રામલીલા

થોડાં વર્ષો પહેલાં ભૂતકાળમાં જવું પડશે.

સ્થળ : ગામનો ચોરો.

સમય : શિયાળાની રાત્રિઓના આઠ પછી.

ચોરાને આથમણે ઊંચો ખૂણો છે, એની પાછળ ખુલ્લી જગ્યા. ત્રણ રસ્તા મળતાં થયેલા ત્રિભેટે ખુલ્લા ચોક જેવું બની ગયું છે. પેલા ઊંચા ખૂણાને એક બાજુ મોટા ઓટલાવાળી દુકાનની દીવાલની ઓથ મળે છે. પછી ત્રણે બાજુ દોરીથી ખીંચવાના — આજકાલની જેમ અડધેથી બન્ને બાજુ સરકી જતા નહિ, પણ ફીંડલાની જેમ ઉપર જતા કે નીચે ઊતરતા પડદા છે. પડદા ટાંગવા ઊભા કરેલા મંડપના આડા વાંસને છેડે પેટ્રોમૅક્સ લટકે છે. બંધ પડદા પર પી. છોટાલાલની કંપની એવું નામ ચીતરેલું છે. ડાબી બાજુ ખુરશીમાં બેસીને વગાડવાનું ઊભું હાર્મોનિયમ છે, બાજુના પાથરણા પર તબલાં. આ થયો ૨ંગમંચ.

પડદો લટકાવવા ખોડેલા બન્ને વાંસની નજીકથી અર્ધચંદ્રાકારે પ્રેક્ષકો બેસવા માંડે. એ પહેલી હરોળમાં દશની વયની અંદરનાં છોકરાં જ વધારે હોય. ક્યારનાંય આવીને બેસી ગયાં હોય, જગ્યાઓ રોકી હોય. પછી ગામના કિશોરો, જુવાનો, છેલછબીલાઓ બેઠા હોય. આ બાજુને ઓટલે કે દૂરની દીવાલને અઢેલીને ગામના મુરબ્બીઓ બેઠા હોય. હાર્મોનિયમવાળાની પાછળના ભાગમાં બહેનો, વહુવારુઓ અને માવડીઓ બેઠી હોય. આ થયું પ્રેક્ષાગાર. ત્રણ બાજુએથી આવતા રસ્તાઓ પ્રવેશ અને નિર્ગમનનાં દ્વાર, ઉપર તારામઢ્યું સ્વચ્છ આકાશ.

ગામમાં રામલીલાના ખેલ પડ્યા છે. આ વખતે પી. છોટાલાલની કંપની આવી છે. રોજ જુદા જુદા ખેલ થાય છે. ચંદ્રહાસ, રાણકદેવી — રા’ખેંગાર, રાજા ભરથરી, ભાથી લૂંટારો, જેસલતોરલ, અભિમન્યુનો ચકરાવો, વીણાવેલી… આ રામલીલામાં રામાયણનો એક પણ વેશ નથી ભજવાયો હજી, કદાચ ભજવાય.

રોજ ખેલ શરૂ થતાં પહેલાં એક પ્રવેશ હોય સૂત્રધારનો. સંસ્કૃત નાટકોમાં આવતી પ્રસ્તાવનાની જ પરંપરા, પણ રામલીલાના આ પ્રથમ પ્રવેશમાં અમ છોકરાંઓને મન સૌથી મહત્ત્વની ભૂમિકા તે વિદૂષક. રોજ એની એ જ વાત હોય, સંવાદ હોય, અભિનય હોય. એ રોજ હસાવે અને અમે રોજ હસીએ. પુનરાવર્તનનો કોઈ કંટાળો નહિ – જાણે પહેલી વાર જોઈ રહ્યા છીએ. ક્યારેક હમણાં અમુક વાક્યો આવશે, એની પ્રતીક્ષા હોય. એ વાક્યો કે વચનો એ જ નક્કી લહેકામાં બોલાય, પણ અમે પહેલી વાર હસતા હોઈએ એવું હસીએ.

બહુ વહેલા જઈને અમે છોકરાંઓ બેસી ગયાં હોઈએ. અમારી વાતોનો વિષય રામલીલાના અભિનેતા હોય. ઘણી વાર તો ચોરાની બાજુના કોઈ ખાલી ઘરની ઓસરીમાં એ બધાનો ઉતારો હોય ત્યાં સાંજે પહોંચી જઈએ અને જોઈએ કે કોઈ પેટ્રોમૅક્સ સળગાવી રહ્યું છે, કોઈ આજે પહેરવાના ડ્રેસ કાઢી રહ્યું છે. કેટલાક મેકપ કરી રહ્યા છે. સ્ત્રી-પાત્રો પણ ત્યાં જ મેકપ કરતાં, કારણ કે તેમાં કોઈ ખરેખર સ્ત્રી હોય નહિ. છોકરા, કિશોરો જ સ્ત્રીપાત્રો કરે, ક્યારેક કોઈ આધેડ વયનો પુરુષ પણ સ્ત્રીપાત્ર કરે. અમારે માટે એમાં નવાઈ પામવા જેવું નહિ. સ્વાભાવિક છે. સ્ત્રીપાત્ર કરનારા લાંબા વાળ રાખતા.

ત્યાંથી દોડી આવીને અમે અર્ધચંદ્રાકાર હારમાં બેસી જઈએ. હવે આવવામાં છે. ઉત્તેજનાના માર્યાં છોકરાં દોડી દોડીને એકાદિક વાર એકીપાણી કરી આવે. પછી વચ્ચેથી ઊઠવું ન પડે. વિદૂષક ઘણી વાર વચ્ચે ઊઠતા કોઈ છોકરાને બેસાડી દે, અને ઘણી વાર કહે — છોકરાં રે, છાશ પીઈને ના આવવું.

પછી પેટ્રોમૅક્સ આવે. અજવાળું અજવાળું પથરાઈ જાય. આમતેમ ઊભેલા સૌ બેસવા લાગે. વાજાવાળો આવીને ખુરશી પર બેસી જાય. એને પણ મેકપ કરેલો હોય. વચ્ચે નાનામોટો રોલ કરવો પડે. ઘણી વાર વચ્ચે ગાન આવે તો નાયક પણ હાર્મોનિયમ પર બેસી જાય. બધું સ્વાભાવિક.

આગળની લાઇનમાં બેઠેલા અમે પડદો જરા ઊંચો કરીને જોઈએ — કેટલી વાર છે. આખરે થાંભલે બાંધેલી દોરી છોડાય. એક જણ અંદરથી આવી દોરી ખેંચે. ખરેડીના અવાજ સાથે પડદો ઊંચે ચાલ્યો જાય. આડા વાળેલા ડાબા હાથમાં ગડીબંધ વસ્ત્ર રાખી સૂત્રધાર પ્રવેશ કરે, અને સૌપ્રથમ વિદૂષકનું આવાહન કરે. અમે એની જ રાહ જોતા હોઈએ. સૂત્રધાર ગાતાં ગાતાં જ વિદૂષકને બોલાવે :

‘નાટકપાત્રનો પ્રવેશ સજાવ્યો
તોયે વિદૂષક નાવ્યો…’

એક વખત ગાય, બે વખત ગાય ત્યાં તો વચ્ચેના પડદા પાછળથી વિદૂષક ડોકિયું કરી વિચિત્ર ચાળા કરી જીભ કાઢે અને સંતાઈ જાય. છોકરાઓ ખડખડ. સૂત્રધાર ફરી ગાય એટલે એકદમ હાથમાં રાખેલ નાના હાથાવાળા લાંબા ચાબુકનો ફટકો બોલાવતો કૂદતો-ગાતો વિદૂષક પ્રવેશ કરે.

‘આવ્યો આવ્યો મિત્ર આ હું આવ્યો
સાથે ખેલ મઝાનો લાવ્યો…’

બે-ત્રણ વખત ફેરફુદરડી ફરતે દરેક દિશામાં જઈ આવતો આ લીટીઓ ગાઈ પછી ઊભો રહી જાય. પણ એ વખતે એના ચેનચાળા ચાલતા હોય. સૂત્રધાર તો ગંભીર પહાડ. ગાનમાં જ પૂછે:

‘અરે મિત્ર તને આવતાં
લાગી કેમ વાર?’

એ જ રાગમાં વિદૂષક જવાબ આપેઃ

‘મારે ઘેર હતો છાશવાળો…’

છાશવાળો શબ્દ એવા વાચિક અભિનય અને હાવભાવથી બોલે કે ગામનાં જુવાનિયાં, પ્રૌઢો, ઘૈડિયાઓ ખડખડ હસે. અમને છોકરાંઓને ખબર ન પડે. બહુ વર્ષો પછી ખ્યાલ આવ્યો કે એ ગામડાની ‘સ્લૅંગ’ વાપરતો. છાશવાળો એટલે ‘વલોણું વલોવવાનો દિવસ’, પણ એનો ધ્વનિ-અર્થ ક્યાંનો ક્યાં પહોંચે! એકદમ શૃંગારિક.

પણ સૂત્રધાર ગંભીર. વિદૂષકને બોલાવવાનું પ્રયોજન કરે. એમાં કયો ખેલ ભજવવાનો છે, એની જાહેરાત થાય – એ પણ ગાતાં ગાતાં. જોઉં છું આ મુખડું છેક કાલિદાસ સુધી પહોંચે છે, કદાચ એની પહેલાં કાલિદાસે શાકુન્તલમાં વાપરેલા આર્યાગીતિ છંદમાં અમારી રામલીલાનો સૂત્રધાર ગાય :

આજે આ રંગભૂમિ પર
આજે આ રંગભૂમિ પર
રાજા ભરથરી નાટક ભજવવાનું…
તેમાં કામ પડ્યું છે તારું
મિત્ર, કામ પડ્યું છે તારું…

એટલે તરત જ વિદૂષક હવામાં ચાબુકના ફટકાનો અવાજ કરી જુદા જુદા અવાજમાં, પણ એ જ રાગમાં લાડવા બનાવવાના અભિનયની મુદ્રામાં ગાતાં ગાતાં કહેશેઃ

લચપચતા નવ લાડુ
લચપચતા નવ લાડુ
રોજ ખાવાની ટેવ પડી મુજને…
જો એ મુજને મળશે
મિત્ર, ચાલશે આપણું ગાડું.

અને પછી એકદમ રાગ તોડી, બે કૂદકા આગળ ભરી, વળી સૂત્રધાર સામે પાછો ફરી કહેશે – નહીં તો પછી સટપટર…

છોકરાં બધાં દૂંટીમાંથી ખડખડ.

(કાલિદાસના ચંદ્રમાં લાડુ જોતા વિદૂષકની —

‘એષ: ખંડમોદક સશ્રીક ઇવ ઉદિતો રાજા વિજાતિના’ ઉક્તિ તો કેટલી ફીકી લાગે!)

સૂત્રધાર ગંભીર સૂરે આસ્થાથી ગાતાં ગાતાં કહેશે, એ જ આર્યાગીતિના રાગમાં :

જરૂર વિદૂષક જમજે
જરૂર વિદૂષક જમજે
કાલ સવારે સીધું મળશે સારું…

વિદૂષક લાડુ જમવાનો અભિનય કરતો રહે અને હસાવતો રહે.

રામલીલાના રોજ ખેલ ભજવાય. કોઈ ટિકિટ નહીં. ફી નહીં. ગામ આખાને નોતરું હોય. ખેલ પૂરા થાય એટલે પછી ગામમાં ટીપ થાય અને સારો એવો ફાળો ગામ કરી આપે. પણ રોજરોજના ચા-પાણીના, જમવાના ખર્ચાનું શું? આ પહેલા પ્રવેશમાં એ ગામના સુખી કે શોખીન માણસો તરફથી મળે એવી રીતે આ સંવાદોનું આયોજન. વિદૂષક લાડુનું કહે, એટલે સૂત્રધાર ગામના સૌ લોકોને કહે કે હવે લાડવાનું કરવું પડશે. મોટેભાગે કોઈ ને કોઈ તરફથી પાક્કું સીધું મળી જાય. કોઈક દિવસ ના મળે ત્યારે કાચું સીધું તો મળી જ જાય. ક્યારેક લાડવાની વાત લંબાઈ જાય. અમે છોકરાંઓ વીલે મોઢે પાછળ વળી જોઈએ, કેમ કોઈ લાડવાનું બોલતું નથી? જેથી ખેલ આગળ ચાલે. વિદૂષકના મોઢા પર નિરાશાનો ભાવે દેખાવા લાગે છે, કેમ કોઈ આગળ આવતું નથી? વિદૂષકના મોઢે નિરાશા કેમ જોવાય? ત્યાં કોઈ લાડવા માટે પોતાનું નામ જાહેર કરે. જે લાડવાનું બોલે એના નામની વિદૂષક જય બોલાવે, અને આખું ગામ બોલે ‘જય’ – તેમાં અમારો છોકરાંનો અવાજ સૌથી મોટો હોય.

લાડવાનું ગોઠવાઈ જાય, સૂત્રધાર ચાલ્યો જાય, અને વિદૂષક ‘વીજળી’ને બોલાવે.

વહાલી વીજળીને આવતાં
લાગી કેમ વાર?

એ બીજી વાર બોલે ત્યાં તો પડદાની બન્ને બાજુએથી બે નટીઓ ગાતી ગાતી પ્રવેશ કરે.

સ્વામી સજવા રહ્યાં શણગાર…

વિદૂષક બંને તરફ જોતો, ચાબુકના હવામાં ફટકા લગાવતો, ગુસ્સો કરતો ગદ્યમાં પણ પૂછે. બંને વીજળીઓ વિદૂષકની પત્નીઓ. બે પત્નીના પતિનો અભિનય વિદૂષક એવી રીતે કરે કે ગામમાં જે બે બૈરાંવાળા હોય, તેમની દિવસે સૌ મજાક કરે. એ દિવસોમાં અનેક છોકરાંઓનાં નામ ‘વીજળી’ પડી જાય. અમે લોકો સમજ્યા વગર આ સંવાદો બોલીએ. એટલા રસથી એ બધું જોતા, જાણે બધું ગટગટાવી જતા. એક-બે વખત સાંભળીએ અને લાંબા લાંબા સંવાદો મોઢે થઈ જાય. બીજા દિવસની સાંજ પડે ત્યાં સુધી બોલ્યા કરીએ. વળી પાછા નવા સંવાદો ઉમેરાય.

વિદૂષક હોય સુદામો. એની બંને પત્નીઓ ફરિયાદ કરે, એ પણ ગાતાં ગાતાં :

ખડિયો તારો ખાલી
ચપટી કોઈએ ના આલી
મારા રોયા
રખડવાની ટેવ છે…

પછી એક પત્ની જમણો કાન પકડી થોડે આગળ ખેંચી કહે :

મારો હુકમ માનીને
બહાર જાઓ છો કે નહિ.

ત્યાં બીજી પત્ની ડાબો કાન પકડી પાછળ ખેંચી કહે —

મારો હુકમ માનીને
પાછા આવો છો કે નહિ…

વિદૂષકની સ્થિતિ જોઈ છોકરાંઓ સમેત ગામ આખું ખડખડ. પણ પછી વિદૂષક અને વીજળી મળી બીજા દિવસની ચાની ગોઠવણ માટે ગામ આગળ દરખાસ્ત મૂકે. ચાની ગોઠવણ એટલે કોઈએ દૂધ આપવાનું બોલવાનું, કોઈએ ચા અને કોઈએ ખાંડ. એ પણ બોલનાર આવે અને એમના નામની વિદૂષક અને વીજળી, જય બોલાવે, ગામ આખું બોલે ‘જય’ – એમાંય છોકરાઓનો અવાજ ઊંચો હોય. હવે આરતી પછી ખેલ શરૂ થશે પણ અમારામાંથી ઘણાને મન આ પ્રસ્તાવના એ જ મુખ્ય. પછી તો ક્યારેક ઊંઘ આવવા માંડે, કે ઘેરથી કોઈ વડીલ બોલાવી જાય એવું પણ બને.

ભવાઈખેલમાં આ વિદૂષકના બીજા અવતાર જેવો રંગલો જોવા મળતો. એ વિદૂષકના પૂર્વ રૂપ પછી તો કાલિદાસ કે શ્રીહર્ષ જેવાનાં સંસ્કૃત નાટકો કે શેક્‌સ્પિયરનાં અંગ્રેજી નાટકોમાં ‘જેસ્ટર’ રૂપે માણ્યાં છે.

પ્રસિદ્ધ સંસ્કૃત વિદ્વાન જી. કે. ભટ્ટની ‘વિદૂષક’ વિશે મોટી ચોપડી છે. એમાં એમણે પૂર્વના અને પશ્ચિમના અનેક વિદૂષકોની વાત કરી છે. એક પ્રકરણનું તો નામ જ ‘ધ ફીસ્ટ ઑફ ફૂલ્સ’ – એમાં બહુ બધા વિદૂષકો ભેગા કર્યા છે. ભલે એમાં અમારા વિદૂષકને સ્થાન નથી; પરંતુ એ બધા વિદૂષકોમાં અમારી રામલીલાના વિદૂષકની તોલે આવે એવો એક વિદૂષક કે જેસ્ટર લાગ્યો નથી. એ વિદૂષક જેટલું પછી નાટકચેટકમાં કોઈએ કદી દૂંટીમાંથી હસાવ્યા નથી – કે કદાચ પછી અમારી હસવાની શક્તિ ઘટી ગઈ છે!

License

શાલભંજિકા Copyright © by ભોળાભાઈ પટેલ. All Rights Reserved.

Share This Book