંપાળું?’

અંકે નિધાય કરભોરુ યથાસુખં તે
સંવાહયામિ ચરણાયુત પદ્મતામ્રૌ

ઉનાળાએ જ તો આ કહેવાનું બહાનું આપી દીધું. ખરેખર તો ઉનાળાની લાંબી અલસ બપોરની સ્તબ્ધ વેળા જેવો ભાગ્યે જ બીજો કોઈ નિરાંતનો સમય નવો નવો પ્રેમ કરનાર યુગલોને અનુકૂળ હોય, જ્યારે ચકલુંય ન ફરકતું હોય અને છાંયડો પણ જ્યારે છાંયડો શોધતો હોય (-કવિ બિહારીએ કહ્યું છે). જોયું, આ ઉનાળાની સ્તબ્ધ બપોરની અલસવેળા મને પણ થોડો બહેકાવી ગઈ. હું કંઈ દુષ્યન્ત-શકુંતલાની વાત કરવા અત્યારે નહોતો બેઠો. હું બીજી વાત કરવા ઉત્સુક હતો, જે વાત કાલિદાસે નથી કરી. ઉનાળાની જ વાત છે તો, પણ કોઈ ઋતુની વાત કરીએ ને કવિ કાલિદાસ ન આવે કે રવિ ઠાકુર ન આવે એવું કેમ બને? આ બન્ને કવિઓએ ભારતની ઋતુઓનું જે સ્તવગાન કર્યું છે, એવું ઓછા કવિઓએ કર્યું છે. બીજા કવિઓનો પક્ષપાત છ ઋતુઓમાંથી માત્ર એકાદ-બે માટે હોય. વસંત અને વર્ષા, બહુ બહુ તો શરદ, પણ ઉનાળાનો મહિમા તો આ બે કવિઓએ સૌથી વધારે કર્યો છે. ઉનાળાને એમણે ‘અનુભવ્યો’ છે. પેલા કોઈ અંગ્રેજ પ્રવાસીની જેમ નહિ, જે ભારતની ઋતુઓની વાત કરતાં કહેતો હોય કે હિંદુસ્તાનમાં માત્ર બે જ ઋતુઓ છે – Summer and High Summer – ઉનાળો અને અતિ ઉનાળો! એવા માણસને તો શું કહીએ ભલા? એ કદીય રવિ ઠાકુરની જેમ ‘આવ, આવ હે વૈશાખ – એસો એસો હે બૈશાખ’ – કહીને કદી ઉગ્રતપા વૈશાખનું સ્વાગતગાન રચી શકે?

વળી પાછી વાત લાંબી થતી જાય છે. ઘરની અંદર બેસીને હું લખું છું અને આ ઉનાળાની સ્તબ્ધતામાં બહાર સોનેરી ઝુમ્મર લટકાવતો કર્ણિકાર – હિન્દી નામે અમલતાસ કે ગુજરાતી નામે ગરમાળો – અંગ્રેજી નામે લેબર્નમ તડકામાં બોલાવે છે. કેવો તો એનો પીતાભ વૈભવ છે! એ ઝુમ્મરો કદી નાક પાસે લાવીને સૂંઘી જોઈ છે? કામશાસ્ત્ર લખનારાઓએ પદ્મિની નારીના દેહની સુગંધની વાત કરી છે. તેનો કદાચ આપણા જેવાને અંદાજ તો કર્ણિકારની હળવી મૃદુ સુવાસથી આવે. રાતરાણી જેમ એ કંઈ યોજનગંધ નથી કે દૂરથી જ ઉન્મત્ત કરી દે, બસ મૃદુ.

પણ અત્યારે હું એ પદ્મગંધી પાસે જવા નીકળવાનો નથી. ખરેખર તો મારે એની પણ વાત કરવાની નહોતી. પણ આંખમાં અંજાયેલો એનો કાંચનવર્ણ, નાસાપુટોમાં ભરાયેલી એની હળવી ગંધ, આંગળીઓને ટેરવે લાગેલો એનો મુલાયમ સ્પર્શ, આ ક્ષણોમાં જરા જોર કરી ગયાં. એમ તો કહેશો કે ગુલમહોર યાદ ના કર્યો. એ પણ યાદ આવ્યો. અને મોગરો પણ આ ઋતુનો. પણ એમ બધાંને ક્યાં સલામ ભરવા જઈએ? કર્ણિકારની વાત જુદી.

હવે મુદ્દાની વાત પર આવવા ધારું છું. અત્યાર સુધી તો અંગ્રેજીમાં જેને કહે છે બીટિંગ એબાઉટ ધ બુશ – જેવું કર્યું કહેવાય પણ હવે ‘બુશ ઇટ-સેલ્ફ.’

એટલે કે ઝાડીની આજુબાજુ ધોકાધોકી નહિ. હવે ઝાડી પર સીધો પ્રહાર. અંગ્રેજીનું સીધું ગુજરાતી કરીએ એટલે આવું થાય. પણ મને લાગે છે કે વાત તો સમજાય છે. ઉનાળાનો મધ્યાહ્નકાળ છે, સમજી ક્ષમા કરવી.

મૂળ વાત મારે ઉનાળાની જ કરવી હતી અને હજીય વધારે ચોક્કસ રીતે કહેવું હોય તો વહેલી સવારથી સૂરજની સોનેરી કોર ઝલકે ત્યાં સુધીના સવારની. સવારનો સમય હજીય પાછો લઈ જઈ શકાય અને આગળ પણ લઈ શકાય. અંગ્રેજો દિવસના કેટલા બધા વાગ્યા સુધી પણ ‘ગુડ મૉર્નિંગ’ કહેતા હોય છે!

એટલે કે ઉનાળાની સવારની વાત કરવી હતી. એ છે ‘બુશ.’ પણ અધ્યાપકની આદત પ્રમાણે મૂળ વિષય પર આવવા પહેલાં થોડી ભૂમિકાની જરૂર લાગી. એટલે ઉનાળાની સાંજથી શરૂઆત કરી. ઉનાળાની સાંજ મને પણ બહુ ગમે છે. પણ હું કહું કે ઉનાળાની સાંજ રમ્ય હોય છે, તો મારી વાત બધા લોકો કંઈ માને નહિ. એટલે છેક કવિ કાલિદાસની સનદ લઈ આવ્યો. કાલિદાસની વાત બધા માને. પણ માનવાનું એટલા માટે છે કે એ માણસ ખરું કહી ગયો છે. આપણે પ્રમાણી શકીએ કે દિનાન્ત રમ્યો. ખરી વાત એ છે કે આવું બધું જોતાં એમણે જ શીખવ્યું છે.

પણ ઉનાળાની સવાર જે ધીમે ધીમે થતી જાય છે, તે તો રમ્યતર છે. એ બાબતમાં કદાચ કાલિદાસનો ટેકો ન પણ મળે. વાંધો નહિ. સંભવ છે કે કવિ કદાચ વહેલા ન ઊઠતા હોય. એક બીજા આજના કવિ નિરંજન ભગતે મુંબઈ જેવા નગરની સવારનું વર્ણન કરતાં કહ્યું કે જ્યારે સવાર પડતાં આખું જગત કામે ચઢે છે ત્યારે

‘નિવૃત્તિ માણતાં માત્ર વેશ્યા અને કવિ.’

વેશ્યા અને કવિને એક પંક્તિમાં બેસાડનાર કવિને શું કહીએ? જોકે ઇન્દ્ર અને શ્વાનને એક પંક્તિમાં બેસાડનાર વૈદિક કવિઓ છે. હું પણ નગરની સવારની વાત કરવા માગું છું, અમદાવાદ જેવા નગરના ઉનાળાની સવારની, આજની સવારની.

આજે વહેલી સવારે આંખ ઊઘડી ગઈ. સીધી આકાશ તરફ નજર ગઈ. આકાશનો ગાઢ નીલ રંગ આંખે એટલો બધો તો શીતલ લાગ્યો! પૂર્વ દિશામાં નજર ગઈ તો વૈશાખ વદ એકાદશીનો ચંદ્ર જાણે મારું અભિવાદન કરતો હતો. ક્ષીણતેજ ચંદ્રની સૌમ્ય પ્રભા વળી આંખને શીતલ લાગી. બપોરના પ્રચંડ સૂર્યની તુલનામાં અત્યારે આ ચંદ્ર કેટલો સ્પૃહણીય લાગતો હતો!

જોયું? ફરી કાલિદાસ ઘૂસી ગયા. ‘પ્રચંડ’ અને ‘સ્પૃહણીય’ બંને શબ્દો એ કવિના. ઋતુસંહારના ગ્રીષ્મ-વર્ણનના પહેલા જ શ્લોકની પહેલી જ લીટીમાં આવે છે – પ્રચંડ સૂર્ય સ્પૃહણીય ચંદ્રમા…હવે કાલિદાસ આવી જ ગયા છે તો, એમણે આ વૈશાખના અંધારિયા પાછલા દિવસોના ચંદ્રને કંઈ સ્પૃહણીય નથી કહ્યો. એમણે તો કહ્યું છે કે રાત્રિ પૂરી થવાને વખતે શરમને લીધે ચંદ્ર જરા પીળો – ક્ષીણતેજ છે. શરમ શાની? અહીં છે કવિ કાલિદાસ. એમણે કહ્યું છે કે ઉનાળાની આ રાત્રિઓમાં ઊંચાં ઊંચાં હર્મ્યો અગાશીમાં સુખપૂર્વક સૂતેલી સુંદરીઓનાં મોઢાં ઉત્સુક થઈને ચંદ્રે જોયા કર્યાં અને એને પોતાને લજ્જા આવી. આમ પારકી સ્ત્રીઓનાં…

ગમે તેમ પણ ચંદ્ર ગમ્યો. વહેલી સવારે પવનલહરીઓ પણ શીતલ હતી. ચંદ્રની બાજુમાં જ કદાચ શુક્ર હશે. અમે તો તારિયું કહેતા આવ્યા છીએ. લોકગીતોમાં આવે છે – તારિયું પલીક દઈને ઊગ્યું રે… કવિ ઉમાશંકર લોકકવિની આ લીટી ઉપર આફરીન હતા. બરાબર મારી નજર સીધી ગઈ તો આછી આકાશગંગામાં હંસ તરતો હતો. હવે તો એનું બીજું નામ છે ગાંધીતારક. હંસ આકાશગંગાની વચ્ચે હતો, એને એક કિનારે દશરથ (અભિજિત) ઊભા હતા, સામે કિનારે કાવડ સાથે શ્રવણ. ઉત્તરપૂર્વ દિશામાં અંગ્રેજી Mનો આકાર દેખાતો હતો. શર્મિષ્ઠા જ હશે. મધરાતે વૃશ્ચિક બરાબર શોભતો હતો. એના હૃદયમાં સ્થિત પારિજાતની લાલાશ તરી આવે અને પુચ્છનો રમ્ય વળાંક. પછી જરા પશ્ચિમ-દક્ષિણ ભણી આંખો લક્ષિત થઈ તો સાથે ઊગેલાં ચિત્રાસ્વાતિનાં તોરણિયાં આગળપાછળ થઈ ગયાં હતાં. ગામડામાં જેને તોરણિયાં કહો તે આ ચિત્રાસ્વાતિને કવિ રાજેન્દ્ર શાહે નાયિકાની બે દૃગ – આંખ સાથે સરખાવ્યાં છે. અગાશીની કૅબિન વચ્ચે આવવાથી ધ્રુવમંડળ ત્યારે સૂતાં સૂતાં જોઈ શકાતું નહોતું. વળી નજર હંસ ઉપર, પછી ચંદ્ર પર. પૂર્વ દિશાનો એક ખૂણો ઇષત્ લાલ થતો લાગ્યો.

વચ્ચે વચ્ચે સડક પરથી કોઈ વાહન ભોં ભોં કરતું પસાર થઈ પ્રભાતની આ નીરવ શાંતિમાં ખલેલ પાડી જતું હતું. પણ એકંદર શીતલ સ્તબ્ધતા.

લાલ રંગ ઘેરો થવા લાગ્યો. આકાશનો રંગ ભૂરો થવા લાગ્યો. ત્યાં કોણ આ પંખી પહેલું બોલી ઊઠ્યું, ઉષાના સ્વાગતમાં? ઋગ્વેદના ઋષિકવિઓ તો બહુ વહેલા ઊઠી જતા હોવા જોઈએ. તો જ ગાયત્રીમંત્ર રચાય ને? આ ઋષિકવિઓએ ઉષાનાં તો કેટલાં સ્તોત્રો ગાયાં છે? ‘ઉપોરુરુચે યુવતિર્ન યોષા’ – આ નૃત્યાંગના જેવી ઉષા શોભવા લાગી. એ ઋષિઓએ કહ્યું છે કે એ રોજ રોજ ઊગે છે, છતાં રોજ રોજ જુદે રૂપે. એ ઝળહળતી દેવીઓ, અવરોધતા અંધકારના દરવાજા ઉઘાડતી ઉષાઓ આકાશની દુહિતાઓ – વગેરે વગેરે.

ત્યાં તો કોયલ બોલી, જરા દબાતે અવાજે સામે બીજી કોયલે પ્રતિઘોષ કર્યો. આકાશમાં તારાઓ ક્ષીણતર થતા ગયા. ત્યાં એક તેજસ્વી તારો – ના જેટ વિમાન. ક્ષિતિજ પાર ઊગેલા સૂર્યનો તડકો એના પર પડતો હોવો જોઈએ. એનું એક દિશાનું અંગ ચમકી ઊઠ્યું હતું અને તે જાણે નીરવપણે આકાશમાં પૂર્વ તરફ સરી જતું હતું.

બાજુની કૅબિન પરની ઍન્ટેના પર ઊડી આવીને બે પંખી બેઠાં – બુલબુલ. નીચેનો લાલ રંગ તરી આવે એટલો પ્રકાશ અંતરિક્ષમાં વ્યાપી ગયો હતો. હું બુલબુલ યુગલને સૂતાં સૂતાં જોતો રહ્યો. ત્યાં એ પરિચિત સ્વરે ગુંજી ઊઠ્યાં – ‘શ્રીપ્ શ્રીપ્ શ્રીપ્ પ્રભુ’ કવિ ઉમાશંકરના ‘પંખીલોક’માં બુલબુલની વાણીને એ રીતે ધ્વનિત કરવામાં આવી છે. શ્રીપ્ શ્રીપ્ શ્રીપ્ પ્રભુ… પ્રભુનું નામ. બુલબુલે સવારે આવી શ્રી પ્રભુનું નામ શ્રવણે ગજાવ્યું. શ્રીપ્, શ્રીપ્ શ્રી પ્રભુ…

પૂંછડી ફરકાવતાં બંને બોલતાં હતાં. ત્યાં તેમણે વળી રાગ બદલ્યો. વેત્ વેટ્ વેટ્ એ બિટ્, વેટ્ વેટ્ વેટ્ એ બિટ્… ત્યાં એક કાબર ઊડતી આવીને એન્ટેના પર બેઠી કે શ્રીપ્, શ્રીપ્ પ્રભુ કરતું – બુલબુલયુગલ ઊડી ગયું. મારા કાન એ શબ્દોનો પીછો કરતા રહ્યા.

પછી તો પંખીઓનું વૃન્દગાન, સવારના સ્વાગતમાં આકાશમાં પંખીઓની ઊડાઊડ શરૂ થઈ ગઈ. જાણે પ્રફુલ્લિત પ્રભાતનો પ્રાણ. સામેની અગાશીની ઊંચી એન્ટેના પર કેટલાં બધાં કબૂતર ગોઠવાઈ ગયાં છે! ત્યાં પૂર્વમાં એક ઊંચી ઇમારતની બાજુમાં સૂર્યની લાલ કોર ઝળકી ઊઠી. ઉનાળાની સવાર—રમ્યતર સવાર ઊગી.

મે ૧૯૮૯

License

બોલે ઝીણા મોર Copyright © by ભોળાભાઈ પટેલ. All Rights Reserved.

Share This Book