અરણ્યમાં રહેતા આપણા ઋષિઓએ ઈશ્વરને વૃક્ષની ઉપમા આપી છે : વૃક્ષ ઇવ સ્તબ્ધો દિવિ તિષ્ઠત્યેકાઃ કદાચ હિમાલયમાં ઊંચાં સ્તબ્ધ દેવદારુ વૃક્ષો રોજે જોતાં જોતાં ઈશ્વરની વાત કરવાની આવી તો આ ઉપમા સહેજે સૂઝી આવી હશે, જેમ દોડતી સરિતાઓને જોઈ ગાયોની ઉપમા.
આવી કોઈ ઉપમા પ્રશાંત મહાસાગરને કિનારે સાન ફ્રાન્સિસ્કોથી ઉત્તરે ઓરેગોન જતા માર્ગે ઊભેલાં રેડવુડનાં જંગલોમાંથી પસાર થતાં કોઈક સહૃદયની મુગ્ધતામાં આકાર પામે તો નવાઈ નહિ, એવું લાગેલું.
થોડા મહિનાઓ પહેલાં આપણા પ્રસિદ્ધ ફોટોગ્રાફર અશ્વિન મહેતાએ સાન ફ્રાન્સિસ્કોથી મોકલેલું એક ફોટોકાર્ડ જોતાં પાછળ પત્ર રૂપે લખેલી એમની પંક્તિઓ વાંચવાનું ભૂલી ફોટામાંનાં વિરાટ રેડવુડનાં થડિયાં વચ્ચે પુષ્પિત રોડોડ્રેનડનનાં રંગીન ફૂલો જોતો રહ્યો. થોડી વાર પછી તો માત્ર મારી નજર એ તસવીર પર હતી અને હું પહોંચી ગયો. યુ.એસ. ૧૦૧ નંબરના હાઈવે પર. કદાચ એનું બીજું નામ રેડવુડ હાઈવે, જ્યાંથી એક સ્થળે જરા અંદર વળતાં ડ્રાઇવ થ્રુ રેડવુડ પાર્કમાં પ્રવેશતાં રેડવુડનું અડાબીડ જંગલ.
ગગનચુંબી વૃક્ષ એટલે કેટલું ઊંચું તો આ રેડ-વુડનાં ઊંચે ને ઊંચે ગયેલાં વૃક્ષો જોતાં સમજાય. એવા એક ગર્વોન્નત રેડવુડ પાસે ઊભા રહી એને થડિયે હાથ ફેરવી ઊંચે નજર કરતાં ઉદાત્તનો અનુભવ.
આકાશમાં ૩૧૫ ફૂટ પ્રવેશી ગયેલા એ રેડવુડનો ઘેરાવો જ ૨૧ ફૂટનો હતો. ગૌતમ બુદ્ધને જે બોધિવૃક્ષ નીચે સંબોધિ પ્રાપ્ત થઈ તે હજી આજેય હોત તો આ રેડવુડને પોતાની વયનો સહોદર મળ્યો હોત. ગંગોત્રીથી ગોમુખ ચાલતાં જતાં ભાગીરથીને કાંઠે વયોવૃદ્ધ દેવદારુ વૃક્ષો જોતાં આવો રોમાંચ થયો હતો, પણ પેલું રેડવુડ જે શૅન્ડલિઅર ટ્રી તરીકે ઓળખાય છે, તે તો દેવદારુનાં અગ્રજ.
અમેરિકાના પૂર્વ કિનારે એટલે કે આટલાન્ટિક (અતલાન્ત મહાસાગર)ને કાંઠે ન્યૂ યૉર્ક જેવાં મહાનગરોમાં માનવનિર્મિત ગગનચુંબી ઇમારતો છે, તો પશ્ચિમ કિનારે એટલે ક પૅસિફિક-પ્રશાંત-મહાસાગરને કાંઠે જાણે કે આદિકાળમાં સ્વયં ઈશ્વરે વાવેલાં (એવો ભાવ એક કવિતામાં છે) આ ગગનચુંબી રેડવુડ છે. આમેય સાન ડિયાગોથી ઓરેગાંન સુધીનો આ આઠસો માઈલનો કિનારો પ્રાકૃતિક સાગરીય સૌંદર્યથી ભરપૂર છે. એ કિનારાની આસપાસ સાન ફ્રાન્સિસ્કો, લૉસ ઍન્જેલિસ (જ્યાં પ્રસિદ્ધ રમ્ય સ્થળ હોલિવુડ છે.) જેવાં નગરોથી શોભતા કેલિફોર્નિયા રાજ્યની સમૃદ્ધિને લીધે એ ‘ગોલ્ડન કોસ્ટ’ તરીકે ઓળખાય છે. ખુદ કૅલિફૉર્નિયા સુવર્ણરાજ્ય તરીકે ઓળખાય છે. મારે સુવર્ણ શબ્દ વચ્ચે નહોતો લાવવો. ભૌતિક રીતે સમૃદ્ધ અમેરિકાની તો શી વાતેય કરવાની હોય ભલા! પણ જે પ્રાકૃતિક પ્રાગૈતિહાસિક સૌંદર્ય આ કાંઠે છે તેણે તો વિશ્વના પ્રકૃતિપ્રેમીઓને ઘેલું લગાડ્યું છે. એવો કોઈ ઉત્તમ તસવીરકાર નહિ હોય જેણે આ કાંઠે આવેલા ‘બિગ સૂર’ તરીકે જાણીતા સ્થળના ફોટોગ્રાફ લેવાની ઇચ્છા ન કરી હોય. પ્રકૃતિ એના નિરાગસ રૂપમાં અહીંના સાગર પહાડ અને અરણ્યાનિમાં વિલસે છે.
આ બધાં સ્થળોએ જવાનું તો બને એમ નહોતું, પણ દરિયા અને બંધુરભૂમિના એ નૈકટ્યના ભૂવિસ્તારને થોડો નજરોમાં પણ ભરી શકાય એવા ખ્યાલથી મેં લૉસ એન્જેલિસથી સાન ફ્રાન્સિસ્કો જવા વિમાનને બદલે ગ્રે-હાઉન્ડની બસ-મુસાફરી પસંદ કરી હતી; પણ અફસોસ, બસ એ દરિયાકિનારાના ઊંચાનીચા, વાંકાચૂંકા પ્રવાસી-પ્રિય માર્ગોથી નહિ, પણ અંદરના સીધા માર્ગેથી જતી નીકળી. ચલો, તો એ આપણા ભાગ્યમાં નથી.
મારા એક મિત્ર વિઠ્ઠલ પટેલ ઉત્તર કૅલિફૉર્નિયાના આર્કેરા શહેરમાં હમ્બોલ્ટ સ્ટેટ યુનિવર્સિટીમાં વર્ષોથી ગણિતના પ્રોફેસર છે. હું અમેરિકા ગયો છું એવી ખબર પડતાં ઘેર અમદાવાદ એમના ભાઈ ઈશ્વરભાઈનો સંપર્ક કરી મારા ત્યાંના વેરએબાઉટ્સ મેળવી સાન ફ્રાન્સિસ્કોમાં ડૉ. મનોજ દેસાઈને ત્યાં હું ઊતરેલો, ત્યાં ફોન રણક્યો : ‘હું આવું છું, તમને લેવા – તમારે આર્કેરા આવવાનું છે.’ હું તો ચકિત.
વહેલી સવારે આર્કેરાથી ઊપડી ત્રણસો માઈલથીય વધારે ગાડી ચલાવી એ સાન ફ્રાન્સિસ્કો આવી પહોંચ્યા, બાજુના યુનિવર્સિટીનગર બર્કલીમાં એ ભણેલા. અહીંની બધી ભૂગોળની ખબર. વિઠ્ઠલ કહે : ‘મારે તમને સાન ફ્રાન્સિસ્કોથી આર્કેરા સુધીનો ભૂમિમાર્ગ, પૅસિફિકના કેટલાક સીસ્કેપ્સ (દરિયાઈ ચિત્રણાઓ) અને ખાસ તો રેડવુડનાં જંગલો બતાવવાં છે.’ ગણિતનો પ્રસિદ્ધ અધ્યાપક વિઠ્ઠલ પોતે એવો પ્રકૃતિપ્રિય. કેટલાં વર્ષો પછી મળતો હતો! મોઢા પરથી હાસ્ય તો છલકાતું રહે. એ વાતો કરતો રહ્યો. અહીંના સમુદ્રની, જંગલની, વચ્ચે ગુજરાત યુનિવર્સિટી હૉસ્ટેલમાં અમે સાથે રહેતા એ દિવસોની વાત જરા ઝબકી જાય એટલું. ક્યાંક બર્કલીમાં ભણવાની મથામણની પણ વાત આવી ગઈ.
સાન ફ્રાન્સિસ્કોનો દુનિયાનાં સુંદર નગરોમાંનું એક હશે. એની વાત તો પછી, પણ એને વિશે રડયાર્ડ કિપ્લિંગની ઉક્તિઓ અહીં જ યાદ કરી લઉં. એણે કહ્યું છે કે સાન ફ્રાન્સિસ્કોનો એક જ દોષ છે, તે એ કે એને છોડવું અઘરું છે. સમુદ્રકાંઠેની ટેકરીઓ પર વસેલા આ નગરનો ઉત્તર તરફનો પુલ પસાર કરી અમે ઉત્તરાયણ કર્યું. ઑગસ્ટ મહિનાનું અનુકૂળ હવામાન, ઉત્સાહમાં ને ઉત્સાહમાં વિઠ્ઠલ એક વાર તો માર્ગ પણ ભૂલી ગયો. પણ આપણે તો ભમવાનું જ હતું ને!
અમેરિકનો પણ ખરા છે. રસ્તે જતાં માણસ ક્યાંય ઊતરે નહિ, તોય આસપાસની પ્રકૃતિ તમારી નજરોને સમૃદ્ધ કરે. યુરોપમાં પણ આના ઘણા માર્ગ. ફ્રેન્કફર્ટથી શરૂ થતો પેલો રોમાંટિક રોડ અને રાઈનને કાંઠે કાંઠે જતી વાંકીચૂકી રેલવે. નદી છેક સુધી નજરમાં રહે. આ રેડવુડ હાઈવે પણ એવો. આપણે ભૂલી જઈએ કે અમેરિકા જેવા આધુનિક દેશમાં છીએ. મોટરગાડીમાં દોડવા છતાં આરણ્યક બની જાય આપણું મન. વિઠ્ઠલ કહે, ‘કેટલામી વાર કેટકેટલી ઋતુઓમાં આ માર્ગે આવ્યો છું : દરેક વખતે જાણે નવો અનુભવ!’
ત્યાં મુખ્ય માર્ગથી માર્ગ જરા ફંટાયો અને જોયું તો રેડવુડ! માત્ર રેડવુડ! દિવસનો પ્રકાશ જાણે અમળાતો લાગ્યો. એક મિસ્ટીરિઅસ છાયા-પ્રકાશ. વિઠ્ઠલ ઘણાં વૃક્ષોને ઓળખતો. ગાડી ઊભી રાખે. અમે રસ્તાથી જરા અંદર જઈ, એ વૃક્ષનું નૈકટ્ય અનુભવીએ. એમ કરતાં અતિપ્રસિદ્ધ શૅન્ડલિઅર ડ્રાઇવ થ્રુ ટ્રી નજીક પહોંચી ગયા. અરે, માર્ગ તો જતો હતો એ રેડવુડના વિરાટ થડ વચ્ચેથી. એટલું પહોળું થડ હતું કે મોટર આવી જઈ શકે એટલો માર્ગ કોતરી શકાય, અને કોતરી કાઢ્યો છે (આ પણ થોડું અમેરિકી માનસ!), પ્રવાસીઓ આ તરફ વધારે આવે એથી.
આ વૃક્ષરાજને તો પ્રણામ કરવા જોઈએ. નીચે ઊતરી એમની જરઠ કાયા ઉપર હાથ ફેરવ્યો ત્યાં મારી નજર પડી. કોઈની ડોકમાં પાટિયું લટકાવ્યું હોય એમ વૃક્ષમાંથી કોતરેલા મોટરમાર્ગની બરાબર ઉપર જડેલું બોર્ડ :
શૅન્ડલિઅર ટ્રી
ઊંચાઈ ૩૧૫ ફૂટ, વ્યાસ ૨૧ ફૂટ
ડ્રાઇવ-થ્રુ-ટ્રી પાર્ક
ઈ.સ. પૂર્વે ૪૦૦થી
મને થયું કે આ તો વૃક્ષરાજનું અપમાન છે. આ પાટિયું ઉખાડી ત્યાં વૃક્ષની સ્વાભાવિક ત્વચાને ફૂટવા દેવી જોઈએ અને આ વિગતો બાજુમાં લખવી જોઈએ. અંદરથી મોટર પસાર થાય એવો માર્ગ કોરી કાઢવો એ પણ એક જાતની બીભત્સતા જ. ભલે ત્યાં ઊભા રહી પ્રવાસી સૌ ફોટા પડાવે. આ રેડવુડ ચક્રવર્તીને આરપાર વિક્ષત કરી એના રાજત્વને ખંડિત કર્યું છે. રાજદેહ પર કોઈ ક્ષત ન હોવો જોઈએ, ટચલી આંગળીએ પણ નહિ.
લગભગ અઢી હજાર વર્ષથી આ ધરતીમાંથી ફૂટી, ત્યાં જ ધ્યાનમાં ઊભું રહી તપ કરે છે આ રેડવુડ. ફ્રેંચ કવિ વાલેરીએ ક્યાંક કહ્યું છે કે દુનિયામાં ખરેખર કોઈ તપસ્યારત હોય તો તે માત્ર વૃક્ષ. આ વૃક્ષરાજ તપસ્વીમુનિથી ઓછા છે? નમોનમ:!
પછી તો આસપાસના વિસ્તારમાં અમે ભમવા લાગ્યા. કેટલા બધા તપસ્વીઓ ઊભા છે! એક જગ્યાએ આ ઊંચાં વૃક્ષોને એકસાથે ઊભાં જોઈ કોઈને કવિતા સૂઝી છે, તે બાજુમાં લખેલી છે. કવિએ એવો ભાવ વ્યક્ત કર્યો છે કે આ રેડવુડનાં વૃક્ષો તો ખુદ દુનિયાના સર્જનહારે વાવેલાં છે. અને હે પાન્થ! જો તારે આ વૃક્ષોના જેવા સીધા, સાચા અને સુન્દર થવું હોય, જગતને પણ દેવાલય જેવું બનાવવું હોય તો જરા નીચે નમ, ઘૂંટણિયે પડ, કેમ કે, God stands before you in these tree — આ વૃક્ષો રૂપે હે પાન્થ! સ્વયં ઈશ્વર તારી સામે ઊભો છે. આ કવિ તો આપણા આરણ્યક ઋષિ નજીક પહોંચી ગયા – વૃક્ષ ઇવ સ્તબ્ધો –
અમે જરા અરણ્યમાં ઊંડા ઊતરતા ગયા. ભેજ-ભીનાશમાં તમરાંના સૂર. ક્યાંક તડકો પડે છે, પણ વધારે તો છાયા. ત્યાં અરણ્ય વચ્ચે એક નદી વહી જતી હતી. અમે નદીમાં પણ ઊતર્યા અને છેક એના પાતળા પ્રવાહ સુધી પહોંચ્યા. આ પટમાં આવીને ઊભા તો ઉપર ખુલ્લું આકાશ દેખાયું અને અહીંથી અંદર એકબીજાની સ્પર્ધામાં ઊંચે ને ઊંચે ગયેલાં વૃક્ષોને જોવાનો પરિપ્રેક્ષ્ય મળ્યો. રાત ઊતરતી હશે ત્યારે આ સરિતાનાં જળ અને વૃક્ષોનાં પર્ણ વચ્ચે મૂંગો સંવાદ ચાલતો હશે.
વળી પાછા વૃક્ષો નજીક ગયા. પાસપાસે ઊભાં છે વિરાટ વૃક્ષો. કેટલી હશે એમની વય? મને મહાભારતના ભીષ્મ, દ્રોણ અને કૃપાચાર્ય કેમ સાંભરી આવ્યા? તમરાંના અવાજમાં એ તપ કરે છે. એમની નજીક ગયા. એમને પ્રણામ કર્યા. બાથે ભીડ્યા. અડોઅડ ઊભી અમારી ‘ઊંચાઈ’ માપી. એ કેટલે ઊંચે ગયાં છે, તે જોવા ડોક પાછળ નમાવી, પણ કેટલી નમે? ઉપરનાં બધાંની ડાળીઓ એકબીજામાં ભળી લીલા છત્ર રૂપે બની ગઈ હતી. ત્યાં એક સ્થળે ધરતી પર બેત્રણ રેડવુડ આડાં પડેલાં. કદાચ સદાકાળ માટે સૂતાં રહેશે. માતા ધરતીએ હજી ઝાલી રાખવાનો પ્રયત્ન કર્યો છે, હજી મૂળિયાં ધરતીમાં છે. ના, રેડવુડ કદીય મરતું નથી, માત્ર રૂપાંતર પામે છે. આડા પડેલા થડિયામાંથી વળી પાછા અંકુર ફૂટે છે. રેડવુડ અમર વૃક્ષ છે.
સાંજનો સમય. અરણ્યના આછા અંધકાર ઉપર ક્યાંક ઑગસ્ટના ભૂરા આકાશના ખંડ, નદી પર તડકો. અમે જ્યાં ઊભા હતા ત્યાં આવવા તડકાને અતિ વાંકા વળીને આવવું પડે. પછી તો અમે જંગલની બહાર નીકળ્યા, નદી સાથે આવી. વળાંકોવાળો પર્વતીય છાયાલુ શીતલ માર્ગ.
લગભગ અંધારું થયે અમે આર્કેરા શહેરમાં પ્રવેશ કર્યો. યુનિવર્સિટી કૅમ્પસ વટાવી ૫૮૦, કૅલિફૉર્નિયા એવેન્યૂ, વિઠ્ઠલનું ઘર. લતિકાએ સ્વાગત કર્યું. મને ઊતરવા આપેલા ખંડની પાછલી બારી વિઠ્ઠલે ખોલી તો પાછળ જંગલ.
મેં વિઠ્ઠલને કહ્યું : ‘આહ! જંગલ અહીં પણ. આ બારી માટે તારી અદેખાઈ આવે છે.’