હમણાં હું નગીનદાસ પારેખને પ્રણામ કરીને આવ્યો છું. આજ ૩૦મી ઑગસ્ટને દિવસે તેઓ જીવનનાં ૮૫ વર્ષ પૂરાં કરી ૮૬મા વર્ષમાં પ્રવેશ કરે છે. ૧૯૦૩માં એમનો જન્મ. એ રીતે તેઓ આ વીસમી સદીના સમવયસ્ક સાથી છે; પણ એક વિરલ સાથી. બીજા કોઈ વિશેષણના અભાવે આપણું પ્રાચીન ઋષિકુલની પરંપરાના તપસ્વી કહી શકીએ.
શિક્ષણ અને સાહિત્ય એમના તપનાં ક્ષેત્ર છે, જેની પશ્ચાદ્ભૂમાં છે રાષ્ટ્રભાવના. ના, એ કોઈ નેતા નથી, જીવનમાં અનેક વર્ષે સ્વતંત્રતાની ચળવળ વખતે જેલમાં ગાળવા છતાં ‘સ્વાતંત્ર્ય-સેનાની’નું પેન્શન લેતા નથી. કોઈ સંસ્થાનું પ્રમુખપદ શોભાવવાનું તો દૂર, એ આવાં પદોથી દૂર જ રહ્યા છે.
ગાંધી-વિચારમાં શ્રદ્ધા ધરાવનાર અનેક વ્યક્તિઓના સંપર્કમાં આવવાનું થયું છે. શિક્ષણ અને સાહિત્યના ક્ષેત્ર વચ્ચે તો છું; એટલે આ ક્ષેત્રોની સંખ્યાબંધ નામાંકિત વ્યક્તિઓનો પણ પરિચય છે. પરંતુ શ્રી નગીનદાસ પારેખ જેવી નખશિખ સદાચારી, સત્ય-આગ્રહી વ્યક્તિ જોવા મળી નથી.
નગીનદાસ પારેખ મંદિરમાં જતા નથી. મંદિરમાં કદાચ જાય તો પોતાના બે હાથને કઈ સ્થિતિમાં રાખવા એવો પ્રશ્ન એમને થાય છે; કારણ કે મંદિરના દેવને એ હાથ જોડી પ્રણામ કરી શકતા નથી. ઈશ્વર છે તો છે, પણ એવા કોઈ ઈશ્વર પ્રત્યે ઉપાસનાનો કે ભક્તિનો ભાવ અનુભવી શકતા નથી. એ રીતે એ એક એવા બૌદ્ધિક છે, જેમનો ઈશ્વર સત્યનિષ્ઠા અને પ્રામાણિક જીવનચર્યામાં સમાવિષ્ટ થઈ જાય છે. એક શબ્દનું પણ આમતેમ નહિ, એક પૈસાનું પણ આમતેમ નહિ, સત્ય અને પ્રામાણિકતા બાબતે કદી કોઈ સમાધાન નહિ, કોઈ દ્વિધાભાવ નહિ. વ્યવહારુ માર્ગ પણ નહિ. ગ્રંથનિર્માણ બોર્ડ સાથે શબ્દસૂચિના નવા પારિશ્રમિક માટે બોર્ડે કરારભંગ કરતાં એમણે સમગ્ર ગ્રંથના પારિશ્રમિકની રૂપિયા દશ હજાર કરતાંય વધારેની રકમ પોતે અડક્યા પણ નહિ અને સાહિત્ય પરિષદને બારોબાર આપી દીધી. અને એમની પાસે કંઈ બહુ ‘દ્રવ્ય’ નથી. એ રીતે આપણા યુગના તથાકથિત બૌદ્ધિકોથી તેઓ ઘણા ન્યારા છે.
ક્યારેક કહે – ચમત્કારો આ દુનિયામાં થાય છે; થતા હશે. એ ખોટા છે, એમ હું કહેતા નથી. સાંઈબાબાના ફોટા પર ભસ્મ દેખાય, કોઈના હાથમાંથી કંકુ ખરે એમ બને. પણ એને આધ્યાત્મિકતા સાથે કોઈ સંબંધ હું જોતો નથી.
શ્રી નગીનદાસને મળવા જનાર બહુ લોકો નથી. ક્યારેક એમનાથી વયે બે વરસે મોટા દેશપાંડે દાદા (હા-જી ડિક્શનરીવાળા) એમને ત્યાં ચાલતા આવી જાય, ક્યારેક ધીરુભાઈ દેસાઈ (વિદ્યાપીઠવાળા), પણ એ બધા એમની વયના. એમના પરમ મિત્ર વિદ્વાંસ તો ચાલ્યા ગયા. હા, તોય કોઈ એમને મળવા જાય તો એમના ઘરમાં પ્રવેશતાં એ જોશે કે નગીનદાસ ટેબલ પર લખવામાં વ્યસ્ત છે, કે વાંચવામાં ડૂબેલા છે. હાથમાં પેન હોય, વાંચતી વખતે પણ લીટીઓ દોરતા જાય, જે એમને મહત્ત્વનું લાગે. ક્યાંક મુદ્રણની ભૂલ સુધારી લે, ક્યાંક પ્રશ્નાર્થ કરે. ભૂલ હોય. હાથા વગરની લાકડાની ખુરશી પર કાટખૂણે સીધા બેઠેલા હોય. એમની પાતળી કરોડરજ્જુ કદી વળી જતી નથી. હાથા વગરની ખુરશી એટલા માટે કે હાથને ખોટો આરામ ન મળી જાય. એમને મળો એટલે પૂછે — કેમ આવવું થયું? કામની જ વાત. કામ પૂરું થયા પછી તમે બેસી રહી શકો નહીં. એ કશીય ઔપચારિકતા કે મિથ્યા વિવેકમાં સરી પડતા નથી. એટલે ઘણો સમય બચાવે છે, જે લેખન-વાચનમાં વપરાય છે. ઘણીખરી સાહિત્યસભાઓમાં, વ્યાખ્યાનોમાં જાય, થોડા સમય પહેલાં પહોંચીને બેસી ગયા હોય; પણ સભા પૂરી થાય કે રસ્તા ઉપર હોય.
સાડા-આઠ દાયકાનું એમનું જીવન એટલે અવિરત શબ્દયોગ. જીવનનાં ૫૦ વર્ષ તો રીતસર શિક્ષણનું કામ કર્યું, એ તો ખરું જ. એમણે અનુવાદ અને મૌલિક થઈ ૧૩૧ જેટલા ગ્રંથો અાપ્યા છે. આ ગ્રંથો એટલે ગુજરાતી ભાષાનું વિશુદ્ધ તેજ. એમના જેટલી નિષ્ઠાથી ભાગ્યે જ કોઈએ ગુજરાતી ભાષાને ખેડી હશે. સર્જકોએ ભાષાનાં નવાં રૂપ ભલે પ્રકટાવ્યાં હશે, પણ નગીનદાસ પારેખ તો શબ્દના પારેખ છે. એક એક શબ્દ માટે એમને ઝઝૂમતા જોયા છે. એમના લખવાના ટેબલ ઉપરના ઘોડાના ખાનામાં વ્યવસ્થિત રાખેલા ૪૦ કરતાં વધારે જુદા જુદા પ્રકારના શબ્દકોશ છે. જરા શંકા પડતાં જરાય આળસ વિના એ ઉથલાવે, વળી બીજા કોશમાં જુએ. ઘણી વાર અનુવાદ કરતા હોય ત્યારે મૂળ લેખકની ભૂલો કાઢવાના અનેક દાખલા છે. દર્શનશાસ્ત્રોના મહાન પંડિત સુરેન્દ્રનાથ દાસગુપ્ત જેવાને પણ કાન પકડવા પડેલા. નગીનભાઈએ એમના ‘કાવ્યવિચાર’ પુસ્તકનો અનુવાદ કરેલો. ભૂલો કાઢી. ક્યારેક આપણે કોઈ શબ્દનો એમને અર્થ પૂછ્યો હોય, અને એમણે અર્થ કહ્યો હોય, પછી આપણે તો આગળ ચાલીએ, એ એ જ સાંજે કે વળતી સવારે શક્ય હોય તો તમારે ત્યાં આવી [હવે ટેલિફોનથી] નવો વિકલ્પ સૂચવે. શબ્દાર્થ બરાબર ન થયો હોય તો એમને ઊંઘ ન આવે. કહે, રાતે સૂતી વખતે વિચારતાં લાગ્યું કે આમ નહીં પણ આમ જોઈએ. સત્યની ઉપાસનાનો જ આ પ્રકાર ને?
સતત કર્મરત આ તપસ્વીને પૂછીએ કે હમણાં તબિયત કેમ રહે છે? તો કહેશે હમણાં હાથ પર કંઈ કામ નથી. કામ ન હોય તો માંદા પડી જવાય છે! એટલે રેંટિયો કાંતે, આંખે ઓછું ભળાય એટલા જાડા કાચની મદદથી વાંચી થોડો થોડો અનુવાદ કરે. ૮૫ વર્ષે પણ નવા વાચન માટે એટલા જ ઉદગ્ર. પોતાને ગમતું નવું પુસ્તક આજે પણ મંગાવે. વાંચી જાય.
નગીનદાસ એટલે રાષ્ટ્રીય ચળવળના ગાળાની ગૂજરાત વિદ્યાપીઠ અને ગુરુદેવના વખતના શાંતિનિકેતનનો અદ્ભુત સમન્વય, એટલે કે ગાંધીજી અને રવીન્દ્રનાથનો સમન્વય. આ સમન્વય માત્ર વિચારચર્યા કે સાહિત્યચર્યા સુધી સીમિત નથી, એ એમની જીવનચર્યામાં વણાઈ ગયો છે. એ જેવા સત્યોપાસક છે, એવા સૌન્દર્યોપાસક છે. એક વખતે ગુજરાત યુનિવર્સિટીના સેનેટ હૉલમાં સભા પૂરી થતાં બહાર નીકળ્યા ને રાત પડતી હતી ત્યાં બરાબર સામે પૂનમનો ચંદ્ર ઊગી રહ્યો હતો. મેં નગીનદાસનું ધ્યાન દોર્યું: મારા મનમાં આવી બધી બાબતમાં એમનું ધ્યાન ન પણ જતું હોય – તે કહેઃ બહાર નીકળતાં પહેલાં ચંદ્ર પર જ મારી નજર ગયેલી. બીજનો ચંદ્ર તો હું યાદ રાખીને જોઉં જ. યાદ આવ્યું, કાકાસાહેબના અંતેવાસી રહી ચૂક્યા છે નગીનદાસ. પ્રકૃતિના સૌન્દર્ય પ્રતિ અનુરક્ત હોય એમ કહેવાનું હોય અને કાવ્યના સૌન્દર્યના પણ એવા ઉપાસક-સાધક છે આ ગાંધીવાદી અધ્યાપક. એ બાબતે એ પાઠકસાહેબ – રસિક કાવ્યમીમાંસકના અંતેવાસી છે. એમના જેટલી કાવ્યચર્ચા ગુજરાતીમાં બહુ ઓછાઓએ કરી હશે. એમણે ઉત્તર ગાંધીજીને અને રવીન્દ્રનાથને ગુજરાતીમાં ઉતાર્યા છે.
શાળામાં ભણતા ત્યારથી રાષ્ટ્રીય ભાવનાનો સ્પર્શ થયેલ. એ વખતમાં એમણે નિશાળમાં ત્રણ વખત હડતાળ પડાવેલી, તેમાં છેલ્લી વખતે તો ટિળક મહારાજના અવસાન પ્રસંગે, ગાંધીજીએ આપેલા અસહકારના એલાન પછી નિશાળ છોડી દીધી. નગીનદાસ શાળાના તેજસ્વી વિદ્યાર્થી. આચાર્યે તેમને નિશાળે બેલાવવા અને મૅટ્રિકનું ફૉર્મ ભરાવવા માથાકૂટ કરી. ‘કેરિયર ખલાસ થશે’. એમણે કહ્યું. ‘કેરિયર-ફેરિયર હું સમજતો નથી’. કિશોર નગીનદાસે ઉત્તર આપેલો. આચાર્યે કહ્યું : ‘હજી ફૉર્મ મોકલવાના દસ દિવસ છે, તું છેલ્લે આવીશ તો તારથી તારું ફૉર્મ મોકલીશ.’ પણ નગીનદાસ જેનું નામ. નિશાળમાં ગયા જ નહિ. એક વાર એક વાતચીતમાં મને કહે — ‘હું કોઈને કહું કે તું ખસી જા, નહીંતર ઢેખાળો મારીશ અને જો ન ખસી જાય તો હું ઢેખાળો મારું જ — નહીંતર અમસ્તું બિવડાવવા હું ન કહું.’ આ ચારિત્રિક દૃઢતા તેમનામાં આજીવન રહી છે.
નગીનદાસ મૅટ્રિકને બદલે રાષ્ટ્રીય સંસ્થા ગૂજરાત વિદ્યાપીઠની ‘વિનીત’માં બેઠા અને પછી ગૂજરાત વિદ્યાપીઠના છાત્ર બન્યા. આજે જે કોઈ નગીનદાસને મળે એ ભાગ્યે જ વિચારી શકે કે આ અતિ ઓછાબોલા સતત ગંભીર લાગતા અત્યંત કર્મઠ માણસમાં એક ટીખરીખોર બેઠેલો છે. વિદ્યાપીઠમાં અનેક બૌદ્ધિક તોફાન એમના મનમાં જાગતાં અને કાર્યમાં પરિણત થતાં. પ્રતિકાવ્યો અને વ્યંગ-વિનોદની રચનાઓમાં આગળ પડતા. આપણા ‘સ્નેહરશ્મિ’ એમના સહાધ્યાયી, અનેક વાર એમની કવિતાઓની નગીનદાસ પેરડી કરે.
એક વાર સ્નેહરશ્મિએ પોતાનું કાવ્ય ગાયું :
રજનીના ઓરા આવે સાહેલડી
અધિકારના દૂર પડઘા પડે…
નગીનદાસનો વારો આવતાં એમણે ચરોતરી બાલી અને ચરોતરના મિત્રોને વણી લઈ એ જ ઢાળમાં ગીત ગયું :
આણંદના ઓળા આવે સાહેલડી!
ચરોતરના દૂર પડઘા પડે!
બાપલિયા બાપલિયા બોલે સાહેલડી
ચ્યોં હેંડ્યા? ચ્યોં હેંડ્યા? કાને પડે…
નગીનદાસની છાત્રમંડળી વિદ્યાપીઠમાં પણ ‘ગિલેન્ડર ક્લબ’ તરીકે જાણીતી. આ ગિલેન્ડર ક્લબનો ધ્યાનમંત્ર એમણે બનાવી આપેલો.
અગર હૈ શેખ જીનેકા
હરદમ મ્હું ચલતા જા
ગિલન્ડર તૂ કહાતા જા x x
તૂ ડાચાફોડ લજ્જા છોડ,
રીતિ ડાલ પાનીમેં
પકડ રસ્તા ગિલંડરકા
નરમ સબકો તૂ કરતા જા.
એ વખતની વિદ્યાપીઠ એટલે ત્રીજા દશકની વિદ્યાપીઠ, વિદ્યાની પીઠ-સ્થાનક હતી. આચાર્ય ગિદવાણી, આચાર્ય કૃપાલાની, રામનારાયણ પાઠક, પંડિત સુખલાલજી, ધર્માનન્દ કોસંબી, ૨. છો. પરીખ, કાકા કાલેલકર… કેવાં અધ્યાપકરત્નો! નગીનદાસે બંગાળી મુખ્ય વિષય રાખેલો. એમના અધ્યાપક હતા ઇન્દ્રભૂષણ મજુમદાર. ૧૯૮૨માં કલકત્તામાં ડમડમમાં મજુમદારને ૯૦ વર્ષના ગુરુ અને ૮૦ વર્ષના આ શિષ્યનું મિલન જોવાનું સદ્ભાગ્ય મને મળ્યું હતું.
એક રીતે નગીનદાસે આખા ગુજરાતને, એટલે ગુજરાતમાં જે શીખ્યા એમને બંગાળી શીખવ્યું છે. વિદ્યાપીઠથી એ શાંતિનિકેતન ભણવા ગયા. ૧૯૨૫નું એ વર્ષ. શાંતિનિકેતન એના ઉત્કર્ષના દિવસોમાં. ત્યાં આચાર્ય ક્ષિતિમોહન સેનના પ્રીતિપાત્ર. પરંતુ શાંતિનિકેતનમાંથી એ ‘રસિક’ તરીકે જાણીતા. ‘રસિક’ એટલે ટીખરીખોર, ટાગોરના કાવ્યની પણ પેરડી કરે.
ટાગોરનું પ્રસિદ્ધ ગીત છે:
આમાર રાત પોહાલો શારદ પ્રાતે
બૉશિ આમિ દિબો તોમાય કાહાર હાતે
(શરદની સવારે મારી રાત પૂરી થઈ. તે વાંસળી! હું તને કોના હાથમાં આપી જાઉં?)
નગીનદાસે બંગાળીમાં પ્રતિગીત કહ્યું:
આમાર ભાત ફુરાલો શારદ પ્રાતે
બારિ આમિ દિવો તોમાય કાહાર હાતે
(મારા ભાત ખલાસ થઈ ગયા, વાડકી! હું તને કોના હાથમાં આપી જાઉં?)
૧૯૨૫માં શાંતિનિકેતનમાં અભ્યાસ પૂરો કરીને આવ્યા પછી ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાયા. ત્યારથી શિક્ષણ અને સાહિત્યને પોતાની કારકિર્દી બનાવ્યાં. એચ. કે. કૉલેજમાં પછી ઉપાચાર્ય તરીકે કામ કરેલું. પોતાને એ શિક્ષક જ માને છે, કદીય વિદ્વાન માનતા નથી. રાષ્ટ્રીય ચળવળ વખતે અનેક વર્ષ એમણે કારાવાસ વેઠેલો છે, પરંતુ જેલોમાં પણ સ્વાધ્યાયયજ્ઞ ચાલે. પોતે શીખે, બીજાને શીખવે. અનેકોને જેલમાં બંગાળી શીખવ્યું. રવીન્દ્રનાથના સાહિત્યના અને બંગાળી સાહિત્યના ગુજરાતીમાં ઉત્તમ અનુવાદો આપ્યા અને અનુવાદકો તૈયાર કર્યા. શ્રી ઉમાશંકર જોશી, રમણલાલ સોની, ભોગીલાલ ગાંધી એમની પાસે બંગાળી શીખેલા. મારા જેવા અનેકને પણ એમની પાસેથી બંગાળીનું શિક્ષણ મળ્યું છે. રવીન્દ્રનાથ સાથે ગાંધી સાહિત્યનું પરિશીલન પણ ચાલે. એના પરિણામ રૂપે હમણાં જ ‘ગાંધીજી : કેટલાક સ્વાધ્યાયલેખો’ નામનું પુસ્તક એસ. એન. ડી. ટી. યુનિવર્સિટીમાં પ્રકાશિત કર્યું છે. રવીન્દ્રનાથ અને શરદબાબુનાં પુસ્તકોના અનુવાદ તે એમણે આપ્યા, ઉપરાંત ‘ન હન્યતે’, ‘સ્વર્ગની લગોલગ’ જેવા અનુવાદો આપ્યા. જરાસંધનું ‘ઊજળા પડછાયા, કાળી ભોંય’ પણ વિશિષ્ટ પુસ્તક છે. અનુવાદક તરીકે એમણે ગુજરાતને ચરણે ધરવા જેવાં ઉત્તમ પુસ્તકો જ પસંદ કર્યાં. અનુવાદના ક્ષેત્રમાં એમનું શકવર્તી કામ તો બાઇબલનો સંપૂર્ણ અનુવાદ દાયકાઓ સુધી ફાધર ઈશુદાસના સહયોગમાં એ કામ ચાલેલું. એમણે ‘કિશોર’ અને ‘બુદ્ધિપ્રકાશ’નું સંપાદન પણ સંભાળેલું.
નગીનદાસના સમગ્ર વ્યક્તિત્વ અને કૃતિત્વની મહત્ત્વની બાજુ તે નિષ્ઠા અને વ્યવસ્થા. આંતરબાહ્ય એક નગીનદાસ. જે બોલે તે કરે. જે કરે તે બોલે. કોઈનીય શેહશરમ નહિ. આખાબોલા લાગે, કડવા પણ લાગે. કોઈની પાસે કશાયની અપેક્ષા ન રાખે. પોતાની જરૂરિયાતો જ એટલી ઓછી રાખે કે બીજાના મોં સામે જોવાનો વારો ન આવે. મહિને માત્ર સાઠ રૂપિયામાં પણ વર્ષો સુધી સંસાર ચલાવ્યો છે. સ્વાશ્રયી પણ એવા જ. પોતાનાં કપડાં પોતે ધોઈ લેતા મેં એમને જોયા છે; પણ એ પ્રક્ષાલનકાર્યમાં પણ એ જ નિષ્ઠા, જે રવીન્દ્રનાથની કવિતાના અનુવાદમાં કે અભિનવગુપ્તના કાવ્યશાસ્ત્રની વિવૃત્તિમાં જોવા મળે. કપડું બરાબર ધોવાય, પછી બરાબર સૂકવાય, પછી બરાબર વળાય. કશુંય લઘરવઘર નહિ. ૧૯૮૦માં એ વખતના વિશ્વભારતીના આચાર્ય ઉમાશંકર જોશીના આમંત્રણથી અમે શાંતિનિકેતન ગયેલા અને પૂર્વપલ્લી અતિથિગૃહમાં ઊતરેલા. તેમણે પોતાનાં કપડાં ધોયાં. મને કહ્યું : સૂકવી આવો. હું વચ્ચેના ખુલ્લા ચોકની દોરી પર મારી રીતે તો બરાબર રીતે સૂકવી આવ્યો. થોડી વાર પછી એ બહાર નીકળ્યા હશે. પછી ઓરડામાં આવીને મને કહે: નાપાસ. હું ચમક્યો. કહે, તમને બરાબર કપડાં સૂકવતાં આવડતું નથી. પછી એમણે કપડાં બરાબર કેમ સૂકવવાં એ મને શીખવેલું. વ્યવસ્થા એવી કે અંધારામાં વસ્તુ શોધી આપે. એમના મેજનું ડ્રોઅર ખોલો તો બધું વ્યવસ્થિત. ખોળંખોળા ક્યારેય નહિ. શ્રી ઉમાશંકરભાઈ એમના પાડોશી છે, એમને પોતાની ચોપડી પોતાને ત્યાંથી ન મળે, પણ નગીનભાઈને ત્યાંથી મળી જાય.
અત્યંત વિનમ્ર છે નગીનદાસ. પોતાની સિદ્ધિઓની કોઈ બડાઈ નથી. સાહિત્ય અકાદમીનો એમને ઍવૉર્ડ મળ્યો છે અને કલકત્તાના ટાગોર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે એમને ‘રવીન્દ્ર તત્ત્વાચાર્ય’ની ઉપાધિ આપી છે, પણ આ ઍવૉર્ડ કે ઉપાધિથીય શું? નગીનદાસ નગીનદાસ છે.
આપણી વચ્ચે રહેલા આપણા આ મહાન સમકાલીનના ૮૬મા જ વર્ષમાં પ્રવેશ વખતે આપણે સૌ એમનું અભિવાદન કરીએ છીએ, અને આ વીસમી શતાબ્દીની સાથે પોતાની શતાબ્દી પૂરી કરે એવી ઇચ્છા કરીએ.
૩૦-૮-૮૮