કલાનો શહીદ

ફિલ્મોત્સવ અમદાવાદ જેવા વાણિજ્યપ્રિય નગરની જ નહિ, ગુજરાત રાજ્યની એક મહત્ત્વપૂર્ણ ઘટના છે. આ પ્રસંગે શિવ, અપ્સરા અને રૂપાલી થિયેટરોમાં પ્રદર્શિત થનાર ફિલ્મોની સૂચિ જોઈ હર્ષોન્માદ થાય એવું હતું. દેશવિદેશની પ્રશિષ્ટ ફિલ્મો, નાની દસ્તાવેજી ફિલ્મો, જુદી જુદી ભારતીય ભાષાઓમાં પણ અંગ્રેજી ઉપશીર્ષકો સાથે અમદાવાદમાં એકસામટી પ્રદર્શિત થાય ત્યારે થાય કે કઈ જોવી અને કઈ ન જોવી? અમારા પત્રકારત્વ વિભાગના અધ્યક્ષ મિત્ર ચંદ્રકાન્ત મહેતાને કહ્યું કે પસંદગીની ફિલ્મો જોઈ શકાય એવી વ્યવસ્થા કરી શકો તો સારું. એમણે ફેસ્ટિવલ થિયેટર રૂપાલીની બધા દિવસની બધા શોની ટિકિટો મારે માટે લાવી દીધી!

આ તો ‘કયું ફૂલ લઉં? કયું ફૂલ લઉં? રંગરંગની કઈ ઝૂલ લઉં?’ (પ્રિ. મણિયાર) જેવો ઘાટ થયો. સુંદરીઓના સ્વયંવરમાંથી પસંદ કરવા જેવું હતું અને તે પણ દૈનંદિન કામકાજ સાથે તાલ મિલાવતાં. અદ્ભુત મઝા પડી ગઈ. દિલદિમાગ તર થઈ ગયાં જે કેટલીક ફિલ્મો જોઈ શકાઈ એથી. ફિલ્મરસિયાઓનો ઘસારાપૂર્ણ ઉત્સાહ જોઈને પણ પ્રસન્નતા થઈ જાય.

અહીં જોયેલી બધી ફિલ્મોની વાત કરવા જતાં તો માત્ર ચોખા મૂકવા જેવું થશે, પણ તો પછી કઈ એક ફિલ્મની વાત કરું? પહેલી હું – કરતી બધી આગળ ધસી આવે છે; પરંતુ એમાંથી અહીં એક ઉપાડી લઉં છું.

એ ફિલ્મ તે ‘બાઘ બહાદુર’ – બંગાળી દિગ્દર્શક બુદ્ધદેવ દાસગુપ્તની હિન્દી ફિલ્મ. જોજો પાછા, આ માંડુના રૂપમતીવાળા બાજ બહાદુરની વાત નથી. પહેલાં મને પણ એવો ભ્રમ થયેલો. આ ફિલ્મમાં બાઘ એટલે વાઘ જ છે.

હજારો વરસથી આપણા ગ્રામજીવનમાં પરંપરાગત રીતે જે કળાઓ જીવતી રહી હતી અને જે ગ્રામવાસીઓનું મનોરંજન કરતી હતી, તે કળાઓ હવે ભભકાદાર મોહમયી કળાઓના આક્રમણથી લુપ્ત થતી જાય છે. પેઢી દર પેઢી પિતા પુત્રને જે કલાવારસો આપી જતો, તે હવે લોકનજરમાં મૂલ્યવાન રહ્યો નથી. એ ગ્રામીણ કલાકારને સ્પર્ધા કરવાની છે સસ્તી આકર્ષક છીછરી ‘કલા’ સાથે. એ સ્પર્ધામાં પોતાની બુનિયાદી કલાની મૂલ્યરક્ષા કરવા જતાં એ કલાકાર શહીદ થઈ જાય. ‘બાઘ બહાદુર’ કલાના એક એવા શહીદની કરુણાન્ત કથા છે.

ઘનુરામ પોતાના ગામ નાનપુરામાં વાર્ષિક તહેવારો પ્રસંગે વાઘનૃત્ય કરતો હોય છે. વાઘના જેવા ચટાપટાથી શરીર રંગી વાઘનું મહોરું પહેરી વાઘની વિભિન્ન અંગભંગીઓ દ્વારા સાચે જ વાઘ હોય એવો નાચ એ કરે છે. બાકીના દિવસો તો એને જુદાં જુદાં સ્થળોએ રસ્તા બાંધવાની, પથ્થર ફોડવાની મજૂરી કરીને પેટગુજારો કરવો પડે છે. ગમે ત્યાં એની મજૂરી ચાલતી હોય પણ ગામમાં વાર્ષિક તહેવાર આવે એટલે ઘનુરામ પોતાની પતરાની પેટી અને એમાં વાઘ સજવાની સામગ્રી લઈને ઊપડી જાય પોતાને ગામ. ત્યાં જવામાં એક બીજું પણ પ્રબળ આકર્ષણ છે. ઘનુરામ જ્યારે વાઘનૃત્ય કરતો ત્યારે ઢોલીડો શીબલ ઢોલ વગાડતો. વૃદ્ધ શીબલ પણ ઘનુરામની રાહ જોતો હોય. શીબલને એક દીકરી હતી. તેનું નામ રાધા. કળાકાર ઘનુરામના મનમાં રાધા માટે પ્રેમના અંકુર ફૂટેલા છે, રાધાના મનમાં ઘનુ માટે,

ફિલ્મની શરૂઆત થાય છે ત્યારે ઘનુરામ મજૂરીને સ્થળેથી મહિનાની રજા લઈને ગામ જવાની તૈયારી કરે છે. શેઠ રજા આપવાની આનાકાની કરે છે પણ ઘનુરામ કહે છે કે ગમે ત્યાં હોઉં, પણ આ મહિનોમાસ તો મારે મારા ગામ જવું જ પડે. બધાં લોકો મારું નૃત્ય જોવા રાહ જોતા હોય છે – અને ઘનુરામ નીકળી પડે છે.

દિગ્દર્શકે ઘનુરામના ગૃહ-આગમનનાં સુંદર દૃશ્યો ઝડપ્યાં છે. ગામ જવામાં એને કેટલો બધો આનંદ છે! ગામમાં આમ તો એનું કોઈ નથી અને છતાં ગામમાં એનું સર્વસ્વ છે. એની વંશપરંપરાગત કળાની પ્રદર્શનભૂમિ એનું ગામ છે, અને એનો ઉદીયમાન પ્રેમ પણ ત્યાં છે. રસ્તે ચાલતાં ચાલતાં માનસચક્ષુ સામે પોતાનું વાઘનૃત્ય તો એ જુએ છે, પણ રાધાના કંઠેથી ગવાતા લોકગીતની પંક્તિઓ પણ જાણે પોતાના કાને સાંભળે છે. તરસ લાગે છે. ગામની ત્રણ ગોરીઓ પાણી ભરી જતી હોય છે. એમની સાથે હસીમજાક પણ કરે છે, ખોબો ધરી પાણી પીએ છે. રસ્તે વરસાદ પડે છે. વરસાદનાં ફોરાંનો સ્પર્શ – એને જીભે ચાટીને એનો સ્વાદ એ કેવી તીવ્રતાથી લે છે, તે દિગ્દર્શકે બતાવ્યું છે. તાપણું કરી ઝાડ નીચે જ રાત વિતાવે છે. વળી સવાર પડતાં ગામ ભણી યાત્રા. ત્યાં તો એ જુએ છે કે રસ્તે બેત્રણ ગાડાં જઈ રહ્યાં છે. એ ગાડાં એના ગામ ભણી જાય છે. એક ગાડામાં પાંજરું છે અને એમાં એક ચિત્તો પકડેલો છે. આ મંડળી પણ આ જ દિવસોમાં એના ગામમાં ચિત્તાનો ખેલ પાડવા જઈ રહી છે. મંડળીમાં એક નાચનારી છોકરીય છે અને રંગલો પણ છે. ઘનુરામનો ગ્રામપ્રવેશ કાવ્યાત્મક છે. ગામ, નદી, પહાડી – આ બધું વટાવી ઢોલીડા શીબલને ત્યાં એ પહોંચી જાય છે. એને ઘેર જ એનો વાસો રહે છે. શીબલ પોતે પણ કલાકાર છે. એ ઢોલીડો છે. કહે છે પણ ખરો કે એના હાથ ઢોલ બજાવવા ક્યારનાય તરફડી રહ્યા છે.

ઘનુરામ રાધા માટે ટીલડી, બંગડી લાવ્યો છે. દિગ્દર્શકે આ બન્નેના પ્રણયનો લાલ રંગ નાજુક રીતે પ્રકટ કર્યો છે. પછી તો ઘનુરામ પોતાના શરીર પર મેક-અપ કરીને વાઘ બને છે. ઢોલીડાના ઢોલ પર ડંકો પડે છે અને ગામનાં સૌ લોક વાઘનૃત્ય જોવા ભેગાં થવા લાગે છે.

બરાબર એ જ વખતે પેલી ચિત્તા સાથે આવેલી મંડળીની નાચનારી છોકરી અને રંગલો ભૂંગળા પર જોરથી જાહેરાત કરતાં, નાચ કરતાં, ફિલ્મી ગીતો ગાતાં ગામની શેરીઓમાં ફરે છે અને કહે છે કે સાચેસાચા વાઘનું નૃત્ય જોવું હોય તો ગામની ઉગમણે મેદાનમાં ચાલો. સાચેસાચો વાઘ.

ઘનુરામનું વાઘનૃત્ય જોનાર સૌ ઉગમણા મેદાનમાં દોડે છે, રહી જાય છે માત્ર ઘનુરામ અને ઢોલીડો શીબલ. ઘનુરામનો હૃદયભંગ થાય છે, શીબલનો પણ. રાત્રે બન્ને જણ દારૂ પીએ છે. દારૂ પીતાં પીતાં શીબલ ઘનુરામને ઉત્સાહ આપે છે. પોતાની દીકરી રાધાને પરણાવવાની વાત પણ કરે છે અને કહે છે, એના પેટમાં તારું સંતાન થશે. એને પછી તું વાઘનૃત્ય શીખવજે. એ રીતે આ નૃત્ય જીવતું રહેશે.

બીજે દિવસે ઘનુરામનું વાઘનૃત્ય શરૂ થાય છે, પણ વળી પાછાં ગામલોકો ઉગમણે મેદાનમાં જાય છે. તેમાં રાધા પણ હોય છે. રાધા ચિત્તાના પિંજરામાં પ્રવેશી એની સાથે ખેલ કરતા શમ્બા (એનું નામ છે)ને જોઈ એના વીરત્વ (?)થી ખશ થાય છે. ગામના લોકો પણ આ મંડળીનાં વખાણ કરે છે અને ફિલ્મી ગીતો અને લચકદાર હલકા નાચથી ખુશ થાય છે.

ઘનુરામને થયું કે હવે એનું વાઘનૃત્ય કોઈ જોનાર નથી એટલે એ પેટીમાં સામાન ભરે છે. શીબલ એને રોકે છે. રાધા આગળ જઈ શીબલ કહે છે, ‘તને ઘનુરામ સાથે પરણાવવા ઇચ્છું છું.’ તો રાધા કહે છે, ના. કહે છે, ‘ઘનુરામ પાસે છે શું?’ એ પણ પેલા ચિત્તા સાથે નાચનાર શમ્બા ભણી ખેંચાઈ છે. એ કહે છે, મર્દાના નાચ તો એનો છે.

ઘનુરામનું હૃદય ઘવાય છે, પણ વૃદ્ધ ઢોલીડાના ઉત્સાહથી એ વાઘનું રૂપ સજીને ઉગમણે મેદાન જાય છે અને સૌના દેખતાં શમ્બાને પડકાર ફેંકે છે. કહે છે, તારો વાઘ સાચો હશે, પણ એને મારી જેમ નૃત્ય કરતાં આવડે છે? પછી તો ઘનુરામ પાંજરામાં પ્રવેશી ચિત્તા સાથે લડી પોતાનું પરાક્રમ બતાવવા તૈયાર થાય છે. હવે રાધાને સમજાય છે. એ ઘનુરામને વારે છે. પોતાના બાપુને કે’છે કે ઘનુરામને રોકો, પણ એય કલાકાર છે. એના ઢોલ પર થાપટ પડે છે અને પાંજરામાં વાઘનૃત્યના કલાકાર ઘનુરામ અને ચિત્તાની બાથંબાથી શરૂ થઈ જાય છે. ઢોલ જે બજે છે, જે બજે છે.

છેવટે ઘનુરામ ઉશ્કેરાયેલા ચિત્તાથી હણાઈ જાય છે. રાધા ચીસ સાથે ઢળી પડે છે, ગામનાં સૌ લોકો ગામ ભણી નાસે છે. માત્ર ઢોલ બજે જાય છે, પાંજરામાં એક બાજુ કલાના શહીદ ઘનુરામનો મૃતદેહ છે અને બીજી બાજુ જીભ ચાટતો ચિત્તો.

ફિલ્મનું ફિલ્મની રીતે વિવેચન કરવાનો અહીં પ્રયત્ન નથી, પણ ગ્રામજીવનની એક વેળાની જીવંત કળાઓ કેવી રીતે વિલય પામી રહી છે, તેની આવી પ્રભાવાત્મક અને કલાત્મક રજૂઆત, જોનારાનો એક વિશિષ્ટ અનુભવ બની રહે છે. ઘનુરામનું કરુણ મૃત્યુ ને આપણી પરંપરાગત લોકકળાઓનું મૃત્યુ.

License

બોલે ઝીણા મોર Copyright © by ભોળાભાઈ પટેલ. All Rights Reserved.

Share This Book