એક દિવસ ઓચિંતા ભાઈ રસિક ઝવેરી ભેટી ગયા અને બોલ્યા, ‘હું વિલાયત જાઉં છું.’ મેં જવાબ આપ્યો, ‘ભલે જાઓ. એમાં મારે શું?’
મારા આવા કંઈક વિચિત્ર લાગતા જવાબથી તેઓ મારી સામે જોઈ રહ્યા. થોડીવાર પછી મને કહે, ‘કેમ, આમ જવાબ આપો છો?’
‘તમે વિલાયત જાઓ એમાં મારે શું? મને કંઈ ત્યાંનો લાભ આપવાના છો? મેં ફરીથી કહ્યું. પળવારમાં એ સમજી ગયા. એમના ચહેરા પરનું સ્મિત જ ચાડી ખાતું હતું કે બરાબરના સમજી ગયા છે. તુરત બોલ્યા, ‘હુકમ કરો!’
અને વટહુકમ બજાવાઈ ગયો, ‘ત્યાંથી નિયમિત ‘મુંબઈ સમાચાર’ માટે કાંઈ લખી મોકલવાનું.’
પણ એમ લખે તો અલગારી શાના? મુંબઈ આવીને પકડાયા અને મેં ફરી ટકોર કરી. સ્નેહનું બંધન સ્વીકારી એમણે માંડ્યું લખવા ‘અલગારી રખડપટ્ટી’ પ્રગટ થવી શરૂ થઈ. એ અલગાડી રખડૂ સાચે જ એકેકથી ચડિયાતી અવનવી વાતો લખતો રહ્યો. મધુરપ્રવાહી શૈલીમાં ક્યાંક કોઈ વા હાસ્ય તો કોઈ સ્થળે આંસુ, ક્યાંક કટાક્ષ તો ક્યાંક અનુકંપા, ક્યાંક વળી કડક ટીકા તો ઠેરઠેર ભરપૂર સમભાવ-કવિતાનો જાણે અસ્ખલિત ધોધ વહેતો રહ્યો અને વાચકોના પ્રશંસાપત્રો ઉપરાઉપરી આવતા જ રહ્યા.
કોઈવાર લખવા પહેલાં સંકોચ સાથે એ પૂછે પણ ખરા, ‘ફલાણી બાબત લખું તો તમને ગમશે?’ જવાબમાં હું એટલું જ કહેતો, ‘જુઓ, ભાઈ! મારા અંગત ગમાઅણગમાનો ખ્યાલ લખતી વેળા રાખવો જ નહિ. વાચકોની રુચિને નજર સામે રાખી મોકળા મને લખે જાઓ!’
અને સાચે જ એકેક અવનવી વાત જીવંત બનતી ગઈ. પ્રવાસવર્ણનો તો અનેક લખાય છે, પણ રસિકભાઈ જેવા, એમાં પ્રાણ પૂરનારા સર્જક જવલ્લે જ નીવડે છે. સાહિત્યકાર કે સાક્ષર ગણાવાના ખ્યાલ વિના, પારાવાર નમ્રતા સાથે, સરળ નિખાલસ સાદી ભાષામાં એ વાતો લખાતી રહી.
‘મુંબઈ સમાચાર’ની કેટલીક અત્યંત લોકપ્રિય હારમાળાઓમાં ‘અલગારી રખડપટ્ટી’ ઘણું આગળ પડતું સ્થાન મેળવી ગઈ છે એટલું અહીં નોંધતાં હું ગર્વ અને આનંદ અનુભવું છું અને ઉમેરું કે, ‘ખુશ રહો, અલગારી! અને લખતા રહો!’
30-1-1969 મીનુ દેસાઈ