ઉર્વશી, ઔશીનરી, નોરા અને એક નટી

પ્રસંગ પડ્યે નારી ગૃહત્યાગ કરી શકે કે નહિ?

એમ.એ.માં અભ્યાસ કરતાં મારાં વિદ્યાર્થી ભાઈબહેનોને મેં વર્ગમાં સનાતન નારીની વાત કરતાં કરતાં વચ્ચેથી પ્રશ્ન પૂછ્યો. એક રીતે આ ‘નારી’ શબ્દ પણ મને મધ્યકાલીન લાગે છે, અને સામંતીય સંસ્કૃતિની આબોહવામાં લઈ જાય છે. ‘નારી’ શબ્દ બોલીએ એટલે રવીન્દ્રનાથની પેલી પ્રસિદ્ધ કવિતા યાદ આવે જેની છેલ્લી લીટી છે –

Woman, you are one half woman
and onehalf dream.

અડધી કલ્પના અને અડધી નારી મળીને પુરુષના મનમાં ‘નારી’ બનતી હોય છે. પણ સ્ત્રી કહો કે પછી ઔરત કહો એટલે પુરુષ અને સ્ત્રી કે પછી મર્દ અને ઔરતનો સંદર્ભ બરાબર બની રહે.

મેં મારા વિદ્યાર્થીઓને પ્રશ્ન એટલે પૂછ્યો કે એ બધાં નારીના – નહિ, સ્ત્રીના અધિકારો વિષે કેવો ખ્યાલ ધરાવે છે. જોકે આજકાલ ઘણાંખરાં વિદ્યાર્થી ભાઈબહેનો પોતે વિચારવાની ટેવ રાખતાં નથી. વળી પ્રશ્ન સહજ રીતે જ આવ્યો હતો. હિન્દી કવિ દિનકરનું કાવ્ય ‘ઉર્વશી’ ભણાવતો હતો. દિનકર તો એકદમ રોમેંટિક પ્રકૃતિના કવિ હતા અને એમની ઉત્તરવયમાં લખાયેલી આ રચના અતિ રોમેંટિક છે.

એમ તો ઉર્વશીની પુરાકથા અતિ પ્રાચીન છે. છેક ઋગ્વદમાં પુરુરવા-ઉર્વશી સંવાદ આવે છે. શરતનો ભંગ થતાં ઉર્વશી પુરુરવાને ત્યજીને જતી રહે છે. પુરુરવા એને શોધતો ફરે છે. પછી એક વખતે તે પુરુરવા સામે પ્રકટ થઈ કહે છે – તું તારે ઘેર જા, હું તો પવનની જેમ દુષ્પ્રાપ્ય છું. સ્ત્રીનાં હૃદય તો વરુ જેવાં હોય છે. મને થાય છે કે ઋગ્વદના પુરુષ કવિનો આ દૃષ્ટિકોણ છે પણ એ ઉર્વશી છે સ્વતંત્ર મિજાજની અને નફિકરી. સ્વર્ગની અપ્સરા અને મર્ત્યલોકના રાજવીની આ પ્રેમકથાને કવિ કાલિદાસે પછી પોતાના એક નાટકમાં મઢી. એમણે ઉર્વશીને અપ્સરામાંથી માનવી બનાવી – મા પણ બનાવી. એ ઉર્વશી વિશે આધુનિક કાળમાં શ્રી અરવિંદે અને રવીન્દ્રનાથ ઠાકુરે કવિતાઓ લખી. શ્રી અરવિંદે એને ‘ગૃહિણી’ રૂપ આપ્યું અને રવીન્દ્રે એને ‘વિશ્વેર પ્રેયસી’ – વિશ્વની પ્રિયતમા કહી.

પુરુરવા ઉર્વશીના પ્રેમમાં પડે છે એટલે પુરુરવાની પટરાણી ઔશીનરીની ઉપેક્ષા થાય છે. દિનકરના કાવ્યમાં તો એમ આવે છે કે પુરુરવા ઉર્વશીને લઈને ગંધમાદન વનમાં વિહાર અર્થે ગયો અને જતાં જતાં ઔશીનરીને સંદેશો મોકલતો ગયો કે એ રાજમહેલમાં રહી પુત્રાર્થે ધર્મકાર્ય કરતી રહે!

મેં મારા છાત્રોને આ સંદર્ભે પ્રશ્ન કર્યો કે ઔશીનરીએ શા માટે હવે પુરુરવાની આજ્ઞા માનવી? પ્રસંગ પડ્યે નારી ગૃહત્યાગ કરી શકે કે નહિ?

આજકાલ ભાષાના કે સમાજવિદ્યાના વિષયોમાં વિદ્યાર્થીઓ કરતાં વિદ્યાર્થિનીઓની સંખ્યા વધારે હોય છે. એમણે જવાબ આપવા માંડ્યા :

‘ભારતીય નારીને એ શોભે નહિ.’

‘ગૃહત્યાગ કરતાં પહેલાં એણે બધી બાજુનો વિચાર કરવો જોઈએ.’

‘આપણા સમાજમાં સ્ત્રી પોતાના પગ પર ઊભી રહી શકે એમ નથી. ગૃહત્યાગ કર્યા પછી શું?’

‘સમર્પણભાવ બતાવી એણે સમાધાન કરવું જોઈએ.’

‘જો પતિનું વર્તન અન્યાયી હોય તો જરૂર એ ગૃહત્યાગ કરી શકે.’

એક છાત્રાએ કહ્યું, ઘણી છાત્રાઓએ અનુમોદન પણ આપ્યું. મારો પ્રશ્ન મુખ્યત્વે છાત્રાઓને જ હતો; પણ બધા જવાબને અંતે એક મૂંઝવણ એ વ્યક્ત થતી હતી : ‘ગૃહત્યાગ તો કરે; પણ પછી શું?’

એનો અર્થ એવો થાય કે ક્યાંક સમાધાન શોધી કે પછી મનને મારી જીવવું – અથવા તો આર્થિક સ્વાતંત્ર્ય મેળવવા જેટલી ક્ષમતા પ્રાપ્ત કરવી.

એક છાત્રાએ કહ્યું કે આર્થિક રીતે સ્વતંત્ર થાય તોપણ આ સમાજમાં સ્ત્રી માટે ગૃહત્યાગ કરી એકલા રહેવાનું અતિ મુશ્કેલ છે. પશ્ચિમના દેશો જેટલો આપણો સમાજ તૈયાર નથી.

એની વાત તો બરાબર હતી. મેં કહ્યું, પશ્ચિમના દેશોમાં પણ નારીમુક્તિને બહુ વાર લાગી છે. એમને મેં નોર્વેના નાટકકાર ઇબ્સનના નાટક ‘ડૉલ્સ હાઉસ’ – ‘ઢીંગલીઘર’ની વાત કરી. સો વર્ષ પહેલાં લખાયેલા એ નાટકની નાયિકા નોરા પોતાની વ્યક્તિ તરીકેની સ્વતંત્ર અસ્મિતા માટે ગૃહત્યાગ કરે છે. ઈ.સ. ૧૮૭૮નું એ નાટક. પતિ, પત્ની અને બે બાળકોનું સુખી કુટુંબ. નાતાલના દિવસો આવ્યા છે અને નોરા ‘ક્રિસમસ ટ્રી’ માટે ખરીદી કરી આવી છે. આ નોરાએ પોતાના એક વખતે બીમાર પડેલા પતિની સારવાર માટે પોતાના પિતાના ખાતામાંથી ખોટી સહી કરીને પૈસા ઉપાડેલા. નોરાનો પતિ હવે બેન્કમાં મોટો અધિકારી થયો છે. એક બ્લેક મેઇલર પાસે પેલી ખોટી સહીવાળી દસ્તાવેજી સામગ્રી છે અને એનો ઉપયોગ કરી એ નોકરી મેળવવા માગે છે. નોરાના પતિને આ ખોટી સહીની ખબર પડતાં એકદમ એ નોરાને ધિક્કારવા લાગે છે. કારણ કે હવે તેની બૅન્કની નોકરીને જોખમ આવે એવું હતું. એ ભૂલી ગયો કે એને જિવાડવા જ નોરાએ ખોટી સહી કરેલી. નોરાને હતું કે આ બાબતે પતિ એનો પક્ષ લેશે, પણ આ તો ઊલટું જ થયું. એ નોરાને કહે છે કે ‘તારી છાયા પડવાથી મારાં બાળકોમાં કુસંસ્કાર પડી જશે. તું એમનાથી દૂર રહેજે.’ વગેરે.

નોરાને પહેલી વાર ભાન થયું, પોતાનું શું સ્થાન છે. ત્યાં કોઈ રીતે પેલા બ્લૅક મેઇલરની વાત પતી ગઈ, એણે પેલી સામગ્રી ચૂપચાપ નોરાને ત્યાં પાછી આપી દીધી. નોરાનો પતિ વળી પાછો નોરા પ્રત્યે પ્રેમ બતાવવા ગયો. ‘મારી વહાલી, મારી ખિસકોલી!’

નોરાનું ‘સ્ત્રીત્વ’ જાગી ઊઠ્યું હતું. એણે નિર્ણય કરી લીધો હતો. આ ઘરમાં પોતે નહિ રહી શકે. એણે શું પતિ માટે જ, એની સફળતા માટે જ ઘસાઈ જીવન પૂરું કરી નાખવાનું? પોતાનું શું? પતિની કારકિર્દી એ જ સ્ત્રીની કારકિર્દી? પતિની કારકિર્દીથી સ્ત્રીની સ્વતંત્ર કોઈ કારકિર્દી નહિ?

નોરાનો એ નિર્ણય હતો ગૃહત્યાગનો.

સૂટકેસમાં થોડાં કપડાં મૂકી નોરા ઘર છોડવા તૈયાર થઈ છે. એનો પતિ જુદી જુદી રીતે એને સમજાવે છે. સ્ત્રીની ફરજોનું ભાન પણ કરાવે છે. એ પૂછે છેઃ

‘નોરા, એક સ્ત્રી તરીકે તારી કોઈ ફરજ નથી?’

‘કેવી ફરજ?’

‘પતિ માટેની ફરજ – બાળકો માટેની ફરજ.’

‘મારે બીજી ફરજ પણ છે.’

‘કઈ?’

‘મારી જાત પ્રત્યેની. ડ્યૂટી ટૉવર્ડ્ઝ માય સેલ્ફ.’

અને એમ કહી બારણું ખોલી પોતાની પાછળ ધડામથી બારણું બંધ કરી એ ઘરની બહાર નીકળી ગઈ.

પછી યુરોપનો નારીમુક્તિનો ઇતિહાસ કહે છે કે નોરાએ પોતાની પાછળ બારણું બંધ કર્યાનો એ ધમાકો આખા યુરોપમાં સંભળાયો. અનેક સ્ત્રીઓ ઘર છોડીને નીકળી પડવા લાગી.

ત્યાં એક ઘટના બની. ઇબ્સનનું આ ‘ડૉલ્સ હાઉસ’ નાટક જર્મનીમાં ભજવવાનું હતું. એક પ્રસિદ્ધ અભિનેત્રી નોરાની ભૂમિકા કરવાની હતી. એકાએક એ અભિનેત્રીએ કહ્યું—

‘હું નોરાનો પાઠ નહિ લઉં!’

‘પણ કેમ?’

‘હું મારા પતિ અને બાળકોને ન છોડી શકું!’ પણ આ તો નાટક છે.’

નાટકમાં પણ એમનો ત્યાગ ન કરી શકું. હું આ રોલ નહિ ભજવું.’

નાટકમંડળીના દિગ્દર્શક મૂંઝવણમાં પડી ગયા. એમણે ઇબ્સનને લખ્યું. નાટકનો અંત બદલી આપો તો સારું. ઇબ્સન જાણતા હતા કે નાટકની અંતિમ ઘટના તે નોરાનો ગૃહત્યાગ છે. એ બદલીએ તો આખું નાટક જ બેબુનિયાદ થઈ જાય. પણ બીજે પક્ષે જર્મન રંગભૂમિ પર ભજવાતાં નાટકોની રૉયલ્ટી એ ઇબ્સનની મુખ્ય આવકનું સાધન હતું. એણે નાટકનો બીજો અંત – ખાસ તો જર્મન અભિનેત્રીઓ માટે લખી આપ્યો.

નોરા સૂટકેસ લઈને ગૃહત્યાગ કરવા તૈયાર થઈ છે. એનો પતિ એને સ્ત્રીની ફરજોનું ભાન કરાવે છે. અને નોરા પોતાની જાત પ્રત્યેની પોતાની ફરજની વાત કરે છે. પછી એના મોઢામાં ઇબ્સન આ શબ્દો મૂકે છે :

‘નોરા, તું જાય તો ભલે જાય, પણ જતાં જતાં પાસેના ઓરડામાં આપણાં બે ભૂલકાં સૂઈ ગયાં છે, એમના પર એક વાર નજર તો નાખતી જા. એ જ્યારે જાગશે…’

નોરા સૂતેલાં બાળકો પર નજર નાખે છે, અને જેણે જવા પગ ઉપાડેલા છે, એવી એના હાથમાંથી સૂટકેસ પડી જાય છે.

પડદો પડે છે.

ઇબ્સન ચતુર નીકળ્યા. નોરાએ ગૃહત્યાગ કર્યો કે નહિ. એ સ્પષ્ટ કરીને બતાવ્યું નહિ, માત્ર એ થઈ શકે એવો નિર્દેશ કર્યો. કદાચ નોરાએ બીજા વિચારે ગૃહત્યાગનો નિર્ણય પાકો પણ કર્યો હોય, કદાચ બીજા વિચારે ગૃહત્યાગ કરવાનું માંડી પણ વાળ્યું હોય..

એમણે પ્રેક્ષકો પર છોડી દીધું, આપણા પર છોડી દીધું. મેં મારાં વિદ્યાર્થી ભાઈબહેનોને કહ્યું, ‘ઇબ્સને બીજો અંત ભલે લખ્યો; પણ એમને તો પહેલો અંત જ અભિપ્રેત છે. નાટકની આખી માંડણી જ એ રીતે છે. ઇબ્સન માટે આ બીજો અંત લખવા માટે બહુ નવાઈ લાગે છે. એથીય વધારે નવાઈ પેલી જર્મન અભિનેત્રી માટે થાય છે, જે નારીમુક્તિનો સાદ સાંભળવા તત્પર થતી નથી. તો શું સ્ત્રી પોતે થઈને બંધનમાં રહેવા માગે છે? એને સ્વતંત્ર નથી થવું? હજારો વર્ષ પહેલાંની ઔશીનરીમાં અને આજના યુગની નોરામાં કોઈ ફેર નથી?

વર્ગમાં શાંતિ છવાઈ ગઈ હતી. મને મનમાં વિચાર આવતો હતો કે સ્ત્રીનું આ ચિત્રણ એ પણ છેવટે પુરુષ લેખકની નજરે જ ને? પણ એ વિચાર મેં બહાર આવવા ન દીધો.

License

બોલે ઝીણા મોર Copyright © by ભોળાભાઈ પટેલ. All Rights Reserved.

Share This Book