ઉજ્જયિનીપુરે સ્વપ્નલોકે

ઉજ્જયિની જતો હતો, વિક્રમ વિશ્વવિદ્યાલયમાં. સાબરમતી એક્સપ્રેસે અમદાવાદ સ્ટેશન છોડ્યું ત્યારે કૂપેમાં હું એકલો પ્રવાસી હતો. એટલે લાગ જોઈ તરત બે જુદા જુદા યુગના કવિઓ મારી સાથે થઈ ગયા. તેમાં એક હતા કવિ કાલિદાસ. ઈસવીસનના પહેલા સૈકામાં થઈ ગયા કે ચોથા સૈકામાં થઈ ગયા એ વિશે પંડિતો વિવાદ કર્યા જ કરે છે. ભલે કરે. આપણને તેથી કોઈ ફેર પડતો નથી. શાકુન્તલ કે મેઘદૂત વાંચવામાં કવિના સમયનો નિર્ણય જરૂરી નથી અને બીજા કવિ તે રવીન્દ્રનાથ. કાલિદાસના જ જાણે અવતાર. તેમનો સમય તો નક્કી જ છે. આખો દેશ તેમની ૧૨૫મી જન્મજયંતી ઊજવી રહ્યો છે.

કાલિદાસને ઉજ્જયિની માટે ખાસ પક્ષપાત છે. એટલો બધો પક્ષપાત કે પેલા પંડિતો તો એટલે સુધી કહે છે કે, કાલિદાસ ઉજ્જયિનીમાં થઈ ગયા. કંઈ નહિ તો ત્યાં લાંબો સમય રહ્યા હશે. ઉજ્જયિનીની વાત પોતે સીધી રીતે તો નથી કરી પણ મેઘદૂતના પેલા વિરહી યક્ષ પાસે કહેવડાવી છે. પણ કહેનાર તો કવિ પોતે જ ને? ઉજ્જયિનીના રાજા વિક્રમના દરબારમાં જે નવરત્નો હતાં, તેમાં એક દીપ્તિમંત રત્ન તે કવિ કાલિદાસ.

આ વિક્રમ રાજા પણ ખરા થઈ ગયા. ઉજ્જયિની અને કાલિદાસનાં સ્મરણ સાથે એ પણ અપટીક્ષેપથી આવીને ચિત્તના મંચ પર હાજર થઈ ગયા – અંધારપછેડો ઓઢી. મારી કિશોરાવસ્થાના એક આદર્શ નાયક. બત્રીસ-પૂતળીઓની વારતાઓના નાયક પરદુ:ખભંજન રાજા વિક્રમ :

ઉજેણી નગરી.
તેમાં પરદુ:ખભંજન રાજા વિક્રમ રાજ કરે.
એક દિવસ અંધારપછેડો ઓઢી રાજા નગરચર્યા
જોવા નીકળી પડ્યા.

અનેક વાર ગટક ગટક પીધેલી એ અદ્ભુત રોમાંચકર વારતાઓના મુખડાના આ શબ્દો. નગરબહારના એક ટીંબા નીચેથી નીકળેલા બત્રીસ પૂતળીઓવાળા એક રાજસિંહાસન પર રાજા ભોજ નાહીધોઈ શુભ મૂરત જોઈ બેસવા જાય છે, ત્યાં એક પૂતળી ગોળગોળ ફરતી બોલી ઊઠે છે –

રાજા ભોજ! સબૂર કર.

રાજા વિક્રમ જેવાં પરાક્રમ કર્યાં હોય, એ જ આ ગાદી પર બેસી શકે.

રાજા ભોજ ખમકાઈને ઊભા રહી જાય છે. એ પૂછે છે, ‘કેવા હતા રાજા વિક્રમ?’

‘સાંભળ.’ એ પૂતળી કહે અને પછી વાત શરૂ થાય. ‘ઉજેણીનગરી. તેમાં પરદુ:ખભંજન રાજા વિક્રમ રાજ કરે. એક દિવસ અંધારપછેડો ઓઢી…’ – અને પેલો કિશોર પણ અંધારપછેડો ઓઢી રાજાની સાથે નીકળી પડે. એક વાર નહિ, બત્રીસ બત્રીસ વાર. બત્રીસ પૂતળીની બત્રીસ વારતાઓ.

વિક્રમ વિશ્વવિદ્યાલયમાં જતો હતો. પછી વિક્રમનું સ્મરણ ન થાય? તેમાં વળી હમણાં ‘વિક્રમવેતાલ’ની વારતાઓ તો જોઈ હોય. વિક્રમ… વિક્રમ… વિક્રમ…

કદાચ આ પ્રથમ વર્ગના કૂપેમાં અંધારપછેડો ઓઢીને વિક્રમ બેઠો હોય. ગાડી ઉજ્જયિની થઈને જવાની છે; પણ એ જે વિક્રમ હશે, તે મારી કલ્પનાએ જ ઘડાયેલો હશે. પણ મારે વિક્રમના સિંહાસનની શી જરૂર? કદાચ પેલી પૂતળીઓની વારતાઓ સાંભળવાનો લોભ. ના, મને તો વિક્રમના દરબારમાં થઈ ગયેલાં પેલાં નવરત્નોમાંના એકની સંગતનો લોભ હતો. કવિ કાલિદાસનો – અને એ તો જાણે આ મારી સાથે જ છે. ‘મેઘદૂત’ યાત્રામાં સાથે છે. અષાઢ નથી, શ્રાવણ તો છે. મેઘની જ ઋતુ છે, એટલે કે મેઘદૂત વાંચવાની.

રેલગાડી વેગથી અંધારામાં ઉજ્જયિની ભણી ધસી રહી છે. આ દિવસોમાં વિરહિણી પ્રિયાને હવે મેઘ દ્વારા સંદેશો મોકલવાની વાત જ હાસ્યકર બની રહે. અને છતાં મેઘદૂત વાંચતાં એવું થાય કે, એના એક એક મંદાક્રાન્તા શ્લોકમાં જગતના તમામ વિરહીઓની વિયોગ-વ્યથા ધરબાઈને પડી છે. ‘ધરબાઈને’ શબ્દ સારો નથી. રવીન્દ્રનાથ તો પસંદ ના જ કરે. પણ કહું કે આ ભાવ તો રવીન્દ્રનાથનો જ છે. એમના શબ્દો આવા છે :

‘વિશ્વેરે વિરહીયત
સકલેર શોક સઘન સંગીત માઝે
પુંજિભૂત કરે…’

રવીન્દ્રનાથે વારે વારે કાલિદાસના યુગમાં પહોંચી જવા ઝંખ્યું છે. એક કવિતામાં એમણે કહ્યું છે કે, જો હું કાલિદાસના કાળમાં જન્મ્યો હોત અને નસીબયોગે નવ રત્નોની માળામાં દશમું રત્ન બનત, તો એક શ્લોકમાં રાજાની સ્તુતિ ગાઈને તેની પાસેથી ઉજ્જયિનીના નિર્જન છેડે ઉપવનથી ઘેરાયેલું ઘર માગી લેત. નદીના તટ પર સાંજને સમયે સભા બેસત અને ત્યારે મનની ઇચ્છા પ્રમાણે ગાન કરત. મારી જીવનનૌકા મંદાક્રાન્તા તાલમાં વહી જાત–જો હું કાલિદાસના કાળમાં જન્મ્યો હોત.

પછી કવિ રવિઠાકુર કહે છે કે, જો હું કાલિદાસના કાળમાં જન્મ્યો હોત તો કઈ માલવિકાની જાળમાં બંદી બન્યો હોત તે જાણતો નથી. પણ હાય! કાલિદાસનો કાળ તો ક્યારનોય વહી ગયો છે અને એની સાથે આ કાળની પુરનારીઓ નિપુણિકા, માલવિકા અને ચતુરિકાની મંડળી પણ ગઈ… ક્યારનો વહી ગયો છે કાલિદાસનો કાળ.

અને છતાં રવીન્દ્રનાથની ચેતનામાં એ કાળ એટલો વ્યાપ્ત છે કે, રહી રહીને, ‘સ્વપ્ન’માં પણ આવે છે. આવા એક સ્વપ્નમાં કવિ ઉજ્જયિનીમાં પોતાના પૂર્વ-જન્મની પ્રથમ પ્રિયાની શોધમાં ગયા. એ પ્રિયાને મુખે લોધ્રરેણુ છે, હાથમાં લીલાપદ્મ છે, કર્ણમૂળમાં કુન્દની કળી છે અને માથે કુરબકનું લાલ ફૂલ છે. એની પાતળી કાયા પર એણે લાલ વસ્ત્ર નીવીબંધથી બાંધ્યું છે. એના પગમાં આછાં આછાં ઝાંઝર વાગે છે. આ તો કાલિદાસવર્ણિત અલકાનગરીની જ કોઈ સુંદરી લાગે છે. હસ્તે લીલાકમલ…

પૂર્વજન્મની એ પ્રથમ પ્રિયાની શોધમાં કવિ ગયા ત્યારે મહાકાળના મંદિરમાં ગંભીર રવે સંધ્યા-આરતી થતી હતી. બજારના રસ્તા સૂમસામ હતા. પ્રિયાનું ભવન વાંકા સાંકડા દુર્ગમ માર્ગ પર એકાન્તમાં હતું. સ્વપ્નમાં પ્રિયતમા આવે પણ છે. હાથમાં લીધેલો દીવો બાજુ પર મૂકી હાથમાં હાથ રાખી પૂછે છે – નીરવ કરુણ નજરથી પૂછે છે – શબ્દોથી નહિ : ‘હે પ્રિય! કુશળ તો છે ને?’ પણ જવાબ આપવા જતાં થયું કે શબ્દો હોઠે આવતા નથી. એ યુગની ભાષા તો ભૂલી જવાઈ છે! બન્ને એકબીજાનાં નામને ખૂબ યાદ કરી જુએ છે, પણ એકબીજાનાં નામ પણ યાદ આવતાં નથી. એ પુરાણો પ્રેમ યાદ કરી માત્ર બન્નેની આંખોમાંથી આંસુ ખરે છે. પ્રિયતમાનું મુખ નમી પડેલી દાંડીવાળા કમળની જેમ ધીમેથી કવિની છાતી પર ઝૂકી પડે છે અને ત્યાં રાત્રિનો અંધકાર ઉજ્જયિનીને એકાકાર કરીને લુપ્ત કરી દે છે. શિપ્રા નદીને તીરે મહાકાળેશ્વરના મંદિરમાં આરતી થંભી જાય છે.

સ્વપ્ન કેટલું ચાલે? પૂરું થઈ ગયું. પણ સ્વપ્નની સ્મૃતિ તો કાયમ રહે છે. એમાંય આવી પૂર્વજન્મની પ્રથમ પ્રિયાના મિલનની સ્મૃતિ તો…! ભલે ને ક્ષણસ્થાયી એ સ્વપ્ન હોય, સ્મૃતિ તો ચિરસ્થાયી. હું એ ‘સ્વપ્ન’ કવિતાની પંક્તિઓ ગણગણવા લાગ્યો :

દૂરે બહુ દૂરે
સ્વપ્નલોકે ઉજ્જયિનીપુરે
ખુંજિતે ગેછિનુ કબે શિપ્રાનદી પારે
મોર પૂર્વ જનમેર
પ્રથમ પ્રિયારે

સાબરમતી એક્સપ્રેસની બારી બહાર હું જોતો હતો. આ પંક્તિઓ ગણગણતાં શું મારા મનમાં પણ કોઈની સ્મૃતિ ઊભરાતી હતી? પૂર્વજન્મની? આ જન્મની? બારી બહાર આછી ચાંદનીમાં નિર્જન સ્તબ્ધતા વેગથી પસાર થતી હતી. બારીને અઢેલીને હું તંદ્રિત સ્થિતિમાં બેઠો હતો. સૂવાની તૈયારી પણ કરી હતી; પરંતુ કાલિદાસ અને રવીન્દ્રનાથ બંને કવિઓ ઉજ્જયિનીના પથસાથી બની ગયા, અને અંધારપછેડો ઓઢીને પેલા પરદુ:ખભંજન રાજા વિક્રમ પણ…

…શું હું પણ એક સ્વપ્ન જોતો હતો?

*

કૂપેનું બારણું જોરથી ખખડ્યું – જાણે સ્વપ્નભંગ થયો. બારણું ખોલી ફરી પાછો બારી પાસે બેસી ગયો. ગાડી ઊભી હતી. ‘ચાય, ગરમ ચાય’ અને ‘રતલામી સેવ’ના શબ્દો સંભળાયા. તો આ રતલામ સ્ટેશન હતું. રાત કેટલે આવી હશે? સ્વપ્નપરી ઉજ્જયિનીના શિપ્રા- તટેથી રતલામના સ્ટેશને આવી ગયો. બીજા યાત્રિકે પ્રવેશ કર્યો. રવીન્દ્રનાથ અને કાલિદાસ અદૃશ્ય થઈ ગયા. વિક્રમ રાજાએ તો અંધારપછેડો ઓઢી લીધેલો હતો.

સાબરમતી એક્સપ્રેસે જેવું રતલામ સ્ટેશન છોડ્યું કે પેલા નવાગંતુક સજ્જન ઉપરની બર્થ પર ચઢી સૂઈ ગયા. મેં ડબ્બાની બત્તીઓ બુઝાવી દીધી. રાત્રિદીપનો આછો ભૂરો પ્રકાશ હવે માત્ર રહ્યો.

મને સૂઈ જવાની ઇચ્છા ન થઈ. બારીએ અઢેલી બહારની બાજુ ચાંદનીમાં પસાર થતો રહસ્યમય લાગતો વિસ્તાર જોતો હતો. જોતો હતો અને છતાં એક રીતે નહોતો જોતો. વિચારોનું ચંક્રમણ શરૂ થઈ ગયું હતું. કોઈ રસ્તે રઝળવા નીકળી પડેલા ટ્રેમ્પ જેવા જ રઝળુ વિચારો. પણ અત્યારે એ પણ ચાલતા હતા ઉજ્જયિનીને માર્ગે.

ઉજેણીનગરી. પરદુ:ખભંજન રાજા વિક્રમ, બત્રીસ પૂતળીઓનું સિંહાસન. એ સિંહાસન પર ભોજની સાથે જ બેસવા જતો એક કિશોર. શબ્દો સંભળાય, ‘સબૂર કર.’ સંભળાયા શબ્દો? ભ્રમણા. હવે માળવાની ભૂમિ આવશે કે? ‘મેંદી તો વાવી માળવે.’ એ પણ માળવા. માલવપતિ મુંજ – ગતે મુંજે યશ: પુંજે નિરાલમ્બા સરસ્વતી – એ મુંજ. એ પણ માળવા.

કાલિદાસને માળવા માટે ખાસ પક્ષપાત છે. આમ તો આસેતુ હિમાચલ આખો દેશ ભમી ભમીને એમણે જોયો છે. એમની કવિતામાં આખા ભારતવર્ષની પરકમ્મા આવી જાય. રઘુના દિગ્વિજયમાં એના અશ્વની સાથે દેશના કિનારે કિનારાની વાત આવી. ઇન્દુમતીના સ્વયંવરમાં દેશ(પ્રદેશ) દેશના રાજા આવ્યા, એ બહાને પુરુષ જેવી પ્રગલ્ભ એની સખી સુનંદા દ્વારા એ રાજાઓનો પરિચય કરાવતાં એ દેશનો પરિચય પણ કરાવ્યો. પુષ્પક વિમાનમાં સીતાને લઈને રામ લંકાથી નીકળ્યા તે લંકાતટેથી છેક ગંગા-યમુનાના સંગમ સુધીની ભારતભૂમિ ઉપરથી બતાવતા ગયા, અને મેઘદૂતમાં દક્ષિણના રામગિરિથી તે છેક કૈલાસના ખોળામાં આવેલી અલકાનગરી સુધીનો માર્ગ યક્ષે મેઘને બતાવ્યો.

એટલે સૌ કહે કાલિદાસ અમારે ત્યાંના. બધાને એવું લાગે, પણ કવિનો એક પ્રદેશ અને એ પ્રદેશના એક નગર માટેનો પક્ષપાત છતો થઈ ગયો છે. એ પ્રદેશ, એ ભૂમિ તે માળવાની અને એ નગર તે ઉજ્જયિની.

રામગિરિ પર રહેતો વિરહી યક્ષ અલકાનગરીમાં રહેલી પોતાની વિરહિણી પ્રિયતમા માટે તે દિશામાં જતા મેઘ સાથે સંદેશો મોકલવા તત્પર થયો છે. એ મેઘને સંદેશો લઈ જવા વિનંતી કરે છે, પણ સંદેશો કહે તે પહેલાં ‘માર્ગ તાવત્ શ્રુણુ’ – માર્ગ સાંભળી લે – એમ કહી માર્ગનું વર્ણન કરે છે. ભાગ્યે જ કોઈ કવિએ ભારતની પ્રાકૃતિક સુષમાને કાલિદાસ જેવી આંખથી જોઈ હશે. રસ્તે આવતાં ગામ, નગર, જનપદ, પર્વત, નદી, વૃક્ષ, પુષ્પ, પશુ, પંખી આ બધું તો ખરું; પણ માત્ર નામ નહિ, એ બધાંની ખાસિયતો પણ. દરેકની આગવી ઓળખ. આ પ્રાકૃતિક સુષમાની સાથે જનપદવધૂઓની પ્રીતિસ્નિગ્ધ ભોળી નજરવાળી આંખો અને પૌરાંગનાઓની કટાક્ષપાત કરતી આંખોની વાત કરવાનું કવિ ચૂકતા નથી. વરસાદ પડતાં જમીનમાંથી નીકળતા પેલા લાલ લાલ ઇન્દ્રગોપની વાત પણ હોય. તડકામાં ફૂલો વીણતી પુષ્પવલાવીઓ(માલણો)ના ગાલે થતા પરસેવાને વારંવાર લૂછવાથી તેમના કાને લટકતાં કમળો ચીમળાઈ જવા જેટલી ઝીણી વિગત પણ નોંધાઈ. કવિ! કવિ!

પહાડ-નદીની કવિ વાત કરે, પણ એમના પર પણ માનવીય ભાવનો આરોપ કરે. બધે એમની શૃંગારપ્રવણતા પ્રકટ થાય. વળી વિરહી યક્ષ કહેતો હોય એટલે એને તો આખું જગત વિરહમય લાગે છે. બધી નદીઓ એને નારી રૂપે દેખાય છે. (પછી નારીની તો વાત જ શી?) આ જુઓ ને! આમ્રકૂટ પર્વત પરના આંબાઓ પાકી ગયા છે. તેના શિખરે મેઘ અડક્યો છે. યક્ષને (એટલે કે કવિ કાલિદાસને) કલ્પના સૂઝે છે કે મધ્યે શ્યામ દીંટડીવાળા અને આસપાસ પાંડુવર્ણ એવા પૃથ્વીના સ્તન જેવો લાગે છે. આવા સ્તન ગર્ભવતી નારીના હોય. વરસાદ આવવાના દિવસોમાં ધરતી શસ્યવતી બનવાની છે, એવો સૂક્ષ્મ સંકેત પણ કવિની વાણીમાં અભિપ્રેત છે. એ માત્ર સાદૃશ્યધર્મા ઉપમા નથી, અર્થગર્ભ ઉપમા છે. અને પેલી વિવૃતજઘના નારી જેમ પડેલી ગંભીરા નદીની વાત તો સૌ કાવ્યરસિકો જાણે છે. આ ગંભીરા કે વેત્રવતીનો વિસ્તાર તો નહિ? વેત્રવતી–અધરનો ચુંબનરસ પીવા જતાં ભ્રૂભંગથી નિષેધ ફરમાવતી નાયિકા જેવી વેત્રવતી–નો અધરરસ મેઘ પીશે, એવી વાત છે. આવી બધી કલ્પનાઓમાં વિરહી યક્ષની વાસનાપૂર્તિ છે; પણ વિરહી યક્ષ એટલે તો પાછા કવિ કાલિદાસ જ ને? ચુંબનનો નિષેધ કરતી કોણ નાયિકાનું મુખડું એમની નજરમાં હશે? એમણે એ વેત્રવતીમાં જોયું, એટલું.

યક્ષનો પક્ષપાત તે કાલિદાસનો પક્ષપાત. આ પક્ષપાત ઉજ્જયિની નગરી માટે છે. મેઘ રામગિરિથી ઉત્તર દિશામાં જઈ રહ્યો છે. વિન્ધ્યના ચરણે પથરાયેલી રેવા નદી પાર કરીશ પછી જાંબુ પાકવાથી જેના વનના સીમાડા શ્યામ બનેલા છે એવો દશાર્ણ દેશ આવશે, એની વિખ્યાત રાજધાની વિદિશા આવશે. પછી? યક્ષ મેઘને કહે છે કે ભાઈ! ઉત્તર તરફ જતા એવા તારો માર્ગ ભલે આડો ફંટાય, પણ તું આડો ફંટાઈને પણ ઉજ્જયિની તરફ વળજે. એની ઊંચી ઊંચી અટ્ટાલિકાઓનો પરિચય કરજે. એમાં રહેતી સુંદરીનાં ચંચલ કટાક્ષભર્યાં નયનો સાથે તેં જો થોડીક રમત ન કરી તો તારી આંખો એળે ગઈ જાણવી.

કલ્પનામાં એ કાળની ઉજ્જયિનીનું, ઉજ્જયિનીની ઊંચી અટ્ટાલિકાઓનું, એ અટ્ટાલિકાઓમાં રહેતી ચંચલ નેત્રોવાળી પૌરાંગનાઓનું ચિત્ર રચાવા લાગ્યું. શું કાલિદાસે કથેલી ઉજ્જયિની સાચેસાચ એક કાળમાં હશે કે પછી એ કવિની સ્વપ્નનગરી છે? સાવ તો એવું નહિ હોય. કાલિદાસ ઉજ્જયિનીના રાજકવિ હતા. ઉજ્જયિનીની શિપ્રાને તટે ક્યાંક કવિનો આવાસ હશે. રાજા વિક્રમે જ એ આવાસ આપ્યો હશે ને?

કાલિદાસે શિપ્રા પરથી વાતા પવનની વાત કરી છે. ત્યાં વહેલી સવારે સારસોનો તીક્ષ્ણ કલનાદ શિપ્રાના વાયુ દ્વારા દૂર સુધી પહોંચી જાય છે. ખીલેલાં કમળની ગંધથી સુવાસિત સુખસ્પર્શવાયુ મિલનપ્રાર્થી ચાટુકાર પ્રિયતમની જેમ સુંદરીઓના રતિક્રીડાજનિત થાકને દૂર કરે છે. માટે શિપ્રાને તટે જવું જ પડશે, શિપ્રા હજી ઉજ્જૈનને અડકીને જ વહે છે.

આ ઉજ્જૈન ના, ઉજ્જયિની નગરી, રંગીન નગરી હશે. વિક્રમની રાજધાની હતી. એની રાત્રીઓ તો વિશેષ રંગીન હોતી હશે. યક્ષ મેઘને કહે છે કે એ નગરીમાં રાત્રિના સૂચિભેદ્ય-સોયથી કાણું પાડી શકાય એવા ઘટ્ટ અંધકારમાં રમણીઓ પ્રિયતમનો અભિસાર કરવા નીકળી પડે છે. યક્ષ મેઘને કહે છે કે તું વીજળીની રેખાથી એ અભિસારિકાઓનો માર્ગ અજવાળજે. જોજે પાછો વર્ષણગર્જન કરીને તેમને ગભરાવી દેતો. એ સુંદરીઓ ભીરુ છે…

ગાડીની ગતિ થંભી ગઈ લાગી. કોઈ એક સ્ટેશને ગાડી ઊભી રહી હતી. પ્લૅટફૉર્મ પર બહુ અવરજવર નહોતી. કેટલાક યાત્રીઓ ચઢ્યા, કેટલાક ઊતર્યા. વળી સાબરમતી એક્સપ્રેસ દીવાઓનું અજવાળું વટાવી ચાંદનીમાં દોડવા લાગ્યો.

થતું હતું, આમ જ બારી પાસે બેસીને કાલિદાસની સૃષ્ટિમાં વિહરું. જાણું છું કે કાલિદાસની ઉજ્જયિની આજે નથી. નથી એના માર્ગ પર સૂચિભેદ્ય અંધકાર કે નહિ હોય અભિસારિકાઓ. ના, પણ અભિસારિકાઓ કયા યુગમાં નથી હોતી? આપણને ન ભેટે તેથી શું?

પરંતુ ઉજ્જયિનીમાં આજેય મહાકાલેશ્વર તો છે. કાલિદાસ તો શિવના ભક્ત છે. ભલે પછી એ પોતાના આરાધ્ય દેવતાયુગલ શિવપાર્વતીના પ્રણયલીલાનું અકંઠ ગાન કરતા હોય! કહે છે કે કાલિદાસે ‘કુમારસંભવ’ના સાતમા સર્ગમાં શિવપાર્વતીની વિવાહપ્રસંગના વર્ણન પછી આઠમો સર્ગ લખ્યો કે જગન્માતા પાર્વતીએ કવિને શાપ આપ્યો : ‘તેં અમારી પ્રણયલીલા વર્ણવી?’

પણ કાલિદાસનો યક્ષ મેઘને કહે છે કે તું ત્રિલોકના ગુરુ ચંડીશ્વરના પુણ્યધામે જજે. તારો કંઠ પણ શિવના કંઠના રંગ જેવો હોવાથી તેમના ગણો તારા તરફ માનથી જોશે.

વળી હે જલધર! જો બીજા કોઈ સમયે તું ઉજ્જયિની પહોંચે તોપણ સૂર્યાસ્ત થાય ત્યાં સુધી તું મહાકાલેશ્વરના ધામમાં થોભજે. શૂલપાણિની સાન્ધ્યપૂજા વખતે નગારાનું કામ કરીને તું ગૌરવાન્વિત થજે. મૃદુગંભીર ગર્જનાના પુણ્યનો પૂર્ણ લાભ તને મળશે.

યક્ષ(કાલિદાસ)ને મતે આ લાભ કયો?

ત્યાંની દેવદાસીઓ તેમનાં અંગો પર થયેલા નખ-ક્ષતોમાં મેઘનાં સુખસ્પર્શ જલબિંદુઓ પડતાં એની તરફ ભમરાની હાર હોય એવા લાંબા કટાક્ષપાત કરશે. નારીના ચંચલ કટાક્ષપાતનો લાભ.

પછી?

ગજાસુરનો વધ કરી તેનું લોહીનીંગળતું ચામડું ઊંચું કરીને શિવે તાંડવનૃત્ય કર્યું હતું, તે પ્રસંગ સ્મરી યક્ષ મેઘને કહે છે કે સંધ્યાટાણે પશુપતિનું નૃત્ય શરૂ થતાં તું તાજા ખીલેલા જબાફૂલ જેવો સન્ધ્યાનો રંગ ધારણ કરીને તેમના ઊંચા કરેલા ભૂજાસ્વરૂપ તરુવનના ઉપર મંડલાકાર વ્યાપીને તેમની લોહીનીંગળતા ગજચર્મની ઇચ્છા પૂરી કરજે. તે વખતે નિશ્ચય નયનોથી ભવાની તારી આ ભક્તિ જોઈ રહેશે.

પછી કહે છે કે મેઘ! તું પણ કોઈ ભવનના છજામાં સૂઈ રહેલાં કબૂતરોની સાથે એના કોઈ ભવનના છજામાં રાત પસાર કરી સવારે નીકળી પડજે, અલકા ભણી. જોજે, પાછો સંદેશો તો જલદી પહોંચાડવાનો છે. સૂચિભેદ્ય અંધકારમાં ઝાંઝર ઊંચે ચઢાવી પ્રિયતમને મળવા જતી અભિસારિકાઓની અને ઉજ્જયિનીના આકાશમાં વિચરણ કરતા મેઘની કલ્પના કરતાં કરતાં ક્યારે નિદ્રા આવી ગઈ તેની ખબર જ ન પડી.

સવારે ગાડી ઊભી રહી. કોલાહલ સંભળાતાં જોયું.

ઉજ્જૈન.

રવીન્દ્રનાથ અને કાલિદાસ ક્યાં ગયા? અંધારપછેડો ઓઢેલો વિક્રમ? પેલા ઉપરની બર્થ પર સૂતેલા સજ્જન પણ વચ્ચેના કોઈ સ્ટેશને ઊતરી ગયા હતા.

૧૯૮૭

License

શાલભંજિકા Copyright © by ભોળાભાઈ પટેલ. All Rights Reserved.

Share This Book