એક વંટોળિયો નામે ડિરોઝિયો

શિક્ષક કે અધ્યાપક થવું તો કેવા? ઘણી વાર થાય, ડિરોઝિયો જેવા. હેનરી લુઈ વિવિઆન ડિરોઝિયો એટલે એક વંટોળિયો. પ્રસિદ્ધ ફિલ્મ-દિગ્દર્શક ઉત્પલ દત્તે એના ઝંઝાવાતી જીવનને કેન્દ્રમાં રાખીને જે ફિલ્મ ઉતારી છે, એનું બંગાળી નામ છે, ‘ઝડ’. ઝડ એટલે ઝંઝા, વંટોળિયો.

જે સાંજે એ ફિલ્મ જોઈ, એ આખી રાત ઊંઘી શક્યો નહિ. બોલપુરના ચિત્રા થિયેટરની બહાર નીકળ્યા ત્યારે વીજળી જતી રહી હતી અને ફાગણ સુદ ચૌદશની ચાંદની પથરાઈ હતી. સુતપાએ કહ્યું, ચાલતાં જઈએ. બોલપુરથી શાંતિનિકેતનને માર્ગે લગભગ નિર્જનતા હતી. ફિલ્મ જોઈને હું ક્ષુબ્ધ બની ગયો હતો. સુતપા સાથે ૧૯મી સદીના આરંભના કંપની સરકારના બંગાળની વાત ચાલતી હતી. પણ રહી રહીને અન્યમનસ્ક થઈ જવાય. કલકત્તામાં એ સમયને — હિન્દુ કૉલેજમાંથી અધ્યાપક તરીકે બરતરફ થયા પછી દ્રવ્યને અભાવે ઉપવાસી જેવું જીવન જીવતા ડિરોઝિયા પરિવારના અને પછી રર વર્ષના ડિરોઝિયોના મૃત્યુદૃશ્યને ભૂલી શકાતું નહોતું.

ફિલ્મ જોઈને આવી મનની સ્થિતિ કિશોરાવસ્થામાં એક વાર થઈ હતી. વ્હી. શાંતારામની ‘ડૉક્ટર કોટનીસ કી અમર કહાની’ જોયા પછી કિશોરચિત્ત એવું વ્યગ્ર બની ગયેલું કે એ રાતે ઊંઘી શકાયું નહોતું. ચીનમાં ઘવાયેલા દરદીઓની સેવા દરમ્યાન પ્રેમ અને છેવટે ડૉક્ટર કોટનીસનું મૃત્યુ અને મૃત્યુની ક્ષણોમાં ફિલ્મ- નિર્દેશકે કોટનીસની સ્મૃતિચેતનામાં ઊભરાતી દૂર સ્વદેશની બતાવેલી દૃશ્યાવલીએ કિશોરને હલબલાવી દીધેલો. ‘ઝડ’માં ડિરોઝિયોના મૃત્યુદૃશ્યથી એવી સમાંતર અનુભૂતિ વર્ષો પછી અનુભવી રહ્યો હતો.

પછી બીજા બે-ત્રણ દિવસ ગ્રંથાલયમાં ડિરોઝિયો વિશેનાં પુસ્તકો-સંદર્ભો, એણે રચેલાં કાવ્યો ફેંદી વળ્યો.

Henry Louis Vivian Derozio ‘એના આ નામમાં જેટલા અક્ષર છે, એટલાં પૂરાં વર્ષ પણ એ નહીં કાઢે…’ એક છાત્રે પિતાના આ તરુણ શિક્ષકની જ્યારે એક સંન્યાસી સાથે ઓળખાણ કરાવેલી, ત્યારે એ સંન્યાસીએ ડિરોઝિયો વિશે આ ભાખેલું. આ નામમાં ર૩ અક્ષર છે. ૨૩મું વર્ષ પણ ડિરોઝિયોએ પૂરું કર્યું નહીં! ૧૮૦૯માં એ જન્મ્યો હતો. ૧૮૩૧માં તો એ ઊઠી ગયો.

૧૮૨૬માં ડિરોઝિયો એ વખતના રૂ. ૧૫૦ના પગારથી હિંદુ કૉલેજમાં અધ્યાપક તરીકે જોડાયો. ત્યારે કેટલી એની ઉંમર? પણ હિંદુ કૉલેજ એટલે ડિરોઝિયો — એમ કહેવત બની ગયેલો. ડિરોઝિયો હિંદુ કૉલેજનો પર્યાય બની ગયેલો અને એ કૉલેજનો એ વખતનો એકેએક છાત્ર ‘સત્યનો પર્યાય’ બની ગયેલો. ‘આ છોકરો જૂઠું ના બોલે, કેમ કે એ હિંદુ કૉલેજનો છાત્ર છે’ એવી પ્રતિષ્ઠા હતી. ડિરોઝિયોના છાત્રો ડિરોઝિયનો કહેવાતા. કયો શિક્ષક આવું ગૌરવ પામે છે? ડિરોઝિયો અને ડિરોઝિયનો એ વખતના બંગાળના આકાશમાં ચમકતા નવતારકો હતા. અજ્ઞાન, વહેમ, અંધશ્રદ્ધા, જુલમ – આ બધાંનો વિરોધ કરવાનું એમણે આવાહન આપેલું. ડિરોઝિયોએ પોતાના છાત્રોને શીખવ્યું હતું, રૂઢિઓનાં બંધનો ફગાવી દો.

ઓગણીસમી સદીના આરંભના એ દિવસો હતા. કંપની સરકારનું રાજ જામતું જતું હતું. સતી થવાની પ્રથા ચરમસીમા પર હતી. ‘ઝડ’ ફિલ્મમાં જે પ્રથમ પ્રભાવી દૃશ્ય હતું તેમાં બળજબરીપૂર્વક મૃત પતિની ચિતા પર ચઢાવાતી એક યુવતી-વધૂને ડિરોઝિયો અને એના છાત્રો ડિરાઝિયનો ડાઘુઓ પર ત્રાટકીને મુક્ત કરાવે છે. બધા છોકરડાઓ, એમના શિક્ષકમાં એટલી શ્રદ્ધા કે એની આજ્ઞા એટલે બ્રહ્મવાક્ય. પ્રાણ આપી દે.

આ શિક્ષક પણ કેવો? માત્ર સુધારક નહીં. વર્ગમાં સંપૂર્ણ શિક્ષક. એના કલકત્તાના ઘરમાં પોતાનું વિશાળ ગ્રંથાલય હતું અને પરદેશથી કલકત્તામાં આવતી પહેલી ચોપડી ડિરોઝિયોના ગ્રંથાલયમાં આવતી! કૉલેજમાં વર્ગબહાર ભણાવવા ‘ઍકેડેમિક ઍસોસિયેશન’ની સ્થાપના કરેલી. ત્યાં જ્ઞાન-વિજ્ઞાનની, રાજકીય ચળવળની સમીક્ષા થતી. સાંજે માણિકતલામાં સભા મળતી. એના નેતૃત્વમાં એના છાત્રો સદીઓના અંધકારને ઉલેચવા મથતા.

પણ એ વખતનો અધિકાંશ હિંદુ કે મુસલમાન સમાજ મુક્તિ માટે તૈયાર નહોતો. તો બીજી બાજુ રાજા રામમોહન રાય, પંડિત વિદ્યાસાગર, દેવેન્દ્રનાથ ઠાકુર, રાધાકાન્ત દેવ જેવી વિભૂતિઓ પણ પાકી રહી હતી. પરંપરાગત સંસ્કૃત ફારસીનું શિક્ષણ ચાલુ રાખવું કે નવું અંગ્રેજી શિક્ષણ લેવું? જોરદાર પક્ષો પડી ગયા હતા. બીજી બાજુ અંગ્રેજો પોતાનું શાસન સુદૃઢ કરવા સાથે પોતાની ભાષા, સંસ્કૃતિ, સાહિત્ય, ધર્મને પ્રસાર કરવામાં લાગી ગયા હતા. એમને મન ભારત એટલે અર્ધજંગલી પ્રજાનો દેશ. ભારતે સદીઓ સુધી જે સિદ્ધ કર્યું હતું, તે બધું ઘણાને મન તુચ્છ અને વાહિયાત હતું. મૅકોલે, જેનાં આપણે શૈક્ષણિક ફરજંદ છીએ, તે કહેતા કે ‘એક બાજુ હિન્દુસ્તાન અને અરબસ્તાનનું સમગ્ર સાહિત્ય અને બીજી બાજુ યુરોપનાં પસંદગીનાં પુસ્તકની માત્ર એક અભરાઈ.’ કાલિદાસને સ્થાને શેક્‌સ્પિયર અને ગીતાને સ્થાને બાઇબલ પ્રવેશી રહ્યાં હતાં. અંગ્રેજી શિક્ષણની બૂમ મચી ગઈ. દૂર દૂરથી હોડીઓમાં બેસી બંગાળી તરુણો અંગ્રેજી ચોપડી મેળવવા કલકત્તા આવતા. તો બીજી બાજુએ જિસસનું નામ પણ આવે એવી ચોપડીનો વાંધો લેવામાં આવતો. વર્ધમાનમાં તો એવી ઘટના બની કે એક હિંદુએ પોતાનું સંતાન ખ્રિસ્તી મિશનરીઓને હાથે ભણે એ કરતાં રાતે જંગલમાં શિયાળવાંના ભક્ષ્ય થવા ત્યજી દીધું.

આમ, ભયંકર ઊથલપાથલના એ દિવસો હતા, જેમાં ત્રણ વિચારધારા મુખ્ય હતી. એક બાજુ જૂની રૂઢિઓને વળગી રહેલો અને વળગી રહેવા માગતો સમાજ, એ હતી સંરક્ષણધારા. રાધાકાન્ત દેવ એના પ્રતિનિધિ હતા. એમણે ‘ધર્મસભા’ સ્થાપી હતી. બીજી બાજુ એકદમ રૂઢિઓને ફગાવી દઈ નવા જ્ઞાનવિજ્ઞાનનો પ્રકાશ ફેલાવવા માગતો વર્ગ. ‘યંગ બેંગાલ’ સંગઠન તરીકે ઓળખાતી, એ ધારા વિપ્લવધારા. એનો અગ્રણી હતો ડિરોઝિયો. હિંદુ કૉલેજ એનું કેન્દ્ર હતું. અલબત્ત આ હિન્દુ કૉલેજના અગ્રણી કાર્યકર્તાઓમાં રાધાકાન્ત દેવ એક હતા. ૧૮૧૭માં હિન્દુ કૉલેજની સ્થાપના થયેલી. (એ વખતની જે હિન્દુ કૉલેજ, તે જ છે અત્યારની કલકત્તાની પ્રસિદ્ધ પ્રેસિડેન્સી કૉલેજ.) ત્રીજી ધારા તે સંગઠનધારા. રાજા રામમોહન રાય એના પ્રવર્તક. બ્રાહ્મસમાજ પ્રથમ બંને ધારાના સમન્વયરૂપ છે.

ડિરોઝિયો યુરેશિયન હતા. પિતા ફ્રાન્સિસ ડિરોઝિયો પૉર્ટુગીઝ હતો, મા અંગ્રેજ, કલકત્તામાં જ ડિરોઝિયોનો જન્મ થયેલો. ડ્રુમોન્ડની ધરમતલા એકૅડેમીમાં ભણેલો. અત્યંત તેજસ્વી છાત્ર. છાત્ર તરીકે અનેક ઇનામો અને ચંદ્રકો જીતી જતો. એ સંસ્થામાં ‘દેશીઓ’ અને વિદેશીઓ સાથે ભણતા. એને પરિણામે કદાચ ડિરોઝિયોમાં ખુલ્લી ઉદાર માનવતાવાદી દૃષ્ટિ વિકાસ પામી હોય. કલકત્તામાં ભણ્યા પછી ડિરોઝિયો માત્ર ૧૪ વર્ષની ઉંમરે ભાગલપુરની એક વેપારી પેઢીમાં કારકુની માટે જોડાયો. અહીંના પ્રાકૃતિક વાતાવરણમાં એને ખબર પડી કે પોતે ‘કવિ’ પણ છે. એના કવિજીવે એને કલકત્તા પાછો જવા પ્રેર્યો અને ૧૮ર૬માં હિન્દુ કૉલેજમાં જોડાયો. એના બીજે જ વર્ષે એણે ‘કવિતાસંગ્રહ’ પ્રકટ કર્યો. ડિરોઝિયો ભારતને પોતાની માતૃભૂમિ માનતો. એની એક કવિતા છે — ‘ટુ ઇન્ડિયા, માય નેટિવ લૅન્ડ’. એ કવિતામાં એ કહે છે:

‘મારા દેશ! તારા ભૂતકાળને કીર્તિમંત દિવસોમાં તારા ચહેરાની આસપાસ એક સુંદર તેજવલય હતું અને તું દેવસમાન પૂજાતો. ક્યાં ગઈ તારી એ કીર્તિ? તારું એ સન્માન? ગરુડની પાંખને બાંધી દેવામાં આવી છે અને તું ધૂળમાં આળોટે છે. આ તારા કવિને તારે માટે કોઈ માળા ગૂંથવાની નથી, હું તો તારા ભૂતકાળમાંથી એક ભવ્ય ભગ્નાવશેષનું દુનિયાને દર્શન કરાવવા માગું છું. હે મારા હતભાગી દેશ! તારા માટેની શુભેચ્છા એ જ મારા શ્રમની બક્ષિસ હો.’

કવિતામાં વેદનાનો, વિલાપનો સૂર છે. પણ પછી ડિરોઝિયોની આહત ચેતના પોતાના છાત્રોમાં દેશની જાગૃતિ માટે જોશ જગાવતી પંક્તિઓ રચાવે છે. ડિરોઝિયોએ પોતાના છાત્રોમાં બે વસ્તુઓ દૃઢમૂળથી રોપી. સત્ય માટેનો પ્રેમ અને દુરિત પ્રત્યે ધિક્કાર, ડિરોઝિયોના જીવનચરિતકારોએ નોંધ્યું છે કે એનું જીવન એવો અક્ષય ઝરો હતો જેમાંથી સત્ય માટેનો પ્રેમ અને દુરિત પ્રત્યેનો ધિક્કાર વહી આવતાં. ડિરોઝિયો જોતજોતામાં હિન્દુ કૉલેજનો પર્યાય બની ગયો અને એ છાત્રો સત્યનિષ્ઠાના. એ જ્યાં અનિષ્ટ જોતા ત્યાં વંટોળિયાની જેમ તૂટી પડતા. અગ્નિચિતા પરથી સતી થતી યુવતી વધૂને એ છોડાવી લઈ આવ્યા, એ તો એક ઘટના.

હિન્દુ કૉલેજના અગ્રણીઓ અકળાઈ ઊઠ્યા. ડિરોઝિયોને કૉલેજમાંથી બરતરફ કરવા આરોપનામું તૈયાર કર્યું. બીજી બાજુ અંધ રૂઢિચુસ્ત સમાજના એક વર્ગે ડિરેઝિયોને સમાજમાં બેઆબરૂ કરવાનું કાવતરું ઘડી કાઢ્યું, ઉત્પલ દત્તે આ બંને પ્રસંગને ફિલ્મમાં એટલી પ્રભાવકતાથી રજૂ કર્યા છે કે ક્ષુબ્ધ થયા સિવાય રહેવાય નહીં. ઇતિહાસ પણ એનો સાક્ષી છે.

ડિરોઝિયોને લીધે કેટલાંક માબાપ પોતાના પુત્રોને હિન્દુ કૉલેજમાંથી ઉઠાડી લેવા માંડ્યા. એ વિશેની કેટલીક ઘટનાઓ નોંધાઈ છે.

*

‘ગુડમૉર્નિંગ, માદામ કાલી!’ કલકત્તાના કાલીઘાટના કાલીમંદિરમાં દેવીને સાષ્ટાંગ પગે લાગવાનું કહેતાં હિન્દુ કૉલેજના એક છાત્રે મા કાલીનું માત્ર ઊભાં ઊભાં આ શબ્દોથી અભિવાદન કર્યું. ૧૮૩૦ની આસપાસનું એ વર્ષ હશે. જોનાર-સાંભળનાર સૌ હેબતાઈ ગયાં. છાત્રના પિતાને લાગ્યું કે આ તો હિન્દુ ધર્મ અને સંસ્કૃતિનું સરાસર અપમાન છે. આવા લાંછનરૂ૫ શબ્દો પોતાનો પુત્ર બોલે, તે હિન્દુ કૉલેજના શિક્ષણને આભારી હતું, અને હિન્દુ કૉલેજ એટલે ડિરોઝિયો. એણે કૉલેજના સંચાલકોને ફરિયાદ કરી. બીજા એવા એક બાપે પણ ફરિયાદ કરી કે હિન્દુ કૉલેજમાં ભણતો એનો છોકરો બંગાળી વેશભૂષા ધારણ કરવાને બદલે અંગ્રેજી ઢબે કપડાં પહેરે છે, માથું ઢાંકવાને બદલે ખુલ્લું રાખી પાંથી પાડે છે, સ્નાન કર્યા પહેલાં ખાવા બેસે છે, ધર્મના આચાર પાળતો નથી… આવી ફરિયાદના અનેક દાખલા.

‘ધર્મ કે પુત્ર?’ બેમાંથી કોને પસંદ કરો છો? એવું એ સદીના માબાપને પૂછવામાં આવે તો ચોખ્ખો જવાબ હોય કે, ‘ધરમ.’ ધર્મ અને જાતિની તો કોઈ પણ ભોગે રક્ષા થવી જ જોઈએ. પુત્રને છોડવામાં વાંધો નહિ. ઘણાખરાને આ ધર્મ એટલે બાહ્યાચાર, ટીલાંટપકાં અને છૂઆછૂત. નાતજાતના વાડાની સખત પકડ હતી. ઘણા તરુણોને ઘર છોડવાના પ્રસંગો આવતા. જ્યારે ડિરોઝિયોનું તો સૂત્ર હતું, રૂઢિઓને ફગાવી દો. હિન્દુ કૉલેજમાંથી ઘણા બાપે પોતાના દીકરાઓને ઉઠાડી લીધા. આવા શિક્ષકને હાથે ભણાય નહિ. રૂઢિચુસ્તોએ ભેગા મળી ડિરોઝિયોને દૂર કરવા એને નામે ભ્રામક વાતો વહેતી કરી, મિથ્યા દોષારોપણો કર્યા. ઘુવડોની સૂરજના અજવાળા સામેની એ જુદી ગલીચ ફરિયાદો હતી. ઉત્પલ દત્તે એની ‘ઝડ’ ફિલ્મમાં જે પેલી સવિધવા યુવતીવધૂને ડિરોઝિયો અને એના છાત્રો સતી થતાં બચાવી હતી, તે વિધવાના પ્રસંગને અતિરંજિત બનાવી નિરૂપ્યો છે. પેલી વિધવાને રૂઢિચુસ્તો એક ઘરમાં બંધ કરી દે છે, બાંધી દે છે. એના નાના બાળકને એના દેખતાં ત્રાસ આપે છે. તેઓ વિધવા પાસેથી એવી કબૂલાત પર સહી કરાવવા માગે છે કે ડિરોઝિયોએ એના પર બળાત્કાર કર્યો છે.

વિધવા એ જૂઠાણાનો પ્રતિવાદ કરે છે, પણ પેલા દુષ્ટો એના બાળકને મારી નાખવા તૈયાર થાય છે. સંત્રાસનું એવું વાતાવરણ ફિલ્મનિર્દેશકે દર્શાવ્યું છે કે પ્રેક્ષકો પણ ત્રાસી જાય. પેલી વિધવા આખરે એમ કહેવા કબૂલ થાય છે કે ડિરોઝિયોએ એના પર બળાત્કાર કર્યો છે. કોર્ટનું એ દૃશ્ય જેમાં ડિરોઝિયો પોતાનો બચાવ કરે છે, અત્યંત પ્રભાવક છે. પેલી વિધવાને હાજર કરવામાં આવે છે. ડિરોઝિયોએ અને એના છાત્રોએ એનો જાન બચાવ્યો હતો, એને સુરક્ષા આપી હતી; પણ એણે ભરી કોર્ટમાં કહ્યું : ‘આમાકે ઘર્ષિત કરે છે – મારા પર બળાત્કાર ગુજાર્યો છે.’

કૉલેજના સંચાલકો એને બરતરફ કરે છે. કદાચ ઇતિહાસમાં સતી પ્રસંગની આ ઘટના નથી બની; પણ બની શકી હોત. ઐતિહાસિક તથ્ય પ્રમાણે તો એને બરતરફ કરવા કૉલેજના કેટલાક રૂઢિચુસ્ત સંચાલકો ડિરોઝિયો પર એક અધ્યાપક તરીકે આરોપનામું બજાવે છે. મુખ્ય ત્રણ આરોપ આ પ્રમાણે છે:

૧. ડિરોઝિયો ઈશ્વરના અસ્તિત્વમાં માનતો નથી. પોતાના છાત્રોને એવું શિખવાડે છે કે ઈશ્વર નથી.

૨. માબાપની આજ્ઞાનું પાલન કરવાની નૈતિક ફરજ નથી, એવું ડિરોઝિયો છાત્રોને કહે છે.

૩. ડિરોઝિયો ભાઈ અને બહેન વચ્ચેનાં લગ્નને અનુમોદન આપે છે.

આ બધા આરોપ પાયા વગરના હતા. ડિરોઝિયોએ આ આરોપોનો જે જવાબ આપ્યો છે, તે સદ્ભાગ્યે સચવાયો છે. એની તાર્કિક અને છતાં આવેગપ્રવણ ભાષાનો એ ઉત્કૃષ્ટ નમૂનો છે. એમાં એક સ્કૉલર શિક્ષકની પ્રતિભા પણ ચમકી ઊઠી છે. ડિરોઝિયોએ લખ્યું હતું — ‘નો, ઇઝ માય ડિસ્ટિંક્ટ રિપ્લાય… મારો સ્પષ્ટ ઉત્તર છે કે આ બધા આરોપો જૂઠા છે. ઈશ્વર નથી એવું મેં કહ્યું નથી, પણ એ કહેતાં મને ડર કે સંકોચ નથી કે મેં મારા છાત્રોને ઈશ્વરના અસ્તિત્વ અંગે ફિલૉસોફરોએ જે શંકાઓ વ્યક્ત કરી છે, તેની ચર્ચા અવશ્ય કરી છે. પણ એ સાથે એ શંકાઓનું સમાધાન પણ કર્યું છે. એટલે મારા પર તમારા પત્રમાં લગાવેલો આક્ષેપ હું પહેલી વાર સાંભળું છું…’

ડિરોઝિયોના પરિવારમાં એ વખતે એની મા અને એની બહેન એમિલિયા એટલાં જ હતાં. એ પોતાની માતાને અને બહેનને બહુ ચાહતો. બીજા આરોપના ઉત્તરમાં એણે કહેલું કે મારે ઘેર આવીને જોઈ જાઓ, હું મારી માને કેટલો સ્નેહ કરું છું. હું માબાપની આજ્ઞા ન માનવી એવું કદી કહી શકું નહિ. ત્રીજો આરોપ તે હડહડતું જૂઠાણું છે.

તેમ છતાં કૉલેજની સંચાલક સમિતિએ ડિરોઝિયોને ‘ડિસમિસ’ કરવાનો બહુમતીથી નિર્ણય લીધો. ‘શબ્દ કલ્પદ્રુમ’ના કર્તા રાધાકાન્ત દેવ એમાં મુખ્ય હતા! પણ ડિરોઝિયોએ પોતે જ પછી રાજીનામું ધરી દીધું. દુનિયાના ઘણા ઉત્તમ શિક્ષકો સાથે આવો ‘વહેવાર’ દુનિયા કરતી આવી છે. સૉક્રેટિસનું ઉદાહરણ આપણી સામે છે. એના પર તરુણોને ‘બગાડવાનો’ આરોપ મૂકવામાં આવેલો ને! આપણું મન ક્ષુબ્ધ બની જાય છે. ડિરોઝિયો જે દિવસે કૉલેજમાંથી ઘેર બેસે છે, તે દિવસે એના છાત્રો એને વીંટળાઈ વળે છે. બધા ‘ઍંગ્રી યંગ મેન.’ ઉત્પલ દત્તે ડિરોઝિયોના ઘરમાં એ દૃશ્ય બતાવ્યું છે. એની મા, એની બહેન એમિલિયા અને એ. એક વત્સલ પરિવાર.

પણ પછી એક પ્રતિબદ્ધ દિગ્દર્શક તરીકે એ આ સિચ્યુએશનને ઇતિહાસને મરોડીને પણ ઉપયોગમાં લે છે. કૉલેજની આવક બંધ થતાં પરિવાર ભૂખમાં સપડાય છે. સામાજિક રીતે પણ એમનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. ઉત્પલ દત્ત પ્રમાણે તો પેલી વિધવાને ભ્રષ્ટ કરવાના હીન આરોપસર એ બરતરફ થયેલો ને! એના માટે કોને સહાનુભૂતિ હોય? એક એવો શૉટ યાદ છે, જેમાં મા, ભાઈ અને બહેન ત્રણેય ભૂખ્યાં બેઠાં છે. પણ ડિરોઝિયોના પ્રતાપી આત્માને નમાવી શકાયો નથી. કદાચ રાધાકાન્ત દેવ જ હશે, ભોજનના થાળ ઢાંકી ચાકરો સાથે ડિરોઝિયોને ત્યાં આવે છે, પણ ડિરોઝિયો તેમને પાછા વાળી દે છે. આ દૃશ્ય ભુલાય એવું નથી. પછી થાય છે, ડિરોઝિયોનું મૃત્યુ. ડિસેમ્બર ૧૮૩૧. મૃત્યુની ડિરોઝિયોને બીક નહોતી. મૃત્યુને સંબોધીને એ કવિતા લખી ચૂક્યો હતો. ‘ડેથ! માય બેસ્ટ ફ્રેન્ડ…’ એ પછી અર્ધો દાયકો વીત્યે રવિ ઠાકુરની કલમે આવી પંક્તિ આવી હતી : ‘મરણ રે તુહુ મમ શ્યામ સમાન.’

ઇતિહાસ અને ડિરોઝિયોના જીવનચરિત્રકારો કહે છે કે કૉલેજમાંથી છૂટા થયા પછી ડિરોઝિયો હતોત્સાહ થયો નહિ. એના છાત્રોની મદદથી એણે ‘ધી ઈસ્ટ ઇન્ડિયન’ નામે દૈનિક વર્તમાનપત્ર શરૂ કર્યું. શક્તિનો તો તે અક્ષય ફુવારો હતા. બૌદ્ધિક વર્તુળોમાં એને પ્રભાવ વિસ્તરતો રહે છે; પરંતુ એ કોલેરાની જીવલેણ બીમારીમાં સપડાય છે. એ વખતની લભ્ય બધી સારવાર પામે છે. ભયંકર ચેપી રોગ છતાં એના છાત્રો અને પ્રશંસકો એને ઘેરાયેલા રહે છે, પણ અંતે મૃત્યુ આવ્યું. ત્યારે એણે હજુ ત્રેવીસ વર્ષ પૂરાં કર્યાં નહોતાં. Henry Louis Vivian Derozio – એના નામમાં જેટલા અક્ષર હતા, તેટલાં પણ પૂરાં વર્ષ નહિ, ત્યારે ગુજરાતમાં સુધારાના વૈતાલિક કવિ નર્મદને જન્મવાની બે વર્ષની વાર હતી.

આ ક્રાંતિકારી તરુણોના કવિશિક્ષકે વાવેલાં સુધારાનાં બીજ એના છાત્રોમાં વટવૃક્ષ બની ઊગી આવ્યાં અને બંગાળ આખાને અને એ રીતે સમગ્ર દેશને નવજાગૃતિના માર્ગે દોરવણી આપી. ડિરોઝિયો અને ડિરોઝિયનોએ ક્રિયાશીલ બુદ્ધિવાદનો પાયો નાખ્યો. ઉત્પલ દત્તની ફિલ્મનું એક દૃશ્ય હું ભૂલી શકતો નથી. તાજેતરમાં જ ઇંગ્લૅન્ડમાં પ્રકટ થયેલ અંગ્રેજી વ્યાકરણની ચોપડી કલકત્તા આવી છે, અને એ ડિરોઝિયોના હાથમાં પહોંચી છે. એ ચોપડીને હાથમાં લેતાં ડિરોઝિયોના મોઢા પર ફરી વળેલી પ્રસન્નતા આપણી ચેતનામાં પણ પ્રસરી જાય છે. જ્ઞાન માટેની કેવી પ્રીતિ!

૧૮૨૭માં ૧૮ વર્ષની વયે ડિરોઝિયોએ એક કવિતા લખી હતી – ‘ધ હાર્પ ઑફ ઇન્ડિયા’ – ‘ભારતવર્ષની વીણા’. એ કવિતામાં તરુણ કવિ આ વીણાને સંબોધીને કહે છે કે એક વખતે જે મધુર સંગીત તારામાંથી ઝમતું હતું, તેને હવે કોણ સાંભળે છે? હવે તું અમસ્તી જ ઝૂલ્યા કરે છે. તું ઉપેક્ષિત, મૂંગી અને એકાકી છે – જાણે મરુભૂમિનું કાઈ ખંડિયેર. પણ હું તારા સૂરો ફરી જગાવવા માગું છું. ‘હાર્પ ઑફ માય કન્ટ્રી, લેટ મી સ્ટ્રાઇક ધ સ્ટ્રેઇન.’ ડિરોઝિયોએ ભારતની મૂંગી વીણાના તારને ફરી ઝણઝણાવવા કોશિશ કરી હતી.

ડિરોઝિયો પર રૂઢિચુસ્તોએ પેલી વિધવા સ્ત્રીને ત્રાસ આપી એવી સાહેદી પુરાવેલી કે એના પર ડિરોઝિયોએ બળાત્કાર ગુજાર્યો હતો. પણ ખરી વાત તો એ છે કે આ તેજસ્વી તરુણ રાષ્ટ્રજાગૃતિ અને શિક્ષણમાં એવો ડૂબેલો હતો કે એને પ્રેમ કરવાની કે પરણવાની ફુરસદ પણ નહોતી. એની બહેન એમિલિયા કહેતી કે મને સિસ્ટર ઇન લૉ – ભાભી લાવી આપ. પણ આ બાબતમાં શરમાળ ડિરોઝિયોએ બહેનને માટે ભાભીની ભેટને બદલે ‘ભાભી’ વિશે એક કવિતાની ભેટ આપી. કવિતાનું શીર્ષક, ‘સિસ્ટર ઇન-લૉ’… તેમાં કહે છે : ‘બહેન મારી, તારે ભાભી જોઈએ છે? તો ભલે, આકાશના તારામંડળમાં શોધીશ, જો કદાચ મળી જાય તો.’ ડિરોઝિયો જેવો વહાલસોયો શિક્ષક હતો, તેવો વહાલસોયો ભાઈ. ડિરોઝિયો વંટોળિયો હતો, એની ભીતર આગ હતી. પોતાના સમયમાં દેશમાં વ્યાપેલા વહેમ, રૂઢિ, અજ્ઞાનના અંધકારને ઉચ્છેદવા એ મથ્યો હતો. એણે એના છાત્રોની આંખો ઉઘાડવાનું સૌથી મોટું કામ કર્યું હતું. એમને તર્ક કરતાં શીખવ્યું, જાતે વિચારતાં શીખવ્યું. ધન્ય એ શિક્ષક, ધન્ય એ છાત્રો – ભલે એમાંથી કોઈએ કદાચ ‘ગુડ મૉર્નિંગ, માદમ’ કહી કાલીને સંબોધન કર્યું હોય.

સદીઓની રૂઢિચુસ્ત ઇમારતમાં પડવી આવશ્યક તિરાડોની એ શરૂઆત હતી.

ઉત્પલ દત્તનું ‘સ્ટાલિન’ નાટક કલકત્તા થિયેટર અકાદેમીમાં એક વર્ષ અગાઉ ૧૯૮રના જાન્યુઆરીમાં જોયું હતું. શ્રી ઉમાશંકર જોશી અને નગીનદાસ પારેખ સહપ્રેક્ષકો હતા. કોણ જાણે કેમ એ પ્રતિબદ્ધ રાજકીય વિચારસરણીના નાટકને જોતાં ઊંઘ આવતી હતી. નાટક ઘણું dull જતું હતું.

પરંતુ એ જ ઉત્પલ દત્તનું ‘ઝડ’ જે રાતે જોયું, ચિત્તમાં એક વંટોળિયો જ વાતો રહ્યો. આખી રાત ઊંઘી શકાયું નહિ.

૧૯૮૩
૧૯૮૮

License

શાલભંજિકા Copyright © by ભોળાભાઈ પટેલ. All Rights Reserved.

Share This Book