હૃદયના નેપથ્યે

હવે હૃદયના નેપથ્યમાં ચાલી જવાના દિવસો આવ્યા. આ દિવસોની મેદુરતાનાં મૂળ આપણે પણ ઉદ્ભિજ જાતિમાં હતા ત્યાં સુધી પહોંચે છે. મૂળ પોતાને લંબાવી લંબાવીને જળ સુધી પહોંચે છે. આ દિવસોમાં આપણે પણ જળ જેટલે ઊંડે પહોંચી જઈએ છીએ. કોઈ વાર તો સૃષ્ટિ આખી એક અશ્રુનો ગોળ આકાર માત્ર બની રહે છે. પણ આપણું સદ્ભાગ્ય હોય તો એમાં ઇન્દ્રધનુની રંગલીલા દેખાય છે. પણ આ ઋતુમાં સૃષ્ટિના નેપથ્યમાં રહેલા આદિમ જળ જોડે આપણું સન્ધાન થાય છે, ત્યારે આ પૃથ્વી તો જળના ગર્ભમાં એક અસ્પષ્ટ પીડારૂપે જ હતી. તેથી તો આ ઋતુ જે અતિ સ્પષ્ટ અને અતિ પ્રકટ છે, એટલે કે જેની મર્યાદારેખાઓ સ્પષ્ટ થઈ ચૂકી છે, જેનો અન્ત સ્પષ્ટ જોઈ શકાય છે તેને અસ્પષ્ટતાના વિસ્તાર વચ્ચે મૂકી દે છે. એ નવા રહસ્યથી ઘેરાઈ જાય છે. જે અત્યન્ત પરિચિત છે તેને પણ આંગળી ચીંધીને ‘આ’ કહીને બતાવી દઈ શકાતું નથી.

આથી જ તો આ ઋતુની વેદનાને આપણાં ઐહિક સુખદુ:ખ સાથે સમ્બન્ધ નથી. અહીં કશું નથી પામ્યા એની આ વેદના નથી. એ વેદનામાં ‘વેદન’ છે, એક નવી અભિજ્ઞતા છે જેનો અત્યાર સુધીમાં આપણે જે જાણ્યું તેની જોડે એકદમ સમ્બન્ધ બેસાડી શકાતો નથી. જે આપણામાં છે છતાં જે આપણી જાણની બહાર છે તેને વિશેની આ વેદના છે. એને સુખદુ:ખના ખાનામાં મૂકી નહીં શકાય.

આ અસ્પષ્ટતા જે રહસ્ય રચી દે છે તેને ઓળખવાની ઇન્દ્રિય કેળવવી પડે છે. એથી જ તો એક પ્રકારની અન્ધતા આ ઋતુમાં આપણને ઘેરી વળે છે. દૃષ્ટિના દોર સૂર્યનાં કિરણો સાથે સંકેલાઈ જાય છે. દૃષ્ટિ જાણે પોતાનું કાર્ય શ્રવણેન્દ્રિયને સોંપીને નિવૃત્ત થાય છે. વર્ષા શ્રવણેન્દ્રિયની ઋતુ છે. વિદ્યાપતિનાં પદ જુઓ કે મીરાંનાં ભજનો જુઓ – કવિ વાત કરશે ‘દાદુર મોર પપીહા બોલે’ અને એની જે વેદના થાય છે એથી છાતી ફાટી જાય છે! આ ઋતુમાં વૃક્ષને પાંદડે પાંદડે જળબિન્દુની પગલી સંભળાય છે ને મીરાં સફાળી બનીને ચોંકી ઊઠે છે. એ અવાજને સાંભળવા કાન સરવા રાખે છે. એનું હૃદય પુકારી ઊઠે છે : ‘કબ આવે મહારાજ?’ કારણ કે આ ઋતુમાં જ તો હરિના આવવાના ભણકારા સવિશેષ સાંભળી શકાય છે. એથી જ તો મીરાં આ ઋતુમાં હરિને જોયાની નહીં પણ સાંભળ્યાની વાત કરે છે, ‘સુની મૈંને હરિ આવન કી અવાજ.’

આથી જ તો આ ઋતુની વેદના તે દૃષ્ટિ વિનાના શ્રવણની વેદના છે. શ્રવણમાં વેદના છે. શ્રવણમાં દૂરતા છે, અસ્પર્શ્યતા છે. જેના ભણકારા સાંભળીએ છીએ તે દૃષ્ટિગોચર તો નથી જ ને તેથી જ સ્પર્શગોચર પણ નથી જ, પણ જેને જોયું નથી તેને જોયાના ભણકારા વાગે છે. તેમ જેનો સ્પર્શ નથી થયો તેના સ્પર્શની એંધાણીથી આપણે રોમાંચિત થઈ જઈએ છીએ. આમ ‘છે’ અને ‘નથી’નું આવું ગૂંચવાઈ જવું આપણને કેવા વિહ્વળ બનાવી દે છે! આપણે એ બેમાંના એકને જ એકી વખતે અનુભવીએ છીએ. પણ એકી સાથે બંનેની અનુભૂતિ તો આપણે શી રીતે જીરવી શકીએ?

પણ એથી જ તો આપણો અનુભવ અપૂર્ણ રહી જાય છે. આથી જ તો આપણી પ્રાપ્તિ ઊણી રહી જાય છે. જે અત્યન્ત નિકટ છે તેની દૂરતાનો પણ સાથે તાગ કાઢીને એના ‘છે’ અને ‘નથી’ બંનેને આવરી લે એવા આલંગિનમાં એને જકડી લઈ શકીએ તો પ્રાપ્તિ સાચી, પણ મિલનથી રાચીએ અને વિરહથી ભાગીએ તો આપણે શું પામી શકીએ?

આ ઋતુ આપણી અપૂર્ણતાના ઘાને બહેકાવી મૂકે છે. બહાર સૂર્ય નથી, ચન્દ્ર નથી, તારા નથી. દૃષ્ટિ પાછી વળે છે ને ત્યારે એની આગળ હૃદયનું આકાશ વિસ્તરે છે. એ વિસ્તારને જોઈને પહેલાં તો આપણે છળી મરીએ છીએ, એ વિસ્તારને અશ્રુની ધૂંધળી ઝાંયના આવરણથી ઢાંકી દેવા મથીએ છીએ. પણ આવરણની માયા ક્યાં સુધી આપણને બચાવી લઈ શકવાની હતી? ઢળેલી પાંપણ જો ઢળેલી જ રહે તો દૃષ્ટોદૃષ્ટ થાય ક્યારે? આથી જ તો વર્ષાની આ વેદના આપણને નવા સૂર્યચન્દ્ર સરજી લેવાની ફરજ પાડે છે.

આમ આપણે સહજ જ વેદનાથી સર્જન સુધી આવી પહોંચીએ છીએ. બીજની દ્વિધા વેદનાભરી હોય છે, પણ પછી એમાંથી જ કૂંપળનું હરિત હાસ્ય રેલાઈ રહે છે. કૂણી કૂંપળ પર વરસાદનું ટીપું – ટચલી આંગળી પર ભગવાને ગોવર્ધન પર્વત તોળ્યો હશે કે કેમ તેની તો ખબર નથી પણ ટચૂકડી કૂંપળની અણી પેલા ટીપામાંના આખા આકાશને તોળે છે એ તો સાવ સાચું છે. આ અદ્ભુત દૃશ્ય જોવા દોડી જવાનું મન નથી થતું?

કંજૂસના કાણા ખિસ્સામાંથી સંતાડેલી સોનામહોર દેખાઈ જાય તેમ કોઈ વાર વાદળઘેર્યા આકાશમાંથી તડકો અલપઝલપ દેખાઈ જાય છે. વર્ષામાં જે દેખાય છે તે અલપઝલપ, જે એને જોવાને દૃષ્ટિ સન્નદ્ધ નહીં રાખે તે ચૂકી જાય. પછી કોણ જાણે, કેટલાય જન્મે ફરી દૃષ્ટિના દોર સંધાય ત્યારે. ‘અરે એ તે ક્યારે?’

વીજળીનો ઝબકારો, તડકાનો પણ ઝબકારો, ઘનઘોર અન્ધકાર એટલે કે વાદળોથી ઘૂંટીને ઘોર બનાવેલો અન્ધકાર, એની વળી ઘટા, સૂચિભેદ્ય અન્ધકાર, સોયની અણી જેટલી જગ્યા પણ ખાલી નથી એવો અન્ધકાર, આપણા કવિ પ્રજારામે એનું ટનમાં વજન પણ કાઢ્યું છે એવો અન્ધકાર એક વિદ્યુત્ રેખા વડે ભુંસાઈ જાય. એટલે એક નિમેષમાં આપણે બધું જોઈ લઈએ તેમ યુગ યુગનો વિષાદ જન્મજન્માન્તરના વિરહ પછી દૃષ્ટિનો ઝબકારો થાય, ત્યારે જો આપણે જોઈ લઈએ તો એ વિષાદ એ વિરહ અદૃશ્ય થઈ જાય. માટે જ આ ઋતુ દૃષ્ટિને સાવધ રાખીને બેસવાની ઋતુ છે. કારણ કે કોને ખબર છે એ વિરલ ધન્ય ક્ષણ ક્યારે આવે? બંગાળીઓ પાસે આવી ક્ષણ માટે સરસ શબ્દ છે. એઓ એને કહે છે : ‘માહેન્દ્ર ક્ષણ.’ આ ઋતુમાં બધું ઘૂંટાઈને ઉત્કટ બનીને, ઘનીભૂત થઈને આવે છે. આથી જ તો એ જીરવવું અઘરું થઈ પડે છે. પણ આ મધુર અસહ્યતાનો સ્વાદ ચાખીએ નહીં તો શું ધૂળ જીવ્યા? એટલે જ તો ધરતીને ધણધણાવી મૂકે, આકાશને ચીરી નાખે, બધું જળબંબાકાર કરી નાખે એવી વર્ષા જ્યારે આદિ માનવે અગ્નિહીન સંસ્કૃતિમાં જોઈ હશે ત્યારે એણે કેવો ભય અનુભવ્યો હશે? ‘નગ’ – નહીં ચાલનારા પર્વતોને પણ જાણે ફરીથી પાંખો ફૂટે છે, તો આપણે તો નગ નથી. આપણે વરસાદના પેલા સહસ્રપાદ જન્તુની જેમ હજાર પગે ચાલવા માંડીએ છીએ, પાંખવાળા કીટની જેમ ઊડવા માંડીએ છીએ, તાર પરથી સરતા જળબિન્દુની જેમ સરકવા માંડીએ છીએ. આદિમ જળનો પ્રલયંકર લય આપણને ફરીથી કશાક અજ્ઞાત અગોચરને માટેની ઉત્સુકતાથી વિહ્વળ બનાવી દે છે, સરી જવું , વહી જવું, એકાકાર થઈ જવું તે આ ઋતુના આચાર છે. જે આ મહિમા નહીં સમજે તેને કયો પ્રલય તારી શકે?

વૈશાખ જેઠમાં ચંચળ બની ઊઠેલા વનમેઘની મેદુર પશ્ચાદ્ભૂની પડછે કોતરાયેલા શિલ્પની જેમ સ્થિર ઊભા રહી જાય છે. પછી વર્ષાને શિવની અદાથી ઝીલે છે ને નવા જ ગૌરવથી જાણે પુન:પ્રતિષ્ઠિત થાય છે. વર્ષાના બિન્દુને કાલીકાલી વાણી ધ્યાનથી વૃક્ષો સાંભળ્યા કરે છે. વર્ષાનાં એ બિન્દુઓને જ જાણે આંખ ફૂટે છે, પાંખ ફૂટે છે ને એ આગિયા બનીને ઊડાઊડ કરે છે. આથી તો સંસ્કૃતવાળાઓ એને તો કહે છે ‘ખદ્યોત’, આકાશને અજવાળનાર. વર્ષામાં સૂર્યચન્દ્ર ભોંઠા પડે, જો દેખાઈ જાય તો લોકોની ગાળ ખાય, ભૂંડા લાગે. વર્ષામાં તો ખદ્યોત જ શોભે.

એક બંગાળી કવિએ વર્ષામાં એક સરખા કાને પડતા દેડકાના અવાજને વેદકાળના ઋષિના ઋચાગાન જોડે સરખાવ્યો છે, એમાં કોના વડે કોનું ગૌરવ થયું, આ હીનોપમા કે પછી ગૌરવોપમા થઈ તે તો અલંકારશાસ્ત્રીઓ ચર્ચે. પણ એ દર્દુર ધ્વનિમાં સંમોહન નથી હોતું એમ તો કહી શકાશે નહીં. જાણે આકાશની જળના કાનમાં કશાક આદિમ રસથી ઉચ્ચારાયેલી એ વાણી છે. એમાં કામાવેગથી ક્ષુબ્ધ નારીના અવાજમાં જે પરુષતા હોય છે તેનો અણસાર હોય છે. મેદુરતાનો લેપ રંગોને ઢાંકી દે છે એવું નથી. નાના ઇન્દ્રગોપની મખમલી લાલ બિછાત પર કોનું સુંવાળું હૃદય પગલી પાડશે? મોરનો કલાપ તો એટલે પ્રશંસા પામ્યો છે કે એને ઘનશ્યામના મુકુટમાં જ સ્થાન મળી ચૂક્યું છે. પણ મેદુરતાની પડછે કેતકીના દંડ પરનો મલિનશ્વેત પુષ્પગુચ્છ જુઓ કે કદમ્બને જુઓ તો રસિકોને એ વધારે રુચશે. અને છેલ્લે એક દૃશ્ય : આખી સૃષ્ટિ જાણે કોઈ વિરાટ સરિસૃપની જેમ સરીને વિવરમાં ભરાઈ જતી લાગે છે.

19-6-70

*

License

અહો બત કિમ્ આશ્ચર્યમ્ Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.