એક પુરાણી વાર્તા

ઓરડામાં દાખલ થતાં મને લાગ્યું કે એટલા વિસ્તારમાં સમાઈ શકે તેથી વધારે શાન્તિ એમાં પુરાઈને પડી હતી. મારા દાખલ થવાથી એ શાન્તિને જાણે પોતાનાં અંગ વધુ સંકોચવાં પડ્યાં, એના આ સંકોચનનો મને અનુભવ થયો. ઘડીભર કશોક પ્રવાહ મારી ચારે બાજુ થઈને, છતાં મને સ્પર્શ ન થાય એ રીતે, વહી જતો હોય એવું લાગ્યું. એ નીરવ વેગને હજુ તો હું સમજવા મથતો હતો ત્યાં ચકરી ખાતા વમળના કેન્દ્રમાં હું ફસાયો હોઉં એવું મને લાગ્યું. પથ્થરના ખડકો વચ્ચે રૂંધાઈને ધૂંધવાઈને વહેતી તાપીના પ્રવાહમાં અજબ સિફતથી તરાપા ને વાંસને ટેકે સહીસલામત હંકારી જનાર કુશળ નાવિકો મને યાદ આવ્યા. હું પણ કશોક ટેકો શોધવા લાગ્યો. ટક ટક અવાજ કરતું ઘડિયાળ, પવન આવતાં પાનાંનો ફર ફર અવાજ કરતું કેલેન્ડર, એકાદ કંસારી, અરે કાંઈ નહિ તો ગુપચુપ ચાલી જતી એકાદ કીડી – પણ કશું જ હાથ લાગ્યું નહિ. ને મને સમજાયું કે મારી સાથે કોઈ જ નહોતું. શાન્તિ સિવાય એ ઓરડામાં મારી સાથે કોઈ જ નહોતું! હું હતો ને શાન્તિ હતી એવાં બે જુદાં વાક્યો પણ કદાચ અહીં સમાઈ શકે એમ નહોતું. મેં ઓરડામાં કલ્પનાથી વસતિ વસાવવાનો પ્રયત્ન કર્યો. સાંજના છના સુમારે હું જાણે ફલોરા ફાઉન્ટન કે બોરીબંદર આગળ ઊભો છું. માથે બોજો લાદીને ચાલી જતા પાટીવાળાને બચાવવાને કોઈ મોટર હાંકનારે એકાએક દાબેલી બ્રેકનો અવાજ, વળાંક લેતી ટ્રામનો અવાજ, દલીલબાજીમાં ઉશ્કેરાયેલા બે માણસોનો અવાજ – મેં કાન માંડીને સાંભળવાનો પ્રયત્ન કર્યો; પણ કશું સંભળાયું નહિ. ટ્રાફિક સિગ્નલનો ચતુર્મુખ લાલ દીવો નિસ્તબ્ધ ઊભો છે. એણે બધી બાજુના વ્યવહારને થંભાવી દીધો છે. કશું બનતું નથી. કશુંક બનવાની અપેક્ષા માત્ર છે, લાલ દીવાની નિષ્પલક દૃષ્ટિમાત્ર છે, માણસો છે, પણ સ્થિર, શાન્ત. કશાનુંય વર્ણન કરવા જઈએ ને આખરે ‘શાન્ત’ કહીને અટકી જવું પડે.

મને ત્યાં એકાએક એક ઉપાય સૂઝ્યો: આટલામાં ક્યાંક દર્પણ તો હશે જ ને! એ દર્પણમાં પ્રતિબિમ્બને જોઈ શકાશે, ને એ પ્રતિબિમ્બને આધારે બિમ્બને સ્થાપી શકાશે. શાન્તિના પ્રલયમાંથી દર્પણને આધારે ઊગરી જવાશે!

ને મેં દર્પણ શોધી કાઢ્યું, પણ એ દર્પણ છતાં દર્પણ નહોતું. મેં એમાં જોયું તો મને ક્યાંય મારું પ્રતિબિમ્બ ન દેખાયું. એ દર્પણની પારદર્શકતાના શૂન્ય અવકાશમાં મારું પ્રતિબિમ્બ ખોવાઈ ગયું. મારા બિમ્બને કશો પ્રતિરોધ જ નડ્યો નહીં. મને સમજાયું: આ શાન્તિ એટલે જ પ્રતિરોધનો અભાવ. અહીં બધું બધાંમાં ભળી જઈને નિરાકાર નિસ્તબ્ધ થઈ જતું હતું. મેં ખુરશી પકડીને પછાડવાનો પ્રયત્ન કર્યો પણ ખુરશી તરફથી કશો વિરોધ થયો નહિ, એ મારી પકડમાં આવતાં જ ઓગળી ગઈ. દીવાલને મુક્કી મારી, મારો હાથ જાણે વાદળમાં લપાઈ ગયો.

બહારથી તો કશો વિરોધ રહ્યો નહિ, એટલે મેં દૃષ્ટિ અંદર વાળી. મારા લોહીમાં રહેલી ને સહેજમાં છંછેડાઈ ઊઠતી ઈર્ષ્યા, તિરસ્કાર, ક્રોધની લાગણીઓ, દક્ષિણમાંથી પવનની લહેરી આવતાં અકારણે અધીર બની ઊઠતા હૃદયનું તરફડવું – પણ આ ઓરડામાં વ્યાપેલી શાન્તિએ રોમેરોમ વ્યાપી જઈને એ બધું જ શોષી લીધું હતું. આ સર્વગ્રાસી શૂન્યનું ભયંકર રૂપ મારી આગળ પ્રગટ થવા માંડ્યું ને હું ધ્રૂજી ઊઠ્યો. રોષનો ફુત્કાર, તિરસ્કારનો ડચકારો એટલુંય પ્રકટ ન કરી શકાયું.

મેં કાન સરવા કરીને સાંભળવાનો પ્રયાસ કર્યો. બહાર અન્ધકારનું ટોળું જઈ રહ્યું હતું – સ્મશાનમાંથી કયામતને દિવસે ઊઠીને નીરવ ચાલી જતી પ્રેતાત્માની વણઝારની જેમ. એ બધાંમાંથી શૂન્યનો પિણ્ડ બંધાતો હતો. અજાણ્યા ભયની અરેરાટી મને થઈ આવી.

મને થયું કે બધું બળ એકઠું કરીને હું આ શૂન્યના વિસ્તરતા જુવાળની આડે પાળ બનીને ઊભો રહું. મેં મારી જાતને એકઠી કરવાનો પ્રયત્ન કર્યો. પણ જેની આજુબાજુ હું મારું કોકડું વીંટાળી શકું એવું કશું મને હાથ લાગ્યું નહિ. આ વાતનું ભાન થતાં હું વળી ભયથી ધ્રૂજી ઊઠ્યો.

શૂન્યની છોળ ઊંચે ને ઊંચે ઊછળવા લાગી. આજ સુધી મેં જેટલા શબ્દો વાપર્યા હતા, ઉપજાવ્યા હતા, તે બધા જ મરણિયા બનીને લાવી લાવીને ખડકવા માંડ્યા ને એ રીતે શૂન્યના પ્રવાહને ખાળવાનો પ્રયત્ન કર્યો. પણ મીઠાનો ગાંગડો જેમ પાણીમાં પડતાંની સાથે ઓગળવા માંડે તેમ શૂન્યની છાલક વાગતાંની સાથે બધા શબ્દો ઓગળવા લાગ્યા. મેં શબ્દોને ઉથલાવી તપાસીને જોયા. દરેકના હૈયામાં ફાટ હતી, સાંધો હતો. કોઈ શબ્દ આખો નહોતો. એ સહેજ સરખી ફાટમાંથી, એ નાના સરખા છિદ્રમાંથી શૂન્યને આરપાર જવાનો માર્ગ મોકળો થઈ જતો હતો.

મેં મરણિયા બનીને શોધ આદરી – એવી કોઈ લાગણી, એવી કોઈ વસ્તુ, એવી કોઈ સ્મૃતિ, એવો કોઈ શબ્દ જડે જેમાં ફાટ ન હોય, સાંધો ન હોય. પણ જેમ કોઈ પુરાણી પોથીનાં પાનાં હાથમાં લેતાં જ તૂટી જાય તેમ બધું તપાસવા જતાં જ હૈયું તૂટવા લાગ્યું. ઓગળીને શૂન્યમાં એકાકાર થઈ જતા એ ભંગારની વચ્ચે હું ઊભો રહ્યો. મારા ભયની માત્રા વધી.

ચારે દિશા અપ્રતિરોધ્ય શૂન્યમાં ભાંગીને ઓગળી જતા બ્રહ્માણ્ડના નીરવ ભેંકારથી ધ્રૂજી ઊઠી. કશીક અકળ કસક સણકી, વેદનાનો થડકાર સર્વત્ર વરતાયો. પેલી કઠોરગર્ભા આસન્નપ્રસવા શાન્તિના ઉદરમાં રહેલો ગર્ભ જ જાણે ફરક્યો. પ્રગટ થઈને પોતાનો આગવો આકાર ધારણ કરવા ફાટું ફાટું થઈ રહેલા કોઈ બીજની એ વેદના હતી.

કશાક અતૂટ અખણ્ડની શોધમાં હું છેક શૈશવના સીમાડા સુધી પહોંચી ગયો. ભાષાનો છેડો ત્યાં સુધી પહોંચતો નહોતો, આકારો પણ પૂરા બંધાયા નહોતા, આથી નામોનો પણ જન્મ થયો નહોતો. એવી એ સૃષ્ટિના અતાગ ઊંડાણમાં નાની શી પણ અખણ્ડ એક ક્ષણની રત્નકણિકા મારી દૃષ્ટિ સમક્ષ ઝળહળી ઊઠી. મેં એને ધારીધારીને જોઈ – ક્યાંય ફાટ નહોતી, સાંધો નહોતો. સદ્યોજાત શિશુના જેવી નરવી એવી કાન્તિ હતી. બાળપણની એ ક્ષણ ઉપર વહાલથી ઝૂકેલું માતાનું મુખ, પણ એ કાંઈ માતાના મુખરૂપે નહોતું દેખાયું. સોનચંપા જેવો એક રંગ, એમાં પેલા તલનું કાળું ટપકું, કપાળમાંનો લાલચટ્ટક ચાંદલો, ને આકાશ જેવો ભૂરો એની સાડીનો ફરફરતો પાલવ – આ ચાર રંગોને જોઈ હું સહજ જ હસી પડ્યો હતો. એ હસવાનો કલસ્વર સાંભળી મા હસી, અમારા બેના હાસ્યનો સંગમ છલકાઈ ઊઠ્યો, માળા ફેરવતાં મારાં દાદીમાય એક મણકો ફેરવવાનું ચૂકી ગયાં ને છાનું હસી લીધું. આ હાસ્યના ત્રિવેણી સંગમમાંથી જન્મેલી એ ધન્ય ક્ષણની રત્નકણિકા શૂન્યના જુવાળ સામે ટકી રહી. એને અથડાઈ અથડાઈને શૂન્યનાં પૂર પાછાં વળ્યાં. રાત્રિના પાછલા પહોરના પાણ્ડુ અન્ધકારનાં લથડતાં પગલાં મને સંભળાયાં. શૂન્યની આડે પ્રતિરોધ ઊભો થયો. એ પ્રતિરોધમાંથી સંચાર ઊભો થયો. એ સંચારના વેગનો ધક્કો વાગતાં પવનની લહર નીકળી પડી ને કળીની બીડેલી પાંખડી સાથે અથડાઈ, પાંખડીનો પડદો ખૂલી ગયો. એના ખૂલવાના વેગનો ધક્કો સૌરભને લાગ્યો ને એ ફૂલની બહાર છલકાઈ પડી. ઝાડની ડાળીઓની આડશે પોઢેલા પંખીની પાંખને એ ધક્કો લાગ્યો ને એણે પાંખો ફફડાવી, એનો કણ્ઠ ખૂલ્યો. પ્રભાતના પ્રકાશની પહેલી ટશર ફૂટી. તેજનું કિરણ નાચતું કૂદતું દોડ્યું. પોઢેલા શિશુની કુસુમકોમળી પાંપણની બિછાત પર આરામ લેવા બેઠું. ત્યાં બાળકે આંખ ખોલી. એમાંથી તેજનું બીજું કિરણ નીકળ્યું. એ બંને વચ્ચે ભારે દોસ્તી જામી. ટહેલતાં ટહેલતાં એ મારા ઓરડામાં આવ્યાં. મારું આંધળું દર્પણ દેખતું થયું. મને મારું પ્રતિબિમ્બ મળ્યું. અમે તાળો મેળવી લીધો. સામા ઘરની બારી ખૂલી. જોયું તો તરતના જન્મેલા બાળકને દાક્તર બે પગે ઝાલીને ઊંધું લટકાવીને વાંસામાં ઠપકારતા હતા. પેલા ફૂલમાંની સુગન્ધની દોસ્તી બાંધીને ટહેલવા નીકળી પડેલી હવાની લહર કુતૂહલથી, એ બાળક પણ કોઈ નવી જ જાતનું ફૂલ છે એમ માનીને, એનાં ઝીણાં ઝીણાં નસકોરાંમાં પેઠી. બાળક રડ્યું, માતા હસી. એ હાસ્ય અને એ રુદન એકબીજાની આંગળી ઝાલીને, ટહેલવા નીકળી પડ્યાં. તેજનાં પતંગિયાંની ઊડાઊડ શરૂ થઈ ગઈ. ઊંડા કૂવામાં સંતાયેલા નાનકડા પીપળાના કૂણા પાનને એણે સોને મઢી લીધું, એ જોઈને કૂવામાંનો અન્ધકાર વધુ ઊંડે જઈને ભરાયો. બાળકો જાગી જાય તે પહેલાં માતા અને પિતા છાનામાનાં ધીમે અવાજે થોડી વાતો કરી લે તેમ સંસાર જાગતો થાય તે પહેલાં આકાશે ઝૂકીને ધરતી જોડે કાંઈ ગુસપુસ વાત કરી લીધી. એના આછા ભણકાર મને મારી નાડીમાં સંભળાયા. એનો સંદેશ ઝીલીને હું મારી પત્નીને પહોંચાડવા ગયો. એણે હજુ આંખો ખોલી નહોતી. કહે છે કે દરરોજ સવારે જાગતાં પહેલાં આપણે આપણા બધા જ ગતજન્મોની સૃષ્ટિમાં ઘૂમી આવીએ છીએ. એ એના આગલા જન્મની સૃષ્ટિમાં ‘જનનાન્તરેઅપિ ત્વમેવ ભર્તા ન ચ વિપ્રયોગ’ એવું રટણ કદાચ કરતી હતી. એવું એના તન્દ્રામાં ફરકતા હોઠે ઉપસાવેલા અક્ષરોમાં વાંચી લીધું, ને મને પણ એવી જ કશી ભાષા વાપરવાનું મન થયું. મેં એના ગાલના ચિબુક તરફના ઢોળાવ પરથી મારી આંગળીને લપસવા દીધી. મારી એ સુખે લપસતી આંગળીએ એના કપોલની મસૃણતામાં તથાસ્તુ લખી દીધું ને એ ભીરુ સચકિત નયનો ખૂલ્યાં, એમાં કૃત્રિમ રોષની અરુણાઈ છલકાઈ ઊઠી. એને મેં આકણ્ઠ પી લીધી. ત્યાં બાજુમાંથી બે નાના હાથ લંબાયા, બે નાના પગોની લાતંલાત શરૂ થઈ ગઈ ને અમારાં બેનાં ઝૂકેલાં મુખને જોઈને એ દન્તહીણા હાસ્યનો કલસ્વર આખા ઓરડાને ભરી દઈને છલકાયો. ઘડિયાળની કમાનના આંટામાં સોડિયું વાળીને બેઠેલા જરઠ કાળને પણ ગલગલિયાં થયાં.

પછી તો કોયલ બોલી, મિલનું ભૂંગળું થયું. નિશાળનો ઘણ્ટ વાગ્યો, દાળમાં વઘાર થયો, પતરાં ભરેલી લારી ગઈ, ક્યાંક યુદ્ધમાં સનનન કરતી ગોળીઓ છૂટી, ઝાડ પરથી પાંદડું ખર્યું, સ્પુટનિક ચન્દ્રને ઘસાઈને સૂર્ય તરફ દોડ્યું, અમારા તળાવમાં રહેતી જળપરીએ ઊંઘમાં આળસ મરડી ને એના હાથ તળાવની સપાટી પર કમળ બનીને ખીલી ઊઠ્યાં.

આ વાત પહેલાં ભગવાને લક્ષ્મીજીને કહી હતી, તે બ્રહ્માજી સાંભળી ગયા હતા; બ્રહ્માજી પાસેથી સરસ્વતીએ સાંભળી ને સરસ્વતીએ મારા કાનમાં કહી, તે મેં તમને કહી સંભળાવી.

(સંસ્કૃતિ, એપ્રિલ, 1959)

License

અપિ ચ Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.