વિપત્તિના વાસ્તવનું ‘નવલ’ રૂપ – કૃષ્ણા કિંબહુને

અવકાળી પાવસાચ્યા દરમ્યાનચી ગોષ્ટ – આનંદ વંગિકર

લોકવાઙ્મય ગૃહ પ્રકાશન, મુંબઈ, 2011

આનંદ વંગિકર મરાઠીના જાણીતા કવિ અને નવલકાર છે. એમના બે કાવ્યસંગ્રહો પ્રકાશિત થયા છે અને એમની હવે પછીની નવલકથા’દસ્તાવેજ’ પ્રગટ થવામાં છે.

‘અવકાળી પાવસાચ્યા દરમ્યાનચી ગોષ્ટ’ (કમોસમી વરસાદ ટાણેની વાત) નવલકથાનું ‘વિષયવસ્તુ’ કહેવાય એ ટૂંકમાં આવું છે: એક વ્યાકુળ ખેડૂત-પરિવારની આ શોકાન્તિકા છે. પ્રકૃતિના અસંતુલને કારણે વરસાદ નથી પડતો એ એમનું દુર્ભાગ્ય છે ને પરિણામે ખેડૂ-દંપતી પોતાને આત્મહત્યાની ખાઈમાં ફેંકે છે. આ ખૂબ જ ભીષણ સામાજિક વાસ્તવ છે.

પરંતુ, આ નવલકથા સારી છે, એમ કહેવાનું કારણ એ તો નથી જ કે તે ખેડૂતોની દારુણ અવસ્થા અંગે સહાનુભૂતિ પ્રકટ કરે છે, કે દરિદ્રતા અને વિફલતાથી ત્રસ્ત ખેડૂતની હાલાકીનો તેમજ કુદરત અને વ્યવસ્થા બંને દ્વારા તેની કરાતી ગૂંગળામણનો તે વિગતવાર અને અચૂક ચીતાર આપે છે, કે પછી તેના કૌટુંબિક જીવનનું કલ્પનાશીલ ચિત્રણ કરે છે, અથવા તો, સામાજિક-રાજકીય વ્યવસ્થાની ક્રૂર અંધાધૂંધી પર સમજદારીથી, સંયમપૂર્વક ટીકા કરીને પોતાનું નીરોગી સામાજિક ભાન સ્થાપિત કરે છે. આ બધાં પણ જોકે, જમા પાસાં જ કહેવાય, તોય તે સીધાંસાદાં અને ઉપરછલ્લાં કહી શકાય તેવાં છે. ક્ષણે ક્ષણે નિ:પાતનો આવો વિષણ્ણ અનુભવ કરાવતી એ અપ્રતિહત વાસ્તવવાદી સપાટી કુશળતાપૂર્વક જાળવી રાખીને, સાથે જ, ઉષા નામની યુવતીનું એક સહનશીલ, સમજદાર અને સૃજનશીલ મનુષ્યમાં વિકસિત થવું – એ અપ્રતિમ અંત:સૂત્ર પણ લેખક તેની સાથે ગૂંથી લે છે. સર્જક વંગિકરનું સાચું શ્રેય એમાં સમાયેલું છે.

જીવનપક્રિયા અત્યંત નિર્ઘૃણપણે ચક્રાકાર છે એને આ યુવતી ધીરજપૂર્વક સ્વીકારી લે છે; પોતાનો જીવનક્રમ પૂર્વવત્ કરવાનો નિર્ણય દૃઢતાથી લે છે, અને દયનીય અવસ્થામાં પણ બધી જ જવાબદારીઓ ઉપાડી લઈ એક વિલક્ષણ એવો સશક્ત, હકારાત્મક દૃષ્ટિકોણ કેળવી લે છે – એ બધી વાતો માનવ્યનો એક અદ્ભુત અનુભવ આપે છે.

આવાં જબરદસ્ત અંત:સૂત્રોને લીધે વંગિકરની આ નવલકથા સપાટી પરની કથાવસ્તુની મર્યાદાઓ આંબીને ગુણાત્મક રીતે આગળ નીકળી જાય છે.

એટલે કે, તે કોઈ એક ખેડૂતની આત્મહત્યાનું શોકાકુળ કથાનકમાત્ર બનીને રહેતી નથી, અથવા તો ‘વાસ્તવવાદી સામાજિક નવલકથા’ના ચોકઠામાં પણ અટકી પડતી નથી. વંગિકરનો એકંદર દૃષ્ટિકોણ બૌદ્ધિક પરિપક્વતા સતત ઉત્ક્રાંત થતી જાય એવા પ્રગાઢ વિશ્વાસથી ભરેલો છે. કદાચ આવા નીરોગી દૃષ્ટિકોણને લીધે જ આ નવલકથામાંની નવી પેઢી, એક સયનૂર નામના પાત્રનો અપવાદ બાદ કરતાં, જીવનની વિપત્તિઓ તરફ પણ હકારાત્મકતાથી જોનારી અને પોતાની આસપાસની સામાજિક પરિસ્થિતિની ઉત્તમ સમજ ધરાવનારી છે.

બૌદ્ધિક પરિપક્વતાનું ઉત્ક્રાંત થવું એ વાત આપણા સમાજની જાતિપ્રથાના સંદર્ભમાં પણ આવે છે, જે નવલકથાના એક પાત્ર પગમ અને તેની મામી એ બે મહાર જાતિનાં પાત્રોના માધ્યમે, ખાસ કરીને જળદાનવિધિ સમયે પગમના મનમાં ચાલતા વિચારમંથન દ્વારા લેખકે કુશળતાથી ચિત્રિત કરેલું છે.

બાહ્ય દુનિયા સાથે નિયમિત રૂપે સંબંધ ન ધરાવતા ખેડૂત લોકોએ આટલો નિર્દોષ અને ખૂબ સારા અર્થમાં આધુનિક એવો વિશ્વબોધ કેળવવો એ વિશેષ ધ્યાનપાત્ર બાબત છે.

નવલકથાનો આરંભિક ભાગ અસહનીય કહેવાય એવી પીડાનો અને નામોશીભર્યું મરણ વહોરી લેવા અંગેનો છે. આત્મહત્યાનો નિર્ણય લેનાર ખેડૂત યશવન્તા અન્ય કોઈ પણ વિકલ્પ બચ્યો નથી એ ધ્યાનમાં આવ્યા બાદ પોતાની પત્ની પાર્વતીને ઝેર પીને મરવાની પ્રક્રિયા જ સમજાવી દે છે:

‘હે, બઘ ભિણ્યાજોગં કાય નસતં… હોતે થોડી તડફડ… તુઝા તર કસ્પટાએવઢા જીવ… અર્ધ્યા તાસાત ખલ્લાસ.’

(જો, બીવા જેવું કંઈ હોતું નથી… હા, થોડીક તરફડ થાય, … તારો તો જીવેય તણખલા જેવડો …અડધા કલાકમાં ખલ્લાસ!)

માણસની આવી અવસ્થા નિશ્ચિતપણે વિદારક અને ભીષણ છે. આ વાક્યની શબ્દયોજના પણ ધ્યાનથી જોવા જેવી, અને આપણી સામાજિક દરિદ્રતાનો ગંભીરતાથી વિચાર કરવાની ફરજ પાડે તેવી છે.: ‘બીવા જેવું કંઈ નથી…’ – મતલબ કે, જીવતરની અભાવગ્રસ્તતા એટલી ભીષણ છે કે એની સામે આવા મરણની બીક રાખવા જેવું નથી. તે પછી સમજાવટના સ્વરમાં – ‘થોડીક તરફડ થાય…’ આમાં ‘થોડીક’ એ વિશેષણ જુઓ તો, જીવતા રહેવામાં જે પ્રચંડ તરફડ છે તેટલી આવી આત્મહત્યામાં નથી જ, થોડીક જ છે. અને છેલ્લે, ‘અડધા કલાકમાં ખલ્લાસ’ – તેમાં, જીવતા રહેવાના આ અવિરત ચક્રમાંથી ઓછામાં ઓછા સમયમાં છૂટકારો પામવાની દયનીય અને એ જ ક્ષણે અમાનવીય લાગે તેવી એક નિશ્ચિતતા છે. આ એક જ વાક્ય, વંગિકરે આ નવલકથામાં ભાષા કેવી સભાનતાથી પ્રયોજેલી છે તેનું દ્યોતક છે. એમની ભાષા પર, વાક્યોના ઘાટ પર જુદા જુદા પ્રભાવો નિશ્ચિતપણે દેખાઈ આવે છે. દા.ત., ક્યાંક ઉદયપ્રકાશના મરાઠીમાં થયેલ અનુવાદનો, તો ક્યાંક નેમાડેની કવિતાના વ્યાકરણનો પ્રભાવ દર્શાવી શકાય એમ છે. નવલકથાની સંરચના પણ કેટલાંક સ્થળે શિથિલ થતી દેખાઈ આવે છે. પ્રારંભે મોન્ટાજ પદ્ધતિથી પ્રસંગોની ગોઠવણ કરીને લેખક નવલકથા પર મજબૂત પકડ જમાવે છે. પણ પછી ગામડામાંના વ્યવહારો, પરસ્પરસંબંધોના તાણાતણાવ અને કાવાદાવા ચીતરવામાં આ પકડ કંઈક શિથિલ થતી દેખાય છે. જોકે ફરીથી, અંત્યવિધિના પ્રસંગથી લઈ છેક અંત સુધીની બાંધણી અત્યંત ગંભીર, ઉત્કટ અને ઉપલકિયા વાસ્તવવાદને ઓળંગીને આગળ નીકળી જનારી છે. લખવાટ-આયોજનની રીતે એ વંગિકરને યશ અપાવનાર બને છે.

પૃ. 37 પરનાં બે વાક્યોને લીધે આ નવલકથા ‘નવલકથાલેખન અંગેની નવલકથા’ (Metafictional Novel) જાણે બનતાં બનતાં ચૂકી ગઈ હોય એવી શંકા થાય છે: બીજા પરિચ્છેદનું પહેલું વાક્ય ‘પાર્વતીલા મલા હયા ગોષ્ટીત મારાયચં નવ્હત.’ (આ વાર્તામાં પાર્વતીને મારે મારી નાખવી નહોતી…) અને ત્રીજા પરિચ્છેદમાં ‘મ્હણૂનતપશીલવાર મલાહયા (આત્મહત્યેચા) ઘટને ચ વર્ણનં કરતા યેણાર નાહી.’(માટે વિગતવાર હું આ (આત્મહત્યાની) ઘટનાનું વર્ણન કરી શકું તેમ નથી.) – એ બે વાક્યોને બાદ કરતાં, નવલકથાનો નિવેદક એ પણ એક કથાગત પાત્ર છે એવું અન્યત્ર ક્યાંય જણાતું નથી. આ બાબતને સંરચનાગત ત્રુટિ દર્શાવતી ગણાવી શકાય.

છેલ્લે, પોતાના પિતાની દુ:ખદ આત્મહત્યા અને માની થતી હત્યા, એટલી બધી હાલાકી ભોગવ્યા પછી પણ આ નવલકથામાંની ઉષા નવા નિર્ધારથી, ધીરજપૂર્વક બાકી બધા વિકલ્પો નકારીને પોતાનાં મા-બાપનું જ કામ ચીવટપૂર્વક આગળ ચલાવવાનું નક્કી કરે છે, તે એક રીતે તો એણે કુદરતી આપત્તિ અને વ્યવસ્થાનો જુલમ એ બંનેની વિરુદ્ધ પોકારેલ બળવો જ છે. સ્વસ્થ સામાજિક સભાનતા, સશક્ત અને સક્ષમ વિશ્વબોધ, બૌદ્ધિક પરિપક્વતાની ઉત્ક્રાંતિનો વિશ્વાસ, અને જીવન પ્રત્યેની નિતાન્ત નિષ્ઠા આ બધાંના સંયોગથી આવું બંડ ઉદ્ભવે છે. આ નવલકથાની આ ઉષાનો નાતો ઉદ્ધવ શેળકેના ‘ધગ’માંના ‘કવતિક’ અને રા. રં. બોરાડેના ‘પાચોળા’માંની સ્વમાની ‘પારબતી’ સાથે જોડાયેલો છે. આવા સૃજનશીલ બળવાના ભાવમાંથી જ વંગિકરના આ ‘કમોસમી વરસાદ ટાણેની વાત’નો જન્મ થયો હોવો જોઈએ. એક સારા નવલકથાકારની વિશુદ્ધ નૈતિકતાનું આ પ્રમાણ છે.

*

કૃષ્ણા કિંબહુને[1]

મરાઠી સર્જક, વિવેચક.

પ્રાદેશિક મંત્રી, સાહિત્ય અકાદેમી,

મુંબઈ કાર્યાલય, મુંબઈ.

મુંબઈ.

krishnakimbahune@gmail.com

9987214615

*


  1. મરાઠીમાંથી ગુજરાતી અનુવાદ: અરુણા જોશી, વડોદરા (98255 20115)

License

અવલોકન-વિશ્વ Copyright © by સંપાદક – રમણ સોની. All Rights Reserved.