શૃગાલકથા

ક્યારેક અધરાતે-મધરાતે એ બધાં શિયાળ માટે મારું મન રડે છે. મારા કાન વિકલ બને છે એમની અંધકારભેદી તીવ્ર લાળી સાંભળવા માટે. યુનિવર્સિટી- વિસ્તારના અમારા નવા નિવાસસ્થાને આજથી બે દાયકા પહેલાં અમે રહેવા આવ્યાં ત્યારે આથમણી બાજુનો બધો વિસ્તાર વગડા જેવો હતો. ડામરના તો શું, કાચા રસ્તા પણ હજુ બનવામાં હતા. ઠેર ઠેર થોરની ઊંચી વાડો પણ હજી હતી. એ વખતે રાત્રિના બદલાતા પ્રહર શિયાળોના હુકો…હુકો અવાજથી જાણે બદલાતા રાજગઢમાં જાણે બજતાં ચોઘડિયાં. આખા દિવસના કામકાજ પછી રાતે લગભગ સૂવા જવાની તૈયારીઓ ચાલતી હોય ત્યારે વિજ્ઞાનભવનની આજુબાજુની ગીચ ઝાડીઓમાંથી એક ચિત્કાર નીકળે—ન નીકળે ત્યાં સામટા દશવીશ શિયાળોના કંઠના દ્રુત અને પછી વિલંબિત થતા સ્વરો તેમાં જોડાતા જઈ આખા વાતાવરણને ભરી દે. પછી એકદમ શાંતિ. મને થતું કે દિવસથી શરમાતાં શિયાળ હવે આ ચાંદનીમાં બહાર નીકળ્યાં હશે. હવે એમની રાત્રિચર્યાનો આરંભ. ઝાડીઓની બહાર નીકળી નિર્ભય જૂથમાં ભમતાં શિયાળોનું ચિત્ર કલ્પતો ક્યારેક ઊંઘી જતો.

પછી અધરાત થવામાં હોય, બધે સ્તબ્ધતા છવાઈ ગઈ હોય, પાછલે રસ્તે નગર નજીકના પોતાના ગામમાં જતા છેલ્લી પાળીના કારીગરોના અવાજો પણ શમી જતા હોય ત્યાં ફરી કોઈ એક ઉતાવળિયા ઉત્સાહી શિયાળને ચિત્કાર અને પછી અનેક કંઠોમાંથી નીકળતા ચિત્કારોના આરોહ-અવરોહનું સંગીત મધરાતનું પૂરું રૂપ પ્રકટ કરે. એ પછીની શાંતિનો સૂનકાર હજી કાનમાં બજે છે.

વળી સવાર, વહેલી સવાર. હજી તો લગભગ અંધારુ હોય ત્યાં ફરીથી સમવિષમ સ્વરનો ચિત્કાર ઊઠી પછી શમી જાય અને પછી શરૂ થાય આપણા કોલાહલનું જગત. આવું લગભગ રોજ. ક્યારેક તો એ ચિત્કાર ઘર નજીકના ખુલ્લા ખેતરમાંથી સાંભળતો હોઉં એવું લાગે – જાણે ઘરની પછીતે બોલે છે. એમના અવાજને અડી શકાય. આ શિયાળોને મેં દિવસે તે યદાકદા જ જોયાં હશે, રાત્રે પણ નહિ – પણ હું એમના અવાજને ઓળખતો હતો. એ મારી દુનિયાનો જ અવાજ હતો. શિયાળ પણ લગભગ અમારી પાડોશમાં હકથી જ વસવાટ કરતાં હતાં. પણ આવી ઉદારતા બતાવનાર હું કોણ? ઉદાર તો એ બધાં હતાં કે વર્ષોથી તેઓ અહીં વસી રહ્યાં હતાં અને અમને આ સીમમાં, એમના વિસ્તારમાં એક રીતની ઘૂસણખોરી કરનારને પણ ઉદારભાવે સ્વીકારી લીધા. ગમે તેમ પણ આ શિયાળો સાથે મને ગોઠી ગયેલું. એમનો અધરાતનો ચિત્કાર પણ મારા મનમાં એક આશ્વસ્તીનો ભાવ જગાડે. શિયાળ તો છે, જેમ એકલા રહેતા માણસને થાય કે ના, ના, પાડોશમાં લોકો છે.

પણ પહેલાં શિયાળની બીક લાગતી, એટલે કે નાનપણમાં – છતાં શિયાળો સાથેનો ‘આત્મીય’ભાવ નાનપણથી છે. એ મારી શેરીનાં કૂતરાં-કબૂતરાં જેટલાં જ અમારી દુનિયાનો ભાગ હતાં – ભલે સીમમાં રહેતાં હોય, અને હું થોડોક બીતો હોઉં. શિયાળ વિશે એવું સાંભળતો આવેલો કે એ બચકું ભરે પછી એને મૂકતાં ન આવડે, એના દાંત એ રીતના અંદર વળેલા હોય. જો કે ક્યાં સિંહ અને ક્યાં શિયાળ! તોયે પેલા સર્વદમનની જેમ શિયાળના દાંત જોઈને ખાતરી કરવાનો વિચાર પણ આવ્યો નથી. શિયાળે જોકે મને કોઈ દિવસ બિવડાવ્યો નથી. મારા કૂવે જતાં ગામની ભાગોળનું આંબા તળાવ આવે. ત્યાં કેર-કંથેરની ઝાડી છે. સ્મશાનની આજુબાજુ બાવળનાં વન ઊગી જતાં. ત્યાંથી રોજ રાતે શિયાળની લાળી મારા શૈશવ અને કૈશોરના કાનમાં સંભળાતી રહી છે. ઘણી વાર પાદરમાં કૂતરાં અને પાદર નજીકની સીમમાં શિયાળોનું સમવેત વિસંવાદી વૃન્દગાન સાંભળ્યું છે. એક વિશિષ્ટ રાગમાં જાણે શિયાળ હુકો…હુકો… કરે છે અને કૂતરાં વહુ… વહુ કરે છે. એમના આ વૈમનસ્યની વાત પણ સાંભળેલી.

પહેલાં શિયાળ અને કૂતરાં વચ્ચે બેટી-રોટીનો વ્યવહાર હતો. એક વાર શિયાળ જાન લઈને આવ્યાં હશે ને ત્યાં હોકા બાબતે કૂતરાને ઝઘડો પડ્યો. દંગલ મચી ગયું. વહુ લીધા વિના શિયાળ સીમમાં પાછાં ગયાં.

શિયાળોએ કૂતરાને સંભળાવ્યું, ‘લે હુકો… હુકો… હુકો…’ એટલે કે જોયા ન હોય તો મોટો હુક્કો પીનાર! કૂતરાંએ સંભળાવ્યું — ‘લે વઉ…વઉ..’ જોયા ન હોય મોટા વહુ લેનાર! પછી તો કૂતરાં શિયાળની પેઢી દર પેઢી આ વેરવાર્તા ચાલી આવે છે. આ બધી વાતો શિયાળના હોવા જેટલી જ સાચી. એક વખતે આંબા તળાવના ખરાબામાં ખળાં કરેલાં અને તેમાં મારે રાતવાસો રહેવાનું આવ્યું, ત્યારે બીક લાગી ગઈ. એ રાતે મને મારા ખાટલા નીચેથી શિયાળની લાળી સંભળાયેલી! હું તો ગોદડી ઓઢીને ગોટમોટ. ખરેખર તો હું ખળાની રખવાળી (?) કરતો હતો અને શિયાળ મારી. પણ પછી તે જ્યારે ધીરે ધીરે મોઢા પરથી ગોદડી હટાવી તો તડકા થઈ ગયેલા!

જોકે પછી શિયાળની બીક લાગવી ઓછી થયેલી. ખેતરોમાં ઘણી વખત દેખાય, ક્યારેક તો આખો પરિવાર. મને થાય કે અમારાં બળદ ભેંસ-રેલ્લા-પાડીઓની જેમ એમનાં પણ નામ પાડી આપણા ખેડુ કુટુંબમાં કેમ ન સ્વીકારી લેવાય? સ્વીકારવાનો પ્રશ્ન જ નહિ, સ્વીકારાયેલાં જ. શિયાળ જ મૂળે શરમાળ, વાઘની જેમ. આપણે વાઘનાં અભયારણોમાં હાથી પર કે જીપમાં બેસીને ફરીએ, પણ વાઘ દિવસે ભાગ્યે જ નજરે પડે. પણ જ્યારે જ્યારે ધીરે પગલે ગાડીમાં સરકી જતા કે ચૂપચાપ રસ્તો ઓળંગતા શિયાળને જોઉં ત્યારે ભયમિશ્રિત રોમાંચ હજી થઈ જાય!

આ સિવાય જે બીજાં શિયાળ મિત્રો તે તો પેલી પંચતંત્ર અને હિતોપદેશની વાર્તાઓમાં આવતાં. એ શિયાળ એટલે લુચ્ચું. ચતુર કાગડો અને લુચ્ચું શિયાળ. શિયાળ અને કાગડા સામેનો આ પૂર્વગ્રહ પ્રાચીન કાળથી ચાલ્યો આવ્યો છે. મહાભારતમાં ‘ગૃધજમ્બુક્યોઃ સંવાદ’ આવે છે. પ્રાચીન કાળથી જ શિયાળની લુચ્ચાઈ કહેતીરૂપ બની ગઈ છે. નાનપણમાં સાંભળેલી વારતાઓમાં ચકલાચકલી પછી લુચ્ચા શિયાળ અને ચતુર કાગડાની વારતા હશે. બાળવાર્તાકાર રમણલાલ સોનીએ તો ‘ગલબા શિયાળનાં પરાક્રમો’ લખીને એક શિયાળ નામે ગલબાને બાળકોની દુનિયામાં અમર કરી દીધો છે.

આપણને એક અન્ય પરિચિત શિયાળ તે દ્રાક્ષ ખાવા ઊંચા કૂદકા ભરી છેવટે નહીં પહોંચાતાં ‘આ દ્રાક્ષ તો ખાટી છે’ કહેનાર શિયાળ. એક બીજું તે, ‘અન્યનું તો એક વાંકું આપનાં અઢાર છે’ એમ ઊંટને રોકડું પરખાવી દેનાર. શિયાળ એક સૌથી વધારે તો યાદ રહી જાય તે પોતાના જાત-બાંધવોનેય છેતરવાનો પ્રયત્ન કરનાર. શિયાળ બીજાં પશુ-પ્રાણીઓને બનાવી જાય, પણ એના જ જાતભાઈઓને બનાવવા જાય ત્યારે? કેમ, પેલી બાંડા શિયાળની વાત? ફાંસલામાં પોતાની પૂંછડી કપાઈ ગયા પછી શિયાળોની સભા ભરી સલાહ આપે છે ને કે આપણને પૂંછડીનું શું કામ છે, નકામી છે. બધાએ કપાવી નાખી. પછી એક ‘ડાહ્યું’ શિયાળ કહે છે કે – પણ તમારી પૂંછડી ક્યાં છે તે? મોગલ ચિત્રકારીમાં પિતાની બાંડી પૂંછડી ન દેખાય તેમ બેસી બીજાને પૂંછડી કાપવાની સલાહ આપનાર શિયાળે ભરેલી સભાનું એક સરસ ચિત્ર જોયું છે.

શિયાળની આવી ઘણી બધી વાતો બધા દેશમાં, બધા કાળમાં હશે. દાખલા તરીકે આપણા પંચતંત્ર કે હિતોપદેશમાં.

પણ પંચતંત્ર અને હિતોપદેશમાં તે જે પશુપંખી, પ્રાણીજગત છે, તે જ ખરું નીતિ કે રાજનીતિનું જગત છે, તેમાં માનવોનું જગત આપણે અભિમાન લઈ શકીએ એવું નથી. વિષ્ણુ શર્માને કુટિલ માનવસ્વભાવનું જે જ્ઞાન હોય તે, પણ એણે આ પ્રાણીજગતનું જે ચિત્રણ કર્યું છે, તે જોતાં તો તેને પ્રાણીઓના અભયારણ્યના મહાનિરીક્ષક નીમી શકાય. વિષ્ણુ શર્મા માટે સિંહ માત્ર સિંહ નથી એક જાતિવાચક નામ. સિંહનું નામ હોય વજ્રદંષ્ટ્ર સિંહ કે પછી મદોત્કટ સિંહ કે પછી ભાસુરક સિંહ. પશુઓ, પંખીઓ, પ્રાણીઓ બધાં સંજ્ઞાવાચક, પોતાનું યથાયોગ્ય નામ ધરાવતાં. એટલે સુધી કે માથામાં રહેતી જૂનું પણ નામ, અને તે પણ કેવું જાણે સંસ્કૃત આચાર્યોએ વર્ણવેલી કોઈ રૂપગર્વિતા નાયિકાનું નામ – ‘મંદવિસર્પિણી’. એ મંદવિસર્પિણી (ધીરે ધીરે સરનાર, યથાનામ તથા ગુણ.) જૂ રાજાના સુંદર શયનસ્થાને રહેતી હોય. જોડે રહેતો હોય માકણ – એનું નામ અગ્નિમુખ.

ચકલાનું નામ હોય કપિંજલ, ઊંટનું નામ હોય ચિત્રકર્ણ, સસલાનું નામ હોય શીઘ્રગ (જલદી ચાલનાર), તો બીજા સસલાનું નામ હોય વિજયદત્ત. ઉંદરનું નામ હોય હિરણ્યક, બિલાડાનું નામ હોય તીક્ષ્ણદંષ્ટ્ર, કાચબાનું નામ હોય કમ્બુગ્રીવ, દેડકાનું નામ હોય મેઘનાદ. એક પક્ષી એનું નામ કાષ્ઠકૂટ. (કરકરિયો કુંભાર હશે?) એક સર્પ એનું નામ મંદવિષ. કાગડાનું નામ લઘુપતનક. ક્યાંક એ કાગડો બિરુદ પામ્યો હોય વાયસરાજનું. પંચતંત્રના પેલા તળાવમાં રહેતાં ત્રણ માછલાંનાં નામ તે કેવાં! અર્થ સમજવા માથું ખંજવાળવું પડે અને આખી વારતા સાંભળો પછી નામ સાર્થક લાગે. એક માછલાનું નામ અનાગત- વિધાતા, બીજાનું નામ પ્રત્યુત્પન્નમતિ અને ત્રીજાનું નામ યદ્ભવિષ્ય. અહીં હું એ વારતા કહું એવી તો આપ અપેક્ષા નહિ જ રાખતા હો. વાત એ છે કે એ વિષ્ણુ શર્મા માટે આ દરેક પશુ–પ્રાણી–પંખી–જંતુ બધાને પોતાની ઓળખ હતી, અસ્મિતા હતી. આપણે માટે ઘણુંખરું પ્રાણીઓ, માત્ર જાતિવાચક. ગામડામાં અમે અમારાં ચતુર્પાદ પરિવારસભ્યોને કંઈક ને કંઈક નામ આપતા.

આ નામોની શૃંખલામાં ક્યાં બંધાઈ ગયો પાછો! આપણે વાત તો શિયાળની કરતા હતા. વિષ્ણુ શર્માએ એક શિયાળને નામ આપ્યું છે ચતુરક. પણ ક્યારેક એની ચતુરાઈ એટલી વધારે લાગી કે એને નામ આપ્યું મહાચતુરક. ક્યાંક ક્યાંક મને એવું લાગ્યું છે કે વિષ્ણુ શર્માને પણ શિયાળ માટે પૂર્વગ્રહ છે. શું ચતુર હોવું એ કાંઈ ગુનો છે? વિષ્ણુ શર્માના વિદેશી લેખકમિત્રોએ પણ શિયાળ માટે પૂર્વગ્રહ બતાવ્યો છે. ‘રેના ધ ફૉક્સ’ની વારતાઓ કદાચ પંચતંત્રના ગોત્રની છે. પણ કહે છે કે વિદેશની આ બધી વાતો, પેલા ડાહ્યા ગણાતા ઈસપની પણ મૂળે આપણા વિષ્ણુ શર્મા પાસેથી ઉછીની લઈ પચાવેલી છે. ઘણી બધી વાતોમાં વિષ્ણુ શર્માએ નીતિજ્ઞાન આપવાના હેતુથી શિયાળની ચતુરાઈ શિયાળને ભારે પડી જાય છે, એવું વારતાને અંતે આવે એમ નિરૂપ્યું છે. મરેલા સૂવર અને ભીલને છોડી લોભથી પહેલાં ધનુષ્યની ચામડાની પણછથી ખાવાનું શરૂ કરવા જતાં જેનું તાળવું તૂટી જાય છે એવું શિયાળ કે પછી ગળીના રંગથી રંગાયેલું રાજા બની જતું શિયાળ.

આ ગળીના વાસણમાં પડી જતાં ‘નીલીભાડે પતિતઃ શૃગાલઃ’ શિયાળનું નામ મને બહુ ગમી ગયોલું છે. એનું નામ ચંડરવ. તીક્ષ્ણ લાળીથી રાતના અંધકારને ચીરી નાખતા શિયાળનું નામ ચંડરવ યોગ્ય જ છે. એ ગળીથી રંગાયેલો ચંડરવ શિયાળ ચતુરાઈનો ઉપયોગ કરી પોતાના આ નવા ભૂરા રંગથી રાજા તો બની બેઠો, પણ આ રોજ રાતે લાળી કરવાની એની ટેવે એના મૂળ રૂપને પ્રકટ કરાવી દીધું. પહેલાં તે કોઈ રીતે એનું મૂળ રૂપ કળાય નહિ, એવી ચતુરાઈથી એ રાજ ચલાવતો; પણ પછી એના વિરોધીએ અનુમાન કરી બીજાં શિયાળવાં ભેગાં કર્યાં. જેવી એ શિયાળવાંએ લાળી શરૂ કરી કે ગળીના રંગથી રંગાયેલા શિયાળ રાજાથી રહેવાયું નહિ અને એ પણ રાજપદની માનમર્યાદાનું ઉલ્લંઘન કરીને પોતાના સ્વભાવને પ્રકટ કરી મોટેથી હુકો…હુકો… કરી ઊઠ્યો – ઓછામાં પૂરું ચંડરવ જેનું નામ.

વાત એમ છે કે, કેટલાય વખતથી જેને સાંભળવા હું વ્યગ્ર બની જાઉં છું, તે અધરાતે-મધરાતે સંભળાતો શિયાળનો હુકો… હુકો… રવ. કેટલાય વખતથી આ રવ યુનિવર્સિટીના વિસ્તારમાં સાંભળવા મળતો નથી. ક્યાં ગયાં એ બધાં ચંડરવ શિયાળ? ક્યાં ગયાં, શું દૂરની સીમમાં જતાં રહ્યાં? પણ આ ધીમે ધીમે આજુબાજુની સીમને ગ્રસી રહેલા નગરને હવે સીમ ક્યાં છે? તો ક્યાં ગયાં? એ રોજ રાતે વિજ્ઞાનભવનની ઝાડીઓમાંથી નીકળી ચાંદનીના અજવાળામાં કે અંધકારમાં આસપાસ પાડોશમાં યુનિવર્સિટીના ખુલ્લા વિસ્તારમાં ભમતાં અને રાત્રિમાં પહોર-પહોરનાં ચોઘડિયાં બજાવતાં શિયાળ ક્યાં ગયાં? આ વિસ્તારમાંથી શું એમનો વંશવેલો ઊખડી ગયો? ના, એ શિયાળની મને હવે શૈશવી બીક નથી લાગતી. ના, એ શિયાળની કૂટનીતિવાળી ચતુરાઈની જરા સરખી કૈશોર-નફરત મને નથી, પણ એ બધાં શિયાળ હવે મારી પાડોશમાં ક્યાં છે? એટલે ઘણી વાર અધરાતે-મધરાતે મારું મન એ શિયાળો માટે રડે છે. મારા કાન વિકલ બને છે, એમને અંધકારભેદી ચંડરવ સાંભળવા માટે.

ચંડરવ શિયાળ, તમે બધાં ક્યાં છે?

ઉત્તર નથી.

૧૯૯૦

License

શાલભંજિકા Copyright © by ભોળાભાઈ પટેલ. All Rights Reserved.

Share This Book