ઇટાલિયન ગાયત્રી

M’illumino
d’immenso

મિ’લ્લુમિનો ડિ’મ્મેન્‌સો

—કવિ ઉન્ગારેત્તી

સખત ઠંડીના એ દિવસો હતા. ઘરનાં બારીબારણાં બંધ રાખ્યાં હતાં. અજવાળા માટે વીજળીનો દીવો પ્રગટાવ્યો હતો. એ અજવાળામાં બંધ બારીબારણે હું મારું દૈનંદિન કામ કર્યે જતો હતો. દિવસ કેટલો ચઢ્યો હશે એની ખબર પડે નહિ. રૂમમાં એકસરખું વીજળીના દીવાનું અજવાળું, કશી વધઘટ નહિ.

પછી કામ કરતાં કરતાં થંભી જઈ એકદમ બધી બારીઓ-બારણાં ખોલી નાખ્યાં તો બહાર ચારેકોર પ્રખર ઉજ્જ્વળ તડકો પથરાઈ ગયો છે. આખું આકાશ અને આખી પૃથ્વી ભરીને. તેજ–નર્યું તેજ. તેજનો લહેરાતો મહાસાગર જેવો ઘરની બહાર આવ્યો કે તેજનો એ સાગર જાણે વીંટળાઈ વળ્યો અને હું બોલી ઊઠ્યો :

મિ’લ્લુમિનો
ડિ’મ્મેનસો.

જાપ ન કર્યો એટલું જ, પણ જાણે મંત્ર હતો. એ મંત્રને કંઈક સ્પર્શ આ ક્ષણે થઈ રહ્યો હતો. મને થયું, એકાએક ક્યાંથી એક આધુનિક ઇટાલિયન કવિની આ કવિતા યાદ આવી ગઈ!

‘અનંતતાથી મને તેજોદ્દીપ્ત કરું છું.’ એ આ કવિતાનો ગુજરાતી ગદ્યાર્થ આપવા જતાં બે લીટીની, ના, માત્ર બે પદોની આ ઇટાલિયન કવિતાને હાનિ પહોંચે છે. એક અનુવાદકે એનો અંગ્રેજી પદ્યાનુવાદ આ પ્રમાણે આપ્યો છે:

આઈ ઈલ્યુમિન મી
વિથ ઇમેન્સ્ટિી

તો બીજા અનુવાદકે એનો ગદ્યમાં આ રીતે અનુવાદ કર્યો છે:

આઇ ફ્લડે માયસેલ્ફ વિથ લાઈટ
ઑફ ધ ઇમેન્સ

આ બન્ને અંગ્રેજી અનુવાદોથી એક રીતે મૂળ ઇટાલિયન કવિતાના શબ્દો સુધી પહોંચાય છે. ઇટાલિયન ‘ઇલ્લુમિનો’ અને અંગ્રેજી ‘ઇલ્યૂમિન’ તથા ઇટાલિયન ‘ઇમ્મેન્સો’ અને અંગ્રેજી ‘ઇમેન્સિટી’ની નિકટતા જોઈ શકાય છે.

પરંતુ આ કવિતાનો પાઠ કરતાં કરતાં જે બોધ અનુભવાય છે, તેને સમાંતર કોઈ ભાવ આપણી પરંપરામાં શોધવો હોય તો તે કદાચ આપણા ગાયત્રીમંત્રમાં કે કદાચ છાંદોગ્ય ઉપનિષદના સનતકુમારની આર્ષવાણી

યો વૈ ભૂમા તત્સુખમ્
અલ્પે સુખં નાસ્તિ

માં મળી આવે.

ગાયત્રીમાં પણ એક રીતે અનંતને, વિરાટને આહ્વાન છે. ઓમ્‌ના ઉચ્ચાર સાથે ભૂલોક, ભુવર્લોક અને સ્વર્લોક ત્રણ લોકનું જાણે આવાહન કરી ઋષિ દેવ સવિતાના વરેણ્ય ભર્ગનું ધ્યાન ધરે છે. અહીં ભૂમા કહેતાં વિરાટની સન્નિધિ છે, અને કેન્દ્રમાં છે સૂર્યદેવતા. સૂર્ય એટલે તેજ. એ ચરાચર બાહ્ય સૃષ્ટિને જ નહિ, ભીતરનાં ભીતર પણ આલોકિત કરે છે. ગાયત્રીના ઉદ્ગાતાએ એ દીપ્તતાનો અનુભવ કર્યો છે. સનતકુમાર પણ ભૂમાના સુખની વાત કરે છે. આ ભૂમા એટલે કે વિરાટ ઈશ્વરનો પર્યાય નથી તો શું છે? રવીન્દ્રનાથની પરિભાષામાં એને ‘અસીમ’ કહીએ.

ઇટાલિયન કવિ ઉન્ગારેત્તીની આ કવિતાને પણ ‘પરમ’ સાથેના સંભાષણ રૂપે કોઈ સમીક્ષકે જોઈ છે. આખી કવિતા એટલે કે આમ તો બે પદો જ — એક ઉદ્ગાર છે. કવિતા વીજળીની જેમ કવિચેતનામાં ઝબકારો પામી છે. એની અનુભૂતિ અને એની અભિવ્યક્તિ બન્નેમાં વીજળીના ઝબકારનું સાદૃશ્ય છે. આ સાદૃશ્ય એટલા માટે સૂઝે છે કે આ કવિતામાં તેજોદીપ્તિની વાત છે. ‘મિલ્લુમિનો’ — મને તેજદ્દીપ્ત કરું છું, એમ ગુજરાતીમાં કહી શકાય.

ગાયત્રીશ્લોકનું સ્મરણ થવાનું કારણ એ પણ છે કે આ કવિતાનું શીર્ષક છે, ‘માતિના’ — એટલે કે પ્રભાત. આ કવિતામાં ફૂટતા પ્રભાતનો અનુભવ છે. વરેણ્યભર્ગ સવિતાની ઉદયવેળાનો અનુભવ છે. સૂર્યોદય તો રોજ જોવાતો હોય, પણ આવી બોધિ તો કોઈ એક ક્ષણે થઈ જાય તો થઈ જાય. ઝેન પરિભાષામાં સાટોરિ–સંબોધિ. ‘માતિના’–પ્રભાતના કવિને એવી બાધિની, એવી આત્માને ઝળાંહળાં કરી દેતી એક ક્ષણ આવી ગઈ છે.

એ ક્ષણ આવી છે ભૂમા–વિરાટ અનંતોની હાજરીમાં. આ કવિતાનું અગાઉનું શીર્ષક હતું ‘ચિએલો ઓ મારે’ એટલે કે ‘ગગન અને સાગર’ – ગગન અને સાગર કરતાં વિરાટ શું? એટલે તે રામ-રાવણના યુદ્ધની ગરિમાને ઉચિત એવું વિરાટ ઉપમાન શોધવાની દિશામાં જતાં વાલ્મીકિએ કહ્યું હતું : ‘ગગન ગગનાકાર, સાગર સાગરોપમઃ’ ગગનથી કશું મોટું નહિ એટલે ગગનને ગગનની ઉપમા, સાગરથી કશું મોટું નહિ એટલે સાગરને સાગરની ઉપમા (તેમ રામ-રાવણના યુદ્ધથી કશું મોટું યુદ્ધ નહિ એટલે ‘રામરાવણયોઃ યુદ્ધં રામરાવણયોરિવ’) – રામરાવણનું યુદ્ધ એ રામરાવણના યુદ્ધ જેવું!

ગગન અને સાગર ભૂમાનો અનુભવ કરાવે છે. એક અ-લૌકિક સુખનો અનુભવ કરાવે છે. ઉન્ગારેત્તીની કવિતા એવા અલૌકિક સંસ્પર્શની કવિતા છે. પ્રભાત, ગગન અને સાગર આ ત્રણ હોય પછી શું? સૂર્યોદયની વેળાએ જ્યારે પવિત્ર તેજથી આખી પૂર્વ દિશા ઝળહળી ઊઠી હોય, એવે વખતે વિરાટ ગગનની નીચે વિરાટ સાગરની સમ્મુખ અભીપ્સુ મન લઈને કવિ ઊભા હોય, એ તેજ ક્ષણની કલ્પના આપણે કરી શકીએ.

પણ પ્રભાત, ગગન અને સાગર એ માત્ર પ્રાકૃતિક ઘટના જ બની રહે, જો, એ બધાની એકસાથેની સન્નિધિનો બંધ ઝીલનાર અભીપ્સુ ચેતના ન હોય. આ કવિતાનો પહેલો વર્ણ સ્વ-વાચક છે, કવિચેતના પોતાને તેજોદ્દીપ્ત-ભાસ્વત્ કરે છે. અંગ્રેજીમાં અનુવાદ છે એમ ‘આઇ ઇલ્યુમિન સી’ — પ્રભાતના આ દિગંત વિસ્તીર્ણ તેજની, આકાશની અનંત વ્યાપ્તિની અને સાગરની વિરાટ તરલતાની એટલે કે ‘ઇમ્મેન્સો’ની હાજરી છે, પણ તેટલામાત્રથી બધું બની જતું નથી, કેમ કે પોતે પોતાને ભાસ્વત્ દીપ્તિમંત કરવાનું છે, ઇમ્મેન્સોથી, ભૂમાથી. ભૂમા-વિરાટના અનુભવે કવિચેતના – મોટું નામ આપવું હોય તો ‘આત્મા’ – પોતે પોતાનો વિસ્તાર સાધે છે, એટલે કે તેજદીપ્તિ એ તો ભીતરનાં છે, જે ભૂમાના સંપર્કથી ઝળહળી ઊઠે છે.

ભારતીય તત્ત્વજ્ઞાનના અભ્યાસી મારા એક ઇટાલિયન મિત્ર ચેઝારે રિઝિ પાસે ઇટાલિયન ભાષાના વ્યાકરણનાં થોડાંક મૂળતત્ત્વો જાણવા પ્રયત્ન કર્યો હતો, એ પછી એમની સાથે ઉન્ગારેત્તીની કવિતાઓ વાંચતાં આ કવિતા—

મિ’લ્લુમિનો
ડિ’મ્મેન્સો

વાંચતાં તે જાણે હળવે પદે ફૂલ પર ચાલ્યા. મેં પણ પછી અનેક વાર આ કવિતાનો પાઠ કર્યો છે, ઇટાલિયન આવડતી તો નથી, પણ આટલી ઇટાલિયન તો હવે અપરિચિત નથી. કોઈ મુખસ્થ સંસ્કૃત શ્લોકની જેમ આ તડકાના સાગરમાં બહાર નીકળતાં જ આ કવિતા :

મિ’લ્લુમિનો
ડિ’મ્મેન્સો

બોલું છું અને આલોકદીપ્ત શબ્દોનો સ્પર્શ અનુભવું છું.

૧૯૮૪, ૧૯૮૯

License

શાલભંજિકા Copyright © by ભોળાભાઈ પટેલ. All Rights Reserved.

Share This Book