ઝેર

હકૂમતરાય ઉપરના ઓરડામાં આંટા મારતા હતા. ઓરડામાંની ત્રણ કાચની બારીમાંના, એમની સાથે સમાન્તર ચાલી રહેલા, એમના આછા આભાસને પણ એઓ જોતા હતા. એ આભાસના સંગાથથી ટેવાઈ જવાના જ કદાચ હવે દિવસો આવ્યા હતા. એક ખૂણામાંના બુકશેલ્ફ પરના ચળકતા વાનિર્શ પર આથમતા દિવસનો તડકો વિખેરાઈ ગયો હતો. ઇજિપ્તના પિરામિડમાંના મમીની ત્વચા પર જેવો ચળકાટ હોય છે તેવો એ ચળકાટ લાગતો હતો. એમાં ઉછીની ચમકથી જીવવા મથતી નિષ્પ્રાણતાની લાચારી હતી. એ જોતાં જોતાં જ એમની આંખ આગળ એ દિવસે સવારે જ જોયેલું દૃશ્ય ચમકી ગયું. ને પોતે કશો પ્રયત્ન કરે તે પહેલાં ઇજિપ્તના મમીની ચળકતી ત્વચાના ચિત્ર સાથે એ દૃશ્ય સંધાઈ ગયું. ઉનાળાની સવારનો તડકો કાચની બારીમાંથી આવીને ઓરડામાં ફેલાતો હતો. એ તડકાથી અજવાળાતી વસ્તુઓને હકૂમતરાય પથારીમાં પડ્યા પડ્યા જોઈ રહ્યા હતા, જાગતા હોવા છતાં એમનાથી ઊઠી શકાતું નહોતું. કારણ કે એમનાં પત્નીનો હાથ એમને ગળે વીંટળાઈને પડ્યો હતો. વસ્ત્ર અસ્તવ્યસ્ત થઈ જવાને કારણે પત્નીની એક સાથળ ખુલ્લી પડી ગઈ હતી. એ સાથળના પર પડતો તડકો જોતાં એમને જુગુપ્સા ઊપજી હતી. લબડી પડેલી ચરબીવાળી એ સાથળનું ફરીથી એમને સ્મરણ થયું ને આંખ આગળથી એ ચિત્રને ભૂંસી નાખવાનો એમણે પ્રયત્ન કર્યો, પણ દરેક પ્રયત્ને ચિત્રની રેખા સ્પષ્ટ ઊપસી આવતી ગઈ. સાંજના તડકાને, એ જાણે એમને વીંટળાઈને વળતું જાળું હોય તેમ, બે હાથ વીંઝીને એઓ દૂર કરવા મથ્યા. બારીના કાચમાંના આભાસે એમની વાનરનકલ કરી. એમણે ચિઢાઈને બારી ખોલી નાખી. બારી ખોલતાંની સાથે નીચેના આનન્દમગ્ન ટોળાનો કલશોર એમને ઘેરી વળ્યો. એ બધા અવાજોને એઓ ઓળખી ઓળખીને છૂટા પાડવા લાગ્યા: ખરી પડેલાં સૂકાં પાંદડાં પરથી દોડી જતી પાટલા ઘોના જેવો એમની પત્નીનો પુરુષ અવાજ, કામવિહ્વળ નરકપોતના ઘૂ ઘૂ જેવો એમના યુવાન પુત્રનો અવાજ, ચોરીછૂપીથી મનમાં રમાડ્યા કરવો ગમે એવો એમની ભાવી પુત્રવધૂનો અવાજ, વિહ્વળતાની છોળ ઉરાડતો એની સહિયરોનો અવાજ. ઘડીભર એઓ આ બધા અવાજોથી ઘેરાઈ ગયા, પણ બીજી જ પળે સાવધ બનીને એઓ દૂર સરી આવ્યા. કોઈ રાજા જંગલમાં શિકારે નીકળે ત્યારે દૂરથી હાકોટા પાડતા માણસોના અવાજથી ઊંઘમાંથી જાગી ઊઠીને વાઘ ત્રાડ નાખે તેમ આ અવાજોથી જાગીને એમનામાંનું કશું ત્રાડ પાડી ઊઠ્યું. ક્યાંક દૂર રુધિરમાંસની પુષ્ટતાની ગન્ધ આવી, નહોર સળવળ્યા, આંખમાં અંગારો ચમકી ગયો, હકૂમતરાયે બારી બંધ કરી દીધી. સાંજના વદાય લેતા તડકાએ ટોયલેટ ટેબલના આયનાની છાતીમાં કરેલો ઘા ચમકી રહ્યો હતો. એ ઘાને ઢાંકવા હકૂમતરાય તડકા અને આયનાની વચ્ચે જઈને ઊભા રહ્યા. આછા અન્ધકારનું કાળું ઉપરણું પહેરીને ઊભેલા એ પ્રતિબિમ્બને એઓ જોઈ રહ્યા. બે આંખો નીચેની કોથળીમાં એમણે આ સાપનું ઝેર સંચિત કરી રાખ્યું હતું? ઝેર…

હકૂમતરાય આયના આગળથી ખસી ગયા. વધતા જતા અન્ધકારે બારીના કાચ પરના આભાસને ભૂંસી નાખ્યો. નાનું બાળક એકલું પડતાં ભય પામે તેમ એઓ એકલા પડતા ધ્રૂજી ઊઠ્યા. એ ભયને ખંખેરી નાખવા એઓ ટટાર થયા. હાડકાના માળખાને એમણે ખખડતું સાંભળ્યું. એમને હોઠે કોઈએ શબ્દ મૂક્યા: હાડકાંનો પિરામીડ! તો બસ, એમાં મમી પધરાવાનું જ હવે બાકી છે?

એમણે પોતાની આંખનાં પોપચાં પર આંગળી ફેરવી, એના પર ઊપસી આવેલા સોજાને સહેજ દબાવી જોયો. એ સોજાના આવરણને જાણે એઓ ભેદી શક્યા નહીં. એમણે ઘેરી વળેલા થોથરને ખંખેરી નાખવાનો એમણે પ્રયત્ન કર્યો. કશાક તીક્ષ્ણ તેજાબથી નસ્તર મૂકીને આખી ખાલ ઉતારી નાખી નાસી છૂટવાનું એમને મન થયું. એમણે ઉપાડેલા ચાર પગલાંમાંથી ત્રણ પગલાં ચોરી જતા, પોતાના જ શરીરમાં ભરાઈ બેઠેલા, ચોરને બહાર કાઢવા એઓ અધીરા થયા. પણ એ કાળયવનની જેમ એવો તો ઊંડે ભરાઈ બેઠો હતો કે કોઈ સુદર્શન ચક્ર ત્યાં પહોંચે એમ નહોતું.

ધીમે ધીમે અંધારું વધતું ગયું. એ અંધારાના માયાળુ સ્પર્શે એમનો આકાર લગભગ ભૂંસી નાખ્યો. ચારે બાજુની નિશ્ચિહ્નતામાં શમી જઈને એમણે હળવાશ અનુભવી, પણ એ હળવાશને તળિયે કશુંક, ઓગળ્યા વિનાના ગાંગડા જેવું, વરતાતું હતું. એના હોવા માત્રનો ભાર એમનાથી જીરવાતો નહોતો. મરજીવિયો મોતી કાઢવા સમુદ્રને તળિયે ડૂબકી મારે તેમ એમણે શ્વાસ બંધ કરીને પોતાનામાં જ ઊંડે ડૂબકી મારી, પણ ફુગાઈ ઊઠેલા શબની જેમ એઓ તરત જ પાછા ઉપર તરી આવ્યા.

ત્યાં કોઈએ બારણું ઠોક્યું. હકૂમતરાય સફાળા પોતાની જાતને સમેટવા લાગ્યા. બારણું ખૂલ્યું. એમની પત્નીનો પ્રશ્ન એમને શોધતો એ અન્ધકારમાં ચામાચીડિયાની જેમ ચક્કર ખાવા લાગ્યો: ‘ક્યાં છો તમે?’

હકૂમતરાયે લાઇટ કરી. તેજના બખિયાથી સંધાઈને એઓ ઊભા રહ્યા. એ પ્રકાશમાં એમણે પત્નીને જોઈ. ખભા પરથી સાડીનો છેડો સરી પડ્યો હતો. ચરબીથી સ્ફીત સ્તન શરીરની સહેજ સરખી હિલચાલથી ઊછળતાં હતાં. મોઢા પરનો ચીકણો પરસેવો તગતગી ઊઠ્યો હતો. હોઠ પરના વાળની રુવાંટી પાવડરથી ઢાંકવાનો પ્રયત્ન કર્યા છતાં છતી થઈ ગઈ હતી. ડહોળા ખાબોચિયામાં પડતા સૂર્યના પડછાયા જેવી આંખોને હકૂમતરાય જોઈ રહ્યા. એઓ અસાવધ હતા ત્યાં એમની પત્નીએ એમનો હાથ ઝાલ્યો. એ હાથ પરના પરસેવાના ભેજથી એમને ઊબકો આવવા જેવું થયું. એઓ હાથ પાછો ખેંચી લેવા ગયા ત્યાં એમના પત્નીના હાથની પકડ મજબૂત બની. એના હાથની આંગળીમાંની વીંટી એમની આંગળીના હાડકા સાથે દબાઈને પીડવા લાગી. એઓ કશું બોલે તે પહેલાં એમનો દીકરો તથા એમની ભાવિ પુત્રવધૂ ઓરડામાં દાખલ થયાં. બંનેના મોઢા પર હાસ્યની ચમક હતી. એ ચમક સાથે ટકરાઈને આવતો પ્રકાશ એમની આંખને ઝંખવી નાખતો હતો. બંને નીચાં વળ્યાં. એમને આશીર્વાદ આપવા બંનેને માથે પોતાનો છૂટો રહેલો એક હાથ વારાફરતી મૂક્યો. ભાવિ પુત્રવધૂના વાળની લટના રેશમી સ્પર્શે લલચાઈ ને હાથ સહેજવાર વધારે માથા પર રહ્યો. પુત્રવધૂએ નજર ઊંચી કરી ત્યારે પકડાઈ જવાની બીકે એમણે નજર નીચી કરી લીધી. ત્યાં એમનાં પત્નીએ કહ્યું: ‘લો, આ લોકેટ તમારે હાથે તમે દુલારીને પહેરાવો.’ એમ કહીને એણે પોતાની ડોક હકૂમતરાય આગળ ધરી. આંકડો કાઢતાં ગરદન પરની રુવાંટીનો હકૂમતરાયને સ્પર્શ થયો. એની નીચેની સ્ફીત માંસલતાને નહોર ભરી લેવાની એમણે ઇચ્છા થઈ આવી. એમણે સહેજ નખ ભર્યો પણ ચરબીના પડમાં એ નખ ઝાઝો ખૂંપી શક્યો જ નહીં. આંકડો કાઢીને એઓ લોકેટ પુત્રવધૂને પહેરાવવા જતા હતા ત્યાં એમનાં પત્નીએ લોકેટ એમના હાથમાંથી આંચકી લીધું ને એ લઈને એ ખૂણામાં પીઠ કરીને ઊભી રહી ગઈ. હકૂમતરાય તરત એની પાછળ જઈને ઊભા રહ્યા ને ખભા પરથી ઊંચા થઈને કાકદૃષ્ટિએ જોવા લાગ્યા, પત્નીએ છણકો કરીને કહ્યું: ‘તમેય તે કેવા છો, પેલાં બે…’

‘તેં લોકેટમાં શું સંતાડ્યું છે તે જોવા દે,’

‘સંતાડવાનું શું હોય? એ તો ફોટો છે.’

‘કોનો?’

‘તમેય તે શું પૂછતા હશો!’

‘લાવ, જોવા દે, જોઉં.’

ખેંચાખેંચમાં લોકેટ નીચે પડી ગયું. અધખૂલા લોકેટને ઝડપ મારીને હકૂમતરાયે લઈ લીધું, ને પત્ની હાથ મારે તે પહેલાં ખોલી નાખ્યું. અંદરથી ફોટો તો ન નીકળ્યો, નીકળી એક પડીકી. એની ઉપર લખ્યું હતું તે હકૂમતરાયથી વંચાઈ ગયું: ઝેર!

આ સાંભળીને દીકરો ને દીકરાની વહુ હેબતાઈ ગયાં ને શું કરવું તે નહીં સૂઝતાં ત્યાં ને ત્યાં જડાઈ ગયાં. બારીની પાળ પર માથું મૂકીને હકૂમતરાયનાં પત્નીએ ડૂસકાં ભરવા માંડ્યાં, ડૂસકાંથી એના ખભા હાલવા લાગ્યા. રુદન રુંધવાનો પ્રયત્ન કરવા જતાં પત્નીના ગળામાંથી વિચિત્ર અવાજ નીકળ્યો. આ પરિસ્થિતિથી મૂંઝાઈને આખરે દીકરો ને દીકરાની વહુ નીચે ઊતરી ગયાં.

હકૂમતરાય લોકેટ લઈને પત્નીની પાસે ગયા. ધ્રૂજતા ખભાને પકડીને એમણે ફેરવવાનો પ્રયત્ન કર્યો. પત્ની એમના પગ આગળ ફસડાઈ પડી, એકાએક એણે હકૂમતરાયના પગ પકડી લીધા. હકૂમતરાય મૂંઝાયા. એઓ બહારના અન્ધકાર તરફ મીટ માંડી રહ્યા. શૂન્યમાં તાકીને થાકેલી દૃષ્ટિ પાછી વળી. બે બારીની વચ્ચેના ખૂણામાં કરોળિયાએ બાંધેલી જાળમાં જન્તુઓનાં પારદર્શી ખોખાં લટકી રહ્યાં હતાં. એમણે પોતાની આંખ નીચેના સોજા પર હાથ ફેરવ્યો, એ કોથળી ઝેરથી તસતસતી ફાટું ફાટું થઈ રહી હોય એવું એમને લાગ્યું, એઓ નીચા વળ્યા. એમની પત્નીને એમણે ઊભી કરી, ઝેરનું પડીકું લઈને બારીમાંથી ફગાવી દીધું. થોડી વાર બારી આગળ ખુલ્લી હવા લેવા એઓ ઊભા રહ્યા. એમની આંખ નીચેની કોથળી ધબકવા લાગી. પોતાના નખ વડે એ કોથળીને ચીરી નાખવાનું એમને મન થયું. એમણે આંખો પર હાથ દાબી દીધા. આંગળીને ટેરવે થઈને ઝેર શિરાએ શિરાએ પ્રસરવા લાગ્યું. એમના ઉચ્છ્વાસે ઉચ્છ્વાસે એ ઝેરને એઓ ઉલેચવા મથવા લાગ્યા.

License

અપિ ચ Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.